ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ૩

From Ekatra Wiki
Revision as of 13:42, 8 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ગુજરાતના હસ્તપ્રતભંડારો - ગુજરાત સાહિત્ય અકાદમી | }} {{Poem2Open}...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગુજરાતના હસ્તપ્રતભંડારો - ગુજરાત સાહિત્ય અકાદમી

ગુજરાતના હસ્તપ્રતભંડારો  ગુજરાતમાં કોઈ ને કોઈ વિદ્યાસંસ્થા સાથે સંકળાયેલા હોય એવા આઠ હસ્તપ્રતભંડાર આવેલા છે. અમદાવાદના લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર  હસ્તપ્રતભંડારમાં (પ્રત ૬૫૦૦૦), ગુજરાત વિદ્યાસભા સંચાલિત ભો. જે. વિદ્યાભવનના હસ્તપ્રતભંડારમાં (પ્રત ૧૦,૦૦૦)  પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરાના હસ્તપ્રતભંડારમાં (પ્રત ૨૬૦૦૦), ગુજરાત વિદ્યાપીઠ  અમદાવાદના હસ્તપ્રતભંડારમાં (પ્રત ૫૮૬), ચુનીલાલ ગાંધી વિદ્યાભવન  સુરતના હસ્તપ્રતભંડારમાં (પ્રત ૬૦), મહાવીર જૈન આરાધના કેન્દ્ર  કોબા (અમદાવાદ)ના હસ્તપ્રતભંડારમાં, ઇન્ડોલોજિકલરિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શારદાપીઠ  દ્વારિકાના હસ્તપ્રતભંડારમાં અને ફાર્બસ ગુજરાતી સભા  મુંબઈના, અમદાવાદ કેન્દ્રમાં સચવાયેલ હસ્તપ્રતમાં, પ્રાકૃત, અપભ્રંશ પ્રાચીન ગુજરાતી, રાજસ્થાન, વ્રજભાષા તથા ઉર્દૂ, ઉડિયા, તમિલ, ફારસી, અરબી વગેરે ભાષાઓમાં રચાયેલ – લખાયેલ અને વિવિધ વિષય પૈકી વેદ, ઉપનિષદ, ભાગવત, રામાયણ, જૈન આગમગ્રન્થો અને તેના ટીકાગ્રન્થો, મહાન કાવ્યગ્રન્થો, આયુર્વેદ, જ્યોતિષ, રત્નપરીક્ષા, વ્યાકરણકોશ, અલંકાર, છંદ, કાવ્ય, નાટ્ય આદિ પરના ગ્રન્થો સંગ્રહાયેલા છે. આ બધા ગ્રન્થભંડારોની વિશ્વસ્ત યાદીઓ પ્રાપ્ત છે જેનો લાભ ભારત તેમજ ભારત બહારના સંશોધકો, વિદ્વાનો તથા વિદ્યાર્થીઓ લઈ શકે છે. સાંઘિક વર્ચસ્વ-સંચાલન ધરાવતા બીજા પ્રકારના હસ્તપ્રતના ભંડારોમાં અમદાવાદમાં આવેલા પં. રૂપવિજયગણિ ડહેલાભંડારમાં (પ્રત ૧૫૦૦૦), વીરવિજય શાસ્ત્રસંગ્રહમાં (પ્રત ૭૦૦૦), સંવેગી જૈનઉપાશ્રય જ્ઞાનભંડારમાં (પ્રત ૮૦૦૦), વિમલગચ્છ શાસ્ત્રસંગ્રહમાં (પ્રત ૬૦૦૦), વિજયનેમિસૂરિ જ્ઞાનભંડારમાં (પ્રત ૨૦,૦૦૦), વિજયનીતિસૂરિ જ્ઞાનભંડારમાં (પ્રત ૩૦૦૦), નીતિવિજય જૈનપુસ્તકાલય જ્ઞાનભંડારમાં (પ્રત ૩૦૦૦), વિજયદાનસૂરિ જ્ઞાનભંડારમાં (પ્રત ૫૦૦૦), સુરેન્દ્રસૂરિ જૈનગ્રન્થભંડારમાં (પ્રત ૩૦૦૦) જૈનશાલ જ્ઞાનભંડારમાં (પ્રત ૫૦૦૦), જૈન પ્રાચ્યવિદ્યાભવન ગ્રન્થભંડારમાં (પ્રત ૩૫૦૦) અને પાચચંદગચ્છ જ્ઞાનભંડારમાં (પ્રત ૩૦૦૦) સંસ્કૃતાદિ વિવિધ ભાષા અને વિષયને લગતી હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. પાટણના પાંચ ગ્રન્થભંડાર  હેમચન્દ્રાચાર્ય જૈનજ્ઞાનમંદિરના હસ્તપ્રતભંડારમાં (પ્રત ૨૦,૦૦૦), કેસરભાઈ જૈનજ્ઞાનમંદિર હસ્તપ્રતભંડારમાં (પ્રત ૫૦૦૦), વિમલગચ્છ જૈનગ્રન્થભંડારમાં (પ્રત ૨૩૩૬) ખેતરવશી જૈનઉપાશ્રય હસ્તપ્રતભંડારમાં (પ્રત ૭૬) અને દરિયાપુરી આઠકોટી સ્થાનકવાસી જૈનઉપાશ્રય હસ્તપ્રતભંડારમાં (પ્રત ૫૦૦૦) વિવિધ ભાષા પૈકી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, પ્રાચીન ગુજરાતી  રાજસ્થાની વગેરેની વિવિધ વિષયને અનુલક્ષતી હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. વડોદરાના મુક્તિકમલ મોહન જ્ઞાનભંડારમાં (પ્રત ૫૦૦૦), હંસવિજયજી ગ્રન્થભંડારમાં (પ્રત ૪૩૬૩) અને કાંતિવિજય શાસ્ત્રસંગ્રહમાં (પ્રત ૭૬૬૪) પણ સંસ્કૃતાદિ વિવિધભાષા અને વિષયની પ્રતો સચવાયેલી છે. છાણીના વીરવિજય શાસ્ત્રસંગ્રહમાં, કાંતિવિજયજી ગ્રન્થભંડારમાં (પ્રત ૧૧૨૧) અને કાંતિવિજય શાસ્ત્રસંગ્રહમાં હજારોની સંખ્યામાં સંસ્કૃતાદિ ભાષા અને વિવિધ વિષયની હસ્તપ્રતો જળવાયેલી છે. ડભોઈના મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રન્થભંડારમાં (પ્રત ૧૫૦૦૦), રંગવિજયજી શાસ્ત્રસંગ્રહમાં