ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગણવર્તી સંબંધો
Revision as of 15:50, 24 November 2021 by KhyatiJoshi (talk | contribs)
ગણવર્તી સંબંધો (Paradigmatic Relationships) : સોસ્યૂરવાદી ભાષાવિચારમાં ભાષાના બંધારણની તપાસ ભાષાનાં ઘટકતત્ત્વો વચ્ચે રહેલા બે પ્રકારના પરસ્પરપૂરક સંબંધોના વિશ્લેષણને આધારે કરવામાં આવે છે જે ક્રમવર્તી (Syntagmatic) અને ગણવર્તી (paradigmatic) સંબંધોથી ઓળખાય છે. ભાષાનાં તત્ત્વો જ્યારે એક પછી એક એવા ક્રમે ઉત્તરોત્તર કે આનુપૂર્વીમાં હોય (શબ્દમાં ધ્વનિઘટકો, વાક્યમાં રૂપઘટકો) ત્યારે તેમની વચ્ચેનો સંબંધ ક્રમવર્તી સંબંધ કહેવાય છે. જે તત્ત્વો અમુક સંદર્ભમાં પરસ્પરને બદલે આવી શકતાં હોય તો તેમની વચ્ચેનો સંબંધ ગણવર્તી કહેવાશે. ધ્વનિસ્તરે, રૂપસ્તરે તેમજ અર્થસ્તરે આ બંને પ્રકારના સંબંધો મહત્ત્વના છે. રોમન યાકોબ્સનના મત મુજબ રૂપકની પ્રક્રિયા ગણવર્તી છે, જ્યારે લક્ષણની પ્રક્રિયા ક્રમવર્તી છે. સાહિત્યમાં આ સંજ્ઞાનું મહત્ત્વ સ્પષ્ટ છે.
ચં.ટો.