ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી પત્રકારત્વ

From Ekatra Wiki
Revision as of 09:44, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



ગુજરાતી પત્રકારત્વ : ૧ જુલાઈ, ૧૮૨૨ના દિવસે મુંબઈથી ‘શ્રી મુંબઈના સમાચાર’ (આજનું ‘મુંબઈ સમાચાર’) પ્રગટ થયું અને ગુજરાતી પત્રકારત્વનો પ્રારંભ થયો. એના સ્થાપક હતા ફરદુનજી મર્ઝબાન. પ્રારંભમાં એ સાપ્તાહિક હતું. ૧૯૫૫માં દૈનિક બન્યું. ‘મુંબઈ સમાચાર’ને પગલે બીજાં પત્રો શરૂ થયાં, તેમાં ૧૮૩૦માં શરૂ થયેલ ‘મુંબઈ ચાબુક’ ‘(મુંબઈના ચાબુક’), ૧૯૩૨માં શરૂ થયેલું ‘જામે જમશેદ’, ૧૮૫૧માં દાદાભાઈ નવરોજીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલું ‘રાસ્ત ગોફતાર’ મુખ્ય હતાં. આ બધાં પત્રો પારસીઓએ શરૂ કર્યાં હતાં અને એમાં મુખ્યત્વે પારસીસમાજની સમસ્યાઓની ચર્ચા થતી. ૨-૫-૧૮૮૯ના રોજ અમદાવાદમાંથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ‘વરતમાન’નું પ્રકાશન શરૂ કર્યું અને ગુજરાતમાં પત્રકારત્વનો પ્રારંભ થયો. ‘વરતમાન’ શિલાપત્ર પર છપાતું હતું. ૧૮૫૪માં બીબાંઢાળ ટાઇપ ઉપર મુદ્રણ થઈને ‘બુદ્ધિ પ્રકાશ’ શરૂ થયું, જે આજે પણ ચાલુ છે. ૧૮૫૧માં ‘ખેડા વર્તમાન’ સાપ્તાહિકનો પ્રારંભ થયો. ૧૯૨૧ની બીજી ઓક્ટોબરે રાણપુરથી અમૃતલાલ શેઠે ‘સૌરાષ્ટ્ર’ (આજનું ‘ફૂલછાબ’) શરૂ કર્યું અને સૌરાષ્ટ્રનાં દેશીરાજ્યોની જોહુકમી સામે પ્રજાની વેદનાને વાચા આપી. ૧૯૪૮માં રાજકોટથી ‘જયહિંદ’ અને ‘નૂતન સૌરાષ્ટ્ર’ દૈનિકો શરૂ થયાં. ‘ફૂલછાબ’ ૧૯૫૦માં રાજકોટ આવ્યું અને દૈનિક બન્યું. ૧૮૫૨માં કરસદનદાસ મૂળજીએ શરૂ કરેલ ‘સત્યપ્રકાશ’ અને ૧૮૬૪માં નર્મદે શરૂ કરેલ ‘ડાંડિયો’એ સમાજસુધારાના પત્રકારત્વમાં ઇતિહાસ રચ્યો. આ પત્રો આજીવિકા માટે નહીં, પણ સમાજના ઉત્થાનના મિશનથી જ ચાલેલાં. ૧૮૬૧માં જદુનાથ મહારાજે કરસનદાસ મૂળજી સામે બદનક્ષીનો દાવો માંડ્યો હતો. વૈષ્ણવ મહારાજોના પાખંડ સામે કરસનદાસે જેહાદ ચલાવેલી તેનો એ પ્રત્યાઘાત હતો. એપ્રિલ, ૧૮૬૨માં એનો ચુકાદો કરસનદાસની તરફેણમાં આવતાં, આ એક ઐતિહાસિક ખટલો બની ગયો. નર્મદે ‘ડાંડિયો’ દ્વારા