તથા અમરવિજયજી જૈન ગ્રન્થભંડારમાં સંસ્કૃત, પ્રાકૃત તથા પ્રાચીન ગુજરાતીમાં રચાયેલી હસ્તપ્રતો જોવા મળે છે. સુરતના જૈનઆનંદપુસ્તકાલય ગ્રન્થભંડારમાં (પ્રત ૩૧૦૦), જિનદત્તસૂરિ જ્ઞાનભંડારમાં (પ્રત ૧૦૨૯), મોહનલાલજી જ્ઞાનભંડારમાં (પ્રત ૨૭૦૪), હકુમુનિજી જ્ઞાનભંડારમાં (પ્રત ૭૧૧), શેઠ. ને. મે. વાડી ઉપાશ્રય ગ્રન્થભંડારમાં (પ્રત ૯૧), શેઠ દે. લા. જૈનલાયબ્રેરી – ગ્રન્થભંડારમાં (પ્રત ૩૮૬), શ્રી ધર્મનાથજી જ્ઞાનભંડારમાં (પ્રત ૧૦૪૭), આદિનાથ મંદિર જ્ઞાનભંડારમાં (પ્રત ૧૬૧૨), ચિંતામણિ પાર્શ્વનાથ જ્ઞાનભંડારમાં (પ્રત ૧૭૦), સીમંધરસ્વામી જ્ઞાનભંડારમાં (પ્રત ૭૮૦) અને બાબુભાઈ અમરચંદ જ્ઞાનભંડારમાં (પ્રત ૩૨૮) સંસ્કૃતાદિ વિવિધ ભાષા અને વિષયની પ્રતો પ્રાપ્ત થાય છે. ખંભાતના ગ્રન્થભંડાર શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડારમાં (પ્રત તાડ ૩૭૫+કાગળ ૧૫૦), નીતિવિજયજી જ્ઞાનભંડારમાં (પ્રત ૪૦૦૦), વિજયનેમિસૂરિ જ્ઞાનભંડારમાં (૨૦,૦૦૦) અને પાચચંદગચ્છ ભંડારમાં (આશરે પ્રત ૨૦૦૦) વિવિધ વિષયની સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષામાં રચાયેલી – લખાયેલી તાડપત્રીય અને કાગળની હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે. ઈડરના દિગંબર જૈનભટ્ટારકીયભંડાર તથા આત્મક-કમલલબ્ધિસૂરીશ્વર શાસ્ત્રસંગ્રહમાં (પ્રત ૭૦૦૦) તાડપત્રીય અને કાગળની પ્રતો સંગ્રહાયેલી છે. કપડવંજના અભયદેવસૂરીશ્વર જૈનજ્ઞાનમંદિરમાં સૂર્યોદયસાગર જ્ઞાનભંડારમાં, મીઠાભાઈ ગુલાબચંદ્ર જ્ઞાનભંડારમાં, અષ્ટાપદ જ્ઞાનભંડારમાં અને માણેકભાઈ જ્ઞાનભંડારમાં હજારોની સંખ્યામાં વિવિધ વિષય અને ભાષાની પ્રતો સચવાયેલી છે. લીંબડીના ગોપાલસ્વામી પુસ્તકાલય ગ્રન્થભંડારમાં તથા અજરામરજીસ્વામી જ્ઞાનભંડારમાં પણ હજારોની સંખ્યામાં હસ્તપ્રતો સચવાયેલી છે. જામનગરના જૈનઆનંદજ્ઞાનમંદિરમાં, ડુંગરસિંહ સ્થાનકવાસી જૈનપુસ્તકાલય જ્ઞાનભંડારમાં તથા અચલગચ્છ ઉપાશ્રય જ્ઞાનભંડારમાં અનેક હસ્તપ્રતો વિવિધ ભાષા અને વિષયને લગતી જોવા મળે છે. આ ઉપરાંત ભાવનગરમાં આત્માનંદ જૈનસભાના હસ્તપ્રતભંડારમાં, ચાણસમાના નીતિવિજય જ્ઞાનમંદિરમાં, સુરેન્દ્રનગરના વાસુપૂજ્ય મંદિરના જૈનજ્ઞાનભંડારમાં વિવિધ ભાષા અને વિવિધ વિષયની પ્રતો સંગ્રહાયેલી છે. પાલીતાણામાં પણ જૈન મોટી ટોળી ગ્રન્થભંડાર આદિ સાતેક જ્ઞાનભંડારમાં હસ્તપ્રતો સચવાયેલી છે. આ સિવાય ઝીંઝુવાડા, ઊંઝા, નડિયાદ, વાવ, લીંચ, જોટાણા, વીજાપુર, વડનગર, પાલનપુર, પાલેજ, માંગરોલ, વાંકાનેર, મારવી, આગલોડ, રાંદેર, રાજકોટ, ગોંડલ, વઢવાણ; કચ્છમાં કોડાય ભચાઉ, જખઉ, કોઠારા, નળિયા, પત્રી, મુંદ્રા વગેરેમાં હસ્તપ્રતભંડારો હોવાની માહિતી છે. ક.શે. ગુજરાતપ્રશસ્તિનાં કાવ્યો  ગુજરાતપ્રશસ્તિકાવ્યોમાં ગુજરાતની પ્રાકૃતિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક વિશેષતા, એની પ્રજા, પ્રજાની જીવનરીતિ, પ્રજામાં થઈ ગયેલ મહાન વિભૂતિઓ – આ સર્વનું પ્રશંસાપૂર્ણ આલેખન થયું હોય છે. દયારામ સુધી આપણે ત્યાં આ પ્રકારનાં કાવ્યો ન હતાં. અંગ્રેજી કેળવણી પામેલા નર્મદ આદિ સાહિત્યકારોના વિશ્વસાહિત્ય સાથેના સંપર્ક તેમજ અંગ્રેજીશાસન દરમિયાન દેશ અને ગુજરાતની સ્થિતિ વિશે કરેલા ચિંતનમાંથી આ પ્રકારનાં કાવ્યો લખાવાની શરૂઆત થઈ. અર્વાચીન ગુજરાતી કવિતામાં ઘણી દિશાઓમાં નવપ્રસ્થાન કરનાર નર્મદે ગુજરાતપ્રશસ્તિકાવ્યમાં પણ પહેલ કરી. એમનું ‘જય! જય ! ગરવી ગુજરાત’ ‘કાવ્ય તેમાં વ્યક્ત થયેલા ઉત્કટ ગુજરાત-પ્રેમને કારણે જ નહીં, કાવ્યરચનાની દૃષ્ટિએ પણ આ પ્રકારનાં કાવ્યોમાં ચિરંજીવ નીવડ્યું છે. અહીં મધ્યકાળના પડછાયામાંથી પહેલીવાર બહાર નીકળીને કવિ ભાવપૂર્ણ ભાષામાં પોતાના પ્રદેશનું જયગાન ગાઈ ઊઠે છે. એમાં નવયુગના ઉદયનો સંકેત પણ સહજ રીતે પ્રગટ થયો છે. ગુજરાતની તત્કાલીન સીમાઓ, એનાં તીર્થસ્થાનો, નદીઓ સાગરકાંઠો