અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/આવે છે
Revision as of 13:09, 29 October 2021 by KhyatiJoshi (talk | contribs)
આવે છે
સુધીર પટેલ
દુનિયાના પર્દે રાબેતા મુજબ દૃશ્યો આવે છે
હું પણ એમાં હોઉં છું જ્યાં મારો હિસ્સો આવે છે
તમને મારા પર ગુસ્સો આવે તેની કૈં નવાઈ નહિ
મારી જાત ઉપર ક્યારેક મને પણ ગુસ્સો આવે છે!
સાંજ પડે કૈં કેટલાય શબ્દો ગટગટાવી જાઉં છું
તોયે કેફ ચડે છે ક્યાં? ક્યાં કોઈ જોસ્સો આવે છે?
–ને હું આંખ મીંચી ઝુકાવી દઉં છું એના પ્રવાહમાં
હાથ રહે ના કૈં એવો ભીતરથી ધક્કો આવે છે
પૂછો ના મત્લાથી મક્તાની યાત્રા અંગે ‘સુધીર’
ચુપકે ચુપકે ચોરી ચોરી એક એક મિસરો આવે છે
(જળ પર લકીર)