નિરંજન/૪૦. ભર્યો સંસાર

From Ekatra Wiki
Revision as of 11:48, 20 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૦. ભર્યો સંસાર

ગાડીવાને પૂછ્યું: ``ગાડી ક્યાં લઈ જઉં, ભાઈ? ``કેમ, કહ્યુંને? આપણે સુનીલાબહેનને ત્યાં – અરે, હં હં, સેન્ડહર્સ્ટ રોડ ઉપર. ખરી રીતે નિરંજને ગાડીવાનને નહોતું કહ્યું. વળી સુનીલાબહેનને પણ ગાડીવાન ઓળખતો નહોતો. બંને વાતનું સ્પષ્ટ ભાન નિરંજનને પાછળથી આવ્યું. પણ હું સુનીલાને ઘેર કેમ જાઉં છું? મનમાંથી ઉત્તર ઊઠ્યો: વિજેતા બનીને વળ્યો છું તે માટે; આજે જઈને મારે પરાજયનાં રોદણાં નથી રોવાનાં તે માટે. છેલ્લા ત્રણ મહિનાથી એકબીજાં મળ્યાં નથી. મેં આટલો મોટો ગાળો પડવા દીધો? કોઈ ને કોઈ નિમિત્ત કાઢી એની કને ગયો જ કાં નહીં? કારણ કે આ બધો જ વખત એ મને યાદ આવી નથી. એનો અર્થ એમ તો નહીં જ કે હું એને ભૂલી ગયો હતો. નિરંજન અંદર આવ્યો, ત્યારે પાછળ બારણું ઉઘાડું મૂકતો આવ્યો. સુનીલાએ પાછાં જઈને બારણું બંધ કરી દીધું. એ પાછી આવતી હતી ત્યારે નિરંજનની નજર એના મોં પર ચોટી જ રહી ને એ ઉશ્કેરાટ અનુભવીને બોલી ઊઠ્યો: ``અરે, આ શું! આટલું બધું – છેલ્લો શબ્દ `સામ્ય' એ મનમાં મનમાં બોલી ગયો. એનો હાથ કોઈ મોતી ઢૂંઢતા મરજીવાની માફક સાગરને છેક તળિયે લાગ્યો હતો. એ તલસ્પર્શમાંથી જવાબ મળ્યો: ફક્ત એક જ અણસાર. આંખોને સ્થિર રાખવાની એક જ અણસાર બેઉની મળતી આવે છે. લાલવાણીના મોં પર હું એ એક જ અણસારને આધારે સુનીલા ભાળતો હતો. એ આંખોને મેં શું એટલા જ માટે ચૂમી હતી! અત્યારે જાણે એ ચહેરો મને પૂરો યાદ પણ નથી આવતો. શી લીલા! ``કેમ? નિરંજને પૂછ્યું, ``મારું પરાક્રમ તો જાણ્યું હશે. ``ઊડતી વાતો. ``ઊડતી નથી; ડાળે બેઠેલી નિશ્ચિત વાતો છે. ``મારે શું? એટલું કહીને સુનીલાએ પોપચાં નીચે ઢાળ્યાં ને નિરંજને આજે પહેલી જ વાર સ્વપ્નમાં જોતો હોય તેવી અશ્રદ્ધાથી જોયું કે સુનીલાની આંખોમાં સહેજ આંસુ છે. ``મારી કલંકકથાથી તમને શું છે તે આટલાં પરિતાપ પામો છો? સુનીલાએ આડી વાત નાખી દીધી: ``બા તો ગયાં – ``ક્યાં? ``દીવાનાની ઇસ્પિતાલે. ``અરે રામ! બીજા ખંડમાંથી એક બાળકનો અવાજ સંભળાયો: ``બા! બા! ઓ બા! ``આવ! સુધીર, અહીં આવ! નાનો ચારેક વર્ષનો બાળક એક બિલ્લીનું બચ્ચું ઉઠાવીને અંદર આવ્યો. ``આ કોણ? નિરંજને પૂછ્યું. ``બા કહેનાર બીજું કોણ હોય? નજીક આવેલા છોકરાને સુનીલાએ ખોળા પર બેસાર્યો. ``કોઈ અનાથાશ્રમમાંથી? ``ના, એક સનાથ ઘરમાંથી. વધુ ને વધુ મલકાટ એના મોં પર વેરાતો હતો. ``બાપુ ક્યારે આવશે, બા? બાલકે પૂછ્યું. ``હવે આવતા હશે. ``પાડોશીનો? નિરંજને પૂછ્યું. ``નહીં, સહવાસીનો. ``સહવાસી? તમારા સહવાસી! ``ખરેખર મારા જ. પંદર દિવસથી એના પિતા મારે ઘેર જ રહે છે, જોડે રહે છે. અમે એકબીજાની પિછાન કરીએ છીએ. પિછાન લગભગ પૂરી થઈ ગઈ છે. ``હવે? લગ્ન? ``સગવડે નોંધાવી લઈશું. કશી ઉતાવળ નથી. ઘર અહીંથી ખાલી કરવાનું છે. પાડોશીઓનો જીવ કચવાય છે. ``ક્યાં ફેરવશો? ``એક ખ્રિસ્તીધર્મીઓના બ્લોકમાં. ત્યાં કોઈ કોઈની વાતોમાં તરડ દ્વારા જોતું નથી; સહુ પોતપોતાનું સંભાળીને રહે છે. ત્યાં તો દ્વાર ભભડ્યું ને એક ચાળીસેક વર્ષનો જણાતો પુરુષ અંદર આવ્યો. એના હાથમાં કાગળોનું દફતર હતું. પોશાક સવારે તાજો જ પહેરેલો તેના ઉપર કાળાશ વળી ગયેલી. ચહેરો અત્યંત આકર્ષકતા ન દાખવતો છતાં ભલમનસાઈથી ભરેલો હતો. શરીરનો મરોડ કસાયેલો હતો. સુનીલા જોડે એક યુવાન એક જ સોફા ઉપર બેઠો છે, છતાં આવનારે કશી અસાધારણતા ન અનુભવી. બીજા ખંડમાં જઈ એણે કપડાં ઉતાર્યાં, ને પછી સુનીલા એને બોલાવી લાવી. સુનીલાએ એને નિરંજનની પિછાન કરાવી: ``આ મારા મિત્ર, હું તમને કહેતી હતી તે. ``બેસારશો? હું નાહી આવું. નિરંજન જોડે વિનયવિધિ કર્યા બાદ એણે રજા માગી. ``હા. બેસશે. કહી સુનીલાએ બાળકના પિતાનાં રૂમાલ-ધોતી સ્નાનાગારમાં મૂક્યાં. પછી પાછી આવીને જ્યાં પહેલાં બેઠી હતી ત્યાં જ બેસીને એ વાતો કરવા લાગી: ``એ એન્જિનિયર છે. અમારી ઓળખાણવાળા છે. દસ મહિના પર ઘરભંગ થયા. ઉપલે માળે રહેતા હતા. બાપુજીની જે હાલત બાએ કરેલી, તે જ હાલત એમની સ્ત્રીએ એમની કરી હતી. અમે દિવસરાત જોતાં અને સાંભળતાં. આટલી વાત કરે છે ત્યાં બીજા ખંડમાંથી એક નાના બાળકનું રડવું સંભળાયું, ને પેલો છોકરો બૂમ પાડતો આવ્યો: ``બા, બેન ઊઠી છે. ``દસ મહિનાની દીકરી પણ મળી છે મને. કહેતી, ભાવભરપૂર વદને સુનીલા ગઈ; નાની છોકરીને તેડીને પાછી આવી બેઠી. ``ભર્યો સંસાર! નિરંજન ગળામાંથી ખૂંતેલા સોયા ખેંચતો હોય તે રીતે શબ્દો બોલી શક્યો. ``ઊણો હતો તેટલો જ મેં પૂરી લીધો ને! ``આપણે વિશે વહેમાશે તો નહીં? ``શાથી? ``બારણું તમે બંધ કર્યું હતું તેથી. ``વહેમાવાની એને જરૂર નથી. હું જ એને આખી વાત રજેરજ કહી દેવાની. ``એને કશું નહીં થાય? ``એ પ્રદેશ મેં એમને સોંપ્યો નથી. ``એ પ્રદેશ – નિરંજન નવાઈ પામ્યો. ``હા, પ્રેમનો પ્રદેશ. ``એટલે? ``એટલે અમારું થનારું લગ્ન તે પ્રેમલગ્ન નથી. ``પ્રેમ વગર લગ્ન? ``પ્રેમ વગરનું લગ્ન, માટે જ એ લગ્ન ટકાઉ બનશે. ``પ્રેમને સ્થાને? ``સહાનુભૂતિ: સહાનુકંપા: સુખદુ:ખમાં સહભાગીપણું. નિરંજન આંખો ચોળી રહ્યો. ``સુધીર! આંહીં આવ તો! પેલા છોકરાને બોલાવીને સુનીલાએ નિરંજનને કહ્યું, ``આનું મોં જોયું? અણસાર કોના જેવી છે? ``કોના જેવી? ``તમારા જેવી. નિરંજનને રમૂજ થઈ. એણે કહ્યું: ``એના બાપુજી સાંભળી જશે તો લાકડી લેશે. ``તો દસ વાર હું એ જ વાત કહેતી દસ લાકડીઓ ખાઈ લઈશ. નાહીને પેલા પુરુષ બહાર નીકળ્યા. સુનીલાએ કહ્યું: ``આ સુધીરની મુખમુદ્રા આમને મળતી છે એમ હું કહું, તો તમે લાકડી લેશો ખરા? ``લઉં તો ખરો, પણ સામી લાકડી ખાવી પડે તેની બીક છે ને! ``પણ તમે જ કહો, ચહેરા મળતા છે કે નહીં? ``હો કે ન હો, તમને લાગે છે તેટલી મારા આનંદની વાત. મિત્રનું સંભારણું રહેશે તો તમે ઝટ મારું ઘર નહીં છોડો. મારી તો એ મતલબની વાત. ``ઘર મારું કે તમારું? ``તમારું કહો તો તો પાડ જ માનું ને! ``હું તો એમ કહું છું કે સુધીરનો ચહેરો જ્યાં સુધી આમના મોંને મળતો રહેશે ત્યાં સુધી જ હું તમારે ઘેર રહેવાની. ``હું તમને ખાતરી આપું છું કે એ ચહેરો નહીં બદલે. ``કેમ? ``કેમ કે એ તો તમારા મનોભાવની જ મુદ્રા છે ને? મૂળ ચહેરાના ઘાટઘૂટમાં તો કશું જ નથી. ``ત્યારે તો હું સપડાઈ ગઈ. ``કેમ? ``સુધીર ચહેરો બદલાવશે, એટલે એવું ઠરશે કે મારો મનોભાવ ભૂંસાઈ ગયો. ``હા જ તો. નિરંજન આ વાર્તાલાપનો ચૂપ સાક્ષી બની ગયો. એને ગમ ન પડી કે પોતે તે કનકની દુનિયા ગુમાવી બેઠો છે, કે જીતી ગયો છે! ``હું કપડાં સરખાં પહેરીને આવું છું, હો! એમ કહી એ પુરુષ ગયા, ને સુનીલાએ કહ્યું: ``છેલ્લી વારનાં આજે જોડે જ જમીશું? ``તમારા આ સંબંધની કોઈને જાણ છે? ``તમને એકને જ જાણ નથી; બીજાં સર્વ જાણે છે ને મને ફિટકારે છે. ``ફિટકારે શા માટે? ``એટલા માટે કે મેં કોઈ રૂપવંતા રસીલા નવજુવાન પર મારું જીવન ન ઓવાર્યું, કે ન કોઈ પ્રોફેસર, સિવિલિયન, બેરિસ્ટર અથવા દેશભક્ત જોયો. ``આટલી બધી ઠંડક રાખીને તમે બોલી શકો છો? ``એટલી ઠંડક ન રાખું તો તો મનની આગ મને ખાક કરી નાખે. નિરંજનને તો ન સમજાય તોય સાંભળવું ગમતું હતું. પૂછવા ખાતર એણે પૂછ્યું: ``બા આવશે ત્યારે? ``ત્યારે આ બે બચ્ચાં ભેગું એ પણ ત્રીજું એક બચ્ચું. ``હું આવી ગયો છું. એમ કહેતા ઇજનેર હાજર થયા. ખોળામાં પગ લોડાવી લોડાવી પોઢાડી દીધેલી નાની બાલિકાને સુનીલાએ પારણામાં સુવાડી દીધી, ને સહુ જમવા ગયાં. કાચુંપાકું ને દાઊયુંબળ્યું, પણ હવે તો સુનીલા પોતે જ રાંધતી. ``મારા હાથની સૌ પહેલી રસોઈ, કહી એણે નિરંજનને દાબી દાબી પીરસ્યું. પુરુષે પણ મમતા બતાવી જમણમાં રસ રેડ્યો. ને પછી મોડી વેળાએ સુનીલા નિરંજનને વળાવવા છેક એકલી નીચલા દાદર સુધી ઊતરી. પુરુષ ઊંચે જ ઊભો રહ્યો. ક્યાં જશો? હવે શું કરવું છે? માફ કરજો – કે એવો કશો જ વિષય સુનીલાએ છેડ્યો નહીં. નિરંજને વિચારી રાખ્યું હતું તે કશું જ બોલાયું નહીં. કેમ કે બોલવાનો અવકાશ આપનાર એક પ્રશ્ન પણ સુનીલાના મોંમાંથી સર્યો નહીં. નિરંજને ઊંચે નજર કરી. સુનીલા બોલી: ``તમે કેટલા ભુલકણા છો! ત્યાંથી કોઈ મારી ચોકી કરતું નથી – મેં તમને નહોતું કહ્યું? જુઓ નિહાળીને. થોડી ક્ષણો બેઉ સામસામી નજર ફેરવી ખડાં થઈ રહ્યાં, પછી એકાએક સુનીલાએ કહ્યું: ``જુઓ, નાની બેબી રડે છે. ચાલો, છેલ્લા પ્રણામ! નમન કરી એ ઉપર ચડી ગઈ. નિરંજન ફૂટપાથ પરના પથ્થરોને પાછળ મૂકતો હતો ત્યારે નીચેની દુકાનમાંથી કોઈકે કહ્યું તે એણે સાંભળ્યું: ``અગાઉ વેશ્યાવાડો એક ઠેકાણે હતો, હવે માળે માળે પેઠો!