તેમજ એની ભૂતકાલીન ભવ્યતાનો નિર્દેશ કરી કવિ એના ઉજ્જ્વલ ભવિષ્યની યે આગાહી કરે છે. નર્મદનું આ સીમાસ્તંભ જેવું કાવ્ય તે પછીના અનેક કવિઓને આ પ્રકારની રચનાઓ કરવા પ્રેરતું રહ્યું છે. નર્મદ પછી બહેરામજી મલબારી, હરિ હર્ષદ ધ્રુવ, ન્હાનાલાલ, ખબરદાર, કરસનદાસ માણેક, સુન્દરમ્, ઉમાશંકર, ચંદ્રવદન મહેતા વગેરે પાસેથી ગુજરાતપ્રશસ્તિનાં નોંધપાત્ર કાવ્યો મળે છે. એ પછીના કવિઓ પણ પ્રસંગોપાત આવાં કાવ્યો કરતા રહ્યા છે. આમાંની ઘણીખરી કૃતિઓમાં શબ્દ, સંરચના અને અભિવ્યક્તિલઢણોમાં એકવિધતા જોવા મળે છે તો કવિપ્રતિભાનો સંસ્પર્શ પામેલી કેટલીક કૃતિઓ અનોખાપણાનો અનુભવ કરાવે છે. ‘અર્પી દઉં સો જન્મ એવડું મા તુજ લ્હેણું’ ગાનાર બહેરામજી મલબારી નર્મદની જેમ ગુજરાતના ભૂતકાલીન વારસાને સ્મરી, અંગ્રેજશાસન સમયની દુર્દશાથી વ્યથિત બની ઉજ્જ્વલ ભવિષ્યની શ્રદ્ધા વ્યક્ત કરે છે. હરિ હર્ષદ ધ્રુવ ‘એ ભૂમિ અમારી’ કાવ્યમાં ગુજરાત માટે પ્રાણની આહુતિ આપી દેવાની તત્પરતા બતાવી તત્કાલીન પરાધીનતામાંથી મુક્ત થવા ઝંખે છે. બ્રિટિશ રાજભક્તિનાં કાવ્યો રચનાર ન્હાનાલાલ પાસેથી ગુજરાતપ્રશસ્તિનાં એકાધિક કાવ્યો મળે છે. એમાં ‘ધન્ય હો ધન્ય જ પુણ્યપ્રદેશ ! અમારો ગુણિયલ, ગુર્જરદેશ’થી આરંભાતું કાવ્ય ગુજરાતની ઐતિહાસિક, ભૌગોલિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક મહત્તા ઉપરાંત ગુજરાતી પ્રજાની લાક્ષણિકતાઓના હૃદ્ય આલેખનને કારણે ધ્યાનાર્હ બન્યું છે. ‘ગુર્જરી કુંજો’ ‘અમ ગુજરાતણનાં બાણ’ અને ‘કાઠિયાણીનું ગીત’ જેવાં અન્ય કાવ્યોમાં પણ ન્હાનાલાલની ગુજરાતભક્તિનાં દર્શન થાય છે. જીવનનો મોટો ભાગ ગુજરાત બહાર મદ્રાસમાં વસનાર પારસી કવિ ખબરદારે નર્મદ અને હરિ હર્ષદ ધ્રુવમાંથી પ્રેરણા લઈ ‘ઓ ગુજરાત ! ઓ ગુજરાત !’ ‘અમારી ગુજરાત’ ‘ગુણવંતી ગુજરાત’ અને ‘સદાકાળ ગુજરાત’ જેવાં ઘણાં કાવ્યો લખ્યાં છે એમાંથી ‘ગુણવંતી ગુજરાત !’ અને ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !’ એ બે કાવ્યો વિશેષ લોકાદર પામ્યાં છે. સમગ્ર રાષ્ટ્રના સ્વાતંત્ર્યની કામના કરતા ગાંધીયુગના કવિઓ પાસેથી પણ ગુજરાતસ્તવનનો મળ્યાં છે. સાદ્યન્ત શાર્દૂલવિક્રીડિતમાં વહેતું ‘ગૂર્જરી ભૂ’ ‘સુન્દરમ્’નું ધ્યાનાર્હ કાવ્ય છે. કવિ અહીં ગુજરાતના પ્રકૃતિવૈભવની વિગતે પ્રશંસા કરી કૃષ્ણ-બલરામથી માંડી ગાંધીજી સુધીના મહાપુરુષો અને તેમનાં કાર્યોને અંજલિ આપે છે. ઉમાશંકરે પણ ઘણાં ગુજરાતસ્તવનો રચ્યાં છે એમાં ‘ગુજરાત મોરી મોરી રે’ અને ગુજરાતપ્રેમને રાષ્ટ્રપ્રેમ સુધી વિસ્તારી આપતું ‘હું ગુર્જર ભારતવાસી’ નોંધપાત્ર છે. મનસુખલાલ ઝવેરી અને બચુભાઈ રાવત પાસેથી પણ એક એક કાવ્ય મળે છે. કરસનદાસ માણેક શ્રીકૃષ્ણ જેવા અવતારી પુરુષ મથુરા છોડીને અહીં આવી વસ્યા એ કારણે જ ગુજરાતના સૌભાગ્યની સરાહના કરે છે ! જયંત પાઠક અને ‘ઉશનસ્’ ઉપરાંત બીજા અનેક જાણીતા-અજાણ્યા કવિઓ પાસેથી ગુજરાતપ્રશસ્તિનાં કાવ્યો મળે છે પરંતુ એમાં ઉમાશંકર એક કાવ્યમાં ચીંધી બતાવે છે એવી ‘જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાયે દૃઢમૂલ’ ગુજરાતીઓની અનુકૂલનવૃત્તિ કે દેશળજી પરમારના કાવ્યમાં ઉલ્લેખેલ, અનેક સંસ્કૃતિઓના સંસર્ગમાં આવવા છતાં ગુજરાતે જાળવી રાખેલા પોતાપણા જેવી કશી વિશેષતા જોવા મળતી નથી. આ બધામાં ભાવાભિવ્યક્તિ અને સંરચનાની દૃષ્ટિએ ચંદ્રવદન મહેતાનું સોનેટ વિશેષ ધ્યાન ખેંચે છે. ‘ભમો ભરતખંડમાં સકલ ભોમ ખૂંદી વળી  ધરાતલ ઘૂમો, ક્યહીં નહીં મળે રૂડી ચોતરી’–થી થતો કાવ્યનો સહજ, પ્રભાવક આરંભ અને ‘લીધો જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં’થી થતું સમાપન કાવ્યને પૂર્ણતા અર્પે છે. આ સિવાય ગુજરાતસ્થાપનાદિનની ઉજવણી નિમિત્તે અનેક કવિઓ કશી વિશેષતા વિનાની રચનાઓ કરતા રહ્યા છે. પુ.