ભારતીયકથાવિશ્વ−૪/દેવી ભાગવત
હયગ્રીવ કથા
દસ હજાર વર્ષ સુધી યુદ્ધ કરીને વિષ્ણુ ભગવાન થાકી ગયા હતા. એટલે વૈકુંઠમાં જઈને ઉત્તમ સ્થાન શોધીને પદ્માસન લગાવીને બેઠા. ધનુષની અણી પર ભાર દઈને તે બેઠા અને એમ જ તેમને નિદ્રા આવી ગઈ. તે સમયે દેવતાઓને ત્યાં યજ્ઞ કરવાની ઇચ્છા થઈ એટલે ઇન્દ્ર, બ્રહ્મા, શંકર યજ્ઞ કરવા તત્પર થઈ વિષ્ણુ ભગવાનનું દર્શન કરવા વૈકુંઠમાં ગયા. ત્યાં તેમને ભગવાન દેખાયા નહીં એટલે ધ્યાનથી જોઈને ભગવાન જ્યાં હતા ત્યાં પહોંચી ગયા. જોયું તો ભગવાન નિદ્રાને કારણે ચેતનારહિત હતા. દેવતાઓ ત્યાં એમ જ બેસી રહ્યા પણ ભગવાન જાગ્યા નહીં. એટલે દેવતાઓ ચિંતામાં પડ્યા. ઇન્દ્રે દેવતાઓને કહ્યું, ‘શું કરીશું હવે? વિષ્ણુ ભગવાનને જગાડવા કેવી રીતે?’ શંકર ભગવાન બોલ્યા, ‘કોઈને ઊંઘમાંથી ઉઠાડીએ તો પાપ લાગે પણ યજ્ઞકાર્ય કરવા માટે તો ભગવાનને જગાડવા જ પડે.’ એટલે બ્રહ્માએ ધનુષ પૃથ્વી પર ટેકવેલું છે એ જોઈને વમ્રી નામનો એક કીડો સર્જ્યો. તેમણે એવો વિચાર કર્યો કે ધનુષ તો પૃથ્વી પર છે જ, આ કીડો ધનુષની દોરી કાપી નાખશે અને પછી ધનુષ સીધું ઊંચું થઈ જશે. એટલે વિષ્ણુ ભગવાનની ઊંઘ ઊડી જશે. પછી દેવોનું કાર્ય થઈ જશે.’ એટલે પ્રજાપતિ બ્રહ્માએ વમ્રીને એમ કરવાની આજ્ઞા આપી. આ સાંભળી વમ્રી બોલ્યો, ‘જગદગુરુ અને લક્ષ્મીપતિનો નિદ્રાભંગ હું કઈ રીતે કરી શકું? નિદ્રાભંગ, કથાભંગ અને દંપતીપ્રેમનો ભંગ, માતાથી બાળકને અલગ કરવું — આ બધાં પાપ બ્રહ્મહત્યા જેવાં છે, આ ધનુષની દોરી કાપવાથી મને કયો લાભ મળશે કે હું આવું કાર્ય કરું? મારો કોઈ સ્વાર્થ સિદ્ધ થવાનો હોય તો હું આ કામ કરું.’
બ્રહ્માએ કહ્યું, ‘અમે તને યજ્ઞમાં ભાગ આપીશું, તું અમારું કામ કર અને ભગવાનને તરત જગાડ. યજ્ઞમાં હવન કરતી વખતે જે કંઈ સામગ્રી આજુબાજુ પડશે તે તારો ભાગ. પણ હવે તું આ કાર્ય ઝટ કર.’
બ્રહ્માએ આમ કહ્યું એટલે વમ્રીએ ધરતી પર રહેલી ધનુષ્યની અણી તોડી નાખી, પછી તો ધનુષની દોરી તૂટી ગઈ. બીજા છેડાની દોરી પણ ઢીલી થઈ ગઈ. આને કારણે ભયાનક ઘોર થયો, દેવો ધૂ્રજી ગયા. આખા બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો. ચારે બાજુ અંધકાર જ અંધકાર. સૂર્યપ્રકાશ આછો થઈ ગયો. દેવતાઓ તો ભારે ચિંતામાં પડી ગયા. તેઓ દુઃખી હતા તે વખતે ભગવાન વિષ્ણુનું મસ્તક કુંડળ અને મુગટ સાથે ક્યાંક ઊડી ગયું. બ્રહ્માએ અને શંકર ભગવાને જોયું તો મસ્તક વિના ભગવાનનું ધડ ત્યાં પડ્યું હતું. આવું ધડ જોઈને બધા દેવ ચિંતામાં પડી ગયા અને દુઃખી થઈને આંસુ સારવા લાગ્યા. ‘અરે ભગવાન, તમે તો દેવોના દેવ છો. તો દેવોને દુઃખ આપનારી આ ઘટના બની કેવી રીતે?’ તેઓ રુદન કરતાં કરતાં ઘણું બધું કહેવા લાગ્યા. એટલે બ્રહ્માએ તેમને આશ્વાસન આપતાં કહ્યું, ‘આમ રુદન કરવાથી શું? કોઈ સરખો ઉપાય કરવો જોઈએ. કાળદેવતાના નિર્માણને બધાએ સ્વીકારી લેવું જોઈએ. કાળને વશ થઈ ભૂતકાળમાં ભગવાન શંકરે મારું મસ્તક કાપી નાખ્યું હતું. આજે વિષ્ણુ ભગવાનનું મસ્તક કપાઈને પડ્યું છે. ઇન્દ્રના પણ કેવા હાલ થયા હતા, હજાર યોનિ તેના શરીરે ફૂટી નીકળી હતી; અને તે પછી તો માનસરોવરમાં જઈને તે રહ્યા હતા. આ સંસારમાં બધાને કોઈ ને કોઈ દુઃખ ભોગવવું પડે છે. એટલે શોક ન કરો. તમે બધા મહામાયાનું ધ્યાન ધરો.’ એટલે બધા દેવ મહામાયાની સ્તુતિ કરવા લાગ્યા, ‘અત્યારે વિષ્ણુ ભગવાન મસ્તકહીન થઈ ગયા છે. તમે એ મસ્તકને ધડ સાથે જોડતા કેમ નથી? તમે સમુદ્રપુત્રી લક્ષ્મી ઉપર કોપાયમાન તો નથી થયાં ને? ધારો કે લક્ષ્મીનો કોઈ અપરાધ થયો હોય તો તમારે ક્ષમા કરવી જોઈએ. ભગવાનનું મસ્તક જોડીને લક્ષ્મીને આનંદિત કરો. ભગવાનનું મસ્તક ક્યાં છે તેની અમને ખબર નથી, તેમને જીવાડવાનો કોઈ ઉપાય નથી.’
આ સ્તુતિથી દેવી પ્રસન્ન થયાં. આકાશવાણી વડે દેવોને કહેવાં લાગ્યાં, ‘તમે હવે ચિંતા ન કરો. વેદો વડે સ્તુતિથી હું પ્રસન્ન થઈ છું. મનુષ્યલોકમાં ભક્તિભાવથી જે આ સ્તુુતિ કરશે તેની બધી ઇચ્છાઓ પૂરી થશે. હવે તમે ભગવાન મસ્તકવિહોણા કેમ થયા તેનું કારણ જાણો. આ સંસારમાં પ્રત્યેક કાર્ય પાછળ કોઈ કારણ હોય છે. એક વખત ભગવાન લક્ષ્મીનું મુખ જોઈને હસ્યા, એટલે લક્ષ્મીને થયું- ભગવાન કેમ હસ્યા? ચોક્કસ મારું મોં તેમને કદરૂપું લાગ્યું હશે અને પછી મહાલક્ષ્મીના શરીરમાં તામસી શક્તિ પ્રવેશી, કોઈક રીતે દેવોનું જ કાર્ય થવાનું હતું. તેમણે અસ્વસ્થ થઈને કહ્યું, ‘તમારું મસ્તક ધડથી જુદું થઈ જાઓ.’ આમ મહાલક્ષ્મીના શબ્દો સાચા પડ્યા છે. તેમનું મસ્તક લવણસમુદ્રમાં પડ્યું છે. એક બીજું પણ કારણ છે. પૂર્વે હયગ્રીવ નામનો એક બળવાન દૈત્ય હતો. તેણે સરસ્વતીના કાંઠે બેસીને ઘોર તપ કર્યું. મારી તામસી શક્તિની તેણે આરાધના કરી, હજાર વર્ષના તપ પછી હું તામસી રૂપે જ તેની પાસે ગઈ અને સિંહ પર બેસીને મેં દર્શન આપ્યાં. ‘જે વરદાન જોઈતું હોય તે માગ.’ તેણે મારી સ્તુતિ કરી. પછી અમરતાનું વરદાન માગ્યું પણ મેં કહ્યું કે ‘જે જન્મે તેનું મૃત્યુ થાય જ. એટલે વિચાર કરીને બીજું કંઈક માગ.’ એટલે તેણે કહ્યું, ‘હયગ્રીવના હાથે જ મારું મૃત્યુ થાય અર્થાત્ જેનું મસ્તક અશ્વનું હોય તેના હાથે જ હું મરું.’
મેં કહ્યું,‘ભલે. તું ઘેર જઈ નિરાંતે રાજ કર. હયગ્રીવ સિવાય તને કોઈ મારી નહીં શકે.’
તેને વરદાન આપીને હું અંતર્ધાન થઈ અને દૈત્ય પણ પોતાને ઘેર ગયો. તે દુષ્ટ બધા ઋષિઓને દમી રહ્યો છે. ત્રણે લોકમાં તેનો વધ કરે એવું કોઈ નથી. આ ઘોડાનું મસ્તક વિષ્ણુના ધડ પર બ્રહ્મા જોડી દેશે. એટલે ભગવાન દેવોનું હિત કરવા તે દુષ્ટ અને ક્રૂર દૈત્યનો વધ કરશે.’
આમ કહીને દેવીની વાણી વિરામ પામી. દેવોએ બ્રહ્માને કહ્યું, ‘હવે વિષ્ણુના ધડ સાથે ઘોડાનું મસ્તક જોડો.’ તેમની વાત સાંભળીને બ્રહ્માએ ઘોડાનું મસ્તક કાપીને વિષ્ણુના ધડ સાથે જોડી દીધું. આમ ભગવાન હયગ્રીવ થયા અને પછી હયગ્રીવ સાથે યુદ્ધ કરીને તેનો વધ કર્યો.
(૧,૫)
મધુકૈટભની કથા
પ્રાચીન કાળમાં ત્રણે લોકમાં જળપ્રલયને કારણે ચારે બાજુ પાણી જ પાણી હતું. ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા પર સૂઈ રહ્યા હતા. તેમના કાનના મેલમાંથી મધુ અને કૈટભ બે દાનવ જન્મ્યા. સમુદ્રજળમાં રમતાં રમતાં તેઓ યુવાન થઈ ગયા. ત્યારે બંને ભાઈઓને વિચાર આવ્યા. ‘કારણ વિના કોઈ કાર્ય થતું નથી. આધાર વિના કશું ટકી શકતું નથી. તો આ અગાધ જળ શાના આધારે છે? કોણે તેનું સર્જન કર્યું? આપણે આ જળમાં કેવી રીતે આવ્યા? આપણે કેવી રીતે ઉત્પન્ન થયા? આપણને કોણે જન્મ આપ્યો? આપણને કશાની જાણ નથી.’ આ જાણવાના અનેક પ્રયત્ન કર્યા તો પણ તેઓ એ જાણી ન શક્યા. કૈટભ પોતાના ભાઈ મધુને કહેવા લાગ્યો, ‘આ જળમાં આપણને ટકાવનારી શક્તિ ભગવતી છે. તે શક્તિ વડે જ આ જળ છે, તેમને કારણે જ આપણી ઉત્પત્તિ થઈ છે.’
તેઓ જ્ઞાન પામવા માગતા હતા છતાં તેમને કશું સૂઝતું ન હતું. ત્યારે તેમણે આકાશમાં ગુંજતો એક મધુર અવાજ સાંભળ્યો. ત્યારે તેમણે માની લીધું કે આ કોઈ મંત્ર છે, તેની ઝાંખી તેમને થઈ ગઈ. એટલે મંત્રનું ધ્યાન ધરવા લાગ્યા. હજાર વર્ષ સુધી તેમણે મોટું તપ કર્યું, એટલે પરમ શક્તિએ તેમના પર પ્રસન્ન થઈને તેમને ઇચ્છા પ્રમાણે વરદાન માગવા કહ્યું.
આ સાંભળી તે દાનવોએ કહ્યું, ‘અમને ઇચ્છામૃત્યુનું વરદાન આપો.’
આકાશવાણી સંભળાઈ, ‘તમારી ઇચ્છાથી જ તમારું મૃત્યુ થશે. તમે દેવદાનવથી પરાજિત નહીં થઈ શકો.’
વરદાન મળવાને કારણે બંને દાનવો અભિમાની થઈ ગયા. સમુદ્રમાં જળચરો સાથે રમત કરવા લાગ્યા. પછી તેમણે પદ્માસન પર બેઠેલા બ્રહ્મા જોયા. તેમને જોઈને યુદ્ધ કરવાની ઇચ્છા થઈ, ‘અમારી સાથે યુદ્ધ કરો, નહીંતર જ્યાં જવું હોય ત્યાં જતા રહો. જો તમે બળવાન નથી તો આ આસન પર બેસવાનો તમને અધિકાર નથી.’ આ સાંભળીને બ્રહ્મા ચિંતાતુર થયા. હવે શું કરું? એમ વિચારી તે કોઈ નિર્ણય કરી શક્યા નહીં.
તેમને જોઈને બ્રહ્મા ઉપાયો વિચારવા લાગ્યા. શામ, દામ, દંડ,ભેદ વગેરેનો વિચાર કર્યો. બંને દાનવોનું બળ કેટલું છે તે બ્રહ્મા જાણતા ન હતા. ‘તેમને વિનંતી કરવા જઈશ તો મારી નબળાઈ છતી થઈ જશે, અને બેમાંથી એક મને મારી નાખશે. બંને વચ્ચે કુસંપ તો કેવી રીતે થાય? એટલે હવે શેષનાગ પર સૂતેલા વિષ્ણુને જ જગાડું.’ એમ વિચારી વિષ્ણુ ભગવાન પાસે તેઓ ગયા. અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, પણ વિષ્ણુ જાગ્યા નહીં એટલે તેમણે દેવીની સ્તુતિ કરવા માંડી.
થોડી વારે નિદ્રા દૂર થઈ અને તામસી દેવી પ્રગટ્યાં. ભગવાને જાગી જઈને પ્રજાપિતા બ્રહ્માને ત્યાં ઊભેલા જોયા એટલે તેમણે કહ્યું, ‘તમે કેમ અહીં ઊભા છો? તમે ગભરાયેલા કેમ લાગો છો?’
બ્રહ્માએ કહ્યું, ‘ભગવાન, તમારા કાનના મેલમાંથી આ મધુ અને કૈટભ ઉત્પન્ન થયા છે. તેઓ મહાબળવાન છે અને વિકરાળ છે. તેઓ મને મારી નાખવા આવ્યા છે. તેમને કારણે હું ગભરાઈ ગયો છું, મારું રક્ષણ કરો.’
વિષ્ણુ ભગવાન બોલ્યા, ‘તમે નિરાંતે બેસો. હું તેમનો નાશ કરીશ. તેમનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. તેઓ હમણાં મારી સાથે યુદ્ધ કરવા આવશે.’
વિષ્ણુ બ્રહ્મા સાથે વાતો કરતા હતા તે જ વખતે મધુ અને કૈટભ ત્યાં આવી ચઢ્યા. જળમાં કશા આધાર વિના તેઓ ઊભા હતા. છકી ગયેલા તે દૈત્યો બોલ્યા, ‘તું નાસી જઈને અહીં આવ્યો છે? શું તું બચી શકીશ? યુદ્ધ કર. આ જોતા રહેશે અને અમે તારો જીવ લઈશું. પછી સાપ પર બેસનારાને પણ મારીશું. જો લડવું ન હોય તો હું દાસ છું એમ બોલ.
આ સાંભળી વિષ્ણુ ભગવાન બોલ્યા, ‘તમે બંને મારી સાથે યુદ્ધ કરો. તમારું અભિમાન હું ઉતારીશ. તો આવો.’
આ સાંભળી બંને દાનવ ક્રોધે ભરાયા, તેઓ યુદ્ધ કરવા તૈયાર થયા. યુદ્ધની શરૂઆત મધુએ કરી અને કૈટભ ત્યાં ઊભો જ રહ્યો. વિષ્ણુ અને મધુ યુદ્ધ કરવા લાગ્યા. મધુ થાક્યો એટલે કૈટભે યુદ્ધ કરવા માંડ્યું. આમ વારાફરતી બંને દાનવોનું યુદ્ધ ચાલ્યું. તે યુદ્ધ બ્રહ્મા અને ભગવતી જોતાં રહ્યાં. મધુ કૈટભને લડતાં લડતાં કોઈ થાક લાગ્યો નહીં પણ ભગવાન થાકી ગયા. ‘પાંચ હજાર વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું અને તો પણ આ દાનવો કેમ થાકતા નથી? મારાં બળ-પરાક્રમ ક્યાં ગયાં? આ દાનવો કઈ રીતે સ્વસ્થ રહે છે? એનું શું કારણ?’ વિષ્ણુને વિચાર કરતા જોઈ તે દાનવો કહેવા લાગ્યા, ‘હે વિષ્ણુ, તારામાં જો શક્તિ ન હોય તો મસ્તકે હાથ મૂકીને કહે કે હું તમારો દાસ છું. નહીંતર યુદ્ધ કર. તને મારીને આ ચતુર્મુખ બ્રહ્માને મારી નાખીશું.’
તે બંનેની વાત સાંભળીને ભગવાને શાંતિથી તેમને કહ્યું, ‘થાકેલા, ભયભીત, હથિયાર વિનાના, બાળક હોય તો તેમના પર પ્રહાર ન થાય. આ સનાતન ધર્મ છે. પાંચ હજાર વર્ષ સુધી મેં આ યુદ્ધ કર્યું છે. હું એકલો અને તમે બે. તમે વચ્ચે વચ્ચે આરામ કરો છો, તો હું પણ થોડો વિશ્રામ લઈને યુદ્ધ કરીશ. ત્યાં સુધી તમે રાહ જુઓ પછી હું ન્યાયપૂર્ણ યુદ્ધ લડીશ.’
દાનવો ત્યાંથી થોડે દૂર જઈને ઊભા. વિષ્ણુએ થોડો વિચાર કરીને ધ્યાન લગાવ્યું, તો તેમને ભગવતીનું વરદાન સમજાયું. તે વરદાનને કારણે તેમને થાક નથી લાગતો. મેં નિરર્થક તેમની સાથે આ ભયાનક યુદ્ધ કર્યું. તેઓ પોતાની ઇચ્છાથી મરવાના પણ નથી. તો પછી મારે શું કરવું? આમ વિચારી તેઓ ભગવતીને શરણે ગયા, અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિથી પ્રસન્ન થઈને દેવીએ કહ્યું, ‘તમે ફરી યુદ્ધ કરો. હું મારી વક્ર દૃષ્ટિથી તેમને મોહિત કરીશ. એટલે પછી તમે તેમને મારી નાખજો.
ભગવાન પાછા યુદ્ધભૂમિમાં ઊભા રહ્યા. તે દાનવો પણ ત્યાં આવ્યા, ‘ઊભા રહો, ઊભા રહો. તમને યુદ્ધ કરવાની ઇચ્છા તો છે જ. હારજીતમાં દૈવ બળવાન છે. મોટા મનવાળા માનવીએ હર્ષશોક ન કરવો. દૈવને કારણે નિર્બળ પણ જીતે, બળવાન પણ જીતે. તમે પહેલાં ઘણા દાનવોને જીત્યા છે તો હવે તમે હારો તોય શું?’
બંને દાનવો યુદ્ધ કરવા આવ્યા અને વિષ્ણુએ મુઠ્ઠીઓ મારવા માંડી. પરસ્પર ઘોર યુદ્ધ શરૂ થયું. વિષ્ણુએ ભગવતીની સામે જોયું. એટલે દેવી હસવા માંડ્યાં. કટાક્ષભર્યાં તેઓથી દૈત્યો ઘાયલ થયા. વિષ્ણુ પણ દેવીને જોતા રહ્યા. પછી તે બોલ્યા,‘તમારા યુદ્ધકૌશલથી હું પ્રસન્ન થયો છું. ભૂતકાળમાં અનેક દૈત્યો સાથે હું લડ્યો છું પણ તમારા જેવા વીર મને મળ્યા નથી. તો તમે વરદાન માગો.’
વિષ્ણુની વાત સાંભળતી વખતે તેમની દૃષ્ટિ ભગવતી સામે હતી જ. તેમણે વિષ્ણુ ભગવાનને કહ્યું, ‘અમે ભિખારી નથી. તમે અમને શું આપવાના હતા? અમે તમને વરદાન આપીશું. બોલો, શું આપીએ?’
વિષ્ણુએ કહ્યું, ‘તો તમે મારા હાથે મૃત્યુ પામો.’
આ સાંભળી બંને દૈત્ય મુંઝાઈ ગયા. પછી તેમણે ચારે બાજુ પાણી જોયું, ક્યાંય ધરતી ન હતી. એટલે તેઓ બોલ્યા, ‘તમે અમને વરદાન આપ્યું જ છે તો હવે જળ વિનાના પ્રદેશમાં તમે અમારો વધ કરો.’
એટલે ભગવાને ચક્રને યાદ કર્યું. તેમણે પોતાની સાથળો વિશાળ કરીને જળ પર નિર્જળ સ્થળ બતાવ્યું. ‘અહીં જળ નથી. તમારાં મસ્તક અહીં મૂકો. હું સત્યવાદી રહીશ, તમે પણ રહેજો.’ પછી બંને દૈત્યોએ પોતાના શરીરને વિસ્તાર્યું. ભગવાને પણ પોતાની સાથળો વિસ્તારી. ભગવાને પોતાની વિશાળ સાથળ પર બંનેનાં મસ્તક ચક્ર વડે કાપી નાંખ્યાં. તેમની ચરબી વડે આખો સમુદ્ર છવાઈ ગયો. ત્યારથી પૃથ્વીનું નામ મેદિની પ્રસિદ્ધ થયું.
(૧,૫)
સુદ્યુમ્નની કથા
સુદ્યુમ્ન નામનો એક સત્યવાદી અને આત્મસંયમી રાજા એક વાર ઘોડા પર બેસી શિકાર કરવા નીકળ્યો. મંત્રીઓ સાથે નીકળેલા રાજા પાસે અને બીજાઓ પાસે ધનુષબાણ હતાં. અનેક પશુઓને મારીને રાજા એક વિચિત્ર વનમાં પ્રવેશ્યો. અશોક, બકુલ, તમાલ, ચંપક, આંબા, લીમડા, દાડમ, નાળિયેર, કેળથી સમૃદ્ધ એ વન હતું. જૂઈ, માલતી, મોગરા વગેરે પુષ્પોથી સુગંધિત હતું. હંસ, બતક હતા. વાંસનાં વૃક્ષોમાંથી સતત અવાજ આવતો હતો. ભમરા ગુંજન કરતા હતા. આ વન જોઈને રાજા ખૂબ પ્રસન્ન થયો. પણ વનમાં પ્રવેશતાં વેંત તેઓ સ્ત્રી બની ગયાં, ઘોડા પણ ઘોડીઓમાં ફેરવાઈ ગયા. હવે રાજા તો મુંઝાઈ ગયો, રાજ કેવી રીતે કરવું એ મોટો પ્રશ્ન ઊભો થયો. હવે આ આખી ઘટનાનું કારણ જાણો.
એક વેળા શંકર ભગવાનનાં દર્શન કરવા સનકાદિ ઋષિઓ ત્યાં જઈ ચઢ્યા. ભગવતી વસ્ત્રહીન અવસ્થામાં પતિના ખોળામાં હતાં. ઋષિઓને જોઈને તેઓ શરમાઈ ગયાં અને તરત જ ઊભાં થઈને વસ્ત્રો પહેરી લીધાં. ઋષિઓ પણ તરત જ ત્યાંથી નારાયણના આશ્રમમાં જતા રહ્યા. શંકર ભગવાને પાર્વતીને કહ્યું, ‘તમે આટલાં બધાં શરમાઈ કેમ ગયાં? સાંભળો. આજથી કોઈ પણ પુુરુષ આ વનમાં પ્રવેશશે તે સ્ત્રી થઈ જશે.’
હવે સુદ્યુમ્નને આની કશી જાણ નહીં એટલે તે સ્ત્રી થઈ ગયો. અને તેનું નામ ઇલા પડ્યું. તે બીજી સ્ત્રીઓની સાથે આમતેમ ફરતી હતી ત્યારે બુધની નજર તેના પર પડી. બંને એકબીજાની ઇચ્છા કરવા લાગ્યા. પછી તેમની વચ્ચે સંબંધ બંધાયો અને ઇલાએ પુરૂરવા નામના પુત્રને જન્મ આપ્યો. પણ તે ચિંતાતુર તો રહેતી જ હતી. એટલે તેણે પોતાના કુલગુરુ વસિષ્ઠ ઋષિને યાદ કર્યા. ઋષિ ત્યાં આવી ચઢ્યા અને સુદ્યુમ્નની દશા જોઈને તેમણે શંકર ભગવાનની સ્તુતિ કરવા માંડી. શંકર ભગવાને પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું. ત્યારે વસિષ્ઠ મુનિએ સુદ્યુમ્નનું પુરુષત્વ માગ્યું. પોતે આપેલા શાપને મિથ્યા ન કરવા માગતા ભગવાને કહ્યું, ‘સુદ્યુમ્ન એક મહિનો પુરુષ રહેશે અને એક મહિનો સ્ત્રી રહેશે.’ આવું વરદાન મળ્યા પછી તે પોતાને ઘેર ગયો, અને રાજ્ય કરવા લાગ્યો. સ્ત્રી થયો હોય ત્યારે તે રાજા મહેલમાં રહેતો અને પુુરુષ બને ત્યારે રાજ્ય ચલાવતો.
પરંતુ એક કાળે પ્રજા અશાંત થઈ. કાળે કરીને તેનો પુત્ર યુવાન થયો એેટલે રાજાએ તેને ગાદી પર બેસાડ્યો અને પોતે વનમાં જતો રહ્યો. નારદ પાસેથી નવાક્ષર મંત્ર મેળવ્યો અને તેનો જાપ કરવા લાગ્યો. ભક્તવત્સલ દેવી તેના પર પ્રસન્ન થયાં અને રાજાએ તેમની ભક્તિભાવથી સ્તુતિ કરી, અને પછી પોતાને પુરુષ બનાવી દેવીને પ્રાર્થના કરી. ભગવતીએ તેની ઇચ્છા સ્વીકારી અને પછી રાજા પરમ ધામમાં પહોંચી ગયો.
(૧,૬)
સત્યવ્રતની કથા
દેવદત્ત નામના બ્રાહ્મણે પુત્રની ઇચ્છાથી એક વેળા યજ્ઞ કર્યો. તેમાં ઉદ્ગાતાથી સ્વરભંગ થઈ ગયો એટલે દેવદત્તે ઋષિને ઠપકો આપ્યો ત્યારે ઋષિએ તેને શાપ આપ્યો, ‘જા તારો પુત્ર મૂર્ખ થશે.’ દેવદત્તે ઋષિની સ્તુતિ કરીને તેમને પ્રસન્ન કર્યા એટલે ઋષિએ કહ્યું, ‘જા, તારો મૂર્ખ પુત્ર પાછળથી વિદ્વાન થશે.’
થોડા સમય પછી દેવદત્તની પત્ની સગર્ભા થઈ અને દેવદત્તે પત્ની રોહિણીએ જન્મ આપેલા બાળકનું નામ ઉતથ્ય પાડ્યું. તેનો વિદ્યાભ્યાસ શરૂ થયો પણ તે મૂરખનો મૂરખ જ રહ્યો. બાર વર્ષ અધ્યયન કર્યું તો પણ તેને સંધ્યાવંદનનો વિધિ ન જ આવડ્યો. પરિણામે ઘરના અને બહારના લોકો ઉતથ્યની બહુ નિંદા કરવા લાગ્યા. એટલે અપમાનિત થયેલો ઉતથ્ય વનમાં ચાલ્યો ગયો. ગંગાતીરે એક ઝૂંપડી બનાવીને તે રહેવા લાગ્યો. તેણે એક વ્રત લીધું, ‘હું ક્યારેય અસત્ય નહીં બોલું.’
પરંતુ તેને કશાનું જ્ઞાન ન હતું. શૌચ, સ્નાન, સંધ્યાપૂજા, પ્રાણાયામ વિશે તે કશું જાણતો ન હતો. તે સવારે ઊઠીને દાતણ કરી ગંગામાં સ્નાન કરી લેતો, પછી ભૂખ લાગે ત્યારે વનમાંથી ફળ લાવતો, કકહ્યું ફળ ખાવાલાયક છે અને કયું ખાવાલાયક નથી તેની સમજ પણ તેનામાં ન હતી. માત્ર તે સાચું બોલતો હતો, ક્યારેય તેના મોંમાંથી ખોટો શબ્દ નીકળતો ન હતો. એટલે લોકોએ તેનું નામ પાડ્યું સત્યવ્રત. તે ક્યારેય કોઈનું અહિત કરતો ન હતો, કશું અનુચિત કાર્ય કરતો ન હતો. તે કોઈ પણ ભય વિના પોતાની ઝૂંપડીમાં સૂઈ રહેતો હતો. તે પોતાના જીવનને વ્યર્થ માનતો હતો. ‘મેં ગયા જન્મે પુસ્તકનું દાન કર્યું નહીં હોય, કોઈને વિદ્યાદાન કર્યું નહીં હોય, એટલે જ હું મૂર્ખ રહ્યો, મારી બુદ્ધિ દુષ્ટ રહી.’
આમ ને આમ ગંગાકાંઠે તેનાં ચૌદ વર્ષ વીતી ગયાં. નહીં કશી આરાધના, નહીં કશી સ્તુતિ, નહીં કોઈ મંત્રજાપ, આમ જ તે સમય વ્યતીત કરતો હતો. આ સત્ય જ બોલે છે એવી વાત બધાએ સ્વીકારી લીધી.
એક વેળા ત્યાં હાથમાં ધનુષબાણ લઈને વિકરાળ દેખાતો એક શિકારી આવી ચઢ્યો. તેના હાથે એક સૂવર વીંધાઈ ગયું અને તે પ્રાણી બહુ ડરી જઈને તરત જ ઉતથ્ય મુનિ પાસે જઈ પહોેંચ્યું. લોહીથી લથબથ થયેલા સૂવરને જોઈ મુનિને ખૂબ દયા આવી. લોહીવાળા શરીરે આગળ જઈ રહેલા સૂવરને જોઈને ‘ઐ ઐ’ એવું સારસ્વત બીજ તેમના મુખમાંથી નીકળી ગયું. તેણે કદી આ મંત્ર સાંભળ્યો ન હતો. તે તો ભારે શોકમાં ડૂબી ગયો, અને પેલું સૂવર ગીચ ઝાડીમાં જતું રહ્યું; પણ ઘાને કારણે તેનું શરીર ધ્રૂજતું હતું.
હવે થોડી વારે પેલો શિકારી ધનુષબાણ લઈને ત્યાં આવી ચઢ્યો. કરાલ કાળ જેવો તે દેખાતો હતો. સામે બેઠેલા મુનિને પ્રણામ કરીને સૂવર ક્યાં ગયું તે પૂછ્યું. ‘તમે તો સત્યવાદી છો. મારો પરિવાર ભૂખે મરે છે. મારી પાસે ગુજરાન ચલાવવાનો કોઈ બીજો માર્ગ નથી. તો તમે સાચેસાચું કહી દો.’
આ સાંભળીને ઉત્તથ્યના મનમાં જાતજાતના વિચારો આવ્યા. ‘નથી જોયું’ એમ કેવી રીતે કહું? શિકારી ભૂખ્યો છે એટલે જોતાંવેેંત તેને મારી નાખશે. હિંસા થતી હોય તે સત્ય ન કહેવાય. જેનાથી બધાનું હિત થતું હોય તે જ સત્ય કહેવાય. હું કેવો ઉત્તર આપું જેથી મારું સત્યવ્રત ખંડિત ન થાય. ધર્મસંકટમાં પડેલા તે કોઈ નિર્ણય લઈ ન શક્યો. ઘવાયેલા સૂવરને જોઈને તેના મોઢામાંથી ‘ઐ’ શબ્દ નીકળ્યો હતો તે જ મંત્ર વડે દેવી પ્રસન્ન થયાં હતાં. બધી જ વિદ્યાઓનું જ્ઞાન પણ તેને થઈ ગયું, જેવી રીતે વાલ્મીકિ ઋષિને બધું જ્ઞાન થઈ ગયું હતું તેવી રીતે ઉતથ્ય પણ કવિ થઈ ગયો. પછી સામે ધનુષ્યબાણ લઈને ઊભેલા શિકારીને કહ્યું, ‘જોનારી આંખ બોલતી નથી, બોલનારી જીભ દેખતી નથી. તો તું મને વારંવાર શું પૂછ્યા કરે છે?’
આ સાંભળીને પેલો શિકારી નિરાશ થઈને ચાલ્યો ગયો.
ઉતથ્ય વાલ્મીકિની જેમ પ્રકાંડ પંડિત થયો.
