ભારતીયકથાવિશ્વ−૪/માર્કણ્ડેયપુરાણ
અવિક્ષિતની કથા
વીર્યચંદ્રની પુત્રી વીરા સ્વયંવરમાં કરન્ધમ રાજાને પરણી હતી. યોગ્ય સમયે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો. તે વેળા રાજાએ જ્યોતિષીઓને બોલાવી પોતાના પુત્રના જન્માક્ષર વિશે માહિતી માગી. જ્યોતિષીઓએ કહ્યું, ‘તમારો પુત્ર ઉત્તમ મૂરતમાં, ઉત્તમ નક્ષત્રમાં અને ઉત્તમ લગ્નમાં જન્મ્યો છે. તે મહા પરાક્રમી, ભાગ્યશાળી અને બળવાન રાજા થશે.’
તેમની વાત સાંભળીને રાજાએ આનંદિત થઈ કહ્યું, ‘તમે અવૈક્ષત(જુએ છે) એમ એકાધિક વાર બોલ્યા છો તો તેનું નામ અવિક્ષિત. પછી તે પુત્ર કણ્વમુનિના પુત્ર પાસે સમગ્ર અસ્ત્રવિદ્યા શીખ્યો. તે રૂપમાં અશ્વિનીકુમારોને, બુદ્ધિમાં વાચસ્પતિને, કાંતિમાં ચંદ્રને, તેજમાં સૂર્યને, ધૈર્યમાં સમુદ્રને અને સહનશીલતામાં પૃથ્વીને અતિક્રમી ગયો હતો.
સ્વયંવરમાં હેમધર્મરાજાની પુત્રી વરા, સુદેવની પુત્રી ગૌરી, બલિની પુત્રી સુભદ્રા, વીરરાજાની પુત્રી લીલાવતી, વીરભદ્ર રાજાની પુત્રી નિભા, ભીમરાજની પુત્રી માન્યવતી અને દમ્ભ રાજાની પુત્રી કુમુદ્વતી તે રાજકુમારને વરી હતી. આ ઉપરાંત સ્વયંવરમાં જે રાજકન્યાઓએ તેને પસંદ કર્યો ન હતો તે રાજકન્યાઓનું હરણ બધા રાજાઓનો અને તે કન્યાઓના પિતૃકુળનો પરાજય કરી લાવ્યો હતો. આ ઉપરાંત વિશાલ રાજાની કન્યા વૈશાલિનીને પણ હરી લાવ્યો હતો. ત્યાર પછી પરાજિત થયેલા રાજાઓ અકળાઈને કહેવા લાગ્યા, ‘આપણે બળવાન અને છતાં એક રાજપુત્રથી પરાજિત થઈને બેસી રહ્યા છીએ. માટે ઊઠો અને યુદ્ધ કરો.’
આમ બધા રાજા યુદ્ધ કરવા તૈયાર થયા. અવિક્ષિત અને તે રાજાઓ સાથે ભયાનક યુદ્ધ થયું. ઘણા બધા સૈનિકોને અવિક્ષિતે મારી નાખ્યા, છેવટે માત્ર સાતસો વીર જ બાકી રહ્યા. અવિક્ષિત તેમને પરાજિત કરવા મથ્યો. ત્યારે તે સૈનિકોએ અધર્મથી યુદ્ધ કરવા ગયા. કોઈએ તેનું ધનુષ છેદી નાખ્યું, તો કોઈએ તેના ધ્વજને નીચે નાખી દીધો. તેની તલવાર અને ઢાલ પણ છેદી નાખી. તેના પર અસંખ્ય બાણવર્ષા કરી, પરિણામે તે ધરતી પર પડી ગયો અને શત્રુઓએ તે બાંધી દીધો. તે રાજપુત્રની સ્વયંવરા કન્યા પણ આણી અને તે કન્યાને બધા રાજાઓમાંથી કોઈ એક રાજાને પસંદ કરવા કહ્યું, પણ તેણે કોઈનીય પસંદગી ન કરી. જ્યોતિષીઓએ તે કન્યાના લગ્ન માટેનું મૂરત હમણાં નથી એમ જણાવ્યું.
અવિક્ષિતના માતાપિતાને આ ઘટનાની જાણ થઈ, બીજા રાજાઓએ કહ્યું, ‘અવિક્ષિતને અધર્મથી બાંધ્યો છે તો તે રાજાઓને મારી નાખવા જોઈએ.’ બીજાઓએ કહ્યું, ‘અવિક્ષિતે બળાત્કારે તે કન્યા ગ્રહણ કરી છે એટલે અધર્મ તેણે કર્યો કહેવાય. તે સમયે તેણે બધા રાજપુત્રોને બધા સ્વયંવરોમાં પરાજિત કર્યા હતા એટલે અત્યારે તેમણે અવિક્ષિતને બાંધ્યો છે.’
આ બધી વાત સાંભળી અવિક્ષિતની માતા વીરાએ પોતાના પતિની તથા બીજા રાજાઓની સામે કહેવા લાગી, ‘મારા પુત્રે બધા રાજાઓને જીતીને કન્યા ગ્રહણ કરી છે તે યોગ્ય જ છે. તે કન્યાને માટે રણભૂમિમાં એકલો યુદ્ધ કરવા જતાં તેને બંદી બનાવ્યો છે તેને હું મારા પુત્રની અધોગતિ માનતી નથી. સ્વયંવર કરનારી ઘણી કન્યાઓને મારા પુત્રે બધા રાજાઓનાં દેખતાં ગ્રહણ કરી છે. માટે તમે બધા સજ્જ થઈ યુદ્ધ કરો.’
આમ વીરાએ બધાને યુદ્ધ માટે તૈયાર કર્યા અને ત્રણ દિવસ સુધી તે યુદ્ધ ચાલ્યું. કરન્ધમ રાજાએ બધાને જ્યારે હરાવ્યા ત્યારે વિશાલ રાજા વિજેતા પાસે આવ્યો, તેમની પૂજા કરીને અવિક્ષિતને છોડી મૂક્યો. તથા પોતાની કન્યા લઈને આવ્યો. પણ અવિક્ષિતે તે કન્યા સાથે લગ્ન કરવાની ના પાડી. ‘હું શત્રુઓથી પરાજિત થયેલો છું તેથી હું મારી જાતને સ્ત્રી જ માનું છું. પુરુષો સ્વતંત્ર હોય છે અને સ્ત્રીઓ પરતંત્ર. પરતંત્ર પુરુષમાં પૌરુષ ક્યાંથી?’
આ સાંભળી વિશાલ રાજાએ પોતાની કન્યાને કોઈ બીજો રાજા પસંદ કરવા કહ્યું ત્યારે તે કન્યાએ કહ્યું, ‘ધર્મનું આચરણ કરતા આ રાજપુત્રનો પરાજય રાજાઓએ ધર્મથી કર્યો નથી. એટલે તેનો યશ ઝાંખો થયો નથી. આ રાજપુત્રે અનેક વાર બધા રાજાઓને જીત્યા છે. હું એના રૂપ પર મોહ પામી નથી પણ એના શૌર્ય, પરાક્રમથી અંજાઈ છું. આ રાજપુત્ર સિવાય બીજા કોઈને હું પતિ તરીકે સ્વીકારવાની નથી.’
આ સાંભળી વિશાલ રાજાએ રાજપુત્રને કહ્યું, ‘મારી કન્યાએ જે કહ્યું તે ઉત્તમ છે. તમારા જેવો રાજપુત્ર આ જગતમાં નથી. માટે મારી કન્યાનો સ્વીકાર કરો.’
પણ અવિક્ષિતે તે વાતની ના પાડી, તે તો કોઈ પણ કન્યાને સ્વીકારવા તૈયાર ન હતો. તેના પિતાએ બહુ સમજાવ્યો પણ તે ન જ માન્યો.
છેવટે તે કન્યાએ કહ્યું, ‘જો આ રાજપુત્ર મને સ્વીકારતો ન હોય તો હું બીજો વર સ્વીકારીશ અને તે વર એટલે મારું તપ. તપ વિના મારો બીજો કોઈ પતિ થશે નહીં. તપ કરીને જ હું મારો જન્મ પૂરો કરીશ.’