જો. ગુજરાત બહાર ગુજરાતી ભાષા-સાહિત્યનો પ્રભાવ  ગુજરાત બહાર ગુજરાતી સાહિત્ય અંગેની પ્રવૃત્તિઓ સર્જકલેખકો દ્વારા, ગુજરાતી મંડળો દ્વારા અને ક્યારેક સરકારી અર્ધસરકારી તંત્રો દ્વારા ચાલતી જોવા મળે છે. ગુજરાત બહાર ભારતમાં સર્જકલેખકોમાં ધ્યાનપાત્ર બની રહે છે કલકત્તા કે જ્યાં શિવકુમાર જોષી આદિ લેખકોએ સાહિત્યસર્જનની આબોહવા ઊભી કરી છે. બંગાળીમાંથી ગુજરાતી અનુવાદોનું કામ કલકત્તાસ્થિત સદ્. રમણીક મેઘાણી આદિએ કર્યું છે. મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે પણ ગુજરાતી સર્જકોથી ભર્યું ભર્યું છે. હમણાં જ ત્યાં ગુજરાતીઓ માટે સાહિત્ય અકાદમી સ્થપાઈ. અનેક રીતે ગુજરાતી સાહિત્યક્ષેત્રે એ શહેર પ્રવૃત્ત છે. કિશોર જાદવ નાગાલેન્ડમાં તથા ઈવા ડેવ અગાઉ મદ્રાસ અને દિલ્હીમાં વિશિષ્ટ ગણી શકાય. ગુજરાતીમંડળો પણ દિલ્હી, કલકત્તા, મદ્રાસ, વગેરેમાં સક્રિય છે. ત્રણેય શહેરો યશસ્વી રીતે ગુજરાતી સાહિત્ય પરિષદનાં અધિવેશનો યોજવા દ્વારા તથા પોતાની સ્વતંત્ર પ્રવૃત્તિઓ દ્વારા, ખાસ કરીને સ્થાનિક તથા ગુજરાતના સાહિત્યકારોને આમંત્રીને પ્રવચનમાળાઓ યોજવા દ્વારા મોટું કામ કરતાં રહ્યાં છે. એક ફેડરેશન રૂપે ‘અખિલ ભારત ગુજરાતી સમાજ’ પણ છે પણ તેની સાથે સંકળાયેલાં ભારતનાં રાજ્યેરાજ્યનાં ગુજરાતી મંડળોમાં સાહિત્યિક પ્રવૃત્તિઓનું સ્થાન અપવાદ રૂપે રહ્યું છે. છેલ્લાં વર્ષોમાં મુદ્રણકાર્ય સરળ બનવાથી, ભારતનાં અનેક શહેરોમાં ગુજરાતીઓ દ્વારા, ગુજરાતીઓ માટે, સ્થાનિક સંવાદ માટે સાપ્તાહિક પત્રિકાઓ નીકળતી રહી છે. કલકત્તાનું ‘નવરોઝ’ અને પછી ‘પૂર્વગુર્જરી’ અને ‘કલકત્તા હલચલ’ સાહિત્યિક વલણવાળા સંપાદન માટે વિખ્યાત છે. અન્ય નવાં સામયિકોમાં, ઉદાહરણાર્થે નાગપુરથી હમણાં જ ૧૯૯૬થી પ્રગટ થવા માંડેલું ‘ગુર્જરપુષ્પ’ ગણાવી શકાય. મુંબઈ તથા દિલ્હીથી મોટાં ગજાનાં વ્યાવસાયિક કૌશલ્ય દર્શાવતાં દૈનિકો-સામયિકો સ્થાનિક તથા બહારના વાચકોને સાહિત્યિક વાચન પૂરું પાડે છે. દિલ્હીનું ‘ઇન્ડિયા ટુડે’ તથા મુંબઈનાં ‘ચિત્રલેખા’ અને ‘અભિયાન’ ખાસ નોંધપાત્ર છે. ‘જન્મભૂમિ પ્રવાસી’ની મુંબઈથી પ્રગટતી રવિવારીય આવૃત્તિ તથા ‘ગુજરાત સમાચાર’ની રવિવારીય આવૃત્તિ પણ ગુજરાત અને ગુજરાત બહારના ગુજરાતીઓ વચ્ચે કડીરૂપ બની રહ્યાં છે. સરકારી-અર્ધસરકારી તંત્રોમાં નેશનલ બુકટ્રસ્ટ તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમી વગેરે વિશેષ કરીને ગુજરાતીભાષી પ્રકાશનક્ષેત્રે ફાળો આપી રહ્યાં છે. ભારત બહાર જતાં સાહિત્યિક રીતે સૌથી વધુ પ્રવૃત્ત દેખાય છે યુ.એસ.એ. કેનેડા તથા ઇંગ્લેન્ડના ગુજરાતીઓ. અહીં ગુજરાતી ભાષાની નવી પેઢીની જાગૃતિ પરખાય છે. વ્યક્તિગત નામો ન ગણાવવા છતાં આ સૌની, વિદેશનિવાસની મન સ્થિતિની અભિવ્યક્તિની પ્રારંભિક મથામણને બિરદાવવી રહી. કેટલાકે માત્ર વિદેશી ગુજરાતી સાહિત્યસમાજ નહીં, ગુજરાતી સાહિત્યના કેન્દ્રવર્તી પ્રવાહમાં પણ નામ કાઢ્યું છે, ભારત બહાર ગુજરાતીઓ દ્વારા પ્રગટતાં સામયિકોમાં અમેરિકાનું ‘ગુર્જરી ડાયજેસ્ટ’ (સંપાદક કિશોર દેસાઈ) સાહિત્યિક હેતુલક્ષી ત્રિમાસિક તરીકે લગભગ એક દાયકાથી સ્થિર થયું છે. ઉપર જેમની વાત કરી તેમાંના ઘણાખરા અમેરિકા-કેનેડાસ્થિત ગુજરાતી સર્જકોનાં નામ ‘ગુર્જરી ડાયજેસ્ટ’માં વંચાશે. ઇંગ્લેન્ડમાં રમણીક સોલંકીનું ‘ગરવી ગુજરાત’ તથા સી. બી. પટેલનું ‘ગુજરાત સમાચાર’ (લંડનનું) એ પત્રકારત્વના વિશાળ કાર્યક્ષેત્ર સાથે સાહિત્ય સમાચાર, અવલોકનો તથા ક્યારેક ટૂંકી સર્જકકૃતિઓ દ્વારા ત્યાંની ગુજરાતી પ્રજાની જરૂરિયાત પૂરી પાડે છે. ઇંગ્લેન્ડમાં તાજેતરમાં પ્રગટ થવા માંડેલું ‘ઓપિનિયન’ પણ ભાષાસાહિત્યની સમસ્યાઓને વરેલું છે. મોંટ્રિયલ(કેનેડા)થી ‘સબરસ’, લેસ્ટર(ઇંગ્લેંડ)થી ‘અમે ગુજરાતી’ અને ‘ન્યૂજર્સી’(યુ.એસ.એ.)થી ‘ગુજરાત’ પણ પ્રગટ થાય છે. એક ખૂબ નોંધપાત્ર અને ભવિષ્યની ખૂબ શક્યતાઓ ધરાવતી પ્રવૃત્તિ ઇંગ્લેન્ડ, યુ.એસ.