(૩, ૫)
સુદર્શનની કથા
કોશલ દેશમાં ધુ્રવસંધિ નામના રાજા અયોધ્યામાં થઈ ગયા. તેમના સમયમાં બધા વર્ણના લોકો શાંતિથી, ધર્મપાલન કરીને રહેતા હતા. તે રાજાને રૂપેગુણે બે પત્નીઓ હતી-એક મનોરમા અને બીજી લીલાવતી. રાજા બંને સ્ત્રીઓ સાથે આનંદપૂર્વક વિહાર કરતા હતા. મનોરમાએ સુદર્શન નામના પુત્રને અને મહિના પછી લીલાવતીએ શત્રુજિત નામના પુત્રને જન્મ આપ્યો. બંને પુત્રોના જાતસંસ્કાર કરી બ્રાહ્મણોને દાનદક્ષિણા આપી હતી. રાજા બંને પુત્રોને સરખી રીતે રાખતા હતા. પણ શત્રુજિત મીઠું મીઠું બોલતો હતો. રૂપાળો હતો તેને કારણે રાજાપ્રજા, મંત્રીઓમાં તે વધુ માનીતો બની ગયો. ગુણોને કારણે રાજા તેના પર વધુ વહાલ ઠાલવતો હતો. રાજા વિવિધ પ્રાણીઓનો શિકાર કરવા એક દિવસ વનમાં ગયા. તે વખતે એક સિંહ ક્રોધે ભરાઈને રાજા સામે આવી ચડ્યો. રાજાએ તેને બાણો મારીને વીંધ્યો એટલે તે વધુ ગરજવા લાગ્યો, પૂંછડું ઊંચું કરીને, કેશવાળી હલાવીને તેણે રાજા પર છલંગ મારી. રાજા પણ તલવાર અને ઢાલ લઈને સિંહ પર ટૂટી પડ્યા. રાજાના સેવકો પણ ક્રોધે ભરાઈને સિંહ પર બાણો છોડવા લાગ્યા. ચારે બાજુ હાહાકાર થઈ ગયો. સિંહ રાજા પર ટૂટી પડ્યો અને તેણે રાજાને મારી નાખ્યા. સૈનિકોએ બાણ મારી મારીને સિંહને પણ પૂરો કર્યો. સૈનિકોએ પાટનગરમાં આવીને આ ખરાબ સમાચાર આપ્યા, મંત્રીઓએ વનમાં જઈ રાજાના અગ્નિસંસ્કાર કર્યા. વસિષ્ઠ મુનિએ બધી મરણોત્તર વિધિ કરી. પ્રધાનોએ અને વસિષ્ઠ મુનિએ રાજગાદી અંગે ચર્ચા કરી. ‘આ સુદર્શન બાળક હોવા છતાં શાંત છે, સુલક્ષણો છે.’ મંત્રીઓએ પણ એવો નિર્ધાર કર્યો એવામાં ઉજ્જયિનીનો રાજા અને લીલાવતીનો પિતા યુધાજિત, ત્યાં આવી ચઢ્યો અને દૌહિત્રનું હિત તેના મનમાં હતું. એ જ રીતે મનોરમાના પિતા કલિંગદેશના રાજા વીરસેન પણ સુદર્શનનું હિત સાચવવા ત્યાં આવી ચઢ્યો. ભારે સૈન્ય ધરાવતા બંને રાજા મંત્રીઓ સાથે વિચારવિમર્શ કરવા લાગ્યા. યુધાજિતે પૂછ્યું, ‘બંને કુમારોમાં મોટો કોણ? નાનાને રાજ્ય ન મળી શકે.’ વીરસેને પણ કહ્યું, ‘પટરાણીનો જે પુત્ર હોય તેને રાજ મળે.’ યુધાજિતે ફરી શત્રુજિતની તરફદારી કરી. પછી તો મોટો ઝઘડો થયો. ‘રાજાનાં લક્ષણો શત્રુજિતમાં છે, સુદર્શનમાં નથી.’ બંને રાજા લોભી તો હતા જ, એટલે બંને ઝઘડ્યા. યુધાજિતે મંત્રીઓને કહ્યું, ‘તમે સ્વાર્થી બનીને રાજ્યસંપત્તિ લઈ લેવા માગો છો. સુદર્શન કરતાં શત્રુજિત બળવાન છે. રાજગાદી પર તેનો જ અધિકાર છે. હું જીવું છું ત્યાં સુધી સુદર્શનને કોઈ કરતાં કોઈ રાજા બનાવી નહીં શકે.’ આમ બંને રાજાઓ વચ્ચે ભારે વિવાદ થયો, પ્રજા ગભરાઈ, ઋષિઓ ગભરાયા. કેટલાક સામંતો પાટનગરનો ધ્વંસ કરવા તૈયાર હતા. રાજાનું મૃત્યુ થયું છે એ સમાચાર સાંભળીને ભીલ લોકો પણ રાજાનો ખજાનો લૂંટવા આવી ચઢ્યા. આ સમાચાર સાંભળી દેશપરદેશના લૂંટારા આવી ગયા. બંને રાજાઓ વચ્ચે યુદ્ધ શરૂ થયું. યુધાજિત પાસે સૈન્યબળ વધારે હતું. વીરસેન પણ પરાક્રમી હતો. બંને રાજાઓએ એકબીજા પર બાણવર્ષા શરૂ કરી. આ ઘોર યુદ્ધમાં માંસ ખાવા માગતા કાગડા, ગીધ વગેરે પક્ષીઓથી આકાશ છવાઈ ગયું. હાથી, ઘોડા, સૈનિકોના મૃત્યુથી લોહીની નદી વહેવા લાગી. કિનારાઓને ભાંગી નાખતી લોહીની નદીમાં ધડથી જુદા પડેલાં મસ્તક, રમત કરતાં કરતાં યમુના નદીમાં બાળકોએ ફંગોળેલાં તુંબડાં જેવાં લાગતાં હતાં. યુધાજિતના હુમલામાં વીરસેનનું મૃત્યુ થયું અને બચી ગયેલા સૈનિકો ભાગી ગયા. પોતાના પિતાનું મૃત્યુ થયું એ સમાચાર સાંભળી મનોરમા ગભરાઈ જઈને વિચારવા લાગી, ‘હવે યુધાજિત મારા પુત્રને મારી નાખશે, મારા પતિ નથી, પિતા નથી, સુદર્શન હજુ બાળક છે. લોભ તો શું ન કરાવે? લોભી માણસ માતા પિતા ગુરુ મિત્ર સ્વજનોની પણ હત્યા કરે, ગમે તેવી સ્ત્રી સાથે સંબંધ રાખે, ધર્મને ત્યજી દે. આ નગરમાં કોઈ બળવાન રહ્યું નથી, તો મારા પુત્રનું ભરણપોષણ કેવી રીતે કરીશ? યુધાજિત મારા પુત્રને મારી નાખશે તો? મારું કોઈ છે નહીં. મારી શોક લીલાવતી તો મારી સાથે પહેલેથી વેર રાખે છે. તે દયા બતાવીને મારા પુત્રની રક્ષા શા માટે કરે? યુધાજિત અહીં આવશે તો મારાથી નીકળી શકાશે નહીં. પુત્રને તરત જ બંદી બનાવશે. ઇન્દ્રે માતાના પેટમાં પેસીને ગર્ભસ્થ બાળકના સાત ટુકડા કરી નાખ્યા હતા ત્યારે ઓગણપચાસ મરુતો થયા હતા. મેેં એવું પણ સાંભળ્યું છે કે કોઈ રાણીએ શોકના ગર્ભનો નાશ કરવા તેને ઝેર આપ્યું હતું. પછી એ બાળક ઝેર સાથે જ જન્મ્યો એટલે તે બાળકનું નામ સગર પડ્યું. કૈકેયીએ પણ મોટા પુત્ર રામને વનમાં કાઢ્યા હતા. મારા પુત્ર સુદર્શનને રાજા બનાવવા માગતા મંત્રીઓ પણ લાચાર છે. હવે તેમને યુધાજિત કહે તેમ કરવું પડશે. મને બંધનમાંથી મુક્ત કરાવી શકે એવી શક્તિ મારા ભાઈમાં નથી. દૈવને કારણે મારા દુઃખનો પાર નથી છતાં મારે પુુરુષાર્થ કરવો પડશે. કદાચ મને લાભ પણ થાય.’ આમ વિચારીને રાણીએ મંત્રીઓમાં શ્રેષ્ઠ એવા વિદલ્લને બોલાવ્યો. ‘મારા પિતાનું મૃત્યુ થયું છે. આ મારો પુત્ર બાળક છે. યુધાજિત તો બળવાન છે તો હવે મારે શું કરવું?’ આ સાંભળી વિદલ્લે કહ્યું, ‘દેવી, હવે અહીં રહેવું જ ન જોઈએ. કાશી પાસેના વનમાં જઈએ. ત્યાં મારા મામા સુબાહુ છે, તે બળવાન છે અને શ્રીમંત પણ છે. તે આપણી સંભાળ લેશે.‘મારે યુધાજિતને મળવું છે.’ એમ કહી નગરમાંથી નીકળી જાઓ. અને નગરની બહાર રથમાં બેસીને નીકળીશું.’ મંત્રીના કહેવાથી મનોરમા એક દાસી તથા મંત્રી સાથે નીકળી પડી. તે ભયભીત હતી. યુધાજિતને મળીને પિતાના અગ્નિસંસ્કાર કરાવ્યા અને ઉતાવળે નીકળી પડી, બે દિવસે ગંગા કિનારે પહોેંચી. રસ્તામાં ભીલ લોકોએ તેને લૂંટી, બધું ધન લઈ લીધું, રથ પણ પડાવી લીધો. એક માત્ર પહેરેલી સાડી સાથે, દાસીનો હાથ પકડીને તે ગંગાકિનારે ગઈ, નાવમાં બેસીને તે ચિત્રકૂટ પર્વત પાસે ગઈ. મુનિ ભરદ્વાજ ઋષિના આશ્રમમાં જઈ પહોંચી, ત્યાં ઘણા તપસ્વીઓને જોઈ તે નિર્ભય થઈ. ભરદ્વાજ ઋષિએ તેને પૂછ્યું, ‘દેવી, તમે કોણ છો? કોનાં પત્ની છો? આટલું બધું દુઃખ વેઠીને અહીં કેમ આવ્યાં છો? તમે દેવી છો કે માનવસ્ત્રી? આ બાળકને લઈને આવવાનું કારણ? કમલલોચના, તમે રાજ્યભ્રષ્ટ થયાં લાગો છો.’ મુનિના કોઈ પ્રશ્નનો તે ઉત્તર આપી ન શકી. દુઃખી થઈ ગયેલી મનોરમાએ વિદલ્લને ઇશારો કર્યો એટલે મંત્રીએ કહ્યું, ‘ધુ્રવસંધિ નામના રાજાનાં આ પત્ની મનોરમા. આ મહાપરાક્રમી રાજાને વનમાં સિંહે મારી નાખ્યા. તેમનો આ પુત્ર સુદર્શન. આ રાણીના પિતા બહુ મોટા ધર્માત્મા હતા. આ પુત્રને માટે તેઓ યુધાજિત સાથે લડ્યા અને મૃત્યુ પામ્યા. એ રાજાના ભયથી પીડાતી રાણી વનમાં આવી છે. તે બાળક સાથે તમારા શરણે આવી છે. હવે તમે એનું રક્ષણ કરો. દુઃખીઓની રક્ષા કરવાથી યજ્ઞ કરતાં પણ વધારે પુણ્ય મળે છે, તેમાંય પાછું ભયભીત માનવીનું રક્ષણ તો ખાસ ફળ આપે છે.’ ઋષિએ કહ્યું, ‘હે સુંદર વ્રત કરનાર કલ્યાણી, તમે અહીં નિર્ભય થઈને રહો. પુત્રનું પાલન કરો. અહીં શત્રુનો ભય ન રાખતા. પુત્રની રક્ષા કરજો. તમારો આ પુત્ર રાજા થશે. અહીં તમને દુઃખ કે શોક ક્યારેય નહીં થાય.’ મુનિની વાતોથી મનોરમા શાંત થઈ. તેમણે આપેલી ઝૂંપડીમાં તે રહેવા લાગી. મંત્રી વિદલ્લ અને દાસી તેને મદદ કરતાં હતાં. સુદર્શનનું ધ્યાન રાખતી તે સમય વીતાવતી હતી. યુદ્ધ પૂરું થયું એટલે યુધાજિત અયોધ્યામાં આવીને મનોરમા અને સુદર્શનને મારી નાખવાની ઇચ્છાથી પૂછતાછ કરવા લાગ્યો. ‘તે ક્યાં ગઈ?’ એમ વારંવાર કહીને સેવકોને દોડાવ્યા. સારું મૂરત જોઈને શત્રુજિતને રાજ્યાસને બેસાડ્યો. મંત્રીઓએ જળભરેલા કળશો વડે તેનો રાજ્યાભિષેક કર્યો. શંખનાદ, ભેરી જેવાં વાજંત્રોિથી રાજધાનીમાં મોટો ઉત્સવ થયો. બંદીજનો સ્તુતિ કરતા હતા. જયઘોષનો ધ્વનિ ચારે બાજુ હતો. અયોધ્યા નગરી હિલ્લોળે ચઢી હતી. નવા રાજાના અભિષેકની સાથે હૃષ્ટપુષ્ટ મનુષ્યો વાળી, સ્તુતિ અને વાજિંત્રોના અવાજવાળી નગરી જાણે નવી નવી ન હોય! કેટલાક સજ્જનો ઘરમાં બેસીને શોક મનાવતા હતા. તેઓ વિચારતા હતા, અત્યારે સુદર્શન ક્યાં હશે? મનોરમા પુત્રને લઈને ક્યાં ગયાં હશે? રાણીના પિતાને તો રાજ્યલોભી યુધાજિતે મારી નાખ્યા.’ આમ તેઓ દુઃખી થઈને વિચાર્યા કરતા હતા. યુધાજિત ભાણેજને ગાદીએ બેસાડી જતો રહ્યો. ત્યાં તેને સમાચાર મળ્યા કે મનોરમા સુદર્શન સાથે મુનિઓના આશ્રમમાં છે, તેથી તેને મારી નાખવા માટે દુષ્ટ યુધાજિત ચિત્રકૂટ જવા રવાના થયો. એ વિસ્તારમાં શૃંગબેરપુરમાં દુર્દર્શ નામે બળવાન નિષાદરાજા હતો, તેને આગળ રાખીને યુધાજિત ચિત્રકૂટ પહોેંચ્યો. મનોરમાને એની જાણ થતાં તે બહુ દુઃખી થઈ, રડતાં રડતાં તે ભરદ્વાજ ઋષિને કહેવા લાગી, ‘યુધાજિત અહીં સુધી આવી ગયો છે, હવે હું શું કરું? ક્યાં જઉં? તેણે મારા પિતાનો વધ કર્યો છે અને દૌહિત્રને રાજા બનાવી દીધો છે. હવે મારા પુત્રને મારી નાખવા તે અહીં આવ્યો છે. મને પુરાણી કથા યાદ આવે છે. પાંચ પાંડવો દ્રૌપદી સાથે વનમાં રહેતા હતા. એક વખત પાંડવો મૃગયા રમવા વનમાં ગયા. ત્યારે કેટલા બધા ઋષિમુનિઓ આશ્રમમાં બેઠા હતા, દ્રૌપદી નિર્ભય બનીને દાસીઓ સાથે ત્યાં હતી. તે વેળા સિંધુ દેશનો રાજા જયદ્રથ મુનિઓની વેદવાણી સાંભળીને ત્યાં ગયો અને તેને જોવા માટે સ્ત્રીઓ અને મુનિપત્નીઓ ત્યાં આવી, આ કોણ છે એમ પૂછતી તે સ્ત્રીઓમાં દ્રૌપદી પણ હતી. બીજી લક્ષ્મી જેવી દેખાતી દ્રૌપદીને જયદ્રથે જોઈ અને ધૌમ્ય મુનિને પૂછ્યું, ‘આ કોણ છે? કોની પત્ની છે? કોની પુત્રી છે? આ તો કોઈ રાજરાણી લાગે છે, તે મુનિપત્ની ન હોઈ શકે.’ ધૌમ્ય ઋષિએ ઉત્તર આપ્યો, ‘આ પાંડવોની પત્ની દ્રૌપદી છે, પાંચાલ રાજાની પુત્રી છે અને અત્યારે આ આશ્રમમાં તે રહે છે.’ જયદ્રથે પૂછ્યું, ‘પાંચે શૂરવીર પાંડવો અત્યારે ક્યાં ગયા છે? અત્યારે આ વનમાં પાંડવો રહે છે એવી વાત મેં સાંભળી છે.’ ‘પાંચે પાંડવો અત્યારે વનમાં શિકાર કરવા ગયા છે અને થોડી વારમાં આવી પહોેંચશે.’ તેમની વાત સાંભળીને જયદ્રથ ઊભો થઈને દ્રૌપદી પાસે ગયો અને તેને પ્રણામ કરીને બોલ્યો, ‘સુંદરી, તમારું કલ્યાણ થાઓ. તમારા પતિઓ ક્યાં ગયા છે? તમને વનમાં રહીને તો અગિયાર વરસ પૂરાં થયાં છે.’ દ્રૌપદીએ ઉત્તર આપ્યો, ‘તમે થોડી વાર રોકાઈ જાઓ. હમણાં જ પાંડવો આવી જશે.’ તે આમ બોલતી હતી અને મોહવશ તે રાજાએ દ્રૌપદીનું હરણ કર્યું. માટે સમજુ લોકોએ કદી કોઈનો વિશ્વાસ કરવો નહીં, ગમે તેના પર વિશ્વાસ મૂકનાર દુઃખી થાય છે. બલિરાજાની જ વાત લો. વિરોચનના પુત્ર બલિરાજા હતા. તે ધર્માત્મા, સત્યવચની, યજ્ઞ કરનારા, દાનેશ્વરી, શરણાગતનું રક્ષણ કરનાર હતા. પ્રહ્લાદના પૌત્ર હતા. તેમણે નવ્વાણુ યજ્ઞો કર્યા હતા. વિષ્ણુ ભગવાન તો સત્ત્વગુણની મૂર્તિ, નિવિર્કાર હોવા છતાં દેવતાઓની કાર્યસિદ્ધિ માટે કપટ કરીને તેમણે વામનરૂપ ધારણ કર્યું અને બલિને છેતરીને તેમનું રાજ્ય, સમુદ્ર સુધી વિસ્તરેલી પૃથ્વી છિનવી લીધી. બલિ તો સત્યવાદી હતા, અને છતાં, ઇન્દ્રનું કાર્ય સાધવા માટે તેમણે કપટ કર્યું તો બીજાઓની ક્યાં વાત કરવી? માણસને જો એક વાર લોભ લાગે તો પછી તેને પાપનો ડર રહેતો જ નથી. તેઓ અનેક પાપ કરવા માંડે છે. એવા લોભી લોકો મન-વચન-કર્મથી પારકું ધન પડાવે છે. મનુષ્યો દેવતાની પૂજા કરીને ધન લેવા માગે છે. દેવતાઓ પોતાના હાથમાં ધન લઈને આપતા નથી. બીજાઓ પાસેથી લઈને તેઓ લોકોને ધન આપે છે. વૈશ્યો મારી પાસે વધુ ધન આવે એટલા માટે દેવતાઓને પૂજે છે. તેઓ વેપાર કરીને બીજાઓનું ધન લેવા ઇચ્છે છે. પછી વેપારી સંગ્રહ કરીને મેંઘા ભાવે ધાન આપે છે. આ જ રીતે તેઓ ધન મેળવે છે. તો કોના પર વિશ્વાસ મૂકવો? લોભી અને મોહાંધ લોકો માટે તીર્થાટન, દાન, વિદ્વત્તા — બધું અર્થહીન છે. તેમનું કોઈ પણ કાર્ય અકાર્ય જ બની રહે છે. એટલે હે મુનિવર, આ યુધાજિતને અહીંથી કાઢી મૂકો જેવી રીતે સીતા ઋષિને ત્યાં રહ્યા હતા તેવી રીતે હું તમારા આશ્રમમાં રહીશ.’ એટલે ભારદ્વાજે યુધાજિત પાસે જઈને કહ્યું,‘ રાજન્, તમે તમારા નગરમાં પાછા જતા રહો.’ યુધાજિતે કહ્યું, ‘હે ઉત્તમ પ્રકૃતિવાળા મુનિ, તમે જિદ મૂકીને મનોરમાને હાંકી કાઢો. હું ખાલી હાથે જવાનો નથી. જો તમે આમ નહીં કરો તો હું મનોરમાને બળજબરીથી લઈ જઈશ.’ આ સાંભળી ઋષિ બોલ્યા, ‘ભૂતકાળમાં વિશ્વામિત્ર વસિષ્ઠ ઋષિ પાસેથી કામધેનુ ગાયને લઈ જવા તૈયાર હતા. તમારામાં શક્તિ હોય તો મારા આશ્રમમાંથી એને લઈ જાઓ.’ ભરદ્વાજ મુનિની વાત સાંભળીને યુધાજિત રાજાએ પોતાના મંત્રીને બોલાવી પૂછ્યું, ‘હે બુદ્ધિમાન, મારે શું કરવું તે જણાવો. હું તો મધુરભાષિણી મનોરમાને અહીંથી લઈ જવા માગું છું. પોતાનું કલ્યાણ ઇચ્છનારે નાનામાં નાના શત્રુની પણ ઉપેક્ષા કરવી ન જોઈએ. સમય આવે ત્યારે ક્ષય રોગની જેમ તે વધીને મૃત્યુનું કારણ બને છે. અહીં આશ્રમમાં કોઈ સૈન્ય નથી, યુદ્ધ કરનાર નથી, કોઈ મને અટકાવનાર નથી. મારા દૌહિત્રના શત્રુને લઈ જઈ હું તેનો વધ કરવા માગું છું, તો જ મારા ભાણેજ શત્રુજિતનું રાજ્ય નિષ્કંટક થશે. સુદર્શન મરી જ જવો જોઈએ.’ મંત્રીએ ઉત્તર આપ્યો, ‘ઉતાવળે કોઈ સાહસ ન કરવું. મુનિની વાત તો તમે સાંભળી ને? તેમણે તમને વિશ્વામિત્રનું દૃષ્ટાંત આપ્યું. ભૂતકાળમાં ગાધિપુત્ર વિશ્વામિત્ર બહુ પ્રસિદ્ધ રાજા હતા. એક વાર તેઓ ફરતા ફરતા વસિષ્ઠ ઋષિના આશ્રમે જઈ ચઢ્યા. મુનિએ તેમને આસન આપ્યું. વિશ્વાંમિત્ર રાજા પ્રણામ કરીને ત્યાં બેઠા. પછી વસિષ્ઠે તેમને ભોજન માટે આમંત્ર્યા. વિશ્વામિત્ર પોતાની સઘળી સેના સાથે ત્યાં રહ્યા. બધાએ નંદિની ગાયની કૃપાથી મનભાવતાં ભોજન કર્યાં. એટલે વિશ્વામિત્રે નંદિનીનો પ્રભાવ જાણ્યો. વિશ્વાંમિત્ર બોલ્યા, ‘ઋષિવર્ય, જો તમે કહેતા હો તો દસ હજાર અથવા એક લાખ ગાયો આપું, નંદિની ગાય મને આપો. નહીંતર હું બળજબરીથી લઈ જઈશ.’ વસિષ્ઠે આ સાંભળી કહ્યું, ‘તમારી ઇચ્છા હોય તો બળજબરીથી લઈ જાઓ. મારી ઇચ્છાથી તો નંદિની ગાય નહીં આપું.’ આ સાંભળી વિશ્વાંમિત્રે પોતાના સૈનિકોને આજ્ઞા કરી, ‘તમે આ ગાયને પકડી લો.’ સેવકો બળના અભિમાનમાં છકી ગયા હતા. તેમણે નંદિની ગાયને પકડી લીધી, ત્યારે ધૂ્રજતી, આંખોમાં આંસુ આણીને તે ગાયે વસિષ્ઠને કહ્યું, ‘તમે મારો ત્યાગ શા માટે કરો છો? આ લોકો મને કેમ ખેેંચીને લઈ જાય છે?’ વસિષ્ઠે કહ્યું, ‘હે ઉત્તમ દૂધ આપનારી, હું તારો ત્યાગ કરતો નથી. આ રાજા તને બળજબરીથી લઈ જાય છે. હું શું કરું? મારે તને મોકલવી જ નથી.’ આ સાંભળીને નંદિની ભારે ક્રોધ કરવા લાગી. તેણે મોટેથી હંભારવ કર્યો. એટલે તેના શરીરમાંથી ભારે ઘોર, શસ્ત્રધારી, કવચધારી દૈત્યો ‘ઊભા રહો, ઊભા રહો’ એમ બોલતા પેદા થયા. તેમણે જોતજોતાંમાં વિશ્વામિત્રના સૈનિકોને મારી નાખ્યા, અને નંદિનીને છોડાવી. પછી ખૂબ જ દુઃખી થઈને વિશ્વામિત્ર પોતાના નગરમાં ગયા. બ્રાહ્મણના બળને બહુ મોટું માની, તેમણે પોતાના ક્ષાત્રબળને ધિક્કાર્યું. એવું બ્રહ્મબળ મેળવવા નિર્જન વનમાં તપ કરી છેવટે તેઓ ઋષિ થયા.’ એટલે આ દૃષ્ટાંત આપી મંત્રીએ યુધાજિતને સમજાવ્યા. ‘તમે તપસ્વી ઋષિ સાથે વેર ન કરો, તમે એમની સાથે યુદ્ધ કરો એટલે તમારા કુળનો નાશ કરાવશો. તમે ભરદ્વાજ મુનિ પાસે જાઓ અને સુદર્શન ભલે અહીં નિરાંતે રહે. આ નિર્ધન અને દુર્બળ બાળક તમારા જેવા શક્તિશાળી રાજાનું શું અહિત કરવાનો છે? બધા ઉપર દયા રાખો. જે થવાનું હશે તે થશે જ. દૈવયોગે વજ્ર પણ તણખલું થાય અને તણખલું વજ્ર જેવું થાય. સસલું સિંહને મારી નાખે અને મચ્છર હાથીને મારી નાખે. એટલે મારી વાત સમજીને તમે કોઈ દુ:સાહસ કરતા નહીં. પોતાના મંત્રીની વાત સાંભળીને યુધાજિત રાજા ઋષિને પ્રણામ કરીને પોતાના નગર તરફ જતો રહ્યો. મનોરમાની ચિંતાઓ પણ દૂર થઈ ગઈ. આશ્રમમાં રહીને તે પુત્રને ઉછેરવા લાગી. સુદર્શન ધીમે ધીમે મોટો થવા લાગ્યો અને ઋષિમુનિઓનાં બાળકો સાથે રમતો થયો. એક દિવસ કોઈ મુનિકુમારે સુદર્શનની પાસે બેઠેલા વિદલ્લને ‘ક્લીબ’ તરીકે સંબોધ્યો આ શબ્દમાં સુદર્શને પહેલો અક્ષર ક્લી ધ્યાનથી સાંભળ્યો અને તે વારંવાર રટવા લાગ્યો. ક્લી એ તો કામબીજ નામનો ભગવતી અંબિકાનો બીજમંત્ર છે. તે સુદર્શનના મનમાં ઠસી ગયો. તે મંત્રના ઋષિ, છંદ, ધ્યાન અને ન્યાસ વગેરે ન હોવા છતાં ઋષિએ તેને જનોઈ આપી અને વેદ ભણાવવા બેઠા. મંત્રબળથી જ તે બધા વેદ અને શાસ્ત્રો તેને આવડી ગયા. એક વખત ભગવતીએ તેને દર્શન આપ્યાં. તેમની કાયામાંથી લાલિમા પ્રગટતી હતી, તેમનાં અલંકારો લાલ હતા. ગરુડના વાહન પર બેઠેલાં દેવીનાં દર્શન કરી સુદર્શન પ્રસન્ન થઈ ગયો. બધી વિદ્યાઓના સારને સમજીને તે રાજકુમાર વનમાં રહીને ભગવતીની પૂજા કર્યા કરતો હતો. અંબિકાએ તેને ધનુષ, બાણ, કવચ પણ આપ્યાં. કાશીરાજાને શશિકલા નામની એક કન્યા હતી તે અત્યંત ગુણવાન હતી. તેને જાણ થઈ કે નજીકના વનમાં કોઈ આશ્રમમાં સુદર્શન નામનો રાજકુમાર રહે છે. તે ખૂબ જ શૂરવીર છે, ગુણવાન છે અને સુંદર છે. બંદીજનોના મોઢે તેનાં બહુ વખાણ સાંભળ્યાં અને તેણે સુદર્શનને પતિ બનાવવાનો વિચાર કર્યો. રાતે જગદંબાએ તેને સ્વપ્નમાં કહ્યું, ‘તું વરદાન માંગ, સુદર્શન મારો ભક્ત છે, મારી વાત માની લે, તે તને બધું જ સુખ આપશે.’ આમ સ્વપ્નમાં ભગવતીનું દર્શન કરીને શશિકલા આનંદમાં આવી ગઈ. તેની માતાએ વારંવાર પૂછ્યું તો પણ કશું જણાવ્યું નહીં, સ્વપ્નને સંભારીને તે વારંવાર હસવા લાગી. પોતાની સખીને સ્વપ્નની વાત કહી.
એક સમયે વિશાળ નેત્રો ધરાવતી તે સુંદર રાજકન્યા ઉદ્યાનમાં પોતાની સખીઓ સાથે ગઈ. ચંપાની નીચે ફૂલો વીણતી તે કન્યાએ ઉતાવળે આવતા એક બ્રાહ્મણને જોયો. બ્રાહ્મણને પ્રણામ કરીને શશિકલાએ તેને મધુર વાણીમાં પૂછ્યું, ‘હે મહાભાગ, તમે ક્યાંથી આવો છો?’
બ્રાહ્મણે કહ્યું, ‘હું ભરદ્વાજ મુનિના આશ્રમમાંથી એક અગત્યના કામે આવ્યો છું. તમારે શું પૂછવું છે?’
શશિકલાએ પૂછ્યું, ‘તે આશ્રમમાં આ લોક કરતાં ચઢિયાતું, અત્યંત પ્રશંસનીય શું છે? જોવાલાયક શું છે?’
‘ધુ્રવસંધિ નામના રાજાનો પુત્ર સુદર્શન ત્યાં છે. નામ પ્રમાણે ગુણ છે. જેણે આ સુદર્શનને જોયો નથી તેની આંખો અર્થહીન છે. પ્રજાપતિ બ્રહ્માએ બધા ગુણોને એકસાથે જોઈ શકાય એટલા માટે તેના એકલામાં જ એ બધા ગુણ ભરી દીધા છે. તે બધી રીતે તારો પતિ થવા લાયક છે. મણિ અને સુવર્ણના જેવો તમારો યોગ વિધાતાએ પહેલેથી જ નક્કી કરી દીધો છે.’
બ્રાહ્મણની વાત સાંભળીને શશિકલાના મનમાં પ્રેમનાત ફૂટ્યા. બ્રાહ્મણ ત્યાંથી ચાલી નીકળ્યો. શશિકલાના મનમાં પહેલેથી પ્રેમ તો હતો જ, હવે બ્રાહ્મણની વાત સાંભળીને તેના હૃદયમાં સુદર્શન માટેનો પ્રેમ વધુ દૃઢ થયો. તેની સખીને શશિકલાએ કહ્યું, ‘તે ચોક્કસ ઉત્તમ કુળમાં જન્મ્યો હશે. તે હજુ શૃંગારથી અપરિચિત હશે. બીજા કામદેવ જેવા એ કુમારને મેં સ્વપ્નમાં જોયો છે. તેના વિરહમાં હું આકુળવ્યાકુળ થઈ ગઈ છું. મારા શરીરે લગાડેલું ચંદન વિષ જેવું, પુષ્પમાળા સર્પ જેવી, ચંદ્રકિરણો અગ્નિ જેવાં લાગે છે. મહેલમાં, વનમાં, ઉદ્યાનમાં, સરોવરમાં — કોઈ રીતે મારી આંખો ધરાતી નથી. એ રાજકુમાર જે વનમાં રહે છે ત્યાં હું જતી રહેવા માગું છું. પણ કુળની લાજ મને રોકી રાખે છે, હું હજુ પિતાને અધીન છું. મારી ઇચ્છા સુદર્શન માટે વ્યક્ત કરી શકું. બીજા અનેક રાજાઓ સમૃદ્ધિવાળા હશે, પણ મને કોઈ રાજા ગમતા નથી. મારા મનમાં તો રાજપાટ વિનાનો સુદર્શન જ વસી ગયો છે.’
એ નિર્ધન, બળહીન સુદર્શન ફળમૂળ ખાઈ વનવાસી જીવન ગાળતો હતો. તેના હૃદયમાં તો ભગવતીનો બીજમંત્ર જ હતો. તેના પ્રતાપથી જ બધી સિદ્ધિઓ તેને વરી હતી. તે ધ્યાનમગ્ન રહી આ મંત્ર જ રટ્યા કરતો હતો. સ્વપ્નમાં ફરી ફરી અંબિકાનાં દર્શન તે કરતો હતો. શૃંગબેરપુરના રાજાએ કુમારને આવશ્યક સામગ્રી ધરાવતો. ચાર ઘોડા જોડેલો અને ધજાપતાકાઓવાળો એક ઉત્તમ રથ આપ્યો. રાજકુમારે આ ઉત્તમ રથનો પ્રેમપૂર્વક સ્વીકાર કર્યો. રાજાના ગયા પછી તપસ્વી મુનિઓ સુદર્શનને કહેવા લાગ્યા, ‘તું ભગવતીની કૃપાથી રાજા થઈશ. ઉદાર ભગવતી અંબાની કૃપાથી ન મળે એવી કોઈ સામગ્રી નથી. દેવીની પૂજામાં શ્રદ્ધા ન હોય એવા લોકો મંદ, માંદલા, રોગગ્રસ્ત નીવડવાના. આદિ યુગમાં તેઓ બધા દેવોનાં માતા કહેવાયાં, તે ‘આદિ માતા’ તરીકે પ્રખ્યાત છે. તે જ દેવી બુદ્ધિ, કીર્તિ, ધૃતિ, લક્ષ્મી, શક્તિ, શ્રદ્ધા, મતિ, સ્મૃતિ રૂપે પ્રજાકલ્યાણ માટે અહીં આવ્યાં છે. જેઓ ભગવતીને ઓળખતા નથી તેઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોવી જોઈએ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશથી માંડીને ઇન્દ્રાદિ દેવો પણ આ અંબિકાનું ધ્યાન ધરે છે.’
શશિકલાએ તો સુદર્શન સિવાય બીજા કોઈ પણ પુરુષને નહીં પરણવાનો દૃઢ નિર્ધાર કરી દીધો હતો. તેણે તેની માતાએ બધી વાત પોતાની સખી દ્વારા કહેવડાવી. અને રાણીએ આ આખી વાત રાજાને કરી ત્યારે રાજા સુબાહુએ રાણીને સમજાવી. ‘તું એ સુદર્શન વિશે તો જાણે છે ને! તેને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. તે વનમાં મા સાથે એકલો રહે છે. વીરસેન રાજાને યુધાજિતે મારી નાખ્યો છે તો આવો નિર્ધન આપણી કન્યાનો પતિ થઈ શકે? સ્વયંવરમાં એક એકથી ચઢિયાતા રાજાઓ આવશે.’
રાણીએ શશિકલાને પોતાની પાસે બેસાડીને સારી રીતે સમજાવી, ‘તારી વાત સાંભળીને તારા પિતા દુઃખી થયા છે. સુદર્શન પાસે નથી ધન, નથી રાજ્ય, નથી કોઈનો આશ્રય. મા સાથે રહીને વનનાં ફળ ખાઈને જીવે છે. આવો પતિ તને ન શોભે. બીજા ઘણા સમૃદ્ધ રાજાઓ સ્વયંવરમાં આવશે. સુદર્શનનો ભાઈ પણ સુંદર છે, ગુણવાન છે. યુધાજિત સુદર્શનનો વધ કરવા ભરદ્વાજ મુનિના આશ્રમમાં ગયો હતો પણ મુનિએ તેને અટકાવ્યો એટલે તે પાછો ચાલ્યો ગયો.’
આ સાંભળી શશિકલાએ કહ્યું, ‘વનમાં રહેતો એ રાજકુમાર મારે મન તો સર્વસ્વ છે. શર્યાતિ રાજાની આજ્ઞા માનીને તેમની પુત્રી સુકન્યાએ ચ્યવન ઋષિ પાસે જઈને તેમની સેવાચાકરી કરી હતી તેવી રીતે હું પણ સુદર્શનની સેવા કરીશ. પતિસેવા સ્ત્રીઓ માટે મોક્ષદાયી છે. તેને વરવા માટે મને ભગવતી જગદંબાએ આજ્ઞા કરી છે. એટલે હું બીજા કોઈ રાજાને સ્વીકારી શકવાની નથી.’
આમ અનેક રીતે શશિકલાએ માતાને સમજાવી, રાણીએ આ આખી વાર્તા રાજાને કહી તેમ છતાં સ્વયંવરની યોજના તો એવી ને એવી જ રહી.
સ્વયંવરનો દિવસ નજીક આવ્યો એટલે શશિકલાએ તેના પિતાથી છાની રીતે એક હિતેચ્છુ બ્રાહ્મણને બોલાવીને કહ્યું, ‘તમે ભરદ્વાજ ઋષિના આશ્રમમાં જઈને સુદર્શનને મારો સંદેશો પહોેંચાડજો. મારા માતાપિતાએ સ્વયંવરની બધી તૈયારી કરી દીધી છે. તેમાં લાવલશ્કર સાથે અનેક રાજાઓ આવશે. પણ મેં તો તમને જ પતિ તરીકે મનોમન સ્વીકાર્યા છે. ભગવતીએ પણ સ્વપ્નમાં એવો જ આદેશ મને આપ્યો છે, હું ઝેર ખાઈ લઈશ કે અગ્નિપ્રવેશ કરીશ પણ બીજા કોઈને હું પતિ તરીકે સ્વીકારી નહીં શકું. એટલે તમે મારી વાત માનજો. ભગવતીની આજ્ઞા પણ માનજો. દેવીની કૃપાથી આપણા બંનેનું કલ્યાણ થશે. હે બ્રાહ્મણ, તમે આ બધી વાત સુદર્શનને એકાંતમાં કહેજો.’
શશિકલાએ દક્ષિણા આપીને તે બ્રાહ્મણને વિદાય કર્યો. તે પણ ઋષિના આશ્રમમાં જઈને શશિકલાનો સંદેશો આપીને પાછો આવ્યો. રાજકુમાર સ્વયંવરમાં આવવા રાજી પણ થઈ ગયો.
સ્વયંવરમાં જવા માટે તૈયાર થયેલા સુદર્શનને જોઈને તેની માતા મનોરમા ભારે ચિંતામાં પડી ગઈ. આંસુ સારતાં તે પુત્રને કહેવા લાગી, ‘તું આ રાજાઓની સભામાં ક્યાં જાય છે? તું સાવ એકલો છે. તું શું સમજીને ત્યાં જાય છે? યુધાજિત રાજા તો તને મારી નાખવાની ઇચ્છાથી ત્યાં આવશે. તારી મદદ કરનાર ત્યાં કોઈ નથી. તું મારો એકનો એક પુત્ર છે. સાવ દુઃખિયારી એવી હું — મારો એક માત્ર આધાર તો તું છે. તું જઈશ એટલે હું નિરાધાર થઈ જઈશ. યુધાજિતે તો મારા પિતાને પણ મારી નાખ્યા છે. તે યુધાજિત સ્વયંવરમાં આવીને તને પણ મારી નાખે.’
સુદર્શને કહ્યું, ‘મા, જે થવાનું હશે તે થશે. જગદંબાની આજ્ઞાથી હું ત્યાં જઈશ. તું તો ક્ષત્રિયાણી છે. ભગવતીની કૃપાથી મારા મનમાં સહેજ પણ બીક નથી.’
હવે રથમાં બેસીને જવા નીકળેલા સુદર્શનને મનોરમાએ આશીર્વાદ આપ્યા, ‘જગદંબા આગળથી તારી રક્ષા કરે, પાર્વતી પાછળથી તારી રક્ષા કરે. તારી બંને બાજુએથી પણ પાર્વતી તારું રક્ષણ કરે. મુશ્કેલી આવે ત્યારે તારી રક્ષા વારાહી કરે, દુર્ગમ માર્ગમાં દુર્ગા તારું રક્ષણ કરે, ઘોર યુદ્ધમાં કાલિકા તારું રક્ષણ કરે; મંડપમાં ભગવતી માતંગી તારું રક્ષણ કરે અને સ્વયંવરમાં સૌમ્યા રક્ષણ કરે; પર્વતોમાં દુર્ગમ સ્થાનોએ ગિરિજાદેવી, ચૌટાઓમાં ચામુંડા અને વનોમાં કામગાદેવી રક્ષા કરે. હે રઘુવંશી પુત્ર, વિવાદોમાં વૈષ્ણવી રક્ષા કરે, સંગ્રામમાં ભૈરવી રક્ષા કરે. મહામાયા ભગવતી ભુવનેશ્વરી સર્વ સ્થળે તારી રક્ષા કરે.’
સુદર્શનને આ બધું કહ્યા પછી પણ ભયભીત બનેલી તેની માતાએ કહ્યું, ‘હું તારી સાથે આવીશ. તારા વિના અડધી ક્ષણ પણ હું રહી નહીં શકું. તારે જવું જ હોય તો મને પણ સાથે લઈ જા.’
આમ મનોરમા પોતાની દાસી સાથે સુદર્શન સાથે જવા નીકળી ત્યારે બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. તે ત્રણે જણ એક જ રથમાં બેસીને કાશીમાં જઈ પહોેંચ્યાં. ત્યાં સુબાહુ રાજાએ તેનું સ્વાગત કરી રહેવા માટેની, ભોજન માટેની ઉત્તમ વ્યવસ્થા કરી, સેવાચાકરી માટે સેવકો આપ્યા. ત્યાં દેશવિદેશના રાજાઓ આવ્યા હતા. યુધાજિત પણ ભાણેજને લઈને આવ્યો. કરુષ, મદ્ર, સિંધુ, માહિષ્મતી, પાંચાલ, પર્વત, કામરૂપ, વિદર્ભ, કર્ણાટક, ચોલ દેશના રાજાઓ તેમની સેનાઓ લઈને આવ્યા. આખી નગરી સેનાથી છવાઈ ગઈ. વળી કેટલાક રાજાઓ સ્વયંવર જોવાની ઇચ્છાથી ત્યાં આવ્યા હતા. કેટલાક રાજકુમાર કહેવા લાગ્યા, ‘જુઓ જુઓ, રાજકુમાર સુદર્શન પણ અત્યંત સ્વસ્થ બનીને અહીં આવ્યો છે. આ રઘુવંશી કુમાર સાથે માત્ર તેની માતા છે, કોઈ સેવક નથી. અહીં આટલા બધા રાજપુત્રો સૈન્ય, અસ્ત્ર-શસ્ત્ર લઈને આવ્યા છે. આ બધાને બાજુ પર મૂકીને રાજકુમારી શું આ નિર્ધન સુદર્શનને પસંદ કરશે?’
યુધાજિત રાજાએ કહ્યું, ‘રાજકુમારીને માટે હું આ સુદર્શનને મોતને ઘાટ ઉતારી દઈશ. એમાં જરાય શંકા નથી.’
