અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ /દુઃખની ધરતીના અમે છોડવા
Revision as of 07:52, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
દુઃખની ધરતીના અમે છોડવા
ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’
દુઃખની ધરતીના અમે છોડવા,
સુખ કાજ તાકીએ અંકાશ;
પવન લહરે લાગીએ ડોલવા,
સુખના કેવા આભાસ? — દુઃખની.
લીલાં લીલાં અમારાં પાંદડાં
જોઈને મરકીએ મન માંહ્ય,
ઝૂમીએ ધરીને માથે ફૂલડાં,
સપનાં કે સુરભિ સદાય! — દુઃખની.
ધરતી છોડીને કોણ કદી ક્યાં ગયાં
ઉપર ઊંચે આકાશ?
સુખ તે સદાનાં કોને સાંપડ્યાં?
આ તે કેવા વિશ્વાસ? — દુઃખની.
એવા વિશ્વાસ સરજે માનવી
જેનાં મૂલ ન થાય,
દુઃખની ધરતીથી જગાડે જે નવી
જિન્દગી, ધન્ય એને ભાઈ! — દુઃખની.
(ચિરવિરહ, પૃ. ૩૫)