ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અપદ્યાગદ્ય
અપદ્યાગદ્ય : પારંપરિક પદ્ય અને રોજિંદા ગદ્યથી દૂર રહીને ગુજરાતી સાહિત્યક્ષેત્રે કવિ ન્હાનાલાલે નીપજાવેલી કાવ્યશૈલી. એક રીતે જોઈએ તો એ રાગયુક્ત ગદ્ય છે. ચુસ્ત છંદોબદ્ધ પ્રાસાનુપ્રાસી પિંગલ બંધનને ત્યજી એમણે માત્ર નૈસગિર્ક સૌન્દર્યબંધનોનો સ્વીકાર કરેલો. એમની પ્રતીતિ એવી હતી કે કાવ્યદેહનું કલેવર-વિધાન છંદ નહિ પણ ડોલન છે. એ અપદ્ય છે, અગદ્ય છે, અપદ્યાગદ્ય છે. અને સાથે સાથે એ પણ પ્રતીતિ હતી કે ‘પ્રવીણસાગર’ની છંદશિસ્ત વગર વિનાસુકાન વિનાહોકાયંત્ર છંદસ્વતંત્ર ડોલનશૈલીના પટવિસ્તાર ઉપર કાવ્યનૌકા ખેડી શકાય નહિ. છંદોના ગુણાકાર, ભાગાકાર, નિયમબદ્ધ વૃત્તો, અભ્યસ્ત પ્રયોગો, મિશ્રણો, રૂપાન્તરોને અંતે ન્હાનાલાલે પદ્યમુક્તિનું સાહસ કરેલું. ન્હાનાલાલે આ ડોલનશૈલીમાં પ્રતિભાવ લય(Affective Rhythm)નો ઉપયોગ કર્યો. એમાં વાગ્મિતાનું કૌવત ઉમેર્યું. વાગ્મિતાને કારણે અલંકારપ્રચૂરતા અને સમાસપ્રચૂરતાને દાખલ કર્યાં. વિશેષણો અને લાડવાચકો-લઘુતાવાચકો વિશેષ માત્રામાં કાર્યરત બન્યાં. આ શૈલીમાં વારંવાર નિયમભંગ થતો રહે છે, તો વારંવાર સમાન્તરતાઓ દ્વારા અને પુનરાવૃત્તિઓ દ્વારા અતિનિયમિતતાનો પણ પુરસ્કાર થાય છે. કોઈનું પણ અનુકરણ કર્યા વગરની પોતાની અનનુકરણીય શૈલીને ન્હાનાલાલે ‘અબોધ આત્માની ઉચ્ચારણ શૈલી’ તરીકે ઓળખાવી છે.
ચં.ટો.