અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઘનશ્યામ ઠક્કર/ક્યાં સુધી
Revision as of 12:55, 27 October 2021 by KhyatiJoshi (talk | contribs)
ક્યાં સુધી
ઘનશ્યામ ઠક્કર
શક્યતા દ્વારની સાંકળ બનીશું ક્યાં સુધી?
ખુદ દિશાઓને સમેટી વિસ્તરીશું ક્યાં સુધી?
આ હથેળીના અજાણ્યા, અટપટા માર્ગો ઉપર
ક્યાં જઈ ખોવાઈશું? કોને મળીશું? ક્યાં સુધી?
આમ તો મૃગજળ સમું ક્ષિતિજોને મળવા દોડવું,
તોય ઉંમરને અડી પાછા ફરીશું ક્યાં સુધી?
અસ્તિત્વના ચગડોળ પર બે પળ ખુશી તો શક્ય છે,
પણ ધરીની વેદના ભૂલી શકીશું ક્યાં સુધી?
રોજ સૂરજ તો ફસાવે છે કિરણની જાળમાં
રોજ ઝાકળ થૈ સવારે અવતરીશું ક્યાં સુધી?
જ્યાં પિલાવાનું સતત ઘડિયાળનાં ચક્રો વચે
‘ક્યાં સુધી’નો પ્રશ્ન પણ પૂછ્યા કરીશું ક્યાં સુધી?
(ભૂરી શાહીના કૂવાકાંઠે, ૧૯૮૭, પૃ. ૨૨)