પછી કરન્ધમ રાજા વિશાલ રાજાની સાથે ત્રણેક દિવસ રહી પોતાના પાટનગરમાં ગયા. અવિક્ષિત પણ નગર બાજુ ગયો. તે કન્યા સ્વજનોની સંમતિ લઈ વનમાં તપ કરવા ગઈ. ત્રણ માસ તે નિરાહાર રહી. તેનું શરીર સાવ સુકાઈ ગયું. તેનો ઉત્સાહ આછો થયો. તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. દેવતાઓએ ભેગા થઈને એક દેવદૂતને મોકલ્યો. ‘હે રાજકન્યા, મને દેવતાઓએ મોકલ્યો છે, તારે આ વિરલ કાયાનો ત્યાગ નથી કરવાનો. ભવિષ્યમાં તું ચક્રવર્તી રાજાની માતા બનવાની છે. તારો પુત્ર શત્રુઓનો નાશ કરશે અને લાંબા સમય સુધી તે પૃથ્વીને ભોગવશે. દેવોના શત્રુઓને પણ મારશે.’
આ સાંભળી તે કન્યાએ કહ્યું, ‘સ્વર્ગમાંથી આવેલા દેવદૂત, તમારી વાત સાચી પણ પતિ વિના મને પુત્ર થશે કેવી રીતે? હું અવિક્ષિત સિવાય કોઈને પણ પતિ માનવાની નથી અને બધાની ઇચ્છા હોવા છતાં તે મારી સાથે લગ્ન કરવા માગતો નથી.’
દેવદૂતે કહ્યું, ‘તને વધારે તો શું કહું? તને પુત્ર થશે જ, તું આત્મહત્યા ન કરીશ. તું આ વનમાં જ રહી તારા શરીરનું પોષણ કર. તારા તપના પ્રભાવે બધું સારું થશે.’
આમ કહી દેવદૂત ચાલ્યો ગયો અને તે કન્યા પોતાના શરીરને પોષવા લાગી.
પછી એક દિવસ વીરા અવિક્ષિતને બોલાવી કહેવા લાગી, ‘તારા પિતાની સંમતિથી હું કિમિચ્છક નામનું વ્રત કરવાની છું. તે વ્રત ત્રણને — તારા પિતાને, મને અને તને આધીન છે. તું જ્યારે પ્રતિજ્ઞા કરીશ ત્યારે હું એને માટે પ્રયત્ન કરીશ. હું તને રાજકોશમાંથી અર્ધું દ્રવ્ય આપીશ. તે દ્રવ્ય તારા પિતાના અંકુશમાં છે પણ તેમણે સંમતિ આપી છે. જે ક્લેશસાધ્ય છે તે મારે કરવાનું, જે કંઈ સુસાધ્ય છે તે તારાં બળ અને પરાક્રમથી બની શકશે. અને તે તારાથી ન પણ થાય, થાય પણ, અથવા દુઃખથી થાય. પણ તું જો પ્રતિજ્ઞા કરે તો જ હું એ વ્રત કરું. તો કહે, તું હા પાડે છે?’
અવિક્ષિતે કહ્યું, ‘દ્રવ્ય તો પિતાના હાથમાં, મારાથી જે થશે તે હું તમારા કહેવા પ્રમાણે કરીશ. તમને જો પિતાએ સંમતિ આપી હોય તો તમે એ વ્રત કરો.’
પછી તે રાણીએ એ વ્રત કરવા માંડ્યું. તેમણે કુબેરનું, સમગ્ર નિધિઓનું, તે નિધિઓના પાલક ગણોનું અને લક્ષ્મીનું પૂજન કર્યું. હવે રાજાના મંત્રીઓએ એકાંતમાં રાજાને કહ્યું, ‘હે રાજન્, રાજ કરતાં કરતાં તમારી ઉમર પણ ખાસ્સી થઈ છે. તમારા પુત્રે લગ્નની ના પાડી છે. તે પણ જ્યારે વૃદ્ધ થશે ત્યારે આ રાજ્ય શત્રુઓના હાથમાં જશે. તમારા વંશનો ક્ષય થશે અને શત્રુઓ ઘેરી વળશે. એટલે તમે અવિક્ષિત લગ્નની હા પાડે તેવો પ્રયત્ન કરો.’
‘વીરા રાણી કિમિચ્છક વ્રત કરે છે તો કોને શું જોઈએ છે અથવા કોનું કેવું દુ:સાધ્ય કર્મ કરવાનું છે તે કહો.’
પુરોહિતના આ શબ્દો સાંભળી અવિક્ષિતે બધાને કહ્યું, ‘મારી માતા આ વ્રત કરે છે એટલે મારાથી થઈ શકે એવું કાર્ય કહો. મેં તે સમયે પ્રતિજ્ઞા કરી હતી કે તમે જે માગશો તે હું આપીશ.’
તેની વાત સાંભળી રાજાએ કહ્યું, ‘હું યાચક છું તો મારે જે જોઈએ છે તે તું મને આપ.’
અવિક્ષિતે તેના પિતાને કહ્યું, ‘તમે જે માગશો તે હું આપીશ. સાધ્ય, દુ:સાધ્ય હશે તો પણ આપીશ.’
રાજાએ કહ્યુું, ‘તું જો સત્યવાદી હોય અને આપવાની ઇચ્છા રાખતો હોય તો મારા ખોળામાં બેઠેલા મારા પૌત્રનું મોં મને બતાવ.’
‘પિતાજી, હું તમારો એક જ પુત્ર છું, અને હું બ્રહ્મચારી છું તો પૌત્રનું મોં કેવી રીતે બતાવી શકું?’
‘તારું બ્રહ્મચર્ય પાપ છે, તું પૌત્રનું મોં બતાવી પાપમુક્ત થા.’
અવિક્ષિતે કહ્યું, ‘એ બહુ કઠિન કાર્ય છે. એના સિવાય બીજી કોઈ આજ્ઞા કરો. હું મારા બ્રહ્મચર્યનો ભંગ કરવા માગતો નથી.’
રાજાએ કહ્યું, ‘ઘણાની સાથે યુદ્ધ કરીને વિજય મેળવેલો મેં તને જોયો છે એટલે તું આ બ્રહ્મચર્યનો ત્યાગ કરી મને પૌત્રનું મોં બતાવ.’
અવિક્ષિતે પિતાને ઘણું કહ્યું છતાં પિતાએ બીજું કશું માગ્યું જ નહીં ત્યારે તેણે કહ્યું, ‘હું તમને જે જોઈએ છે તે આપીશ. સ્ત્રીની પાસે જ પરાજિત થયેલા મારા માટે સ્ત્રીના પતિ થવાનું બહુ અઘરું છે છતાં સત્યવાદી છું એટલે હું એમ કરીશ.’
કોઈ એક સમયે તે રાજપુત્ર વનમાં મૃગયા રમતો હતો ત્યારે તેણે કોઈ આક્રંદ કરતી સ્ત્રીનો અવાજ સાંભળ્યો. ‘મને બચાવો, મને બચાવો.’
‘બીતા નહીં, બીતા નહીં’ એમ બોલી રાજપુત્રે એ અવાજની દિશામાં ઘોડાને હંકાર્યો. દૃઢકેશ નામના દાનવે કોઈ એક માનિનીને પકડી હતી, તે રુદન કરતી હતી, ‘હું કરન્ધમ રાજાના પુત્ર અવિક્ષિતની પત્ની છું અને આ દુષ્ટ મને ઉપાડી જાય છે. કોઈ કરતાં કોઈનાથી પરાજિત ન થાય એવા રાજપુત્રની પત્નીનું આ હરણ કરી જાય છે.’
આ સાંભળી તે રાજપુત્ર વિચારે ચઢ્યો. ‘આ વનમાં મારી સ્ત્રી એટલે શું વળી? ખરેખર આ રાક્ષસોની માયા જ હોવી જોઈએ. હું ત્યાં જઈને કારણ જાણીશ.’
