સુદામાચરિત્ર/કડવું ૫

From Ekatra Wiki
Revision as of 11:31, 9 November 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કડવું ૫

[ પત્નીની વિનવણીથી પીગળેલા સુદામા છેવટે કૃષ્ણ પાસે જવા તૈયાર થાય છે. પણ તેઓ પત્નીને જણાવે છે કે મિત્ર પાસે ખાલી હાથે તો નહીં જવાય. કંઈક ભેટ તો લઈ જ જવી પડશે. કુશળ ગૃહિણી એવી સુદામાપત્ની કાંગવા[1]ના ફોતરાં કાઢી તેને ‘ઝગમગતા બનાવીને દસવીસ ચીંથરામાં બાંધીને પતિને સોંપે છે. રસ્તે જતા ઋષિ સુદામાના દીન દેખાવનું પ્રેમાનંદે અહીં હાસ્ય નિપજાવતું કરેલું વર્ણન ખરેખર તો કરુણનો વિભાવ બને છે. પણ કડવાને અંતે હરિ એને આપ સમાન કરશે – એવો મર્મ મૂકીને કવિ ભાવકને આગળની કથા ભણી જિજ્ઞાસાપૂર્વક દોરે છે.]

રાગ રામગ્રી

કહે શુક-જોગી સાંભળો રાયજી,
ફરીફરી પ્રમદા લાગે પાય જી;
વિપ્ર સુદામો આપ વિચારે જી,
નિશ્ચે જાચવા જાવું પડશે મારે જી. ૧

ઢાળ

જાવું પડશે સર્વથા, ઘણું રુએ અબળા રાંક;
અન્ન વિના બાળક ટળવળે, એમાં માત તણો શો વાંક? ૨
પત્ની પ્રત્યે કહે સુદામો, ‘તમો જીત્યાં, હાર્યો હુંય;
કહો ભામિની, ભગવંતને જઈ ભેટ મેલું શુંય? ૩
કાકા કહીને નિકટ આવે, કૃષ્ણસુત સમુદાય;
તે ખાવા માગે, મને લાજ લાગે, ત્યારે શું મેલું કર માંય? ૪
સુણી હરખ પામી પ્રેમદા, ગઈ પાડોશણની પાસ;
‘બાઈ, આજ કાજ કરો મારું, જાણે વણમૂલે લીધી દાસ. ૫

દ્વારામતી મમ પતિ પધારે, જાચવા જાદવરાય;
અમો બમણું કરીને આપશું, કાંઈ આપો ઉછીનું માય.’ ૬

તે પડોશણને દયા આવી, જો દુર્બલ આવી માગવા;
સૂપડું ભરીને ઋષિપત્ની, તેણે આપ્યા કાંગવા. ૭

ઊખળે ઘાલી ઓખણ્યા, માંહેથી કાઢ્યાં બીજ;
તગતગતા તાંદુલ દેખીને, ઋષિજી પામ્યા રીઝ. ૮

મારગમાં છોવાય[2] નહિ, છે ત્રિકમના તાંદુળ;
લેઈ જાવા જગતે કરી, નથી બાંધવા પટકૂળ. ૯

ઉપરાઉપરી બંધન બાંધ્યાં, ચીંથરાં દસવીસ;
રત્નની પેરે જત્ન કીધું, એનેે છોડતાં ચડે રીસ. ૧૦

ઋષિ સુદામાને કહે બાળકડાં કરીને રોતાં મુખ;
‘પિતાજી એવું લાવજો, જ્યમ જાય આપણી ભૂખ.’ ૧૧
એવાં દીન વાયક સાંભળી, મુનિએ મૂક્યા નિઃશ્વાસ;
સુદામો કહે પુત્રને, ‘પરિબ્રહ્મ પૂરશે આશ.’ ૧૨



ઋષિ સુદામો સંચર્યા, વોળાવી વળ્યો પરિવાર;
ત્યાગી વૈરાગી વિપ્રને છે ભક્તનો શણગાર. ૧૩

ભાલ તિલક ને માળા કંઠે મુખ રામ ભણતો જાય;
મૂછકૂછનું જાળું વાધ્યું કદરૂપ દીસે કાય. ૧૪

પવને જટામાંથી ભસ્મ ઉડાડી, ધૂમ્ર કોટાનકોટ;
થાય ફટક ફટક ખાસડાં ઊડે ધૂળના ગોટેગોટ. ૧૫

ઉપાન[3]રેણુએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય?
જે મારગમાં સામું મળે, તે દેખી વિસ્મય થાય. ૧૬

તૈલાભ્યંગ સ્વપ્ને ન ઇચ્છે, છે લૂખું ઋષિનું ગાત્ર;
એક હાથમાં જેષ્ટિકા,[4] એક હાથે ગ્રહ્યું તુંબીપાત્ર. ૧૭

કોપીન જીરણ વસ્ત્રનું, વનકૂળ છે પરિધાન;
પણ ભાગ્યભાનુ ઉદે થયો, હરિ કરશે આપ સમાન. ૧૮

વલણ
આપ સમાન કરશે કૃષ્ણજી, શુકજી[5] કહે સુણો નરપતિ;[6]
થોડે સમે ઋષિ સુદામો પહોંચ્યા દ્વારામતી. ૧૯



  1. કાંગવા – છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ)
  2. છોવાય – ઢોળાય
  3. ઉપાન – પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ)ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું!
  4. જેષ્ઠિકા – ચાલવામાં ટેકો રહે એવી લાકડી
  5. શુકજી – શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને
    ‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા ભાગવતના દશમસ્કંધમાંની કથા છે.
  6. નરપતિ – રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા,અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર