ભારતીય કથાવિશ્વ૧/ઇન્દ્રને લગતી ઋચાઓ

From Ekatra Wiki
Revision as of 02:42, 7 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ઇન્દ્રને લગતી ઋચાઓ | }} {{Poem2Open}} જન્મતાંની સાથે દાન, નમુચિને મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઇન્દ્રને લગતી ઋચાઓ

જન્મતાંની સાથે દાન, નમુચિને માર્યા (ઋગ્વેદ ૫.૩૦.૭)

દાસે (અસુરે) જ્યારે સ્ત્રીઓને આયુધ બનાવી ત્યારે સ્ત્રીઓ શું કરશે એમ વિચારી તે બંનેને બંદીવાન બનાવી અને દસ્યુ પર આક્રમણ કર્યું.(ઋગ્વેદ ૫.૩૦.૯)

હે અધ્વર્યુઓ, જે ઇન્દ્રે ઉરણને માર્યો, તેમની નવ્વાણુ ભુજાઓ કાપી, અર્બુદ રાક્ષસને ઊંધો પાડી તેને હચમચાવ્યો. (ઋગ્વેદ ૧.૧૪.૪)

જે ઇન્દ્રે અશ્ન, શુષ્ણિ, બાહુરહિત અહિ, પિપ્રુ, નમુચિ, રુધિક્રાને માર્યા. (ઋગ્વેદ ૨.૧૪.૫)

જે ઇન્દ્રે અશ્ન, અશુષં, શુષ્ણ, અહિ, પિપ્રુ, નમુચિનો વધ કર્યો તે. (ઋગ્વેદ ૨.૧૪.૬)

જે ઇન્દ્ર, આ ધરતી પરના સેંકડો, હજારો અસુરોને મારી નાખ્યા, જેણે શંબરનાં સો નગરોનો વિનાશ કર્યો, વચિર્કના હજારો પુત્રોને ધરાશાયી કર્યા. (ઋગ્વેદ ૨.૧૪.૭)

ઇન્દ્રે નદીઓને વાળી, પૂર્વમાં વહેતી કરી, વજ્રથી નદીઓના માર્ગને ખોદ્યા. તેમણે નદીઓના પ્રવાહોના માર્ગ સરખા કર્યા. દૂર સુધી તેમને વહેવડાવી. (ઋગ્વેદ ૨.૧૫.૩)

પરાવૃક ઋષિ સુંદરીઓ દૂર જતી રહ્યાનું કારણ જાણી ઇન્દ્રકૃપા વડે તેમની પાસે પહોંચ્યા. પંગુ ઋષિએ પગ મેળવ્યા, નેત્રહીન ઋષિએ નેત્ર મેળવ્યાં, હવે તે જોવા લાગ્યા. (ઋગ્વેદ ૨.૧૫.૭)

અંગિરાઓની સ્તુતિઓથી પ્રસન્ન થઈને ઇન્દ્રે પર્વતના સુદૃઢ દ્વાર ખોલી દીધાં, એ અસુરોએ રચેલી વાડો દૂર કરી. વલનો વધ કર્યો. (ઋગ્વેદ ૨.૧૫.૮)

અત્યન્ત ગર્જના કરતા ઇન્દ્રે ક્રિવિને મારી નાખ્યો. (ઋગ્વેદ ૨.૧૭.૬)

હે શતક્રતુ (ઇન્દ્ર), આ સોમરસનું પાન કરી તમે વૃત્રોને મારવામાં સમર્થ પુરવાર થયા છો. યુદ્ધભૂમિમાં તમે બળવાન વીર લોકોનું રક્ષણ કરો. (ઋગ્વેદ ૧.૪.૬) હે ઇન્દ્ર, માયાવી શુષ્ણને માયા વડે જ તમે માર્યો, મેધાવીઓ તમારો મહિમા જાણે છે. તેમને યશ આપો, બળ આપો. (ઋગ્વેદ ૧.૧૧.૭)

હે ઇન્દ્ર, યજ્ઞ ન કરનારા યજ્ઞ કરનારાઓની સ્પર્ધા કરવા ગયા પણ તેમનાં મસ્તક ઘુમાવીને તેઓ ભાગી ગયા. ઘોડાઓને જોડનારા અને યુદ્ધમાં સ્થિર એવા ઇન્દ્ર, તમે દ્યુલોક, અન્તરીક્ષ અને પૃથ્વી પરથી ધર્મહીન અધમોને ભગાડી મૂક્યા.

