રવીન્દ્રપર્વ/૧૯૯. જો મરતાં આવડે તો
મૃત્યુ એક મોટા કાળા કઠિન કસોટીના પથ્થર જેવું છે. એના ઉપર કસીને જ સંસારના સમસ્ત સાચા સોનાની પરીક્ષા કરવામાં આવે છે. આવો એક વિશ્વવ્યાપી સાર્વજનિક ભય પૃથ્વીના માથા ઉપર જો તોળાઈ ના રહ્યો હોત તો સત્યમિથ્યાને, નાનાં મોટાં અને મધ્યમને વિશુદ્ધ ભાવે તોલી જોવાનો બીજો કોઈ ઉપાય જ ના રહ્યો હોત. આ મૃત્યુની તુલામાં જે જાતિઓનું તોલ થઈ ગયું છે તે કસોટીમાંથી પસાર થઈ ગઈ છે. તેઓએ પોતાનું પ્રમાણ આપી દીધું છે. પોતાની આગળ કે બીજાની આગળ હવે તેમને કુણ્ઠિત થવાનું કશું કારણ નથી. મૃત્યુ દ્વારા જ તેમનાં જીવનની પરીક્ષા થઈ ગઈ છે. ધનીની યથાર્થ પરીક્ષા દાને; જેને પ્રાણ છે તેની યથાર્થ પરીક્ષા, પ્રાણ દેવાની શક્તિમાં. જેને વિશે પ્રાણ વગરના છે એમ જ કહેવું પડે, તેઓ જ મરવામાં કૃપણતા કરે છે. જે મરી જાણે છે તેને જ સુખનો અધિકાર. જે જય પ્રાપ્ત કરી શકે તેને જ ભોગ છાજે. જેઓ જીવનની સાથે સુખને, વિલાસને બન્ને હાથે જકડી રાખે તેવા ઘૃણિત ગુલામની આગળ સુખ પોતાનો બધો ભણ્ડાર ખોલી દેતું નથી; તેમને એ માત્ર ઉચ્છિષ્ટ દઈને બારણે જ ઊભા રાખે છે. પણ મૃત્યુનું આહ્વાન માત્ર સાંભળીને જેઓ તરત જ દોડી જાય છે, જેઓ સુખની તરફ પાછા ફરીને નજર સરખી પણ કરતા નથી, તેમને જ સુખ ચાહે છે. જેઓ શક્તિપૂર્વક ત્યાગ કરી શકે છે તેઓ જ પ્રબલ ભાવે ભોગ કરી શકે છે. જેઓ મરી જાણે નહીં, તેમના ભોગવિલાસની દીનતા, કૃશતા, કૃપણતા ગાડીઘોડા કે દાસદાસીથી ઢંકાઈ જતી નથી. ત્યાગની વિલાસવિરલ કઠોરતામાં જ પૌેરુષ રહ્યું છે. સ્વેચ્છાએ એને વરીએ તો જ આપણે આપણને લજ્જાથી બચાવી શકીએ. આને માટે બે રસ્તા છે — એક ક્ષત્રિયનો રસ્તો, બીજો બ્રાહ્મણનો રસ્તો. જેઓ મૃત્યુભયની ઉપેક્ષા કરે છે તેમને માટે જ પૃથ્વીની સુખસંપદ્ છે. જેઓ જીવનના સુખને અગ્રાહ્ય કરી શકે છે તેમને માટે જ મુુક્તિનો આનન્દ છે. આ બંનેમાં પૌરુષ રહ્યું છે. પ્રાણ દેવા મુશ્કેલ છે તેમ સુખની મને સ્પૃહા નથી એમ કહેવું પણ ઓછું મુશ્કેલ નથી. પૃથ્વીમાં જો મનુષ્યત્વના ગૌરવે માથું ઊંચું રાખીને ચાલવું હોય તો આ બેમાંથી એક કહેવાની શક્તિ હોવી જોઈએ. કાં તો વીર્યપૂર્વક કહેવું જોઈએ કે, ‘હું ચાહું છું.’ કાં તો વીર્યપૂર્વક કહેવું જોઈએ કે ‘મને આની સ્પૃહા નથી.’ ‘મારે જોઈએ, જોઈએ,’ એમ કહીને રડવું ને મળે ત્યારે ગ્રહણ કરવાની તાકાત નહીં, ‘નથી જોઈતું’ કહીને પડી રહેવું કારણ કે પામવાનો ઉદ્યમ કરવાની દાનત નહીં — આવો ધિક્કાર સહન કરીને જીવ્યે જાય તેમને માટે, યમ પોતે દયા કરીને ઉપાડી નહીં લે ત્યાં સુધી, મરવાનો બીજો કોઈ રસ્તો જ નથી. (સંચય)