ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાત વિદ્યાસભા
ગુજરાત વિદ્યાસભા : ભારતીય ઇતિહાસ અને લોકવિદ્યાના ચાહક એવા, બ્રિટિશશાસનના સનંદી અધિકારી એલેકઝાંડર કિન્લોક ફાર્બસે એના ગુજરાતનિવાસ દરમ્યાન ગુજરાતી ભાષા અને ગરિમાથી પ્રભાવિત થઈને તેના વિશેષ ઉત્કર્ષ માટે, અમદાવાદના પ્રબુદ્ધ નાગરિકો અને પદાધિકારીઓના સહયોગથી ૧૮૪૮માં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના નામે સ્થાપેલી સાંસ્કૃતિકસંસ્થા. સંસ્થાના મંત્રી તરીકેની જવાબદારીના વહનમાં સહાય મળે એ આશયથી કવિ દલપતરામની સવૈતનિક સેવા મેળવીને ફાર્બસે સંસ્થાના કાર્યપ્રદેશને અત્યંત ઝડપથી વિસ્તારીને જૂની હસ્તપ્રતોનો સંચય અને તેની જાળવણી તથા વિશિષ્ટ ગ્રન્થોનું પ્રકાશન જેવી પ્રારંભિક પ્રવૃત્તિ પછી ગુજરાતી પ્રજા અને ભાષાસાહિત્યના વિકાસ માટેની પ્રત્યેક પ્રવૃત્તિને પોતીકી ગણીને અપનાવી. એ અનુસાર ગુજરાતમાં સર્વપ્રથમ અખબાર, પ્રથમ ગુજરાતી કન્યાવિદ્યાલય, પ્રથમ ગ્રન્થાલય, પ્રથમ સામયિક પ્રકાશનનો પ્રારંભ કરવાનું ગૌરવ સંસ્થાને પ્રાપ્ત થયું છે. આ પ્રવૃત્તિઓ પૈકી દલપતરામના સંપાદન તળે આરંભાયેલા ‘બુદ્ધિપ્રકાશ’ માસિકનું ૧૪૧ વર્ષો લગીનું નિરંતર પ્રકાશન એ ગુજરાતી સામયિકપ્રકાશનક્ષેત્રે સીમાચિહ્ન બન્યું છે. દલપતરામ, પ્રેમાભાઈ હિમાભાઈ, રણછોડલાલ છોટાલાલ, લાલશંકર ત્રિવેદી, અંબાલાલ સાકરલાલ, કેશવ હ. ધ્રુવ, આનંદશંકર ધ્રુવ, રમણભાઈ નીલકંઠ, દાદાસાહેબ માવળંકર જેવા વિદ્વાન અધ્યક્ષોની પરંપરા ધરાવતી આ સંસ્થાએ ઇતિહાસ, વિવિધ વિજ્ઞાનો, સાહિત્ય, ગણિતશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર અને મહાપુરુષોનાં જીવનચરિત્ર જેવા વૈવિધ્યપૂર્ણ વિષયોના અધિકારી વિદ્વાનોને નિમંત્રણ આપીને જે તે વિષયમાં ૧૦૦૦ આધારભૂત ગ્રન્થોનું લેખન-સંપાદન-પ્રકાશન કર્યું-કરાવ્યું છે. આ ઉપરાંત સંસ્થાએ સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાંથી પ્રશિષ્ટ કૃતિઓનાં ભાષાન્તરો પણ કરાવ્યાં છે. ગુજરાત યુનિવર્સિટીના સ્વપ્નદ્રષ્ટા આચાર્ય આનંદશંકર ધ્રુવે યુનિવર્સિટીની સ્થાપના માટેની પૂર્વભૂમિકા રચવા માટે સંસ્થાના અધ્યક્ષ તરીકે ૧૯૩૯માં માનવવિદ્યાઓના સ્નાતકોત્તર અભ્યાસ માટે એક સ્વાયત્ત અનુસ્નાતકકેન્દ્ર શરૂ કર્યું. જે પછીથી શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન તરીકે પરિવર્તન પામીને ભારતીય સંસ્કૃતિના અધ્યયનઅધ્યાપનના કેન્દ્ર તરીકે પ્રતિષ્ઠિત થયું છે. સ્વાતંત્ર્યની પૂર્વસંધ્યાએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ‘ગુજરાત વિદ્યાસભા’ એવા નવા નામે કામ કરતી થાય છે અને ૧૯૪૮માં જન્મશતાબ્દી સમયે પત્રકારત્વ તેમજ નાટ્યકલાના અભ્યાસક્રમોનો આરંભ કરીને ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં યોગદાન આપે છે. સાહિત્ય, શિક્ષણ, સંશોધન, ગ્રન્થપ્રકાશન અને વિવિધ લલિતકલાઓનાં ક્ષેત્રોમાં નિરંતર કામ કરતી રહેલી આ સંસ્થા પ્રાથમિક કક્ષાથી આરંભી અનુસ્નાતક શિક્ષણ સુધીની સુવિધા પણ ધરાવે છે. ર.ર.દ.