અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/નયણાં (ઊનાં રે પાણીનાં...)

From Ekatra Wiki
Revision as of 16:03, 18 October 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


નયણાં (ઊનાં રે પાણીનાં...)

વેણીભાઈ પુરોહિત

ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં—
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :

સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.

સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ :
સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.

(સિંજારવ, પૃ. ૧૧૪)



આસ્વાદ: સરળતાની કેડી પર સત્ય – હરીન્દ્ર દવે

આપણી કવિતાની પરંપરામાં ભજનવાણીનું અનોખું સ્થાન છે; નિજાનંદની લહરી ચઢે અને કવિના મુખેથી સરળતામાં જીવનના અપૂર્વ રહસ્યને પ્રકટાવતો ઉદ્ગાર સરી પડે; આપણા આધુનિક કવિઓમાંથી ભજનરંગનો આ કેફ જોવા મળે છે મકરન્દમાં અને ક્યારેક ડોકાઈ જાય છે વેણીભાઈમાં.

વાત બહુ નાનકડી લાગે છે પણ એ ઘણી મોટી મીટ માંડે છે. આંખોનો મત્સ્ય સાથે તો સંસ્કૃત કવિઓ પણ સરખાવે છે. પરંતુ આપણા આ કવિ એ પ્રતિરૂપને નવા જ અર્થસૌંદર્યથી રસે છે. ઊનાં પાણીનાં અદ્ભુત માછલાં તરીકે ઓળખાવી નયનનો સંદર્ભ કવિ સંવેદનસ્નિગ્ધ હૃદય સાથે જોડે છે. આ તદ્દન નવી જ Image છે. આ ક્ષણેથી અર્થછાયાઓ સમૃદ્ધ બનતી જાય છે. કવિ કયાં નયનની વાત કરે છે? ચેહરા પર ચોડાયેલાં અને સ્થૂળ જગતને નીરખતાં નયનની કે સમાધિસ્થ યોગીને પ્રાપ્ત થતાં સૂક્ષ્મ નેત્રની? કવિને આ બંને અભિપ્રેત છે. એમાં આસમાની ભેજ અને આત્માનું તેજ બંને ભળેલાં છે. આમ જુઓ તો કાચનાં, હમણાં અડકીએ ને ફૂટી જાય એવાં કાચલાં લાગે એવી આ આંખો છે. પણ અહીં ‘સાચા’ શબ્દને સૌ પ્રથમ મૂકી કવિ આખી પંક્તિને નવું રૂપ આપે છે. ખરેખર તો આ સાચાં નયન છેઃ આખી યે દુનિયા તથા જિજ્ઞાસા અને ગજું હોય તો અખિલાઈને પણ તાદૃશ કરવાની શક્તિ ધરાવતાં નયન એ સાચાં તો ખરાં જ છતાં સ્થૂળ દેખાવે અને આપણે મોટા ભાગે એનો સ્થૂળ ઉપયોગ કરીએ છીએ એ રીતે એ તદ્દન કાચાં પણ છે. કોઈ હોમર કે કોઈ પંડિત સુખલાલજીનાં નેત્રો આપણાં કરતાં વધારે સાચાં નથી શું?

આ સાચાં અને કાચાંનો વિવેક કવિ કરે છે ત્યારે ધર્મતત્ત્વનો પરમ વિવેક અજાણતા જ થઈ જાય છે. ‘છીછરાં અતાગ’ પણ આવી જ શબ્દજોડલી છે. નેત્રનું તળ તો નરી આંખે દેખાય છે, છતાં એ અતાગ છે. એમાં નાનકડી દાબડીમાં કોઈ ક્યારેય ન સમાવી શકે એટલાં જળ સભરભર્યાં છે એટલું જ નહીં, જળ અને અગ્નિ જેવાં તત્ત્વો તેમાં સાથે વસ્યાં છે. જળ પણ સાત સાગરનાં, અગ્નિ તે પણ જેવો તેવો નહીં પણ વડવાનરનો અગ્નિઃ આમ છીછરાં દેખાતાં નેત્રો કેટલાં અતાગ છે! અગ્નિ અને જળની આ લીલા વચ્ચે માનવી ટકી રહે છે એનાં સ્વપ્નો દ્વારા. આંખમાંની ચમકને આધારે આ માણસ જીવનમાંથી શું નીપજાવશે એનો ક્યાસ નીકળી શકે છે.

આંખો હમેશાં ભીની હોય છે એટલે જ કદાચ એને ગુપ્તગંગા કહી શકો. ક્યાંકથી કોઈક ગુપ્ત સરવાણી સતત નેત્રની સપાટી પર થોડુંક જળ રાખી વહેતી જ રહે છે. હરિદ્વારમાં સંધ્યાકાળે ગંગામાં તરતા દીપકોનું સ્મરણ થઈ જાય છે, આ ગુપ્તગંગામાં તરતા બે દીવાને નીહાળીને! આ નેત્રદીપકોમાં ક્યારેક રંગ અને વિલાસની લાલ જ્યોત પણ દેખાય છે. તો કોઈ વાર એ જ નેત્રોમાં પ્રભુ પામવાની તડપન દૃષ્ટિગોચર થાય છે.

જળ અને અગ્નિ જેવાં જ પરસ્પર વિરોધી તત્ત્વો ઝેર અને અમૃત પણ આ આંખોમાં જ વસે છે. આપણા જીવનમાં આગલાં ને પાછલાં ઝેર અને અમૃત બંને ભળ્યાં હોય છે. આંખો એ બંનને સાથે રાખે છે. કોઈકને જોઈ ઝેર વરસતી આંખો ક્યાંક અમૃતની ઠારતી નજર પણ નાખી જ લે ને ને?

ઊનાં જળનાં માછલાંની કથા અદ્ભુત છે, ભજનવાણીનો કેફ આપણા દિમાગમાં છવાઈ જાય છે. સાદા શબ્દો એક સત્ય સુધી આપણને દોરી જાય છે, આપણા ચિત્તમાં સ્થાયી નીડ બાંધી લે એવું સત્ય. (કવિ અને કવિતા)