અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /અમારી બાદશાહી છે
Revision as of 08:32, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
અમારી બાદશાહી છે
`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી
અમારા કર મહીં છે જામ, તારે કર સુરાહી છે,
કોઈ શું જાણશે, કેવી અમારી બાદશાહી છે?
ન એને સાથની પરવા, ન એને રાહથી નિસ્બત,
ન એને મનથીયે મસલત, કોઈ એવોય રાહી છે.
પવન કેરા સપાટે આઘી પાછી થઈ હશે કિંતુ,
દિશા ચૂકી નથી નૈયા, સિતારાની ગવાહી છે.
ઘડો જે ઘાટ ઘડવો હોય તે, ગમતાં બીબાં ઢાળો,
અમારી આગ છે તે આગ છે, કિંતુ પ્રવાહી છે.
તમારી દેન માનીને સ્વીકારી છે મળી એવી,
પૂછી જુઓ ને ખુદ અમ જિંદગીને, કેવી ચાહી છે!
અમે તમ મ્હેરના વરસાદથી નાહ્યા છીએ એવા,
કે જેવી શ્રાવણી વરસાદથી આ સૃષ્ટિ નાહી છે.
ગમે ન્હૈ કેમ ‘ગાફિલ’ની ગઝલ હર એક હૈયાને?
કે એનો શેર એકેકો અલખનો ભાવવાહી છે.
(બંદગી, બીજી આ. ૨૦૦૦, પૃ. ૪૭)