અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/હું એને જગાડું છું

Revision as of 12:33, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હું એને જગાડું છું

લાભશંકર ઠાકર

હું
દરિયાના જળરાશિમાં
હલબલતો વિસ્તાર.
પવનની ગલીપચીનાં
ગતિશીલ શિલ્પોને
મેં નકાર્યાં નથી.
ને
ચંદ્રના શીતલ લેપોથી
આકાશને પલાળી નાખ્યું છે.
ટેકરીઓની
ઉત્ફુલ્લ છાતીની છાયાઓથી
ટકરાયો છું
ને પર્વતની
પ્રલંબ કાયાઓ સાથે
મૈથુનમગ્ન બન્યો છું.
કાંઠા-ખડક પર
જાળ નાખી,
ઈશ્વર ઊંઘી ગયો છે;
હું
એને જગાડું છું.



આસ્વાદ: અનન્ય કાવ્યત્વ દર્શાવતું કાવ્ય – રાજેન્દ્ર પટેલ

કવિ લાભશંકર ઠાકર ગુજરાતી કાવ્યવિશ્વના એક વિલક્ષણ કવિ છે. એમનાં કાવ્યોમાં ત્રણ પ્રકારનાં કાવ્ય-પરિમાણો જોવા મળે છે. પ્રથમ પરિમાણ એમની શબ્દ-લીલાની સર્જકતાથી સર્જાય છે. એમનાં કાવ્યોમાં શબ્દો સહજ અને વિશિષ્ટ લય અને નાદથી રસેલાં હોય છે. આ અપૂર્વ ભાષાકર્મમાં એમની નિજી કાવ્ય-મુદ્રા ઊભરી આવતી હોય છે. ‘તડકો’ કાવ્ય એ રીતે તપાસવા જેવું છે. બીજું પરિમાણ તે એમની કાવ્ય-ચેતના, તેની મથામણ અને આવેગભર્યો સઘન કાવ્ય-પ્રવાહ. ઊથલપાથલ થતી આ કવિચિત્તની ચેતના એક આગવી કાવ્ય-ગૂંથણી રચે છે. ‘પ્રશ્ન’ કાવ્ય એ રીતે આસ્વાદવાયોગ્ય છે. ત્રીજું પરિણામ એ એમનું કાવ્ય-વિઝન; એમની સહજ અને અહેતુક પ્રબળ વિસ્મયથી મુદ્રિત કાવ્ય-વિચારધારા. ચંદ્રકાન્ત શેઠ એમના એક કાવ્યસંગ્રહ સંદર્ભે નોંધે છે કે ભાષા-લય-પ્રતીક-કલ્પન-પુરાકલ્પન-આત્મકલ્પનની જટાજાળમાંથી એમની કવિતાનો એક અનન્ય બળવાન ચહેરો ઊપસી આવે છે. અપૂર્વ શબ્દ-લીલા, કાવ્ય-ચેતના અને કાવ્ય-વિચારતત્ત્વનું ત્રિપરિમાણિક કાવ્યત્વ એમની અરૂઢ કાવ્યશૈલીનું નિર્માણ કરે છે. જે કાવ્યમાં એકીસાથે એકરૂપ થયેલું લાધે છે. પ્રસ્તુત કાવ્ય ‘હું એને જગાડું છું’ને એ રીતે અહીં આસ્વાદવાનો પ્રયાસ છે.

આ કાવ્યના આરંભે જ કાવ્યનાયક પોતાનો પરિચય આપી દે છે. અસ્તિત્વનાં કંઈ કેટલાય અગોચર પાસાંઓને વ્યક્ત કરતાં કવિ કહે છે :

‘હું દરિયાના જળરાશિમાં હલબલતો વિસ્તાર.’

સામાન્ય રીતે ‘વિસ્તાર’ સદા સ્થિર હોય છે — જોકે અહીં કોઈ નિશ્ચિત સ્થળની વાત નથી પણ જાણે કવિ ચેતોવિસ્તારની ગતિને નિર્દેશે છે જે સતત સક્રિય છે, સર્જનવિસર્જનની લીલામાં રત છે. સતત ચંચલ છતાં ડાયનૅમિક.

