અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/ટાઇટાનિકના તૂતક પરઃ એક ભૂંગળ ગાણું
સિતાંશુ યશશ્ચંદ્ર
ટાઇટાનિકના તૂતક પર એ બેન્ડ બજાવે છે,
બલિયે! નચ બલિયે, નચ બલિયે!
પરબોલીમાં બૂડતે બૂડતે હૅન્ડ હલાવે છે.
બલિયે! નચ બલિયે, નચ બલિયે!
બૅન્ડ બજાવે, હશીશ લાવે, ફ્રૅન્ડશિપ ડે છે આજે,
લિબરલ છે પેરન્ટ્સ ને બાબા બ્લેક શીપ ડે છે આજે,
ઘેટાં-ઘેટી ઘણું ભણ્યાં — કૉલેજ ઇલેક્શન રાખો,
નિયમ-નિયમ કરટો છે? ટે માસ્તરને મારી લાખો!
કૉન્ગી-ભાજપ કારિયાલઈથી હુકમો આવે છે,
બલિયે! નચ બલિયે, નચ બલિયે!
વાજતે ગાજતે કેવું કાઢ્યું’તું વરણાગી વહાણ,
નાખોદો નીકળ્યો આ તો દરિયાથી સાવ સજાણ!
ક્યાંથી તરતા આવ્યા ટાઢાબોળ બરફના પ્હાડ?
ચીન ત્રાટક્યું ત્યાં તો, ચાચા, ફાટી ગઈ’તી રાડ!
આઈસબર્ગ સાથે અથડાઈ બૂડવા બેઠું જ્યારે જહાજ,
ત્યારે કેપ્ટનની કૅબિનનો સજ્યો સરકસી સાજ!
બેન્ડ બજે તૂતક પર, તળિયે બોઈલર રૂમમાં દરિયો,
કેપ્ટનની કૅબિનમાં જલસો સર્કસ કેરો કરિયો!
પાળેલો ડ્રેગન લઈ અંદર આવ્યો લાયન-ટેઇમર,
આઈ.એમ.એફ.ના ચાબૂકવાળો, ઇરાકનો બિગ-ગેઈમર!
રિંગ માસ્ટરને સિંઘ ને સિન્હા બેઉ વધાવે છે!
બલિયે! નચ બલિયે, નચ બલિયે!
તૂતક પર છે મ્યુજીકવાલા, ભંડકિયે પેલીઓ,
ચડી ચડીને નાચે બેડી ખખડાવી થેલીઓ!
‘બલિયે’ કહીને બોલાવે છે તેથી શી હરખાતી,
‘નચ’ કહેતાંમાં નીતરતી ચાદર જેવી અમળાતી!
પડઘમવાળો આખા કેમ્પસનો ઇકલીતો માસ્ટર,
સરસતીમાતા મૂગાંમંતર, આ તો બોમ્બે બ્લાસ્ટર!
નીચે ગાંડો દરિયો ગરજે, જાવતો જાવું ક્યાં?
લાઉડસ્પિકર તૂતક પર બોલેઃ બોલો યા-યા-યા!
સ્ટીમર બૂડવા બેઠી છે ત્યાં તૂતકનો શો વાંક?
બટ આ બેન્ડ માસ્ટરે, મામુ, આડો વાળ્યો આંક!
વહાણ તળિયે તૂટ્યું છે, આ જાણે છે કે નહીં?
પાગલ થઈ નાચે છે બલિયા,સમજે છે સહી-સહી!
સાફ-સાફ સમજે છે, તેથી તો વગડાવે છે,
બલિયે! નચ બલિયે, નચ બલિયે!
ક્લાઇવ ને કર્ઝન મોજે-મોજે મછવાઓ લઈ આવ્યા,
ડૂબી રહેલા લોકો માટે સુંદર શેન્પૂ લાવ્યા!
વચ્ચે ડૂબે વહાણ — જલ્સા, બેન્ડ ને સરકસવાળું,
એથી ચારે તરફ મરચન્ટ-મછવાઓનું ટોળું!
ટેક-ઓવરનો ભાવ જ્યાં ટાઇટાનિક-ટાયકૂને પૂછ્યો,
ઘૂઘવતો ઇતિહાસ ઘોર ત્યાં એન્જિન રૂમમાં ઘૂસ્યો.
તૂતક પર ત્યારે મસ્તીમાં ઝૂમ્યાં સહુ મસ્તાનાં,
લેબ-લેક્ચરરૂમ લોક્ડ — સોણિયે! સુણ યે સુંદર ગાણા!
જાંઘ હલાવે છે. હેઠળનો એન્ડ અડાવે છે,
બલિયે! નચ બલિયે, નચ બલિએ!
ગરક થાય છે, તોય મરકતાં કોલા લાવે છે,
બલિયે! નચ બલિયે, નચ બલિએ!
કમળ સુંઘતાં હાઈ થઈ કોન્ગીહેન્ડ હલાવે છે.
બલિયે! નચ બલિયે, નચ બલિએ!
(મ. સ. યુનિ. કેમ્પસ, વડોદરા, ૨૦૦૬-એપ્રિલ-૨૦૦૭)