ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યંજના
વ્યંજના : શબ્દની ત્રણ શક્તિઓ અભિધા, લક્ષણા અને વ્યંજના પૈકી પ્રથમ બેનો સ્વીકાર વૈયાકરણો, વેદાન્તીઓ અને મીમાંસકો વગેરે દાર્શનિકો કરે છે પરંતુ વ્યંજનાનો સ્વીકાર કાવ્યશાસ્ત્રમાં જ સૌપ્રથમ થયેલો જોવા મળે છે. આચાર્ય આનંદવર્ધનને વ્યંજનાના પ્રબળ સમર્થક અને પ્રસ્થાપક કહી શકાય, તો મમ્મટને પરમ પ્રસ્થાપક કારણકે આનંદવર્ધનના સમયમાં અને તે પૂર્વે પણ વ્યંજનાવ્યાપાર કહો કે ધ્વનિ અથવા કાવ્ય-નાટ્યમાં પ્રતીયમાન તત્ત્વ રૂપે ચમત્કાર જગાડતો વ્યાપાર વિશેષ વિદ્વન્પરિષદમાં ખાસ કરીને શારદાદેશના આચાર્યોમાં ચર્ચાની એરણ પર ચડી ચૂક્યો હતો. આનંદવર્ધને તેમના આકરગ્રન્થ ‘ધ્વન્યાલોક’માં તેની રીતસરની પ્રસ્થાપના કરી અને એ પછી જે વિરોધના વંટોળ ઊઠ્યા તેને નાથીને મમ્મટે પુન : ધ્વનિપતાકા લહેરાવી. આનંદવર્ધનના પૂર્વાચાર્યો(ભામહાદિમાં)માં વ્યંજનાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી મળતો માત્ર કેટલાક ‚¨¸Š¸Ÿ¸¡¸¹C (ઉદ્ભટમાં) જેવા પ્રયોગો જોવા મળે છે, એટલું જ. એટલે વ્યંજના નવમી શતાબ્દીમાં રચાયેલા, આનંદવર્ધનના સિદ્ધાન્તગ્રન્થ ‘ધ્વન્યાલોક’માં પ્રથમ આવિર્ભૂત થઈ એમ કહી શકાય. પ્રથમ ઉદ્યોતમાં જ આનંદવર્ધને મહાકવિઓના પ્રબંધોમાં આસ્વાદાતા પ્રતીય-માનતત્ત્વને અધોરેખાંકિત કર્યું. આ તત્ત્વ અંગનાના લાવણ્યની જેમ ભાસિત થાય છે અને આનું ગ્રહણ વ્યંજનાવ્યાપારથી જ શક્ય માન્યું, જે વ્યાપાર વ્યંગ્યવ્યંજકભાવ પર આધારિત છે. વળી, વ્યંગ્યાર્થ ગૌણ હોય ત્યારે પણ તેને વાચ્ય નહીં કહી શકાય કારણ; શબ્દ તત્પરક નથી – તેને માટે નથી. આમ વાચકતત્વ શબ્દનિષ્ઠ છે, વ્યંજકત્વ શબ્દ અને અર્થ તથા ઉભયને આશ્રયે રહી શકે છે. આમ સ્વરૂપભેદ પણ સ્પષ્ટ છે. મમ્મટ અભિધા અને લક્ષણાથી વ્યંજનાનો ભેદ સિદ્ધ કરે છે : હે બ્રાહ્મણ, તારે ત્યાં પુત્ર જન્મ્યો અથવા તારી કન્યા ગર્ભવતી થઈ, તો આ વિધાનોમાં હર્ષ અને શોકનો ભાવ વાચ્ય નથી વ્યંગ્ય જ છે. વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ વચ્ચે પ્રકરણ, વક્તા, પ્રતિપત્તા વગેરે અનેક વિશેષતાના અનુસન્ધાનમાં ભેદ રહેલો છે, તદુપરાંત કાલભેદ, આશ્રયભેદ, નિમિત્તભેદ, વ્યપદેશ-ભેદ એમ અનેક ભેદ છે. લક્ષ્યાર્થ નિયત છે. તદ્યુક્ત જ હોવો જોઈએ, જ્યારે વ્યંગ્યાર્થ નિયત-અનિયત અને સંબદ્ધ-સંબંધવાળો હોઈ શકે. આથી લક્ષિત થતો નથી, વ્યંજિત જ થાય છે. વ્યંજના માત્ર લક્ષણાને અનુવર્તીને આવે તેવું નથી, અભિધા ઉપર પણ તે આધારિત હોઈ શકે. આ સિવાય પણ તે નેત્રભંગ, સંજ્ઞાઓ, નૃત્યની મુદ્રાઓમાં સાકાર થાય છે. વ્યંજનાના બે ભેદ છે : શાબ્દીવ્યંજના અને આર્થીવ્યંજના. એમાં શાબ્દીવ્યંજનાના વાચકશબ્દ અને લક્ષકશબ્દના આધાર પર પાછા બે ભેદ થાય છે : અભિધામૂલાવ્યંજના અને લક્ષણામૂલાવ્યંજના. અભિધામૂલાવ્યંજનામાં હંમેશાં દ્વિઅર્થી શબ્દને યોજવામાં આવે છે. સંયોગાદિ અનેકાર્થી શબ્દોના એક અર્થનું નિયંત્રણ કે એને અંગેનો નિર્ણય અભિધાશક્તિથી થાય છે. આ પછી જેના દ્વારા અન્ય અર્થનો બોધ થાય તે અભિધામૂલાવ્યંજના છે. અનેકાર્થી શબ્દોના એક અર્થનો નિર્ણય ૧૫ પ્રકારે થવા સંભવ છે. સંયોગ, વિપ્રયોગ, સાહચર્ય, વિરોધ, અર્થ, પ્રકરણ, લિંગ, અન્યસંનિધિ, સામર્થ્ય, ઔચિત્ય, દેશ, કાલ, વ્યક્તિ, સ્વર, ચેષ્ટા. લક્ષણામૂલાવ્યંજના દ્વારા જે પ્રયોજનની સિદ્ધિ માટે લક્ષણાની સહાય લીધી હોય એ પ્રયોજનની પ્રતીતિ થાય છે. જેમકે ‘ગંગા પર ઝૂંપડું’. આ વાક્યખંડમાં મુખ્યાર્થ ‘ગંગાપ્રવાહ’ છે. આથી એનો બાધ થતાં અને સામીપ્યસંબંધથી ‘ગંગાતટે ઝૂંપડું’ અર્થ કરવો પડશે. ‘ગંગા’નો ‘ગંગાતટ’ એ લાક્ષણિક અર્થ થયો. પણ ‘ગંગાતટ’થી જે શીતલતા અને પવિત્રતાનો બોધ થાય છે તે વ્યંજના છે. પવિત્રતાનો આ અર્થબોધ વ્યંજનાવ્યાપારથી જ સંભવે છે. આર્થીવ્યંજનામાં અર્થજનિત વ્યંગ્ય હોય છે. તે શબ્દ પર આશ્રિત નહીં પણ અર્થની સહાયથી પ્રગટ થાય છે. વક્તા, બોધવ્ય, કાકુ, વાક્ય, વાચ્ય, અન્યસંનિધિ, પ્રસ્તાવ, દેશ, કાલ, ચેષ્ટા વગેરે વિશિષ્ટતાઓને કારણે વ્યંગ્યાર્થનો બોધ થાય તો તે આર્થીવ્યંજના છે. પા.માં.