એ., કેનેડા, મધ્યપૂર્વ, આફ્રિકા અને અન્ય દેશોમાં વિકસતી રહી છે તે, સ્થાનિક ગુજરાતીમંડળો દ્વારા પ્રગટતાં વાર્ષિક, ત્રિમાસિક અને માસિક પત્રોનું પ્રકાશન. ઇન્ડિયા ફાઉન્ડેશન ઓફ ડેટન (હરીશ ત્રિવેદી)નું ‘દોસ્તી’; ગુજરાતી સમાજ, ન્યુયોર્કનું ‘કલમ’નું ગુજરાતી સમાજ ઓફ ગ્રેટર પિટ્સબર્ગનું ‘ગુર્જર’, ફેડરેશન ઓફ જૈન એસોસિયેશન્સ ઓફ નોર્થ અમેરિકાનું ‘જૈન ડાયજેસ્ટ’, શ્રી ગુજરાતી સમાજ બેહરિનનું ‘ગુર્જર ગુંજન’, ગુજરાતી કલ્ચરલ એસોસિયેશન કુવૈતનું ‘સ્મરણિકા’ તથા યુ. એ. ઈ. દુબાઈના ગુજરાતી સમાજનું ‘નવરાત્રિ’ વાર્ષિક વગેરે ઉદાહરણો નોંધી શકાય. અમદાવાદસ્થિત ખૂબ જૂની વિશ્વગુર્જરી સંસ્થા વાર્ષિક ‘વિશ્વ ગુર્જરી’ તથા વિશ્વગુજરાતી સમાજ ‘વિશ્વનીડમ્’ પ્રગટ કરે છે. આમાના ઘણાખરા પત્રોનો મુખ્ય હેતુ સાહિત્યિક નથી. છતાં એમાં પ્રગટતાં કાવ્યો પ્રસંગચિત્રો, અનુભવકથાઓ, હાસ્યકંડિકાઓ, વાર્તાઓ વગેરે વિદેશસ્થિત ગુજરાતી સર્જકવૃત્તિને ઉત્તેજન આપનારાં બની રહ્યાં છે. ઇંગ્લેન્ડમાં ગુજરાતી સાહિત્ય એકેડેમી(લંડન)ની પ્રવૃત્તિઓમાં ભાષાશિક્ષણ તથા સાહિત્યપ્રસારને મુખ્ય ગણવાં જોઈએ. ગુજરાતી ભાષાનું શિક્ષણ-પરીક્ષણ, શિક્ષકોને તાલીમ, સરકારીતંત્રો જોડે ભાષાપ્રચારમાં સહકાર એ એનાં પ્રવૃત્તિક્ષેત્રો રહ્યાં છે. કેનેડા તથા યુ.એસ.એ.માં એકમાત્ર કેનેડાનું ‘ફોગા’ તથા બીજું કેનેડા તથા યુ.એસ.એ.નું સંયુક્ત ‘ફોગાના’ એવાં બે ‘ફેડરેશન્સ’ પ્રવૃત્ત છે. ‘ફોગાના’માં લગભગ ૧૦૦થી વધુ પ્રાદેશિકમંડળો સભ્યપદ ધરાવે છે. ‘ફોગાના’ની મુખ્ય પ્રવૃત્તિ રાસગરબા ઉત્સવોની આસપાસ કેંદ્રિત થઈ છે, પણ તાજેતરમાં એણે એકાંકીસ્પર્ધા યોજવા માંડી છે. ન્યૂયોર્ક, હ્યુસ્ટન, ડેટન, વોશિંગ્ટન વગેરે યુ.એસ.એ.નાં શહેરોમાં તેમ ઇંગ્લેન્ડમાં લંડનમાં અનેક મંડળો છૂટક છૂટક નાટ્યપ્રવૃત્તિ કરી રહ્યાં છે. અનેક સાહિત્યકારો કલાકારો આમાં પ્રવૃત્ત છે પણ મધુ રાય તથા જયંતિ પટેલનાં નામ તેમની પ્રલંબ સક્રિય કારકિર્દીને લીધે પ્રથમ યાદ આવે છે. ચંદ્રકાન્ત શાહ અભિનિત ‘નર્મદ’ નાટ્યપ્રયોગ તાજેતર(૧૯૯૫)નું પ્રેરક સાહસ છે. લંડનમાં ભારતીય વિદ્યાભવનનું પ્રદાન મોટું છે. ખાસ તો નૃત્યનાટિકા ક્ષેત્રે કેનેડામાં વિદેશી – દેશી સંસ્કૃતિઓને સરકારી ઉત્તેજન મળે છે. ભારતીય વિદ્યાભવન ન્યૂયોર્ક, ટોરેન્ટો, બોસ્ટન, લિસ્બન(પોર્ટુગલ) વગેરેમાં ધાર્મિક-સાંસ્કૃતિક રીતે કાર્યરત છે, સાહિત્યને કંઈક અંશે આ બધાંનો આડકતરો લાભ મળે છે એટલું જ. સંગીતજૂથો જેમકે લેસ્ટર(ઇંગ્લેન્ડ)નું ચંદુભાઈ મટ્ટાણીનું જૂથ સુગમસંગીત દ્વારા ગુજરાતી કવિતાના સૂર પ્રસરાવે છે. બોલ્ટન(ઇંગ્લેન્ડ)માં તથા બાટલી યોર્કશાયર, (ઇંગ્લેન્ડ)માં ગુજરાતી ગઝલકારોની સ્વ-અભિવ્યક્તિની મથામણ દેખાય છે, એ ઉદાહરણાર્થે નોંધીએ. વિદેશોમાં સ્વામિનારાયણ, જૈન, વૈદિકધર્મ, વૈષ્ણવસંપ્રદાય વગેરેની ઘણામોટા પાયા પર ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલે છે. જો કે આમાં સાહિત્યિક સર્જકતાને કે સાહિત્યિક ભાવકરુચિ અને શિક્ષણને સ્થાન નથી. હોંગકોંગ, સિંગાપુર, જાપાન, ઓસ્ટ્રેલિયા, બેલ્જીયમ, મધ્યપૂર્વ તથા આફ્રિકાના દેશો આ બધે જ ગુજરાતી ભાષા ધાર્મિક-સામાજિક પ્રવૃત્તિના ઘણા જ નાના અંશ તરીકે, અને તે ય ક્યારેક જ દેખા દે છે, જે ગુજરાતી માણસની વૃત્તિ-સંસ્કૃતિનું સૂચક છે. યુ.એસ.એ.માં સાહિત્યપ્રવૃત્તિઓ માટે સ્થપાયેલી ગુજરાતી લિટરરી અકાદમીએ અત્યાર સુધીમાં ૧૦થી વધુ સાહિત્યકારોને અમેરિકા આમંત્રીને ભાષા-સાહિત્યની જાગૃતિમાં ફાળો આપ્યો છે. ન્યૂયોર્કનું દર ૬૦ દિવસે મળતું અવૈધિક જૂથ પણ ચૈતન્યસભર છે. ઇંગ્લેન્ડમાં જગદીશ દવેએ ગુજરાતી ભાષાશિક્ષણ અંગે ઊંચી કક્ષાની અભ્યાસ સામગ્રી વિકસાવી છે. યુ.એસ.એ.