તે રાજપુત્ર તરત જ ત્યાં ગયો, જોયું તો અલંકારમંડિત અને દંડધારી દૈત્યે પકડેલી ‘બચાવો, બચાવો’ એમ બોલતી અતિ સુંદર કન્યા જોઈ. તેને બીશ નહીં એમ કહી તે રાક્ષસને કહેવા લાગ્યો. ‘આખી દુનિયાને નમાવતા રાજા કરન્ધમના રાજમાં કોણ દુષ્ટ થવા માગે છે?’
પછી તે શ્રેષ્ઠ ધનુર્ધારીને આવેલો જોઈ તે કન્યા કહેવા લાગી, ‘મારું રક્ષણ કરો. આ મારું હરણ કરી જાય છે. હું કરન્ધમ રાજાની પુત્રવધૂ અને અવિક્ષિતની પત્ની છું. હું સનાથ છું અને અનાથની જેમ આ મને લઈ જાય છે.’
કન્યાની વાત સાંભળીને અવિક્ષિત વિચારવા લાગ્યો, ‘આ મારી પત્ની કેવી રીતે? પણ પહેલાં તો આ કન્યાને છોડાવું કારણ કે ક્ષત્રિયો દુઃખી મનુષ્યોના રક્ષણ માટે જ શસ્ત્ર ધારણ કરે છે, પછી બીજી વાત.’
તે રાજપુત્ર દાનવને કહેવા લાગ્યો, ‘તું આ કન્યાને છોડી દે, નહીંતર તું જીવતો નહીં રહે.’
આ સાંભળી તે દાનવ કન્યાને છોડીને દંડ ઉગામતો રાજપુત્ર સામે દોડ્યો, રાજપુત્રે તેના પર બાણ વરસાવ્યાં. દાનવે પોતાનો દંડ ફેંક્યો. રાજપુત્રે બાણો વડે દંડ ભાંગી નાખ્યો. હવે દાનવે પાસેનું વૃક્ષ લઈને તે રાજપુત્ર પર ફેંક્યું. રાજપુત્રે બાણવર્ષા કરીને તે વૃક્ષના તલ તલ જેવા ટુકડા કરી નાખ્યા. પછી દાનવે ફેંકેલી શિલા પણ રાજપુત્રે નિષ્ફળ બનાવી. છેવટે દાનવ મુઠ્ઠી વાળીને દોડ્યો. પણ તે પાસે આવ્યો કે તરત જ રાજપુત્રે તેનું મસ્તક વાઢી નાખ્યું. ત્યાં દેવતાઓએ આવીને પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે પિતાનું પ્રિય કરવાની ઇચ્છાથી તેણે મહાપરાક્રમી પુત્ર માગ્યો.
રાજપુત્રે દેવોને કહ્યું, ‘પિતાની પાસે સત્યપ્રતિજ્ઞા કરીને હું બંધાઈ ગયો છું, રાજાઓથી પરાજિત થયા પછી મેં લગ્ન કરવાની ના જ પાડી હતી. મેં વિશાલ રાજાની કન્યાનો ત્યાગ કર્યો ત્યારથી તે પણ બીજા કોઈની સાથે લગ્ન કરવા માગતી નથી. હવે તે કન્યાને મૂકીને બીજી કોઈ સ્ત્રીને પત્ની કેવી રીતે બનાવું?’
દેવોએ કહ્યું, ‘રાજપુત્ર, તું જેની નિત્ય પ્રશંસા કરે છે તે વિશાલ રાજાની જ આ પુત્રી છે, તે તારે માટે જ તપ કરે છે. એના પેટે જ ચક્રવર્તી પુત્ર જન્મશે.’ દેવો આ પ્રમાણે અવિક્ષિતને કહી ચાલ્યા ગયા. એટલે રાજપુત્રે તે કન્યાને બધી વાત કરવા કહ્યું. એટલે રાજકન્યાએ કહ્યું, ‘તમે જ્યારે મારો ત્યાગ કર્યો ત્યારે બંધુજનોનો ત્યાગ કરી હું આ વનમાં આવી છું. તપથી ક્ષીણ થયેલા દેહનો ત્યાગ કરવા જતી હતી ત્યારે દેવદૂતે મને રોકી અને કહ્યું કે તને ચક્રવર્તી પુત્ર થશે અને તે દેવોને પ્રસન્ન કરી દૈત્યોનો વધ કરશે. હું પરમ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવા ગઈ ત્યારે એક નાગ મને ખેંચીને રસાતલમાં લઈ ગયો. ત્યાં હજારો નાગ, નાગપત્નીઓ અને નાગપુત્રો મારી સ્તુતિ કરવા લાગ્યા. કેટલાકે મારી પૂજા કરી. પછી તેમણે મારી પાસે આવીને યાચના કરી, ‘અમારો વધ કરવા તૈયાર થયેલા તારા પુત્રને રોકજે. આ સર્પો તારા પુત્રનો અપરાધ કરે એ કારણે તારો પુત્ર તેમનો વધ કરવા જાય તો તું તેને અટકાવજે.’ મેં તેમની વાત સ્વીકારી. પછી મને પાતાળના દિવ્ય અલંકારોથી અને પુષ્પોથી શણગારી પેલો નાગ મને તપ કરતાં પહેલાં જેવી સુંદર હતી તેવી કરીને આ ધરતી પર મૂકી ગયો. આવી સુશોભિત થયેલી મને જોઈને દુષ્ટ દૃઢકેશ દૈત્યે મને પકડી અને તમે મને છોડાવી. એટલે તમે મને સ્વીકારો, તમારા જેવો કોઈ રાજપુત્ર આ ધરતી પર નથી.’
કરન્ધમ રાજાએ પોતાને પુત્રપ્રાપ્તિ માટે કહેલા વચનને યાદ કરીને અવિક્ષિત બોલ્યો, ‘શત્રુઓથી પરાજિત થઈને મેં તારો ત્યાગ કર્યો હતો, હવે શત્રુઓને જીતીને તને મેળવી, તો મારે હવે શું કરવું તે મને કહે.’
કન્યાએ કહ્યું, ‘આ સુંદર વનમાં તમે મારું પાણિગ્રહણ કરો.’
એ જ સમયે કોઈ ગંધર્વ ત્યાં અપ્સરાઓ અને બીજા ગંધર્વો સાથે આવી ચઢ્યો અને બોલ્યો, ‘આ ભામિની મારી કન્યા છે, પણ તે અગસ્ત્ય મુનિના શાપથી વિશાલ રાજાની કન્યા થઈ. બાળકભાવે તેણે મુનિને કોપિત કર્યા અને તેમણે શાપ આપ્યો, ‘તું મનુષ્યલોકમાં જા.’ અમે તેમને પ્રસન્ન કર્યા ત્યારે તેમને કહ્યું, ‘એ નાની છે એટલે જ મેં તેને આવો શાપ આપ્યો છે. તે મિથ્યા તો નહીં થાય.’ આમ તે મારી કન્યા વિશાલ રાજાને ત્યાં જન્મી. એને માટે જ હું અહીં આવ્યો છું. તું તેની સાથે લગ્ન કર, એનાથી તને એક ચક્રવર્તી પુત્ર થશે.’
પછી અવિક્ષિતે તેની સાથે લગ્ન કર્યું, ગંધર્વોના પુરોહિત તુંબરુએ વિધિપૂર્વક હોમ કર્યો. દેવતાઓએ અને ગંધર્વોએ આનંદ મનાવ્યો અને બંને પતિપત્ની વિવિધ સ્થળે ક્રીડા કરવા લાગ્યા. સમયાંતરે તેમને એક પુત્ર જન્મ્યો.
(૧૨૪)
વસિષ્ઠ-વિશ્વામિત્ર વચ્ચે સંઘર્ષ
હરિશ્ચન્દ્ર સ્વર્ગમાં ગયા પછી તેમના પુરોહિત વસિષ્ઠ જળમાંથી બહાર નીકળ્યા. ગંગામાં રહી બાર વર્ષે બહાર નીકળેલા પુરોહિત વિશ્વામિત્રની બધી કથા સાંભળીને વિશ્વામિત્ર ઉપર બહુ ક્રોધે ભરાયા. તે બોલ્યા,
‘મહાભાગ, દેવ બ્રાહ્મણનું પૂજન કરનારા હરિશ્ચન્દ્ર રાજાને વિશ્વાંમિત્રે બહુ દુઃખી કર્યા છે. તેમને રાજ્યભ્રષ્ટ પણ કર્યા. મારા સો પુત્રો મારવા છતાં જેટલો ક્રોધ મને આવ્યો ન હતો તેટલો ક્રોધ હરિશ્ચન્દ્ર સાથે જે દુર્વ્યવહાર કર્યો તેનાથી આવ્યો છે. મારા આશ્રિત, નિરપરાધ, ધર્માત્મા રાજાને સ્ત્રી, પુત્ર-સમેત દુઃખી કર્યા છે તો તે દુરાત્મા, બ્રહ્મદ્વેષી, વિઘ્નહર્તા વિશ્વામિત્ર મારા શાપથી બગલો બની જાય.’