સામાજિક દૂષણો સામે લોકોને જાગ્રત કર્યા અને સંસારસુધારાને ધ્યેય બનાવ્યું. બંગાળમાં ‘સંવાદ કૌમુદી’ દ્વારા રાજા રામમોહનરાયે પ્રારંભ કરેલા સુધારાલક્ષી પત્રકારત્વનું આ અનુસન્ધાન હતું. ૧૮૮૦માં ઇચ્છારામ દેસાઈના તંત્રીપદ હેઠળ ‘ગુજરાતી’ના પ્રારંભ સાથે ગુજરાતી પત્રકારત્વનો એક નવો યુગ શરૂ થયો અને રાજકીય પ્રશ્નો ઉપર પણ લખવાનું શરૂ થયું. એક જમાનામાં તેનું સ્થાન ટિળકના ‘કેસરી’ જેવું હતું. ૧૮૬૩માં સુરતથી દીનશા તાલેયારખાન દ્વારા ‘ગુજરાત મિત્ર’ શરૂ થયું. ૧૯૨૦માં ઉત્તમરામ રેશમવાળાએ એ ખરીદી લીધું. ૧૯૩૬થી એ દૈનિક બન્યું. ૧૮૬૪માં જૂનાગઢથી મણિશંકર કીકાણીએ ‘સૌરાષ્ટ્ર દર્પણ’ શરૂ કર્યું, એ સૌરાષ્ટ્રનું પ્રથમ પત્ર ગણાય છે. ભાવનગરથી મિરઝા મુરાદઅલીએ ‘મનોરંજક રત્નમાળ’ ૧૮૬૮માં શરૂ કરેલું. એ જ વર્ષે રાજકોટથી ‘વિજ્ઞાન વિલાસ’ શરૂ થયું જેમાં પણ પ્રેરણા મણિશંકરની હતી. મણિશંકરનો જ સુધારો નર્મદદુર્ગારામ જેવો આક્રમક નહીં, પણ સંરક્ષક હતો. ૧૮૬૨માં અમદાવાદથી ‘ગુજરાત શાળાપત્ર’ શરૂ થયું તે ૧૮૭૬થી’૮૮ સુધી નવલરામે રાજકોટથી ચલાવ્યું હતું. ૧૮૮૫માં મણિલાલ નભુભાઈએ ભાવનગરમાં રહીને ‘પ્રિયંવદા’ નામે મહિલાઓ માટેનું સામયિક ચલાવ્યું હતું. ૧૮૮૮માં રાજકોટથી ‘કાઠિયાવાડ ટાઇમ્સ’ શરૂ થયું, તે ૧૮૯૦માં દૈનિક બન્યું અને આમ ગુજરાતમાં દૈનિકનો પાયો નખાયો. એ થોડો સમય સંપૂર્ણ અંગ્રેજીમાં અને થોડો સમય ગુજરાતી-અંગ્રેજીમાં ચાલ્યું હતું. થોડાં વર્ષ પછી દૈનિકમાંથી ફરી સાપ્તાહિક બન્યું. ૧૮૯૮માં ભગુભાઈ કારભારીએ ‘પ્રજાબંધુ’ સાપ્તાહિક શરૂ કર્યું અને ૧૯૩૨માં દૈનિક રૂપે ‘ગુજરાત સમાચાર’ શરૂ થયું. રણછોડલાલ લોટવાળાએ ૧૯૧૩માં ‘હિંદુસ્તાન’ દૈનિક ચલાવેલું. ૧૯૨૩માં નંદલાલ બોડીવાળાએ ‘સંદેશ’નો પ્રારંભ કર્યો. ૧૯૧૯માં ગાંધીજીએ ઇન્દુલાલ યાજ્ઞિક પાસેથી ‘નવજીવન’નું સુકાન સંભાળ્યું, અને ગુજરાતી પત્રકારત્વનો નવો યુગ મંડાયો. સ્વાતંત્ર્ય ઉપરાંત હરિજનઉદ્ધાર, સ્ત્રીકેળવણી જેવા વિષયોમાં નવજાગૃતિનો પ્રારંભ થયો. ગાંધીજીના વ્યક્તિત્વની છાપ પત્રકારત્વ ઉપર પણ પડી અને એના કાર્યક્ષેત્ર, ભાષા અને રજૂઆતમાં મોટું પરિવર્તન આવ્યું. ગાંધીજી પોતે સારા લેખક હતા અને એમના લેખોની અસર શહેરી ભદ્રવર્ગથી માંડીને ગામડાના ખેડૂતને પણ સ્પર્શી જતી. દેશમાં રાજકીય જાગ્રતિનો જુવાળ લાવવામાં ‘નવજીવન’ અને ‘હરિજનબંધુ’(૧૯૩૨)એ ખૂબ મદદ કરી. ગાંધીજી ઉપરાંત, મહાદેવભાઈ, કિશોરલાલ મશરૂવાળા, કાકા કાલેલકર વગેરેની કલમનો લાભ પણ આ પત્રોને મળતો. અમૃતલાલ શેઠે ૧૯૩૪માં મુંબઈથી ‘જન્મભૂમિ’ શરૂ કર્યું અને આમ ‘ફૂલછાબ’નો વિસ્તાર મુંબઈ સુધી થયો. ૧૯૪૧માં શામળદાસ ગાંધીએ ‘વંદેમાતરમ્’ કાઢ્યાું જેનું મુખ્ય સૂત્ર સ્વાધીનતાનું હતું. આ અખબારોએ આઝાદીનો નાદ પ્રજામાં બુલંદ કર્યો. સાહિત્યિક પત્રકારત્વમાં પણ ગુજરાતમાં સારું એવું ખેડાણ થયું છે એમ કહી શકાય. ભૂતકાળમાં રામનારાયણ વિ. પાઠકનું ‘પ્રસ્થાન’, મણિલાલ નભુભાઈનું ‘સુદર્શન’, આનંદશંકર ધ્રુવનું ‘વસંત’ વિદ્યાસભાનું તથા ‘બુદ્ધિપ્રકાશ’ વગેરે પત્રોએ ઉચ્ચ કોટિનું સાહિત્ય લોકો સુધી પહોંચાડવામાં અગ્રભાગ ભજવ્યો. વિજયરાય વૈદ્યે ‘કૌમુદી’ (૧૯૨૪) ‘રોહિણી’ જેવાં પત્રો વડે સાહિત્યિક સૂઝથી ‘જૂના સામે બંડ’ પોકાર્યું અને ‘નવાની નેકી’ કરી. અલારખા હાજી મહંમદ શિવજીએ ‘વીસમી સદી’ અને ગોકુલદાસ રાયચુરાએ ‘શારદા’ દ્વારા વિવિધ સામગ્રીથી ભરપૂર લોકપ્રિય સામયિકો આપ્યાં. ‘આરામ’ અને ‘ચાંદની’ જેવા વાર્તામાસિકોએ ટૂંકી વાર્તાના વાચકોનો એક આગવો વર્ગ ઊભો કરેલો. આજે દૈનિકોનો વ્યાપ વધતાં અને એમાં આવતી વિવિધ વિષયની સામગ્રીને લીધે સાહિત્યિક સામયિકો તથા લઘુપત્રોનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બન્યું છે. વર્તમાનયુગમાં માહિતીપ્રદ સાપ્તાહિકોનો પ્રભાવ વધારે છે. આજે ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘જનસત્તા’, ‘ફૂલછાબ’, ‘ગુજરાતમિત્ર’, ‘જયહિંદ’, ‘મુંબઈ સમાચાર’, ‘જન્મભૂમિ’ અને ‘પ્રવાસી’, ‘સમકાલીન’ વગેરે અગ્રણી ગુજરાતી દૈનિકો છે. ‘સૌરાષ્ટ્ર સમાચાર’ (ભાવનગર), ‘ભૂમિ’ અને ‘નોબત’ (જામનગર), ‘ગાંધીનગર સમાચાર’ (ગાંધીનગર), ‘કચ્છમિત્ર’ (ભુજ) વગેરે ચોક્કસ પ્રદેશ પૂરતાં સીમિત છતાં નોંધપાત્ર દૈનિકો છે. ઉપરાંત, રાજકોટથી પ્રગટ થતાં ‘અકિલા’ અને ‘સાંજ સમાચાર’ તથા મુંબઈથી શરૂ થયેલાં ‘મીડ ડે’ અને ‘સમાંતર પ્રવાહ’ સાંજનાં દૈનિકોમાં અગ્રણી છે. આ બધાં જ પત્રો આધુનિક ઓફ્સેટ પદ્ધતિથી છપાય છે અને કોમ્પ્યુટર ઉપર ટાઇપસેટ થાય છે. ‘ગુજરાત સમાચાર’ની આવૃત્તિ પાંચ શહેરમાંથી અને ‘સંદેશ’ની આવૃત્તિ ચાર શહેરમાંથી નીકળે છે. છેલ્લા દાયકામાં દૈનિકોનાં પાનાં વધ્યાં છે, તેમ મુદ્રણ રંગીન બન્યું છે. સામગ્રીમાં વૈવિધ્ય આવ્યું છે. ફેલાવો પણ વધ્યો છે. ગુજરાતમાં ૪૦થી વધુ દૈનિકો પ્રગટ થાય છે. મોટાભાગનાં દૈનિકો ખાનગી માલિકીનાં છે. ડાંગ, પંચમહાલ, મહેસાણા વગેરે જિલ્લાઓમાં પણ નાનાં દૈનિકો પ્રગટ થાય છે. આ ઉપરાંત ગુજરાતીમાં ૧૭૫ સાપ્તાહિક, ૯૦ પાક્ષિક અને ૨૦ જેટલાં માસિકો નીકળે છે. ‘ચિત્રલેખા’, ‘અભિયાન’, ‘ઇન્ડિયા ટુ ડે’ (ગુજરાતી આવૃત્તિ) ફેલાવા અને સામગ્રીની દૃષ્ટિએ નોંધપાત્ર છે. માસિકોમાં ‘અખંડઆનંદ’, ‘નવનીત સમર્પણ’, ‘કુમાર’, ‘નવચેતન’ ઉલ્લેખનીય છે. ‘ભૂમિપુત્ર’, ‘નિરીક્ષક’, ‘ઉદ્દેશ’, ‘પરબ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘કવિતા’, સાહિત્ય તથા પ્રજાજીવનના અન્ય પ્રવાહોને ઝીલે છે. લગભગ પોણા બસો વર્ષનો ઇતિહાસ ધરાવતા ગુજરાતી પત્રકારત્વે ગુજરાત અને દેશને કેટલાક ઉત્તમ પત્રકારો આપ્યા છે. ફરદુનજી મર્ઝબાન આદ્ય પત્રકાર હતા, તો એમના પછી દાદાભાઈ નવરોજી, કરસનદાસ મૂળજી, નર્મદ, ઇચ્છારામ દેસાઈ, અમૃતલાલ શેઠ, કકલભાઈ કોઠારી, મણિશંકર કીકાણી, દલપતરામ, શામળદાસ ગાંધી, રણછોડદાસ લોટવાળા, ઝવેરચંદ મેઘાણી, બચુભાઈ રાવત, ચાંપશી ઉદેશી, મહાત્મા ગાંધી, અલારખા હાજી મહંમદ, મણિલાલ નભુભાઈ, વજુ કોટક, વગેરે ઉત્તમ કોટિના પત્રકારોએ ગુજરાતી પત્રકારત્વને સમૃદ્ધ બનાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો. આધુનિકયુગમાં હરીન્દ્ર દવે, હરકિશન મહેતા, હરસુખ સંઘાણી, ભગવતીકુમાર શર્મા, વાસુદેવ મહેતા, જેહાન દારૂવાલા, હસમુખ ગાંધી વગેરે પત્રકારોનું પ્રદાન ઉલ્લેખનીય છે. એકંદરે દેશનાં ભારતીય ભાષાના અખબારોમાં ગુજરાતી પત્રકારત્વનું આગવું સ્થાન રહ્યું છે, અને સાજસજ્જા તથા પૂર્તિઓ જેવી કેટલીક બાબતોમાં એણે મૌલિક પ્રદાન કરેલું છે. યા.દ.