માં ભરત શાહ તથા કિરીટ શાહે ગુજરાતી શીખવા માટે મૌલિક દૃષ્ટિએ પાઠ્યપુસ્તકો રચ્યાં છે. ફિલાડેલ્ફિયામાં યુનિવર્સિટી સ્તરે અપાતું ગુજરાતી ભાષાસાહિત્યનું શિક્ષણ (આયોજક પન્ના નાયક) અને અખા જેવા પ્રશિષ્ટ કવિની કૃતિઓનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદનું કાર્ય સફળ રીતે કરનાર બોસ્ટનના પ્રમોદ ઠાકર ‘(કૃષ્ણાદિત્ય’)નું કાર્ય પણ, પ્રેરક નીવડવાં ઘટે. બ.ત્રિ. ગુજરાતમિત્ર  દક્ષિણ ગુજરાતનું અગ્રણી દૈનિક અખબાર. સુરતમાં ૧૩-૯-૧૮૬૩ના દિવસે દીનશા અરદેશર તાલયારખાને ‘સુરતમિત્ર’ નામના સાપ્તાહિકનો પ્રારંભ કર્યો. આ સાપ્તાહિક દર રવિવારે બહાર પડતું. સુરત શહેરના સમાચાર એમાં છપાતા અને સુરતની સમસ્યાઓની ચર્ચા થતી. આ અખબારને સફળતા મળતાં એનું કાર્યક્ષેત્ર વિસ્તાર્યું અને નામ ૧૧-૯૧૮૬૪થી બદલીને ‘ગુજરાતમિત્ર’ રાખ્યું. દીનશા સરકારી ગેરવહીવટ અને બીજાં દૂષણોના સખત ટીકાકાર હતા. વડોદરા નરેશ મલ્હારાવ ગાયકવાડની નીતિ સામે એમણે જોરદાર લડત આપી હતી, જેને અંતે એમણે ગાદીત્યાગ કરવો પડ્યો. ૧૮૭૨માં ‘ગુજરાતમિત્ર’ના ચારસો ગ્રાહક હતા. ૧૮૭૦માં નાદુરસ્ત તબિયતના કારણે દીનશાએ અખબાર ચૌદ જણની એક કંપનીને વેચી નાખ્યું. એના એક અગ્રણી મંદારામ દોલારામ હતા, જે સરકારી નોકરીમાં હતા. આ અખબાર સાથેના સંબંધને લીધે એમણે નોકરી છોડવી પડેલી. ૧૮૭૭માં એ વર્તમાનપત્રના માલિક બન્યા. ૧૮૯૫માં હોરમસજી સેક્રેટરીનું સાપ્તાહિક ‘ગુજરાતદર્પણ’ એમાં જોડાઈ ગયું. ૧૯૨૦માં ઉત્તમરામ રેશમવાળાએ ‘ગુજરાતમિત્ર’ ખરીદી લીધું. એમના પછી એમના પુત્ર ચંપકલાલ અને એ પછી એમના ભાઈ પ્રવીણકાંત રેશમવાળા તંત્રી બન્યા. ૨૯-૧૧-૩૬થી એ દૈનિક બન્યું અને આજે શ્રી ભરત રેશમવાળાના તંત્રીપદ હેઠળ ચાલે છે. કોઈ રાજકીય જૂથના હાથા બન્યા વિના, અને સસ્તી સનસનાટીમાં રાચ્યા વિના આ દૈનિક વાચકોને બૌદ્ધિક સામગ્રી પીરસતું રહ્યું છે. એના વિદ્વત્તાપૂર્ણ તંત્રીલેખો અને કટારો તથા વાચકોના ચર્ચાપત્રોમાં ચાલતી બૌદ્ધિકચર્ચાઓ તેનાં આકર્ષણો છે. યા.દ. ગુજરાતરાજ્ય શાળા પાઠ્યપુસ્તકમંડળ  કેન્દ્ર સરકારે અપનાવેલી પાઠ્યપુસ્તકોના રાષ્ટ્રીયકરણની નીતિના ઉપલક્ષ્યમાં, દેશનાં અન્ય રાજ્યોની પેઠે, ગુજરાતમાં પણ ‘ગુજરાતરાજ્ય શાળા પાઠ્યપુસ્તકમંડળ’ની સ્થાપના કરવામાં આવી છે. પાઠ્યપુસ્તક મંડળ ધોરણ ૧થી ૧૨નાં વિવિધ વિષયોનાં પાઠ્યપુસ્તકોની હસ્તપ્રતો તૈયાર કરાવે છે. પાઠ્યપુસ્તકો છપાવે છે અને રાજ્યભરમાં ‘નહિ નફો નહિ નુકસાન’ના ધોરણે પાઠ્ય-પુસ્તકોનું વિતરણ કરે છે. મંડળ ગુજરાતી ભાષામાં પાઠ્યપુસ્તકો તૈયાર કરાવે છે. અન્ય માધ્યમો – હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉર્દૂ અને સિંધી માધ્યમોના વિદ્યાર્થીઓ માટે મંડળ જે તે ભાષામાં પાઠ્યપુસ્તકોના અનુવાદો કરાવી અનુવાદિત પાઠ્યપુસ્તકો પ્રસિદ્ધ કરે છે. આ બધાં માધ્યમોનાં પ્રથમ ભાષાનાં પાઠ્યપુસ્તકો પણ મંડળ પ્રસિદ્ધ કરે છે. પાઠ્યપુસ્તકો ઉપરાંત પાઠ્યપુસ્તકોની આનુષંગિક શૈક્ષણિક સામગ્રી શિક્ષકઅધ્યાપનપોથી, સ્વાધ્યાયપોથી વગેરે – તૈયાર કરાવવાની કામગીરીનો તેમજ શૈક્ષણિક સંશોધનના પ્રકલ્પો હાથ ધરવાની કામગીરીનો પણ પાઠ્યપુસ્તક મંડળના કાર્યક્ષેત્રમાં સમાવેશ થાય છે. ર.બો. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જુઓ, ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાસભા  ભારતીય ઇતિહાસ અને લોકવિદ્યાના ચાહક એવા, બ્રિટિશશાસનના સનંદી અધિકારી એલેકઝાંડર કિન્લોક ફાર્બસે એના ગુજરાતનિવાસ દરમ્યાન ગુજરાતી ભાષા અને ગરિમાથી પ્રભાવિત થઈને તેના વિશેષ ઉત્કર્ષ માટે, અમદાવાદના પ્રબુદ્ધ નાગરિકો અને પદાધિકારીઓના સહયોગથી ૧૮૪૮માં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના નામે સ્થાપેલી સાંસ્કૃતિકસંસ્થા. સંસ્થાના મંત્રી તરીકેની જવાબદારીના વહનમાં સહાય મળે એ આશયથી કવિ દલપતરામની સવૈતનિક સેવા મેળવીને ફાર્બસે સંસ્થાના કાર્યપ્રદેશને અત્યંત ઝડપથી વિસ્તારીને જૂની હસ્તપ્રતોનો સંચય અને તેની જાળવણી તથા વિશિષ્ટ ગ્રન્થોનું પ્રકાશન જેવી પ્રારંભિક પ્રવૃત્તિ પછી ગુજરાતી પ્રજા અને ભાષાસાહિત્યના વિકાસ માટેની પ્રત્યેક પ્રવૃત્તિને પોતીકી ગણીને અપનાવી. એ અનુસાર ગુજરાતમાં સર્વપ્રથમ અખબાર, પ્રથમ ગુજરાતી કન્યાવિદ્યાલય, પ્રથમ ગ્રન્થાલય, પ્રથમ સામયિક પ્રકાશનનો પ્રારંભ કરવાનું ગૌરવ સંસ્થાને પ્રાપ્ત થયું છે. આ પ્રવૃત્તિઓ પૈકી દલપતરામના સંપાદન તળે આરંભાયેલા ‘બુદ્ધિપ્રકાશ’ માસિકનું ૧૪૧ વર્ષો લગીનું નિરંતર પ્રકાશન એ ગુજરાતી સામયિકપ્રકાશનક્ષેત્રે સીમાચિહ્ન બન્યું છે. દલપતરામ, પ્રેમાભાઈ હિમાભાઈ, રણછોડલાલ છોટાલાલ, લાલશંકર ત્રિવેદી, અંબાલાલ સાકરલાલ, કેશવ હ. ધ્રુવ, આનંદશંકર ધ્રુવ, રમણભાઈ નીલકંઠ, દાદાસાહેબ માવળંકર જેવા વિદ્વાન અધ્યક્ષોની પરંપરા ધરાવતી આ સંસ્થાએ ઇતિહાસ, વિવિધ વિજ્ઞાનો, સાહિત્ય, ગણિતશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર અને મહાપુરુષોનાં જીવનચરિત્ર જેવા વૈવિધ્યપૂર્ણ વિષયોના અધિકારી વિદ્વાનોને નિમંત્રણ આપીને જે તે વિષયમાં ૧૦૦૦ આધારભૂત ગ્રન્થોનું લેખન-સંપાદન-પ્રકાશન કર્યું-કરાવ્યું છે. આ ઉપરાંત સંસ્થાએ સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાંથી પ્રશિષ્ટ કૃતિઓનાં ભાષાન્તરો પણ કરાવ્યાં છે. ગુજરાત યુનિવર્સિટીના સ્વપ્નદ્રષ્ટા આચાર્ય આનંદશંકર ધ્રુવે યુનિવર્સિટીની સ્થાપના માટેની પૂર્વભૂમિકા રચવા માટે સંસ્થાના અધ્યક્ષ તરીકે ૧૯૩૯માં માનવવિદ્યાઓના સ્નાતકોત્તર અભ્યાસ માટે એક સ્વાયત્ત અનુસ્નાતકકેન્દ્ર શરૂ કર્યું. જે પછીથી શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન તરીકે પરિવર્તન પામીને ભારતીય સંસ્કૃતિના અધ્યયનઅધ્યાપનના કેન્દ્ર તરીકે પ્રતિષ્ઠિત થયું  છે. સ્વાતંત્ર્યની પૂર્વસંધ્યાએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ‘ગુજરાત વિદ્યાસભા’ એવા નવા નામે કામ કરતી થાય છે અને ૧૯૪૮માં જન્મશતાબ્દી સમયે પત્રકારત્વ તેમજ નાટ્યકલાના અભ્યાસક્રમોનો આરંભ કરીને ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં યોગદાન આપે છે. સાહિત્ય, શિક્ષણ, સંશોધન, ગ્રન્થપ્રકાશન અને વિવિધ લલિતકલાઓનાં ક્ષેત્રોમાં નિરંતર કામ કરતી રહેલી આ સંસ્થા પ્રાથમિક કક્ષાથી આરંભી અનુસ્નાતક શિક્ષણ સુધીની સુવિધા પણ ધરાવે છે. ર.ર.દ. ગુજરાત શાળાપત્ર  ગુજરાતી પ્રજામાં કેળવણી અને સાંસ્કૃતિક જાગૃતિ આણવા માટે ગુજરાતના કેળવણીખાતાએ મહીપતરામ રૂપરામ નીલકંઠના સંપાદન તળે, ૧૮૬૨માં અમદાવાદથી પ્રકાશિત કરેલું માસિક મુખપત્ર. એના એકાધિક સંપાદકોમાં કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી અને નવલરામ પંડ્યાની સેવાઓ વિશેષ ઉલ્લેખનીય છે. કવિતા, કાવ્યસંપત્તિનું દિગ્દર્શન, પ્રવાસવર્ણન, કેળવણીખાતાની ખબરો, વાચનમાળાના ખુલાસા, સંગીતવિષય, વનસ્પતિવર્ણન, ગ્રન્થાવલોકન, ચર્ચાપત્રો તેમજ સંસ્કૃત-વ્યાકરણ જેવા સ્થાયી વિભાગો ધરાવતા આ સામયિકે ગુજરાતના શિક્ષણક્ષેત્રે દીર્ઘકાલીન સાતત્યપૂર્ણ સેવા આપી છે. નવલરામ પંડ્યાના સંપાદનમાં શાળાપત્રે વૈજ્ઞાનિક-શાસ્ત્રીય અભિગમ દાખવ્યો અને પોતાનો વિષયવ્યાપ કેળવણી સુધી સીમિત ન રાખતાં સાહિત્ય, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ઇતિહાસ તેમજ ખગોળ જેવા વિષયોમાં અધિકૃત સામગ્રી પ્રગટ કરી. તદ્ઉપરાંત ગુજરાતી ગ્રન્થાવલોકનનો આદર્શ રચવાની સંનિષ્ઠ મથામણ પણ કરી છે. ર.ર.