નિર્દોષ ઇન્દ્રની સેના સાથે યુદ્ધ કરવાની ઇચ્છા એ શત્રુઓએ કરી, ત્યારે નવી ગતિથી માનવોએ એમના ઉપર આક્રમણ કર્યું, જેવી રીતે બલિષ્ઠ લોકોની સાથે યુદ્ધ કરવા જતાં નપુંસકની જે દશા થાય છે તેવી તેમની થઈ. તમે રડનારા અને ખાનારા આ શત્રુઓને રજોલોક ઉપર યુદ્ધ કરીને ભગાડી મૂક્્યા. એ દસ્યુને દ્યુલોકમાંથી નીચે આણી તેને બાળી મૂક્યો. સોમયજ્ઞ કરનારાઓની અને સ્તોતાઓની સ્તુતિઓની રક્ષા કરી.

સુવર્ણ અને મણિ-રત્નો વડે અસુરોએ પોતાને શોભાયમાન કરીને પૃથ્વી ઉપર આધિપત્ય જમાવ્યું હતું. તેઓ વૃદ્ધિ પામતા જતા હતા, પણ ઇન્દ્ર સામે યુદ્ધમાં ટકી ના શક્યા, પછી સૂર્ય દ્વારા એ બધાને પરાભૂત કર્યા. (ઋગ્વેદ ૧.૩૩.૪-૮)

જેઓ દ્યુલોકથી પૃથ્વી સુધીના અવકાશના છેડાનો તાગ પામી ન શક્યા, જેઓ ધનદાતા ઇન્દ્રનો માયા વડે પરાભવ ન કરી શક્યા, ત્યારે બળવાન ઇન્દ્રે વજ્ર ધારણ કર્યું અને જ્યોતિ વડે તમસલોકમાંથી ગાયોને મુક્ત કરી, તેમને દોહી.

હે મઘવા, ક્ષેત્રપ્રાપ્તિના યુદ્ધમાં શાન્ત, બળશાળી પણ જળપ્રવાહોમાં ડૂબી જતા શ્વિત્ર્યનું તમે રક્ષણ કર્યું. ત્યાં લાંબા સમય સુધી રહેલા શત્રુઓ અમારી સાથે યુદ્ધ કરી રહ્યા હતા. એ શત્રુઓને નીચે પાડીને તેમને દુ:ખ પહોંચાડ્યું. (ઋગ્વેદ ૧.૪-૮, ૧૦-૧૫)

હે ઇન્દ્ર, તમે સત્યના પાલક, શત્રુઓના વિનાશી, ઋભુઓના સ્વામી, અને નેતા, શત્રુનાશક મોટા યુદ્વમાં તેજસ્વી યુવાન કુત્સને સહાય કરી શુષ્ણનો વધ કર્યો. (ઋગ્વેદ ૧.૬૩.૩)

હે પર્વતવાસી ઇન્દ્ર, તમારું પરાક્રમ ઉત્કૃષ્ટ છે, સ્વરાજ્યની પૂજા કરતા કરતા માયાવી મૃગનું રૂપ ધારણ કરનારા કપટી શત્રુને માયાથી હણ્યો. (ઋગ્વેદ ૧.૮૦.૭) જેની સામે ઇન્દ્ર અપરાજિત રહે છે તે ઇન્દ્રે દધ્યંગ(દધીચિ)નાં અસ્થિઓમાંથી સર્જેલા વજ્ર વડે નવ્વાણુનો વધ કર્યો. (ઋગ્વેદ ૧.૮૪.૧૩)

ઇન્દ્રે પર્વતોમાં પડેલા અશ્વના માથાને મેળવવાની ઇચ્છાથી એ મસ્તક શર્યણાવત્ તળાવમાં છે એમ જાણી લીધું. (ઋગ્વેદ ૧.૮૪.૧૪)

જ્યારે તમે સૂતેલા અહિનો વધ વજ્રથી કર્યો ત્યારે દેવપત્નીઓએ હર્ષનાદ કર્યો, ગતિશીલ મરુતો, દેવો પણ આનન્દ પામ્યા. (ઋગ્વેદ ૧.૧૦૩.૭)

હે ઇન્દ્ર, તમે શુષ્ણ, પિપ્રુ, કુયવ, વૃત્રનો વધ કર્યો, શમ્બરાસુરનાં નગરો તોડ્યાં; મિત્ર, વરુણ, અદિતિ, સિન્ધુ, પૃથિવી, દ્યુલોક પણ અમારા ઉત્સાહને વધારો. (ઋગ્વેદ ૧.૧૦૩.૮)

ધનજ્ઞાતા કુયવ અસુર પોતે જ બીજાઓના ધનનું અપહરણ કરે છે, પ્રભાત થાય એટલે ફીણયુક્ત જળને અપહૃત કરે છે, કુયવની સ્ત્રીઓ એ જળથી સ્નાન કરે છે. એ પત્નીઓ શિફા નદીમાં ડૂબી જાઓ. (ઋગ્વેદ ૧.૧૦૩.૪)