‘પવનની ગલીપચીનાં ગતિશીલ શિલ્પોને મેં નકાર્યાં નથી.’

કવિસંવેદના કેટલી સૂક્ષ્મ તથા જાગ્રત છે તે બીજા કલ્પન-વિધાનથી અનુભવાય છે. ઇન્દ્રિયગોચર અનુભવ વ્યક્ત કરતા કવિ ‘ગલીપચી’ શબ્દનો આ કાવ્ય-ક્ષણે કેવો સુંદર વિનિયોગ કરે છે! એટલે ફરીથી કવિ સ્થિરતામાં નહિ, અસ્થિરતાનો મહિમા કરે છે. નિતનવાં પરિવર્તનો તો જ શક્ય બને. શિલ્પો સ્થિર હોય પણ કવિએ તો જગાડવાનું જાણે પણ લીધું છે. એટલે બીજા કલ્પનમાં એ સ્થિરને અસ્થિરમાં રૂપાંતર કરતાં કહે છે કે ગતિશીલ શિલ્પોને નકાર્યાં નથી.

કાવ્યમાં હવે પછી જે કલ્પન આવે છે તે ઉપરના કલ્પન કરતાં જુદું છે. હવેની પંક્તિમાં કવિ અદૃશ્યને દૃશ્યમાં પલટે છે!!

‘ચંદ્રના શીતલ લેપોથી આકાશને પલાળી નાખ્યું છે.’

અદૃશ્ય આકાશને પલાળવાના ક્રિયાપદથી વિસ્મયકારી નવો અનુભવ કરાવે છે. એથી જ આ કાવ્ય એના કાવ્યત્વથી એક નવી ભાત પાડે છે. કવિતા વિશે વાત કરતાં આધુનિક કવિતાના મહાન કવિ-વિવેચક ટી. એસ. એલિએટ કહે છે :

I suppose it will be agreed that every good poet has something to give us besides pleasure, there is always the communication of some new experience, or some fresh understanding of the familiar, or the expression of something we have experienced but have no words for, which enlarge our consciousness or refines our sensibility… without producing these two effects it simply is not poetry.

T.S. Eliot, Poetry and Poets (London : Faber, 1957), p. 18.

એલિએટ કહે છે કે કદાચ તમે સહમત થશો કે દરેક સારા કવિએ આપણને આનંદ સાથે કશુંક આપવાનું પણ હોય છે, જેમાં નવીન અનુભૂતિનું પ્રત્યાયન હોય છે, અથવા જાણીતી વાતની તાજગીસભર નવી સમજ હોય છે, અથવા એવી અભિવ્યક્તિ કે જે અનુભવની અભિવ્યક્તિ માટે આપણને શબ્દો મળતા હોતા નથી, જે આપણો ચેતોવિસ્તાર કરે અથવા આપણી સંવેદનાઓને પરિશુદ્ધ કરે… આ બે વાનાં સર્જે નહિ તે સ્પષ્ટપણે કવિતા હોઈ શકે નહિ.

પ્રસ્તુત કાવ્ય આપણને એક નવીન અનુભવ કરાવે છે એટલું નહિ, પણ નવી સમજ માટે અવકાશ રચે છે. એલિએટે દર્શાવેલાં કાવ્યલક્ષણો પણ અહીં લાધે છે.

કાવ્યમાં હવે પછી આવતું કલ્પન વળી એક ત્રીજો નવીન અનુભવ કરાવે છે. કવિ વાસ્તવમાં જે ઊંઘી ગયું છે સર્જકત્વ તેને જગાડવા વિસ્મય આધારિત શબ્દબળે નવા અર્થના દ્વાર ખોલે છે. હવે કવિ આગળ સ્થિરતામાં સાયુજ્ય સાધી તેની સાથે એકરૂપ બની એને જગાડવાનું ભગીરથ કામ કરે છે.

