અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/બે મંજીરાં

From Ekatra Wiki
Revision as of 12:04, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


બે મંજીરાં

ભગવતીકુમાર શર્મા

મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં...
કૃષ્ણકૃષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા:
એક મંજીરે સૂરજ ઝળહળ,
બીજે અમિયલ ચન્દા.
શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા...
રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;
વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.
હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં....
મારે રુદિયે બે મંજીરાં.
(ઝળહળ, ૨૪-૮-૧૯૮૭)