આત્માની માતૃભાષા/38

From Ekatra Wiki
Revision as of 07:57, 17 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રકૃતિથી માનવ સુધીની યાત્રા|સિલાસ પટેલિયા}} {{Poem2Open}} [યુવક ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રકૃતિથી માનવ સુધીની યાત્રા

સિલાસ પટેલિયા

[યુવક રવીન્દ્રનાથને કલકત્તામાં એક વાર સૂર્યોદય સમયે જીવનનો એક મહાન અનુભવ થયો. આંખ આગળથી જાણે કે પડદો સરી ગયો ને સમગ્ર વિશ્વ એકરૂપે દેખવા મળ્યું. એવામાં સામે રસ્તા પર બે મજૂરો હસતા હસતા ચાલ્યા જતા એમની નજરે પડ્યા; એમાં સચરાચર સૃષ્ટિમાં ઊભરાતા આનંદને એમણે ઓળખ્યો. કવિ પોતાની ‘જીવનસ્મૃતિ'માં આ અનુભવ વર્ણવતાં કહે છે કે પછી પોતે હિમાલય ગયા, એવી આશાથી કે કલકત્તામાં જોયેલું ત્યાં હિમાલયમાં વધુ ગંભીરપણે અનુભવવા મળશે. પણ એવું કાંઈ બન્યું નહિ. અને એમાં જ કવિનું સૌભાગ્ય હતું. આ કૃતિમાં હિમાલય પાસે કવિ પોતાના દર્શનની માગણી કરે છે અને હિમાલય તેમને એ માટે જગતમાં પાછા જવા કહે છે એ રીતે આરંભ કરી, કલકત્તામાં થયેલા દર્શનને પાછળથી નિરૂપ્યું છે (લગભગ કવિના જ શબ્દોમાં); અને હિમાદ્રિ કવિને પાછા જગત તરફ મોકલે છે એ પ્રસંગે જ કવિનું મૂળ દર્શન સાર્થક બની રહે છે એમ સૂચવ્યું છે. હિમાદ્રિને શિખરે શિખરે પેલા બે શ્રમીણોના સખ્યઆનંદનો ઉત્સવ જોતા કવિ માનવતાના સૌભાગ્યને વધાવતા જગતમાં પાછા વળી કવિઋષિ બને છે એ રીતે કૃતિનો અંત કલ્પ્યો છે.]

‘હિમાદ્રિ અચલાધિરાજ, કરુણાર્દ્ર ગૌરીગુરો,
જરી જવનિકા કઠોર તવ શૈલમાલા તણી
— જરીક ઊંચકી ન લે? પ્રગટ થાય ના થાય ત્યાં
વિલીન થઈ જાય ક્યાંય, તુજ તુંગ શૃંગો પૂંઠે,
મળેલું શિશુનેત્રને સુભગ મોંઘું જે દર્શન.

ભમ્યો કુહર, શૃંગ શૃંગ ભટક્યો વનાની વિશે
અધીર રવડ્યો હું નિઝરનદીતટે, ને જહીં
પ્રપાત જળના શિલાતટથી વ્યાઘ્રફાળે ધસે.
રમ્યો વિકલ દેવદારુ તણી રમ્ય છાયા મહીં,
અને અનિલ સાથ માંડી અણથંભ કૈં ગોઠડી.
નિરભ્ર નભની અતાગ શુચિ નીલિમા આંખમાં
ભરી ભરી ઉલેચી મેં દિન પછી દિનો, રાત્રિએ
દઈ ડૂબકી તાગ લીધ કંઈ લક્ષ નક્ષત્રના.
પરંતુ ગયું ક્યાં, મળે ન ક્યમ દેખવા તે અહો
નિહાળ્યું હતું જે મહાનગરની ભરી ભીડમાં?
લહ્યું ન અહીં શાંતિમાં, લહ્યું'તું જેહ કોલાહલે!

