ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રહસ્યવાદ

From Ekatra Wiki
Revision as of 12:17, 10 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



રહસ્યવાદ : અન્ત :સ્ફુરિત અપરોક્ષ અનુભૂતિ દ્વારા પરમતત્ત્વનો સાક્ષાત્કાર કરવાની પ્રવૃત્તિ. સાધક દેશ, જાતિ, ધર્મની સીમાથી પર અને વિષયોથી વિમુખ થઈ, સત્-અસ્તિત્વ દેખાતા જગત જેટલું જ અસંદિગ્ધ હોવાની પ્રતીતિથી અસીમ આનન્દથી અભિભૂત થઈ, અનન્ત સુહૃદ શિવ અને સુન્દરની પવિત્રતાની આરાધના કરે એ રહસ્યવાદનો પ્રમુખ આશય છે. અલબત્ત, તેમાં બુદ્ધિ, સંકલ્પ અને ભાવાત્મકતાનો નિષેધ નથી. શંકરાચાર્ય અને એકહાર્ટ વગેરેએ બુદ્ધિનો સમ્યક્ પ્રયોગ સ્વીકાર્યો હોવા છતાંય આગ્રહ એ બાબતે છે કે, બુદ્ધિના સઘળા ઉધામા પછી પણ પરમનો રહસ્યમય અંશ નિતાન્ત અગમ્ય હોઈને અજાણ્યો રહી જાય છે; જે અન્ત :સ્ફુરિત અવ્યવહિત સહજજ્ઞાન દ્વારા જ પામી શકાય છે. રહસ્યવાદી જ્ઞાન-પ્રાપ્તિનાં સામાન્ય સાધનોનો ઉપયોગ નથી કરતા, તેને અપૂર્ણ માને છે. આદિમ સમાજોમાં દિવ્યચેતનાના માનવીય ચેતના પરના અધિકાર સ્વરૂપે રહસ્યવાદના નિર્દેશો મળે છે. પરમતત્ત્વ સ્વીકાર્ય ન હોવા છતાં ય બૌદ્ધોએ પરાબૌદ્ધિક પ્રજ્ઞાની પ્રાપ્તિ માટે બુદ્ધોપદિષ્ટ આર્યઅષ્ટાંગિક યોગનું ચરમ સોપાન સમાધિ હોવાનું સ્વીકાર્યું છે. લાઓત્સે સિદ્ધાન્તત : રહસ્યવાદી હતા. બૌદ્ધિકતા અને ઐહિકતાની પ્રબળતા છતાંય પ્રાચીનગ્રીસમાં પાઈથોગોરસ ઉપરાંત પ્લેટોનિસ મહાન રહસ્યવાદી હતા. પ્રભુ ઈશુનું જીવન અને વાણી પરમના સાન્નિધ્યથી વ્યાપ્ત છે. હજરત મહમ્મદ પયગંબરનું જીવન રહસ્યમયી દિવ્યતાનું નિદર્શન છે. સન્ત રાબિયાએ પ્રેમના રહસ્યમય સ્વરૂપનું દર્શન કરાવ્યું. સૂફી સન્તોની વાણી, कसौऽहम् - तत्त्वमसि, અનલહક જેવાં ચિરન્તન વાક્યો, કબીરજીની બાની અને સગુણોપાસનામાં વ્યક્ત થતા રહસ્યવાદની પરંપરામાં અર્વાચીનયુગમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ, મહર્ષિ દેવેન્દ્રનાથ, ટાગોર, શ્રીરમણ મહર્ષિ જેવા અનેક સાધકોનો સમાવેશ થાય છે. શા.જ.દ.