વસિષ્ઠ ઋષિનો શાપ સાંભળીને વિશ્વામિત્રે તેમને આડિ થવાનો શાપ આપ્યો. આમ બંને ઋષિઓ એકબીજાના શાપથી પક્ષી તરીકે જન્મ્યા અને બંને ક્રોધે ભરાઈને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. આડિ તરીકે જન્મેલા વસિષ્ઠ બેહજાર યોજન ઊંચે ઊડ્યા, એટલે બગલા તરીકે જન્મેલા વિશ્વામિત્ર તેથી પણ વધારે ઊંચે — ત્રણ હજાર છણ્ણુ યોજન ઊંચે ઊડ્યા. બંને એકબીજાને પાંખોથી પ્રહાર કરીને પ્રજાજનોને ભયભીત કરવા લાગ્યા. બગલો રાતા નેત્રે આડિને મારવા લાગ્યો ત્યારે આડિ પણ ઊંચી ડોક કરીને બગલાને પ્રહાર કરવા લાગ્યો. તેમની પાંખોના વાયુથી પર્વતો પૃથ્વી પર પડવા લાગ્યા, પૃથ્વી પણ કાંપવા લાગી, સમુદ્રના જળને તે ઊછાળવા લાગી, જાણે પાતાળમાં જવા માગતી ન હોય તેમ એક બાજુએ નમી ગઈ. પર્વતોના પડવાથી, સમુદ્રના ઊછળવાથી, ભૂકંપથી કેટલાંક પ્રાણીઓ નાશ પામ્યાં, સમસ્ત જગત હાહાકાર કરવા લાગ્યું. દેવતાઓને લઈને બ્રહ્મા બંને પક્ષીઓ પાસે આવીને બોલ્યા, ‘હવે તમે યુદ્ધ બંધ કરો, તો જ જગતના મનુષ્યોને શાંતિ થશે.’ બ્રહ્મદેવની વાત સાંભળી ન સાંભળી કરીને બંનેએ યુદ્ધ ચાલુ રાખ્યું. એટલે પછી બ્રહ્માએ લોકહિત સાધવા બંનેનું પક્ષીરૂપ લઈ લીધું. બંને ઋષિઓનો ક્રોધ શાન્ત થયો એટલે બ્રહ્માએ કહ્યું, ‘તમે જે ભયંકર યુદ્ધ કર્કહ્યું તેમાંથી હવે બહાર આવો. વસિષ્ઠ, વિશ્વામિત્રે રાજાનો કોઈ અપરાધ કર્યો નથી, ઊલટ તેમને સ્વર્ગપ્રાપ્તિ કરાવી છે. હવે તમે આ યુદ્ધ બંધ કરો. બ્રહ્મતેજ એ જ તમારું બળ છે.’ બંનેએ વેર ભૂલીને એકબીજાના અપરાધ ક્ષમા કર્યા અને પોતપોતાના આશ્રમમાં ગયા.
(૯)
અનસૂયા અને એક બ્રાહ્મણીની કથા
પ્રતિષ્ઠાન નગર. તેમાં એક કુશિકવંશી બ્રાહ્મણ. અન્ય જન્મોનાં પાપકર્મથી તે કુષ્ઠરોગથી પીડાતો હતો. આવા રોગી પતિની સેવાચાકરી ભક્તિભાવથી તેની પત્ની કરતી હતી, તેને નવડાવતી-ધોવડાવતી અને છતાં તેનો પતિ તેનો તિરસ્કાર કરતો હતો. પતિ બીભત્સ લાગતો હોવા છતાં તેની પતિવ્રતા સ્ત્રી પતિને જ સર્વસ્વ માનતી હતી. એક દિવસ તેણે એક વેશ્યાને જોઈને પત્નીને કહ્યું, ‘રાજમાર્ગ પાસે એક વેશ્યા રહે છે ત્યાં તું મને લઈ જા. તે જો મને આલિંગન નહીં આપે તો મારું મૃત્યુ થશે. મારામાં ચાલવાની શક્તિ નથી.’
આ સાંભળી તે પતિવ્રતા ગાંઠે થોડું ધન બાંધી, પતિને ખભે બેસાડીને ચાલી નીકળી. તે સમયે નિર્દોષ એવા માંડવ્ય ઋષિને ચોર માનીને શૂળી પર ચઢાવ્યા હતા. તે ઋષિને કૌશિક કુષ્ઠરોગીનું શરીર અડક્યું એટલે ઋષિ બોલ્યા, ‘જે મનુષ્યે મને પીડા પહોંચાડી છે તે નરાધમ સૂર્ય ઊગતાં મૃત્યુ પામશે.’
માંડવ્ય ઋષિનો કઠોર શાપ સાંભળી સતી બોલી, ‘સૂર્ય ઉદય પામશે જ નહીં.’
એટલે પછી તો રાત્રિ જ રહી. બધા દેવતાઓ બીધા. જગત નાશ પામશે એવો ડર લાગ્યો. તિથિ, માસ, ઋતુની ગણના નહીં થાય. યજ્ઞયાગાદિ બંધ થયા. દેવોની અકળામણ જાણીને બ્રહ્માએ કહ્યું, ‘પતિવ્રતા સ્ત્રીને કારણે સૂર્ય ઊગતો નથી. હવે જો સૂર્યને ઊગતો કરવો હોય તો અત્રિ ઋષિની પત્ની અનસૂયાને પ્રસન્ન કરો.’
એટલે દેવોએ અનસૂયા પાસે જઈને બધી વાત કરી. અનસૂયાએ પણ પતિવ્રતા સ્ત્રીનો મહિમા ગાયો. ‘હું એ વિપ્રપત્નીને પ્રસન્ન કરીશ જેથી દિવસરાત નિયમિત રીતે થાય, અને તેનો પતિ શાપથી મરણ પણ ન પામે.’
આમ કહી અનસૂયા વિપ્રપત્નીને ઘેર ગયાં. ત્યાં કુશળ સમાચાર પૂછી વાત કાઢી, ‘તું તારા પતિને આનંદ આપે છે ને? બધા દેવોથી અધિક પતિને માને છે ને? હું પણ મારા સ્વામીની સેવાથી જ ફળ પામી છું. માનવીએ પાંચ ઋણ ચૂકવવાં જોઈએ. વર્ણધર્મ પ્રમાણે ધનસંચય કરવો જોઈએ, મળેલા ધનનું દાન કરવું જોઈએ; સત્ય, તપ, દાન, દયા, કોમળતા રાખવાં જોઈએ; રાગદ્વેષથી પર થઈ શ્રદ્ધાપૂર્વક શક્તિ પ્રમાણે શાસ્ત્રસંમત ક્રિયાઓ કરવી જોઈએ. સ્ત્રીઓ માટે પતિસેવા સિવાય બીજો કોઈ યજ્ઞ નથી.’
આ સાંભળી વિપ્રપત્નીએ અનસૂયાનો ખૂબ જ આદરસત્કાર કર્યો. તેણે પણ અનસૂયાની વાતમાં સૂર પુરાવ્યો પછી આગમનનું કારણ પૂછ્યું. એટલે અનસૂયા બોલ્યાં,
‘તારા વચનથી દિવસ-રાત નાશ પામ્યાં છે; સત્કર્મો બંધ થયાં છે. ઇન્દ્ર સહિત બધા દેવોએ મારી પાસે આવીને પહેલાંની જેમ રાતદિવસ થાય એવી માગણી કરી છે. દિવસ ન હોવાને કારણે યજ્ઞયાગ થતાં નથી, દેવો તૃપ્તિ પામતા નથી. દિવસ નથી એટલે વૃષ્ટિ ન થાય, જગત નાશ પામે; એટલે જો આ જગતનો વિનાશ થતો અટકાવવો હોય તો પ્રસન્ન થા.’
