ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉત્પત્તિમૂલક સંરચનાવાદ

Revision as of 08:32, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઉત્પત્તિમૂલક સંરચનાવાદ (Genetic Structuralism) : આ વાદના પ્રવર્તક લૂસ્યિન ગોલ્ડમાને જ્યોર્જ લૂકાચની પૂર્વકાલીન કૃતિઓના મુખ્ય વિચારોને આધારે સમાજશાસ્ત્રીય વિશ્લેષણની એક સુસંગત પદ્ધતિ વિકસાવીને તેને ‘ઉત્પત્તિમૂલક સંરચનાવાદ’ તરીકે ઓળખાવી છે. આ વાદનો આધારભૂત સંપ્રત્યય સમગ્રતાનો છે. ગોલ્ડમાન ચેતનાની સમગ્રતાને એક સામાજિક વર્ગની વિશ્વદૃષ્ટિના રૂપમાં નિરૂપે છે. એનું માનવું છે કે કોઈપણ સાહિત્યિક કૃતિ એક ચોક્કસ સામાજિક વર્ગની વિશ્વદૃષ્ટિના સંદર્ભમાં જ પૂરી રીતે સમજી શકાય છે. આથી વિરુદ્ધપણે કોઈ કૃતિને તેના સર્જકની જીવનદૃષ્ટિના પ્રકાશમાં જોવાનો પ્રયાસ માત્ર ખંડદર્શન જ બની રહે છે. અલબત્ત, ગોલ્ડમાનના ઉત્પત્તિમૂલક સંરચનાવાદમાં સાહિત્યના સૌથી આધારભૂત તત્ત્વ ભાષાના સંરચનાત્મક વિશ્લેષણની સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે. ચં.ટો.