‘પર્વતની પ્રલંબ કાયાઓ સાથે મૈથુનમગ્ન બન્યો છું.’

આટઆટલું મથવા પાછળનો સહજ અહેતુક પ્રયત્ન તો ચેતનાને જગાડવાનો છે. કવિ રૂપક પરંપરાનું મૂકે છે. ઈશ્વર. પણ એનો સંકેત નર્યો માણસ ભણી છે. કારણ કે આ સર્જકત્વ, આ મનુષ્યચેતના અથવા મનુષ્યમાં રહેલું ચેતનતત્ત્વ નામે ઈશ્વર સૂતું છે. બાહ્ય સૃષ્ટિનો સર્જનહાર કદાચ ઊંઘી ગયો છે પણ અંદરનો સર્જક પણ સૂતો છે.

‘કાંઠા-ખડક પર જાળ નાખી, ઈશ્વર ઊંઘી ગયો છે;’

નિત્શેની જેમ પણ કવિ કહેતા નથી કે ઈશ્વર મરી પરવાર્યો છે. નિત્શેને અભિપ્રેત તો છે : ‘God is dead; but knowing the ways of men, there may still exist caves in which his shadow will be exhibited for thousands of years. And we still have to eradicate his shadow too. (The Gay Science, 1882) આ કાવ્યમાં ઈશ્વરનો સંદર્ભ નિત્શે કરતાં જુદો છે.

ઉદ્યમથી અલિપ્ત સર્જકચેતનાને જગાડવા કવિ કેટકેટલા આયામ આ નાના કાવ્યમાં કરે છે!! કવિ એ સંદર્ભે આ કાવ્યમાં પંચતત્ત્વનો ઉપયોગ કરે છે. જળ (જળરાશિ), વાયુ (પવન), અવકાશ (આકાશ), પૃથ્વી(ટેકરીઓ) અને અગ્નિ(મૈથુન) તમામ પંચતત્ત્વનો ખપ લે છે. સ્થિરને અસ્થિરમાં, અદૃશ્યને દૃશ્યમાં, મૂર્ત સાથે સંયોજન દ્વારા, માયા પાથરીને જે સૂઈ ગયું છે તે તત્ત્વને જગાડવાની પ્રક્રિયા દર્શાવતા આ કાવ્યમાં લા૰ઠા૰ની અનેરી સર્જકતા ઊભરી આવે છે. જાણે કવિ પોતાની સર્જકતાને જ જગાડે છે, સંકોરે છે.

રવીન્દ્રનાથ ટાગોર ‘જીવનદેવતાની’ જે ભૂમિકા રચે છે એ જ કદાચ કવિને આ કાવ્યમાં અભિપ્રેત હશે એમ લાગે છે. રવીન્દ્રનાથના ઊંડા અભ્યાસુ અબુ સૈયદ અય્યુબ જીવનદેવતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં એમના એક લેખમાં નોંધે છે.

(He urged more than once that ‘Jivan-devta’ did not mean the Lord of the universe, but only the lord of his own life and destiny. In a way, we are being told not only that each man has his own religion — as we have been told by Vivekanand and Gandhi — but that each man has his own God, who is a different from the God of other men as he him self is from them. This is not polytheism but individualized not heism… That is why he made haste to deny that by Jivan-devta — a name he had given to the moving force behind his poetry — he did not mean the God of all mankind and of all world.) (Tagore Quest, Abu Sayeed Ayyub, p. 45)

જ્યારે કવિ લા૰ઠા૰ નિજી ઈશ્વરને જગાડે છે જે સૂતો છે. જાળ પાથરીને. ત્યારે ઈશ્વરનો ઉપર્યુક્ત સંદર્ભ બંધબેસતો લાગે છે. હું એને જગાડું છું. એ વાક્યથી અંત પામતું આ કાવ્ય એક અનન્ય કાવ્યપ્રક્રિયા દર્શાવતું જાણે નવા આરંભને ચીંધે છે. આ કાવ્યત્વ કવિની આગવી ચૈતસિક ઓળખ પણ બની રહે છે. (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)