ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉપસંહાર/ચરિત્ર

From Ekatra Wiki
Revision as of 01:49, 3 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ઉપસંહાર: ચરિત્ર-રોજનીશી-પ્રવાસ | }} {{Poem2Open}} ઉમાશંકરના સર્જન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઉપસંહાર: ચરિત્ર-રોજનીશી-પ્રવાસ

ઉમાશંકરના સર્જનાત્મક તેમ ચિંતનાત્મક શબ્દનો અર્ઘ્ય ગાંધીજીને અવારનવાર મળતો રહ્યો છે. ઉમાશંકરને જે જીવનમૂલ્યોમાં શ્રદ્ધા અને રસ છે એ મૂલ્યોના પ્રતીકરૂપ ગાંધીજી એમને દેખાયા છે. એમનાં ગાંધીરસ સૂક્ષ્મ રીતે ‘પ્રાચીના’ ને ‘મહાપ્રસ્થાન’માંયે જોવાના પ્રયત્નો થયા છે. ઉમાશંકરે ગાંધીપ્રભાવનો સ્પષ્ટતયા સ્વીકાર કર્યો જ છે ( ‘કેળવણીનો કીમિયો’ (૧૯૭૭)માં ઉમાશંકરે સ્પષ્ટ જણાવ્યું છે : “હું બધું જે કાંઈ જીવું છું તે એ ૧૯૩૦ની મુદ્રા સાથે જીવું છું.” (પૃ. ૧૨૭) અને યથાપ્રસંગ એ જીવનવીરને શબ્દાર્ઘ્ય અર્પતાં નથી એમણે સંકોચ અનુભવ્યો, નથી કલાધર્મના લોપનો ભય અનુભવ્યો; ઊલટું એવા પ્રસંગોએ તેમણે પોતાના કલાધર્મની સાર્થકતા અનુભવી જણાય છે. ગાંધીજી જે જીવનમૂલ્યોનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા એ મૂલ્યો જ ઉમાશંકરના સાહિત્યિક પુરુષાર્થનાં કેટલીક રીતે પ્રેરક, નિયામક અને માર્ગદર્શક રહ્યાં છે. ઉમાશંકર ગાંધીપ્રેમી હંમેશાં રહ્યા છે, ગાંધીવાદી હરગિજ નહીં. એમનો ગાંધીપ્રેમ માનવપ્રેમના જ પર્યાયરૂપ જણાય છે. એ કલાધર્મનો વિરોધી નહીં, પણ એનો પોષક – પ્રોત્સાહક હોય એવું ઉમાશંકરમાં તો દેખાય છે. ઉમાશંકરે ‘ગાંધીકથા’–નિમિત્તે બાળકોનેય યાદ રાખ્યાં તેમાં એમની ‘શિવોર્મિ’ જોવી જોઈએ. આ ઉમાશંકરે ‘હૃદયમાં પડેલી છબીઓ’ના બે ખંડો દ્વારા રસવૈવિધ્યપૂર્ણ માનવીય સત્ત્વનું જ દર્શન ખાસ તો કરાવ્યું છે. ઉમાશંકરના દેશકાળસાપેક્ષ સંસ્કારજીવનનો – સાંસ્કૃતિક ઉપલબ્ધિઓનો એક ઇતિહાસ પણ એ છબીઓમાંથી વાંચી શકાય. એક માનવપ્રેમી સર્જક તરીકેની તેમની માનવ્યનિષ્ઠા – મનુષ્યનિષ્ઠાની બુનિયાદ કેટલી ઊંડી – પહોળી છે તેનું સૂચન આ છબીઓમાંથી મળી રહે છે. આનંદશંકરનાં ‘હૃદયનો હક’નાં લખાણો પછી એ પ્રકારનાં લખાણોનો એક નૂતન આવિર્ભાવ આ છબીઓમાં – શબ્દાંકનોમાં જોઈ શકાય. વ્યક્તિગત અર્ઘ્યલેખોનું એક રસપ્રદ રૂપ બંધાતુંયે આમાં જોઈ શકાય. આ સંદર્ભમાં ‘ઇસામુ શિદા અને અન્ય’ને તેમ ‘જીવનનો કલાધર’ જેવા ગ્રંથોને પણ યાદ કરવા રહ્યા. તેમનો બાળાશંકરના કવિજીવન વિશેનો આલેખ પણ અત્રે ઉલ્લેખનીય છે. ઉમાશંકરકૃત ‘’૩૧માં ડોકિયું’ છે તો એમની પોતાની વાસરી – વિદ્યાપીઠ-નિવાસ દરમિયાનની, પરંતુ એ ૧૯૩૧ની વિદ્યાપીઠની પણ વાસરી જાણે બની જાય છે. તત્કાલીન પરિસ્થિતિનું એક અનુભવનિષ્ઠ આલેખન હોઈ એનું દસ્તાવેજી મૂલ્ય પણ ખરું. આ વાસરી ‘વિશ્વશાંતિ’ની ભૂમિકા સમજવામાં તથા ‘વિશ્વશાંતિ’કારની આંતર-વ્યક્તિતાનો ક્યાસ કાઢવામાં ઉપયોગી છે. ગુજરાતના ડાયરીસાહિત્યમાં તેનો ઉમેરો આવકાર્ય છે જ. ઉમાશંકર આપણા એક પ્રવાસરસિક સાહિત્યકાર છે. એમના પ્રવાસો એમની સાંસ્કૃતિક સાધનાના જ પ્રકારરૂપ સવિશેષ બન્યા જણાય છે. ઈશાન ભારત અને અંદામાન જેવા ભૂમિદેશોની એમની વાત સહેજેય આકર્ષક બને. એમાં વળી એમની ગદ્યકળાકોવિદ કલમની મદદ પણ એમને મળી. તેથી એકંદરે એમની એ પ્રવાસકથાઓ થોડીક ઉભડક રીતિની, છતાંયે આસ્વાદ્ય બની છે. સદ્ભાગ્યે, ઉમાશંકરનો પ્રવાસરસ અનેક પ્રવાસલેખોએ મુખર થયો છે. તેમના પ્રવાસમાં ‘ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર’ પછી ‘યુરોપયાત્રા’ (૧૯૮૫, નંદિની તેમ જ સ્વાતિ સાથે)નો અને એમના અવસાન બાદ ‘ચીનમાં ૫૪ દિવસ’ તથા ‘યાત્રી’ જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે.