ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અપભ્રંશ સાહિત્ય

From Ekatra Wiki
Revision as of 09:57, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અપભ્રંશ, સાહિત્ય : અપભ્રંશ શબ્દનો વ્યવહાર, આરંભમાં સંસ્કૃતની તુલનામાં ગ્રામ્ય-અશિષ્ટ ગણાતી પ્રાકૃત બોલીઓ માટે થતો હતો. પરંતુ પ્રાકૃત સાહિત્યભાષા તરીકે માન્ય થતા, સામાન્ય લોકબોલીઓ કે જનસાધારણના વ્યવહારમાં વપરાતી ભાષા અપભ્રંશ તરીકે ઓળખાવા લાગી, પરંતુ સમય જતાં ભાષા કે વ્યાકરણના નિયમોથી ભ્રષ્ટ ગણાતી અપભ્રંશ ભાષાનો, વ્યાકરણકારો અને કાવ્યશાસ્ત્રીઓએ સંસ્કૃત અને પ્રાકૃતની સાથે સાહિત્યભાષા તરીકે સ્વીકાર કર્યો. દંડી અને ભામહ (છઠ્ઠી તથા સાતમી શતાબ્દી) સાહિત્યની ત્રણ ભાષા તરીકે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશનાં નામ આપે છે. સાહિત્ય અને ઉત્કીર્ણ લેખો પરથી ખ્યાલ આવે છે કે છઠ્ઠી શતાબ્દીમાં અપભ્રંશે એક સ્વતંત્ર સાહિત્યભાષા તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. ભાષાવિકાસની દૃષ્ટિએ અપભ્રંશનું સ્થાન પ્રાકૃત પછી અને અર્વાચીન ઉત્તરભારતીય ભાષાઓની પહેલાં છે. અપભ્રંશ ભાષા સંસ્કૃત-પ્રાકૃત પછી અને અર્વાચીન ઉત્તરભારતીય ભાષાઓની પહેલાં છે. અપભ્રંશ ભાષા સંસ્કૃત-પ્રાકૃત પછી મધ્યમ અને અર્વાચીન ભૂમિકા વચ્ચેની સંક્રમણ અવસ્થા દર્શાવે છે. સમય અને પ્રદેશ અનુસાર તેમાં કેટલીક ભિન્નતા જણાઈ આવે છે, એ દૃષ્ટિએ વ્યાકરણકારોએ અપભ્રંશના અનેક ભેદો પણ બતાવ્યા છે. અપભ્રંશ ભાષામાં રચાયેલી સાહિત્યકૃતિઓ લગભગ આઠમી-નવમી સદીથી મળે છે, પરંતુ તે પહેલાં પણ અપભ્રંશ સાહિત્ય રચાયું હોવાના ઉલ્લેખો મળે છે. ઉપલબ્ધ પ્રાચીનતમ નમૂનાઓમાં પણ સાહિત્યસ્વરૂપ, શૈલી અને ભાષાની સુવિકસિત પરંપરા જોવા મળે છે. અપભ્રંશ સાહિત્યનો સમૃદ્ધ યુગ આઠમી કે નવમી સદીથી તેરમી સદી સુધીનો ગણી શકાય. ચતુર્મુખ, સ્વયંભૂ, પુષ્પદંત, ધનપાલ, ધવલ, નયનંદી, રઈઘૂ વગેરે તેના નોંધપાત્ર કવિઓ છે. જૈન કવિઓ દ્વારા લખાયેલાં મહાપુરાણ, પુરાણ, સંધિબંધ અને રાસાબંધ મહાકાવ્યો, કાવ્યો, ચરિતગ્રંથો, કુલક, ચર્ચરી, બૌદ્ધ સિદ્ધો દ્વારા લખાયેલાં સ્વતંત્ર ગીતો, પદ્યો, દોહાઓ તથા સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોમાં ઉપલબ્ધ અપભ્રંશ પદ્ય અને ક્વચિત્ ગદ્યખંડોમાં અપભ્રંશ સાહિત્ય પ્રાપ્ત થાય છે. તત્કાલીન સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યની તેના પર ઘેરી અસર છે અને મુખ્યત્વે જૈનધર્મથી પ્રભાવિત છે. અપભ્રંશ મહાકાવ્યો, સંસ્કૃત મહાકાવ્યોની સર્ગબદ્ધ શૈલીની અપેક્ષાએ સંધિબંધમાં પ્રયોજાયાં છે. સંધિબંધ સહુથી પ્રચલિત રચનાપ્રકાર હતો. પુરાણ, ચરિત્ર કે ધર્મકથા એમ દરેક વિષયમાં સંધિબંધ ઔચિત્યપૂર્વક પ્રયોજાયો છે. અપભ્રંશ મહાકાવ્યો અનેક સંધિઓમાં વિભક્ત થયેલાં છે. પ્રત્યેક સંધિમાં કડવાં હોય છે. કડવાંની સમાપ્તિ ધત્તાથી થાય છે, કડવાંની સંખ્યા માટે નિશ્ચિત નિયમ નથી. કેટલાંક મહાપુરાણ કે પુરાણ કાંડમાં પણ વિભક્ત થયેલાં છે. પ્રત્યેક કાંડ સંધિઓથી બને છે. ઉપલબ્ધ કૃતિઓમાં પ્રાચીનતમ સંધિબંધ લગભગ નવમી શતાબ્દીનો છે. પરંતુ તે પહેલાં ભદ્ર(કે દન્તિભદ્ર), ગોવિન્દ અને ચતુર્મુખે રામાયણ અને કૃષ્ણકથાના વિષય પર રચનાઓ કરી હોવાના ઉલ્લેખો મળે છે. ચતુર્મુખના ‘અબ્ધિમંથન’ નામના સંધિબંધ કાવ્યનો ભોજે તથા હેમચંદ્રે ઉલ્લેખ કર્યો છે. કવિ સ્વયંભૂના ‘પઉમચરિય’(પદ્મચરિત) અને ‘રિઠ્ઠણેમિચરિય’ (અરિષ્ટનેમિચરિત્ર) મહાકાવ્યો આ સંધિબંધ પ્રકારની પ્રાપ્ત પ્રાચીનતમ કૃતિઓ છે. ‘પઉમચરિય’ એ ‘રામાયણપુરાણ’ એવા બીજા નામે પણ જાણીતું છે, એમાં પદ્મ એટલે રાજાના ચરિત્ર વિશે મહાકાવ્ય રચવાની સંસ્કૃત તથા પ્રાકૃત સાહિત્યની જૈન પરંપરાનું સ્વયંભૂએ અનુસરણ કર્યું છે. આ મહાકાવ્ય પાંચ કાંડમાં વિભક્ત છે અને તેમાં કુલ નેવુ સંધિ છે. આ દરેક સંધિમાં લગભગ બારથી વીસ જેટલાં કડવકો છે. આ કડવકોમાં વર્ણ્યવિષયનો વિસ્તાર સધાય છે. ‘પઉમચરિય’ના નેવુ સંધિમાંથી છેલ્લા આઠ સંધિની રચના તેના પુત્ર ત્રિભુવને કરી છે. સ્વયંભૂના બીજા મહાકાવ્ય ‘રિઠ્ઠણેમિચરિય’ કે ‘હરિવંશપુરાણ’માં બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિનું જીવનચરિત્ર તથા જૈન પરંપરા પ્રમાણેની કૃષ્ણ અને પાંડવોની કથાનું નિરૂપણ છે. તે ચાર કાંડમાં વિભક્ત છે