સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અંબુભાઈ શાહ/તીર
“એ સૂર્યવંશી! ક્યાં સુધી ઘોરવું છે? દુકાને ક્યારે જઈશ? ચાલ ઊઠ, ઝટ તૈયાર થા!” મનહરલાલે પુત્રાને ઉઠાડતાં કહ્યું. પુત્રા તરત ઊઠયો. પણ પિતાના શબ્દો એની છાતીમાં વાગ્યા. મારનો ઘા કંઈક હળવો બને છે? — એ જોવા પુત્રો ખુલાસો કર્યો : “રાતે મોડે સુધી નામું લખ્યું હતું એટલે જરા મોડું...” “હું તને ન ઓળખતો હોઉં તો ને?” પિતા વચ્ચેથી જ ગરજ્યા. “લખ્યાં નામું હવે! ખાલી બહાનાં ન બતાવ. ઊંઘણશી છે ઊંઘણશી!” પુત્રાના મનમાં થયું, “શું પોતે નામું નહોતું લખ્યું? પોતાના ઉપર આટલો બધો અવિશ્વાસ?” ઘા વધુ ઊંડો થયો. ખિન્ન મને પુત્રા દુકાને ગયો..... મુનીમ આજે દુકાને મોડા આવ્યા. પુત્રો તરત ટકોર્યા : “કેમ મોડા?” પ્રશ્નનો ધ્વનિ અને રીત મુનીમને ખટક્યાં. પણ એ સમજુ અને પીઢ હતા. શાંતિથી ખુલાસો કર્યો કે, “પત્નીની તબિયત સારી ન હતી, તેથી મોડું થયું.” પણ શેઠ-પુત્રો રોકડું પરખાવ્યું કે, “એવાં બહાનાં કાંઈ ચાલેબાલે નહિ. નોકરી કરવી હોય તો વખતસર આવતાં શીખો.” મુનીમને ભારે આશ્ચર્ય થયું : નાના શેઠ કોઈ દિવસ આ રીતે વાત કરતા નથી, અને આજે આમ કેમ? પણ મનમાં સમસમીને બેસી રહ્યા. મુનીમના મનમાં પત્નીની બીમારીની ચિંતા ઓછી ન હતી. એમાં નાના શેઠના આ વર્તાવથી ભારે ઉદ્વેગ થયો. બપોરે ઘેર જમવા જતાં બીમાર પત્ની માટે પપૈયો લઈ જવાનું તે ભૂલી ગયા. ઘેર પહોંચતાં લાગલાં જ પત્નીએ પૂછ્યું, “પપૈયો લાવ્યા?” ત્યાં તો મુનીમજી તાડૂકીને બોલ્યા, “બસ, દુકાને શેઠ અને ઘેર શેઠાણી! હજુ પગ મૂક્યો નથી કે હુકમ છૂટયો નથી.” પત્નીને ભારે દુઃખ થયું. માત્રા “પપૈયો લાવ્યા?” એમ પૂછ્યું, એને પણ હુકમ ગણ્યો? જિંદગી આખી પતિની ઇચ્છાને આધીન બનેલી પત્ની આજે બપોરે વ્યથિત હૈયે સમસમીને પથારીમાં સૂઈ જ રહી. બપોરના મોડેથી જૂનાં કપડાંના બદલામાં વાસણ આપનાર વાઘરણ બહેને આવી બારણે સાદ પાડ્યો. આ બીમાર બહેને ઊભાં થઈ બારણે આવી વાસણવાળી બહેનને જોરથી કહ્યું : “બધાં ચોર છો ચોર. ધૂતવા જ નીકળ્યાં છો!” અને બારણું ધડ બંધ કરી, જઈને પથારીમાં પડતું મૂક્યું. વાઘરણ બહેનને ક્રોધ તો ઘણોય આવ્યો, પણ બંધ બારણા સામે બડબડીને જ આગળ વધવું પડ્યું. થોડી વાર પછી આ બહેન દાતણ વેચવા નજીકના બજારમાં પાથરણું પાથરીને બેઠાં. સાંજ પડવા આવી હતી. દુકાન વધાવીને ઘર ભણી જતાં મનહરલાલ બજારમાં દાતણ લેવા આવ્યા અને આ બહેન પાસેથી દાતણ લીધાં. સારાંનરસાં જોતાં, એક વધુ દાતણ ખ્યાલ બહાર હાથમાંની ઝોળીમાં પડી ગયું. દાતણવાળી બહેને આ જોયું. મનહરલાલે પૈસા આપી ચાલવા માંડયું, ત્યાં જ બહેને હાક મારી : “એ ચીનના શાહુકાર! ગણતાં આવડે છે કે નહીં? વધનું દાતણ પાછું આપતા જાવ!” મનહરલાલ તો આભા જ બની ગયા. ઝોળીમાં જોયું તો એક દાતણ વધારે હતું. તે પાછું આપતાં બચાવમાં કહેવા લાગ્યા, “જાણી કરીને નથી લીધું. અજાણતાં પડી ગયું હશે.” પણ દાતણવાળી બહેને તો સંભળાવ્યે જ રાખ્યું. મનહરલાલે જતાં જતાં એના શબ્દો સાંભળ્યા : “હું તમ રોખા લોકને ઓળખતી ન હોઉં તો ને? લ્યો, બતાવ્યું બહાનું — જાણી કરીને નથી લીધાં! ચીનના શાહુકાર છો શાહુકાર.” એવા લહેકાથી આ શબ્દો બોલાયા કે આજુબાજુના લોકો પણ મનહરલાલ તરફ જોઈ રહ્યા. તેમને થયું કે ધરતી મારગ આપે તો સમાઈ જવું સારું. સવારે મનહરલાલે જે શબ્દોનું તીર છોડયું હતું તે જ તીર સાંજ સુધીમાં અનેકનાં દિલ વીંધતું વીંધતું આવીને તેમને જ વાગ્યું.