શત્રુઓનાં નગરોના વિધ્વંસક અને શત્રુઓનું ધન પ્રાપ્ત કરનારા ઇન્દ્રે તેમને મારીને દાસ નામના અસુરનો પોતાના તેજથી નાશ કર્યો. (ઋગ્વેદ ૩.૩૪.૧)

ઇન્દ્રે શત્રુઓનો પરાભવ કરવા ઇચ્છાનુરૂપ શરીર બનાવ્યાં, તેમણે વિવિધરૂપ ધર્યાં. (ઋગ્વેદ ૩.૪૮.૩-૪)

વિદથિપુત્ર ઋજિષ્વા માટે પિપ્રુનો વધ કર્યો (ઋગ્વેદ ૫.૨૯.૧૧)

ઇન્દ્રે ઋજિસ્વ રાજાની સાથે અંધકારમાં છુપાયેલી વૃત્રની નગરીઓનો નાશ કર્યો. (ઋગ્વેદ ૧.૧૦૧.૧)

જેણે પુષ્કળ ક્રોધથી કપાયેલા ખભાવાળા અસુરને માર્યો, જેણે શંબરને માર્યો, જેણે વ્રત ન કરતા પિપ્રુને માર્યો, જેણે સર્વભક્ષક શુષ્ણ અસુરને માર્યો... (ઋગ્વેદ ૧.૧૦૧.૨)

કવિના પુત્ર ઉશનાએ આનન્દદાયી, વૃત્રની હત્યા કરનાર, શત્રુ પર આક્રમણ કરનાર વજ્ર તમને આપ્યું અને તીક્ષ્ણ બનાવ્યું. પવનવેગી ઘોડા પર બેસો અને મનુષ્યહિતચંતિકોની રક્ષા કરો. (ઋગ્વેદ ૧.૧૨૧.૧૨)

હે ઇન્દ્ર, પહેલાં જ્યારે વાદળોને ચીરનાર વજ્ર તમે ફેંક્યું ત્યારે સૂર્ય અન્ધકારમુક્ત થયો, શોષણ કરનાર અસુરનું જે તેજ દ્યુલોક સુધી હતું તેનો પણ નાશ કર્યો. (ઋગ્વેદ ૧.૧૨૧.૧૦)

ઇન્દ્રકૃપા હોય તો જરાવસ્થા દૂર રહે. (ઋગ્વેદ ૧.૬૪.૩)

હે શતક્રતુ, તમે યુદ્ધમાં નર્ય, તુર્વશ, યદુનું રક્ષણ કર્યું. વય્ય કુલમાં ઉત્પન્ન થયેલા તુવિર્તિની રક્ષા કરી, તમે અસુરોનાં નવ્વાણુ નગરોનો ધ્વંસ કરી રથ અને એતશની રક્ષા કરી. (ઋગ્વેદ ૧.૫૪.૬)

જેમ ત્વષ્ટા રથનું નિર્માણ કરી ઇન્દ્રને અર્પે છે તેમ અમે સર્વ કામનાઓને તૃપ્ત કરનારા ઇન્દ્રને માટે સ્તોત્ર રચીએ છીએ. (ઋગ્વેદ ૧.૬૧.૪)

મહાન ઇન્દ્રે હવિ અને સોમરસનું પાન કર્યું, તે સર્વવ્યાપક ઇન્દ્રે શત્રુઓનું પક્વ અન્ન પડાવ્યું. વજ્રધારી ઇન્દ્રે વજ્રને ત્રાંસું કરીને મેઘોને છેદ્યાં. (૧.૬૧.૭)

અહિને માર્યો એટલે એ ઇન્દ્ર માટે ગતિ કરનારી દેવપત્નીઓએ સ્તુતિ કરી, તે ઇન્દ્રે દ્યુલોક અને પૃથ્વીલોકને વશ કર્યા, તે દ્યાવા પૃથિવી એના મહિમાનો પાર પામી શકી નથી. (ઋગ્વેદ ૧.૬૧.૮)

ઇન્દ્રના બળથી જ નદીઓ વહે છે, તેમણે જ વજ્રથી પર્વતોને કાપીને મર્યાદિત કર્યા, શત્રુઓને મારનારા તથા શત્રુઓ સામે લડનારા ઇન્દ્ર દાનશીલને ધન આપે છે. (ઋગ્વેદ ૧.૬૧.૧૧)

ઇન્દ્ર અને અંગિરસોના યજ્ઞમાં સરમાએ પોતાના પુત્ર માટે અન્ન મેળવ્યું, મોટા મોટા દેવતાઓના સ્વામી ઇન્દ્રે મેઘોને માર્યા, જળ મેળવ્યું, એથી બધા મનુષ્ય હર્ષ પામ્યા. (ઋગ્વેદ ૧.૬૨.૩)