વિપ્રપત્ની બોલી, ‘માંડવ્ય ઋષિએ સૂર્યોદય થાય ત્યારે મારા પતિનું મૃત્યુ થશે એવો શાપ આપ્યો છે.’
અનસૂયાએ કહ્યું, ‘જો તારી ઇચ્છા હોય તો ઋષિવચન પળાયા પછી હું મારા વચનથી તારા સ્વામીને સજીવન કરીશ.’
એટલે બ્રાહ્મણપત્નીએ સંમતિ દર્શાવી અને અનસૂયાએ અર્ઘ્ય આપી સૂર્યનું આવાહન કર્યું. એટલે સૂર્યનારાયણ ઉદય પામ્યા અને બ્રાહ્મણ સ્ત્રીનો પતિ મરણ પામ્યો. તે સ્ત્રીએ તેને તે જ વેળાએ પકડી લીધો.
અનસૂયાએ તેને ધીરજ બંધાવી, ‘મેં પતિસેવા કરીને તપથી જે કંઈ મેળવ્યું છે તેનું બળ જો. મેં રૂપ, શીલ, બુદ્ધિ, વાચા, મધુરતાથી અન્ય કોઈ પુરુષને મારા સ્વામી સિવાય, સમાન ન ગણ્યો હોય તો મારા સત્ય વડે આ બ્રાહ્મણ વ્યાધિમુક્ત થઈ, યુવાન બની જીવતો થાય. મન, વચન, કર્મથી જ પતિસેવા કરી હોય તો આ બ્રાહ્મણ જીવતો થાય.’
અનસૂયાના વચન સાથે જ તે બ્રાહ્મણ નીરોગી બનીને જીવતો થયો. આકાશમાંથી પુષ્પવર્ષા થઈ, દેવદુંદુભિ વાગ્યાં. દેવતાઓએ અનસૂયાને વરદાન માગવા કહ્યું, ત્યારે અનસૂયાએ કહ્યું,
‘જો તમે મને વરદાન આપવા માગતા જ હો અને મને સુપાત્ર ગણતા હો તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણે દેવ મારા પુત્રો થાય, હું સ્વામી સાથે યોગનિષ્ઠ થઉં.’
બધા દેવોએ ‘તથાસ્તુ’ કહીને ત્યાંથી વિદાય લીધી.
નિયત સમયે અનસૂયાએ ત્રણે દેવને પુત્ર તરીકે જન્મ આપ્યો.
(૧૬)
ઋતુધ્વજની કથા
મહાબળવાન શત્રુજિત રાજાને ઋતુધ્વજ નામનો પુત્ર. પોતાના ગુણોથી ગુરુ, શુક્ર, અશ્વિનીકુમારો જેવો, પોતાની સાથે બુદ્ધિ, તેજ પરાક્રમથી શોભતા રાજપુત્રોથી વીંટળાયેલો રહેતો હતો. ગીત, સંગીત, નાટકમાં પણ તેની રુચિ. અસ્ત્રશસ્ત્રમાં પાવરધો. દિવસરાત આનંદ મનાવતો. એક કાળે નાગલોકમાંથી બે કુમાર બ્રાહ્મણવેશે આવીને ત્યાં બીજા બધાની સાથે વિનોદ કરતા રહ્યા. રાજકુમારને પણ નાગકુમારો વિના ચાલતું ન હતું. નાગપુત્રોને પણ રાજપુત્ર વિના ગમે નહીં. એક દિવસ પિતાએ તેમને પૂછ્યું, ‘હું તમને રાતે જ જોઉં છું. પૃથ્વી પર કોની સાથે મૈત્રી થઈ છે?’ એટલે નાગપુત્રોએ ઋતુધ્વજની બધી વાતો કહી, તે રાજપુત્રની ભારે પ્રશંસા કરી. એટલે નાગપિતા પણ પ્રસન્ન થઈ ગયા. પછી નાગપુત્રોએ રાજપુત્રે કહેલી વાર્તા સંભળાવી. રાજપુત્રના પિતા શત્રુજિત પાસે ગાલવ મુનિ એક ઉત્તમ અશ્વ લઈ આવ્યા અને રાજાને કહ્યું, ‘કોઈ દૈત્ય મારા આશ્રમમાં આવી જુદાં જુદાં રૂપ ધારી હેરાન કરે છે. મને નિરાંતે ધ્યાન પણ ધરવા દેતો નથી. અમે ધારીએ તો તેને ભસ્મ કરી શકીએ પણ તો અમારું તપ ખલાસ થાય, એક દિવસ હું આકાશ સામે તાકતો હતો ત્યારે આ અશ્વ આકાશમાંથી પડ્યો. આકાશવાણીએ એવું કહ્યું કે આ ઉત્તમ અશ્વ આખા ભૂમંડલમાં ભમી શકશે. ત્રણે લોકમાં તેની ગતિને કોઈ અટકાવી નહીં શકે. એથી તેનું નામ કુવલય. શત્રુજિત રાજાનો પુત્ર ઋતુધ્વજ આ અશ્વ પર બેસીને તે દૈત્યનો વધ કરશે. આ સાંભળીને હું તમારી પાસે આવ્યો છું. તમે પ્રજાનો ષષ્ઠાંશ કર લો છો તો આ દૈત્યનો નાશ કરો.’ પછી ગાલવ મુનિ સાથે તેમના આશ્રમમાં રાજાએ પોતાના પુત્રને મોકલ્યો. ત્યાં તે રાજપુત્ર આશ્રમનાં બધાં વિઘ્નોનો નાશ કરવા લાગ્યો. આશ્રમમાં રહેતા ઋતુધ્વજને તે દાનવ જાણી ન શક્યો. એક દિવસ સંધ્યા કરી રહેલા ગાલવ મુનિને ઉપાડી જવા તે દાનવ શૂકર વેશે આવ્યો, મુનિશિષ્યોએ આ જોઈ ભારે કોલાહલ કર્યો એટલે રાજપુત્ર અશ્વ પર બેસી તે વરાહ પાછળ દોડ્યો અને બાણ મારવા લાગ્યો. બાણથી વીંધાયેલો તે દૈત્ય મૃગનું રૂપ લઈ પર્વત અને વૃક્ષોથી ભરચક વનમાં ભમવા લાગ્યો. પિતાની આજ્ઞાને અનુસરનારા તે રાજપુત્રે મનોવેગી અશ્વને દોડાવ્યો. પછી તે દાનવ ધરતી પર એક ઊંડા ખાડામાં પડ્યો, રાજપુત્ર પણ અશ્વ સાથે તે ખાડામાં પડ્યો, પણ દાનવ જોેવામાં ન આવ્યો. ત્યાં તેજસ્વી પાતાળ તેની આંખે ચઢ્યું. ઇન્દ્રપુરી જેવી સુવર્ણનગરી જોઈ. અંદર પ્રવેશ્યો તો કોઈ પુરુષ દેખાયો નહીં: આમતેમ ભમતાં એક સ્ત્રી નજરે પડી. તેને પૂછ્યું તો પણ કશો ઉત્તર મળ્યો નહીં. અશ્વને એક ખૂણે બાંધી રાજપુત્ર તે સ્ત્રીની પાછળ ગયો. ત્યાં તેણે સુવર્ણપલંગ પર કામદેવની રતિ જેવી સ્ત્રીને બેઠેલી જોઈ. પૂણિર્માના ચન્દ્ર જેવું મુખ, ઉત્તમ ભ્રૂકુટિ, ઉન્નત સ્તન, તેના અધરોષ્ઠ પક્વ બંબિ જેવા, શરીર એકવડું, આંખો નીલકમલ જેવી, નખ રાતા, હાથની આંગળીઓ કોમળ અને તામ્રવર્ણી, ઉરુ હાથીની સૂંઢ જેવા, ઉત્તમ દાંત, કેશ કાળાભમ્મર… રાજપુત્રે તેને રસાતલની દેવી માની લીધી. તે કન્યાએ પણ વાંકડિયાળા કેશ, પુષ્ટ બાહુ-સ્કંધ-ઉર જોઈ તેને કામદેવ માની લીધો. તે વિશેષ વિચાર કરવા લાગી કે શું આ કોઈ દેવ છે કે શું? વિદ્યાધર છે? યક્ષ કે ગંધર્વ છે? એમ વિમાસણમાં પડેલી તે કન્યા મૂર્ચ્છા ખાઈને ભૂમિ પર પડી ગઈ. રાજકુમાર તેને આશ્વાસન