દ. ગુજરાત સમાચાર : ૧૮૯૮માં છઠ્ઠી માર્ચે ભગુભાઈ કારભારીએ અમદાવાદમાંથી ‘પ્રજાબંધુ’ સાપ્તાહિક શરૂ કર્યું, અને દોઢેક વર્ષ એનું સંચાલન સંભાળ્યું. એમની પાસેથી એ ઠાકોરલાલ ઠાકોરે સંભાળ્યું અને ૧૯૦૫માં પ્રજાબંધુ પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરીને એમાં જ ‘પ્રજાબંધુ’ છાપવાનું રાખ્યું. પ્રારંભથી એમાં સ્થાનિક સ્વરાજ્યની બાબતોને મહત્ત્વ અપાતું. એને જીવણલાલ દેસાઈ, જયશંકર વૈદ્ય, પ્રાણલાલ દેસાઈ જેવા લેખકોનો સહયોગ સાંપડ્યો. અંબાલાલ સાકરલાલ દેસાઈ અંગ્રેજીમાં કટારો લખતા. ૧૯૨૦ પછી ગાંધીજીએ શરૂ કરેલી અસહકારની ચળવળને ‘પ્રજાબંધુ’એ ટેકો આપ્યો. ૧૯૩૨માં એનું પ્રકાશન થોડો સમય બંધ રાખ્યું. એ દરમ્યાન ૧૬-૧-૩૨થી ‘ગુજરાત સમાચાર’ રૂપે એની દૈનિક પૂર્તિઓ પ્રગટ થવા માંડી. ૧૯૪૦માં લોકપ્રકાશન લિમિટેડે એનું સંચાલન સંભાળી લીધું, ત્યારથી આજ સુધી ‘ગુજરાત સમાચાર’ એના નેજા હેઠળ જ પ્રકાશિત થાય છે. ધીમે ધીમે ‘પ્રજાબંધુ’ ‘ગુજરાત સમાચાર’માં જ ભળી ગયું. શ્રેયાંસ શાંતિલાલ શાહના મેનેજિંગ તંત્રીપદ હેઠળ એ અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, મુંબઈ અને રાજકોટથી પણ પ્રકાશિત થાય છે અને સાડા પાંચ લાખ નકલ ઉપરનો ફેલાવો ધરાવે છે. રવિવારની પૂર્તિ ઉપરાંત સોમવાર, બુધવાર, શુક્રવાર વગેરે દિવસોએ અલગ અલગ વિષયો પર રંગીન પૂર્તિઓમાં વિવિધ વાચનસામગ્રી આપે છે. યા.દ. ગુજરાત સાહિત્ય અકાદમી  ૧૯૮૧માં રાજ્યસરકારે અલગ ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કરી. જેમાં ભાષા નિયામક કચેરી દ્વારા થતી કેટલીક યોજનાઓ ઉપરાંત લોકસાહિત્ય અને અન્ય અર્વાચીન ભારતીય ભાષાઓની કામગીરી, સિંધી-ઉર્દૂ અને સંસ્કૃતની સલાહકાર સમિતિઓની પણ કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો. ગુજરાતી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ અને હિન્દી એમ પાંચ સાહિત્ય અકાદમીઓનાં બંધારણ તૈયાર થયાં. જેને રાજ્ય સરકારે ૧૯૯૩માં માન્ય કર્યાં છે. અને એમ રાજ્યમાં પાંચ સ્વાયત્ત અકાદમીઓ અસ્તિત્વમાં આવી છે. અન્ય ચાર અકાદમીઓની સદસ્ય સંખ્યા ૩૩ની છે, જ્યારે ગુજરાત સાહિત્ય અકાદમીમાં અન્ય અર્વાચીન ભારતીય ભાષાઓ તથા લોકસાહિત્યની અલગ અકાદમીઓ નહીં હોવાને કારણે તે ક્ષેત્રના વિદ્વાનોનો પણ સમાવેશ કરી સદસ્ય સંખ્યા ૪૧ નિશ્ચિત કરવામાં આવી છે. જે આ મુજબ છે  સરકારી અધિકારી ૦૫, સરકાર નિયુક્ત સાહિત્યકારો ૦૫, સાહિત્યકાર મતદાર મંડળ દ્વારા ચૂંટાયેલાં ૦૯, સાહિત્યસંસ્થાઓ દ્વારા ચૂંટાયલા ૦૯, વિવિધ યુનિવર્સિટીઓના પ્રતિનિધિ ૦૮, ગૌરવ પુરસ્કાર મેળવેલા સાહિત્યકારોમાંથી ૦૨, અકાદમીની નવી રચાતી સામાન્યસભાએ સહવરણી કરેલા ૦૩ એમ કુલ ૪૧ સદસ્યો પોતાનામાંથી અકાદમીના પ્રમુખ, ઉપપ્રમુખ તથા કાર્યવાહક સમિતિની ચૂંટણી કરે છે. કાર્યવાહક સમિતિમાં. સરકાર નિયુક્ત પાંચ અને સામાન્યસભાએ ચૂંટેલા પાંચ એમ કુલ દસ સદસ્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમીના ઉદ્દેશો વ્યાપક રીતે ભાષાસાહિત્યના ઉત્કર્ષ વિકાસને લગતા છે. જેમાં – ૧, ગુજરાત પ્રદેશમાં બોલાતી ગુજરાતી ભાષા ઉપરાંત અન્ય ભાષાઓ જેમકે બંગાળી, મરાઠી, પંજાબી, તમિળ, તેલુગુ, ઇત્યાદિ ભારત સરકારે માન્ય કરેલી ભાષાઓ તેમજ ગુજરાત પ્રદેશની ડાંગી કચ્છી વગેરે બોલીઓ અને તેના સાહિત્યનાં વિકાસ, સંશોધન અને ઉત્કર્ષની કામગીરી છે. ૨, અકાદમીના ઉદ્દેશો જેવા સમાન ઉદ્દેશો માટે કાર્ય કરતી માન્ય સાહિત્યસંસ્થાઓ અને મંડળોને આર્થિક તેમજ અન્ય પ્રકારે સહાય કરવાની કામગીરી. ૩, નવોદિત સાહિત્યકારોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકના પ્રકાશન માટે આર્થિક સહાય રૂ. ૫૦૦૦/આપવાની કામગીરી. ૪, શિષ્ટ માન્ય યોજનામાં વિવેચન-સંશોધન પ્રકારનાં પુસ્તકોના પ્રકાશન માટે રૂ. ૫૦૦૦/-ની આર્થિક સહાય આપવાની કામગીરી. ૫, આદિવાસી અને પછાત વિસ્તારની શૈક્ષણિક સંસ્થાઓનાં ગ્રન્થાલયોને પુસ્તક સ્વરૂપે આર્થિક સહાય. ૬, પ્રતિવર્ષ પ્રગટ થતાં શ્રેષ્ઠ પુસ્તકોને પારિતોષક અર્પણ કરવાની કામગીરી ૭, શૈક્ષણિક તથા સ્વૈચ્છિક સંસ્થાઓને પુસ્તકસ્વરૂપે આર્થિક સહાય. ૮, ગુજરાતી ભાષા-સાહિત્યનો ઉત્કર્ષ વિકાસ થઈ શકે એવાં મહત્ત્વનાં પુસ્તકોનું પ્રકાશન. ૯, ‘શબ્દ-સૃષ્ટિ’ સામયિકનું પ્રકાશન. ૧૦, બાલસાહિત્યના પ્રકાશન માટે લેખકને આર્થિક સહાય. ઉપરની મહત્ત્વની યોજનાઓ સિવાય અન્ય નાની-મોટી ચાલીસેક જેટલી યોજનાઓ અને કામગીરી છે. હ.અ.ત્રિ.