ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વામીનારાયણ સંપ્રદાય

From Ekatra Wiki
Revision as of 11:47, 9 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સ્વામીનારાયણ સંપ્રદાય અને સ્વામીનારાયણ સંપ્રદાયનું સાહિત્ય : સ્વામીનારાયણ સંપ્રદાય પ્રેમલક્ષણાભક્તિના વૈષ્ણવ ભક્તિસંપ્રદાયના મૂળતત્ત્વ ઉપર આધારિત છે. આ સંપ્રદાયના સ્થાપક શ્રી સ્વામીનારાયણ એટલેકે સહજાનંદ સ્વામી (૧૭૮૧-૧૮૩૦) છે. સ્વામી રામાનંદ પાસે એમણે ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા લીધેલી. પોતાની વિદ્વત્તા, યોગસાધના અને કુનેહને લઈને તેમણે સમસ્ત ગુજરાતમાં સંપ્રદાયનો પ્રચાર કર્યો. ગુરુના વિશિષ્ટાદ્વૈતને લક્ષમાં રાખીને તેમણે સાકાર સ્વરૂપની ભક્તિ-ધારાને ગામડાંઓ સુધી પહોંચાડી. વૈષ્ણવ અને શૈવસંપ્રદાયની ઊણપોને ગાળી નાખીને નિર્મળ ભક્તિમાર્ગને તેમણે પ્રબોધ્યો. તિરસ્કૃત અને નિમ્ન ગણાતી, ધાડ કે ચોરીનો ધંધો કરતી કોળી કે કાઠી જેવી કોમોને તેમણે સદાચાર તરફ વાળીને વ્યસનોમાંથી મુક્ત કરી. યજ્ઞોમાં થતા પશુબલિને અટકાવ્યો, દીકરીઓને દૂધપીતી કરવાના, સતી થવાના કે એવા બીજા કુરિવાજોને તેમણે બંધ કરાવ્યા. અશ્લીલતા અને અંધશ્રદ્ધામાંથી એવી કોમોને છોડાવવાનો મોટો પ્રયત્ન કર્યો. તેઓના હાથે લખાયેલ ‘શિક્ષાપત્રી’ સંપ્રદાયના સૌ અનુયાયીઓ માટે પથદર્શક બની. ધર્મની સાથે સમાજસુધારણાને ભેળવી દઈને આમ સ્વામી સહજાનંદે અને તેમના સ્વામીનારાયણ સંપ્રદાયે સર્વક્ષેત્રે જે અવ્યવસ્થા-અનાચાર પ્રસર્યાં હતાં તેને દૂર કરવાનો પુરુષાર્થ કર્યો. સંપ્રદાયના સાધુ-કવિઓએ વૈરાગ્યભક્તિ અને સદાચારી સહજાનંદ સ્વામીને વિષય બનાવીને કરેલ અનેક રચનાઓ દ્વારા સંપ્રદાયની સાથોસાથ પરોક્ષપણે ગુજરાતી સાહિત્યની પણ સારી સેવા બજાવી છે. સહજાનંદ સ્વામીરચિત ‘વચનામૃત’ ગ્રન્થ સંપ્રદાયના સાહિત્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જીવનમાં ઉતારી શકાય તેવા વ્યવહારુ માર્ગોનું અહીં સરળ વ્યાખ્યાનસભર ને વાર્તાલાપી શૈલીમાં પ્રરૂપણ થયેલું છે. દોઢસો વર્ષ પૂર્વેના સૌરાષ્ટ્રી છાંટવાળા ગુજરાતી ગદ્યનું સ્વરૂપ તેમાં જળવાયેલું છે. એ રીતે આ ગ્રન્થ સ્મૃતિપાત્ર બને છે. તેમની ‘વેદરહસ્ય’ કૃતિ પણ ધ્યાનપાત્ર રહી છે. સહજાનંદ સ્વામીના શિષ્યોનું સાહિત્યિક પ્રદાન પણ નોંધપાત્ર બન્યું છે. મુક્તાનંદ(૧૭૬૧-૧૮૩૦)ની સાંપ્રદાયિક સાહિત્ય સેવા વિશેષ રૂપે યાદ કરવી પડે તેવી છે. તેઓએ ‘મુકુન્દબાવની’ ‘ઉદ્ધવગીતા’ અને ‘સતીગીત’ જેવી કવિત્વશક્તિ પ્રકટાવતી કૃતિઓ આપી છે. ઉપરાંત ‘ધર્મામૃત’, ‘પ્રેમલીલા’ અને સંખ્યાબંધ છૂટક પદો પણ તેમણે રચ્યાં છે. તેમની રચનાઓમાં ભક્તિશૃંગાર આવે છે, તો પ્રભુભક્તિ ને વિરહની સાથે સંયમનું પણ તેમાં ગાન છે. કચ્છની યાત્રામાં સહજાનંદ સ્વામીના ભોમિયા રહેલા નિષ્કુલાનંદે(૧૭૬૬-૧૮૪૮) વિપુલ પ્રમાણમાં સાંપ્રદાયિક સાહિત્ય આપ્યું છે. વીસેક કાવ્યગ્રન્થો અને ત્રણ હજાર પદો તેમના નામે ચઢેલાં છે. તેમના ત્યાગ અને વૈરાગ્યને ગાતાં ચોટદાર પદોમાં, તેમની હૃદયસંપદા બરાબર ઊતરી છે ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી’ જેવાં પદો આજેય લોકકંઠે રમતાં રહ્યાં છે. સંતની કવિતાનું સારલ્ય તેમની શૈલીમાં છે. સંપ્રદાયના એવા અન્ય મહત્ત્વના કવિ છે, બ્રહ્માનંદ (૧૭૭૨-૧૮૪૯). રોજ અમુક સંખ્યામાં પદો લખવાના નિયમધારી આ કવિનું પિંગળ ઉપર પ્રશસ્ય પ્રભુત્વ હતું ‘સુમતિપ્રકાશ’, ‘વર્તમાનવિવેક’, ‘બ્રહ્મ-વિલાસ’, ‘ઉપદેશ ચિન્તામણિ’. અને ‘છંદરત્નાવલિ’ જેવી કૃતિઓ તેમનું વ્રજ-હિન્દી ઉપરનું પ્રભુત્વ દર્શાવે છે, તો કેટલાંક ઉપદેશનાં, ભક્તિશૌર્યનાં અને પ્રેમલક્ષણાભક્તિનાં ને જ્ઞાન-વૈરાગ્યનાં પદોમાં ગુજરાતી ભાષા અને કાવ્યકલા ઉપરનું તેમનું સ્વામીત્વ વ્યક્ત થાય છે. ‘આ તન રંગ, પતંગ સરીખો જાતાં વાર ન લાગે જી’, ‘સાચા શૂરા રે જેના વેરી ઘાવ વખાણે’ વગેરે વિવિધ ભાવને પ્રગટ કરતી તેમની પદકવિતાની મોહકતા ભક્તો અને ભાવકોને સરખી રીતે આકર્ષી રહે તેવી છે. સહજાનંદ સ્વામીએ જેમને ‘પ્રેમસખી’નું બિરુદ આપેલું એ સ્વામી પ્રેમાનંદે(૧૭૮૪-૧૮૫૫) નરસિંહની પેઠે પોતાને ગોપી કલ્પીને પ્રેમભક્તિસભર ઉત્કટોર્મિઓને શબ્દરૂપ આપ્યું છે. અહીં શ્રીકૃષ્ણ તે સહજાનંદ સ્વામી. સંપ્રદાયના અન્ય કવિઓની જેમ પ્રેમસખીએ પણ વૈરાગ્ય અને ભક્તિનાં પદો આપ્યાં છે પણ તેમની ખરી હૃદયશ્રી તો ‘નેણાંમાં રાખું રે, નેણાંમાં રાખું રે, નાથજીને જતન કરીને મારાં નેણાંમાં રાખું રે’ જેવાં અનેક સ્વચ્છ, સુંદર પદોમાં ઊતરી છે. ‘ધ્યાનમંજરી’, ‘તુલસીવિવાહ’, ‘ગોપીવિરહ’, ‘શ્રીહરિચરિત્રામૃત’ વગેરે તેઓનું અન્ય સાહિત્ય છે. આ ઉપરાંત ‘અંતકાળે સગું નહિ કોઈનું રે’ જેવાં, પ્રભુભક્તિ પ્રત્યે એકાગ્ર કરે તેવાં, વૈરાગ્યનાં પદો આપનાર દલપતરામના કાવ્યગુરુ દેવાનંદ સ્વામી(૧૮૦૩-૧૮૫૪), બારમાસીમાં શ્રી સહજાનંદ સ્વામી માટે છલકાતા ભક્તિભાવથી ગાતા ને ચારેક હજાર જેટલાં પદો આપનાર સ્વામી મંજુકેશાનંદ સ્વામી, ‘ઘનશ્યામ લીલામૃત-૧-૨’માં સહજાનંદ સ્વામીનું બાલચરિત્ર આપનાર ભૂમાનંદ(૧૭૯૬-૧૮૬૮), અવિનાશાનંદ કવિ અને સંખ્યાબંધ બોધક પદોના રચયિતા પૂર્ણાનંદ કવિ વગેરેની અનેક કલમોએ સાંપ્રદાયિક સાહિત્યને પુષ્ટ કર્યું છે. આ ઉપરાંત યોગાનંદ, તેજાભક્ત, નિર્ગુણાનંદ બ્રહ્મચારી વગેરે અનેક કવિઓ ઉપરાંત દલપતરામ, ન્હાનાલાલ આદિ અનેક અર્વાચીન કવિઓએ પણ સાંપ્રદાયિક સાહિત્યમાં મહત્ત્વનું ઉમેરણ કર્યું છે. પ્ર.દ.