આ સાંભળી કેરલ દેશના નીતિજ્ઞ રાજાએ કહ્યું.‘રાજન્, આ રાજકુમારી સ્વેચ્છાએ પતિ પસંદ કરી શકે એ માટે આ સ્વયંવર છે. અહીં યુદ્ધ કરી ન શકાય. બળ વાપરીને કન્યાનું હરણ થઈ ન શકે. આમાં વિવાદ ક્યાં છે? તમે આ રાજકુમારનું રાજ્ય અન્યાયથી છિનવી લઈ તમારા ભાણેજને રાજા બનાવ્યો છે. રઘુવંશી આ સુદર્શન કોશલનરેશનો પુત્ર છે. આ નિરપરાધી પુત્રને તમે મારશો કેવી રીતે? અન્યાય કર્યાનું ફળ તમારે ભોગવવું પડશે. આ બધા ઉપર શાસન કરનાર ઈશ્વર પણ છે. ધર્મનો વિજય થાય છે, અધર્મનો વિજય થતો નથી. માટે આવી અનીતિ ન આચરો, પાપવૃત્તિ ત્યજી દો. તમારો સુંદર, ગુણવાન દૌહિત્ર પણ અહીં આવ્યો છે, તે રાજા છે. રાજકુમારી તેની વરણી પણ કરી શકે. બીજા પરાક્રમી રાજકુમારો પણ આવ્યા છે. કન્યા સ્વેચ્છાએ કોઈની પણ પસંદગી કરી શકે છે. આમાં વિવાદનો કોઈ પ્રશ્ન જ નથી. વિવેકી પુરુષોએ દ્વેષભાવ નહીં રાખવો જોઈએ.’
આ સાંભળીને યુધાજિતે કહ્યું, ‘રાજન્, તમે સત્યવાદી છો, જિતેન્દ્રિય છો, યોગ્ય રાજાઓની ઉપસ્થિતિમાં કોઈ અયોગ્ય વ્યકિત આ રાજકન્યાને લઈ જાય તે કેવું કહેવાય? સિંહનો હિસ્સો શિયાળ લઈ જાય તે ચાલે? સુદર્શન આ કન્યાદાનને પાત્ર છે ખરો? બ્રાહ્મણોની શક્તિ વેદમાં છે, રાજાઓની શક્તિ બાહુબળમાં છે. હું જે કહી રહ્યો છું તે શું અન્યાયયુક્ત છે? બળવાન જ સ્વયંવરમાં જીતી શકે. એટલે આવી નીતિ સાથે જ સ્વયંવર થવો જોઈએ, નહીંતર રાજાઓમાં ભારે ક્લેશ થશે.’
રાજાઓમાં જ્યારે આવો વિચાર ચાલતો હતો ત્યારે સુબાહુ રાજાને સભામાં બોલાવવામાં આવ્યા. ત્યારે કેટલા તત્ત્વદર્શી રાજાઓએ તેમને કહ્યું, ‘આ સ્વયંવરમાં રાજાઓને શોભે એવી નીતિ અપનાવવી જોઈએ. તમે શું કરવા માગો છો તે તમે સ્પષ્ટ રીતે કહો.આ કન્યા કોને આપવા માગો છો?’
રાજાઓની વાત સાંભળીને સુબાહુ બોલ્યા, ‘મારી પુત્રીએ મનોમન સુદર્શનની પસંદગી કરી છે. મેં તેને બહુ સમજાવી પણ તે મારી વાત માનતી નથી. હું શું કરું? તથા સુદર્શન પણ ડર્યા વિના આવ્યો છે. તેની સાથે કોઈ સહાયક નથી છતાં તે ચિંતામુક્ત છે અને નીડર છે.
પછી બધા રાજાઓએ સુદર્શનને બોલાવ્યો. તે એકલો જ આવ્યો અને શાંતિથી બેઠો. રાજાઓએ તેને કહ્યું, ‘તું ભાગ્યવાન છે, બુદ્ધિશાળી છે. તું એકલો આ રાજસભામાં આવ્યો છે. તારી પાસે નથી સેના, નથી કોઈ મંત્રી, નથી ધન, નથી તું બળવાન. તો પછી શા માટે આવ્યો છે? અહીં યુદ્ધની ઇચ્છાવાળા રાજાઓ પાસે સૈન્ય છે, બધાની ઇચ્છા રાજકુમારીને વરવાની છે. તું શું કરવા ઇચ્છે છે? તારો ભાઈ શત્રુજિત પણ અહીં આવ્યો છે અને તેને માટે મહાબાહુ યુધાજિત પણ આવ્યો છે. તું સૈન્ય વિના અહીં આવ્યો છે. તું હવે તારી ઇચ્છા પ્રમાણે કર, જવું હોય તો જા અને રહેવું હોય તો રહે.’
આ સાંભળી સુદર્શન બોલ્યો, ‘મારી પાસે નથી શક્તિ, નથી ખજાનો, નથી કોઈ સુરક્ષિત કિલ્લો- મિત્રો, સ્નેહી રક્ષણ કરનાર રાજા પણ નથી; હું તો સ્વયંવરના સમાચાર સાંભળી તે જોવા આવ્યો છું. ભગવતી દેવીએ મને સ્વપ્નમાં દર્શન દઈ આજ્ઞા આપી છે. અત્યારે મારા મનમાં કોઈ સંકલ્પ નથી; મને તો સર્વત્ર જગદંબા જ દેખાય છે. જે મારી સાથે શત્રુતા કરશે તેને મહામાયા શિક્ષા કરશે. જે થવાનું હશે તે તો થશે જ. તેમાં કશો ફેરફાર નહીં થઈ શકે. દેવ, દાનવ તથા બધાં પ્રાણીઓને દેવીએ જ શક્તિ અર્પી છે, તે વિના કશું થઈ શકતું નથી. તે જેને રાજા બનાવવા ચાહે તેને રાજા બનાવી શકે છે, જેને રંક બનાવવા ચાહે તેને રંક બનાવી શકે છે. ભગવતીની કૃપા વિના દેવતાઓ પણ કશું કરી શકતા નથી. હું શક્તિશાળી છું કે નથી, જેવો છું તેવો આ રહ્યો. દેવીની આજ્ઞાથી હું અહીં આવ્યો છું. ભગવતી જે ઇચ્છશે તે થશે, તે વિશે મારા મનમાં કશી શંકા નથી. અહીં જય મળે છે કે પરાજય તેની મને ચિંતા નથી, સંકોચ તો ભગવતીને થાય. હું તો તેમને અધીન છું.’
તેની એવી વાત સાંભળીને રાજાઓ એકબીજા સામે જોઈને કહેવા લાગ્યા, ‘તારી વાત પૂરેપૂરી સાચી છે. પણ તું વિચાર. ઉજ્જયિનીનો રાજા તને મારી નાખવા માગે છે, તારા પર દયાભાવ હોવાથી અમે તને કહીએ છીએ. તને જે યોગ્ય લાગતું હોય તે હવે તું કર.’
સુદર્શને કહ્યું, ‘તમે બધા દયાભાવવાળા છો. સજ્જન છો, મેં તમને જે કહ્યું છે તે ફરી કહું? કોઈ કોઈને મારી શકતું નથી. બધું જ પરમાત્માને અધીન છે. સંસારનું કોઈ પ્રાણી સ્વતંત્ર નથી, તે હમેશાં પોતાના કર્મને અધીન છે. ચિંતકોએ કર્મ ત્રણ પ્રકારનાં કહ્યાં છે — સંચિત, વર્તમાન અને પ્રારબ્ધ. આ અખિલ વિશ્વ કાળ, કર્મ અને સ્વભાવથી વ્યાપ્ત છે. કાળ ન આવ્યો હોય ત્યાં સુધી દેવ પણ મનુષ્યનો વધ કરી શકતા નથી. કોઈ નિમિત્ત જ કોઈનું મૃત્યુ આણી શકે છે. શત્રુઓનો નાશ કરનારા મારા પિતાને સિંહે મારી નાખ્યા, મારા માતામહને યુધાજિતે માર્યા, એટલે આખરે તો દૈવયોગથી જ મૃત્યુ થાય છે. પ્રારબ્ધમાં મૃત્યુ લખાયું હોય તો તેને ટાળી શકાતું નથી.
દેવની કૃપા હોય તો કોઈનીય સહાય વિના માનવી હજારો વર્ષ ટકી શકે છે. હું યુધાજિતથી બીતો નથી. દૈવને જ શ્રેષ્ઠ માનીને સ્વસ્થ રહ્યો છું. હું ચોવીસે કલાક ભગવતીનું સ્મરણ કરું છું. જગન્માતા મારું કલ્યાણ કરશે. કર્મ પ્રમાણેનું ફળ માનવીએ ભોગવવું પડે છે. તો પોતે જે કર્યું તે ભોગવવાનો ડર શા માટે? હું વેર, શોક, ભયને ગણકારતો નથી. એટલે જ હું અહીં નિર્ભય બનીને આવ્યો છું. વળી, કોઈને જાણતો નથી. યુધાજિત સુખી થાય, મારે તેમની સાથે કોઈ વેર નથી.’
તેની વાતોથી રાજાઓને સંતોષ થયો. બધા પોતપોતાનાં સ્થાને ગયા. સુદર્શન પણ પોતાના ઉતારે જઈ સ્વસ્થતાથી બેઠો. બીજે દિવસે રાજા સુબાહુએ બધાને પોતાના સુંદર મંડપમાં બોલાવ્યા. સુંદર બિછાનાઓ પર મનોહર અલંકારો પહેરેલા રાજાઓ બેઠા. અલંકૃત થઈને આવેલા રાજાઓ ત્યાં બેસી રાજકુમારીની પ્રતીક્ષા કરતા હતા. બધા સ્વયંવર જોવાની ઇચ્છાથી બેઠા હતા. બધા આતુર હતા, રાજકુમારી કોને વરશે? જો તે સંજોગવશ સુદર્શનના ગળામાં માળા પહેરાવશે તો રાજાઓ વચ્ચે યુદ્ધ થવાનું. તે જ વખતે મહેલમાં વાજિંત્રોનો ગગનભેદી નાદ થયો. સદ્યસ્નાતા, અલંકારવતી, સુવાસિત પુષ્પહાર ધારણ કરેલી, રેશમી વસ્ત્રો પરિધાન કરેલી, શશિકલા લક્ષ્મી જેવી દેખાતી હતી. તેના પિતાએ કહ્યું, ‘ચાલ ઊભી થઈને હાથમાં પવિત્ર હાર લઈને મંડપમાં જા અને બધા રાજાઓને જો. તને જે ગુણવાન, રૂપવાન, ઉત્તમ કુળનો લાગે તેને વરમાળા પહેરાવજે. બધા રાજાઓ અહીં બેઠા છે, તેમને જોઈને ઇચ્છામાં આવે તેને વર.’
પિતાની વાત સાંભળીને શશિકલા બોલી, ‘મેં નિશ્ચય કર્યો છે કે હું સ્વયંવરમાં નહીં જઉં, કામી રાજાઓ પાસે ભલે બીજી સ્ત્રીઓ જતી. ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે સ્ત્રીએ એક જ વર જોવો જોઈએ, બીજા પુરુષનો તેણે વિચાર પણ કરવો ન જોઈએ. જે સ્ત્રી અનેક પુરુષો સામે જાય છે તે સ્ત્રી પાપી કહેવાય. તેને જોઈને બધાના મનમાં ઇચ્છા જાગે છે, તેની સ્થિતિ સામાન્ય સ્ત્રી જેવી જ થાય છે. વેશ્યા શું કરે છે? બજારમાં જઈ ત્યાં ઊભેલા પુરુષોના ગુણદોષ વિચારે છે, તેવું કુળવાન કન્યા ન કરી શકે. હું મંડપમાં જઈને વેશ્યાની જેમ કેવી રીતે વર્તી શકું? અનેક પુરુષોને જોયા પછી કોઈ એક પુુરુષને પસંદ કરે એવી રીતે હું નહીં કરી શકું! મેં બધી રીતે સુદર્શનને પતિ તરીકે સ્વીકાર્યો છે તો તમે મારું કલ્યાણ ઇચ્છતા હો તો કોઈ શુભ દિવસે સુદર્શન સાથે મારું પાણિગ્રહણ કરાવો.’
આ સાંભળી સુબાહુ રાજા ચિંતાતુર બની ગયા. કન્યાની વાત સાચી હોય તો પણ હવે મારે શું કરવું? રાજાઓ તેમના રસાલા સાથે આવ્યા છે. આ બળવાન રાજાઓ યુદ્ધ કરવાની ઇચ્છાવાળા છે. હું જો તેમણે એમ કહું કે કન્યા સ્વયંવરમાં આવવાની ના પાડે છે તો તેઓ મને જ મારી નાખશે. મારી પાસે એવું વિરાટ સૈન્ય નથી, મારી પાસે અભેદ્ય કિલ્લો પણ નથી. આ સુદર્શન પણ સાવ નાનો છે, નિર્ધન છે, એકલો છે, બધી રીતે દુઃખી દુઃખી થઈ ગયો છું.
આમ વિચારી સુબાહુ રાજા બધા રાજાઓ પાસે જઈને પ્રણામ કરીને કહેવા લાગ્યા, ‘હે રાજાઓ, મારે શું કરવું? મેં અને મારી પત્નીએ તેને ઘણી બધી રીતે સમજાવી તો પણ તે મંડપમાં આવતી નથી. હું તમારા બધાનો સેવક છું. તમારા પગે પડું છું. તમે પૂજા સ્વીકારી તમારે ઘેર જાઓ. હું તમને બધાને રત્નો, વસ્ત્રો, હાથી, રથ આપું છું. તે સ્વીકારો, કન્યા મારે વશ નથી. તેને દંડ આપો તો તે મરી જવા તૈયાર છે. તમે બધા દયાળુ છો, મહાબળવાન છો, મારી આ અવિવેકી, મૂર્ખ કન્યાથી કયું સુખ મળશે? હું તમારો દાસ છું. તમે મારા પર કૃપા કરો, મારી પુત્રીને તમે તમારી પુત્રી માનો.’
સુબાહુની વાત સાંભળીને બીજા રાજાઓ તો કશું બોલ્યા નહીં. પણ યુધાજિતે રાતાપીળા થઈને કહ્યું, ‘રાજા, તું સાવ મૂરખ છે. આવું નિંદાપાત્ર કાર્ય કરીને તું આ શું બોલે છે? જો કન્યાનો આવો આશય હતો તો સ્વયંવર શું કામ રચ્યો? બધા રાજાઓને બોલાવ્યા શા માટે? બધા રાજા અહીં આવ્યા. અને હવે તું એમને ઘેર જવા કહે છે! બધા રાજાઓનું અપમાન કરીને સુદર્શન સાથે તારી કન્યાને પરણાવવા માગે છે? આનાથી વધુ ખરાબ શું હોઈ શકે? કલ્યાણ કરવા માગનારે પહેલાં, સારી રીતે આયોજન કરીને કાર્ય કરવું જોઈએ. એનું પરિણામ તારે ભોગવવું પડશે. આટલી મોટી સેના અને આટલા બધા સેવકોને લઈને આવેલા રાજાઓને પડતા મૂકીને તું સુદર્શનને તારી કન્યા શા માટે આપવા માગે છે? અરે પાપી, પહેલાં હું તને મારી નાખીશ, પછી સુદર્શનને મારીશ. તારી કન્યા મારા ભાણેજને આપીશ. આ કન્યાનું હરણ કરી જવાની હિંમત કોનામાં છે? આ નિર્ધન, નિર્બળ બાળક સુદર્શનની તો શી વિસાત છે? મેં ભરદ્વાજ ઋષિના આશ્રમમાં એને જવા દીધો હતો. આજે હું એને જવા નહીં દઉં. માટે પુત્રી અને પત્નીની સાથે સારી રીતે મંત્રણા કરીને આ સુંદર કન્યા મારા દૌહિત્રને આપ. જે કલ્યાણ ઇચ્છે તેણે તો મોટાનો આશ્રય સ્વીકારવો જોઈએ. સુદર્શન તો રાજ્ય વિનાનો, એકલો છે. તેને પુત્રી આપીને શું કરવા માગે છે? કુળ, ધન, બળ, રૂપ, રાજ્ય, દુર્ગ, મિત્રો — વગેરેનો વિચાર કરીને કન્યાનું લગ્ન કરવું જોઈએ. ધર્મ, રાજનીતિનો બરાબર વિચાર કર. એમ ને એમ ઉતાવળે કશું ન કર. તું તારી કન્યાને સખીઓ સાથે અહીં મંડપમાં લઈ આવ. સુદર્શન સિવાય એ બીજા કોઈને પણ પસંદ કરશે તો મારે કોઈ ઝઘડો નથી. બધા રાજા કુળવાન છે, બળવાન છે, તેમાંથી કન્યા ગમે તેની પસંદગી કરી શકે. સુદર્શનને વરે તો જ ઝઘડો છે. હું આજે બળજબરીથી કન્યાનું હરણ કરી જઈશ. તું ખોટો વિરોધ ન કર.’
યુધાજિતની આવી વાત સાંભળીને શોકગ્રસ્ત સુબાહુએ પોતાની રાણીને કહ્યું, ‘તું તો ધર્મ જાણે છે. પુત્રીને સમજાવ કે અહીં ઝઘડો ઊભો થયો છે. હું શું કરી શકું? હું તારે વશ છું.’
પતિની વાત સાંભળીને રાણી પુત્રીને મળી, ‘જો તારા પિતા બહુ દુઃખી થઈ ગયા છે. તારે કારણે રાજાઓમાં ભારે ઝઘડો થયો છે. તું સુદર્શનને જતો કરીને બીજાને પસંદ કર. તું જો જિદ કરીને સુદર્શનને વરીશ તો બળવાન યુધાજિત તને અને અમને મારી નાખશે. સુદર્શન પણ જીવતો નહીં રહે. એટલે તું જો અમારું, તારું સુખ ઇચ્છતી હોય તો બીજા કોઈ પણ રાજાને તું સ્વીકારી લે.’ પછી સુબાહુ રાજાએ પણ પુત્રીને સમજાવી. માતાપિતાની વાત સાંભળીને શશિકલા જરાય ડર્યા વિના બોલી,
‘તમારી વાત સાચી છે પણ મારો નિર્ધાર તો જાણો છો ને! સુદર્શન સિવાય હું બીજા કોઈને વરવાની નથી. તમે રાજાઓથી ગભરાઈ ગયા છો. મને સુદર્શનને સોેંપી દો, તે મને નગર બહાર લઈ જશે. પછી તો જે ભાગ્યમાં લખ્યું હશે તે થશે. તમે ચિંતા ન કરતા. જે થવાનું હશે તે થયા વિના રહેવાનું નથી.’
રાજાએ આ સાંભળી કહ્યું, ‘બુદ્ધિશાળીઓએ કદી સાહસ ન કરવું. ઘણા સાથે વિરોધ નહીં કરવો. હું કન્યાદાન કર્યા વિના કેવી રીતે તને કાઢી મૂકું? આવું થાય પછી આ રાજાઓ મારું અનિષ્ટ કરવામાં શું બાકી રાખશે? તું કહેતી હોય તો ભૂતકાળમાં જનક રાજાએ સીતા માટે જેવો સ્વયંવર રચ્યો હતો તેવો સ્વયંવર રચું. તેમણે તો શિવધનુષ તોડવાની વાત કરી હતી. એવી રીતે હું પણ રાજાઓમાં એવું કોઈ મહાન કાર્ય શરત રૂપે મૂકું. જેનામાં તે પાર પાડવાની શક્તિ હશે તે વિજયી થશે અને તને વરશે. એવું કરું તો રાજાઓનો વિવાદ શમે. પછી સુખેથી તારો વિવાહ થઈ શકશે.’
શશિકલા બોલી, ‘મારા મનમાં કશી શંકા નથી. હું મૂર્ખ નથી. સુદર્શનને મનમાં વરી લીધો છે એટલે એમાં કશો મીનમેખ નહીં થાય. પાપ કે પુણ્ય — ગમે તે હોય તેમાં પ્રવૃત્ત કરવાનું મનને હોય છે. જો આવી કોઈ શરત કરવામાં આવે તો તો બધાને વશ થઈ જઉં. એક-બે-અને વધારે એ શરત પાળે તો? વિવાદ જ થવાનો. હું અસ્પષ્ટતામાં ધકેલાવા માગતી નથી. તમે મને લગ્નવિધિ કરીને સુદર્શનના હાથમાં સોંપી દો. ભગવતી ચંડિકા બધાંનું કલ્યાણ કરશે. તમે તેનું સ્મરણ કરો. તમે હમણાં રાજાઓ પાસે જઈ હાથ જોડીને બધાને આવતીકાલે સ્વયંવરમાં આવવા કહો. અને રાતે જ વિધિપૂર્વક મારું લગ્ન કરી દો, યોગ્ય પહેરામણી આપીને અમને વિદાય કરો. એટલે સુદર્શન મને લઈને જતા રહેશે. બને કે રાજાઓ ક્રોધે ભરાઈને યુદ્ધ કરવા તૈયાર થાય તો ભગવતી ચંડિકા આપણી સહાય કરશે. અને ધારો કે યુદ્ધમાં સુદર્શનનું મૃત્યુ થશે તો હું તેની પાછળ સતી થઈશ. તમારું કલ્યાણ થાઓ, તમે સૈન્યની સાથે ઘેર રહેજો. હું એકલી સુદર્શન સાથે જઈશ.’
શશિકલાની વાત સાંભળીને રાજાએ દૃઢ નિર્ધાર કરી લીધો અને પુત્રીની વાત સ્વીકારી.
પુત્રીની વાત સાંભળીને સુબાહુ બીજા રાજાઓ પાસે જઈને બોલ્યા, ‘આજે તમે બધા તમારા ઉતારે જાઓ. આવતી કાલે હું વિવાહ કરીશ. ખાણીપીણી સ્વીકારો. આવતી કાલે અહીં જ વિવાહ થશે. અત્યારે મારી પુત્રી મંડપમાં આવશે જ નહીં; હું લાચાર છું. આવતીકાલે સવારે હું એને અહીં લઈ આવીશ. બુદ્ધિશાળીઓએ ઝઘડો ન કરવો. પોતાના આશ્રિતો પર હમેશ કૃપા કરવી. એટલે તમે શશિકલા પર કૃપા કરો. કાલે સવારે પુત્રીને અહીં લાવીશ. અહીં ઇચ્છા સ્વયંવર થશે. રાજકુમારી અહીં આવશે. બધા રાજાઓએ ભેગા થઈને સ્વયંવરમાં ભાગ લેવાનો છે.’
સુબાહુની વાત સાંભળીને બધા રાજાઓ પોતપોતાના ઉતારે ગયા. નગરની આજુબાજુ નજર રાખીને કોઈ કપટ ન થાય તે જોવાનો પણ તેમણે નિર્ણય કર્યો. આ બાજુ સુબાહુ વેદપરંપરાગત બ્રાહ્મણોને બોલાવી ગુપ્ત સ્થળે વિવાહની તૈયારી કરવા લાગ્યા. મંડપમાં વેદી બનાવી હતી. વરને સ્નાનાદિ કરાવી વસ્ત્રાભૂષણ આપી મંડપમાં બોલાવ્યો. સુબાહુએ આપેલાં વસ્ત્ર, ગાયો, કુંડળ તેણે સ્વીકાર્યાં. શશિકલાને કુબેરકન્યા કરતાં પણ ઉત્તમ માની. રાજાના મંત્રીઓએ પણ સુદર્શનની પૂજા કરીને વસ્ત્રો આપ્યાં. આ આખો વિધિ નિર્ભય વાતાવરણમાં સંપન્ન થયો. પુરોહિતે અગ્નિ પ્રગટાવી સારી રીતે હોમ કર્યો, પછી વરકન્યાને બોલાવ્યાં. વિધિ પ્રમાણે લાજાહોમ અને અગ્નિની પ્રદક્ષિણા કરાવી. રાજાએ પુષ્કળ ધનુષબાણવાળા, ઉત્તમ અશ્વો જોડેલા બસો રથ આપ્યા, સોને મઢેલા, પર્વતશિખરો જેવા દેખાતા, મદમસ્ત સવાસો હાથી આપ્યા. સુવર્ણાલંકારો ધરાવતી સો દાસીઓ અને સો હાથણીઓ પણ આપી, ઉપરાંત અસ્ત્રશસ્ત્રથી સજ્જ એક હજાર સૈનિકો, રત્નો, વસ્ત્રો, કાંબળા આપ્યાં. સુંદર, ચિતરામણવાળાં ઘર રહેવા આપ્યાં, સિંધુ દેશના બે હજાર ઉત્તમ ઘોડા આપ્યા. સામાન ઊંચકવા ત્રણસો ઊંટ, અનાજ-ઘી ભરેલાં સો ગાડાં આપ્યાં.
પછી રાજાએ મનોરમા પાસે જઈ બે હાથ જોડી કહ્યું, ‘હે રાજપુત્રી, હું તમારો દાસ છું. તમારા મનમાં કોઈ ઇચ્છા હોય તો કહો.’
આ સાંભળી મનોરમાએ કહ્યું, ‘રાજા, તમારું કલ્યાણ થાઓ, તમારા કુળની વૃદ્ધિ થાઓ, તમારા રત્ન જેવી કન્યા અમને આપીને અમારું સમ્માન કર્યું છે. કુશળ યશોગાન કરનાર તો ભાટ ચારણ હોય છે. હું તેમની પુત્રી નથી. તમે તો હવે અમારાં સ્વજન થયાં છો, સુદર્શનને સુમેરુ જેટલું માન મળી ગયું. તમારા જેવા સદાચારી રાજાનું તો શું વર્ણન કરું? રાજ્યમાંથી હાંકી કાઢેલા, નિર્ધન, વનવાસી, પિતા વિનાના મારા પુત્રને તમે તમારી કન્યા મોટા મોટા રાજાઓને પણ બાજુ પર મૂકીને આપી. આવું તો કોણ કરે? સામાન્ય રીતે બધી રીતે બરોબરિયા હોય તેની સાથે લગ્નસંબંધ બંધાય. પણ શ્રેષ્ઠ અને ચઢિયાતા રાજાઓ સાથે વેર બાંધીને તમે સુદર્શનને સ્વીકાર્યો. તમારી હિંમતની તો શી પ્રશંસા કરું?’
આ સાંભળી સુબાહુ રાજી થયા. તેમણે બે હાથ જોડીને કહ્યું, ‘મારું આ વિખ્યાત રાજ્ય તમે સ્વીકારો. હું તમારો સેનાપતિ થઈશ. એવું ન કરવું હોય તો અડધું રાજ્ય પણ સ્વીકારો. આ કાશીનગરીને ન સ્વીકારી તમે વનમાં રહો કે કોઈ ગામમાં રહો તે મને નહીં ગમે. હા, રાજાઓ ક્રોધે ભરાશે. પણ પાસે જઈને તેમને હું શાંત કરીશ. બીજા બે ઉપાય પણ વિચારીશ. આમ છતાં જો તેઓ નહીં માને તો યુદ્ધ કરીશ, જયપરાજય તો પ્રારબ્ધાધીન છે. છતાં જેના પક્ષે ધર્મ હશે તેનો વિજય થશે. અધર્મનો કદી વિજય થતો નથી.’
સુબાહુની મર્મયુક્ત વાત સાંભળીને મનોરમા ખૂબ પ્રસન્ન થઈ. તે બોલી, ‘રાજન્, તમારું કલ્યાણ થાઓ. તમે નિર્ભય થઈ અહીં રાજ કરો. મારો પુત્ર અયોધ્યામાં રાજ કરશે. હવે તમે અમને જવા દો. ભવાની તમારું કલ્યાણ કરશે. ભગવતી અંબિકાનું ચિંતન કરું છું એટલે મને કશી ચિંતા નથી.’
આમ બંને વચ્ચે અમૃત જેવી વાતો ચાલતી હતી. એમ કરતાં કરતાં જ સવાર પડી ગઈ. રાજાઓને જ્યારે જાણ થઈ કે શશિકલાનું લગ્ન થઈ ગયું ત્યારે તેઓનો ક્રોધાગ્નિ ભડકી ઊઠ્યો. ‘સુદર્શન કોઈ રીતે શશિકલાને લાયક નથી. આપણે આજે જ સુબાહુ અને સુદર્શનને મારીને શશિકલા લઈ જઈએ. આપણે ઘેર જઈને શું મેં દેખાડીશું? આ બધા અવાજ સાંભળો. ઢોલનગારાં, શંખધ્વનિ સંભળાય છે, વેદમંત્રો સંભળાય છે એટલે એ તો નિશ્ચિત થયું કે લગ્ન થઈ ગયું છે. આપણને ઠગ્યા છે. હવે આપણે શું કરવું તે વિચારો.’
રાજાઓ આમ બોલતા હતા ત્યારે સુબાહુ કન્યાના પાણિગ્રહણ સંસ્કાર પૂરા કરીને રાજાઓને આમંત્રવા મિત્રો અને મંત્રીઓ સાથે જઈ પહોેંચ્યા; તેમને જોઈને રાજાઓ કશું બોલ્યા નહીં. સુબાહુએ હાથ જોડીને કહ્યું, ‘તમે બધા આજે મારે ત્યાં ભોજન કરવા પધારો. શશિકલાએ સુદર્શન સાથે લગ્ન કરી લીધું છે. તમારા ગમા-અણગમા વિશે તો શું કહું? કૃપા કરી શાંતિ રાખો. મહાન પુરુષો તો દયાળુ હોય છે.’
આ સાંભળીને રાજાઓ તો ક્રોધે ભરાઈ રાતાપીળા થઈ ગયા. ‘રાજન્, અમે જમી લીધું. તમે તમારે ઘેર જાઓ. તમને જે યોગ્ય લાગ્યું તે તમે કર્યું. જે કંઈ બાકી હોય તે તમે પૂરું કરો. બધા રાજાઓ હવે પોતપોતાને ઘેર જાઓ.’
રાજા સુબાહુ પણ આ રાજાઓ હવે શું કરશે એની ચિંતામાં ઘેર ગયા. સુબાહુના ગયા પછી રાજાઓએ રસ્તો રોકીને ઊભા રહેવાનું નક્કી કર્યું; ‘સુદર્શનને મારીને કન્યા લઈ જઈશું.’
કેટલાકે એમ કહ્યું કે ‘તે રાજાએ આપણું શું બગાડ્યું છે? આપણે તો જેમ આવ્યા તેમ જતા રહીશું.’
સુબાહુ ઘેર જઈ લગ્નવિધિ પછીનાં કાર્યો કરવા બેઠા.
રાજાએ છ દિવસ સુધી સુદર્શનને ભોજન પીરસ્યું, મંત્રીઓની સલાહથી યોગ્ય પહેરામણી આપી. પછી રાજાને જાણ થઈ કે બીજા રાજાઓ રસ્તો રોકીને ઊભા છે. સુબાહુ આ સાંભળી ઉદાસ થઈ ગયા. પણ સુદર્શને તેમને કહ્યું, ‘તમે અમને જવાની આજ્ઞા આપો. ભરદ્વાજ મુનિના આશ્રમે જઈ પછી કાયમ માટે ક્યાં રહેવું તે વિચારીશું. આ રાજાઓથી જરાય ડરતા નહીં. ભગવતી જગદંબા આપણી સહાય કરશે.’
રાજા સુબાહુએ સુદર્શનની વાતનો વિચાર કરીને ભગવતી પર બધું છોડી દઈ જમાઈને ધન આપીને તેમને મોકલવાની વ્યવસ્થા કરી. સુદર્શનની પાછળ પાછળ સુબાહુ પણ મોટી સેના લઈને નીકળ્યા. બળવાન સુદર્શન તો અત્યંત નિર્ભય થઈને જઈ રહ્યો હતો. પત્ની સાથે તે જે રથમાં બેઠો હતો તેની આસપાસ ઘણા બધા રથ હતા. રસ્તામાં સુદર્શનની અને સુબાહુની નજર રાજાઓના સૈન્ય પર પડી. આ જોઈને સુબાહુ તો ગભરાઈ ગયા પણ સુદર્શન પ્રસન્ન રહ્યો. તેણે વિધિપૂર્વક ભગવતીનું ધ્યાન ધર્યું અને ભગવતીની શરણાગતિ સ્વીકારી. એક અક્ષરવાળો સર્વોત્તમ બીજમંત્ર રટવા લાગ્યો. તેના પ્રભાવથી નવપરિણીતા શશિકલા સાથે નિર્ભય બનીને આગળ વધતો રહ્યો. તેના મનમાંથી શોક અને ભય અદૃશ્ય થઈ ગયા. એટલામાં શત્રુરાજાઓ રાજકુમારીનું હરણ કરવાની ઇચ્છાથી સામે આવ્યા. કાશીનરેશ તેમનો સામનો કરવા તૈયાર થયા પણ સુદર્શને તેમને રોક્યા. આમ છતાં સુબાહુ અને શત્રુરાજાઓ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. શંખ, નગારાં, ભેરી વાગવા લાગ્યાં. શત્રુજિત તેની સેના લઈને સુદર્શનને મારવા આવ્યો. યુધાજિત પણ આગળ આવ્યો. ક્રોધે ભરાઈને આ ત્રણે પ્રહાર કરવા લાગ્યા. કાશીનરેશ સુબાહુ જમાઈ સુદર્શનની સહાય માટે પહોેંચી ગયા. ભયંકર યુદ્ધ શરૂ થયું અને ત્યાં સિંહ પર બેઠેલા ભગવતી દુર્ગા એકાએક પ્રગટ્યાં. તેમણે દિવ્ય વસ્ત્રો, અલંકાર ધારણ કર્યાં હતાં. મંદારપુષ્પોની માળા ગળામાં હતી. રાજાઓ આશ્ચર્ય પામ્યા: ‘સિંહ પર બેઠેલાં આ દેવી કોણ છે?’ સુદર્શને ભગવતીનાં દર્શન કરીને સુબાહુને કહ્યું, ‘જુઓ દેવી કૃપા કરવા અહીં પધાર્યાં છે. તેમનાં દર્શન અદ્ભુત છે. તેમની કૃપાથી હું નિર્ભય છું.’ પછી બંને પ્રસન્ન થઈને તેમને પ્રણામ કરવા લાગ્યા. સિંહ જોરજોરથી ગર્જના કરવા લાગ્યો. તેનાથી સેનાના હાથીઓ ધૂ્રજી ઊઠ્યા. ભયંકર પવન વાવા લાગ્યો. સુદર્શને તેમના સેનાપતિને કહ્યું, ‘જ્યાં રાજાઓ રસ્તો રોકીને ઊભા છે ત્યાં ચાલો. તે દુરાચારી રાજાઓ હવે મારું શું બગાડશે? ભગવતી જગદંબા આપણને સહાય કરવા જાતે અહીં આવ્યાં છે. રસ્તો શત્રુસેનાથી ઘેરાયેલો છે પણ આપણે આગળ જઈએ. મેં દેવીનું સ્મરણ કર્યું છે, તેઓ અહીં સાક્ષાત્ પધાર્યા છે. હવે ભયનું કોઈ કારણ નથી.’
સુદર્શનને સાંભળીને સેનાપતિ આગળ વધ્યો. યુધાજિતે ક્રોધે ભરાઈને રાજાઓને કહ્યું, ‘ભયભીત થઈને તમે અહીં કેમ ઊભા છો? રાજકુમારી સહિત આ સુદર્શનને મારી નાખો. નિર્બળ હોવા છતાં બળવાન એવા આપણા સૌનું તેણે અપમાન કર્યું છે. કેવો નિર્ભય થઈને કન્યાને લઈ જઈ રહ્યો છે. સિંહ પર બેઠેલી એક સ્ત્રીને જોઈને તમે ગભરાઈ ગયા છો? શત્રુની ઉપેક્ષા ન કરવી જોઈએ પણ સાવધાન થઈને તેને મારી નાખવો જોઈએ, પછી આપણે આ સુંદર રીતે સજાવેલી કન્યાને લઈ જઈશું. આ શિયાળ સિંહનો ભાગ લઈ જાય કેવી રીતે?’
આમ કહીને યુધાજિત શત્રુજિતને લઈને સેના સમેત ત્યાં આવી ચઢ્યો અને કાન સુધી ધનુષની પણછ ખેંચીને સુદર્શન પર બાણ ચલાવવા લાગ્યો. તે સુદર્શનને મારી નાખવા માગતો હતો. પણ સુદર્શને બધાં બાણ કાપી નાખ્યાં. આ યુદ્ધ જોઈને ભગવતી ક્રોધે ભરાયાં અને તેમણે યુધાજિત સામે બાણો મારવા માંડ્યાં. તે સમયે ભગવતી અનેક રૂપવાળાં થયાં, જાતજાતનાં શસ્ત્રો વડે જગદંબાએ યુદ્ધ કરવા માંડ્યું. શત્રુજિત અને યુધાજિત મૃત્યુ પામ્યા. એટલે બધા રાજાઓને દેવી જોઈ ભારે અચરજ થયું. સુબાહુ બંનેનો નાશ જોઈને દેવીની સ્તુતિ કરવા લાગ્યા… એનાથી પ્રસન્ન થઈને જગદંબાએ તેમને વરદાન માગવા કહ્યું.
સુબાહુએ ભક્તિભાવથી કહ્યું, ‘તમારાં દર્શનથી જ હું કૃતાર્થ થયો છું. તમે આ નગરમાં સર્વદા વાસ કરજો. ‘દુર્ગા’ નામની આપની ખ્યાતિ અહીં વિસ્તરે અને આ નગરીની રક્ષા કરો.’
જગદંબાએ તેમને કહ્યું, ‘કાશીમાં હું નિત્ય વાસ કરીશ. બધી પ્રજાનું રક્ષણ કરવા હું અહીં રહીશ.’
પછી સુદર્શને દેવીની સ્તુતિ કરી, હવે ક્યાં જઈને રહેવું તે પૂછ્યું, એટલે જગદંબાએ તેને અયોધ્યા જવા કહ્યું, ‘તું મને યાદ રાખી મારી પૂજા કરજે, હું તારા રાજ્યની રક્ષા કરીશ. ચૈત્ર, આસો, અષાઢ અને માઘ માસના નવરાત્રિ મહોત્સવ કરજો.’ એમ કહી દેવી અંતર્ધાન થઈ ગયાં.
બધા રાજાઓ સુદર્શન પાસે આવીને તેને પ્રણામ કરવા લાગ્યા અને અયોધ્યા પર રાજ કરવા તેમણે કહ્યું. રાજાઓની વિનંતીથી સુદર્શને ભગવતીનો મહિમા સંભળાવ્યો.
પછી બધા રાજાઓ પોતપોતાનાં સ્થાને ગયા. સુબાહુ પણ કાશી ગયા. સુદર્શન અયોધ્યા આવ્યો અને શત્રુજિતના સમાચાર સાંભળી બધાને હર્ષ થયો. અયોધ્યાની પ્રજાએ સુદર્શનના આગમનના સમાચાર સાંભળી અનેક ભેટસોગાદો આપી. સુદર્શન પત્ની અને માતા સાથે રાજભવનમાં પ્રવેશ્યો. બંદીજનોએ સ્તુતિપાઠ કર્યો. કુમારિકાઓએ ડાંગર અને પુષ્પોથી તેમને વધાવ્યા. પછી શોકગ્રસ્ત શત્રુજિતની માતા લીલાવતીને પ્રણામ કરીને સુદર્શને કહ્યું, ‘માતા, મેં તમારા પુત્રને અને પિતાને યુદ્ધમાં માર્યા નથી. તમારા ચરણોની સોગંદ. તે બંનેનો વધ દુર્ગાએ કર્યો છે. મારો કોઈ વાંક નથી. દરેકને પોતાનાં કર્મોનો બદલો મળી રહે છે. મારે માટે જેવાં મનોરમા તેવાં તમે.’ પછી સુદર્શને વનવાસની, ભરદ્વાજ મુનિના આશ્રમની બધી વાતો કરી.