ઇન્દ્રે ભૂપ્રદેશમાં વહેનારી ચાર નદીઓને મીઠા પાણીથી ભરી દીધી. (ઋગ્વેદ ૧.૬૨.૬)

અનેક રૂપવાળી, વારે વારે ઉત્પન્ન થતી બે યુવતીઓ દ્યુલોકથી પૃથ્વી પરે ગતિ કરે છે, રાત્રિ કૃષ્ણવર્ણની અને ઉષા દીપ્તિવર્ણની — બંને ક્યારેય એકાકાર થતી નથી. (ઋગ્વેદ ૧.૬૨.૮)

તેજસ્વી, વજ્રધારી ઇન્દ્રે, યુદ્ધ કરતાં કરતાં શત્રુઓનાં સાત નગર પુરુકુત્સ માટે તોડ્યાં, સુદાસ માટે શત્રુઓને કુશની જેમ વાઢી નાખ્યા, પુરુને ધન આપ્યું. (ઋગ્વેદ ૧.૬૩.૮)

અમે વિવસ્વાનના યજ્ઞમાં શક્તિશાળી ઇન્દ્રની સ્તુતિ કરીએ છીએ, પ્રશંસા કરીએ છીએ, જેવી રીતે ચોર ઊંઘી જનારનું ધન હરી જાય છે એવી રીતે ઇન્દ્ર અસુરોનાં રત્ન પ્રાપ્ત કરે છે. ધનદાન કરનારાઓની નંદાિ કરવી પ્રશંસનીય નથી. (ઋગ્વેદ ૧.૫૩.૧)

હે ઇન્દ્ર, શત્રુઘ્ન ઇન્દ્ર, શત્રુઓના યોદ્ધાઓ સાથે નિત્ય યુદ્ધ કરતા રહ્યા છો. પહેલાં આ નગરને બળપૂર્વક ધ્વસ્ત કર્યું છે, નમનયોગ્ય મરુતોના સહકારથી નમુચિ નામના માયાવી અસુરનો સંહાર કર્યો છે. (ઋગ્વેદ ૧.૫૩.૭)

હે ઇન્દ્ર, અતિથિગ્વના માર્ગમાં અંતરાયરૂપ કરંજ તથા પર્ણય નામના અસુરોનો તેજસ્વી અસ્ત્રોથી વધ કર્યો, ઋજિસ્વ દ્વારા ઘેરાયેલા વંગુદનાં સેંકડો નગરોનો નાશ કર્યો. (ઋગ્વેદ ૧.૫૩.૮)

હે ઇન્દ્ર, સહાયક વિનાના સુશ્રવસ રાજા સામે લડવા ઊભેલા વીસ રાજાઓને તથા એમના સાઠ હજાર નવ્વાણુ સૈનિકોને રથના ચક્રથી મારી નાખ્યા. (ઋગ્વેદ ૧.૫૩.૯)

હે ઇન્દ્ર, તમે રક્ષક સાધનો દ્વારા સુશ્રવસની રક્ષા કરી, પાલન સાધનોથી તૂર્વયાણની રક્ષા કરી, આ મહાન યુવાન રાજા માટે કુત્સ, અતિથિગવ અને આયુને વશ કર્યા. (ઋગ્વેદ ૧.૫૩.૧૦)

હે ઇન્દ્ર, તમે માયાવી અસુરોના સૈન્યસમૂહને ઉત્સાહથી તીક્ષ્ણ વજ્રપ્રહાર કરીને નષ્ટ કરો છો, વિશાળ દ્યુલોકના ઉપરના પ્રદેશ પર ક્રોધ કરો છો, પોતાના બળથી શંબર અસુરનો વધ કરો છો. (ઋગ્વેદ ૧.૫૪.૪)

હે ઇન્દ્ર, તમે ગર્જના કરીને, સેનાઓ હોવા છતાં દીર્ઘ શ્વાસ લેતા શુષ્ણનો વધ કર્યો. પ્રાચીન કાળથી આમ કરતા જ આવ્યા છો, તમારો સ્વામી કોણ છે? (ઋગ્વેદ ૧.૫૪.૫)

તુર્વશ અને યદુને તરવાનું આવડતું ન હતું એટલે વિદ્વાન શચીપતિએ તેમને પાર કરાવ્યા. (ઋગ્વેદ ૪.૩૦.૧૭)

વૃત્રહર્તા ઇન્દ્ર, સમાજે ત્યજેલા અંધ અને પંગુને અનુકૂળ માર્ગે ચલાવ્યા. (ઋગ્વેદ ૪.૩૦.૧૯) શત્રુઓનાં સો કિલ્લેબંધ નગરો દિવોદાસને આપ્યાં. (ઋગ્વેદ ૪.૩૦.૨૦)

દભીતિના કલ્યાણ માટે ત્રીસ હજાર વીરોને મારી નાખ્યા. (ઋગ્વેદ ૪.૩૦.૨૧)

