ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કપોલકલ્પના

From Ekatra Wiki
Revision as of 13:04, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કપોલકલ્પના (Fantasy) : સાહિત્યમાં કલ્પના અને વાસ્તવનું મિશ્રણ હોય છે. જેમાં કલ્પનાના સંયોજનથી વાસ્તવજીવનની અભિવ્યક્તિની અગ્રતા હોય એવું સાહિત્ય કલ્પિત સાહિત્ય છે, જ્યારે કપોલકલ્પનામાં કલ્પનાની અગ્રતા હોય છે. આમ સાહિત્યમાં અને કપોલકલ્પના – બંનેમાં કલ્પના હોય છે, પણ બંનેનાં સ્વરૂપ જુદાં છે. કપોલકલ્પનાનો સાહિત્યમાં પ્રવિધિ તરીકે વિનિયોગ થાય છે. ગુજરાતીમાં સુરેશ જોષીએ ‘ફેન્ટેસ્ટિક’ના પર્યાય તરીકે ‘કપોલકલ્પિત’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કર્યો છે. ‘ફેન્ટસિ’નો પર્યાય ‘કપોલકલ્પના’ શબ્દ છે પણ ગુજરાતી ભાષાસાહિત્યમાં ‘ફેન્ટસિ’ના પર્યાય તરીકે ‘કપોલકલ્પિત’ શબ્દ રૂઢ થયો છે. આ સંજ્ઞા આપણે પશ્ચિમમાંથી આયાત કરેલી છે. અલબત્ત, એના દ્વારા સૂચવાતું સ્વરૂપ તો ભારતીય સાહિત્યમાં હતું જ પરંતુ કપોળકલ્પનાનો સાહિત્યમાં રચનારીતિ તરીકેનો વિનિયોગ પાશ્ચાત્ય સાહિત્યના સંસ્પર્શે જ થયો છે. કપોળકલ્પના મૂળે નવસાધિત સંસ્કૃત શબ્દ છે. જેમાં ‘ગાલગપાટા,’ ‘કપાળમાંથી ઉદ્ભવેલી વાતો’ કે ‘બનાવટી વાતો’ જેવા અર્થો સૂચિત થાય છે. મૂળે અંગ્રેજી શબ્દ Fantasy ગ્રીક શબ્દ phantasia ઉપરથી ઊતરી આવ્યો છે; જેનો અર્થ ‘ચાક્ષુસ કરવું’, ‘કલ્પના કરવાની શક્તિ’ એવો થાય છે. વિવિધ અંગ્રેજીકોશો તથા જ્ઞાનકોશોમાં દર્શાવેલા અર્થસંકેતોને આધારે કહી શકાય કે કપોળકલ્પના એટલે શેખચલ્લીય, તરંગી, ઉટપટાંગ, વિચિત્ર, અપ્તરંગી, અવાસ્તવિક, સ્વચ્છંદી, અનિયંત્રિત, સ્વૈર કે મુક્ત કલ્પના. કલ્પિત સાહિત્ય અને કપોલકલ્પિતના ભેદ અનુકરણના પ્રમાણમાં જ છે. કપોલકલ્પિત સાહિત્ય કલ્પિત સાહિત્ય કરતાં અલ્પ અનુકરણાત્મક હોય છે. એમાં કલ્પનાની અગ્રતા ને વાસ્તવથી દૂરતા હોય છે. વાસ્તવનું વિસ્તરણ અને વિરોધ એ બે કપોલકલ્પનાના પાયામાં હોય છે. ભૌતિક રીતે સંભાવ્ય જગત એ અનુકરણમૂલક કલ્પિત સાહિત્ય છે, તો ભૌતિક રીતે અસંભાવ્ય જગત, એ કપોલકલ્પિત સાહિત્ય છે. સાહિત્યમાં કલ્પના નિયંત્રિત હોય છે જ્યારે કપોળકલ્પનામાં કલ્પનાને પૂર્ણ લીલાનો અવકાશ આપવામાં આવે છે. એમાં વાસ્તવનાં તમામ નિયમનો અને વ્યવસ્થાઓ તૂટી ગયાં હોય છે. કપોલકલ્પનાજગત નથી સંપૂર્ણ વાસ્તવિક કે નથી સંપૂર્ણ અવાસ્તવિક. કપોલકલ્પનાજગતમાંનું વાસ્તવ લવચીક હોય છે. કપોલકલ્પનાનું સ્વરૂપ સ્વપ્ન જેવું છે. ફ્રોય્ડે સૂચવેલી સંક્ષેપણ, વિસ્તરણ, ભાષાંતરીકરણ કે નાટકીકરણ જેવી સ્વપ્નની પ્રક્રિયાઓ કપોલકલ્પનામાં પણ હોય છે. કપોલકલ્પના સ્વપ્ન જેટલી જ જટિલ હોઈ શકે. સ્વપ્ન, દિવાસ્વપ્ન, તરંગ, ભ્રમ, મિથ્યાદર્શન, અદ્ભુત, અતિપ્રાકૃતિક, પ્રતિનિર્દેશાત્મક ઇન્દ્રિયસંવેદ્યતા, પુરાકથા વગેરે કપોલકલ્પનાની સામગ્રી છે. આ બધાં દ્વારા કપોલકલ્પના અતિપરિષ્કૃતતા સાથે સ્વલ્પ વિષયની રજૂઆત, અશક્યવસ્તુલક્ષિતા, જટિલતા, સુયોજિત વિશૃંખલતા આદિ સિદ્ધ કરે છે. કપોલકલ્પનાજગતમાં પરિચિત તાકિર્કતા અને સંગતિનો પરિહાર હોય છે. એમાં ભૌતિક વાસ્તવિકતા અવળસવળ થયેલી જોવા મળે છે. દેખાતી અપૂર્ણતાઓ, અધૂરા ઘટકો કે છૂટી ગયેલા તંતુઓને લીધે કપોલકલ્પિત કૃતિ સૌન્દર્યપરક બને છે. ભાષાની વિશૃંખલતા, મૌન તથા વિલંબિત અર્થો એની વિલક્ષણતા છે. કપોલકલ્પના જેવી સાહિત્યિક પ્રવિધિ દ્વારા સર્જક વાસ્તવમાં આડકતરો પ્રવેશ કરાવી વાસ્તવની પૂર્ણપ્રતીતિ તરફ લઈ જાય છે. કપોલકલ્પના દેખીતા વાસ્તવને ઉલેચી, તેને વિકેન્દ્રિત કરી, એમાં અવ્યવસ્થા સ્થાપી, કૃતિને ન-અર્થ તરફ લઈ જઈ અર્થગોપન દ્વારા અપારદર્શકતા સિદ્ધ કરી રમ્ય સંકુલતા નીપજાવી કૃતિને સૌન્દર્ય બક્ષે છે. આમ સાહિત્યમાં કપોલકલ્પનાનો વિનિયોગ સૌન્દર્યપરક રીતિનો છે. કપોલકલ્પનાનું વિનિયોજન ઇચ્છાપૂર્તિ માટે, વાસ્તવજગત પર કટાક્ષ કરવા માટે, કે વાસ્તવજગતના પરિહાસ માટે પણ હોઈ શકે. કપોલકલ્પના વાસ્તવજગતથી પલાયન કરાવી વાસ્તવની સંનિકટ લઈ જાય છે. કપોળકલ્પના એવી ‘લેબ’ છે, જેમાં વાસ્તવમાં શક્ય નથી એવી સામગ્રીને તપાસી, ચકાસી શકાય છે. કપોલકલ્પના વાસ્તવજગતની યાંત્રિકતા, નીરસતા દૂર કરીને આપણાં જગતદર્શનોને તાજાં અને નવાં કરે છે. સાહિત્યમાં કપોલકલ્પના એક શક્તિશાળી પ્રયુક્તિ તરીકે કાર્ય કરે છે. ઈ.ના.