અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/કંચુકીબંધ છૂટ્યા ને
Revision as of 12:32, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
કંચુકીબંધ છૂટ્યા ને
પ્રિયકાન્ત મણિયાર
કંચુકીબંધ છૂટ્યા ને હઠ્યું જ્યાં હીર-ગુંઠન
હૈયાનાં લોચનો જેવાં દીઠાં બે તાહરાં સ્તન.
વૃત્તિઓ પ્રેમની સર્વ કેન્દ્રિત થઈ જ્યાં રહી;
પ્રીતના પક્ષીનો માળો રાતી નીલી નસો મહીં.
અગમ્ય રૂપનાં કિન્તુ ત્વચા તો પારદર્શક,
મનનાં લોહને મારાં ચુંબક જેમ કર્ષક,
દીસંત આમ તો જામે ઘાટીલી નાની ગાગર,
જાણું છું ત્યાં જ છૂપા છે શક્તિના સાત સાગર!
મન્મથ-મેઘ ઘેરાતા કાયાના વ્યોમમાં લસે,
તારા ત્યાં સ્તનના જાણે મોરલા ગ્હેકી ઊઠશે!
દીઠું મેં એવું એવું કૈં ભાવિ ને ગત કાલની
વસંતો ઊર્મિઓ વેરે સાંપ્રતે હ્યાં જ વ્હાલની;
કંચુકીબંધ છૂટ્યા ને—
રહસ્ય-બંધને બાંધ્યો…
(આ નભ ઝૂક્યું, પૃ. ૭)