ઋભુઓએ પડી ગયેલા થાંભલાની જેમ જીર્ણ થઈને પડેલા માતાપિતાને તરુણ બનાવ્યા. (ઋગ્વેદ ૪.૩૩.૩) (ઋગ્વેદ ૪.૩૪.૯) (ઋગ્વેદ ૪.૩૫.૫) (ઋગ્વેદ ૪.૩૬.૩-૪)

ઋભુઓએ એક વરસ સુધી ગાયની રક્ષા કરી, એના શરીરને પુષ્ટ, સુંદર કર્યું, એક વર્ષ સુધી તેજ ભર્યું. (ઋગ્વેદ ૪.૩૩.૪)

મોટા ઋભુએ કહ્યું, આ ચમસના બે ભાગ કરીએ, નાનાએ કહ્યું ત્રણ કરીએ, સૌથી નાનો બોલ્યો, ચાર કરીએ. (ઋગ્વેદ ૪.૩૩.૫)

મેઘ, વલનો વધ કર્યો. (ઋગ્વેદ ૪.૫૦.૫)

પણિઓએ તેજ છુપાવી રાખેલું. (ઋગ્વેદ ૪.૫૮.૪)

હે ઇન્દ્ર, દાનેશ્વરી કુત્સ માટે શુષ્ણ અસુરનો વધ કર્યો. અતિથિગ્વને સુખી કરવા મર્મહીન અસુરનો વધ કર્યો. (ઋગ્વેદ ૬.૨૬. ૩)

હે ઇન્દ્ર, યુદ્ધના સાધન રથ મેળવીને દસ દિવસ યુદ્ધ કરનારા વીરની રક્ષા કરો. વેતસુની રક્ષા કરવા માટે તુગ્ર અસુરનો વધ કર્યો. (ઋગ્વેદ ૬.૨૬.૪)

હંસિક શંબરાસુરનો વધ કર્યો, દિવોદાસની રક્ષા કરી. (ઋગ્વેદ ૬.૨૬.૫)

દભીતિની રક્ષા માટે ચમુરિ રાક્ષસનો વધ, પિઠીનસને રાજ્ય અપાવીને સાઠ હજાર શત્રુઓનો વધ કર્યો. (ઋગ્વેદ ૬.૨૬.૬)

અસુર વરશિખના પુત્રોનો વધ કર્યો. (ઋગ્વેદ ૬.૨૭. ૪-૫)

દસ્યુઓનો વધ વૃત્રાસુરની જેમ કર્યો, જેમ કુહાડી વૃક્ષને કાપે તેમ. (ઋગ્વેદ ૬.૩૩.૬) પણિઓને હરાવ્યા. (ઋગ્વેદ ૬.૩૯.૨) (ઋગ્વેદ ૭.૯.૨)

તુર્વીતિ અને વય્ય માટે સૌને તૃપ્ત કરનારી, ધાન્ય પ્રદાન કરનારી પૃથ્વીને વહેતાં પાણીથી અને અન્નથી સમૃદ્ધ કરી, નદીઓને સારી રીતે પાર કરવા યોગ્ય બનાવી. (ઋગ્વેદ ૪.૧૯.૬)

ઇન્દ્રે હંસિક સેનાઓની જેમ કિનારાઓને ભાંગી નાખતી, જલપૂર્ણ, અન્ન આપતી નદીઓને પરિપૂર્ણ કરી. રણવિસ્તારને અને તૃષાતુર લોકોને તૃપ્ત કર્યા. શક્તિશાળી સ્વામીઓ ધરાવતી ગાયો દોહી. (ઋગ્વેદ ૪.૧૯.૭)

હે અશ્વોને રાખનાર ઇન્દ્ર, તમે ઊધઈ-કીડીઓ દ્વારા ખવાઈ જનારા અગ્રુના પુત્રને એના ઘરમાંથી બહાર કાઢ્યો, આંધળા પુત્રે તમને જોયો, તે જ્યારે બહાર નીકળ્યો ત્યારે કપાઈ ગયેલાં અંગોને જોડ્યાં. (ઋગ્વેદ ૪.૧૯.૯)

જન્મતાંવેંત ઇન્દ્રે પર્વત, ભરેલી નદીઓ, દ્યુલોક, પૃથ્વીલોક કંપાવ્યાં. તે ઇન્દ્ર સૂર્યની માતાઓ — દ્યાવા પૃથ્વીને ધારણ કરે છે. (ઋગ્વેદ ૪.૨૨.૫)

વિદ્રોહીઓને, ઇન્દ્રને ન માનનારાઓને મારવા માટે ઇન્દ્રે તીક્ષ્ણ શસ્ત્રોની ધાર કાઢી. (ઋગ્વેદ ૪.૨૩.૭)