આપવા લાગ્યો. સૌથી પહેલાં જે સ્ત્રી રાજકુમારની નજરે પડી હતી તે મૂચ્છિર્ત કન્યાને વીંઝણો નાખવા લાગી. થોડી વારે તે સ્વસ્થ થઈ એટલે તેણે તે કન્યાને મૂર્ચ્છાનું કારણ પૂછ્યું. એટલે તે કન્યાએ બધી વાત માંડીને પોતાની સખીને કહી અને સખીએ રાજપુત્રને તે વાત કહી. ‘સ્વર્ગમાં વિશ્વાવસુ નામે ગંધર્વરાજ. તેની આ પુત્રી મદાલસા. એક દિવસ વજ્રકેતુનો પુત્ર પાતાલવાસી પાતાલકેતુ અંધકારમય માયા સર્જીને ઉદ્યાનમાં રમતી આ મદાલસાનું અપહરણ કરી લાવ્યો. આવતી તેરસે તે લગ્ન કરવા માગે છે. ગઈ કાલે તો આ કન્યા આત્મહત્યા કરવા તૈયાર હતી. તે સમયે સુરભિએ-કામધેનુએ તેને જણાવ્યું: આ અધમ દાનવ તારી સાથે લગ્ન કરી શકશે નહીં. તે દાનવને જે પોતાનાં બાણોથી વીંધશે તે જ તારો પતિ થશે. હું આ કન્યાની સખી, મારું નામ કુંડલા, વંધ્યિવાનની પુત્રી અને પુષ્કરમાલીની પત્ની. મારા પતિને શુંભે મારી નાખ્યા પછી એક તીર્થેથી બીજે તીર્થ ભટકું છું. પરલોકપ્રાપ્તિ માટે મથું છું. આજે આ દુષ્ટે વરાહનું રૂપ લીધું હતું. મુનિની રક્ષા માટે કોઈએ તેને બાણ માર્યું હતું. એ બધી શોધ કરીને હું અહીં આવી છું. કોઈએ તે દૈત્યને માર્યો જ છે. હવે આ કન્યા શા માટે મૂર્ચ્છા પામી તે સાંભળો. દેવપુત્ર જેવા, મધુર વાણી ધરાવતા, સુંદર એવા તમને જોઈને તેને પ્રીતિ થઈ છે, પણ દાનવને જેણે વીંધ્યો છે તેની પત્ની થવાની છે એટલે તે મૂર્ચ્છા પામી. જીવનભર તેને દુઃખ ભોગવવું પડશે, કારણ કે તે તમને ચાહે છે અને હવે પતિ કોઈ બીજો. એટલે તે જો મનગમતો પતિ મેળવે તો હું શાંત ચિત્તે તપ કરવા બેસી શકું. પણ તમે છો કોણ? તમે અહીં આવ્યા શા માટે? અહીં તો સામાન્ય માનવી આવી જ ન શકે. વળી માનવની આ ગતિ પણ ન હોય.’ આ સાંભળી ઋતુધ્વજે પોતાની કથા પહેલેથી કહેવા માંડી. ‘હું શત્રુજિત રાજાનો પુત્ર. મારા પિતાની આજ્ઞાથી ગાલવ મુનિના આશ્રમની રક્ષા કરવા ગયો હતો. ત્યાં મુનિઓની રક્ષા કરતો હતો એટલામાં એક રાક્ષસ વરાહનું રૂપ લઈ આવ્યો, મેં તેને બાણથી વીંધ્યો. તે ઝડપથી ભાગ્યો. અશ્વ પર બેસીને તેનો પીછો કર્યો. તે ખાડામાં પડ્યો એટલે હું પણ અશ્વ સાથે ખાડામાં પડ્યો. પછી ભટકતો ભટકતો અહીં આવ્યો. મેં તમને પૂછ્યું પણ તમે કશું બોલ્યાં નહીં અને આ મહેલમાં પ્રવેશ્યાં એટલે હું પણ તમારી પાછળ આવ્યો. હું નથી ગંધર્વ, નથી કિન્નર, નથી દેવ. હું માત્ર મનુષ્ય છું.’ આ સાંભળી મદાલસા આનંદિત થઈ ગઈ. સખીની સામે જોયું પણ કશું બોલી ન શકી. એટલે તેની સખી કહેવા લાગી, ‘સુરભિએ જે વાત કહી હતી તેને જ મળતી આ વાત છે. તમે જે કહ્યું તે સત્ય છે. તમે જ તે દાનવને માર્યો છે. સુરભિની વાત સાચી જ હોય.’ પછી રાજપુત્રે કહ્યું, ‘હું મારા પિતાને અધીન છું. તેમની આજ્ઞા વિના મારાથી લગ્ન ન થાય.’ એટલે મદાલસાએ પોતાના કુલગુરુ તુંબરુનું ધ્યાન ધર્યું. એટલે તે ઋષિ સમિધ, કુશ વગેરે લઈને આવ્યા અને મદાલસાનું — ઋતુધ્વજનું લગ્ન કરાવી પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. પછી કુંડલાએ મદાલસાને કહ્યું, ‘હવે હું નિશ્ચંતિ થઈ તપ કરી શકીશ. તીર્થજલથી મારાં બધાં પાપ ધોઈ નાખીશ.’ પછી રાજપુત્રને કુંડલા કહેવા લાગી, ‘તમારા જેવા બુદ્ધિશાળીને તો શો ઉપદેશ અપાય? પણ જો તમને મારામાં થોડો વિશ્વાસ હોય તો થોડી વાત યાદ કરાવું. પતિએ પોતાની સ્ત્રીનું ભરણપોષણ અને રક્ષણ કરવું જોઈએ. ધર્મ, અર્થ, કામમાં સ્ત્રીનો બહુ મોટો સાથ હોય છે. બંને જ્યારે સંપીને રહે ત્યારે જ આ બધું સિદ્ધ થાય. આ ત્રણે સ્ત્રીને આધારે હોય છે એટલે સ્ત્રી વિના આ પુરુષાર્થો પુરુષ પ્રાપ્ત કરી ન શકે. પતિ વિના સ્ત્રી પણ આ મેળવી ન શકે. દેવ, પિતૃઓ, અતિથિઓનું પૂજન સ્ત્રી વિના ન થઈ શકે. ગમે તેટલી સંપત્તિ હોય તો પણ સ્ત્રી ન હોય તો એ અર્થ ક્ષીણ થઈ જાય. સ્ત્રી ન હોય તો કામ સિદ્ધ થાય જ નહીં. પ્રજોત્પત્તિ પણ સ્ત્રી વડે જ શક્ય બને છે. આમ આ બંને પૂરક છે. હવે હું ઇચ્છાનુસાર અહીંથી જઈશ. તમે બંને બધી રીતે સુખસમૃદ્ધિ પામો.’ આમ કુંડલા જતી રહી. રાજપુત્ર મદાલસાને અશ્વ પર બેસાડીને પાતાળમાંથી નીકળ્યો, ત્યાં પાતાલકેતુએ આણેલી કન્યાનું કોઈ હરણ કરી જાય છે એવી બૂમો પાડતા દાનવો નીકળી પડ્યા અને રાજપુત્ર પર બાણો વરસાવવા લાગ્યા. ઋતુધ્વજે પણ સામે બાણો માર્યાં; પાતાળ શસ્ત્રોથી ઊભરાઈ ગયું. પછી રાજપુત્રે ત્વાષ્ટ્ર અસ્ત્ર ફેંક્યું એટલે પાતાલકેતુ સહિત બધા દાનવો મૃત્યુ પામ્યા. સગરપુત્રો જેવી રીતે ભસ્મ થઈ ગયા હતા તેવી રીતે તે બધા પણ ભસ્મ થઈ ગયા અને ઋતુધ્વજ મદાલસાને લઈને પોતાના નગરમાં ગયો. પિતાને પ્રણામ કરી બધી ઘટનાઓ વર્ણવી. આ સાંભળી પિતા પ્રસન્ન થઈ ગયા. ‘તેં આપણો યશ વધાર્યો છે. પૈતૃક સમૃદ્ધિ જે સાચવી રાખે છે તે મધ્યમ પુરુષ પણ જે પૈતૃક સમૃદ્ધિને વિસ્તારે છે તે ઉત્તમ પુરુષ; એ સમૃદ્ધિને જે ઓછી કરે છે તે અધમ પુરુષ. તેં તો મારાથી પણ વિશેષ કર્મો કર્યાં છે. જે પુરુષ પિતાથી ઓળખાય છે તેના જન્મને ધિક્કાર. જે પિતા પુત્રથી પ્રસિદ્ધિ પામે છે તે ઉત્તમ.’ આમ ઘણી બધી રીતે પુત્રને આવકાર્યો અને પછી ઋતુધ્વજ નગરમાં અને નગર બહાર મદાલસા સાથે વિહાર કરવા લાગ્યો. થોડા સમય પછી શત્રુજિતે પુત્રને બ્રાહ્મણોની રક્ષા માટે ફરવાનું કહ્યું. હજુ હજારો દાનવો છે. રાજપુત્ર પિતાની સલાહ સ્વીકારીને નીકળી પડ્યો. દરરોજ તે વિહાર કરતો હતો અને સાંજ પડે પાછો આવી જતો હતો. એક દિવસ રાજપુત્રે યમુના કાંઠે એક આશ્રમમાં પાતાલકેતુના નાના ભાઈ તાલકેતુને જોયો. તે માયાવી દાનવ મુનિનો વેશ લઈને રહેતો હતો. ભાઈને માર્યાનું વેર યાદ કરીને તેણે રાજપુત્રને કહ્યું, ‘જો તને ઠીક લાગે તો હું કહું તેમ કર. તારે બીજું કશું કરવાનું નથી. હું યજ્ઞ કરવા માગું છું. અને તેમાં આપવા મારી પાસે દક્ષિણા નથી. જો તારા કંઠનો હાર મને આપે તો હું જળમાં જઈ વરુણની સ્તુતિ કરી આવું, ત્યાં સુધી તું અહીં રહી આ આશ્રમનું રક્ષણ કર.’ રાજપુત્રે તો કંઠહાર આપી દીધો અને કહ્યું, ‘તમે નિરાંતે જઈ આવો. તમે આવશો ત્યાં સુધી હું અહીં જ રહીશ. હું અહીં હોઈશ એટલે તમને કોઈ પીડા પહોચાડી નહીં શકે.’ એટલે પેલો દાનવ નદીના પાણીમાં ડૂબ્યો અને રાજપુત્ર માયાથી રચેલા આશ્રમનું રક્ષણ કરવા લાગ્યો. તાલકેતુ પાણીમાંથી નીકળી રાજપુત્રના નગરમાં ગયો અને મદાલસા તથા બીજાઓને કહેવા લાગ્યો, ‘ઋતુધ્વજ મારા આશ્રમ પાસે તપસ્વીઓની રક્ષા કરતો હતો અને ત્યાં કોઈ દૈત્ય સાથે તેને યુદ્ધ કરવું પડ્યું. રાક્ષસોનો વધ તે કરતો હતો પણ તે દુષ્ટ દૈત્યે માયા રચી રાજપુત્રની છાતીમાં શૂળ ઘોંચ્યું. તેણે મરતાં મરતાં મને પોતાનું કંઠાભૂષણ આપ્યું, ત્યાં તાપસોએ તેનો અગ્નિસંસ્કાર પણ કર્યો. મેં આ બધું જોયું. હવે તમારે જે ઉત્તરક્રિયા કરવી હોય તે કરો. તમે આ કંઠાભૂષણ લઈ લો, અમારા જેવા તપસ્વીઓને તે કશા કામનું નથી.’ આમ કહીને તે તાલકેતુ તો ત્યાંથી ચાલ્યો ગયો. બધા લોકો એ સાંભળીને મૂર્ચ્છા પામ્યા. રાજા અને તેના અંત:પુરના નિવાસીઓ ભારે વિલાપ કરવા લાગ્યા. મદાલસાએ તો કંઠાભૂષણ જોઈને અને પતિના મૃત્યુના સમાચાર સાંભળીને પ્રાણત્યાગ કરી દીધો અને બધાના આક્રંદનો પાર ન રહ્યો. પછી રાજાએ બધાંને કહ્યું, ‘તમે રુદન ન કરો. બધા સંબંધો અનિત્ય છે, તેમાં પુત્રનો શોક કરું કે પુત્રવધૂનો? મારા બુદ્ધિમાન, પરાક્રમી પુત્રનો શોક કરવા જેવો નથી.’ અને એ પ્રમાણે ઘણો ઉપદેશ આપ્યો. રાજાએ પુત્રવધૂનો અગ્નિસંસ્કાર કર્યો, પુત્રને ઉદકદાન આપ્યું. તાલકેતુ પણ જળમાંથી નીકળીને કહેવા લાગ્યો, ‘હવે તું જા. તેં મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. જલપતિ વરુણનું કાર્ય મેં પૂરું કર્યું છે. એટલે રાજપુત્ર ગરુડ અને વાયુ જેવા પરાક્રમી અશ્વ પર બેસીને પોતાના નગરમાં ગયો. રાજપુત્ર પોતાના પિતાને પ્રણામ કરવા અને પત્ની મદાલસાને મળવા આતુર હતો. પણ રસ્તામાં બધાને ઉદાસ, શોકમગ્ન જોયા અને તરત જ આનંદ પામતા જણાયા. કેટલાક એકબીજાને ભેટવા લાગ્યા. રાજપુત્ર પણ મિત્રોને ભેટ્યો. નગરવાસીઓ તેને કહેવા લાગ્યા, ‘તું દીર્ઘાયુષ્યી થા. તારા શત્રુઓ નાશ પામે. તું બધાને આનંદિત કર.’ પછી તે પિતાના ઘરમાં ગયો, તેના પિતા તો જોઈને જ ભેટી પડ્યા. માતા, બાંધવો આશિષ આપવા લાગ્યાં. ‘અહીં બધા શોકમગ્ન કેમ દેખાય છે?’ અને રાજપુત્રે મદાલસાના મૃત્યુની વાત સાંભળી, ‘અરે, મને મરેલો સાંભળતાંવેંત તેણે તો પ્રાણ ત્યજી દીધા અને હું નિર્લજ્જ થઈને હજુ જીવું છું.’ પછી બધી બાજુનો વિચાર કરીને તેણે પિતાની-માતાની સેવાચાકરી કરવાનો વિચાર કર્યો. ‘પુનર્લગ્ન નહીં કરું, કોઈ બીજી સ્ત્રીને નહીં ચાહું એ જ માર્ગ મારી પ્રિયાને માટે યોગ્ય ગણાશે.’ પત્નીને ઉદકદાન આપીને તે બોલ્યો, ‘જો મદાલસા જીવતી ન હોય તો મારે હવે બીજી કોઈ સ્ત્રી નથી જોઈતી. હું કોઈ અન્ય સ્ત્રી સાથે ક્રીડા ન કરી શકું.’
પુત્રોની વાત સાંભળીને નાગરાજે પુત્રોને કહ્યું, ‘કર્મ કરતા જ રહેવું જોઈએ. એટલે હવે હું તપ કરવા જઉં છું. અને હિમાલયમાં જઈને કઠિન તપશ્ચર્યા કરવા લાગ્યા. જગજ્જનની, સરસ્વતીની સ્તુતિ કરવા લાગ્યા… તેની સ્તુતિથી પ્રસન્ન થઈને નાગરાજને તથા તેના ભાઈ કંબલને એ બધું જ્ઞાન આપ્યું. ત્યાર પછી બંને ભાઈ શંકરની આરાધના કરવા બેઠા. ભગવાને પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે નાગરાજે કહ્યું, ‘ઋતુધ્વજની પત્ની મદાલસા મૃત્યુ પામી છે. તે મારે ત્યાં તે જ વયમાં પુત્રી તરીકે જન્મે અને તેને પૂર્વજન્મની સ્મૃતિ રહે.’
