કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૨. તડકાની આંગળીએ

From Ekatra Wiki
Revision as of 07:47, 15 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૨. તડકાની આંગળીએ

(સવૈયા)
તડકાની આંગળીએ ખેંચ્યાં સ્હેજ ટાઢનાં ચીર,
ઝબકારામાં જાગી ઊઠ્યાં સૂતાં સરવર-નીર.

હૂંફ ઓઢીને નીંદર પોઢી, શ્વાસ શ્વાસમાં ફોરે,
આળસ મરડી ઊઠ્યા પહેલાં બે’ક ચુંબનો મ્હોરે.

ધુમ્મસની દુનિયા લૈ ધુમ્મસ હળુહળુ વીખરાય,
રાત થતાંમાં આવ્યુંઃ ક્‌હેતું આંખે ઓઝલ થાય.

કલબલાટનાં કાબર-ચકલાંઃ ફરફરાટની પાંખ –
ફરકે ત્યાં તો દુનિયાદારી માંડી દેતી આંખ.

ડગમગ રસ્તા ઘડીવારમાં સીધા અક્કડ ચાલે;
તડકો ઓઢી ટાઢ મલપતી ઠરે ગુલાબી ગાલે.

૧૬-૧૨-૬૬
(જળમાં લખવાં નામ, પૃ. ૫૦)