હું જ મનુ, હું જ સૂર્ય, હું જ બુદ્ધિશાળી કક્ષીવાન ઋષિ; મેં જ અર્જુનીના પુત્રને બળવાન બનાવ્યો, હું જ કવિ (ક્રાન્તદ્રષ્ટા) ઉશના છું, મને જુઓ. (ઋગ્વેદ ૪.૨૬.૧)

મેં આનન્દપૂર્વક શંબરાસુરનાં નવ્વાણુ નગરોનો સામટો ધ્વંસ કર્યો, યજ્ઞમાં અતિથિઓને ગાયોનું દાન કરનારા દિવોદાસની રક્ષા કરી, ત્યાર પછી સોમા નગરને નિવાસયોગ્ય બનાવ્યું. (ઋગ્વેદ ૪.૨૬.૩)

ઇન્દ્રે અહિનો સંહાર કર્યો. (ઋગ્વેદ ૪.૨૮.૧)

સંગ્રામમાં યુદ્ધરત કુત્સ માટે સૂર્યચક્ર ઉઠાવ્યું અને ભક્તની સહાય કરી. (ઋગ્વેદ ૪.૩૦.૪)

એતશની રક્ષા કરી. (ઋગ્વેદ ૪.૩૦.૬)

શુષ્ણ અસુરના નગરનો ધ્વંસ કર્યો. (ઋગ્વેદ ૪.૩૦.૧૩)

કુલિતરપુત્ર શંબરવધ કર્યો. (ઋગ્વેદ ૪.૩૦.૧૪)

અગ્રુના પુત્ર પરાવૃક્તને સ્તોત્રપાઠ યોગ્ય બનાવ્યો. (ઋગ્વેદ ૪.૩૦.૧૬)

બળવાન ઇન્દ્રે ઉષાનો રથ તોડી પાડ્યો; એ રથ વિપાશાને કાંઠે હતો. (ઋગ્વેદ ૪.૩૦.૮-૧૧) (ઉષાએ મર્યાદાનું ઉલ્લંઘન કરેલું?)

સુદાસને દુસ્તર પરુષ્ણી નદી પાર કરાવી. (ઋગ્વેદ ૭.૧૮.૧૫)

ઇન્દ્રે તુર્વશનો નાશ કર્યો; સુદાસ વગેરેને તાર્યા. (ઋગ્વેદ ૭.૧૮.૬)

શત્રુઓએ પરુષ્ણીના કિનારા તોડ્યા.

ઇન્દ્રે પરુષ્ણીના કિનારા સરખા કર્યા. (ઋગ્વેદ ૭.૧૮.૯)

સુદાસે ઇન્દ્રકૃપા વડે ચયમાનના પુત્રને ધરાશાયી કર્યો. (ઋગ્વેદ ૭.૧૮.૮)

તુત્સુ સંગ્રામમાં ટક્યા નહીં, ત્યક્ત ધન સુદાસને આપ્યું. (ઋગ્વેદ ૭.૧૮.૧૫) (ઋગ્વેદ ૭.૧૮.૧૮)

દેવકનો — શંબરનો સંહાર કર્યો. (ઋગ્વેદ ૭.૧૮.૨૦)

ઇન્દ્રે કુત્સની રક્ષા કરી, શુષ્ણ-કુયવનો વધ કર્યો. (ઋગ્વેદ ૭.૧૯.૨)

સુદાસની રક્ષા, પુરુકુત્સના પુત્ર ત્રસદસ્યુ અને પુરુની રક્ષા કરી. (ઋગ્વેદ ૭.૧૯.૩)

દભીતિની રક્ષા માટે ચુમુરિ, ધુનિનો વધ કર્યો. (ઋગ્વેદ ૭.૧૯.૧૪)

વૃત્રાસુર, નમુચિનો વધ કર્યો. (ઋગ્વેદ ૭.૧૯.૫) નવ્વાણુ નગરોનો નાશ કરી, સોમાં પ્રવેશ કર્યો. (ઋગ્વેદ ૭.૧૯.૫)

સુદાસને સહાય કરી. (ઋગ્વેદ ૭.૨૦.૨)

વયતપુત્ર પાશદ્યુમ્નને છોડી દીધો. (ઋગ્વેદ ૭.૩૩.૨)

વસિષ્ઠપુત્રોએ સિંધુ પાર કરી, પ્રસિદ્ધ દાશરાજ યુદ્ધમાં સુદાસનું રક્ષણ કર્યું. (ઋગ્વેદ ૭.૩૩.૩)

તૃષ્ણવંશીઓથી ઘેરાયેલા વસિષ્ઠોએ દાશરાજયુદ્ધમાં ઇન્દ્રને સાદ કર્યો. (ઋગ્વેદ ૭.૩૩.૫)

