ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કબીરપંથી સાહિય

From Ekatra Wiki
Revision as of 13:04, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કબીરપંથી સાહિત્ય : ‘કબીરપંથી’ શબ્દમાં પ્રયોજાયેલાં બન્ને પદો વચ્ચે વદતોવ્યાઘાત પ્રવર્તે છે. ભક્ત-કવિ કબીરના સમગ્ર જીવન અને પ્રગટ થતાં ધર્મતત્ત્વદર્શનમાં કશેય પંથ, સંપ્રદાય કે મંડળની સ્થાપના તેમજ તેના પ્રચાર-પ્રસારને સહેજે અવકાશ નથી. છતાં સર્વવિદિત હકીકત એ છે કે કબીરના અવસાન પછી કબીરપંથની સ્થાપના થઈ એટલું જ નહીં; તેની ચાલીસેક શાખા-પ્રશાખાઓ રચાઈ અને કાશી શાખા, છત્તીસગઢી શાખા અને ધનૌતી જેવી પ્રમુખશાખાઓ વચ્ચે એમનાં સ્થાપન અને જ્ઞાપન અંગે તીવ્ર સ્પર્ધા પણ થઈ. સૂચિત સ્પર્ધાના એક આડકતરા પરિણામ રૂપે કબીરપંથી સાહિત્યનું નિર્માણ થયું છે. વળી, આશ્ચર્યની વાત તો એ છે કે કબીરપંથી સાહિત્યના વિશિષ્ટ ગ્રન્થ ‘અનુરાગસાગર’માં કબીરે એમના પ્રમુખ-શિષ્ય ધર્મદાસને, પોતાના ધર્મતત્ત્વજ્ઞાનના પ્રચારપ્રસાર માટે અન્ય ત્રણ પ્રમુખ-શિષ્યો ચત્રભુજ, બંકેજી અને સહતેજી સાથે દેશની ચારેય દિશામાં જવાની આજ્ઞા કરી હતી તેવું નિરૂપણ છે. એ ઉપરાંત કબીર દ્વારા, માળા-તિલકની સતત હાંસી ઉડાવનારાને જમદૂત અને રાક્ષસ-ભૂત જેવા ગણવાનું નિરૂપણ થયું છે એવા ઉલ્લેખો પણ મળે છે. કબીરનું તત્ત્વદર્શન સાર્વજનીન અને સાર્વભૌમિક હતું. એમની રચનાઓમાંથી પણ એ સ્વયંભૂ પ્રગટ થયું છે. છતાં એ ઉદાત્ત ભાવનાનું કબીરપંથી શાખાઓમાં રચાયેલા સાહિત્યમાં ક્યારેક ઉલ્લંઘન થયું છે. કબીરપંથની છત્તીસગઢી શાખા દ્વારા રચાયેલા ‘સુખનિધાન,’ ‘ગુરુમાહાત્મ્ય,’ ‘અમરમૂલ,’ ‘ગોરખગઢી,’ ‘અનુરાગસાગર,’ ‘નિરંજનબોધ’ અને ‘કબીર મન્સૂર’ જેવા મહત્ત્વપૂર્ણ ગ્રન્થોમાં કબીરચરિત્ર, પૌરાણિકકથાઓ, પૂજાઉપાસના અંગેનાં વિધિ-વિધાનો અને તેનાં વિસ્તૃત વિવરણો તેમજ પ્રશ્નેત્તરરૂપ સંવાદ જેવી સામગ્રી સંગ્રહીત છે આ સામગ્રી તથા તેની નિરૂપણશૈલી પર કબીરના જીવનદર્શન સાથે સર્વથા અસંગત ઠરનારાં તાંત્રિક વિધિ-વિધાનો, બૌદ્ધજાતકો તથા એ પ્રકારના પૌરાણિકગ્રન્થોનો અનુચિત પ્રભાવ જણાય છે. આમ હોવા પાછળ સંતમત પરંપરાના પ્રચાર-પ્રસાર પછી તેના મૂળભૂત દર્શનમાં ઉમેરાયેલાં પ્રાદેશિક તત્ત્વો જવાબદાર લેખાયાં છે. ર.ર.દ.