ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યગોષ્ઠિ

From Ekatra Wiki
Revision as of 15:12, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search



કાવ્યગોષ્ઠિ : પ્રાચીનકાળમાં રાજસભામાં કાવ્યચર્ચા માટે કાવ્યગોષ્ઠિનું આયોજન કરાતું અને મનોવિનોદ કરાતો. આ સાહિત્યિક મનોવિનોદના અનેક પ્રકારો હતા, જેમાં પ્રતિમાલા અથવા અંત્યાક્ષરી, દુર્વાચનયોગ, માનસી કલા, અક્ષરમુષ્ટિ વગેરે મુખ્ય છે. પ્રતિમાલામાં એક જણે કરેલા શ્લોકપાઠના અંતિમ અક્ષરને સ્વીકારીને એનો પ્રતિદ્વંદ્વી અન્ય શ્લોકનો પાઠ કરતો, આજે જેને આપણે અંતકડી કે અંતાક્ષરી તરીકે ઓળખીએ છીએ. દુર્વાચનયોગમાં કઠોર ઉચ્ચારણયુક્ત શ્લોકોને પાઠ માટે રજૂ કરવામાં આવતા. માનસીકલામાં અક્ષરોના સ્થાને કમલ કે અન્ય કોઈ ફૂલ મૂકવામાં આવતું અને કવિએ એ વાંચવું પડતું. છંદશાસ્ત્ર પ્રમાણે શુદ્ધ છંદ એમાં ગોઠવવો પડતો. અક્ષરમુષ્ટિના બે પ્રકાર છે : સાભાસા અને નિરવભાસા. સંક્ષિપ્ત રીતિએ બોલવાને સાભાસા કહે છે, જેમકે રામ, શ્યામ અને મોહનનું ‘રાશ્મો’; તો ગુપ્ત રૂપમાં થતા વાર્તાલાપને નિરવભાસા કહે છે. ચં.ટો.