વસિષ્ઠ ઉર્વશીથી સર્જાયા. (ઋગ્વેદ ૭.૩૩.૧૧)

અતિથિગ્વ-કુત્સની રક્ષા કરી. (ઋગ્વેદ ૮.૫૩.૨)

ઇન્દ્રે છ નેત્રવાળા, ત્રણ મસ્તક ધરાવતા વિશ્વરૂપને માર્યો. ઇન્દ્રને કારણે તેજસ્વી બનેલા ત્રિત ઋષિએ વરાહનો વધ કર્યો. (ઋગ્વેદ ૧૦.૯૯.૬)

રથ પર આરૂઢ થઈને મુદ્ગલની પત્નીએ હજારો ગાયો જીતી, તે વેળા વાયુએ તેનાં વસ્ત્ર ઉડાડ્યાં. (ઋગ્વેદ ૧૦.૧૦૨.૨)

વૃષભ જળાશયના જળને આનન્દથી પીએ છે, શંગિડાં દ્વારા માટીના ઢગલા ખોદે છે, આક્રમણ કરવા આગળ વધે છે. યુદ્ધભૂમિમાં લઈ જાય છે, રથ સાથે જોડે છે, મુદ્ગલની પત્ની એને સાચવે છે, ઇન્દ્ર એને સંચાલિત કરે છે. (ઋગ્વેદ ૧૦૨, ૪-૮)

મેં (ઇન્દ્રે) આથર્વણ દધ્યંગ-દધીચિનું મસ્તક કાપી નાખ્યું હતું; કૂવામાં પડેલા ત્રિતનો ઉદ્ધાર કરવા માટે મેં મેઘ દ્વારા જળ સર્જ્યું, શત્રુઓ પાસેથી ધન લીધું, માતરિશ્વાપુત્ર દધીચિ માટે જલરક્ષક મેઘ વરસાવ્યા. (ઋગ્વેદ ૧૦.૪૮.૨)

મારા માટે ત્વષ્ટાએ લોઢાનું વજ્ર બનાવ્યું... (ઋગ્વેદ ૧૦.૪૮.૩)

દિવોદાસની રક્ષા કરી. (ઋગ્વેદ ૧૦.૪૮.૮) ઉશના ઋષિના રક્ષણ માટે અત્ક શત્રુપુત્રને માર્યો, કુત્સ ઋષિના મન્ત્રોને કારણે એમની રક્ષા કરી. શુષ્ણ રાક્ષસને માર્યો, એટલે વજ્ર લીધું. હું દસ્યુઓને આર્ય નામ નથી આપતો. (ઋગ્વેદ ૧૦.૪૯.૫)

શ્રુતર્વણ ઋષિ માટે મૃગયં અસુરને વશમાં કર્યો. (ઋગ્વેદ ૧૦.૪૯.૫)

મેં જ વૃત્રસંહાર કર્યો, નવ વાસ્ત્વ અને બૃહદ્રથનો સંહાર કર્યો. (ઋગ્વેદ ૧૦.૪૯.૬)

હું સાત નગરોનો ધ્વંસ કરનારો, શત્રુની નવ્વાણુ નગરીનો મેં નાશ કર્યો. (ઋગ્વેદ ૧૦.૪૯.૮)

વલે ગાયો છુપાવી, વલના અનુચર પણિને નષ્ટ કર્યો. (ઋગ્વેદ ૧૦.૬૭.૬-૭)

વલના અસ્ત્રનો નાશ કરી બૃહસ્પતિ દેવે ગાયો પોતાની પાસે રાખી, પણિઓનો વધ કર્યો.

ગુફામાં છુપાયેલી ગાયોનો અવાજ બૃહસ્પતિએ સાંભળ્યો.

જેમ છીછરા પાણીમાં માછલી દુ:ખી થાય તેમ પર્વતની ગુફામાં બાંધેલી ગાયો દુ:ખી, બૃહસ્પતિએ એમને છોડાવી. (ઋગ્વેદ ૧૦.૬૯. ૬-૮, ૧૦)

હે ઇન્દ્ર, તમે અહિનો વધ કર્યો, શુષ્ણની માયાનો તાગ મેળવ્યો, યુદ્ધમાં દસ્યુઓનો વધ કર્યો. (ઋગ્વેદ ૫.૩૧.૧૧)

શુષ્ણવધ કર્યો. (ઋગ્વેદ ૫.૩૧.૯)

સૂર્યથી વધારે ગતિવાળા રથને ગતિહીન કર્યો, એતશના ચક્રને છિનવી લીધું, એના વડે શત્રુસંહાર કર્યો. (ઋગ્વેદ ૫.૩૧.૧૧)