તરે તુહિનના અફાટ પટ ઉપરે ડોલતાં
અનિદ્ર તવ નીલરક્તદલ શુભ્ર પદ્મો સમાં
ભરી ક્ષિતિજવ્યોમ શૃંગ પર શૃંગ, મલક્યાં કરે.
તરંગિત વિલોલ સ્વપ્નસુષમા ધરાહૃદયની
પડી જ પથરાઈ સ્થૈર્ય ધરી રૂપ લૈ શાશ્વત.
પરોઢ સમયે સ્ફુરે સ્મિતમુખી ઉષા અદ્રિએ
ક્ષણેક ક્ષણ અર્ધ વા પ્રથમ રશ્મિ પૂષન્ તણાં
ઝીલી, સુહતી ત્યાં ધરાઉરની નિત્યકૌમારના
રસે ગહનરમ્ય સ્વપ્નસુરખી; સ્ફુરે ત્યાં શમે.
ઝલાય ન ઝલાય એ ઝલક દિવ્ય ચૈતન્યની.
અરે મુજનું સ્વપ્ન તેય સરી એવું ચાલ્યું ક્યહીં.
થીજેલ પડઘા પુરાણ ઋષિમંડલે ઉચ્ચર્યા
ઋચાધ્વનિ તણા જગાડી મુજ નવ્ય ગીતસ્વરે,

અહો કુહરકંઠ મંદ્ર તવ ભવ્ય પ્રાચીનથી
સુણીશ ફરી મંત્ર એ મુજ ઉરે હતી વાંછના.
ત્રિકાલ મહીં તે અબાધિત ઋતસ્વરે મત્ત હું
પછીથી વિચરીશ, એહ હૃદયે હતી ઝંખના.
પરંતુ રવમૂક નિર્ઘૃણ અકંપ તું તો ઊભો.
અહો હૃદય શારતું, અદય, મૌન મીઢું તવ!
નથી તું વસુધાઉરે અસહ ભાર, રે માહરે
ઉરે વજન કારમું થઈ પડ્યો તું આજે મહા.’

‘કવિ! પ્રથમ તું નથી અસહ ભાર વ્હેનાર તો!
અગણ્ય મનુબાલકો ગભરુ પાંખ વીંઝી, નવી
મળેલી કંઈ દૃષ્ટિની, અબલ ઊડતાં થાકીને
પડે અહીં પછાડ ખાઈ મુજ અંકમાં, દોષ દે
ન એ અમિત વ્યોમલક્ષી નિજ સાહસોત્સાહને
પરંતુ મુજને. સુણી અરવ હું રહું એ ઉરો
થકી દ્રવત શબ્દ ત્રસ્ત જગશોકદુ:શ્વાસના.
કદી સરવરે જળે નીરખી છે છવિ માહરી?
અને નીરખી છે પ્રચંડ મુજ કાય કંપી જતી,
જરીક લઘુ કોઈ કંકર પડ્યે તહીં વારિમાં?
જગજ્જન તણો નિસાસભર શબ્દ ખીણો મહીં
સ્ફુર્યે, મુજની કાય એવી થથરી ઊઠે કારમી.
હિમાદ્રિ નવ હું, જગજ્જન તણા નિસાસા થીજી
થયેલ નભચુંબી રાશિ, બસ એ જ હું! ને કવિ,
અગાધ જગમાંથી જે યુવક વૃદ્ધ આવ્યાં અહીં
પુન: જગતમાં વિદાય કીધ સર્વ તે મેં સદા,
વહંત મુજ બ્રહ્મપુત્ર નદ સિંધુ, ગંગા સહ.
હિમાદ્રિ-સમ બોજ ઝીલી જગક્લેશનો અંતરે
રહ્યા વિચરી નિત્ય જે સ્મિતમુખે બધું આયુષ,
ખરું ફકત તેમને જગતમાં થયું દર્શન.
ખરા ઋષિવરોય તે જ. કવિ, તારુંયે સ્વપ્ન તે
ઘટે મનુજવૃંદમાં જ, અહીંયાં ન રે, શોધવું;
ઘટે ભીતરમાં, બહાર નહિ એ, ભલા, ખોજવું.
લહી, પ્રિય, થજે તુંયે પ્રથિત ક્રાન્તદર્શી કવિ.’

