ભારતીય કથાવિશ્વ૧/ઝઘડો વાણી અને મનનો

From Ekatra Wiki
Revision as of 10:26, 7 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ઝઘડો વાણી અને મનનો | }} {{Poem2Open}} એક વેળા મન અને વાણી વચ્ચે ઝઘડો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઝઘડો વાણી અને મનનો

એક વેળા મન અને વાણી વચ્ચે ઝઘડો થયો. મન અને વાણી બંને કહેવા લાગ્યાં, ‘હું ભદ્ર, હું ભદ્ર.’ મન બોલ્યું, ‘હું તારાથી ચઢિયાતું. મારા વિના તું કશું નથી કહી શકતી. હું જે કરું છું તેનું તું અનુસરણ કરે છે.’ વાણી બોલી, ‘હું તારાથી મોટી છું. તું જે જાણે છે તેને પ્રગટ હું કરું છું. હું એને પ્રસારું છું.’ તે બંને પ્રજાપતિ પાસે ગયાં. પ્રજાપતિએ મનના પક્ષે રહીને નિર્ણય આપ્યો. ‘મન તારાથી ચઢિયાતું. કારણ કે તું મનનું અનુકરણ કરે છે, તેના માર્ગે ચાલે છે. જે મોટાને અનુસરે છે, તેના માર્ગે ચાલે છે તે મોટું છે.’ વાણી પોતાની વિરુદ્ધ સાંભળીને ઉદાસ થઈ ગઈ, તેનો ગર્ભપાત થયો. તેણે પ્રજાપતિને કહ્યું, ‘હું તમારા માટે કદી હવિ લઈશ નહીં. તમે મારો વિરોધ કર્યો છે.’ એટલે યજ્ઞમાં પ્રજાપતિ માટે જે કંઈ થાય છે તેનું મૂંગા મૂંગા પઠન થાય છે કારણ કે વાણી પ્રજાપતિની વાહક નથી રહી. (શતપથ બ્રાહ્મણ ૧.૪.૫)