સુદર્શનની વાત સાંભળીને લીલાવતી શરમાઈ ગયાં. ‘હે પુત્ર, મારા પિતા યુધાજિતે તમારી માતાના પિતાનો વધ કરી રાજ્ય પડાવી લીધું એટલે હું અપરાધી ઠરી. હું મારા પિતાને કે પુત્રને રોકવા સમર્થ ન હતી તેથી તેમણે જે કર્યું તેમાં મારો કશો અપરાધ નથી. તે બંને તેમનાં કર્મે નાશ પામ્યાં છે. હું પુત્રનો શોક કરતી નથી, તેણે કરેલાં કર્મનો શોક કરું છું. તું મારો પુત્ર, મનોરમા મારી બેન, તમે રાજ કરો અને પ્રજાનું પાલન કરો.’
પછી સુદર્શન પહેલાં મનોરમા જ્યાં રહેતાં હતાં ત્યાં ગયો અને બધાંને કહ્યું, ‘હું સોનાનું સિંહાસન બનાવી સિંહસ્થ દુર્ગાનું પૂજન કરીશ.’
આમ તે રાજા અને દેવી કોસલ દેશમાં વિખ્યાત થયાં અને દરેક નવરાત્રિનાં પૂજન, હવન લોકો કરતા થયા.
(૩, ૮-૧૩)
મહિષાસુરની કથા
પૃથ્વી પર મહિષાસુર નામે એક રાજા થઈ ગયો. તેણે દસ હજાર વર્ષો સુધી તપ કરીને બ્રહ્માને પ્રસન્ન કર્યા. હંસ પર બેઠેલા તે બ્રહ્માએ રાજા પર પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે તેણે અમરત્વનું વરદાન માગ્યું. બ્રહ્માએ કહ્યું; ‘જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. બધાં પ્રાણીઓ જન્મ અને મૃત્યુને વશ છે. બધાંનો જ નાશ થાય છે. તો મૃત્યુની વાત પડતી મૂકીને બીજું કોઈ વરદાન માગ.’ એટલે મહિષાસુરે કહ્યું, ‘દેવથી, મનુષ્યથી, દૈત્યથી, પુરુષથી મારું મરણ ન થાય. સ્ત્રીના હાથે થાય તો વાંધો નથી. જે અબળા છે તે મને મારશે કેવી રીતે?’ બ્રહ્માએ કહ્યું, ‘ભલે, તારું મૃત્યુ સ્ત્રીથી જ થશે, પુરુષથી નહીં,’ વરદાન આપીને બ્રહ્મા તો ગયા. મહિષાસુર પણ પોતાને ઘેર ગયો. આ મહિષાસુર કોણ હતો?
દનુના રમ્ભ અને કરમ્ભ નામના બે શક્તિશાળી પુત્ર હતા. તેમને કોઈ પુત્ર ન હતો. એટલે બંને પંચનદમાં બેસીને તપ કરવા લાગ્યા. કરંભ પાણીમાં રહીને અને રમ્ભ ઉત્તમ દૂધવાળા વડ નીચે પંચાગ્નિ તપ કરતો હતો. એમના તપથી દુઃખી થઈને ઇન્દ્ર બંને દાનવો પાસે ગયો. પંચનદમાં જઈને ઇન્દ્રે ભૂંડનું રૂપ લઈ કરંભને પગમાં પકડીને મારી નાખ્યો. ભાઈના મૃત્યુના સમાચાર સાંભળી રંભ ખૂબ ક્રોધે ભરાયો. પોતાનું મસ્તક ઇન્દ્રને આપવાની ઇચ્છાથી ડાબા હાથે વાળ પકડી જમણા હાથે પકડેલી તલવારથી તે મસ્તક કાપવા તૈયાર થયો ત્યારે અગ્નિદેવ ત્યાં પ્રગટ થઈને બોલ્યા, ‘અરે મૂર્ખ, આત્મહત્યા ન કરવી જોઈએ. તારી ઇચ્છા પ્રમાણે વરદાન માગ. જીવ હોમી દેવાથી કશું પ્રાપ્ત નહીં થાય.’ અગ્નિની વાત સાંભળીને રંભ બોલ્યો, ‘જો તમે પ્રસન્ન થયા હોય તો મને વરદાન આપો. ત્રિલોકવિજેતા, શત્રુને પીડે એવો પુત્ર આપો. દેવ, દાનવ, મનુષ્યોથી જીતાય નહીં એવો જોઈએ. તે ઇચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી શકે. બધા તેને પગે પડતા થાય.’ અગ્નિદેવે રંભને વરદાન આપ્યું, ‘તારી ઇચ્છા પ્રમાણેનો પુત્ર તને થશે. જે સુંદર સ્ત્રી પર તારું મન રીઝશે તેનાથી તને પરાક્રમી પુત્ર થશે.’ અગ્નિદેવની વંદના કરીને રંભ પોતાના નિવાસસ્થાને ગયો. પશુવૃત્તિ ધરાવતા રંભની દૃષ્ટિ એક ભેંસ પર પડી. તે આસક્ત થયો અને રંભથી ગાભણી થયેલી ભેંસ પર કોઈ કામાતુર પાડો આસક્ત થયો. કામાંધ પાડાને રંભે રોક્યો, તેનાં અણીદાર શિંગડાંના પ્રહારથી રંભને ઘાયલ કર્યો એટલે રંભ મૂર્ચ્છા પામીને ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. પોતાના સ્વામીના મૃત્યુથી ગભરાઈ ગયેલી ભેંસ ભાગી અને વડ નીચે બેઠેલા યક્ષો પાસે આવી. તેની પાછળ પાછળ પેલો પાડો પણ આવ્યો. યક્ષોએ જોયું તો ભેંસ અશ્રુપાત કરી રહી હતી, તેનું રક્ષણ કરવા યક્ષોએ પાડા સાથે ઘોર યુદ્ધ કરવા માંડ્યું અને યક્ષોના બાણથી ઘાયલ થયેલો પાડો મૃત્યુ પામ્યો. પછી યક્ષોએ પોતાના પ્રિય એવા રંભનો અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી કરી. પેલી ભેંસે પણ અગ્નિપ્રવેશનો નિર્ધાર કર્યો. યક્ષોએ તેને રોકી પરંતુ તેણે તો અગ્નિજ્વાળામાં ઝંપલાવ્યું. તે વેળા ભડભડતી ચિતામાંથી મહા શક્તિશાળી મહિષાસુર પ્રગટ્યો અને પુત્ર પર પ્રેમ રાખનારો રંભ પણ રક્તબીજ નામે રાક્ષસ બહાર આવ્યો. આમ મહિષાસુર અને રક્તબીજની ઉત્પત્તિ રંભમાંથી થઈ. દાનવોએ મહિષાસુરનો રાજ્યાભિષેક કર્યો. આ દાનવરાજનો વધ દેવ, દૈત્ય કે મનુષ્યોથી થઈ શકે નહીં એવું વરદાન તેને મળ્યું હતું. આ વરદાનને કારણે અભિમાની બનેલા મહિષાસુરે સમુદ્ર સુધીના જગત પર શાસન કરવા માંડ્યું. કેટલાય રાજાઓએ તેને કર આપવા માંડ્યો, જેઓએ કર ન આપ્યો તે બધાને મહિષાસુરે મારી નાખ્યા. બ્રાહ્મણોએ તેનું શરણ સ્વીકારી લીધું. આમ ચક્રવર્તી બનીને રાજ કરતા તે રાજાએ ઇન્દ્ર પાસે એક દૂત મોકલવાનો વિચાર કર્યો, ‘સ્વર્ગમાં જઈને ઇન્દ્રને સ્વર્ગ છોડીને બીજે જતા રહેવાનો મારો સંદેશો આપજે. જો સ્વર્ગ ન છોડવું હોય તો મારી સેવા કરો, શરણે આવેલાની તે રક્ષા કરે છે. નહીંતર વજ્ર લઈને સામે આવો. તમારી શક્તિ જાણું છું. તમે ભૂતકાળમાં હારી ગયા છો. એટલે યુદ્ધ કરો કાં તો સ્વર્ગ છોડીને બીજે જતા રહો.’ દૂતની વાત સાંભળીને ઇન્દ્રનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. પણ હસીને તેમણે દૂતને કહ્યું, ‘અરે મૂઢ, તું અભિમાનથી છકી ગયેલો છે. તારા રાજાનો રોગ હું દૂર કરીશ. તું જઈને મારો સંદેશો તારા સ્વામીને આપજે. સજ્જનોએ દૂતનો વધ કરવો ન જોઈએ, એટલે તને જવા દઉં છું. તારા સ્વામીને મારી વાત કહેજે, ‘અરે ભેંસના પુત્ર, યુદ્ધ કરવાની ઇચ્છા હોય તો સામે આવી જજે. તારું બળ જાણું છું. ઘાસ ખાઈને તું જીવે છે. તારાં બંને શિંગડાંનું હું ધનુષ બનાવીશ. તારાં શિંગડાંનું તને અભિમાન છે, તે શિંગડાં વડે જ તું છકી ગયો છે, એટલે હું તારાં શિંગડાંનો નાશ કરી તને બળહીન બનાવીશ. તું યુદ્ધની કળા જાણતો નથી.’ આમ ઇન્દ્ર પાસેથી એ બધી વાત સાંભળીને દૂત ગયો અને તેણે મહિષાસુરને પ્રણામ કરી કહ્યું, ‘દેવોનો સ્વામી તમને લેખામાં લેતો નથી. તેની પાસે દેવસૈન્ય છે. તે પોતાને શક્તિશાળી માને છે. તેની બીજી તો શી વાત કરું? દૂતે તો સ્વામીને પ્રિય અને સત્ય જ કહેવું જોઈએ. શત્રુના મોઢે તો અપ્રિય વાત જ નીકળવાની અને એવી વાત મારા જેવા સેવકથી કેમ નીકળે? ઇન્દ્રે તિરસ્કારપૂર્વક જે કહ્યું છે તે મારાથી કેમ કહી શકાય?’ આ સાંભળીને મહિષાસુર બહુ ક્રોધે ભરાયો. તેણે દૈત્યોને બોલાવીને કહ્યું, ‘દેવરાજ ઇન્દ્ર હવે યુદ્ધ કરવા ઇચ્છે છે. તમે તૈયારી કરો, એ દેવને જીતવો જોઈએ. એવા એક નહીં પણ કરોડ ઇન્દ્ર હોય તો પણ હું પરવા નથી કરતો. હવે હું એને જીવતો રહેવા નહીં દઉં. તે ઇન્દ્ર શાંત માનવીઓ આગળ જ શૂરો છે. તપસ્વીઓ તેને બહુ શક્તિશાળી માને છે. અપ્સરાઓની સહાયથી તે હમેશાં તપસ્વીઓ માટે વિઘ્નો ઊભાં કરે છે. તક જોઈને તે ઘા કરે છે. તે વિશ્વાસઘાતી છે. શરૂઆતમાં તો ગભરાઈ જઈને તે નમુચિ સાથે સંધિ કરવા તૈયાર હતો, પણ પછી કપટ કરીને તેને મારી નાખ્યો. વિષ્ણુ પણ કપટી છે. અનેક રૂપ ધારણ કરી શકે છે. હે દાનવો, તેણે વરાહનું રૂપ લઈને હિરણ્યાક્ષને તથા નરસિંહનું રૂપ લઈને હિરણ્યકશિપુને મારી નાખ્યા હતા. હું તેને વશ થવાનો નથી. દેવતાઓમાં એવો કોઈ છે જે મારી સામે ઊભો રહી શકે? હું ઇન્દ્રને હરાવીને તેની પાસેથી સ્વર્ગ ઝૂંટવી લઈશ. વરુણ, યમ, કુબેર,અગ્નિ, ચન્દ્ર, સૂર્ય — આ બધાને હું હરાવીશ. યજ્ઞોમાં હવે માત્ર દાનવોને જ ભાગ મળશે. આપણે સોમરસ પી શકીશું. દેવોને જીતી લઈશું. વરદાનને લીધે મને મૃત્યુનો ડર નથી. મનુષ્યો મને મારી શકવાના નથી. કોઈ સ્ત્રી મને શું કરી શકવાની છે? એટલે પાતાળમાંથી, પર્વતોમાંથી, મુખ્યમુખ્ય દાનવોને બોલાવી મારી સેનાના ઉપરી બનાવો. હું એકલો જ દેવોને જીતી શકું છું. છતાં શોભામાં અભિવૃદ્ધિ કરવા હું તમને દેવાસુર સંગ્રામમાં આમંત્રણ આપું છું. હું મારાં શિંગડાંથી અને ખરીઓથી દેવોને મારી નાખીશ. વરદાનને કારણે મને દેવોની બીક નથી. દેવો, દાનવો કે મનુષ્યો મને મારી શકવાના નથી. એટલે હવે સ્વર્ગ પર વિજય મેળવવા તમે તૈયાર થઈ જાઓ. સ્વર્ગ જીતીને નંદનવનમાં આનંદ કરીશું. મારા લીધે તમને પારિજાતનાં પુષ્પો, અપ્સરાઓનું સાન્નિધ્ય, કામધેનુનું દૂધ, ગંધર્વોનાં ગીત-નૃત્ય, ઉર્વશી, મેનકા, રંભા, ઘૃતાચી, તિલોત્તમા, પ્રમદ્વરા, મહાસેના, મિશ્રકેશી, મદોત્કટા, વિપ્રચિત્તિ વગેરે નૃત્યગીતપ્રવીણ અપ્સરાઓ દ્વારા થનાર નૃત્યથી તમે બધા આનંદિત થઈ જશો. બધાનું રક્ષણ કરવા સૌપ્રથમ શુક્રાચાર્ય ગુરુને બોલાવી તેમનું પૂજન કરીએ.’ આમ દાનવોને કહીને પ્રસન્ન વદને મહિષાસુર પોતાના ભવનમાં ચાલ્યો ગયો. દાનવોના દૂતની વિદાય પછી ઇન્દ્રે યમ, વાયુ, કુબેર,વરુણ, વગેરે દેવતાઓને બોલાવ્યા, ‘દાનવરાજ મહિષાસુર વરદાનને કારણે છકી ગયો છે, માયાવી પણ છે. સ્વર્ગ પડાવી લેવાની ઇચ્છાથી તેણે પોતાનો દૂત મોકલ્યો હતો, તેણે કહેવડાવ્યું હતું, ‘ઇન્દ્ર, આ સ્વર્ગ ખાલી કરો અને બીજે જ્યાં જવું હોય ત્યાં જાઓ, અથવા મારી સેવા કરવા માંડો. હું દયાળુ છું. એટલે આજીવિકાની ચિંતા ન કરતા. તે પોતાના સેવકો પર ક્રોધે ભરાતા નથી. જો આ વાત સ્વીકાર્ય ન હોય તો યુદ્ધની તૈયારી કરો.’ હવે તેનો દૂત તો ગયો. આપણે આ વિશે શું કરી શકીએ તે વિચારવાનું છે. બળવાને પણ નબળાની ઉપેક્ષા કરવી ન જોઈએ. તો પછી જે બળવાન છે તેની તો ઉપેક્ષા થઈ જ ન શકે. આપણે બુદ્ધિ અને બળનો ઉપયોગ કરવો જોઈએ. જયપરાજય તો નસીબ પર આધાર રાખે છે. તેની સાથે મૈત્રી તો શક્ય જ નથી, તે તો બહુ દુષ્ટ છે. આપણે બરાબર વિચારીને કામ કરવું જોઈએ. તેના પર એકાએક ચડાઈ પણ ન થઈ શકે. પણ ઉતાવળ કરનારા, સરળતાથી દુશ્મનના પ્રદેશમાં જઈ શકનારા, શત્રુની રમતનો બરાબર ખ્યાલ કરનારા, શત્રુઓની સેના વિશે પૂરેપૂરી માહિતી મેળવવામાં નિપુણ ગુપ્તચરો મોકલવા જોઈએ. ત્યાર પછી જ ચડાઈનો વિચાર થાય. બુદ્ધિશાળીએ કાર્ય કરતાં પહેલાં પૂરેપૂરો વિચાર કરી લેવો જોઈએ. વગર વિચાર્યે કામ કરવાથી પરિણામ સારું આવતું નથી. દાનવોમાં કુસંપ કરાવી શકાય એમ નથી. યુદ્ધ કરતાં પહેલાં તેમના વિશેની બધી જાણકારી મેળવી લઈએ. જો એમ નહીં કરીએ તો કશું જાણ્યા કર્યા વિના ઔષધ લઈએ તેના જેવું થાય.’ આમ બધા દેવો સાથે મંત્રણા કરીને ઇન્દ્રે ગુપ્તચર મોકલી દીધો અને તે બધી માહિતી મેળવીને ઇન્દ્ર પાસે પાછો આવી ગયો. શત્રુઓને લગતી બધી વિગતો જાણીને ઇન્દ્રને આશ્ચર્ય થયું. તરત જ દેવતાઓને બધી વાત જણાવી. ગુરુ બૃહસ્પતિને બોલાવ્યા. અંગિરાપુત્ર બૃહસ્પતિ ઉત્તમ આસન પર બેઠા એટલે ઇન્દ્રે વાત માંડી, ‘હે દેવગુરુ, આ સંજોગોમાં અમારે શું કરવું તે જણાવો. તમે તો સર્વજ્ઞ છો. અત્યારે તમે જ અમારા તારણહાર છો. મહિષાસુર દાનવોને લઈને અહીં યુદ્ધ કરવા આવી રહ્યો છે, તે બળવાન છે, અભિમાની છે. દાનવોના પક્ષે જેમ શુક્રાચાર્ય તેમ અમારા પક્ષે તમે.’ ઇન્દ્રની વાત સાંભળીને બૃહસ્પતિએ કહ્યું, ‘ધીરજ ધરો. દુઃખના સમયે ધીરજ ગુમાવવી નહીં. જયપરાજય તો વિધાતા પર આધાર રાખે છે. જે થવાનું હોય છે તે થઈને જ રહેવાનું, અને છતાં ઉદ્યમ કરવો જોઈએ…કર્મની સિદ્ધિ પણ દૈવાધીન છે. બળવાન દુઃખ પામે છે અને નિર્બળ સુખી હોય છે, બુદ્ધિશાળીને પેટ ભરીને ખાવાનું મળતું નથી અને બુદ્ધિહીનને અઢળક ભોગ મળે છે, કાયર જય પામે છે, શૂરવીર પરાજય પામે છે. એટલે કર્મ કરવું. દુઃખી હોઈએ ત્યારે આપણાથી વધુ દુઃખી સામે અને સુખી હોઈએ ત્યારે આપણાથી વધુ સુખી સામે જોવું જોઈએ.’ બૃહસ્પતિની એ વાત સાંભળીને ઇન્દ્રે ફરી કહ્યું, ‘મહિષાસુરને મારવા માટે હું પુરુષાર્થ તો કરીશ. એ વિના રાજ્ય, યશ કે સુખ ન મળે. નિરુદ્યમીને તો કાયર જ પ્રશંસે, જ્ઞાન સંન્યાસીઓનું ભૂષણ અને બ્રાહ્મણોનું ભૂષણ સંતોષ. પણ જેમને ઐશ્વર્ય જોઈતું હોય તેમણે તો શત્રુનાશ અને પુરુષાર્થ જ કરવા જોઈએ. પુરુષાર્થ કરીને જ મેં વૃત્રને, નમુચિને માર્યા હતા. મારું બળ તમે છો, વજ્ર છે. ભગવાન વિષ્ણુ અને શંકર મને સહાય કરશે. હું મહિષાસુરને માટે યુદ્ધની તૈયારી કરું છું. તમે મારું હિત થાય એટલા માટે મંત્ર ભણતા રહેજો.’ આ સાંભળી બૃહસ્પતિએ સ્મિત કરીને જણાવ્યું, ‘યુદ્ધનું પરિણામ નિશ્ચિત નથી હોતું એટલે હું અત્યારે તમને યુદ્ધ માટે કશું કહેતો નથી. સુખ કે દુઃખ તો દૈવાધીન છે. તે પહેલેથી નિશ્ચિત હોય છે છતાં તમે પ્રયત્ન તો કરતા રહો.’ બૃહસ્પતિની સત્યપ્રિય વાત સાંભળીને ઇન્દ્ર બ્રહ્મા પાસે ગયા, ‘પિતામહ, મારું સ્વર્ગ પડાવી લેવા મહિષાસુર યુદ્ધની તૈયારી કરી રહ્યો છે. બીજા રાક્ષસો તેના સૈન્યમાં જોડાઈ ગયા છે. હું ગભરાઈને તમારા શરણે આવ્યો છું. માટે મને સહાય કરો.’ બ્રહ્માએ કહ્યું, ‘આપણે બધા કૈલાસ પર્વત પર જઈએ. ભગવાન શંકર અને વિષ્ણુને મળીને વિચારીને, દેશકાળ જોઈને યુદ્ધ કરીએ.’ પછી ઇન્દ્રે શંકર ભગવાનની સ્તુતિ કરી, તેમને લઈને બધા વિષ્ણુલોકમાં ગયા. ત્યાં ભગવાનની સ્તુતિ કરી. ઇન્દ્રે બધી વાત કરી એટલે વિષ્ણુએ કહ્યું, ‘આપણે બધા યુદ્ધ કરીએ.’ પછી બધા દેવતાઓ પોતપોતાનાં વાહનો પર બેસીને નીકળી પડ્યા અને રાક્ષસો સામે તેમણે યુદ્ધ કરવા માંડ્યું. અનેક શસ્ત્ર-અસ્ત્ર વડે એકબીજાને મારવા લાગ્યા. મહિષાસુરના સેનાપતિ ચિક્ષુરે હાથી પર બેસીને ઇન્દ્રને પાંચ બાણ માર્યાં. ઇન્દ્રે એ બધાં બાણ કાપી નાખ્યાં અને અર્ધચન્દ્રાકાર બાણ વડે ચિક્ષુરની છાતી વીંધી નાખી, તે બેહોશ થઈ ગયો. ઇન્દ્રે હાથી પર વજ્રનો પ્રહાર કર્યો એટલે તે મૃત્યુ પામ્યો. પોતાની સેનાને આવી રીતે વિખરાયેલી જોઈ મહિષાસુરે બિડાલને યુદ્ધ માટે મોકલ્યો. ‘તું વીર છે, અભિમાની ઇન્દ્રનો તું વધ કર. વરુણ જેવા બીજા દેવોને પણ મારીને આવ.’ આ વાત સાંભળીને બળવાન બિડાલ હાથી પર બેસીને યુદ્ધ કરવા આવ્યો, ઇન્દ્રે તેજસ્વી બાણ માર્યાં, બિડાલે એ બાણો કાપીને ઇન્દ્ર પર પચાસ બાણોનો પ્રહાર કર્યો. ઇન્દ્રે બિડાલના હાથી પર ગદા ઉગામી એટલે તેની સૂંઢ કપાઈ ગઈ અને ચીસરાણ મચાવતા તે હાથીએ ભાગતા ભાગતા રાક્ષસોની સેનાને કચડવા માંડી, આ જોઈ બિડાલ રથમાં બેસીને ફરી યુદ્ધ કરવા લાગ્યો. ઇન્દ્ર અને બિડાલ વચ્ચે ઘોર યુદ્ધ શરૂ થયું. ઇન્દ્રે બળવાન બિડાલ સાથે લડવા પુત્ર જયંતને જોડ્યો. જયંતે બળ વાપરી રાક્ષસની છાતીમાં બાણ માર્યાં એટલે તે પડી ગયો. તેનો સારથિ તેને દૂર લઈ ગયો. દેવોની સેનાએ વિજયઘોષ કર્યો. આ સાંભળી ક્રોધે ભરાયેલા મહિષાસુરે તામ્ર નામના રાક્ષસને મોકલ્યો. તામ્રે પણ પુષ્કળ બાણ ફેંક્યાં અને વરુણ તથા યમ યુદ્ધમાં જોડાયા. અનેક ઘા થવા છતાં તામ્ર ડગ્યો નહીં. પણ દેવોના ભારે પ્રહારથી તામ્ર મૂર્ચ્છા પામ્યો. દાનવો હાહાકાર કરવા લાગ્યા. હવે ગદા લઈને ક્રોધે ભરાયેલો મહિષાસુર સામે આવ્યો. ‘અરે દેવતાઓ, ઊભા રહો, ઊભા રહો. આજે તમને ગદાથી કચડી નાખીશ. તમે નબળા છો, માત્ર બલિદાનો જ ખાઓ છો.’ એમ કહેતો રાક્ષસ ઇન્દ્ર પાસે પહોંચી ગયો. ગદા વડે ઇન્દ્રના ખભા પર પ્રહાર કર્યો પણ ઇન્દ્રે વજ્ર વડે ગદા તોડી નાખી એટલે મહિષાસુરે તલવાર વડે યુદ્ધ કરવા માંડ્યું. બંને વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું. વળી તે રાક્ષસે માયા વડે પોતાના જેવા અસંખ્ય મહિષાસુરો પ્રગટાવ્યા. બધા દેવો પર આક્રમણ કરવા લાગ્યા. ઇન્દ્રને આ જોઈને અચરજ થયું, તે ગભરાઈ ગયા. વરુણ, કુબેર,યમ, અગ્નિ, સૂર્ય, ચંદ્ર પણ ત્રાસી ગયા અને નાસી જવા તૈયાર થયા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ અને શંકરનું સ્મરણ કર્યું, એટલે તેઓ પોતાનાં વાહનો પર બેસીને ત્યાં આવી ચડ્યા. ભગવાને તે માયાનો વિનાશ સુદર્શન ચક્ર વડે કર્યો, મહિષાસુર લોખંડી શસ્ત્ર લઈને ધસ્યો. તેની સાથે બીજા રાક્ષસો પણ ધસ્યા. કવચધારી, ધનુર્ધારી તે રાક્ષસો વરુઓ જેમ વાછરડાંને ઘેરી વળે તેમ દેવોને ઘેરી વળ્યા. દેવ અને દાનવો વચ્ચે ફરી યુદ્ધ થયું. આ ઘોર યુદ્ધમાં દેવતાઓ હારવા લાગ્યા. મહિષાસુરે પાડાનું રૂપ લઈને પોતાનાં શિંગડાં વડે પર્વતોનાં શિખરો ફેંકવા માંડ્યા. ખરી વડે, પૂંછડા વડે ઘણા દેવોનો સંહાર કર્યો. દેવતાઓ, ગંધર્વો ભય પામ્યા. ઇન્દ્ર છેવટે નાઠા અને તેમનું જોઈને બીજા દેવ પણ નાસી ગયા. હવે તે રાક્ષસે ઐરાવત હાથી, ઉચ્ચૈ:શ્વા અશ્વ અને કામધેનુ ગાયને લઈને સ્વર્ગમાં જવા માંડ્યું, ઇન્દ્રના આસન પર તે બેઠો, દેવોનાં આસનો પર દાનવોને બેસાડી દીધા. આમ યુદ્ધ કરીને મહિષાસુરે સ્વર્ગનું રાજ્ય મેળવ્યું અને દેવતાઓ વર્ષો સુધી પહાડોની ગુફાઓમાં ભટકતા રહ્યા. છેવટે થાકીહારીને ફરી તેઓએ બ્રહ્મા પાસે જઈને તેમની સ્તુતિ કરી. બ્રહ્માએ કહ્યું, ‘શું થાય? તે રાક્ષસને વરદાન છે એટલે સ્ત્રી જ તેનો વધ કરી શકશે. પુરુષ વડે તેનું મૃત્યુ થશે નહીં, એટલે ચાલો આપણે બધા કૈલાસ પર જઈએ, શંકર ભગવાનને લઈને પાછા વિષ્ણુ પાસે જઈએ અને હવે શું થઈ શકે તેનો વિચાર કરીએ.’ બ્રહ્મા દેવતાઓને લઈને કૈલાસ પર્વત પર ગયા. શંકર ભગવાને બધાનું સ્વાગત કર્યું અને કૈલાસમાં આવવાનું કારણ પૂછ્યું. બ્રહ્મા બોલ્યા, ‘ઇન્દ્ર અને બીજા દેવોને આ મહિષાસુર બહુ પજવી રહ્યો છે. તેનાથી ડરી જઈને દેવતાઓ પર્વતોની ગુફામાં ભરાઈ ગયા છે. અત્યારે યજ્ઞભાગ દાનવોને મળે છે. એટલે બધા તમારે શરણે આવ્યા છે. હવે તમને જે યોગ્ય લાગે તે કરો.’ બ્રહ્માની વાત સાંભળીને શંકર ભગવાને હસીને કહ્યું, ‘તમે જ તેને વરદાન આપ્યું. તો હવે શું થાય? તેનો વધ કરનાર સ્ત્રી જોઈએ. તમારા વરદાનને કારણે જ મહિષાસુર આટલો બધો બળવાન થઈ ગયો છે. એવી કઈ સ્ત્રી આ અભિમાનીનો વધ કરી શકે? તમારી કે મારી સ્ત્રી યુદ્ધ કરી ન શકે. ઇન્દ્રાણી પણ યુદ્ધકળા જાણતી નથી. તો પછી બીજી કઈ સ્ત્રી? એટલે આપણે વિષ્ણુ પાસે જઈએ. તે આપણને માર્ગ બતાવશે. તે કોઈક યુક્તિ બતાવશે.’ શંકર ભગવાનની એવી વાત સાંભળી બધા દેવો એમાં સંમત થયા અને વૈકુંઠ જવા પોતપોતાનાં વાહનો પર બેઠા. તેમને શુભ શુકન થયાં. પક્ષીઓ ટહુકતાં હતાં. આકાશ સ્વચ્છ હતું. દિશાઓ સ્વચ્છ હતી, આમ દેવતાઓની આ યાત્રામાં બધે શુકનો થયાં. બધા અદ્ભુત સમૃદ્ધિ ધરાવતા સુંદર વૈકુંઠલોકમાં ગયા. ત્યાં જય વિજય દ્વારપાલો ઊભા હતા, તેમને જોઈને દેવોએ કહ્યું, ‘તમારામાંથી એક જણ જણાવો કે ભગવાનનાં દર્શન કરવા બ્રહ્મા, શંકર, ઇન્દ્ર આવ્યા છે.’ વિજયે જઈને વિષ્ણુ ભગવાનને સમાચાર આપ્યા એટલે ભગવાને બહાર આવીને બધાને આવકાર્યા. થાકેલા, હારેલા દેવતાઓને પોતાની પ્રેમાળ દૃષ્ટિ વડે પ્રસન્ન કર્યા. પછી દેવોએ વિષ્ણુને પ્રણામ કરીને તેમની સ્તુતિ કરવા માંડી. વિષ્ણુ ભગવાન પછી બોલ્યા, ‘તમે આસન પર બેસો અને પછી બધી વાત કરો. એક સાથે કેમ આવવું પડ્યું, બ્રહ્મા, શંકર સાથે છે અને છતાં તમે ઉદાસ?’ ‘હે ભગવાન, મહિષાસુર વરદાનને કારણે બહુ છકી ગયો છે. બ્રાહ્મણો જે યજ્ઞ કરે છે તેના હવિ પણ તે જ લઈ લે છે. અમે બધા પર્વતોની ગુફાઓમાં ભટકીએ છીએ. બ્રહ્માએ તેને વરદાન આપ્યું છે. તું પુરુષથી નહીં મરે, સ્ત્રીથી મરીશ. તો એનો વધ કરવા પાર્વતી, લક્ષ્મી, ઇન્દ્રાણી, સરસ્વતી સમર્થ છે? હવે તમે જ અમને માર્ગ બતાવો.’ વિષ્ણુએ કહ્યું, ‘પહેલાં પણ તેની સાથે યુદ્ધ કર્યું હતું પણ તે ટકી રહ્યો. હવે દેવતાઓના તેજમાંથી કોઈ સ્ત્રી પ્રગટે તો તે તેનો વધ કરી શકે. તમે બધા તમારી શક્તિઓને પ્રાર્થના કરો, આપણી દેવીઓ પણ જોડાય. એટલે એ બધાના તેજમાંથી એક દેવી પ્રગટ થશે. આપણે આપણાં બધાં અસ્ત્રશસ્ત્ર તેને આપીએ. આમ બધાના તેજમાંથી પ્રગટેલી એ સ્ત્રી મહિષાસુરનો વધ કરી શકશે.’ વિષ્ણુના મોંમાંથી એ શબ્દો નીકળ્યા એટલે તરત જ અત્યન્ત મહાન, દુસ્સહ તેજપુંજ પ્રગટ્યો. તેનો વર્ણ રાતો હતો, આકાર શુભ હતો, પોખરાજ મણિ જેવો તે હતો. કંઈક શીતળ કંઈક ઉષ્ણ એવા તેજપુંજમાંથી અનેક કિરણો પ્રગટી રહ્યાં હતાં. એવી જ રીતે શંકર ભગવાનની કાયામાંથી એક તેજ પ્રગટ્યુંં. તે દૈત્યો માટે ભયાનક હતું, દેવતાઓ માટે સુખદ હતું. તેની આકૃતિ વિકરાળ હતી, પર્વત જેવી વિશાળ હતી. પછી વિષ્ણુની કાયામાંથી પણ તેજ પ્રગટ્યું. તેમાં સત્ત્વગુણ વિશેષ હતો. અને એમ કરતાં કરતાંં ઇન્દ્ર, વરુણ, યમ, કુબેર, અગ્નિના શરીરમાંથી પણ તેજ પ્રગટ્યું અને એ આખો તેજપુંજ સામે આવી ગયો. પછી તે તેજપુંજ એક અદ્ભુત સ્ત્રીમાંં રૂપાંતરિત થઈ ગયો. તે ભગવતી મહાલક્ષ્મીમાંં સત્ત્વ, રજસ્, તમસ્ ત્રણે ગુણ હતા. તેમ અઢાર ભુજા હતી, ત્રણ વર્ણ હતા, હોઠ રાતા હતા, દિવ્ય શણગાર હતા, જાણે અસુરોનો નાશ કરવા તે પ્રગટ્યાં હતાં. અઢાર ભુજા સહ ભુજા પણ થઈ જતી હતી. વ્યાસ ભગવાને તે દેવીનુંં વર્ણન વિસ્તારથી કરી બતાવ્યું. એવા શુભ આકાર, સુંદર રૂપવાળા, તેજપુંજમાંથી પ્રગટેલ દેવી જોઈને મહિષાસુરથી ત્રાસેલા બધા દેવ પ્રસન્ન થઈ ગયા. પછી વિષ્ણુ ભગવાને બધા દેવતાઓને તેમનાં શસ્ત્રો અને આભૂષણો આપવા કહ્યું, એટલે બધા દેવો તેમને આભૂષણ અને શસ્ત્રો આપવા માંડ્યા. ક્ષીરસમુદ્રે લાલ રંગનાં અને કદી જર્જરિત ન થાય એવાં બે દિવ્ય વસ્ત્ર અને એક ચમકતો હાર આપ્યા. વિશ્વકર્માએ પ્રસન્ન થઈને મુકુટ, બે કુંડળ, કંકણ આપ્યાં. તે ઉપરાંત મધુર ઝંકારવાળા, રત્નજડિત ઝાંઝર આપ્યાં. વરુણે ક્યારેય ન કરમાય એવી સુગંધિત વૈજયંતીમાળા આપી. મહાસાગરે કંઠમાળા આપી. હિમાલયે રત્નો આપ્યાં અને સુવર્ણની કાંતિવાળો સિંહ વાહન રૂપે આપ્યો. આમ દિવ્ય આભૂષણો અને શસ્ત્રોથી સજ્જ મહામાયા સિંહ પર બિરાજમાન થયાં. વિષ્ણુ ભગવાને હજાર આરાવાળું એક ચક્ર ઉત્પન્ન કરીને આપ્યું, શંકરે પણ પોતાના ત્રિશૂળમાંથી બીજુું ત્રિશૂળ કાઢી આપ્યું. વરુણે પોતાના શંખમાંથી એક મોટો, પ્રકાશિત, ઘોર રવ કરતો શંખ આપ્યો. અગ્નિએ દાનવોની સેનાનો નાશ કરી શકે એવી શક્તિ આપી. વાયુદેવે ધનુષબાણ આપ્યાં. ઇન્દ્રે વજ્ર અને ઘટ આપ્યાં. યમરાજે સંહાર સમયે કામ લાગે તેવો કાલદંડ આપ્યો. બ્રહ્માએ ગંગાજળથી ભરેલું કમંડળ આપ્યું, વરુણે પાશ આપ્યો, કાળે ઢાલ-તલવાર આપ્યાં. વિશ્વકર્માએ તીક્ષ્ણ ધારવાળું પરશુ આપ્યું, કુબેરે મેઘભરેલું સુવર્ણપાત્ર આપ્યું, ત્વષ્ટાએ રાક્ષસોનો વિનાશ કરનારી, ઘંટડીઓવાળી કૌમોદકી ગદા આનંદપૂર્વક આપી, અભેદ્ય કવચ આપ્યું, સૂર્યે પોતાનાં કિરણ આપ્યા. આમ હાથમાં આયુધ ધરીને, શરીરે આભૂષણો ધારણ કરીને ત્રિલોકને મુગ્ધ કરનારાં દેવી સિંહ પર બેઠાં ત્યારે દેવતાઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. ‘શિવા, કલ્યાણી, શાંતિ, પુષ્ટિ, રુદ્રાણી નામોથી પ્રસિદ્ધ એવાં જગદંબાને અમારાં પ્રણામ. કાલરાત્રિ, ઇન્દ્રાણી, સિદ્ધિ, બુદ્ધિ, વૃદ્ધિ, વૈષ્ણવી નામે પણ તમે પ્રસિદ્ધ છો. તમે અમારા શત્રુ મહિષાસુરનો વધ કરો. તેનું મૃત્યુ સ્ત્રી વડે જ થનારું છે. તે દાનવ માયા રચીને અમને ત્રાસ આપી રહ્યો છે, અમારી રક્ષા કરો.’ દેવીએ કહ્યું, ‘હવે તમે નિર્ભય થઈ જાઓ. હું આ અભિમાની દાનવને મારી નાખીશ.’ એમ કહીને દેવી હસી પડ્યાં. ‘કેવું વિચિત્ર કહેવાય! આજે બધા જ દેવતાઓ ડરી ગયા છે. દૈવનું બળ જિરવવું અઘરું છે.’ અને પછી તેમણે મોટું અટ્ટહાસ્ય કર્યું. તેના ઘોર અવાજથી દાનવો ગભરાઈ ગયા. પૃથ્વી ધૂ્રજી ઊઠી, પર્વતો ડોલ્યા, સમુદ્ર ઊછળવા લાગ્યો. સુમેરુ પોતાના સ્થાનથી વિચલિત થયો. દિશાઓમાં ઘોર થયો અને એ અવાજ સાંભળીને દાનવો ફફડી ઊઠ્યા, દેવતાઓ પ્રસન્ન થયા. મહિષાસુરે પણ આ ગર્જના સાંભળી, તે ક્રોધે ભરાયો, તેણે દાનવોને પૂછ્યું, ‘આ શાનો અવાજ છે તે જાણવા દૂતોને મોકલો. આવી ગર્જના કરનારા દેવ હોય કે દાનવ — મારી સામે લાવો. જે અભિમાની હોય તે જ આવી ગર્જના કરે. હું તેને યમદ્વારે પહોંચાડીશ, દેવતાઓ તો ક્યારના હારી ગયા છે. તેઓ આવી ગર્જના કરી શકે એમ નથી તો કોણે આવું દુસ્સાહસ કર્યું છે, હું એ દુરાચારીનો તરત જ વધ કરીશ.’ મહિષાસુરની આજ્ઞાથી તે દૂતો ભગવતી પાસે ગયા. તેમણે દેવીનાં સર્વાંગ મનોહર જોયાં, અઢાર ભુજાઓ જોઈ, આભૂષણો જોયાં. તેમના હાથમાં શ્રેષ્ઠ આયુધો હતાં. તેઓ મદિરાપાન કરી રહ્યાં હતાં. તેમને જોઈ દૂતો ડરી ગયા અને મહિષાસુર પાસે પહોંચીને રાક્ષસરાજને જે જોયું હતું તે બધું કહ્યું. ‘અમે એક સુંદર સ્ત્રી જોઈ, બધાં અંગે સુંદર આભૂષણો છે, મનુષ્ય નથી, અસુર નથી; તે સ્ત્રીની અઢાર ભુજા છે, સિંહ પર બેઠી હતી, મદિરાપાન કરતી એ સ્ત્રીની સ્તુતિ દેવો કરી રહ્યા છે. અમારી રક્ષા કરો, રક્ષા કરો એમ તેઓ બોલે છે. તે શ્રેષ્ઠ સ્ત્રી કોણ છે તે અમે જાણી શક્યા નથી, તેનું લગ્ન થયું છે કે નહીં તેની અમને જાણ નથી. તેની કાયામાંથી પ્રગટ થતા તેજ સામે અમે આંખ માંડી શકતા નથી. શૃંગાર, વીર, હાસ્ય, રૌદ્ર, અદ્ભુત રસ ધરાવતી સ્ત્રી સાથે કશી વાત કર્યા વિના જ અમે અહીં આવ્યા છીએ. કહો, હવે અમારે શું કરવાનું છે?’ મહિષાસુરે પોતાના મંત્રીને કહ્યું, ‘વીર, તમે સેના લઈને ત્યાં જાઓ. સામ, દામ વડે તેને લઈ આવો, પણ તેને ઇજા કર્યા વિના અહીં લઈ આવો. એ બંકિમ ભ્રમરવાળીને હું પટરાણી બનાવીશ. કદાચ પ્રેમવશ થઈને તે અહીં આવે પણ ખરી. હું તેનું વર્ણન સાંભળીને જ મોહવશ થઈ ગયો છું.’ મહિષાસુરની વાત સાંભળીને પ્રધાનમંત્રી સેના સાથે ભગવતી પાસે ગયો અને દૂર રહીને જ તેણે મધુરવાણી ઉચ્ચારી, ‘હે મહાભાગ્યશાળી, મારા સ્વામી વિશ્વવિજેતા છે, દેવતાઓ પણ તેમને હરાવી શક્યા નથી. તેમણે પુછાવ્યું છે કે આપ કોણ છો? અહીં શા કારણે પધાર્યાં છો? અમારા મહારાજને બ્રહ્માએ વરદાન આપ્યું છે, તેનું તેમને અભિમાન છે. તે ઇચ્છાનુસાર રૂપ બદલી શકે છે, તમને જોવાની ઇચ્છાથી તેઓ અહીં આવશે. તમારી ઇચ્છા પ્રમાણે તમે કરો. એ રાજા પાસે તમે ચાલો, કાં તો એ અહીં આવે. તમે કહો તે રીતે. તમારા રૂપની પ્રશંસા સાંભળી તેઓ મુગ્ધ થઈ ગયા છે. હે સુંદર સાથળવાળી દેવી, તરત મને આજ્ઞા આપો.’ તેની વાત સાંભળીને ભગવતી સ્મિતપૂર્વક બોલ્યાં, ‘હે મંત્રીવર્ય, હું મહાલક્ષ્મી દેવતાઓની માતા છું. દૈત્યોનો નાશ કરવા માટે પ્રગટી છું. મહિષાસુરનો વધ કરવા દેવતાઓએ મને પ્રાર્થના કરી છે. દેવો અત્યારે દુઃખી છે. હું એકલી છું, મારી પાસે કોઈ સેના નથી. તમારી મીઠી વાણીથી મને સંતોષ છે. નહીંતર તો મારી દૃષ્ટિ પ્રલયાગ્નિ જેવી છે, તમારા પ્રાણ તરત જ લઈ લે. હવે મારો સંદેશો તમારા રાજાને આપજો. ‘જો તને જીવવાની ઇચ્છા હોય તો તું પાતાળમાં ચાલ્યો જા. નહીંતર રણભૂમિમાં હું તને મારી નાખીશ. મારાં બાણથી તારું શરીર ચૂરચૂર થઈ જશે. મારી દયા જાણીને તું પાતાળમાં ચાલ્યો જા. તું મરીશ એટલે દેવતાઓને એમનું સ્વર્ગ પાછું મળશે. મારાં બાણ વાગે નહીં ત્યાં સુધી સમુદ્ર સુધીની પૃથ્વી ત્યજીને તું જતો રહે. જો યુદ્ધ કરવાની ઇચ્છા હોય તો તારા વીર સૈનિકો સાથે આવી પહોંચ. મેં યુગેયુગે તારા જેવા દાનવોનો વધ કર્યો છે, તને પણ મારી નાખીશ. તને બ્રહ્મા પાસેથી વરદાન મળ્યું છે તેનું અભિમાન ન કર. તું સ્ત્રીથી જ મૃત્યુુ પામનાર છે. એટલે તેં દેવતાઓને દુઃખી કરી મૂક્યા છે. બ્રહ્માનું વરદાન હવે સાચું પાડવું જોઈએ. એટલે જ અનુપમ સૌંદર્ય ધારણ કરીને હું અહીં પ્રગટી છું. જો જીવવું હોય તો સ્વર્ગ છોડી દે અને સર્પોની ભૂમિ એવા પાતાળમાં જતો રહે.’ શૂરવીર પ્રધાનમંત્રી બોલ્યો, ‘દેવી, તમે અભિમાની સ્ત્રીની જેમ બોલો છો, ક્યાં તમે અને ક્યાં મહિષાસુર? તમારી સાથે યુદ્ધ થઈ જ ન શકે. તમે તો સ્ત્રી છો, હજુ યુવાનીમાં પ્રવેશ્યાં છો. તમે નાજુક છો, નમણાં છો, તેની પાસે તો હાથીઘોડાવાળી મોટી સેના છે. હે સુંદર સાથળોવાળી દેવી, માલતીના પુષ્પને મસળી નાખવા હાથીને શી મહેનત કરવી પડે? એ જ રીતે યુદ્ધમાં મહિષાસુર તમને સહેજવારમાં કચડી નાખશે. અમારા રાજા દેવોના શત્રુ છે, પણ તમારા માટે તો ભક્તિ છે. એટલે સામદામવાળું જ વાક્ય હું બોલું છું. નહીંતર તમારી આ મિથ્યા વાણી, અભિમાન, ચતુરાઈ, રૂપ, યૌવન જોતાં આજે જ મારાં બાણ વડે તમને મોતને ઘાટ ઉતારી દેત. મારા રાજા તમારું અલૌકિક રૂપ સાંભળીને મોહ પામ્યા છે. તેનું પ્રિય કરવા તમારા માટે મધુર શબ્દો નીકળ્યા છે. મહિષાસુરના સમગ્ર રાજ્ય અને કોશ ઉપર તમારો અધિકાર, મહિષાસુર પોતે તમારો સેવક, તમે મૃત્યુ નોતરનાર ક્રોધ ત્યજીને તેના પર ભાવ કેળવો. તમને ભક્તિથી મારાં પ્રણામ. તમે અમારા રાજાની પટરાણી થાઓ. તેમ થવાથી ત્રિલોકની બધી સમૃદ્ધિ તમારા ચરણોમાં.’ દેવીએ આ સાંભળી કહ્યું, ‘મને ખ્યાલ આવી ગયો છે કે તમે મહિષાસુરના પ્રધાન છો. તમારી વાતો પરથી લાગે છે કે તમે પશુબુદ્ધિના છો. તમારા જેવા જેને પ્રધાન હોય તે બુદ્ધિશાળી કેવી રીતે હોઈ શકે? તમે બંને સરખા છો, જુગતે જોડી જામી છે. તમે મને કહ્યું કે તમે સ્ત્રી સ્વભાવવાળાં છો, તો શું હું પુરુષ નથી? મેં જાણીજોઈને સ્ત્રીરૂપ લીધું છે, તમારા રાજાએ સ્ત્રીથી જ મરું એવું વરદાન માગ્યું હતું. તમારો રાજા સાવ મૂરખ છે, સ્ત્રીના હાથે મરવું તે કાયર માટે સુખદ હશે પણ શૂરવીર માટે તો ખૂબ જ દુઃખદ, ઘૃણાસ્પદ ગણાય. એટલે જ સ્ત્રીનું રૂપ લઈને અહીં આવી છું. તમારો અભિગમ ધર્મવિરુદ્ધ છે, એનાથી હું શા માટે દુઃખી થઉં? દૈવ જ્યારે અનુકૂળ હોય ત્યારે વજ્ર પણ સાવ હલકું થઈ જાય. જે સામે ચાલીને મોતના મોઢામાં જઈ રહ્યો હોય તેને સૈન્ય કે આયુધો શી મદદ કરશે? શરીર જન્મે તેની સાથે જ મૃત્યુ લખાઈ ગયું હોય છે. દૈવે નિર્ધારિત કર્યા પ્રમાણે જ તેનું મૃત્યુ થાય છે. એમાં બ્રહ્મા પણ કશું કરી ન શકે. જેઓ એમ માને છે કે મારું મૃત્યુ નહીં થાય તે મૂરખ છે. તમે તમારા રાજા પાસે જાઓ અને પછી તેમની આજ્ઞા પ્રમાણે જે કરવું હોય તે કરજો. તમને જો જીવ વહાલો હોય તો રસાતલમાં જતા રહો અને સ્વર્ગનું રાજ ભલે ઇન્દ્ર કરે. જો મહિષાસુરની બુદ્ધિ વિપરીત હોય તો મારી સાથે યુદ્ધ કરે. બધા દેવ યુદ્ધમાં પરાજિત થઈ ગયા છે એવી તમારી માન્યતા ખોટી છે. બ્રહ્માના વરદાનને કારણે દેવતાઓ આવી સ્થિતિના ભોગ બન્યા છે.’ ભગવતીની વાત સાંભળીને મંત્રી વિચાર કરવા લાગ્યો કે મારે હવે શું કરવું? યુદ્ધ કરવું કે રાજા પાસે જવું? હું તો અહીં કામવશ થયેલા રાજા માટે આવ્યો હતો, તો તેમની લાગણીનો ભંગ કરીને કેવી રીતે જઉં? એટલે સારી વાત તો એ છે કે હું યુદ્ધ કર્યા વિના જ જઉં. અને પછી જોઈએ. રાજા પાસે તો અનેક બુદ્ધિમાન મંત્રીઓ છે. તેમની સાથે બેસીને વિચાર કરશે અને પછી નિર્ણય કરશે. એકાએક આ સ્ત્રી સાથે યુદ્ધ ન થાય. હારું કે જીતું — બંનેમાં મહારાજ તો ક્રોધે જ ભરાવાના. આ સ્ત્રી મને મારી પણ નાખે, હું એને મારી નાખું તો પણ મહારાજના ક્રોધનો ભોગ તો મારે બનવું જ પડે. મારે માટે એક જ રસ્તો છે કે દેવીની બધી વાત રાજાને કહી દેવી. પછી તેમને જે યોગ્ય લાગશે તે કરશે.’ આમ વિચારીને મંત્રીએ આવીને મહિષાસુરને બધી વાત કરી. ‘સિંહ પર બેઠેલી તે સ્ત્રી બહુ સુંદર છે, તેની અઢાર ભુજાઓને લીધે તે સ્ત્રી મોહક છે. આયુધો ધારણ કર્યાં છે. મેં તેને કહ્યું, ‘તમે મહિષાસુરને વરો, તમે પટરાણી બનશો. તમારા વશમાં રહીને તે તમારી આજ્ઞા પાળશે. દીર્ઘકાળ સુધી ત્રિલોકની સમૃદ્ધિ ભોગવો.’ મારી વાત સાંભળીને તે ગર્વીલી, વિશાળ નેત્રોવાળી સ્ત્રીએ મને હસતાં હસતાં કહ્યું, ‘ભેંસના પેટે જન્મેલો મહિષાસુર પશુઓમાં પણ અધમ છે. હું દેવોનું હિત કરવાની ઇચ્છાથી તેનો બલિ ચઢાવીશ! જગતમાં કોઈ મૂર્ખ સ્ત્રી પણ પાડાને પતિ ન બનાવે. શિંગડાંવાળી ભેંસ જ શિંગડાંવાળાને પતિ બનાવે. હું તેના જેવી નથી. હું તેની સાથે યુદ્ધ કરીશ. દેવોના શત્રુને હું મારા હાથે મારી નાખીશ. જો જીવવાની ઇચ્છા હોય તો તે પાતાળમાં જતો રહે.’ રાજન્, એ સ્ત્રીએ મને બહુ કઠોર વાતો સંભળાવી છે. ત્યાંથી હું સીધો અહીં આવ્યો છું. રસભંગ ન થાય એટલે મેં તેની સાથે યુદ્ધ નથી કર્યું. તમારી આજ્ઞા વિના મારાથી એવું કેમ થાય? તે સુંદરી અપાર બળથી અભિમાની થયેલી છે. ભવિષ્યમાં શું થશે તેની મને જાણ નથી. તમને જે યોગ્ય લાગે તે કરો. યુદ્ધ કરવું કે અહીંથી નાસી જવું તેનો નિર્ણય હું કરી શકતો નથી.’ આ સાંભળી અભિમાની મહિષાસુરે વૃદ્ધ મંત્રીઓને બોલાવી તેમની સાથે ચર્ચા કરી. ‘હવે આ બાબતમાં આપણે શું કરવું જોઈએ? તમારો મત મને જણાવો. શંબરાસુરની માયાની જેમ જ આ કોઈ માયા છે? આનો નિર્ણય કરવામાં તમે હોશિયાર છો. સામ દામ ઉપાયોમાંથી શું કરવું તે કહો.’ મંત્રીએ કહ્યું, ‘મહારાજ, હમેશા સત્ય અને પ્રિય બોલવું જોઈએ, કેટલીક વાત પ્રિય છતાં હિતકર નથી હોતી. દવા તો કડવી હોય છે પણ તે આપણું હિત કરે છે. સત્ય સાંભળનારા અને બોલનારા દુર્લભ છે. મીઠું બોલનારા તો ઘણા હોય છે. આ ગંભીર બાબતે અમે શું કહીએ? શું કરવાથી શુભ થશે અને અશુભ થશે એ તો ત્રણે લોકમાં કોણ જાણે છે?’ મહિષાસુરે કહ્યું, ‘તમે બધા તમારી મતિ પ્રમાણે હમણાં કહો. બધાની વાત સાંભળીને નિર્ણય કરીશ. બુદ્ધિશાળીએ અનેકના અભિપ્રાય જાણ્યા પછી જ નિર્ણય કરવો જોઈએ.’ તેની વાત સાંભળીને મહાબળવાન વિરૂપાક્ષ બોલ્યા, ‘આ સ્ત્રી સાવ સામાન્ય છે, અભિમાની છે. એટલે આવી વાત કરે છે તે માત્ર ભય બતાવવા આમ બોલે છે. સ્ત્રીઓ વાતો વધારીને કહેતી હોય છે. જેથી યુદ્ધમાં કોઈ રીતે તે પરાજિત ન થાય. પરંતુ તેની અસત્ય વાતથી કોણ બી જશે? ત્રણે જગતને તમે જીતી લીધાં છે, એક સામાન્ય સ્ત્રીથી ડરી જાઓ તો જગતમાં અપકીર્તિ જ થાય. હું એકલો એ ચંડિકા સાથે લડવા જઈશ. તેને મારી નાખીશ અથવા બાંધીને તમારી પાસે લાવીશ. તમે નિર્ભય થઈ જાઓ. તે તમને અધીન થઈને રહેશે.’ વિરૂપાક્ષની વાતને દુર્ઘષે ટેકો આપી કહ્યું, ‘વિરૂપાક્ષની વાત પૂરેપૂરી સાચી છે. તમે તો બુદ્ધિશાળી છો. એવું લાગે છે કે તે સ્ત્રી પણ કામાતુર છે. રૂપગર્વિતાઓ આવી જ હોય છે. તમને બીવડાવીને વશ કરવા માગે છે. અભિમાની સ્ત્રીઓ આવી જ હોય છે. તેઓ પોતાના પ્રિય પતિ માટે આવી જ વાતો કરે.’ આમ અનેક રીતે રાજાને તેણે સમજાવ્યો. આ બધી વાતો સાંભળીને તામ્રદૈત્ય બોલ્યો, ‘મારી વાત ધ્યાનથી સાંભળો. હું નીતિ અને ધર્મયુક્ત વાત કરીશ. તે સ્ત્રી કામાતુર નથી, તમારા પર તેને કશો પ્રેમ નથી. તેના શબ્દોમાં કોઈ વ્યંગ નથી. કોઈને પણ સાથે રાખ્યા વિના તે એકલી આવી છે. તે સુંદર, અદ્ભુત રંગરૂપવાળી સ્ત્રીને અઢાર હાથ છે, આવી કોઈ સ્ત્રી ત્રિલોકમાં કોઈએ જોઈ છે ખરી? તેનાં આયુધો જુઓ. આ કાળની જ લીલા છે. મેં પરોઢે સ્વપ્નમાં કાળાં વસ્ત્ર પહેરેલી કોઈ સ્ત્રીને રડતી જોઈ છે, આ મૃત્યુસૂચક સ્વપ્ન છે. રાતે ભયંકર પક્ષીઓ કકળે છે. યુદ્ધ માટે તે સ્ત્રી તમને લલકારી રહી છે, આ સ્ત્રી નથી માનવી, નથી ગંધર્વી કે નથી અસુર. દેવોની જ આ માયા છે. આપણે કાયરતા દાખવવી ન જોઈએ અને યુદ્ધ જ કરવું જોઈએ. જે થવાનું હશે તે થશે. શુભ અશુભ તો કોને ખબર છે? સમજુ લોકોએ ધીરજ રાખવી જોઈએ. આપણું જીવન દૈવાધીન છે. ભાવિને કોણ મિથ્યા કરી શકશે?’ આ સાંભળી મહિષાસુરે કહ્યું, ‘તામ્ર, તમે યુદ્ધ કરવા જાઓ ને તે અભિમાનીને ધર્મથી જીતીને લઈ આવો. તમારે વશ ન થાય તો પણ તેને મારી ન નાખતા. બીજી કોઈ રીતે તેને વશમાં આણજો. તમે તો વીર છો, કામશાસ્ત્ર પણ સારી રીતે જાણો છો. ગમે તે રીતે તમે એને જીતીને લઈ આવો. મોટી સેના લઈને જાઓ. તે શા માટે અહીં આવી છે તે પણ જાણી લાવો. કાયરતા પણ નહીં અને નિર્દયતા પણ નહીં. તેના મનને અનુકૂળ થઈને જે તે કરજો.’ મહિષાસુરની વાત સાંભળીને કાળનો ભોગ બનનાર તામ્ર સેના સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યો. રસ્તામાં તેને ઘણાં અપશુકન થયાં. તે ભયભીત અને ચિંતાતુર થયો. સિંહ પર બેઠેલા ભગવતીને તેણે જોયાં. બધાં આયુધોથી શોભતા તે દેવીની સ્તુતિ દેવતાઓ કરી રહ્યા હતા. વિનયનમ્ર બનીને તેણે દેવીને કહ્યું, ‘દૈત્યોનો રાજા મહિષાસુર તમારા પર મોહ પામીને તમને પત્ની બનાવવા માગે છે. વિશાળ નેત્રોવાળી સુંદરી, તમે તેની અભિલાષા પૂરી કરો. આવી સુંદર કાયા સુખભોગ માટે છે, તમારા કમળ જેવા હાથમાં આયુધ ન શોભે, તમારી ભ્રમરો જ ધનુષ છે તો પછી ધનુષબાણ શા માટે? સંસારમાં દુઃખદાયક યુદ્ધ ન જ કરવું જોઈએ. લોભી લોકો જ યુદ્ધ કરે છે. પુષ્પોથી પણ યુદ્ધ ન કરવું જોઈએ. પછી તીક્ષ્ણ બાણોથી તો યુદ્ધ કરવું જ શા માટે? તમે દાનવોથી પૂજાતા અમારા સ્વામીને પતિ તરીકે સ્વીકારી લો, તમારા મનોરથ પૂરા થશે. યુદ્ધમાં વિજય મળશે કે પરાજય તે નક્કી નથી. તમે રાજનીતિ તો જાણો છો. તો પછી તમે નિરાંતે રાજ ભોગવો, તમારો પુત્ર પણ રાજનો વારસ થશે. યુવાવસ્થામાં આનંદ મનાવી વૃદ્ધાસ્થામાં પણ આનંદ પામશો.’ તામ્રની વાત સાંભળીને ગંભીર વાણીમાં દેવી બોલ્યાં, ‘મરવા માગતો તે મૂરખ રાજા કામદેવનાં બાણોથી ઘાયલ થયો છે. તમે એને કહેજો કે તારી મા ભેંસ છે, ઘાસ પાંદડાં ખાય છે, પેટ મોટું છે, માથા પર શંગિડાં છે. હું તેના જેવી નથી. હું વિષ્ણુને, શંકરને, કુબેરને, ઇન્દ્રને, અગ્નિને પણ પતિ બનાવવા માગતી નથી. આ બધા દેવતાઓને બાજુ પર મૂકીને હું શા માટે રાક્ષસને પતિ બનાવું? હું પતિની પસંદગી કરનારી સ્ત્રી નથી. મારો પતિ તો સર્વકર્તા, સાક્ષી, અકર્તા, નિઃસ્પૃહ છે; નિર્ગુણ, નિર્મમ, અનંત, નિરાલંબ, નિરાશ્રય, સર્વજ્ઞ, સર્વગામી છે; તે સર્વવ્યાપી છે. આવા ઉત્તમ પતિને ત્યજીને હું મૂર્ખ મહિષાસુરને પતિ બનાવું? યુદ્ધ કરો. હમણાં જ તેને યમરાજનો પાડો બનાવીશ, તારી પીઠ પર પાણીની મશક લાદીને લોકોને પાણી પીવડાવવાની વ્યવસ્થા કરીશ. જો જીવ વહાલો હોય તો દાનવોને લઈને પાતાળમાં જતો રહે. યુદ્ધમાં મારા હાથે તો મૃત્યુ જ પામીશ. સંસારમાં બે સમાન વચ્ચેનો સંબંધ જ ઉત્તમ, અસમાન વચ્ચેનો સંબંધ દુઃખદ જ થાય. તું તો મૂર્ખ છે એટલે મને કહે છે કે મારી સાથે લગ્ન કર. હું ક્યાં અને શિંગડાંવાળો તું કયાં? યુદ્ધ કર અથવા જતો રહે. યુદ્ધ ન કરવું હોય તો યજ્ઞભાગ અને સ્વર્ગ મૂકીને તું જતો રહે.’ આમ કહી દેવીએ ભયાનક ગર્જના કરી, તેનાથી દાનવો બહુ ભયભીત થયા. પૃથ્વી કાંપી, પર્વતો ડોલ્યા, દૈત્યપત્નીઓના ગર્ભ પડી ગયા. તામ્રદૈત્ય પણ એ સાંભળીને ડરી ગયો અને નાસીને મહિષાસુર પાસે જતો રહ્યો. નગરમાં રહેતા બધા દૈત્યો પણ ડરી ગયા. તેમના કાન બહેરા થઈ ગયા. એટલે ત્યાંથી ભાગી જવા તૈયાર થયા. દેવીના વાહને પણ ગર્જના કરી, એટલે દૈત્યોના રૂંવે રૂંવે ભય વ્યાપ્યો. તામ્રને પાછો આવેલો જોઈ મહિષાસુરની મતિ મુંઝાઈ ગઈ. હવે શું કરવું તેવો વિચાર કરતા તેણે દાનવોને કહ્યું, ‘હવે આપણે દુર્ગમાં ભરાઈ રહેવું કે યુદ્ધ કરવું? નાસી જવાથી આપણું કલ્યાણ થશે? તમે બધા બુદ્ધિશાળી છો, યુદ્ધમાં પીછેહઠ કરનારા નથી. કાર્યસિદ્ધિ માટે અત્યંત ગુપ્ત વિચાર તમારે કરવો જોઈએ. રાજ્યના મૂળમાં ગુપ્ત મંત્રણા હોય છે. પણ તે ગુપ્ત જ રહેવી જોઈએ. ભેદ ખૂલી જાય તો રાજા અને રાજ્ય બંનેનું અહિત થાય છે. કલ્યાણ ઇચ્છનારાઓએ યુદ્ધ સમયની મંત્રણાઓ ગુપ્ત રાખવી જોઈએ. એટલે મંત્રીઓ દેશકાળનો વિચાર કરીને બધું જણાવે. અહીં દેવોએ સર્જેલી એક સ્ત્રી એકલી, કોઈના આશરા વિના આવી છે. આવી અતુલ બળવાળી સ્ત્રીના મનમાં શું છે? વારેવારે તે યુદ્ધ માટે લલકારી રહી છે, એ કેવા મોટા અચરજની વાત છે. આનું પરિણામ સારું આવશે કે નહીં તે કોણ કહી શકે? યુદ્ધમાં જય પરાજય તો દૈવાધીન છે. કેટલાક કહેશે કે દૈવને કોણે જોયું છે. કાયરો જ દૈવની વાત કરે છે. એટલે જગતમાં પુરુષાર્થ અને દૈવ — એવા બે પક્ષ છે. આમ બુદ્ધિપૂર્વક વિચારીને કાર્ય કરવું જોઈએ.’ રાજાની આ વાત સાંભળીને મહાયશસ્વી બિડાલે હાથ જોડીને કહ્યું, ‘આ વિશાલાક્ષીને સારી રીતે ઓળખવી જોઈએ. તે શા માટે આવી છે? ક્યાંથી આવી છે? તે કોની સ્ત્રી છે? સ્ત્રીના હાથે તમારું મૃત્યુ થશે એ વાત દેવતાઓ જાણે છે. એટલે દેવતાઓએ સામૂહિક તેજ વડે આ સ્ત્રી જન્માવી છે. તે બધા યુદ્ધ જોવાની ઇચ્છાથી આકાશમાં ઊભા છે. તેઓ એ સ્ત્રીની સહાય પણ કરશે. વિષ્ણુ વગેરે દેવો આ સ્ત્રીને આગળ કરીને અમને બધાને મારી નાખશે. અને આ સ્ત્રી તમારો વધ કરશે. મારી દૃષ્ટિએ દેવતાઓનો આ આશય છે. ભવિષ્યમાં શું થશે તેની મને જાણ નથી. હમણાં યુદ્ધ નહીં કરવું એવું હું કહેવા માગતો નથી. તમારા માટે મરી જવા અમે તૈયાર છીએ. પણ પ્રશ્ન એ છે કે સાવ નિરાધાર એવી આ સ્ત્રી આપણી સાથે યુદ્ધ કરવા મક્કમ છે. આપણી પાસે મોટી સેના છે, બળવાન સૈનિકો છે તો તેની પણ દરકાર તે કરતી નથી.’ દુર્મુખે કહ્યું, ‘આ યુદ્ધમાં આપણો વિજય થશે એમાં કશી શંકા નથી. આપણે કાયર બનીને પલાયન તો નથી જ થવું. આપણી કીર્તિ ઝાંખી થાય. ઇન્દ્ર સામેના યુદ્ધમાં પણ આપણે ભાગ્યા નથી તો એકલી સ્ત્રીથી શા માટે ભાગી જવું? યુદ્ધ કરવું જ જોઈએ. રણમાં મરણ થાય કે વિજય મળે એમાં એટલી બધી ચિંતા શા માટે કરવી? મરણ થશે તો કીર્તિ મળશે, અને જીવીશું તો સુખ, એટલે યુદ્ધ કરવું જ. ભાગી જઈશું તો જગત નિંદા કરશે. આયુષ્યના અંતે મરણ તો આવે જ છે ને! એટલે જીવન કે મૃત્યુની ચિંતા નહીં કરવી.’ દુર્મુખની વાત સાંભળીને વાક્ચતુર બાષ્કલે બે હાથ જોડીને કહ્યું, ‘આ કાર્ય કાયરો માટે અપ્રિય છે. તમે આ વિશે જરાય ચિંતા ન કરતા. હું એકલે હાથે તે ચંચલાક્ષીને મારી નાખીશ. ઉત્સાહ ધરો. મારા પ્રયત્નથી તે સ્ત્રી મૃત્યુ પામશે. હું ઇન્દ્ર, યમ, કુબેર, વરુણ, વાયુ, અગ્નિ, વિષ્ણુ કે શંકરથી, સૂર્ય ચંદ્રથી ડરતો નથી. તો તે અભિમાની એકલી સ્ત્રીની શાની બીક? મારાં ચમકતાં બાણથી તેને મારી નાખીશ. મારું બાહુબળ જોજો. તમારે આ સ્ત્રી સાથે યુદ્ધ કરવા જવું જ નહીં પડે.’ આમ અભિમાનથી છકી ગયેલા બાષ્કલને સાંભળીને દુર્ઘષ પ્રણામ કરીને બોલ્યો, ‘દેવતાઓએ સર્જેલી એ સ્ત્રીને હું હરાવીશ. અઢાર ભુજાવાળી તે સ્ત્રી કોઈ ચોક્કસ કારણથી અહીં આવી છે. તમને બીવડાવવા માટે દેવોએ રચેલી આ માયા છે. તમે મૂંઝાઓ નહીં. હવે મંત્રીઓના સંદર્ભે થોડી વાત કરું. મંત્રીઓ ત્રણ પ્રકારના, સાત્ત્વિક્ — રાજસિક અને તામસિક. સાત્ત્વિક મંત્રી પોતાની બધી શક્તિઓ વડે સ્વામીનું કાર્ય કરે છે, તેના મનમાં એને લગતી કશી ચિંતા નથી હોતી. તેઓ એક ચિત્તવાળા, ધર્મપરાયણ, નીતિજ્ઞ હોય છે. જુદા ચિત્તવાળા રાજસ મંત્રીએ પોતાનું કાર્ય કરવામાં તત્પર રહે છે. સ્વામીનું કાર્ય બગાડીને પોતાનું કાર્ય સિદ્ધ કરે છે. કેટલીક વાર તેઓ શત્રુ સાથે ભળી જાય છે. રાજના પક્ષમાં રહીને રાજાની નબળાઈ શત્રુને કહી દે છે. આવા મંત્રીઓ પર કદી વિશ્વાસ નહીં કરવો. ગુપ્ત મંત્રણાઓ જાહેર થઈ જાય છે. લોભવશ થઈને તેઓ બધું જ કરી શકે છે. તામસિક મંત્રીઓ તો આનાથી પણ ખરાબ હોય છે. તેઓ અધમ હોય છે, નિત્ય પાપકર્મ કર્યા કરે છે. હું રણમોરચે જઈને તમારું કાર્ય કરીશ. તમારે ચિંતા નહીં કરવી. તે દુષ્ટ સ્ત્રીને લઈને અહીં આવીશ. મારી પૂરી શક્તિથી આ કાર્ય કરીશ.’ પછી શાસ્ત્ર અને શસ્ત્રમાં કુશળ એવા બાષ્કલ અને દુર્મુખ અભિમાની થઈને યુદ્ધ કરવા નીકળી પડ્યા. મેઘ જેવા ગંભીર અવાજે તેમણે દેવીને કહ્યું, ‘મહિષાસુરે દેવો પર વિજય મેળવ્યો છે. એટલે તમે તેની સાથે લગ્ન કરો. સર્વગુણસંપન્ન, સુંદર મનુષ્યવેશે તે તમારી પાસે આવશે અને તમને એકાંતમાં મળશે. તમને ત્રિલોકનો વૈભવ મળશે. મહિષાસુરને સ્વીકારો અને સંસારનાં સુખ ભોગવજો.’ આ સાંભળી દેવી બોલ્યાં, ‘તમે મને શું માની બેઠા છો? આ કોઈ કામાંધ સ્ત્રી છે? હું દુષ્ટ મહિષાસુરની પત્ની થઉં? કુળવાન સ્ત્રીઓ કુળ, શીલ અને ગુણમાં સમાન હોય એવા પુરુષ સાથે લગ્ન કરે છે એટલું જ નહીં. રૂપ, ચતુરાઈ, બુદ્ધિ, શીલમાં ચઢિયાતા પતિને વરે છે. આ મહિષાસુર તો પશુના રૂપવાળા, પશુઓમાં પણ સાવ હલકટ છે, તેને કોણ વરે? તમે હમણાં ને હમણાં તમારા રાજા પાસે પહોંચી જાઓ. બાષ્કલ અને દુર્મુખ, તમે બંને શિંગડાંવાળા હાથી જેવા એ દૈત્યને કહો કે તું પાતાળમાં જતો રહે, નહીંતર મારી સથે યુદ્ધ કર. યુદ્ધ થશે તો દેવરાજ ઇન્દ્ર નિર્ભય થશે. હું તારો નાશ કરીશ ને કરીશ જ. તને માર્યા વિના અહીંથી જવાની નથી. આ વાત પર વિચાર કરીને જે કરવું હોય તે કર, ચાર પગવાળા રાક્ષસ, મને જીત્યા વિના પૃથ્વીના કોઈ પણ ભાગમાં, સ્વર્ગમાં કે પર્વતોની ગુફામાં સુધ્ધાં તને સ્થાન નહીં મળે.’ ભગવતીની વાત સાંભળીને બંને ક્રોધથી રાતી આંખ કરીને હાથમાં ધનુષબાણ લઈને સજ્જ થયા. ભગવતી પણ ગંભીર ગર્જના કરીને ત્યાં ઊભાં રહ્યાં. દાનવો પોતાની શક્તિ પ્રમાણે બાણ મારવા લાગ્યા. ભગવતી પણ દેવોનું કાર્ય સિદ્ધ કરવા ઘોર શબ્દ કરીને બંને દાનવો પર બાણ મારવાં લાગ્યાં. બંનેમાં ખૂબ જ ચંચળ બાષ્કલ દેવી સામે ઊભો રહી ગયો. દુર્મુખ પ્રેક્ષક બનીને દેવીને જોતો રહ્યો. પછી દેવી અને બાષ્કલનું ઘોર યુદ્ધ શરૂ થયું. તેને જોઈને ભગવતી ક્રોધે ભરાયાં અને તીક્ષ્ણ ધારવાળાં પાંચ બાણ ફેંક્યાં. બાષ્કલ પાસે પણ એવાં જ બાણ હતાં. દસ બાણ મારી તેણે અટ્ટહાસ્ય કર્યું. ભગવતી પાસે અર્ધચંદ્ર નામનું બાણ હતું. તેના વડે બાષ્કલના ધનુષના ટુકડા કરી નાખ્યા. એટલે તે દૈત્ય ગદા લઈને દેવી પર ટૂટી પડ્યો. ચંડિકાએ પોતાની ગદા વડે બાષ્કલને ધરતી પર ઢાળી દીધો. પરાક્રમી બાષ્કલે થોડી વારે જમીન પરથી ઊભા થઈને દેવી પર ગદા ઉગામી. તેને આવતો જોઈ ક્રોધે ભરાયેલાં દેવીએ ત્રિશૂળ વડે તેની છાતીમાં ઘા કર્યો અને જમીન પર પડી ગયેલો તે રાક્ષસ મૃત્યુ પામ્યો. એટલે તેની સેના ભાગી ગઈ. બાષ્કલનું મૃત્યુ થકહ્યું એટલે ક્રોધે રાતી આંખો કરીને દુર્મુખ દેવી સામે લડવા લાગ્યો, ‘અરે અબળા, ઊભી રહે, ઊભી રહે.’ એમ બોલતો ધનુષબાણ અને બખ્તર સાથે તે રથમાં બેઠો. દાનવને ક્રોધિત કરવા દેવીએ શંખ વગાડ્યો, ધનુષટંકાર કર્યો. દુર્મુખે ફ્ેંકેલાં બાણ સાપ જેવાં ભયંકર હતાં. મહામાયાએ ગર્જના કરીને આવતાં બાણોને કાપી નાખ્યાં. બંને વચ્ચે થયેલા ભયંકર યુદ્ધમાં અનેક શસ્ત્રોનો ઉપયોગ થયો. યુદ્ધભૂમિ પર લોહીની નદી વહેવા લાગી. નદીકિનારા પર પડેલાં મસ્તક તરવાનું શીખવા યમદૂતોએ ભેગાં કરેલાં તૂંબડાં જેવાં લાગતાં હતાં. પૃથ્વી પરનાં શબ ખાવા ભેગા થયેલાં વરુ અને બીજાં જનાવરોને કારણે રણભૂમિ ભીષણ લાગતી હતી. શિયાળ, કૂતરાં, કાગડા, ગીધ, બાજ રાક્ષસોનાં શબને ખાવા લાગ્યાં. તેમનાં શરીરમાંથી આવતી દુર્ગંધ અસહ્ય હતી. માંસાહારી જીવોનો અવાજ થતો હતો. તે વખતે કાળપ્રેરિત દુર્મુખ હાથ ઊંચા કરીને કહેવા લાગ્યો, ‘ચંડિકા, હજુ માની જાઓ, મદવાળા મહિષાસુરને પતિ તરીકે સ્વીકારી લો. નહીંતર હું હમણાં જ તમને મારી નાખીશ.’ દેવીએ કહ્યું, ‘આજે તું મોહવશ થઈને ગમે તેમ બકવાસ કરી રહ્યો છે. હવે તારું મૃત્યુ આવશે. બાષ્કલની જેમ તને મારી નાખીશ. જતો રહે, નહીંતર ઊભો રહે. તને માર્યા પછી મહિષાસુરને મારીશ.’ દેવીની વાત સાંભળીને દુર્મુખે ભયંકર બાણવર્ષા શરૂ કરી. દેવીએ તેનાં બાણ કાપી નાખ્યાં. ઇન્દ્રે જેવી રીતે વૃત્રાસુર પર આક્રમણ કર્યું હતું તેવી રીતે દુર્મુખ પર હુમલો કર્યો. બંને વચ્ચે ઘોર યુદ્ધ શરૂ થયું. કાયરો બીતા હતા અને શૂરવીરો રાજી થતા હતા. દેવીએ તેનું ધનુષ કાપી નાખ્યું અને પાંચ બાણ વડે તેનો રથ ભાંગી નાખ્યો. તે રાક્ષસ હાથમાં ગદા લઈને દેવી સામે ધસી ગયો. સિંહના માથામાં ગદા વાગી છતાં સિંહ અડગ રહ્યો. સામે ઊભેલા ગદાધારી દુર્મુખનું મસ્તક તલવાર વડે કાપી નાખ્યું, એટલે મરણ પામેલો તે ધરતી પર પડી ગયો. દેવોએ જયઘોષ કર્યો અને દેવીની સ્તુતિ કરવા માંડી. દેવતાઓએ આકાશમાંથી પુષ્પવર્ષા કરી. યુદ્ધમાં તેના મૃત્યુના સમાચાર સાંભળી ઋષિઓ, ગંધર્વો, કિન્નરો, વિદ્યાધરો આનંદ પામ્યા. દાનવોના મૃત્યુના સમાચાર સાંભળી મહિષાસુર ભારે ક્રોધે ભરાયો, ‘આ શું થઈ ગયું?’ એમ બોલતો દાનવોને કહેવા લાગ્યો, ‘મહાશૂરવીર બાષ્કલ અને દુર્મુખને એક કુમારિકાએ મારી નાખ્યા. એ કેવું અચરજ! કાળ બળવાન છે તો હવે આ બંને વિખ્યાત દાનવોના મરણ પછી આપણે શું કરવું જોઈએ તે વિચારી મને સલાહ આપો.’ મહિષાસુરની આ વાત સાંભળીને ચિક્ષુર સેનાપતિએ કહ્યું, ‘એક સ્ત્રીને મારવી એમાં શું? હું તેને મારી નાખીશ.’ એમ બોલતો તે સેનાપતિ સૈન્ય લઈને નીકળી ગયો.મહા બળવાન તામ્રને પોતાનો રક્ષક બનાવ્યો. તેના સૈન્યના ઘોર રવથી આકાશ અને દિશાઓ ભરાઈ ગઈ. તેને આવતો જોઈ દેવીએ શંખધ્વનિ, ઘંટનાદ અને ધનુષટંકાર કર્યા. તેને કારણે રાક્ષસો ખૂબ જ ડરી ગયા. ‘આ શું છે?’ એમ બોલતા તેઓ ભાગવા લાગ્યા. તેમને જોઈને ચિક્ષુર ક્રોધે ભરાયો અને બોલ્યો, ‘તમારી સામે કયો મોટો ભય આવી ચઢ્યો છે. આ અભિમાની નારીને હું બાણ વડે યમસદન મોકલી આપીશ. તમે નિર્ભય બનીને અહીં ઊભા રહો.’ પછી તે દેવીને કહેવા લાગ્યો, ‘અરે વિશાલાક્ષી, બીજા પુરુષોને ડરાવતી શાની ગર્જના કર્યા કરે છે? તારી ગર્જનાથી હું બીતો નથી. સ્ત્રીનો વધ કરવાથી અપકીર્તિ થાય છે, એટલે તારો વધ કરતાં હું અચકાઉં છું. તારા જેવી સ્ત્રી સાથે તો કટાક્ષ અને હાવભાવ વડે જ યુદ્ધ થાય, શસ્ત્રોથી કદી એ યુદ્ધ થતું નથી. પુષ્પોથી પણ યુદ્ધ ન થાય તો પછી શસ્ત્રો વડે તો થાય જ કેવી રીતે? અનેક સુખભોગોને છોડીને તું યુદ્ધ કરવા માગે છે! યુદ્ધમાં તને કયો ગુણ દેખાય છે? અહીં તો તલવારો ચાલે છે, ગદાપ્રહારો થાય છે, તીક્ષ્ણ બાણો વડે શરીરના ફુરચા ઊડે છે. પછી શિયાળ શબને ચૂંથે છે. ધૂર્ત કવિઓએ મૃત્યુની પ્રશંસા બહુ કરી છે. રણમાં મૃત્યુ પામનારાઓને સ્વર્ગ મળે છે એ કેવળ સ્તુતિવાક્ય છે, એટલે તારું મન જ્યાં આનંદ પામે ત્યાં ચાલી જા, કાં તો મહિષાસુરને પતિ તરીકે સ્વીકારી લે.’ દેવી ભગવતીએ આમ કહી રહેલા રાક્ષસને કહ્યું, ‘અરે મૂર્ખ, બુદ્ધિશાળી વિદ્વાનની જેમ તું આ બકવાસ કરી રહ્યો છે? તને નીતિશાસ્ત્રનું કે ન્યાયશાસ્ત્રનું જ્ઞાન નથી. તેં વૃદ્ધોનું સેવન કર્યું નથી, ધર્મને જાણતો નથી. તું મૂર્ખની સેવા કરતો હતો. રાજધર્મને જાણ્યા વિના મારી સામે બકવાસ કરી રહ્યો છે! હું મહિષાસુરનો વધ કરીશ જ. યુદ્ધભૂમિમાં લોહી-માંસનો કીચડ થશે. સ્થિર કીર્તિનો સ્તંભ ઊભો કરી હું અહીંથી જઈશ. દેવતાઓને યાતના આપનારો આ રાક્ષસ બહુ ગર્વીલો થઈ ગયો છે, તેનો વધ કરવો એ મારું કર્તવ્ય છે. તું હવે યુદ્ધ કર.’ દેવીની વાત સાંભળીને અભિમાની દાનવે બાણોની ઝડીઓ વરસાવી. ભગવતીએ એ બધાં બાણ કાપી નાખ્યાં અને સાપ જેવાં ઝેરીલાં બાણોથી રાક્ષસને વીંધવા લાગ્યા. આ ભયંકર યુદ્ધ ચાલતું હતું ત્યારે ભગવતીએ ગદા ઝીંકી, ગદાનો પ્રહાર ઝીલી ન શકવાથી ચિક્ષુર થોડી વાર તો મૂર્છિત રહ્યો. તેને એવો જોઈ તામ્ર દૈત્ય દેવી સામે યુદ્ધ કરવા આવ્યો. તેને આવતો જોઈ ભગવતી હસતાં હસતાં બોલ્યાં, ‘આવ, આવ, તને હમણાં જ પ્રેતલોકમાં પહોંચાડું છું. તમે બધા નિર્બળ છો અને તમારું આયુષ્ય આવી રહ્યું છે, મૂર્ખ મહિષાસુર ઘેર બેસીને શું કરે છે? તમે મૃત્યુ પામો તેથી શું? દેવશત્રુ, દુષ્ટ મહિષાસુર મૃત્યુ પામ્યો નથી એટલે તમે ઘેર જઈ તેને મોકલી આપો. તે પણ મને અહીં જોઈ લે.’ આ સાંભળીને ક્રોધે ભરાયેલા તામ્ર દૈત્યે ધનુષની પણછ ખેંચી બાણવર્ષા કરી. ભગવતીએ પણ બાણ ફેંક્યાં. એ દરમિયાન ચિક્ષુર મૂર્ચ્છામાંથી જાગ્યો. ફરી ધનુષબાણ લઈને તે ઊભો રહી ગયો. પછી બંને મહાવીરો, દેવી સામે લડવા લાગ્યા. દેવીએ બાણો ચલાવીને બધા દાનવોને બખ્તર વિહોણા કરી મૂક્યા. બધા ઘવાયેલા રાક્ષસો વસંતે ખીલેલા કેસૂડા જેવા દેખાતા હતા. તામ્રદૈત્યે લોખંડના મજબૂત મુસળ વડે સિંહના માથે ઘા કર્યો. દેવીએ ગાજતા તામ્રનું મસ્તક તીણી ધારવાળી તલવારથી છેદી નાખ્યું. થોડી વાર તો મુસળ લઈને તે ભમ્યો પણ પછી તે પડી ગયો. તામ્રના મૃત્યુ પછી ચિક્ષુર તલવાર લઈને દોડ્યો, તેને જોઈને દેવીએ પાંચ બાણ માર્યાં, એક બાણ વડે તેની તલવાર પડી ગઈ. બીજા બાણથી તેનો હાથ કપાઈ ગયો, અને બીજાં બાણોથી તેનું મસ્તક કપાઈ ગયું. આ બંને અજેય અને મહાદુષ્ટ રાક્ષસોના મૃત્યુથી દાનવસેના ચારે દિશાઓમાં ભાગી ગઈ. બધા દેવતાઓ આનંદ પામ્યા. તેમણે પુષ્પવૃષ્ટિ કરી, ભગવતીનો જયજયકાર કર્યો. ઋષિઓ, દેવો, ગંધર્વો, વેતાલો, સિદ્ધ, ચારણો વારંવાર ચંડિકાનો જયઘોષ કરવા લાગ્યા. આ બંને રાક્ષસોના વધના સમાચાર સાંભળી મહિષાસુરને ભારે નવાઈ લાગી. તેણે અસિલોમા અને વિડાલાક્ષ જેવા બળવાન દૈત્યોને સૈન્ય, આયુધો અને યુદ્ધસામગ્રી સાથે મોકલ્યા. કવચધારી, અજેય આ દૈત્યોએ અઢાર ભુજાવાળાં, સિંહ પર બેઠેલાં અને શસ્ત્રો ધારણ કરેલાં ભગવતીને જોયાં. અસિલોમા વિનય, નમ્રતા દાખવતો, હાસ્યનો ડોળ કરતો તે બોલ્યો, ‘દેવી, સાચું કહો, તમે શા માટે અહીં આવ્યાં છો? આ નિર્દોષ દૈત્યોનો સંહાર કેમ કરો છો? હમણાં જ હું સંધિ કરવા તૈયાર છું. હે નિતંબિની, તમારે જે કંઈ સોનું, રત્નો, મણિ, ઉત્તમ પાત્રો જોઈતાં હોય તો લઈને જતાં રહો. યુદ્ધ શા માટે કરવા માગો છો? યુદ્ધ તો દુઃખ અને સંતાપ આણે છે. ધર્માત્માઓ કહે છે, યુદ્ધથી સુખ નાશ પામે છે. તમારું શરીર તો પુષ્પનો પ્રહાર પણ ઝીલી ન શકે. તમે શા માટે આ યુદ્ધ કરી રહ્યાં છો?…’ અને એમ ઘણી બધી રીતે મહાદેવીને સમજાવ્યાં. પછી દેવીએ કહ્યું, ‘તેં મને એવું પૂછ્યું કે હું અહીં શા માટે આવી છું અને દૈત્યોનો વિનાશ કરવા પાછળ કારણ શું છે? સાંભળ. હું બધા લોકમાં ભ્રમણ કરું છું. બધાં પ્રાણીઓનાં યોગ્ય-અયોગ્ય કાર્યો જોતી રહું છું. મને કોઈ લોભ નથી, ભોગની ઇચ્છા નથી. કોઈના પ્રત્યે દ્વેષ નથી. ધર્મ માટે જ સંસારમાં ભમું છું. સજ્જનોની રક્ષા કરવી એ મારું કર્તવ્ય છે. એ પાળું છું. દુર્જનોનો વધ કરવા અનેક અવતાર લેવા એ મારું કાર્ય છે. મહિષાસુર દુષ્ટ છે, તે દેવતાઓનો દુશ્મન છે. તારે જવું હોય તો જા, ઊભા રહેવું હોય તો ઊભો રહે. હવે જઈને તારા રાજાને કહેજે કે બીજા દૈત્યોને મોકલવાને બદલે જાતે લડે. જો સંધિ કરવી હોય તો વેરભાવ ત્યજીને તમે બધા પાતાળમાં જતા રહો. દેવતાઓને જીતીને જે કંઈ દ્રવ્ય લીધું હોય તે પાછું આપીને પ્રહ્લાદ જ્યાં રહે છે ત્યાં જતા રહો.’ દેવીની વાત સાંભળીને અસિલોમાએ ભગવતીના દેખતાં જ વિડાલાક્ષને પૂછ્યું, ‘ભવાની દેવીએ જે કહ્યું તે તેં સાંભળ્યું ને? હવે શું કરવું છે? યુદ્ધ કે શાંતિ?’ વિડાલાક્ષ બોલ્યો, ‘યુદ્ધમાં મૃત્યુ થવાનું છે એ જાણવા છતાં અભિમાની રાજા સંધિ કરવા તૈયાર નથી. યુદ્ધમાં અનેક રાક્ષસો મૃત્યુ પામ્યા એટલે તેમણે આપણને મોકલ્યા. દૈવને કોણ બદલી શકે? મહિષાસુર કોઈ રીતે બદલાવાના નથી. સેવકધર્મ બહુ કઠિન છે. વિધિનું આવું જ વિધાન છે. સેવકે સ્વામીની આજ્ઞા પાળવી જ પડે છે. આપણે કેવી રીતે કહીએ કે દેવોનું ધન પાછું આપીને પાતાળમાં જતા રહો. પ્રિય બોલવાનું અસત્ય ન હોવું જોઈએ. સત્ય જો અપ્રિય હોય તો બુદ્ધિમાનોએ મૌન પાળવું જોઈએ. વીર પુરુષોએ અસત્ય બોલીને કપટ કરવું ન જોઈએ. માત્ર હિતવચન કહેવા કે આદરથી કશું પૂછવા પણ રાજા પાસે જવું ન જોઈએ. જો જઈશું તો રાજા ક્રોધે ભરાશે, એટલે મૃત્યુને તુચ્છ ગણીને સ્વામીનું કાર્ય ઉત્તમ ગણીને આપણે યુદ્ધ કરવું.’ આવો વિચાર કરીને અસિલોમા અને વિડાલાક્ષ યુદ્ધ કરવા તૈયાર થયા. રથમાં બેઠેલા તેમના હાથમાં ધનુષબાણ તો હતાં જ. સૌપ્રથમ તો વિડાલાક્ષે દેવી પર સાત બાણ ફેંક્યાં. અસ્ત્રોનો જાણકાર અસિલોમા દૂર ઊભો રહ્યો. ભગવતીએ વિડાલાક્ષનાં બાણ કાપી નાખ્યાં અને ત્રણ બાણ માર્યાં. એનાથી તેને મૂર્ચ્છા આવી ગઈ, અને દૈવવશાત્ તેનું મૃત્યુ થયું. વિડાલાક્ષને મરેલો જોઈ અસિલોમા આગળ આવ્યો. ડાબો હાથ ઊંચો કરી તેણે દેવીને કહ્યું, ‘દુરાચારી દાનવોનું મૃત્યુ હાથવેંતમાં છે તે હું જાણું છું. પરંતુ અમે પરાધીન છીએ એટલે યુદ્ધ કરવું જ પડે. મૂર્ખ મહિષાસુરને શુભ-અશુભનું ભાન નથી. તેમની આગળ અપ્રિય હિતવચન કહેવાનો અર્થ નથી. શુભ કે અશુભ જે થવાનું હશે તે થાઓ, મારે તો વીરને યોગ્ય એવું મૃત્યુ જોઈએ છે. માનું છું કે પ્રારબ્ધ બળવાન છે. પુરુષાર્થથી કશું થતું નથી. એટલે તો તમારાં બાણોથી દૈત્યોનું મરણ થાય છે.’ આમ કહી અસિલોમાએ બાણવર્ષા કરી, ભગવતીએ અધવચ્ચે જ તે બાણ કાપી નાખ્યાં. બીજાં બાણ વડે અસિલોમાને વીંધી નાખ્યો. તે વેળા દેવી ખૂબ કોપ્યાં હતાં. અસિલોમાનું આખું શરીર બાણોથી વીંધાઈ ગયું હતું, તેના શરીરમાંથી લોહીની ધારાઓ વહી રહી હતી. તે દાનવ કેસૂડાનાં વૃક્ષ જેવો દેખાતો હતો. પછી અસિલોમા ગદા ઉપાડી દેવી સામે ધસી ગયો અને સિંહના માથે ગદા ઝીંકી. સિંહે તેની પરવા કર્યા વિના પોતાના નહોર વડે અસિલોમાની છાતી ચીરી નાખી. પછી તે દૈત્ય હાથમાં ગદા લઈને ભગવતી પર ધસ્યો. પણ ભગવતીએ તેને અટકાવીને પોતાની તલવાર વડે તેનું મસ્તક છેદી નાખ્યું, તે દૈત્ય કાયમ માટે ધરતી પર પોઢી ગયો. દાનવસેનામાં હાહાકાર અને દેવોમાં જયઘોષ થયા. નગારાં વાગ્યાં, કિન્નરો યશોગાન ગાવા લાગ્યા. રણમેદાન પર તે બંને દાનવોને મૃત્યુ પામેલા જોઈ સિંહે સર્વ યોદ્ધાઓને મારી નાખ્યા અને તે કેટલાકને તો ખાઈ ગયો. કેટલાક દુઃખી દૈત્યો નાસીને મહિષાસુર પાસે ગયા અને રુદન કરી મૃત્યુના સમાચાર આપ્યા. તે સાંભળી રાજા ઉદાસ થઈ ગયો અને ચિંતાતુર થયો.
હવે ક્રોધે ભરાયેલા મહિષાસુરે સારથિ પાસે હજારો ખચ્ચર જોડેલો ધજાપતાકાવાળો આયુધોવાળો, પ્રકાશિત રથ મંગાવ્યો. સારથિ તરત જ રથ લઈ આવ્યો, અને તેણે કહ્યું,‘સુશોભિત રથ આણ્યો છે અને દરવાજે ઊભો રાખ્યો છે. બધાં આયુધ અને સુંદર બિછાનાં પણ છે.’ રથ આવ્યો એ જાણીને દાનવરાજ મનુષ્ય રૂપે યુદ્ધભૂમિ પર જવા તૈયાર થયો. તેણે વિચાર્યું, ‘હું પાડાના રૂપે છું, મોં કુરૂપ છે, માથે શિંગડાં છે, તે જોઈને દેવી વ્યાકુળ થઈ જશે. સ્ત્રીઓને પ્રસન્ન કરવા રૂપ અને ચતુરાઈ જોઈએ. એટલે એવી રીતે હું તેની પાસે જઉં. મને જોતાંવેંત તેના મનમાં પ્રેમ ઊભરાશે. મારા માટે પણ સુખી થવાનો એ જ રસ્તો છે.’ એમ વિચારી દાનવરાજે પાડાનું રૂપ ત્યજી સુંદર પુરુષનું રૂપ ધારણ કર્યું. સુંદર આયુધો, દિવ્ય વસ્ત્રોવાળો તે બીજા કામદેવ જેવો લાગતો હતો. રથમાં બેસીને, બાજુબંધ, ધનુષબાણવાળો તે સેનાથી વીંટળાયેલો હતો, અભિમાની સ્ત્રીઓ પણ મોહી પડે એવા રૂપવાળો તે અભિમાની જગદંબા સામે ઊભો રહી ગયો, તેને આવેલો જોઈ દેવીએ શંખનાદ વગાડ્યો. સૌને આશ્ચર્ય પમાડનાર શંખધ્વનિ સાંભળીને મહિષાસુર હસતાં હસતાં બોલ્યો,‘આ સંસારમાં સ્ત્રી કે પુરુષને સુખ જોઈએ છે. મનુષ્યોને સંયોગમાં સુખ મળે છે, વિયોગમાં નહીં, સંયોગના ઘણા પ્રકાર છે, હવે તે મારી પાસેથી તમે સાંભળો. માતા-પિતાનો પુત્ર સાથેનો સંયોગ ઉત્તમ, ભાઈ-ભાઈ વચ્ચેનો સંયોગ મધ્યમ, જે સંયોગ સર્વોત્તમ સુખ આપે તે ઉત્તમ, તેનાથી ઓછું સુખ આપે તે મધ્યમ, નાવમાં બેઠેલા લોકો સ્વાભાવિક રીતે એકબીજાના પરિચયમાં આવે છે પણ તે બહુ ઓછા સમય માટે હોય છે. એટલે એ સંયોગ કનિષ્ટ. ચતુરાઈ, રૂપ, વેશ, કુળ, શીલ, અને ગુણ — આ બધા સમાન હોય તો દિવ્ય સુખ સાંપડે. હું વીર છું, મારી સાથે સંયોગ કરશો તો સર્વોત્તમ સુખ મળશે. હું ઇચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી શકું છું. દેવતાઓ હારી ગયા છે. અત્યારે મારા મહેલમાં જેટલાં રત્ન છે તે બધાં તમારે માટે છે. તમે તેનું દાન પણ કરી શકો. તમે મારી પટરાણી બનો. હું તમારો દાસ. તમારી દરેક આજ્ઞાનું હું પાલન કરીશ. તમે કહેશો તો દેવતાઓ સાથેનું વેર ત્યજી દઈશ. તમે જે રીતે સુખી થાઓ તે મને સ્વીકાર્ય. તમે મને મોહિત કર્યો છે. તમારી શરણે આવ્યો છું. હું તમારા ચરણે નમું છું. મારા પર દયા કરો. બ્રહ્મા જેવા બ્રહ્મા આગળ પણ હું ઝૂક્યો નથી. બધા દેવો મારું ચરિત્ર જાણે છે. હું તમારો દાસ છું, મારી સામે જુઓ.’ દૈત્યની વાત સાંભળી ભગવતી હસીને બોલ્યાં, ‘પરમ પુરુષ પરમાત્મા સિવાય મારે કોઈ પુરુષ નથી જોઈતો. હું તેમની ઇચ્છા પ્રમાણે જગતનું સર્જન કરું છું. મારા પર તેમની દૃષ્ટિ સદા રહે છે, હું તેમની પ્રકૃતિ છું. તેમને કારણે જ મારામાં નિત્ય ચૈતન્ય રહે છે. મને વિષયવાસના કદી થતી નથી. તું મૂર્ખ છે એટલે જ સ્ત્રીસંગ ઇચ્છે છે. પુરુષને બાંધનારી સાંકળ સ્ત્રી છે. લોખંડથી બંધાયેલો તો છૂટી શકે પણ સ્ત્રીથી બંધાયેલો કદી છૂટી ન શકે. અરે મૂર્ખ, જેમાં માત્ર મૂત્ર જ જ ભરેલું હોય તેને માટે આટલી બધી આસક્તિ શાને? સુખી થવું હોય તો શાંતિ રાખો. સ્ત્રીથી તો દુઃખી થવાય. દેવતાઓ સાથેનું વેર બંધ કરીને સંસારમાં ફરો, જીવવાની ઇચ્છા હોય તો પાતાળમાં જતા રહો. મારામાં ખૂબ જ શક્તિ છે. તારો વધ કરવા માટે જ દેવતાઓએ મને અહીં મોકલી છે. તું જો જીવવા ન જ માગતો હોય તો યુદ્ધ કર.’ જગદંબાની વાત સાંભળીને ફરી મહિષાસુરે તેમને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, અને પછી મંદોદરીનું દૃષ્ટાંત આપ્યું. ભગવતીએ મંદોદરી વિશે વિગતવાર સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી, મંદોદરીએ કોને ત્યજીને કોનો સ્વીકાર કર્યો હતો? પછી તેને ક્ેવાં દુઃખ પડ્યાં તે બધી વાત મને કહે.’ પૃથ્વી ઉપર અનેક વૃક્ષોથી શોભતો, ધનધાન્યથી સંપન્ન સિંહલ ગામના પ્રખ્યાત દેશમાં ચંદ્રસેન નામનો રાજા હતો. તે અત્યંત ધાર્મિક, ન્યાયી અને શાંત પ્રકૃતિનો હતો. તે પ્રજાપાલનમાં તત્પર, શૂરવીર, સત્યવાદી, કોમળ હતો. નીતિજ્ઞ, શાસ્ત્રનિપુણ, સર્વધર્મનો જાણકાર, ધનુર્વેદમાં પ્રવીણ એવા તે રાજાની પત્ની ગુણવતી સુંદર, સર્વગુણસંપન્ન, પતિભક્ત, સુલક્ષણા હતી. તેને પહેલે ખોળે સુંદર કન્યા જન્મી. મનને રોમાંચ કરાવનારી તે કન્યાથી પિતાને સંતોષ થયો, આનંદિત થઈને તેણે કન્યાનું નામ પાડ્યું મંદોદરી. તે રાતે ન વધે એટલે દિવસે અને દિવસે ન વધે એટલી રાતે વધવા લાગી. લગ્નવયે પહોંચી ત્યારે તેના પિતાએ પુત્રી માટે વર શોધવા માંડ્યો. મદ્રદેશમાં શૂરવીર અને પ્રખ્યાત સુધન્વા રાજાને એક કમ્બુગ્રીવ નામનો પુત્ર હતો. બ્રાહ્મણોએ મંદોદરીના પતિ માટે તે રાજકુમારની ભલામણ કરી. રાજાએ રાણીને પૂછ્યું, રાણીએ મંદોદરીને પૂછ્યું પણ તેણે તો લગ્નની જ ના પાડી. તે સ્વતંત્રપણે જીવન ગાળવા માગતી હતી, પરતંત્ર વ્યક્તિને ઘણાં દુઃખ સહેવાં પડે છે, વિદ્વાનો માને છે કે મોક્ષનું સાધન સ્વતંત્રતા છે, મારે પતિ જોઈતો નથી. લગ્ન વખતે અગ્નિની સાખે કહેવામાં આવે છે કે પતિદેવ, હું બધી રીતે તમારે અધીન થઈ ગઈ છું. પછી સાસરે બધાને અનુકૂળ થઈને રહેવું પડે છે. પતિની હામાં હા કરવી પડે છે. જો પતિ બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરે તો શોક્યનું દુઃખ વેઠવાનું, પછી ઈર્ષ્યા, કલેશ, સ્ત્રીઓ માટે તો આ સંસારમાં સુખ ક્યાં છે?’ એટલે રાણીએ રાજાને કહ્યું, ‘મંદોદરી લગ્ન કરવા માગતી નથી. તે જપતપમાં જોડાઈ સંસારથી વિરક્ત રહેવા માગે છે. લગ્નજીવનની મુશ્કેલીઓ જાણે છે, એટલે પતિ જોઈતો જ નથી.’ રાણીની વાત પછી રાજાએ મંદોદરીના લગ્નનો વિચાર જતો કર્યો. માતાપિતાના રક્ષણ હેઠળ તે રહેવા લાગી. સ્ત્રીની કાયામાં જ્યારે યુવાની આવે છે ત્યારે કામ જાગે છે. જ્ઞાનની વાતો અવારનવાર કરનારી રાજકુમારી એક દિવસ ગાઢ વૃક્ષોવાળા ઉદ્યાનમાં ગઈ. લતા પર ફૂલ મ્હોર્યાં હતાં, ત્યારે ત્યાં કોશલદેશનો વીરસેન રાજા આવી ચઢ્યો. તેની સાથે સૈનિકો હતા પણ ત્યારે એકલો જ રથમાં બેસીને આવ્યો. કોઈ યુવતીએ તે રાજાને જોઈ મંદોદરીને કહ્યું,‘આ રસ્તા પર રથમાં બેસીને કોઈ સુંદર પુરુષ આવી રહ્યો છે. મને લાગે છે કે કોઈ રાજા છે.’ આ વાત ચાલતી હતી અને ત્યાં વીરસેને પાસે આવીને દાસીને પૂછ્યું, ‘આ વિશાલાક્ષી કોણ છે, કોની પુત્રી છે?’ દાસીએ હસતાં હસતાં કહ્યું, ‘પહેલાં તમારો તો પરિચય આપો. અહીં આવવાનું કારણ શું?’ પછી વીરસેને પોતાનો પરિચય આપ્યો, ‘હું કોશલ દેશનો રાજા છું, મારી સેના પાછળ આવે છે, હું રસ્તો ભૂલી ગયો છું.’ દાસીએ કહ્યું, ‘આ ચંદ્રસેન રાજાની પુત્રી મંદોદરી ઉદ્યાનમાં વિહાર કરવા આવી છે.’ વીરસેને દાસીને કહ્યું, ‘તું મારી ભલામણ રાજકુમારીને કર. મારું લગ્ન થયું નથી. હું એને ચાહું છું. એના પિતા વિધિપૂર્વક મારું લગ્ન તેની સાથે કરાવી શકે.’ રાજાનો આ સંદેશો દાસીએ મંદોદરીને મધુર વાણીમાં આપ્યો. ‘આ સૂર્યવંશના રાજા છે, સુંદર છે, શક્તિશાળી છે. તમારી ઉંમરના જ છે. તમને જોતાંવેંત ચાહતા થયા છે. તમે લગ્નયોગ્ય છો. પણ સંસારથી વિરક્ત રહો છો એટલે પિતા દુઃખી છે. તેમણે અમને તમને સમજાવવા કહ્યું છે. છતાં અમે કહીશું સ્ત્રીઓ માટે પતિસેવા પરમધર્મ છે. પતિસેવાથી સ્વર્ગ મળે. તમે લગ્ન કરી લો.’ મંદોદરીએ કહ્યું, ‘મારે પતિ જોઈતો જ નથી. હું તપ કરીશ, આ રાજા નફફટ થઈને મારી સામે શા માટે જુએ છે?’ દાસીએ કહ્યું, ‘કામદેવ પર વિજય મેળવવો અઘરો છે. કાળની ગતિ પણ ટાળી શકાતી નથી. તમે મારી વાસ્તવિક વાત સ્વીકારો, નહીંતર દુઃખી થશો.’ રાજકુમારીએ કહ્યું,‘ભાગ્યમાં જે લખાયું હશે તે થશે. મને એની ચિંતા નથી. મારો નિર્ણય છે — હું લગ્ન નહીં કરું.’ મંદોદરીનો આ અડગ નિર્ણય જાણીને દાસીએ વીરસેનને કહ્યું, ‘તમે જ્યાં જવું હોય તો જાઓ. તમારા જેવા સાથે લગ્ન કરવાની પણ આ રાજકુમારી ના પાડે છે.’ દાસીની વાત સાંભળીને હતાશ થયેલો વીરસેન સેના સાથે પોતાના દેશ જવા નીકળ્યો. રાજકુમારી માટે હવે તેના મનમાં કશી ઇચ્છા ન રહી. મંદોદરીની નાની બહેન ઇન્દુમતિ હતી. તે જ્યારે મોટી થઈ ત્યારે રાજાએ તેના માટે સ્વયંવર કર્યો અને તેમાં દેશદેશના રાજા આવ્યા. ઇન્દુમતિએ એક શક્તિશાળી રાજાને પતિ તરીકે પસંદ કરી લીધો. તે સમયે મંદોદરી કામવશ બની. તે લગ્ન કરવા આતુર બની. તેની નજર કોઈ ચતુર દેખાતા પણ વાસ્તવમાં દુષ્ટ એવા કોઈ શૂદ્ર રાજા પર પડી, અને રાજકુમારીએ પિતાને પોતાની ઇચ્છા જણાવી એટલે ચંદ્રસેને હસીને મંદોદરીના લગ્નની તૈયારી કરવા માંડી. મદ્ર દેશના રાજાને બોલાવી મંદોદરી સોંપી. રાજા રાણી આનંદ પામ્યાં. મંદોદરી સાથે શરૂઆતમાં તો રાજાએ આનંદ મનાવ્યો પણ તે ચારિત્ર્યહીન રાજાનાં નિંદનીય વર્તાવો જોઈ લીધાં એટલે તે દુઃખી થઈ ગઈ, ‘સ્વયંવરમાં જ્યારે આ રાજાને જોયો ત્યારે તેનો મને પરિચય ન હતો. આ ધૂર્તે મને ઠગી લીધી. હવે શું થાય? આ નિર્લજ્જ, ધુતારો છે. આવાને કેવી રીતે ચાહી શકાય? અત્યાર સુધી હું વિરક્ત રહી હતી. મારે જે લગ્ન નહોતું કરવાનું તે મેં કરી નાખ્યું. એટલે હવે દુઃખી છું. આત્મહત્યા તો અસહ્ય, પિતાને ત્યાં પણ સુખી નહીં થઉં, અહીં વિરક્ત રહીને જ જીવું.’ આમ મંદોદરી દુરાચારી પતિને ત્યાં જ રહીને સંતાપ વેઠતી રહી. સાંસારિક સુખ ન મળ્યું.’ મહિષાસુરે આ કથા કહીને દેવીને પૂછ્યું, ‘શું તમે પણ મને ના પાડીને કોઈ નિંદ્ય, મૂર્ખને પામવા માગો છો? મારી વાત માની જાઓ, જો એમ નહીં કરો તો દુઃખી દુઃખી થઈ જશો.’ આ સાંભળી દેવીએ કહ્યું, ‘મૂર્ખ, હવે તું પાતાળમાં જા, નહીંતર યુદ્ધ કર. તારો વધ કર્યા પછી બધા અસુરોનો વધ કરીશ. જ્યારે જ્યારે સંતો દુઃખી થાય છે ત્યારે ત્યારે હું દેહધારણ કરીને પ્રગટું છું. તું જાણી લે, હું અરૂપા છું, અજન્મા છું. દેવતાઓની રક્ષા કરવા મેં રૂપ લીધું, જન્મ લીધો. મારી વાણી અડગ છે. દેવતાઓની પ્રાર્થનાને કારણે જ હું પ્રગટી છું. તને મારી નાખ્યા પછી હું અંતર્ધાન થઈ જઈશ. એટલે તું યુદ્ધ કર, અથવા પાતાળમાં જતો રહે. હવે મારે તને મારી જ નાખવો છે.’ જગદંબા આ પ્રમાણે બોલ્યાં એટલે ધનુર્ધારી મહિષાસુર યુદ્ધ કરવા આવ્યો. તેણે બાણો ફ્ેંકવા માંડ્યાં. એ બધાં બાણ દેવીએ કાપી નાખ્યાં. બંને વચ્ચે ઘોર યુદ્ધ આરંભાયું. દેવો-દાનવો પોતપોતાના વિજયની આશા રાખતા હતા. એટલામાં ત્યાં દુર્ઘષ દૈત્ય આવીને ઝેરી બાણ ફેંકવા લાગ્યો. ભગવતીનાં બાણોથી તે મૃત્યુ પામી ધરતી પર પછડાયો. એટલે હવે ત્રિનેત્રે આવીને સાત બાણ છોડ્યાં. ભગવતીએ તે બાણ કાપીને સામે ત્રિશૂળ ફેંકી ત્રિનેત્રનો વધ કર્યો. હવે લોખંડની ગદા લઈને અંધકે આવીને સિંહના માથે વીંઝી. પણ સિંહે બળવાન અંધકને ચીરી નાખી તેનું માંસ ખાધું. આ દૈત્યોનું મૃત્યુ જોઈને મહિષાસુર આશ્ચર્ય પામ્યો. શિલા પર સજેલાં બાણ છોડ્યાં ખરાં પણ ભગવતીએ તેમને કાપી નાખ્યાં, અને તેની છાતીમાં ગદા મારી. દેવોને પીડનારો રાક્ષસ મૂર્છા પામ્યો. પણ ફરી તેણે સિંહ પર ગદા ઉગામી. તે સિંહે નખ વડે મહિષાસુરને ચીર્યો. પછી તે રાક્ષસ મનુષ્ય મટીને સિંહ થયો. દેવીના સિંહને નખ વડે ચીરવાનો પ્રયત્ન કર્યો, તે જોઈ દેવી ક્રોધે ભરાયાં. ઝેરી બાણ તેમણે રાક્ષસ ઉપર ફેંક્યાં. હવે તે રાક્ષસ સિંહ મટીને હાથી થયો. પછી મનુષ્ય બની પર્વત શિખર ઉઠાવી દેવી પર ફેંકવા ગયો. દેવીએ તે શિખરના ટુકડેટુકડા કરી નાખ્યા અને અટ્ટહાસ્ય કરવાં લાગ્યાં. પછી એકાએક સિંહ ઊછળીને હાથી બનેલા રાક્ષસ પર કૂદ્યો, એટલે રાક્ષસ શરભ બનીને દેવીના સિંહને મારવા ગયો. દેવીએ શરભ પર તલવારનો ઘા કર્યો, દાનવે પણ દેવી પર ઘા કર્યો, બંને વચ્ચે ફરી યુદ્ધ શરૂ થયું. રાક્ષસે હવે પાડાનું રૂપ લઈ શિંગડાંથી દેવી પર ઘા કરવા ગયો. તેનું રૂપ ભયાનક હતું. શિંગડાંથી અને પૂંછડાથી દેવીને ઇજા કરવા લાગ્યો. તે દુષ્ટ શિંગડાંથી અને પૂંછડાથી હસતાં હસતાં પથ્થરો ફેંકતો હતો. અભિમાની દૈત્યે દેવીને કહ્યું, ‘હવે તું ઊભી રહે. અત્યારે હું તને મારી નાખીશ. તારી બુદ્ધિ બહેર મારી ગઈ છે એટલે મારી સાથે યુદ્ધ કરવા આવી છે. તું મોહ પામી છે એટલે તારું બળ ઓસરી ગયું છે. તારો વધ કર્યા પછી દેવતાઓનો વધ કરીશ. એ કપટી દેવો સ્ત્રીને આગળ કરીને વિજયનાં સ્વપ્ન જુએ છે.’ દેવીએ કહ્યું, ‘મૂર્ખ, અભિમાન ન કર. યુદ્ધભૂમિમાં ઊભો રહે, ઊભો રહે. તને મારીને દેવતાઓને નિર્ભય કરીશ.’ આમ બોલી દેવી ત્રિશૂળ લઈને ધસ્યાં, આકાશમાંથી પુષ્પવર્ષા થઈ. બધાં યુદ્ધ નિહાળી રહ્યાં હતાં. મહિષાસુર તો માયાવી હતો એટલે ભગવતી પર અનેક રૂપ લઈ ઘા કરી રહ્યો હતો. ચંડિકાએ તેની છાતીમાં ત્રિશૂળ માર્યું. દેવીની આંખો રાતીચોળ હતી. ત્રિશૂળના ઘાથી દૈત્ય ભૂમિ પર પડી ગયો. ઘડીભર મૂર્ચ્છા પામીને તે પાછો ઊભો થયો અને પગ વડે પ્રહાર કરવા લાગ્યો. આમ કરતી વખતે તે ખૂબ હસીને ગર્જના કરતો હતો. એટલે દેવતાઓ બી ગયા. હવે જગદંબાએ હજાર આરાવાળું ચક્ર લીધું, રાક્ષસ સામે જ ઊભો હતો. ગર્જના કરીને તેમણે કહ્યું, ‘અરે અભિમાની, આ ચક્ર જો. તારું ગળું કાપી નાખશે. પછી તું યમલોક જઈશ.’ આમ કહી ભગવતીએ ચક્ર ફેંક્યું એટલે મહિષાસુરનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. તેના ગળામાંથી ગરમ લોહીનો પ્રવાહ નીકળ્યો તે પર્વતમાંથી વેગથી વહેતા ઝરણા જેવો હતો. મસ્તક કપાયા પછી ધડ ચકરાતું જમીન પર પડ્યું. પછી બળવાન સિંહ નાસી જતા દાનવોનું ભક્ષણ કરવા લાગ્યો. બચી ગયેલા દાનવોએ પાતાળનો રસ્તો લીધો. દાનવના મૃત્યુ પછી બધાને આનંદ આનંદ થયો. ચંડિકા પણ યુદ્ધભૂમિની બહાર જઈ એક પવિત્ર જગાએ બેઠાં. દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા. ‘જગતની ઉત્પતિ, સ્થિતિ અને વિનાશ તમારા કારણે જ છે. તમારાં નામ કેટલાં બધા છે. — કીર્તિ, મતિ, સ્મૃતિ, ગતિ, કરુણા, દયા, શ્રદ્ધા, ધૃતિ, વસુધા, કમલા, અજપા, પુષ્ટિ, કલા, વિજયા, ગિરિજા, જયા, તૃષ્ટિ, પ્રભા, બુદ્ધિ, ઉમા, રમા, વિદ્યા, ક્ષમા, કાન્તિ, મેધા…… દેવતાઓની વિશેષ સ્તુતિ સાંભળીને દેવીએ કહ્યું, ‘આ સિવાય પણ બીજું કોઈ કાર્ય હો તો કહો. સંકટ સમયે મને યાદ કરજો.’ એમ કહી દેવી અંતર્ધાન થઈ ગયાં.
શુંભ-નિશુંભની કથા
શુંભ અને નિશુંભ નામના બે સહોદર રાક્ષસ પાતાળમાંથી પૃથ્વી પર આવ્યા. યુવાનીમાં પુષ્કર તીર્થમાં જઈ અન્નજળનો ત્યાગ કરી તપ કરવા બેઠા. દસ હજાર વર્ષ તપ કરીને બ્રહ્માને પ્રસન્ન કર્યા. ‘ઊઠો. તમારા તપથી હું પ્રસન્ન થયો છું. ઇચ્છા થાય તે વરદાન માગો.’
બ્રહ્માની વાણી સાંભળી બંને ભાઈઓની સમાધિ તૂટી. બ્રહ્માને વંદન કરીને બોલ્યા, ‘તમે જો અમારા પર પ્રસન્ન થયા હો તો અમને અમર બનાવો. મૃત્યુ સિવાય અમને બીજો કોઈ ભય નથી. એ ભયથી ત્રાસીને અમે તમારા શરણે આવ્યા છીએ. તમે અમારો આ જનમ-મરણનો ભય દૂર કરી આપો.’
બ્રહ્માએ કહ્યું, ‘ત્રણે લોકમાં તમને આવું વરદાન કોઈ આપી નહીં શકે. જે જન્મે તે મૃત્યુ પામે અને જે મૃત્યુ પામે તે જન્મે, ભગવાને આ સ્થિતિ પહેલેથી જ નિયત કરી છે. તમે બીજું કોઈ વરદાન માગો.’
આ સાંભળીને બંને ભાઈઓ વિચારમાં પડી ગયા. પછી નમ્ર થઈને બોલ્યા, ‘ભગવાન, દેવતા, માનવ, મૃગ, પક્ષી — આમાંથી કોઈ પણ પુરુષ જાતિથી અમારું મૃત્યુ ન થાય. અમને સ્ત્રીઓનો કોઈ ભય નથી. તે તો પહેલેથી જ અબળા છે.’
બ્રહ્મા વરદાન આપીને પોતાના નિવાસે ગયા, દાનવો પોતાને ઘેર ગયા. શુક્રાચાર્યને પુરોહિત બનાવી તેમની પૂજા કરી. મુનિએ શુભ દિવસે, શુભ નક્ષત્રમાં તેમને રાજ આપ્યું, અને સુવર્ણજડિત સિંહાસન આપ્યું. શુંભ મોટો હતો એટલે તેને રાજગાદી મળી. જાણીતા દાનવો તેમની સેવા કરવા આવ્યા. ચંડ, મુંડ, ધૂમ્રલોચન તથા રક્તબીજ જેવા દાનવો પણ આવ્યા. રક્તબીજ વરદાનને કારણે પ્રભાવી હતો. યુદ્ધભૂમિ પર તેને શસ્ત્ર વાગે અને લોહી નીકળે તો જેટલાં ટીપાં પડે તેટલા પુરુષો ઉત્પન્ન થતા હતા. એ બધા દાનવો આકાર, રૂપ, અને પરાક્રમમાં સરખેસરખા હતા, અને જન્મતાંની સાથે જ યુદ્ધમાં જોડાઈ જતા હતા. તે રક્તબીજને મારવા કોઈ સમર્થ ન હતું. શુંભ રાજા થયો એટલે ઘણા બધા રાક્ષસો તેના સેવક બની ગયા. આમ શુંભની સેના ઘણી મોટી અસંખ્ય થઈ ગઈ. શુંભે આખી પૃથ્વી પર પોતાની સત્તા જન્માવી.
નિશુંભે સેના સજ્જ કરીને સ્વર્ગ પર આક્રમણ કર્યું, લોકપાલો સાથે યુદ્ધ કર્યું, ઇન્દ્રે તેની છાતીમાં વજ્ર વડે પ્રહાર કર્યો એટલે તે જમીન પર પડી ગયો. તેની સેના ભાગી ગઈ. નિશુંભ મૂચ્છિર્ત થઈને જમીન પર પડ્યો છે એવા સમાચાર મળ્યા એટલે શુંભ ત્યાં તરત જ આવી પહોંચ્યો, બધા દેવતાઓ પર બાણવર્ષા કરવા માંડી, એ યુદ્ધમાં બધા પર વિજય મેળવ્યો. ઇન્દ્રાસન, કલ્પવૃક્ષ, કામધેનુ તેના અધિકારમાં આવી ગયા. ત્રણે લોકમાં યજ્ઞ તેના નામથી થવા લાગ્યા. નંદનવન પ્રાપ્ત કરીને તેને બહુ આનંદ થયો. અમૃતપાનનો ભારે સંતોષ થયો.
કુબેર, સૂર્ય, ચંદ્ર, યમ, વરુણ, અગ્નિ, વાયુ —- આ બધા પર વર્ચસ્ મેળવ્યું. હાંકી કઢાયેલા દેવો પર્વતની ગુફામાં, નિર્જન જંગલોમાં, નદીઓની ખીણમાં ભટકવા લાગ્યા, સ્થાનભ્રષ્ટ થવાને કારણે તેમને ક્યાંય સુખ ન મળ્યું. સુખ તો દૈવાધીન છે. પરાક્રમી, ભાગ્યશાળી, જ્ઞાની અને શ્રીમંતો પણ સમય ખરાબ હોય ત્યારે લાચારી, દુઃખ અનુભવતા થાય છે. કાળની ગતિ ન્યારી છે. રાજા પણ ભિખારી થઈ જાય, દાતા યાચક બને, બળવાન નિર્બળ બને, શૂરવીર કાયર બને, સો યજ્ઞ કર્યા પછી ઇન્દ્રને સ્વર્ગ મળ્યું અને પછી તે જ બહુ દુઃખી થયો. કાળની ગતિ અદ્ભુત છે.
સ્વર્ગનું રાજ્ય કરતાં કરતાં શુંભને હજાર વર્ષ વીતી ગયાં. રાજ્યભ્રષ્ટ થવાને કારણે દેવો બહુ દુઃખી થઈ ગયા. બૃહસ્પતિ પાસે જઈને તેમણે પૂછ્યું, ‘હવે અમારે શું કરવું? આનો કોઈ ઉપાય છે કે નહીં? યજ્ઞો દ્વારા દુઃખ દૂર થાય છે તો તમે એ યજ્ઞો કરો. દાનવોનો નાશ કેવી રીતે થાય તે વિચારો.’
બૃહસ્પતિ બોલ્યા,‘બધા મંત્રો પણ દૈવાધીન છે. મંત્રોના દેવતા તો તમે છો છતાં કાળને કારણે આ દુઃખ ભોગવવાં પડે છે. તમે બધા જ આપત્તિગ્રસ્ત છો. જે થવાનું હોય છે તે તો થઈને જ રહેશે. છતાં પુરુષાર્થ કરવો જોઈએ. કેટલાક દૈવને સ્વીકારે છે, કેટલાક નથી સ્વીકારતા. પણ મનુષ્યે દૈવ અને પુરુષાર્થ બંનેને સ્વીકારવાં જોઈએ. તમારી બુદ્ધિથી વિચારી પ્રવૃત્ત થાઓ. તમને એક ઉપાય બતાવું. ભૂતકાળમાં જગદંબાએ મહિષાસુરનો વધ કર્યો હતો ત્યારે તમને સંકટ આવે મદદ કરવાનું વચન આપ્યું હતું. તમે મંત્ર વડે તેમની આરાધના કરો. તેઓ પ્રસન્ન થશે અને તમારું દુઃખ દૂર કરશે. તમે બધા હિમાલય જાઓ.’
બ્રહ્માની વાત સાંભળીને બધા દેવો હિમાલય ગયા અને ત્યાં તેમણે માયાબીજ મંત્ર વડે ભગવતીની સ્તુતિ કરવા માંડી. તેમની સ્તુતિથી અદ્ભુત વસ્ત્રો અને આભરણોવાળાં દેવી પ્રગટ્યાં. દિવ્યમાળા, દિવ્ય ચંદન, અર્ચિત કરેલાં તે દેવી વિશ્વમોહિની લાગતાં હતાં. મધુરભાષિણી દેવીએ સ્મિતપૂર્વક દેવતાઓને આગમનનું કારણ પૂછ્યું.
‘ભૂતકાળમાં મહિષાસુરનો વધ કરીને તમે અમને વચન આપ્યું હતું કે દુઃખ પડ્યે હું સહાય કરીશ. શુંભ અને નિશુંભ નામના બે દૈત્ય સંતાપ પમાડે છે, પુરુષો તેમનો વધ કરી શકે એમ નથી. રક્તબીજ અને ચંડ મુંડ પણ એવા જ દૈત્યો છે, તેમણે અમારું રાજ્ય લઈ લીધું છે. હવે તમારા સિવાય અમને કોઈ સહાય કરી શકે એમ નથી. તો તમે અમારું દુઃખ દૂર કરો, આ જગતનું સર્જન તમે જ કર્યું છે એટલે હવે તમે જ તેની રક્ષા કરો.’
આ સાંભળી દેવીએ પોતાની કાયામાંથી બીજી એક દેવી પ્રગટાવી. તેઓ કૌશિકી તરીકે વિખ્યાત થયાં, પાર્વતીના શરીરમાંથી તે પ્રગટ્યાં અને કાળા વર્ણનાં થયાં ત્યારે તે કાલિકા કહેવાયાં. ભયંકર દેખાવવાળા હોવાં છતાં ભક્તોના મનોરથ પૂર્ણ કરતાં હતાં, તેઓ કાલરાત્રિ તરીકે પણ જાણીતાં થયાં. પછી જગદંબાએ દેવતાઓને કહ્યું, ‘હવે તમે નિર્ભય થઈને જાઓ. હું શત્રુઓનો સંહાર કરીશ. શુંભ, નિશુંભ જેવા બધા રાક્ષસોનો વધ કરીશ.’
એમ કહી ભગવતી કૌશિકી સિંહ પર સવાર થયા અને સાથે કાલિકાને પણ લીધાં. બંને જ્યાંથી હવા આવતી હતી ત્યાં જઈને ઊભાં, પછી જગતને મોહ પમાડનારું સંગીત આરંભ્યું. એ સાંભળીને પશુપક્ષી, દેવતાઓ પણ મોહ પામ્યા, શુંભના બે સેવક ચંડે અને મુંડે ત્યાં જઈને આ જોયું. દિવ્ય રૂપસંપન્ન જગદંબા ગાતા હતાં, સામે કાલિકા હતાં. બંને રાક્ષસ અચરજ પામ્યા, તરત જ શુંભ પાસે જઈ પ્રણામ કરી બોલ્યા, ‘કામદેવને પણ મોહ પમાડે એવી સુંદરી હિમાલયમાંથી આવી છે. સિંહ પર બેઠેલી એ સુંદરી દેવલોક કે ગંધર્વ લોકમાં પણ મળવી મુશ્કેલ છે. જગતભરમાં આવી સ્ત્રી જોઈ નથી, સાંભળી નથી. તેના શબ્દથી મોહ પામીને હરણો તેની પાસે જાય છે, તે કોણ છે? અહીં શા માટે આવી છે તે જાણીને તમે તેને તમારી પત્ની બનાવો.’
ચંડે અને મુંડે બહુ મધુર રીતે આખી વાત કરી એટલે પ્રસન્ન થયેલા શુંભે પાસે બેઠેલા સુગ્રીવને દૂત બનાવીને કહ્યું, ‘તું જા, તું ચતુર છે અને આ કાર્યને પાર પાડ. એ સ્ત્રી અહીં આવે એ રીતે તું પ્રસન્ન કર. જાણકારો કહે છે સ્ત્રીઓ વિશે સામ દામનો ઉપયોગ કરવો જોઈએ. દંડ, ભેદ ન ચાલે. એટલે શ્રેષ્ઠ ગણાતા સામ દામ વડે તું એ સ્ત્રીને પ્રસન્ન કર.’
શુંભની વાત સાંભળીને સુગ્રીવ તરત જ ચાલી નીકળ્યો, સિંહ પર બેઠેલાં દેવીને પ્રણામ કરીને તે બોલ્યો, ‘અમારા રાજા શુંભ પરમવીર છે, સુંદર છે, દેવશત્રુ છે, ત્રણે લોક પર તેમનું રાજ છે. તમારા રૂપની પ્રશંસા સાંભળીને તેઓ તમારા પર મોહ પામ્યા છે. મારી સાથે તેમણે સંદેશો મોકલ્યો છે, તેઓ તમારા દાસ બનીને તમારા પતિ બનવા માગે છે. તમારી આજીવન સેવા કરવા માગે છે.’
દૂતની વાત સાંભળીને જગદંબાના મોઢા પર સ્મિત ફરક્યું. તેમણે દૂતને કહ્યું, ‘બળવાન રાજા શુંભને હું ઓળખું છું. દેવતાઓને તેમણે જીતી લીધા છે. ગુણવાન છે. સુંદર છે. દેવ અને મનુષ્ય તેમને મારી ન શકે એવા છે. બધા શુંભથી બીએ છે. તેમના ગુણ સાંભળીને હું તેમને જોવા આવી છું. મારો આટલો સંદેશો તેમને પહોંચાડજો. બળવાનોમાં અતિ બળવાન, રૂપવાનોમાં અતિ સુંદર છો, દાનવીર, ગુણવાન છો, ઉત્તમ કુળવાન છો, તમારી શક્તિથી સમૃદ્ધ બન્યા છો. હું કોઈને પતિ બનાવવા ચાહું છું. પણ મારી એક મુશ્કેલી છે. મેં બાળકબુદ્ધિથી એક પ્રતિજ્ઞા કરી હતી. મારા જેટલી સખીઓ સાથે રમતી હતી ત્યારે તેમની આગળ મેં પ્રતિજ્ઞા કરી હતી કે જે મારા જેવો પરાક્રમી હશે અને મને યુદ્ધમાં જીતી લેશે તેની સાથે હું પરણીશ. મારી આવી પ્રતિજ્ઞા સાંભળીને સખીઓ હસી. તે બોલી, આ કન્યાએ ઉતાવળમાં કેવી અઘરી પ્રતિજ્ઞા લીધી છે. એટલે હે રાજન્, તમે મારી સાથે યુદ્ધ કરો અને મને જીતી લો. તમે કે તમારો ભાઈ — આવે અને યુદ્ધ કરે. પણ મને હરાવીને જ તમે લગ્ન કરી શકશો.’
જગદંબાની વાત સાંભળીને સુગ્રીવને બહુ આશ્ચર્ય થયું. તે બોલ્યો, ‘અરે સુંદર કટાક્ષવાળી સુંદરી, સ્ત્રીબુદ્ધિથી આ શું બોલો છો? તેમણે ઇન્દ્ર સહિત બધા દેવતાઓને, બળવાન દૈત્યોને જીત્યા છે અને તમે તેમની સાથે યુદ્ધ કરી જીતવા માગો છો? ત્રણે લોકમાં શુંભને જીતી શકે એવો કોણ છે? તમારું ગજું કેટલું? આવી વાત કરાય જ નહીં. પોતાના અને સામાના બળને જાણીને જ વાત કરવી જોઈએ. શુંભ તમારા રૂપે ઘેલા બન્યા છે. તમે તેમની પ્રાર્થના પૂરી કરો. મારી વાત માનીને શુંભ કે નિશુંભ કોઈને પણ પતિ તરીકે સ્વીકારી લો. જો તમે નહીં માનો તો બીજા દૂત આવશે અને તમારા કેશ ઝાલીને લઈ જશે. તમે આ દુસ્સાહસ ત્યજી દો. મારી વાત માનો. તીક્ષ્ણ બાણવર્ષા ક્યાં અને ક્યાં કામક્રીડા?’
આ સાંભળી દેવીએ કહ્યું, ‘તમે વાક્પ્રવીણ છો. શુંભ-નિશુંભ બળવાન છે એની તો મને જાણ છે. પણ બાળપણની મારી પ્રતિજ્ઞા કેવી રીતે તોડાય? તમે તેમને કહી દો કે યુદ્ધ કર્યા સિવાય કોઈ મારો પતિ બની નહીં શકે — તે ગમે તેટલો સુંદર કેમ ન હોય. મને જીતો અને પરણો. હું સ્ત્રી હોવા છતાં યુદ્ધ કરવા અહીં આવી છું. તમારામાં શક્તિ હોય તો વીર બનીને યુદ્ધ કરો અને મારા ત્રિશૂળની બીક લાગતી હોય તો પાતાળમાં જતા રહો. મારી વાત તમારા રાજાને કહો અને એને જે ઠીક લાગશે તે કરશે. દૂતે તો નિષ્પક્ષ રહીને જ વાત કરવી જોઈએ.’
જગદંબાની નીતિપૂર્ણ, શક્તિપૂર્ણ, હેતુપૂર્ણ વાત સાંભળીને આશ્ચર્ય પામતો દૂત પોતાના સ્વામી પાસે આવીને પ્રણામ કરી બોલ્યો, ‘સત્ય છતાં પ્રિય બોલવું જોઈએ. પણ સત્ય વચન બહુ દુર્લભ હોય છે, આ સ્ત્રી કોણ છે, ક્યાંથી આવી છે તેની કશી જાણ નથી, તે યુદ્ધની ઇચ્છાવાળી છે, ગર્વીલી છે, તીખી વાણીવાળી છે. તેણે નાનપણમાં સખીઓ આગળ યુદ્ધમાં જે તેને જીતે તેની સાથે લગ્ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. એટલે તે યુદ્ધ કરવા માગે છે. હવે તમે જે યોગ્ય લાગે તે કરો — તે આયુધોવાળી છે, સિંહ પર બેસીને આવી છે.’
આ સાંભળી શુંભે પોતાના ભાઈ નિશુંભને કહ્યું, ‘તું બુદ્ધિશાળી છે એટલે કહે — આપણે શું કરવું જોઈએ? તો યુદ્ધમેદાનમાં હું જઉં કે તું જાય છે? તું કહે તેમ કરું.’
નિશુંભે કહ્યું, ‘અત્યારે નહીં તમારે જવાનું કે નહીં મારે જવાનું. તમે ધૂમ્રલોચનને મોકલો, તે સ્ત્રીને જીતીને અહીં લઈ આવશે.’
નાના ભાઈની વાત સાંભળીને શુંભે ધૂમ્રલોચનને યુદ્ધભૂમિમાં જવાની આજ્ઞા આપી. ‘તું વિશાળ સેના લઈને જા. તે અભિમાની સ્ત્રીને પકડીને અહીં લઈ આવ. તેના બધા સેવકોને મારી નાખ. તેની સાથે એક કાલી છે, તેને પણ લઈ આવજે. પણ તે સ્ત્રીને સુરક્ષિત રાખજે. તે બહુ કોમળ છે. બીજા બધાને મારી નાખજે પણ તે સ્ત્રીને આંચ ન આવે તે જોજે.’
આ આજ્ઞા સાંભળી ધૂમ્રલોચન શુંભને પ્રણામ કરી વિશાળ સેના લઈને નીકળી પડ્યો. તેની સેનામાં સાઠ હજાર દૈત્ય હતા. દેવી સુંદર ઉદ્યાનમાં બેઠાં હતાં. મૃગલોચની દેવીને ધૂમ્રલોચને જોયાં અને નમ્ર બનીને બધી વાત કરી, શુંભની ઇચ્છા કહી. ‘દૂત તમારી વાત સમજ્યો નહીં એટલે જુદી વાત કરી પણ તમારી ઇચ્છા લગ્નની છે, કામતૃપ્તિની છે. એટલે મારી વાત માનીને શુંભનો સ્વીકાર કરો. તમે તમારા પાદપ્રહારથી અશોક વૃક્ષને ખીલવો છો, કોગળો કરીને બોરસલીને ખીલવો છો તેમ તમે શુંભને પણ ખીલવો.’
ભગવતી કાલિકા બોલ્યાં, ‘અરે દુષ્ટ, તું નટની જેમ બોલે છે. મનમાં ખોટા ખોટા વિચારો કરે છે. તને શુંભે મોકલ્યો છે તો હવે યુદ્ધ કર, દેવી ક્રોધે ભરાયાં છે, તને અને બીજા રાક્ષસોને તીક્ષ્ણ બાણથી ઘાયલ કરી પોતાના નિવાસે જશે. તે મૂર્ખ શુંભ ક્યાં અને જગતને મોહ પમાડનારાં જગદંબા ક્યાં? આ બે વચ્ચે લગ્ન અશક્ય છે. સિંહણ શિયાળને, હાથણી ગધેડાને, સુરભિ ગાય સામાન્ય વૃષભને પતિ બનાવશે?’
આ સાંભળી ધૂમ્રલોચન રાતોપીળો થઈ ગયો, તે કાલીને કહેવા લાગ્યો, ‘અરે કુરૂપા, તને અને આ બળવાન સિંહને સૂવડાવી દઈ આ સુંદર સ્ત્રીને મહારાજ પાસે લઈ જઈશ. રસભંગ ન થાય એટલે જ તને જવા દઉં છું, નહીંતર અત્યારે ને અત્યારે જ તને મારી નાખત.’
કાલિકાએ કહ્યું, ‘ખોટો બકવાસ ન કર, વીર પુરુષો આવું નથી કરતા. પૂરી તાકાતથી બાણ ચલાવ. યમઘેર જવાનો સમય આવી ગયો છે.’
ભગવતી કાલિકાની વાત સાંભળી ધૂમ્રલોચને મજબૂત ધનુષ લઈ બાણવર્ષા કરવા માંડી, ઇન્દ્ર વગેરે દેવતાઓ આકાશમાં રહ્યે રહ્યે જયકાર કરતા હતા,
કાલી અને ધૂમ્રલોચન વચ્ચે ભારે યુદ્ધ થયું. અલગ અલગ શસ્ત્રો વપરાયાં. ધૂમ્રલોચનના રથે જોડેલાં ખચ્ચરોને દેવીએ મારી નાખ્યાં, તેના રથના ટુકડા હસતાં હસતાં કરી નાખ્યા. ધૂમ્રલોચન ક્રોધે ભરાઈને બીજા રથમાં બેઠો, તેણે બાણવર્ષા શરૂ કરી પણ બાણ આવે તે પહેલાં જ દેવી તેને કાપી નાખતાં હતાં. દેવીનાં બાણ વડે ઘણા સૈનિકો મૃત્યુ પામ્યા. તેનો રથ તોડી નાખ્યો, સારથિ અને ખચ્ચર મારી નાખ્યાં. કાલીના બાણથી ધૂમ્રલોચનના ધનુષના ટુકડેટુકડા થઈ જતા હતા. પછી દેવતાઓને આનંદિત કરવા દેવીએ શંખનાદ કર્યો.
રથ વિનાનો ધૂમ્રલોચન ક્રોધે ભરાઈને લોખંડનું કોઈ શસ્ત્ર લઈને દેવીને પાસે ગયો અને ગમે તેમ બોલવા લાગ્યો, ‘અરે કુરૂપી, પિંગળ આંખોવાળી, તારો ખાત્મો બોલાવું છું’ એમ કહી પેલું શસ્ત્ર ફેંક્યું. ભગવતીએ કરેલા હુંકારથી ધૂમ્રલોચન ભસ્મ થઈ ગયો. સૈનિકો ડરી ગયા અને ભાગી ગયા. આનંદિત થયેલા દેવતાઓએ પુષ્પવર્ષા કરી. રણભૂમિ મૃત દાનવોથી, હાથીઘોડા ખચ્ચરોનાં શબથી ઊભરાતી હતી. તેમના શબને ચૂંથતાં ગીધ, કાગડા, શિયાળ, બાજ ઊભરાયાં. પછી જગદંબાએ થોડે દૂર જઈને મોટો શંખનાદ કર્યો. મહેલમાં રહીને શુંભે આ શંખનાદ સાંભળ્યો. અને થોડી વારમાં લોહીલુહાણ, ઘવાયેલા દાનવો જોયા, હાથપગ કપાઈ ગયા હતા, આંખો નીકળી ગઈ હતી, કારમી ચીસો પાડનારા આ દૈત્યોને રાજાએ પૂછ્યું, ‘ધૂમ્રલોચન ક્યાં છે? તમે ભાગી કેમ આવ્યા? પેલી સુંદરીને કેમ ન લાવ્યા? આ ભયજનક શંખનાદ કોણ કરે છે?’
દૈત્યોએ કહ્યું, ‘મહારાજ, બધી સેના નાશ પામી છે. ધૂમ્રલોચન મૃત્યુ પામ્યો છે. રણભૂમિ પર આ બધો ખેલ કાલિકાએ કર્યો, આ શંખનાદ જગદંબા કરી રહી છે. દેવોને તેનાથી આનંદ થાય છે અને દાનવોને દુઃખ થાય છે. સિંહે બધાને મારી નાખ્યા, રથ ભાંગી ગયા, ઘોડા મરી ગયા ત્યારે આકાશમાં રહીને દેવતાઓએ જયનાદ કર્યો, પુષ્પવર્ષા કરી. જ્યારે સૈન્યને ખતમ થયેલું જોયું. ધૂમ્રલોચનને મરેલો જોયો. ત્યારે અમે માની લીધું કે હવે આપણો વિજય શક્ય નથી. તમે બુદ્ધિશાળી મંત્રીઓ સાથે ચર્ચા કરો. સૈન્ય વિનાની એકલી આ સ્ત્રી યુદ્ધ કરી રહી છે એ જ મોટા આશ્ચર્યની વાત છે. એકલી આ કન્યા સિંહ પર બેસીને જે ગર્વ દાખવે છે તે આશ્ચર્ય છે, હવે સંધિ કરવી કે લડાઈ કરવી તે તમારે નક્કી કરવાનું. તેમને દેવતાઓ સહાય કરશે. વિષ્ણુ અને શંકર પણ પાસે જ છે. લોકપાલો પણ પાસે રહે છે. યક્ષ, ગંધર્વ, કિન્નર, ભૂત, પિશાચ, મનુષ્ય — આ બધા તે દેવીને સહાય કરશે. આપણા વિજયની કોઈ શક્યતા નથી. આ એકલી દેવી આખા જગત પર વિજય મેળવી શકે એવી છે. થોડા ઘણા દાનવોનો વધ કરવો એ તેને માટે તો રમત વાત છે. હવે તમને યોગ્ય લાગે તે કરો.’
તેમની વાત સાંભળીને શુંભે એકાંતમાં નિશુંભને કહ્યું, ‘કાલિકાએ સેનાનો ધ્વંસ કર્યો. ધૂમ્રલોચનનો નાશ કર્યો, દાનવો ભાગીને અહીં આવ્યા, પેલી અંબિકા અભિમાની બનીને શંખનાદ કરી રહી છે. તો આ કાળની ગતિ કેવી? ઘાસ વજ્ર જેવું થાય, વજ્ર ઘાસ થાય, બળવાન નબળો થઈ જાય…તો હવે આપણે શું કરીએ? આ અંબિકા તરફ કુદૃષ્ટિ કરવી કે નહીં? આપણું હિત ભાગી જવામાં કે યુદ્ધ કરવામાં? તું નાનો હોવા છતાં અત્યારે તને મોટો માનું છું.’
આ સાંભળી નિશુંભે કહ્યું, ‘અત્યારે નાસી જવામાં કે દુર્ગમાં ભરાઈ રહેવામાં આપણું કલ્યાણ નથી. આપણે કોઈ પણ રીતે યુદ્ધ કરવું જોઈએ. હું રણમાં જઈશ અને એ સ્ત્રીનો નાશ કરીને પાછો આવીશ. જો મૃત્યુ પામું તો યથાયોગ્ય તમારે કરવું.’
આ સાંભળી શુંભે કહ્યું, ‘તું હમણાં જવાનું માંડી વાળ. ચંડ અને મુંડને મોકલીએ. સસલાને પકડવા હાથીને ન મોકલાય. ચંડ અને મુંડ તે સ્ત્રીને જીતી શકશે.’
એટલે શુંભે ચંડમુંડને બોલાવી કહ્યું, ‘તમે પૂરી સેના લઈને નીકળી પડો. તે અભિમાની સ્ત્રીનો વધ કરી નાખો, અથવા તેને પકડીને લઈ આવો. પકડાયા છતાં ન આવે તો તમે એને મારી નાખજો.’
પછી તો ચંડ અને મુંડ શુંભની આજ્ઞાનું પાલન કરવા સેના લઈને નીકળી પડ્યા. ત્યાં જગદંબા ઊભાં જ હતાં. તે બંનેએ કહ્યું, ‘શું તમે ઇન્દ્ર જેવા દેવતાઓને પરાજિત કરનારા શુંભ-નિશુંભને નથી જાણતાં? તમે તો સાવ એકલાં છો. હા, તમારી સાથે સિંહ લઈને આ કાલિકા ઊભી છે. અસંખ્ય સૈનિકોવાળા શુંભને પરાજિત કરવો છે? કોઈએ તમને સાચું માર્ગદર્શન પણ ન આપ્કહ્યું? દેવતાઓ તમને વિનાશના માર્ગે ધકેલી રહ્યા છે. અત્યારે તો દેવતાઓને હરાવનારા, હાથીઓને ચીરી નાખનારા, ઐરાવતની સૂંઢ કાપનારા શુંભની વાત માની લો. નિરર્થક ગર્વ ત્યજી દો. અમારી વાત માનો. તમારા માટે આ નિર્ણય સુખદ છે, તેનાથી દુઃખનો અંત આવશે. દેવી, તમે તો ભારે બુદ્ધિશાળી છો. શુંભે દેવતાઓનો ખાત્મો બોલાવ્યો છે, આ પ્રત્યક્ષ પ્રમાણ છે, તેમને યુદ્ધમાં કોઈ જીતી નહીં શકે. તેઓ દેવતાના ભયંકર મોટા શત્રુ છે. એટલે તો દેવતા તેમની સામે આવતા નથી અને તમને મોકલે છે. આ સ્વાર્થી દેવો તમને ખોટી શિખામણ આપે છે. અત્યારે વિજયમાળા તેમના ગળામાં છે. તેઓ સુંદર, શૂરવીર, કામનિપુણ છે. તેમની આજ્ઞાથી બધાનું ઐશ્વર્ય તમે ભોગવી શકશો. એટલે તમે શુંભને પતિ બનાવી લો. આ તક જવા ન દો.’
ચંડની વાત સાંભળીને દેવીએ કહ્યું, ‘અરે હલકટ, તું અહીંથી જતો રહે. વિષ્ણુ અને શંકરને બાજુએ રાખી રાક્ષસ શુંભને પસંદ કરું? હું કોઈનેય પતિ બનાવવા માગતી નથી, મારે પતિનું કામ પણ નથી. અખિલ વિશ્વમાં મારું શાસન છે. મેં એવા તે કેટલાય શુંભ નિશુંભ જોઈ લીધા છે. કેટલાય દાનવોનો વધ કર્યો છે. દરેક યુગમાં દેવતાઓ — દાનવોનાં ટોળાં નાશ પામ્યાં છે. દૈત્યોનો નાશ કરનાર કાળ અહીં ઊભો છે. તારા દૈત્યવંશની રક્ષાનો પ્રયત્ન છોડી દે. તું યુદ્ધ કર. મરણ તો થશે જ. દુષ્ટ શુંભ અને નિશુંભ તારું શું કલ્યાણ કરવાનાં છે? એટલે વીર ધર્મનો આશ્રય લઈ સ્વર્ગે જા. શુંભ — નિશુંભ અને બીજા તારા બાંધવો સ્વર્ગે જશે. હું એક પછી એક દાનવને મારી નાખીશ. વિષાદયોગ ત્યજી દે. તારા માટે યુદ્ધ એ જ કલ્યાણ છે. મારા હાથે તારો વધ થાય તે પછી તારા ભાઈનો વારો. પછી શુંભનિશુંભ રક્તબીજ મરશે. બીજા બધા દાનવોનો વધ કરીને હું મારા સ્થાને. તું અહીં ઊભો રહે અથવા નાસી જા. ઊભા રહેવું હોય તો શસ્ત્ર ઉપાડ. વ્યર્થ બબડાટ ન કર. કાયરોની જેમ બકવાસ ન કર.’
દેવીએ આમ કહ્યું એટલે ક્રોધે ભરાયેલા ચંડમુંડે અભિમાની બની ધનુષટંકાર કર્યો, દેવીએ શંખઘોષ કર્યો. દસે દિશા ગાજી ઊઠી. દેવતાઓ, ઋષિઓ, ગંધર્વો આ સાંભળી આનંદમાં આવી ગયા. બળવાન સિંહ પણ ગરજવા લાગ્યો. પછી બંને વચ્ચે યુદ્ધ આરંભાયું, શસ્ત્રો ફેંકાવાં લાગ્યાં. દેવી પોતાનાં બાણ વડે શત્રુનાં બાણ કાપવાં લાગ્યાં. પછી જેમ વર્ષાના અંતે ખેડૂતો માટે ચિંતાજનક તીડોથી આકાશ છવાઈ જાય તેમ બાણ વડે આકાશ છવાઈ ગયું. મુંડનાં અઢળક બાણોથી ક્રોધે ભરાઈને તેમનું મોં કાળી મેઘઘટા જેવું થયું, આંખો કેળપુષ્પ જેવી અને ભ્રમરો વાંકી થઈ ગઈ. તેમનામાંથી કાલી દેવી પ્રગટ્યાં. વાઘાડંબરવાળાં, ગળામાં ખોપરીઓની માળા ધારણ કરનારાં, સુકાઈ ગયેલી વાવ જેવા પેટ ધરાવતાં, તલવારવાળાં, પહોળા કરેલા મુખવાળાં, જીભને લપલપાવતાં, વિશાળ સાથળવાળાં તે દેવી પરાક્રમી દાનવોને મોઢામાં મૂકીને ચૂરો કરવાં લાગ્યાં. ઘંટસમેત હાથીઓને, મહાવતોને ખાવાં લાગ્યાં, સારથિ સમેત રથ ચાવી ગયાં. ચંડ-મુંડ બાણવર્ષા કરી કાલીને ઢાંકી દેવા જતા હતા, ચંડનું ચક્ર સુદર્શન જેવું, સૂર્ય જેવું હતું. તે ચક્ર દેવી ઉપર ફેંક્યું, કાલીના બાણ વડે એ ચક્રના ટુકડા થઈ ગયા. ચંડીનાં બાણ વાગવાથી તે મૂર્છિત થઈને પડ્યો. એટલે મુંડે બાણવર્ષા કરી. મુંડનાં બાણ કાપીને દેવીએ બાણ ફેંક્યાં, એટલે મુંડ પણ ધરતી પર પડી ગયો. ચંડે મૂર્ચ્છામાંથી જાગીને કાલિકા ઉપર ગદા ફંગોળી. દેવીએ એ પ્રહાર ચૂકવી બાણપાશ વડે ચંડને બાંધ્યો, પછી મુંડને પણ એવી જ રીતે બાંધ્યો.
બંને દાનવોને સસલાંની પેઠે લઈ આવીને કાલિકાએ જગદંબાને કહ્યું, ‘આ બંનેને બલિ રૂપે લાવી છું.’ જગદંબાએ કાલિને કહ્યું, ‘તમે ચતુર છો, તમારે દેવોનું કાર્ય કરવાનું.’
તેમની વાત સાંભળી કાલિકાએ કહ્યું, ‘આ યુદ્ધયજ્ઞનો પ્રારંભ થયો છે, તેમાં આ પશુઓનો બલિ આપીશ.’ એમ કહી બંનેનાં મસ્તક તલવારથી છેદી નાખ્યાં, અને તેમનું લોહી પીવા માંડ્યું. પ્રસન્ન થયેલાં અંબિકાએ કહ્યું, ‘તમે ચંડમુંડને માર્યા એટલે તમારું ચંડિકા નામ પ્રખ્યાત થશે.’
બંને દાનવોનાં મૃત્યુ જોઈને બીજા દાનવો શુંભ પાસે મહોંચી ગયા. ઘણા બધાનાં અંગ કપાઈ ગયાં હતાં. કેટલાકના હાથ તો કેટલાકના પગ. તે બધા રડતાં રડતાં બોલવા લાગ્યા, ‘મહારાજ, અમને બચાવો, અમને બચાવો. તે કાલિએ ચંડમુંડને મારી નાખ્યા, બધા સૈનિકોને ખાઈ રહી છે. અમે ગભરાઈ ગયા છીએ. રણભૂમિ બધાનાં શબથી ભયાનક બની ગઈ છે. ત્યાં માંસ રૂપી કાદવ છે, કેશ રૂપી શેવાળ છે, કપાયેલા હાથ રૂપી માછલાં છે, મસ્તકો રૂપી તુંબડાં છે, કાયરોને ભયભીત કરનારી, દેવોને આનંદ આપનારી રણરૂપી નદીમાં લોહીનું પૂર આવ્યું છે. હવે જો તમારે કુળ બચાવવું હોય તો પાતાળમાં જતા રહો. નહીંતર ક્રોધે ભરાયેલી કાલિકા આપણા બધાનો સંહાર કરશે. તેમનો સિંહ પણ બધાને ખાઈ રહ્યો છે. કાલિનાં બાણોથી કેટલા બધા વીર દાનવો મૃત્યુ પામ્યા છે. નિશુંભ સાથે તમે વ્યર્થ પ્રયાસ કરો છો. કુળસંહારક આ નિર્દય સ્ત્રી તમને મળે તો પણ શું? તમને કયું સુખ આપશે? તમે એ સ્ત્રી માટે બધા બાંધવોને મોતના મોઢામાં ધકેલી રહ્યા છો. થોડા લાભ માટે પણ મોટા દુઃખને આવતું અટકાવવું જોઈએ. દૈવની લીલા તો જુઓ. એક સ્ત્રીના હાથે બધા દાનવો મૃત્યુ પામ્યા. તમારી પાસે સૈનિકો છે તો પણ આ સ્ત્રી યુદ્ધ માટે લલકારી રહી છે. તમે તપ કરીને બ્રહ્મા પાસે વરદાન માગ્યું કે દેવતા, દૈત્ય, મનુષ્ય, સર્પ, યક્ષ, કિન્નર કોઈથી મારું મૃત્યુ ન થાય. એટલે હવે તમારો વધ કરવા આ સ્ત્રી અહીં આવી છે, રાજન્, તમે યુદ્ધ ન કરો, આ દેવી મહામાયા છે, આ દેવી પરમ પ્રકૃતિ છે. બધા ઉપર રાજ કરનારી દેવી બધા લોકોની, દેવતાઓની માતા છે. તે અજેય, અવિનાશી છે, સર્વજ્ઞ છે. આ દેવી સિદ્ધિદાતા છે, તે વેદમાતા, ગાયત્રી છે, સન્ધ્યા છે, તે ગૌરી છે. રાજન્, તમે તેની શરણાગતિ સ્વીકારી લો. તમારા કુળને બચાવી લો. જેટલા દૈત્યો જીવે છે તેમને મોતના મોઢામાં ન ધકેલો.’