અવાક કવિ ત્યાં ઊભો ગહન મર્મ ઉકેલતો
હિમાદ્રિ તણી સૌમ્ય શૈલલિપિમાં સ્ફુરી જે રહ્યા.
અને તરવરી રહ્યું અતલ મૌનમાં દૃશ્ય તે,
સુધામય દીઠેલું જે નગરને ગૃહપ્રાંગણે:
— પ્રભાત હતું. બાલસૂર્ય તરુઅન્તરાલે રહી
વરેણ્ય નવ-ભર્ગ વિશ્વ પર વર્ષતો હર્ષતો.
દૃગેથી સહસા તહીં જવનિકા ખસી શું ગઈ!
ખસ્યું ઉરનું જેહ આવરણ તુચ્છતાનું હતું.
પડ્યો સરી અહં અજાણ, નિજને સ્વયં ઢાંકતો.
સમસ્ત જગ જોયું દર્શકની જેમ. લાધી નવી
અલૌકિક અભિજ્ઞતા. સકલ વિશ્વસંસાર આ
ઊઠ્યો જ અપરૂપ કોઈ મહિમાથી આચ્છન્ન થૈ.
સમષ્ટિહૃદયેથી ઊઠી સરતા તરંગો સમું
સમુલ્લસત સર્વ આ જગત દીઠું સૌન્દર્યની
સવારી પર નીકળેલું રસડોલતું લીલયા.
અનાવરણ દૃષ્ટિમાં રહી અસીમતા ઊભરી.
વિષાદપટને નિમેષ મહીં ભેદી વિશ્વપ્રભા
મહીં જઈ ભળ્યું જ ભીતર, અપૂર્વ રંગાઈને.
કંઈ રહ્યું ન અપ્રિય, પ્રિય બની રહ્યાં સર્વ કો.
સમસ્ત ભર્યું એક મીટ મહીં વિશ્વચૈતન્યને.
જતો યુવક એક ત્યાં અવરને ખભે હાથ દૈ,
જતો ભરઉમંગ મુક્ત હસતો, દીઠો ત્યાં પથે.
નિહાળી પથ હાસ્યથી ઊછળતો શ્રમીણો તણા,
દીઠો તહીં ગભીરતા અતલસ્પર્શ સૌ વિશ્વની
મહીંથી ઊડતો અગાધ રસનો ફુવારો મહા,
ચતુર્દિશ વહાવતો ઝરણ હાસ્યનું. જોઈ સૌ
સમષ્ટિ અવિરામ નૃત્ય સમ દિવ્ય સૌન્દર્યના.—

ઉઘાડી નયનો જુએ કવિઋષિ પ્રગલ્ભાત્મ એ
હિમાદ્રિશિખરો પરે સુભગ દૃશ્ય દીપી રહ્યું:
પરસ્પર તણે ખભે ઉભય ભેરવી હાથ ત્યાં
શ્રમીણ હસતા ઊભા; સુહતું મુક્ત ત્યાં હાસ તે,
હિમાદ્રિશિખરો તણે શિર સમીરથી જેવી કો
સફેદ કલગી ઝીણી ફરફરી રહે બર્ફની.
સમુત્સવ લસી રહ્યો સરલ સૃષ્ટિસૌહાર્દનો.
શ્રમે વિચરતા, પરસ્પર સુમેળમાં રાચતા
નૃલોક તણું ભાગ્યમંગલ દીઠું જ ત્યાં અંકિત
સમુન્નત ઉદાર ભારત લલાટ પર રાજતું.

સમાધિ થકી જાગી એ અપરિમેય આનંદની,
વળ્યો કવિ જગે, શુભંકર ભરી ઉરે દર્શન.
અમદાવાદ, નવેમ્બર ૧૯૪૮