આ સાંભળી ઈશ્વરે કહ્યું, ‘તમે જે ઇચ્છ્યું છે તે બધું થશે. શ્રાદ્ધપક્ષમાં તું મધ્યમાં મૂકેલો પિંડ આરોગજે. પછી મદાલસાનું ધ્યાન ધરી પિતૃઓનું પૂજન કરજે. એટલે મદાલસા જેવા રૂપે મરણ પામી હશે તેવા રૂપે તે તારા મધ્ય ફણામાંથી પ્રગટ થશે.’
શંકરનું વરદાન મેળવી નાગરાજ ભગવાનને પ્રણામ કરી રસાતલમાં ગયા. કંબલના નાના ભાઈએ ભગવાનના કહેવા પ્રમાણે શ્રાદ્ધવિધિ કર્યો, મધ્યમપિંડનું ભોજન કર્યું અને નિ:શ્વાસ નાખતાંવેંત મદાલસા પ્રગટી. નાગરાજે આ વાર્તા સાવ ગુપ્ત રાખી મદાલસાને સ્ત્રીઓના રક્ષણ નીચે એક ખંડમાં રાખી. નાગપુત્રો ઋતુધ્વજને ત્યાં આવી ક્રીડા કરતા હતા. એક દિવસ નાગરાજે પુત્રોને કહ્યું,
‘મેં પહેલાં પણ તમને કહ્કહ્યું હતું. તમે રાજપુત્રને અહીં કેમ લાવતા નથી?’
નાગપુત્રો જ્યારે ઋતુધ્વજને મળ્યા ત્યારે પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું ત્યારે રાજપુત્રે કહ્યું, ‘મારું ગૃહ તમારું જ છે. તમારે જે કંઈ દાન કરવું હોય તે કરો. આ બધું જ તમારું છે એમ માની લો.’
ત્યારે નાગપુત્રોએ કહ્યું, ‘તમે કહો છો, તેવું જ અમારા મનમાં છે પણ અમારા પિતા તમને મળવા માગે છે, કેટલીય વાર તેમણે કહ્યું છે.’ એટલે ઋતુધ્વજે સંમતિ દર્શાવી. ‘તમારા પિતાને મળવા હું પણ બહુ આતુર છું. તેમની આજ્ઞા મારા માથા પર.’
ઋતુધ્વજ તે નાગપુત્રોની સાથે ગોમતી તીરે ચાલવા લાગ્યો. તેણે માની લીધું કે ગોમતી તીરે આ મિત્રોનું નિવાસસ્થાન હશે, પરંતુ નાગપુત્રો તો તેમને પાતાળમાં લઈ ગયા. અને ત્યાં ગયા પછી મિત્રોને નાગરૂપે જોયા. તેમની ફણાના મણિથી સર્વત્ર પ્રકાશ થતો હતો, તે જોઈ રાજપુત્ર બહુ નવાઈ પામ્યો.
નાગપુત્રોએ પિતાને ઋતુધ્વજના આગમનના સમાચાર આપ્યા, રાજપુત્ર સુંદર પાતાળને જોવા લાગ્યો. નાગકન્યાઓથી પાતાળ શોભતું હતું. વાદ્યસંગીત પણ સંભળાતું હતું. આ બધું સાંભળતાં સાંભળતાં, જોતાં જોતાં રાજપુત્ર નાગપુત્રોની સાથે ચાલતો હતો. નાગરાજના ભવનમાં બધા પ્રવેશ્યા. દિવ્ય માળા, દિવ્ય અંબર, મણિ, કુંડળ, કિંમતી મોતી હાર, કેયૂર, વૈડૂર્ય મણિથી શોભતું આસન. નાગપુત્રોએ પોતાના પિતાની ઓળખાણ આપી, રાજપુત્રે તેમને પ્રણામ કર્યાં. નાગરાજે તેને આશીર્વાદ આપ્યા, ‘ચિરંજીવી થા, માતાપિતાની સેવા કર. તારી પ્રશંસા તો અહીં બહુ થઈ છે. તારા ગુણો મારા પુત્રોએ જણાવ્યા છે. ગુણવાન માનવીનું જીવન સાર્થક ગણાય. ગુણહીનનો કશો અર્થ નથી.’
નાગપુત્રોએ થોડા દિવસ રહેવાની વાત કરી. ઋતુધ્વજ કશું બોલ્યો નહીં. નાગરાજે પણ રાજપુત્રને ઇચ્છામાં આવે તે માગવા કહ્યું, ધનસંપત્તિ, સુવર્ણચાંદી. પણ પોતાના પિતાને ત્યાં એ બધું હોવાથી રાજપુત્રે ના પાડી. નાગરાજના દર્શનથી બધું જ મળી ગયું છે એમ માની લીધું. ફરી નાગરાજે બીજું કશું માગવા કહ્યું, મનુષ્યલોકમાં ન હોય એવું કશું માગવા કહ્યું.
એટલે નાગપુત્રે કહ્યું, ‘આ રાજપુત્રની પત્નીને કોઈ દુરાત્મા દાનવ છેતરી ગયો. રાજપુત્રના મૃત્યુના ખોટા સમાચાર આપ્યા. એટલે ગંધર્વરાજની પુત્રી મદાલસા એ સમાચાર સાંભળીને તરત જ મૃત્યુ પામી. આ રાજપુત્રે પછી પ્રતિજ્ઞા કરી કે હું મદાલસા સિવાય બીજી કોઈ સ્ત્રી નહીં કરું. આ ઋતુધ્વજની ઇચ્છા મદાલસાને જોવાની છે. તમારાથી એ બની શકે?’
‘એક વખત પંચભૂતોનો વિયોગ થાય પછી તેવો યોગ સ્વપ્નમાં થાય કે માયા વડે થાય.’
આ સાંભળી ઋતુધ્વજે કહ્યું, ‘જો માયા વડે પણ મને મદાલસાનું દર્શન કરાવો તો મારા પર મોટી કૃપા થશે.’
‘જો માયા જોવાની ઇચ્છા હોય તો હું તને નિરાશ નહીં કરું.’
પછી નાગરાજે ઘરમાં ગુપ્ત રાખેલી મદાલસા રાજપુત્રને બતાવી. ‘આ તારી પત્ની મદાલસા જ ને!’
રાજપુત્ર તો વિના સંકોચે પ્રિયા, પ્રિયા બોલતો તેની પાસે ગયો.
‘પુત્ર, મેં તને પહેલાં જ કહેલું કે આ માયા છે. તું એનો સ્પર્શ ન કર.’ પછી નાગરાજે ઋતુધ્વજને બધી સમજ પાડી અને મદાલસા કેવી રીતે મેળવી તે કહ્યું. પછી ઋતુધ્વજ અશ્વ પર મદાલસાને બેસાડીને નગરમાં ગયો અને માતાપિતાને બધી વાત કરી. બધે આનંદ આનંદ થઈ ગયો. નગરજનોએ મહોત્સવ કર્યો. કેટલાક સમય પછી રાજાનું અવસાન થયું એટલે ઋતુધ્વજ રાજા થયો. મદાલસાએ વિક્રાન્ત, સુબાહુ અને શત્રુદમન નામના પુત્રોને જન્મ આપ્યો, આ ત્રણેનાં નામ ઋતુધ્વજે પાડ્યાં હતાં. ચોથા પુત્રનું નામ મદાલસાએ પાડ્યું — અલર્ક.
મદાલસાએ અલર્કને રાજધર્મ, વર્ણાશ્રમ ધર્મ, ગૃહસ્થાશ્રમ ધર્મ, શ્રાદ્ધ કલ્પ, સદાચાર, દ્રવ્યશુદ્ધિ-ધર્માધર્મ વગેરેનો ઉપદેશ આપ્યો. આ ઉપરાંત ભગવાન દત્તાત્રયે પણ અલર્કને ઉપદેશ આપ્યો.
(૧૮)