પરિષદ-પ્રમુખનાં ભાષણો/૬.

Revision as of 11:44, 23 December 2021 by KhyatiJoshi (talk | contribs)


શ્રી હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાનું ભાષણ

છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ: અમદાવાદ
એપ્રિલ: ૧૯૨૦


સ્વ. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા
(ઈ.સ. ૧૮૪૪–૧૯૩૧)

છઠ્ઠી સાહિત્ય પરિષદને પ્રમુખપદે સ્વ. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા બિરાજ્યા હતા. ગુજરાત તેમને ઓળખે છે ‘સાહિત્ય’ માસિકના સંસ્થાપક અને સંચાલક તરીકે “‘સાહિત્ય’ એટલે આમવર્ગનું માસિક” એ ધોરણે એમણે સંપાદન કરેલું. એમના પછી એમના પુત્ર મટુભાઈએ પણ એ નીતિ જ ચાલુ રાખેલી. વડોદરા રાજ્યે ગુજરાતી સાહિત્યને વેગ મળે તેવી ઘણી પ્રવૃત્તિઓ કરેલી છે એ તો સર્વવિદિત છે. આ પ્રવૃત્તિઓમાં એક કે બીજે સ્વરૂપે હરગોવિંદદાસભાઈ સંલગ્ન હતા. અને ‘પ્રાચીન કાવ્યમાળા’ના સંપાદકોમાંના તેઓ એક હતા એ તો સમસ્ત ગુજરાત જાણે છે. કાવ્યો અને વાર્તાઓ એ બંને ક્ષેત્રોમાં, એમણે સર્જેલું સાહિત્ય આજે ઉપલબ્ધ છે. તે ઉપરાંત શિક્ષણના ક્ષેત્રમાં પણ એમણે ઘણું ઉપયોગી કાર્ય કર્યું છે. પ્રકૃતિ અને પ્રવૃત્તિથી વેપારી ગણાય એવા આ સાહિત્યકારને ગુજરાતે પોતાની અમદાવાદ ખાતે મળેલી છઠ્ઠી સાહિત્ય પરિષદનું સુકાન સોંપ્યું હતું. સાહિત્યનો સામાન્ય જીવનવ્યવહાર સાથે સંબંધ વિચારી સાહિત્યને પણ વ્યવહારુ બનાવવું એ એમનો ઘણે સ્થળે વ્યક્ત થતો આશય છે. અને આ આશયના પ્રચારમાં ‘સાહિત્ય’ માસિકે પોતાના જીવન દરમ્યાન ઘણું કાર્ય કર્યું છે. વડોદરા રાજ્યે એમની સાહિત્યસેવાનો કરેલો સરવાળો, રાજ્ય તરફથી એમને બક્ષાયેલા “સાહિત્યમાર્તંડ”ના ખિતાબમાં આપણી દૃષ્ટિએ પડે છે. જીવનવ્યવસાયના અનેક ક્ષેત્રોમાં ગૂંથાયેલા આ સાહિત્યકારે સાહિત્ય સાથેનો પોતાનો સંબંધ આજીવન જીવતો રાખ્યો હતો. એમની સરળતા એમના સર્વ વ્યવહારોમાં ભૂષણરૂપ બનતી હતી. આવા સરળ સાહિત્યકાર હતા સ્વ. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા.

