અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/ભેંકાર

From Ekatra Wiki
Revision as of 10:30, 23 October 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


ભેંકાર

ચિનુ મોદી `ઈર્શાદ'

પાળિયાની જેમ મારી એકલતા આરડે ને પાધરની જેમ તમે ચૂપ,
વીતેલી વેળામાં હું જાઉં છું સ્હેજ ત્યાં તો આંખો બે આંસુ-સ્વરૂપ;

સમણાં તો પંખીની જાત મારા વ્હાલમા
કે ઠાલાં પાણીનો કોઈ કૂપ? — પાળિયાની.

આંગણામાં પગલાંઓ અંકાયાં લાખ છતાં ઘરમાં તો ભમતો ભેંકાર,
પીપળાનાં પાંદડાંઓ ખરતાં થયાં ને છતાં ડાળીને લાગ્યા કરે ભાર;

પડઘાના પ્હાડ મને ઘેરીને બોલતા
કે તરણાંની ઓથ લઈ છૂપ. — પાળિયાની.

ચલ્લી થઈને એક તરણું હું લાવતી ને ગોઠવું છું નાનકડું નીડ,
ભ્રમણાની ભીંત ચણી ક્યાં લગ રે બેસવું, માણસ હોવાની મને ચીડ;

આપણે અજાણી એક લાગણીને લાગણીના
ચોર્યાશી લાખ થયા સ્તૂપ. — પાળિયાની.