રવીન્દ્રપર્વ/૧૬૯. ચંચલા

From Ekatra Wiki
Revision as of 09:00, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૬૯. ચંચલા| }} {{Poem2Open}} હે વિરાટ નદી, તારાં અદૃશ્ય નિ:શબ્દ જળ અવિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૬૯. ચંચલા

હે વિરાટ નદી, તારાં અદૃશ્ય નિ:શબ્દ જળ અવિચ્છિન્ન અવિરલ સદા વહ્યાં કરે છે. તારા રુદ્ર કાયાહીન વેગે શૂન્ય સ્પન્દિત થઈને કંપી ઊઠે છે; વસ્તુહીન પ્રવાહનો પ્રચંડ આઘાત લાગતાં પુંજ પુંજ વસ્તુરૂપી ફીણ જાગી ઊઠે છે; પ્રકાશની તીવ્ર છટા, દોડ્યે જતા અન્ધકારમાંથી રંગોના ોત રૂપે ચારે બાજુ વિખેરાઈ જાય છે; તારા વંટોળમાં, બુદ્બુદ્ની જેમ સૂર્ય ચંદ્ર તારા ઘૂમરી ખાઈ ખાઈને મરે છે. હે ભૈરવી, હે વૈરાગિણી, કશા ઉદ્દેશ વિના તું ચાલી રહી છે, એ તારું ચાલવું જ તારી રાગિણી છે, એના સૂર શબ્દહીન છે. અન્તહીન દૂર શું તને નિરન્તર સાદ દે છે? તેથી એના સર્વનાશી પ્રેમમાં તું ઘર છોડીને વહ્યા કરે છે. એ ઉન્મત્ત અભિસારે તારા વક્ષ પરનો હાર ફરી ફરી દોલાયમાન થઈ ઊઠે છે, ને એ આપમેળે નક્ષત્રોના મણિને વિખેરી દે છે. તારા છુટ્ટા વાળ અન્ધકાર ફેલાવતા શૂન્યમાં ઝંઝાવાતની જેમ ઊડે છે; તારો આકુલ અંચલ કંપતાં તૃણમાં ને વનવનના ચંચલ પલ્લવપુંજમાં રગદોળાય છે; તારા ઋતુના થાળમાંથી વારે વારે રસ્તે રસ્તે જૂઈ, ચંપો, બકુલ, પારુલ ખરી પડે છે. તું કેવળ દોડ્યે જાય છે, દોડ્યે જ જાય છે, ઉદ્દામ ગતિએ દોડ્યે જ જાય છે, પાછું વળીને જોતી નથી, તારું જે કાંઈ છે તે બંને હાથે ફેંકતી જાય છે. તું કશું સંઘરતી નથી, કશાનો સંચય કરતી નથી; તને નથી શોક, નથી ભય — વહ્યે જવાના આનન્દવેગમાં અબાધિત ગતિએ તું તારા પાથેયને ખરચી નાખે છે. જે ક્ષણે તું પૂર્ણ હોય છે તે ક્ષણે તારું કશું હોતું નથી, તેથી જ તો તું સદા પવિત્ર છે. તારા ચરણસ્પર્શે પળે પળે વિશ્વની ધૂળ એની મલિનતા ભૂલી જાય છે ને મૃત્યુ ધસારાભેર જીવન બની જાય છે. જો તું ઘડીભર થાકીને થંભીને ઊભી રહી જાય તો તરત ચમકીને પુંજ પુંજ વસ્તુના પર્વતોથી જગત ઊભરાઈ ઊઠે. તારું પંગુ મૂક બહેરું અંધ કબંધ ભયંકર સ્થૂળકાય બાધારૂપ બનીને બધાને રોકી દઈને રસ્તા વચ્ચે ઊભું રહી જશે; સૂક્ષ્મતમ પરમાણુ પોતાના ભારથી, સંચયના અચલ વિકારથી કલુષની વેદનાના શૂળથી આકાશના મર્મમૂળે વીંધાઈ જશે. હે નટી, હે ચંચલ અપ્સરા, અલક્ષ્ય સુન્દરી, તારી નૃત્યમન્દાકિની સદા ઝરી ઝરીને મૃત્યુસ્નાને વિશ્વના જીવનને પવિત્ર કરી મૂકે છે. આખું આકાશ નિ:શેષ નિર્મળ નીલિમામાં ખીલે છે. હે કવિ, અલક્ષિત ચરણની આ અકારણ ને અવારણીય ગતિએ, ઝંકારમુખર આ ભુવનમેખલાએ, તને આજે ઉન્મત્ત કરી મૂક્યો છે. તારી નાડીએ નાડીએ ચંચલનો પદધ્વનિ સાંભળું છું. તારા વક્ષમાં એ રણઝણી ઊઠે છે. કોઈ જાણતું નથી — તારા રક્તમાં આજે સમુદ્રના તરંગો નાચે છે, અરણ્યની વ્યાકુળતા કંપી ઊઠી છે; આજે પેલી વાત યાદ આવે છે: જુગજુગથી હું ચાલતો આવ્યો છું. પડતોઆખડતો, ગુપચુપ, એક રૂપથી બીજા રૂપે, પ્રાણથી પ્રાણે; રાત્રે ને પ્રભાતે જે કાંઈ હાથમાં પામ્યો છું તેનો દાને દાને, ગીતે ગીતે ક્ષય કરતો આવ્યો છું. અરે જો, એ જ ોત મુખરિત થઈ ઊઠ્યો છે, તરણી થરથર કમ્પે છે, તીરે કરેલો સંચય તારો છો ને તીરે જ પડ્યો રહેતો — એ ભણી નજર પાછી વળીને જોઈશ નહીં. સમ્મુખની વાણી તારી પાછળના કોલાહલમાંથી તને મહાોતમાં અતલ અન્ધકારે ને અપાર પ્રકાશમાં ખેંચી લો. (બલાકા)
(બલાકા)