દેવસેનાનો નાશ કરનારા શુંભે કહ્યું, ‘તમારાં શરીર બહુ ઘવાયાં છે. એટલે તમે આવું બોલો છો. તમારી જીવવાની ઇચ્છા પ્રબળ છે, તો તમે બધા પાતાળમાં જતા રહો. આખું જગત દૈવાધીન છે એટલે મને જય પરાજયની ચિંતા નથી. દેવતાઓ સમેત બધા દૈવાધીન છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, યમ, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, વરુણ, ઇન્દ્ર બધા જ દૈવાધીન હોય તો મને શી ચિંતા? જે થવાનું હશે તે થશે. વિદ્વાનો કશાનો શોક કરતા નથી, મૃત્યુથી ગભરાઈ જઈને કોઈ સ્વધર્મનો ત્યાગ કરતું નથી. મારે મારા ધર્મનું પાલન કરવાનું છે. આ સ્ત્રીનો પડકાર ઝીલવાને બદલે સેંકડો વર્ષ શા માટે જીવવાની આશા સેવું? હું યુદ્ધ કરીશ. જય કે પરાજય — જે આવશે તે સ્વીકારીશ. પુરુષાર્થ કરવો જ જોઈએ, પ્રારબ્ધને બળવાન નહીં ગણવું. દળનારી સ્ત્રી ઘંટી પાસે કશું કર્યા વિના બેસી જ રહે તો લોટ પડે જ નહીં; ઉદ્યમ કરવો જ પડે. દેશ, કાળ, શક્તિ, દુશ્મનની શક્તિ જાણીને કરેલું કાર્ય સિદ્ધિ અપાવે જ.’
આમ નિર્ણય કરી શુંભે રક્તબીજને સેના સાથે યુદ્ધભૂમિ પર જવાની આજ્ઞા આપી. રક્તબીજે કહ્યું, ‘મહારાજ, તમે જરાય ચિંતા ન કરતા. હું એ સ્ત્રીને મારીશ અને અંબિકા તમને સોંપી દઈશ. તમે મારી યુદ્ધનીતિ જોજો. દેવોને પ્રિય એવી એ કન્યા મારા માટે શી વિસાતમાં? એને જીતીને તમારી દાસી બનાવીશ.’
આમ કહી રક્તબીજ સેના લઈને નીકળી પડ્યો. તેની સાથે ચતુરંગિણી વિશાળ સેના હતી. તે રથમાં બેસીને જગદંબા પાસે ગયો. તેને આવતો જોઈ જગદંબાએ શંખઘોષ કર્યો. તે સાંભળી દૈત્ય ડરી ગયા. એ ઘોષ સાંભળ્યા પછી રક્તબીજે દેવી પાસે જઈને કહ્યું,
‘મને કાયર માનીને આ શંખઘોષથી તમે ડરાવો છો? હું ધૂમ્રલોચન નથી. રક્તબીજ છું. કોયલકંઠી, યુદ્ધ માટે તૈયાર થાઓ. આજે મારી વીરતા જોજો. તમારી સામે આવેલા કાયરો જેવો હું નથી, ઇચ્છામાં આવે તે રીતે યુદ્ધ કરજો. વૃદ્ધ પુરુષોની વાણી, નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર — આ બધાનો જો તમને પરિચય હોય તો મારી વાત સાંભળો. મુખ્ય રસ બે શૃંગાર અને શાંત. બંનેમાં શૃંગાર વધુ ચઢિયાતો. એટલે તો વિષ્ણુ લક્ષ્મી સાથે, બ્રહ્મા સાવિત્રી સાથે, મૃગ મૃગી સાથે, કબૂતર કબૂતરી સાથે આનંદથી રહે છે. બધાં પ્રાણી સંયોગપ્રિય છે, જેમને આ લહાવો નથી મળતો તે મૂઢ લોકો છે. એટલે તમે શુંભ કે નિશુંભને પતિ બનાવો.’
રક્તબીજની આવી વાત સાંભળીને ચામુંડા, કાલિકા, અંબિકા મોટે મોટેથી હસવાં લાગ્યાં.
દેવીએ ગંભીર વાણીમાં કહ્યું, ‘મેં આ પહેલાં દૂત સાથે બધી વાત કરી જ છે. તો હવે આ અર્થહીન બકવાસ શાનો? ત્રિલોકમાં મારાં રૂપ, બળ, વૈભવમાં સમાન એવો કોઈ પુરુષ હોય તો તેની સાથે લગ્ન કરવાની મેં પ્રતિજ્ઞા કરી હતી. તું તારા રાજાઓને કહી દે કે યુદ્ધમાં હરાવીને આ સ્ત્રી સાથે લગ્ન કરે. તું પણ શુંભ નિશુંભની આજ્ઞા પામીને અહીં આવ્યો છે. તો યુદ્ધ કર અથવા પાતાળમાં જતો રહે.’
દેવીની વાત સાંભળી ગુસ્સે થયેલા રક્તબીજે સિંહ પર છોડેલાં બાણ અંબિકાએ સર્પ જેવાં બાણ વડે કાપી નાખ્યાં. બીજાં કેટલાંક બાણ કાન સુધી પણછ ખેંચીને માર્યાં. એટલે રાક્ષસને મૂર્છા આવી. તેના પડી જવાથી દૈત્યો હાહાકાર કરવા લાગ્યા. તેમનો અવાજ સાંભળી શુંભે દૈત્યોના બધા સૈન્યોને કંબોજવંશી દાનવોને તથા કાલકેયવંશી દાનવોને — રણમેદાનમાં જવાની આજ્ઞા આપી. તે સેના ચાલવા માંડી, ભગવતીએ તે સેનાને જોઈને ઘંટનાદ કર્યો, ધનુષટંકાર અને શંખધ્વનિ પણ કર્યો. તે ધ્વનિને કારણે કાલિનો જન્મ થયો. દેવીના સિંહે પણ ગર્જના કરી, કેટલાક દાનવો મૂર્ચ્છા પામ્યા. દાનવોએ બાણવર્ષા શરૂ કરી. પછી બંને વચ્ચે ઘોર યુદ્ધ શરૂ થયું.
તે યુદ્ધમાં બ્રહ્મા વગેરે દેવોની શક્તિઓ પણ આવી. બ્રહ્માની શક્તિ હંસ પર બેસીને રુદ્રાક્ષની માળા પહેરી આવી. વૈષ્ણવી શક્તિ ગરુડ પર બેસીને આવી. તેના હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ હતાં, પીતાંબરધારી હતી. શંકરની શક્તિ શિવાદેવી નંદી પર બેસીને હાથમાં ત્રિશૂળ લઈને મસ્તકે અર્ધચંદ્ર ધારણ કરીને આવી. કાર્તિકની કૌમારી શક્તિ મોર પર બેસીને આવી, ઇન્દ્રાણી ધોળા હાથી પર બેસીને હાથમાં વજ્ર લઈને આવી, વરાહરૂપ ધારણ કરનાર વારાહી શક્તિ પ્રેત પર બેસીને આવી, નૃસિંહ જેવા રૂપવાળી નારસિંહી શક્તિ આવી, યમરાજની શક્તિ પાડા પર બેસીને હાથમાં દંડ લઈને આવી. આમ વરુણ, કુબેરની શક્તિઓ પણ આવી. ત્યાં આવેલી બધી શક્તિઓને જોઈ દેવી રાજી રાજી થઈ ગયાં. દૈત્યો ડરી ગયા. શંકર ભગવાને ત્યાં પધારી ચંડિકાને કહ્યું, ‘દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા તમે જેટલા દાનવો અહીં હોય તે બધાને મારી નાખો, જગતને નિર્ભય કરો, દેવતાઓને યજ્ઞભાગ મળે, જગતનાં પ્રાણીઓને સુખ સાંપડે, બધા ઉપદ્રવો શાંત થાય, સમય પ્રમાણે વરસાદ પડે, ધરતી ધનધાન્યથી સમૃદ્ધ બને.’
શંકર આમ બોલી રહ્યા હતા ત્યારે ચંડિકાની કાયામાંથી એક ભયાનક ઉગ્ર, શિયાળવીઓના અવાજથી ગાજતી દેવી પ્રગટી. તેમણે શંકર ભગવાનને કહ્યું, ‘ભગવાન, તમે અત્યારે દાનવરાજ પાસે જાઓ. શુંભ નિશુંભ ભારે અભિમાની થઈ ગયા છે. તમે દૂત તરીકે મારો સંદેશો આપો, ‘તમે બધા સ્વર્ગ છોડીને જતા રહો. દેવતાઓ અહીં સ્વર્ગમાં રહેશે. ઇન્દ્રને તેનું સ્થાન મળે, દેવતાઓને યજ્ઞ ભાગ મળે. જો જીવવું હોય તો તરત પાતાળમાં જતા રહો. અને મરવાની ઇચ્છા હોય તો યુદ્ધભૂમિ પર આવો. મારી શૈવી શક્તિ તમારું માંસ આરોગશે.’
તેની વાત સાંભળીને શંકર ભગવાન તરત જ દાનવરાજ શુંભ પાસે ગયા અને બોલ્યા, ‘હું ત્રિપુરાસુરનો નાશ કરનાર મહાદેવ જગદંબાનો દૂત બનીને અહીં આવ્યો છું. દેવીએ કહેવડાવ્યું છે કે અત્યારે બલિરાજા જ્યાં રહે છે તે પાતાળમાં જતા રહો. અથવા મૃત્યુ પામવું હોય તો મારી સાથે યુદ્ધ કરો. તમને બધાને હું યુદ્ધમાં મારી નાખીશ. તમારા કલ્યાણ માટેનો આ સંદેશ છે.’
અમૃત જેવું હિતકારી વચન સંભળાવી શંકર ભગવાન પાછા આવ્યા. જે શક્તિએ ભગવાનને દૂત બનાવ્યા તે શિવદૂતી તરીકે ખ્યાત થયાં. શંકરે કહેલો સંદેશો દૈત્યોથી સહન ન થયો. એટલે કવચ પહેરી હાથમાં આયુધો લઈને તેઓ નીકળી પડ્યા અને જગદંબાની સામે આવીને તેમણે બાણવર્ષા કરી. કાલિકા હાથમાં ત્રિશૂળ ગદા શક્તિ લઈને દાનવોનો નાશ કરતાં હતાં. બ્રહ્માણી હાથમાં રહેલા કમંડળમાંથી દાનવો પર જળ છાંટતાં હતાં. એટલે દાનવોનો નાશ થતો હતો. માહેશ્વરી નંદી પર બેસીને ત્રિશૂળ વડે દાનવોનો સંહાર કરતા હતાં. વૈષ્ણવીનાં ચક્ર અને ગદાથી પણ ઘણા દાનવોનાં મસ્તક કપાઈ ગયાં. એન્દ્રિના વજ્રથી કેટલાય દાનવોના પ્રાણ ગયા. ઐરાવતની સૂંઢથી પણ ઘણા દૈત્ય મૃત્યુ પામ્યા. વારાહીની આખી કાયા ક્રોધથી તમતમી ઊઠી, મોઢાના આગલા ભાગથી અને દાઢો વડે સેંકડો દાનવો મૃત્યુ પામ્યા. નારસિંહી શક્તિ મોટા મોટા દૈત્યોને ચીરીને ગળી જતી હતી. શિવદૂતીના અટ્ટહાસ્યથી દૈત્યો પૃથ્વી પર ગબડી પડતા હતા. ચામુંડા અને કાલિકા ધરતી પર પડેલાઓને ખાઈ જતાં હતાં, મોરનું વાહનવાળા કૌમારી દેવતાઓના લાભાર્થે બાણવર્ષા કરીને દાનવોને મારતાં હતાં. હાથમાં પાશ લઈને આવેલાં વારુણી દૈત્યોને બાંધી બાંધીને પછાડતાં હતાં. ધરતી પર પડેલા દાનવો મૂર્ચ્છા પામીને નિર્જીવ થઈ જતા હતા.
આમ માતાઓના સમૂહે અત્યંત વીર દાનવસેનાનો ભારે સંહાર કર્યો. એટલે બચી ગયેલા દાનવો નાસવા માંડ્યાં. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. રક્તબીજ એ બધી બૂમો સાંભળી, જયજયકારનો અવાજ સાંભળી કાંપ્યો. એ આયુધો ધારણ કરી રણમેદાનમાં આવ્યો. ભગવાન શંકરે તેને અદ્ભુત વરદાન આપ્યું હતું, તેના શરીરમાંથી લોહીનું ટીપું પડે એટલે તેમાંથી રાક્ષસો જન્મતા હતા. તે બધા એવા જ ભયંકર હતા. આ વરદાનને કારણે અભિમાની બની ગયેલો રક્તબીજ દેવીની સામે આવ્યો. ત્યાં કાલિકા પણ હતાં. ગરુડ પર બિરાજેલાં, રાજીવલોચના વૈષ્ણવી શક્તિ પર દાનવોએ પ્રહાર કરવા શક્તિ ફંગોળી. વૈષ્ણવી દેવીએ ગદાથી તે શક્તિને અટકાવી અને ચક્ર ફેંક્યું. રાક્ષસના શરીરમાંથી લોહીની ધાર વહેવા માંડી અને તેનાં રક્તનાં ટીપાં જ્યાં જ્યાં પડ્યાં ત્યાં ત્યાં તેના જેવા હજારો રાક્ષસો જન્મ્યા, એન્દ્રિએ વજ્રપાત કર્યો. એટલે તેમાંથી નીકળેલા લોહીમાંથી પણ અસંખ્ય રક્તબીજ પ્રગટ્યા. આયુધધારી તેઓ યુદ્ધમાં પીછેહઠ કરનારા ન હતા. બ્રહ્માણી ક્રોધે ભરાઈને બ્રહ્મદંડથી મારવા લાગ્યા. માહેશ્વરીએ ત્રિશૂળથી દાનવોને વાઢી નાખ્યા. નારસંહીિના નખથી મહાઅસુરનું શરીર ચીરાઈ ગયું. વારાહી પોતાના મોં વડે નીચ દાનવોને મારવા લાગ્યા. કૌમારીએ શક્તિનો પ્રહાર તેમની છાતીમાં કર્યો.
રક્તબીજે બાણ, ગદા, શક્તિ વડે દેવીઓ પર પ્રહાર કર્યા. દેવીઓએ પણ સામો પ્રહાર કર્યો, ચંડિકાએ બાણ મારીને દાનવનાં શસ્ત્ર કાપી નાખ્યાં. ચારે બાજુથી બાણવર્ષા કરી રક્તબીજના શરીરમાંથી રુધિરધારા વહી અને તેના જેવા બીજા દાનવો ઉત્પન્ન થયા. બધા યુદ્ધ કરવા અધીરા બન્યા. તેમણે દેવીઓ પર પ્રહાર કરવા માંડ્યા. ઉદાસ થયેલા દેવતાઓ ડરી ગયા. આટલા બધા દૈત્યોનો સંહાર થશે કેવી રીતે? આ નવા રાક્ષસો વિકરાળ છે, શૂરવીર છે. અહીં માત્ર ચંડિકા, કાલિકા અને દેવીઓ છે. પણ તે બધા રાક્ષસોને પહોંચી વળશે એ પ્રશ્ન છે. શુંભ અને નિશુંભ પણ જો રણભૂમિ પર આવી ચડશે તો શું થશે?
ભયભીત દેવતાઓ જ્યારે ચિંતા કરતા હતા ત્યારે જગદંબાએ કાલીને કહ્યું, ‘ચામુંડા, તું તારું મોં પહોળું કર. મારા શસ્ત્રપ્રહારથી જે લોહી નીકળે તે ઝટ ઝટ પી જા. દાનવોનું ભક્ષણ કરવા માંડ. હું બાણ, ગદા, તલવાર, મુસળ વડે આ દાનવોનો નાશ કરું છું. તું એક પણ ટીપું ધરતી પર ન પડે એવી રીતે તેનું લોહી પી જજે. તો બીજા દાનવ ઉત્પન્ન નહીં થાય. આ સિવાય બીજો કોઈ ઉપાય આપણી પાસે નથી. દૈત્યને મારું એટલે તું ખાઈ જજે. રક્તબીજનું બધું લોહી પી જજે. એમ દૈત્યનો વધ કરી સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને આપી આપણે અહીંથી ચાલ્યા જઈશું.’
જગદંબાની વાત સાંભળી ચામુંડા રક્તબીજના શરીરમાંથી નીકળતું બધું લોહી પીવા તૈયાર થયાં અને ભગવતીએ તલવાર, મુસળ વડે રક્તબીજ પર પ્રહાર કરવા માંડ્યો. ચંડિકાએ તેના શરીરનાં અંગ ખાવા માંડ્યાં. રક્તબીજ ક્રોધે ભરાઈને ચંડિકાને ગદા મારવા ગયો, છતાં ચંડિકાએ રક્તપાન ચાલુ રાખ્યું. આમ તેના શરીરમાંથી ઉત્પન્ન થયેલા બધા રાક્ષસો મરવા માંડ્યા, કાલી તેનું લોહી પીતાં રહ્યાં. કૃત્રિમ રક્તબીજો કાળના ખપ્પરમાં હોમાઈ ગયા, મૂળ રક્તબીજ શસ્ત્રોના મારથી ધરતી પર પડ્યો, તલવારથી તેના શરીરના ટુકડેટુકડા થઈ ગયા. આવા ભયંકર દાનવના મૃત્યુથી ત્યાં જેટલા દાનવ હતા, તે બધા નાસી જઈને શુંભ પાસે પહોંચી ગયા,
એ બધા રાક્ષસો શુંભને કહેવા લાગ્યા, ‘હે રાજન્, અંબિકાએ રક્તબીજને મારી નાખ્યો, ચામુંડા તેના શરીરનું બધું લોહી પી ગઈ. બીજા શૂરવીર દાનવોને પણ દેવીના વાહન સિંહે મારી નાખ્યા. બીજા દૈત્યોને કાલી ખાઈ ગઈ. અમે યુદ્ધની આ જાણકારી તમને આપવા આવ્યા છીએ. આ દેવીને દૈત્ય, દાનવો, ગંધર્વો, અસુરો, યક્ષો, સર્પો, નાગો, રાક્ષસોથી જીતી શકાય એમ નથી. ઇન્દ્રાણી અને બીજી દેવીઓએ પણ ત્યાં આવીને ઘણા બધા રાક્ષસોનો વધ કર્યો છે, રક્તબીજનો પણ વધ કર્યો. એકલી દેવીને પણ જીતવી મુશ્કેલ હતી તો આટલી બધી દેવીઓ ભેગી મળે તો શું થાય? દેવીના વાહન સિંહમાં પણ ખૂબ શક્તિ છે, તે યુદ્ધમાં રાક્ષસોનો ભોગ લે છે. મંત્રીઓ સાથે જે કંઈ મંત્રણા કરવી હોય તે કરો. આ દેવી સાથે વેર કરવું યોગ્ય નથી. સંધિ કરવી જ લાભદાયક છે. જેટલા દાનવો હતા તે બધા આ અંબિકાએ મારી નાખ્યા, ચામુંડા બીજા બધાને ખાઈ ગઈ. હવે પાતાળમાં જવું કે તેની સેવા કરવી — એ જ માર્ગ છે. આની સાથે યુદ્ધ કરવું ન જોઈએ. આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, આપણો વિનાશ કરવા જન્મેલી માયા છે.’
દાનવોની વાત સાચી હોવા છતાં શુંભના હોઠ ક્રોધથી ફફડવા લાગ્યા. મરવા ઇચ્છતો તે બોલ્યો, ‘ભયભીત થયેલા તમે તેના દાસ થાઓ કે પાતાળમાં જતા રહો. હું એને મારી નાખીશ, દેવીઓને પણ મોતને ઘાટ ઉતારીશ. બધા દેવોને જીતીને હું નિરાંતે રાજ કરીશ. રક્તબીજ વગેરે દાનવો મારા કારણે મૃત્યુ પામ્યા. હું મારો જીવ બચાવવા પાતાળમાં કેવી રીતે જઉં? પ્રાણી માત્રનું મૃત્યુ નિશ્ચિત છે, તો યશનો ભોગ કોણ આપે? નિશુંભ, હું રથમાં બેસીને તે સ્ત્રીનો વધ કરીને આવીશ, જો તેનો વધ નહીં કરી શકું તો પાછો નહીં આવું. તું સેના સાથે રહેજે, તીણાં બાણોથી તું તેને મારી નાખજે.’
આ સાંભળી નિશુંભે કહ્યું, ‘હું જ હમણાં જઉં છું અને અંબિકાને લઈને પાછો આવું છું. તે સાવ સામાન્ય સ્ત્રીની બહુ ચિંતા ન કરો. એ સ્ત્રી ક્યાં અને આખા વિશ્વને વશ કરનાર આ ભુજાઓવાળો હું ક્યાં? તમે નાહક ચિંતા ન કરો. મોજ કરો, તે અભિમાની સ્ત્રીને હું અહીં લાવીશ. મારા જીવતાં તમે યુદ્ધ કરવા જાઓ તે યોગ્ય ન કહેવાય. હું વિજય પામીશ જ.’
આમ મોટા ભાઈને કહીને અભિમાની નાનો ભાઈ કવચ પહેરી સૈન્યને લઈને, આયુધો સાથે નીકળી પડ્યો.
મરી જવું કાં તો જીતવું — આ બેમાંથી એક જ વિકલ્પ સામે રાખીને નિશુંભ દેવી સામે ઊભો રહી ગયો. યુદ્ધવિદ્યામાં તે નિષ્ણાત હતો. ઇન્દ્ર સહિત દેવતાઓ આ યુદ્ધ જોવા આકાશમાં ઊભા રહી ગયા, નિશુંભે ધનુષ પરથી દેવી સામે બાણવર્ષા કરવા માંડી, હાથમાં ધનુષ લઈ ભગવતી વારેવારે અટ્ટહાસ્ય કરવાં લાગ્યાં. તેમણે કાલિકાને કહ્યું, ‘આ બંને સાવ મૂરખ છે. આજે તો મૃત્યુ પામવા મારી સામે આવ્યા છે. અતિ ભયંકર રક્તબીજનો વધ થયો તે જાણતા હોવા છતાં આ બંને દાનવ વિજયી થવા માગે છે. મહા બળવાન આશા અશક્ત, નિર્બળ, પક્ષરહિત, ચેતનહીન પુરુષોને પણ છોડતી નથી. આ બંને રાક્ષસ આશા રૂપી પાશમાં બંધાઈને તેઓ યુદ્ધભૂમિ પર આવ્યા છે. મારા હાથે જ તેમનું મૃત્યુ લખાયું છે. બધા દેવોની સામે હું તેમને મારી નાખીશ.’
કાલિકાને એમ કહી ભગવતી ચંડિકાએ બાણવર્ષા કરી નિશુંભને ઢાંકી દીધો, બંને વચ્ચે ઘોર યુદ્ધ શરૂ થયું. સિંહે પણ બધાનો ખાત્મો બોલાવવા માંડ્યો. નિશુંભ પોતાનું ઉત્તમ ધનુષ લઈને દેવી સામે ધસ્યો. બીજા દૈત્યો પણ હોઠ પીસતા દેવીને મારવા આવ્યા. ત્યાં રાતીચોળ આંખોવાળા સૈનિકો સાથે શુંભ પણ કાલિકાને મારીને જગદંબાને લઈ જવા આવી પહોંચ્યો. તેમનું સુંદર સ્વરૂપ રૌદ્ર અને રમણીય લાગતું હતું. આવી સુંદરીને જોઈ શુંભે તેમની સાથેના લગ્નની ઇચ્છા અને તેમને જીતવાની ઇચ્છા માંડી વાળી, તે મૃત્યુનો નિશ્ચય કરી હાથમાં ધનુષ લઈને ઊભો, ત્યારે બધા દૈત્યોના સાંભળતાં દેવીએ કહ્યું, ‘જો તમારે જીવવું હોય તો અસ્ત્રશસ્ત્ર ફેંકીને પાતાળમાં જતા રહો, નહીંતર મારાં બાણ ખાઈને સ્વર્ગમાં જતા રહો. ત્યાં દુઃખ વિસારે પાડી નિરાંતે રહેજો. કાયરતા અને શૂરવીરતા એક સાથે ન શોભે. તમને અભયદાન આપું છું, તમે અહીંથી જતા રહો.’
દેવીની વાત સાંભળીને અભિમાની નિશુંભે તલવાર અને ઢાલ લઈને જગદંબા પર ઘા કર્યો, દેવીએ પોતાની ગદાથી તેની તલવારનો ઘા ચૂકવી દૈત્યને તેના બાહુ પર ફરસી મારી. આવો ઘા થયો છતાં તે ફરી ચંડિકા પર તલવારનો ઘા કરવા ગયો. એટલે દેવીએ બધાને ભયભીત કરનારો ઘંટારવ શરૂ કર્યો અને વારંવાર મદિરાપાન કરવા માંડ્યું. હવે આ યુદ્ધ વધુ ભયાનક નીવડ્યું. બંને પક્ષ વિજયની ઇચ્છા રાખતા હતા. ત્યારે માંસાહારી ગીધ, કાગડા જેવાં પક્ષી અને કૂતરાં, શિયાળ આનંદમાં આવીને નાચવા લાગ્યાં. દાનવોની કાયામાંથી લોહી વહેતું હતું, એમાં ખરડાયેલા હાથી, ઘોડાનાં શબ ભયંકર દેખાવા લાગ્યાં. ભૂમિ પર પડેલા દાનવોને જોઈ નિશુંભ ક્રોધે ભરાયો અને તેણે ગદા વડે સિંહના માથા પર પ્રહાર કરી, હસતાં હસતાં દેવી પર ગદાનો પ્રહાર કરવા ગયો, ક્રોધે ભરાયેલા દેવીએ તલવારનો ઘા કરવા સામે ઊભેલા નિશુંભને કહ્કહ્યું, ‘મૂર્ખ, ઊભો રહેજે, આ તલવાર જ્યાં સુધી તારા ગળાને સ્પર્શે નહીં ત્યાં સુધી ઊભો રહેજે. પછી તો તું યમલોકમાં પહોંચી જઈશ.’
આમ કહી ભગવતીએ નિશુંભના મસ્તકને છેદી નાખ્યું, તેનું ભયાનક ધડ હાથમાં ગદા લઈને દેવોને ત્રાસ પમાડતું ભમવા લાગ્યું, એટલે દેવીએ બાણો વડે તેના હાથપગ કાપી નાખ્યા. એટલે પર્વત જેવો તે દુષ્ટ ધરતી પર પડ્યો.
ભયભીત થઈ ગયેલી તેની સેનામાં હાહાકાર મચી ગયો, લોહીથી લથબથ થયેલા સૈનિકો શુંભ પાસે ધસી ગયા. એટલે શુંભે તેમને પૂછ્યું, ‘નિશુંભ ક્યાં છે?’ એટલે ભાગી આવેલા દાનવોએ કહ્યું, ‘તમારા ભાઈ જીવ ગુમાવીને રણભૂમિ ઉપર પડ્યા છે. તેમના બધા અનુચરોને તે દેવીએ મારી નાખ્યા છે. આ સમાચાર આપવા અમે આવ્યા છીએ. ચંડિકા સાથે યુદ્ધ કરવાનો આ સમય નથી. દેવતાઓનું કાર્ય કરવા માટે જ આ દેવી અહીં આવી છે. તેમના અવતારનું કારણ પણ આ જ છે. આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, સર્વોત્તમ શક્તિ ધરાવતી આ એક મહાદેવી છે. દેવતાઓ માટે પણ તે અકળ છે. વિવિધ રૂપ ધારણ કરતી, માયાનું રહસ્ય જાણતી, ચિત્રવિચિત્ર અલંકારોવાળી, બધા હાથમાં આયુધોવાળી આ દેવીનો તાગ કાઢી શકાય એમ નથી. એ બીજી કાલરાત્રિ જ છે જાણે, સુલક્ષણા છે. દેવતાઓ આકાશમાં ઊભા રહી તેમની સ્તુતિ કરે છે. જો તમે સુરક્ષિત રહેવા માગતા હો તો અત્યારે નાસી જાઓ. આપણે બચી ગયા તેનો આનંદ મનાવો. યુદ્ધમાં અનુકૂળ સમય આવશે ત્યારે આપણો વિજય થશે. કાળ ક્યારેક બળવાનને નિર્બળ કરે અને ફરી તેને બળવાન બનાવે. દાતા ક્યારેક માગણ બને, ક્યારેક ભિખારી દાતા બને. બધા દેવ પણ કાળને આધીન છે. એટલે કાળની પ્રતીક્ષા કરો. અત્યારે કાળ તમારા માટે પ્રતિકૂળ છે, દેવોને તે અનુકૂળ છે. એટલે તમે પાતાળમાં જતા રહો. જીવન સુરક્ષિત હશે તો ક્યારેક સુખનો વારો આવશે. પણ જો તમારું મૃત્યુ થશે તો શત્રુઓ આનંદપૂર્વક વિજયપતાકા લહેરાવશે.’
આ સાંભળી ક્રોધે ભરાયેલો શુંભ કહેવા લાગ્યો, ‘તમારા મોઢામાંથી આવા શબ્દો નીકળે જ કેમ? ભાઈઓને, મંત્રીઓને મરાવી હું નિર્લજ્જ થઈને ભાગી જઉં? કાળ જ શુભ-અશુભનું સર્જન કરે છે. તેને રોકવો અઘરો છે તો પછી ચિંતા શા માટે? જે થશે તે ખરું, મને ગમે ત્યાં જીવવાની કે મરણ પામવાની ચિંતા નથી. દેવોને જીતનારો નિશુંભ આ સ્ત્રીના હાથે મરાયો. શૂરવીર રક્તબીજ પણ મૃત્યુ પામ્યો, દૈવે નિર્માણ કરેલું કયારેય મિથ્યા થતું નથી. તો પછી શું કરવું? કાળ આવે ત્યારે પ્રજાપતિ પણ નાશ પામે છે, જન્મે તે મરણ પામે જ. એટલે મારો રથ તૈયાર કરો, હું યુદ્ધભૂમિ પર જઈશ. જય મળે કે પરાજય, જે થવાનું હશે તે થશે.’
દૈત્યોને આમ કહીને શુંભ રથ પર બેસીને જગદંબા પાસે ચાલ્યો ગયો. તેની સાથે હાથી, ઘોડા, રથ, પદાતિઓવાળી ચતુરંગિણી સેના પણ હતી. એના સૈનિકો પાસે જુદાં જુદાં શસ્ત્રો હતાં. સિંહ પર સવાર થયેલાં જગદંબાને શુંભે જોયાં. ત્રિભુવનમોહિની સુંદરી અનેક આભરણોથી શોભતાં હતાં. આકાશમાં રહીને દેવ, ગંધર્વ, યક્ષ, કિન્નરો તેમની સ્તુતિ કરતાં હતાં, પારિજાત પુષ્પોથી પૂજા કરતા હતા. શંખ અને ઘંટનો મધુર ધ્વનિ સંભળાતો હતો. દેવીને જોઈને શુંભ બહુ મોહ પામ્યો. ‘આ રૂપ, આ ચતુરાઈ અદ્ભુત, આ કોમળતા છતાં યુદ્ધ માટેનું ધૈર્ય અચરજ પમાડે છે. નાજુક નમણી આ કન્યા તરુણી હોવા છતાં કામથી પર છે. રૂપમાં તે કામદેવની પત્ની રતિ જેવી છે, બધાં લક્ષણોથી સંપન્ન છે, છતાં તે બધા દાનવોનો વધ કરી રહી છે, તો મારા વશમાં આવે તે માટે મારે શું કરવું? હંસ જેવી આ સ્ત્રીને વશ કરવા મારી પાસે કોઈ મંત્ર નથી. આ દેવી પોતે જ મંત્રમય છે. આ દેવી મને વશ કેવી રીતે થાય? યુદ્ધ ત્યજીને મારાથી હવે પાતાળમાં ન જવાય. સામ, દામ, ભેટ વડે પણ જો આ દેવી વશ ન થાય તો પછી ક્યો ઉપાય? કોઈ સ્ત્રીના હાથે મરી જવું એ પણ શોભાસ્પદ નથી, તેનાથી તો કીર્તિ ઝાંખી થાય. રણમાં સમાન બળવાળા વીર દ્વારા થતું મૃત્યુ જ આવકાર્ય. દૈવવશ આ સ્ત્રી અત્યંત બળવાન છે અને તે અમારા કુળનો વિનાશ કરવા જ આવી છે. એ જો યુદ્ધ માટે જ આવી હોય તો શાંતિમંત્રણા કેવી રીતે થાય? શસ્ત્રસજ્જ છે એટલે ધનની લાલચ ન અપાય. બધા દેવતા તેને વશ છે એટલે ભેટ નીતિ કામ ન લાગે. તો પછી હવે યુદ્ધ એ જ કલ્યાણ છે. જે થશે તેની ચિંતા ન કરો.’
આમ વિચારે શુંભે દેવીને કહ્યું, ‘યુદ્ધ કરો. આ વેળા તમારો પુરુષાર્થ કામ નહીં લાગે. તમે બુદ્ધિપૂર્વક કાર્ય નથી કરતાં. સ્ત્રીનેત્ર જ બાણ, ભ્રમરો જ ધનુષ, હાવભાવ જ શસ્ત્ર છે. વિદ્વાન પુરુષો પણ તેનું નિશાન બને. અંગોને ચંદનનો લેપ કરવો એ જ સ્ત્રીનું કાર્ય છે. સ્ત્રીની વાણી એ જ ભેરી છે, લજ્જા તેનું આભૂષણ છે. યુદ્ધની ઇચ્છા કરતી નારી તો કર્કશા. ધનુષ ખેંચતી સ્ત્રી પોતાનું વક્ષ:સ્થળ કેવી રીતે ઢાંકશે? ક્યાં ધીરે ધીરે ચાલવું અને ક્યાં ગદા લઈને દોડવું. આ કાલિકા, આ ચામુંડા તમને મદદ કરે છે. કઠોર વાણીવાળી શિલા તમારી સેવામાં છે. ભયંકર સિંહવાહન છે. તમે વીણા વગાડવાને બદલે શંખધ્વનિ કેમ કરો છો? આ બધાં કાર્ય તમારા રૂપ અને યૌવનને છાજતાં નથી. યુદ્ધની ઇચ્છા હોય તો વિકરાળ રૂપ પ્રગટાવો. લાંબા હોઠ, ભયંકર મોં, મોટા પગ, વાંકા દાંત, ખરાબ નખ, કાગડા જેવો વર્ણ, બિલાડી જેવી આંખો — આવું રૂપ પ્રગટાવો. મોંમાંથી કઠોર શબ્દો નીકળવા જોઈએ, ત્યારે તમારી સાથે યુદ્ધ કરીશ. તમારા જેવી સુંદરી પર પ્રહાર કરવાનું મન થતું નથી.’
દેવી બોલ્યાં, ‘મૂર્ખ, કામવશ થઈને નકામો બકવાસ ન કર. તું કાલિકા અને ચામુંડા સાથે યુદ્ધ કર. હું પ્રેક્ષક. આ બંને યુદ્ધ કરવામાં કુશળ છે. ઇચ્છા થાય તે રીતે ઘા કર. તારી સાથે મારે યુદ્ધ કરવું નથી.’
એમ કહી જગદંબાએ કાલિકાને કહ્યું, ‘તેની ઇચ્છા કુરૂપ સાથે યુદ્ધ કરવાની છે. તો તું આને મારી નાખ.’
કાલિકા પોતે કાળસ્વરૂપિણી હતી. જગદંબાની આજ્ઞાથી તેણે ગદા ઉગામી. બંને વચ્ચે ઘોર યુદ્ધ થયું. એ યુદ્ધ આકાશમાં રહીને બધા જોઈ રહ્યા. શુંભે ગદા વડે પ્રહાર કર્યો, કાલિકાએ પણ ગદા વડે સામો પ્રહાર કરી દાનવનો સુવર્ણરથ ભાંગી નાખ્યો, તેના સારથિનો તથા તેનાં વાહનોનો નાશ કર્યો. શુંભ રથ વિના યુદ્ધ કરવા માંડ્યો. તેના મોં પર પ્રસન્નતા હતી. તેણે કાલિકાની છાતીમાં ગદા મારી, એટલે તલવાર વડે ગદા રોકી શુંભનો ડાબો હાથ છેદી નાખ્યો. રથ ગયો, ડાબો હાથ ગયો, તો પણ ગદા લઈને દોડ્યો. દેવીએ હસતાં હસતાં તેનો જમણો હાથ પણ કાપી નાખ્યો. હવે તે દૈત્ય પગ વડે હુમલો કરવા ગયો ત્યારે દેવીએ તેના પગ કાપી નાખ્યા. તે દૈત્ય ‘ઊભી રહે, ઊભી રહે’ એવી બૂમો પાડવા લાગ્યો. જમીન પર ઘસડાવા માંડ્યો, તે જોઈને કાલિકાએ તેનું મસ્તક વાઢી નાખ્યું. તેનું ધડ જમીન પર ગબડ્યું અને તે મૃત્યુ પામ્યો. શુંભને એવી અવસ્થામાં જોઈ ઇન્દ્ર સમેત બધા દેવ દેવીની સ્તુતિ કરવા લાગ્યા. દિશાઓ પ્રકાશિત થઈ. બચી ગયેલા દાનવો જગદંબાને પ્રણામ કરી, શસ્ત્રત્યાગ કરી પાતાળમાં જતા રહ્યા.
(પાંચમો સ્કંધ, અધ્યાય ૩૧)