ઓખાહરણ/કડવું ૯

From Ekatra Wiki
Revision as of 08:42, 1 November 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૯|}} <poem> [સ્વપ્નભંગ થતાં સખી ચિત્રલેખાને જગાડી તત્કાલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કડવું ૯

[સ્વપ્નભંગ થતાં સખી ચિત્રલેખાને જગાડી તત્કાલ પતિ લાવી આપવા વિનવે છે પાર્વતીજીનાં વચનો યાદ કરાવી, ચિત્રલેખા તેને સમજાવે છે. ઓખા ન માનતાં સ્વપ્નમાં આવેલા યુવકનો પરિચય પૂછે છે, તેના વિશે ઓખા કશું ન જાણતી હોવા છતાં તત્કાળ પતિ લાવી આપવાની જીદ પકડે છે.]

રાગ વેરાડી
આશાભંગ થઈ ભામિની, રોઈ સ્તુતિ કરે સ્વામીની,
ચિત્રલેખા ભણી ગઈ, ‘ઊઠ બહેની! શું સૂઈ રહી?’ ૧

ઊઠી સહિયર બેબાકુળી, ‘કન્યા! કાં રુએ થઈ વ્યાકુળી?
આવડી, ઓખા! શાને કાંપી? શકે ઓથારે તુજને ચાંપી! ૨

મારી મીઠી! રહે તું છાની, તુંને રક્ષા કરે રે ભવાની;
કહે પ્રેમદા! શું તને હવું? સમણામાં શું દીઠું નવું?’ ૩
ઓખા કહે ગાલે દેઈ હાથ, ‘થોડા ગજાના દુભાણા નાથ,
હસતાં-રમતાં તે ચડિયો ક્રોધ, ફોગટ ફાંસુ પડ્યો રે વિરોધ; ૪

કર દીવો, ઘર નિહાળીએ, છે આટલામાં પિયુ માળિયે.’
ચિત્રલેખા કહે, ‘ઘેલી થઈ, આંહીં દેવું અવાયે નહિ; ૫

આવી ન શકે પ્રાણી-પંખના, એ તો સ્વપ્નાની એવી ધંખના,
‘પિયુ પિયુ’ કરતી તું સૂતી ચતી, માટે સમણામાં દીઠો પતિ. ૬
સ્વપ્ને નિર્ધન પામે ધન, સ્વપ્ને વંધ્યા પ્રસવે તંન,
જાગી દેખે તો ઠાલો ઉછંગ, સ્વપ્ને મૃગજળના રે તરંગ. ૭

ઇન્દ્રજાળની જેવી વસ્તુ, જાગી દેખે તો ઠાલો હસ્ત;
નવ થાયે લાભ દીઠે સ્વપ્ને, દર્પણનું રૂપ ન આવે કને. ૮

ગાંધર્વનગર ને ગગનકુસુમ, ભોગ અસ્થિર સ્વપ્નાના ત્યમ;
નિદ્રાવશ મન કહીંયે ભમે, સ્વપ્ન સાચું ન હોયે ક્યમે.’ ૯

ચિત્રલેખા દેતી ઠારણ, સખી ઓખાને આપે ધારણ;
કુંવરીનું મનાવવા મંન, દીપક પ્રગટાવી જોયું ભવન; ૧૦

તપાસ્યું માળિયું ચારે પાસ, પડી ઓખા થઈને નિરાશ;
વાધી વિજોગ તણી વેદના, મૂર્છાંગત થઈ અચેતના. ૧૧

ચિત્રલેખાએ બેઠી કરી, હૃદયે ચાંપી બે ભુજ ભરી;
કામવશ મન નથી લાજતું, વ્રેહ-અગ્નિએ તન દાઝતું. ૧૨

‘કાં વીસરી ગયું ઉમિયાનું વચન? – સ્વપ્નામાં પરણશો સ્વામિન;
ઓખા કહે, ‘વિસ્મરણ થઈ, લાવ સ્વામને હું અહીં; ૧૩

વિધાત્રી કહે, ‘શું તેનું નામ? સ્વપ્નાના સ્વામીનું કયું ગામ?
કોણ માતા-પિતા ને જાત? લઈ આવું, કહે માંડી વાત. ૧૪

ઓખા કહે, ‘હું ઘેલી થઈ, નામ-ઠામ પુછાયું નહિ,
નાત-જાત ને માત-પિતાય, હું પ્રીછી નહિ જે પ્રથમ પુછાય. ૧૫

રૂપકળા મુને મન ગમી, તે રૂપ ચિત્તમાં રહ્યું છે રમી.
બાઈ! તે નાથે હું મિથ્યા દમી, સેજે-સૂરજ ગયો આથમી; ૧૬

નિશા નહિ જાયે નિર્ગમી, મળવા મનડું રહ્યું ટમટમી;
વિજોગદુખ ન રહેવાય ખમી, લાવ પ્રભુને, કહું ચરણે નમી. ૧૩

ચિત્રલેખા કહે કર્મે હાથ દઈ, ‘જાણ્યા વિના કોને આવું લઈ?
કશો એક આશરો વદને વદ્ય, તારા સ્વામીને લાવું સદ્ય.’ ૧૮

ઓખા બોલે આળપંપાળ, ‘આંહાં આવે તો ઓળખું તત્કાળ,
કાંઈ રૂપ સબળું છે સારું, તેણે ચિત્તડું ચોર્યું છે મારું; ૧૯

લાવ સખી! શીઘ્ર તેહને, નહિ તો પાડું છું રે દેહને;
સ્વામી વિના જીવવું વૃથા, માટે પિંડ પાડું સર્વથા. ૨૦

વલણ
સર્વથા પાડું પિંડ માહરી, આજ ન આવે સ્વામી રે.’
ચિત્રલેખાએ રૂપ ચીતરિયું કાગળમાં બહુકામી રે. ૨૧