તથા તેમાં કુલ ૧૧૨ સંધિઓ છે. આ મહાકાવ્યના નવ્વાણુમા સંધિ પછીનો ભાગ તેના પુત્ર ત્રિભુવને રચ્યો છે. ત્રિભુવને ‘પંચમીચરિય’ નામે સ્વતંત્ર કાવ્ય રચ્યાનો ઉલ્લેખ મળે છે. સ્વયંભૂએ ‘સ્વયંભૂછંદ’ નામે ગ્રંથ પણ રચ્યો હતો. રામ અને કૃષ્ણના ચરિત્ર વિશે સ્વયંભૂ પછી રચાયેલાં અપભ્રંશ સંધિબંધ કાવ્યોમાં કવિ ધવલનું ‘હરિવંશપુરાણ’, યશ :કીર્તિ ભટ્ટારકનું ‘પાંડુપુરાણ’, રઈઘૂનું રામાયણ વિષયક ‘બલહદ્પુરાણ’(બલભદ્રપુરાણ) તેમ જ ‘ણેમિણાહચરિય’ (નેમિનાથચરિત) અને શ્રુતકીર્તિનું ‘હરિવંશપુરાણ’ નોંધપાત્ર છે. કવિ પુષ્પદંતે આ પ્રકારના સંધિબંધમાં મહાપુરાણ અને પુરાણ પ્રકારનાં મહાકાવ્યો આપ્યાં છે. ત્રિષષ્ઠિશલાકાપુરુષના જીવનચરિત્રને વર્ણવતું મહાપુરાણ કે ‘તિસઠ્ઠિમહાપુરિસગુણાલંકાર’(ત્રિષષ્ઠિમહાપુરુષગુણાલંકાર) નામના તેણે રચેલા મહાકાવ્યમાં ૧૦૨ સંધિ છે. જેમાં પહેલા ૩૭ સંધિ આદિપુરાણ અને બાકીના ઉત્તરપુરાણ કહેવાય છે. આ ઉપરાંત ‘ણાયચરિત’ (નાગચરિત) અને ‘જસહરચરિય’(યશધરચરિત) નામનાં બે ચરિતકાવ્યો પણ પુષ્પદંતે રચ્યાં છે. તે પછી અપભ્રંશમાં અનેક સંધિકાવ્યો રચાયાં છે. તેમાં ત્રિભુવનનું ‘પંચમીચરિય’ તથા ધનપાલકૃત ‘ભવિસત્તકહ’(ભવિષ્યદત્તકથા) મહત્ત્વનાં છે. પદ્મકીર્તિનું ‘પાસપુરાણ’(પાર્શ્વપુરાણ), નયનંદીનું ‘સુદંસણચરિય’ (સુદર્શનચરિત), શ્રીધરનું ‘પાસચરિત’ અને ‘સુકુમાલચરિય’ (સુકુમારચરિત), વરદત્તનું ‘વયરસામિચરિય’(વજ્રસ્વામીચરિત) વગેરે નોંધપાત્ર છે. વિશિષ્ટ રચનારીતિવાળાં સંધિકાવ્યો ઉપરાંત અપભ્રંશમાં સળંગ છંદોબદ્ધ મહાકાવ્યો પણ રચાયાં છે, જેમકે હરિભદ્રનું ‘ણેમિણાહચરિત’(નેમિનાથચરિત) સળંગ રહા નામના છંદમાં ૮૦૩૨ શ્લોકોમાં રચાયું છે. કથાકોશ તરીકે પ્રચલિત કૃતિઓ પણ સંધિબંધમાં મળે છે. જૈનગ્રંથોમાં નિરૂપિત ધાર્મિકકથાઓ નયનંદીકૃત ‘સયલવિહ’ વિહાણકવ્વ’ (સકલવિધિ-વિધાનકાવ્ય) તથા શ્રીચંદ્રકૃત ‘કહકોસ’ (કથાકોશ)માં મળે છે. શ્રીચંદ્રકૃત ‘દંસણકહરયણકરંડ’ (દર્શનકથારત્નકરંડ) હરિષેણકૃત ‘ધમ્મપરિક્ખ’ (ધર્મપરીક્ષા), અમરકીર્તિકૃત ‘છક્મ્મુવએસ’ (ષટ્કર્મોપદેશ) અને શ્રુતિકીર્તિનો ‘પરમઠ્ઠિપયાસસાર’ (પરમેષ્ટિપ્રકાશસાર) વગેરે પણ સંધિબંધ કથાકાવ્ય પ્રકારમાં સમાવિષ્ટ થાય છે. ધર્મનિરપેક્ષ લૌકિક કથાનક પર આધારિત વિદ્યાપતિની કૃતિ ‘કીર્તિલતા’ પણ અહીં ઉલ્લેખનીય છે. લગભગ તેરમી સદીથી ટૂંકાં અપભ્રંશ કાવ્યો માટે ‘સંધિ’ નામનો એક નવો કાવ્યપ્રકાર વિકસ્યો હતો. તેમાં કોઈ ધાર્મિક, ઉપદેશાત્મક કે કથાત્મક વિષયનું થોડાં કડવાંમાં આલેખન કરવામાં આવતું. રત્નપ્રભકૃત ‘અંતરંગસંધિ’, જયદેવકૃત ‘ભાવનાસંધિ’, જિનપ્રભકૃત ‘ચઉરંગસંધિ’ અને ‘મયણરેહાસંધિ’ વગેરે આ પ્રકારની રચનાઓ છે. ‘ઉપદેશરસાયનહાસ’, ‘સંદેશરાસક’, ‘અંબાદેવચરાસય’ અને માણિક્ય ‘પ્રસ્તારિકા પ્રતિકબદ્ધ રાસ’ – જેવી કૃતિઓ રાસાબંધના સાહિત્યસ્વરૂપનો પરિચય આપે છે. ચૂનરી, ચર્ચરી, કુલક ઇત્યાદિ પ્રકારની અપભ્રંશ કૃતિઓ પણ મળે છે. અધ્યાત્મ અને યોગવિષયક કેટલીક કૃતિઓ, દોહા અને મુક્તક કાવ્યસ્વરૂપે રચાઈ છે. તેનો મુખ્ય વિષય જીવ, આત્મા, પરમાત્મા, નીતિ, સદાચાર વગેરે છે. યોગીન્દ્રાચાર્ય કે યોગીન્દુદેવકૃત ‘પરમપ્યપયાસ’(પરમાત્મપ્રકાશ) અને યોગસારના ગ્રંથોમાં તથા રામસિંહરચિત ‘દોહાપાહુડ’ (દોહાપ્રાભૃત)નાં દોહાબહુલ પદ્યોમાં શરીર અને આત્માનો તાત્ત્વિક ભેદ અને મોક્ષમાર્ગનું સારરહસ્ય સમજાવ્યું છે. બૌદ્ધ અપભ્રંશ સાહિત્યની વિરલ કૃતિઓ તરીકે ચિત્તશુદ્ધિ અને ગુરુનું મહત્ત્વ દર્શાવતા વેધક અને તળપદી જોમવાળી વાણીમાં લખાયેલા સરહ અને કાન્હના દોહાકોશો વ્યવસ્થિત રૂપમાં મળે છે. અન્ય કૃતિઓમાં લક્ષ્મીચંદ્રકૃત ‘સાવયધમ્મદોહા’ (શ્રાવકધર્મદોહા), મહેશ્વરકૃત ‘સંજમમંજરી’ વગેરે ધ્યાનાર્હ છે. સ્વતંત્ર કૃતિઓ ઉપરાંત જૈન પ્રાકૃત તથા સંસ્કૃત સાહિત્યના ગ્રંથોમાં અને ટીકાસાહિત્યમાં અનેક અપભ્રંશ પદ્યો અને ક્વચિત્ ગદ્યખંડો મળે છે. અપભ્રંશસાહિત્ય મુખ્યત્વે પદ્યાત્મક છે, પણ ભામહ, દંડી વગેરેએ અપભ્રંશ ગદ્યકથાઓનો પણ ઉલ્લેખ કર્યો છે, જો કે તે ઉપલબ્ધ નથી. આ ભાષાસાહિત્યનું મહત્ત્વનું લક્ષણ તેની પ્રાસયોજના અને ધ્વન્યાત્મક શબ્દોની પ્રયોગશીલતા છે. તેમાં સંસ્કૃત વર્ણવૃત્તોની અપેક્ષાએ માત્રામેળ છંદાનો વિશેષ ઉપયોગ થયો છે. અનેક પ્રાસબદ્ધ નવાં માત્રાવૃત્તો અપભ્રંશકાળમાં અસ્તિત્વમાં આવ્યાં હતાં. નિ.વો.