હે ઇન્દ્ર, વર્ષાકાળમાં મેઘોને વિદાર્યા, જળદ્વારો ખોલ્યાં, જળપૂર્ણ મેઘોને મુક્ત કર્યા, મોટા મોટા પહાડ તોડ્યા, જળધારા વહાવી. (ઋગ્વેદ ૫.૩૨.૨)

વૃત્રે એક બળવાન અસુર પેદા કર્યો, તેં શુષ્ણાસુરને માર્યો. (ઋગ્વેદ ૫.૩૨.૩-૪) સોમથી આનંદિત થઈને બળવાન ઇન્દ્રે વજ્ર ઉઠાવીને સૂતેલા, અંધારામાં વૃદ્ધિ પામનારને મારી નાખ્યો. (ઋગ્વેદ ૫.૩૨.૬)

મહાન દાનવને મારવા માટે શત્રુહારક વજ્ર ઉઠાવ્યું ત્યારે વજ્રપ્રહારથી તેને મારી નાખ્યો. (ઋગ્વેદ ૫.૩૨.૭)

પગ વિનાના, વ્યાપક અસત્યભાષીને માર્યો. (ઋગ્વેદ ૫.૩૨.૮)

દેવોએ યુદ્ધમાં તમને આગળ કર્યા, અસુર જ્યારે યુદ્ધ કરતા હતા ત્યારે મરુત ઇન્દ્રના સહાયક હતા. (ઋગ્વેદ ૬.૧૭.૮)

ત્વષ્ટાએ શક્તિમાન ઇન્દ્ર માટે સહ ધારવાળા, સો પર્વોવાળું વજ્ર બનાવ્યું, તમારા વજ્રથી અને તમારા ઉત્સાહથી દ્યુલોક કાંપી ઊઠ્યું. (ઋગ્વેદ ૬.૧૭.૧૦)

વૃત્રાસુરે રોકેલું જળ મુક્ત કર્યું. (ઋગ્વેદ ૬.૧૦.૧૩)

અતિથિગ્વ, કુત્સ, દિવોદાસની રક્ષા કરી. (ઋગ્વેદ ૬.૧૮.૧૩)

પણિ, શુષ્ણના વધ કર્યા. (ઋગ્વેદ ૬.૨૦.૫-૭)

વૃત્રનો વધ કર્યો. (ઋગ્વેદ ૮.૩.૧૮-૧૯)

હે ઇન્દ્ર, તમે અંગિરા ઋષિ માટે ગાયોને બહાર કાઢી અને સો દ્વારવાળા ભવનમાં બંદી બનાવેલા અત્રિ ઋષિ માટે માર્ગ શોધી કાઢ્યો, વિમદ ઋષિ માટે અન્નયુક્ત ધન સંપડાવ્યું, વજ્ર દ્વારા સંગ્રામમાં રોકાયેલાઓની રક્ષા કરી. (ઋગ્વેદ ૧.૫૧.૩)

જેઓ અન્ન વગેરે હવિને પોતાના મોંમાં નાખી દેતા હતા તે માયાવીઓને માયા વડે જ માર્યા. હે ઇન્દ્ર, તમે પિપ્ર નામના અસુરના નગરનો ધ્વંસ કર્યો, સંગ્રામોમાં ઋજિશ્વા ઋષિની રક્ષા કરી. (પિપ્ર = જે માત્ર પોતાનું પેટ ભરે છે)

હે ઇન્દ્ર, તમે યુદ્ધમાં શુષ્ણનો વધ કર્યો અને કુત્સ ઋષિની રક્ષા કરી, અતિથિગવ ઋષિ માટે શંબરનો વધ કર્યો, મહાશક્તિશાળી અર્બુદને પગ તળે કચડી નાખ્યો, સનાતન કાળથી તમે અસુરોનો વધ કરતા આવ્યા છો. (ઋગ્વેદ, ૧.૫૧.૫-૬)

હે ઇન્દ્ર, ઉશના ઋષિએ પોતાના બળથી તમારા બળને વધુ પ્રગાઢ કર્યંુ ત્યારે એનાથી દ્યુલોક અને પૃથ્વીલોક કાંપી ઊઠ્યા. અન્નાદિથી પૂર્ણ એવા તમને સંકલ્પ માત્રથી જોડાઈ જનારા અશ્વો તમને અહીં લઈ આવે. (ઋગ્વેદ, ૧.૫૧.૧૦)

ઉશનાની સ્તુતિથી પ્રસન્ન થનારા ઇન્દ્ર કુટિલમાં કુટિલ શત્રુ પર શાસન કરે છે, તેમણે મેઘને વહેવડાવ્યા અને શુષ્ણ રાક્ષસનાં નગરોનો ધ્વંસ કર્યો. (ઋગ્વેદ, ૧.૫૧.૧૧)

તુર્વશ, કણ્વની રક્ષા કરી. (ઋગ્વેદ, ૮.૭.૧૮)