ઉપોદ્‌ઘાત

સાહિત્ય પરિષદ જેવા વિદ્વજ્જનોના મહામંડળનું પ્રમુખપદ અતિ માનવંતું ને જોખમ ભરેલું છતાં તેને માટે સત્કારમંડળીના જે સભ્યોએ, તથા જે પત્રકારોએ, સંસ્થાઓએ અને અન્ય ગૃહસ્થોએ મારા લાભમાં સંમતિ આપવાની કૃપા કરી છે, તેમનો હું ખરા અંતઃકરણથી આભાર માનું છું. મારી પૂર્વે એ પદને જે સુપ્રસિદ્ધ સાક્ષરોએ શોભાવ્યું છે, તેમની સાથે સરખામણી કરતાં મારી યોગ્યતા ઊતરતી છે, અને મારા કરતાં વધારે લાયક વિદ્વાનો ઘણા છે એમ હું માનું છું. તેમ છતાં મારી જ પસંદગી કરવામાં આવી છે, તો હું મારું કર્તવ્ય બજાવવા પ્રયત્ન કરીશ. પ્રમુખ તરીકે મારી ફરજ અદા કરવા માટે અને સાહિત્યના હિતની ખાતર, કદી કોઈને અપ્રિય લાગે એવું કથન કરવું પડે, તો તેને માટે હું ક્ષમા ચાહું છું. બીજી બાબત મારે નિવેદન કરવાની એ છે, કે સાહિત્ય શબ્દને વાઙ્મયના અર્થમાં વાપરીને આ પરિષદનું ક્ષેત્ર વિશાળ કરવું જોઈએ. સાહિત્યમાં કાવ્યો, કાદંબરીઓ ને નાટકોનો જ નહિ, પણ બીજા સર્વ વિષયોનો સમાવેશ કરવો; એટલે તે સર્વ જાતિના ને સ્થિતિના લોકોને ઉપયોગી થઈ પડે, એવો આશય રાખવો જોઈએ. ત્રીજી બાબત હું નમ્રપણે એ જણાવું છું, કે આ વખત જેમ લોકસમૂહને માટે ભાષણો આપવાની યોજના કરી છે, તેમ આપણી પરિષદમાં તેઓ ભાવથી ભાગ લેતા થાય એવા ઇલાજ લેવા જોઈએ. એટલે આ પરિષદ એકલા સાક્ષરમંડળ માટે જ નહિ, પણ ગુજરાતી બોલનારા સર્વને માટે સમજવી જોઈએ. સરસ્વતીદેવીનાં મંદિર સર્વને માટે ખુલ્લાં રહે, અને આપણે જનસમૂહને સાથે રાખીએ, તો જ સાહિત્યનો ખરો ઉપયોગ થઈ દેશની ઉન્નતિ થવાની છે. ભાષાના ઇતિહાસ વગેરેના સંબધમાં વિદ્વાનો ઘણું લખી ચૂક્યા છે; પરંતુ નવાં નવાં સાધનો મળી આવવાથી જે નવી નવી બાબતો પ્રકાશમાં આવતી જાય તે દર્શાવવાના તથા જુદા જુદા વિચારોની સરખામણી કરી બતાવવાના હેતુથી મેં એ વિષય છોડી દીધો નથી. ભાષણ શરૂ કરતાં અગાઉ મારે અતિ દિલગીરી ભરેલી નોંધ લેવાની ફરજ બજાવવી પડે છે, તે એ કે ગઈ સાહિત્યપરિષદ ભરાયા પછી પાંચ વર્ષના ટૂંકા અરસામાં આપણે કેટલાક સારા લેખકો ખોયા છે. રણજીતરામ વાવાભાઈ, ભોગેન્દ્રરાવ દીવેટિયા, ચીમનલાલ દલાલ, ગણપતરામ ત્રવાડી, અમૃતલાલ પઢિયાર, શિવુભાઈ બાપુભાઈ, મલયાનિલ, ખુરશેદજી ફરામરોજ, તારાપુરવાળા, ભાગળિયા અને જહાંગીર પોલીસવાળાનો સ્વર્ગવાસ બહુ ખેદજનક છે. પડેલી ખોટ જલદીથી પૂરાતી નથી એ કમનસીબની વાત છે.

ભાષા

ભાષાની ઉત્પત્તિ મનુષ્યની ઉત્પત્તિની સાથે જ થયેલી હોવી જોઈએ, કેમકે તે વગર મનુષ્યો એક બીજાના મનમાં ઉદ્ભવતા વિચાર જણાવવાને, અને એક બીજાની સહાયતા મેળવવાને શક્તિમાન થાય નહિ. ભાષા વગર પણ કેટલીક હદ સુધી માણસ વિચાર કરી શકે છે, અને તે કરપલ્લવી, નેત્રપલ્લવી જેવી નિશાનીઓથી બીજાને સમજાવી શકે છે; પરંતુ એ મૂંગાં-બહેરાંના જેવા સાધન વડે મનુષ્યનો કારવ્યવહાર સારી રીતે ચાલી શકે નહિ. ઇશ્વરે તેને વાચા આપી છે, તે વડે તે ભાષા ઉત્પન્ન કરી શકે છે. કોઈ કહે છે કે ભાષા ઇશ્વરદત્ત છે. પરમેશ્વરે માણસને ઉચ્ચાર કરવાને વાણીસ્થાન આપ્યાં છે, તેટલા પૂરતી તે ઇશ્વરદત્ત ગણાય, બાકી ભાષાને ઉપજાવનાર સમાજ છે, અને તેથી તે સમાજની સામાન્ય મિલકત છે. એ મિલકત પેઢી દરપેઢી વધતી જાય છે; અને તેનો વારસો વંશજોને મળ્યા કરે છે. તરતનું જન્મેલું બાળક અવાચક હોય છે. ધીમે ધીમે તે કંઈ અર્થ વગરના ઉચ્ચાર કરે છે. એ ઉચ્ચાર બહુધા ઓષ્ઠસ્થાની ને કંઠસ્થાની હોય છે. તે મ મ મા બ બ બા એવા ઉચ્ચાર કરે છે, તેને નજીકનાં સગાં – તેની માતા વાચક છે એમ સમજીને જરૂર પડે ત્યારે તે મા બા કહીને પોતાની માડીને બોલાવતાં શીખે છે. તે સહેલાઈથી બોલી શકે તેટલા માટે મા, બા, મમ (ખાવાનું), ભૂ, પા, બાપા, ભાઈ, બહેન, મામા, માસી, ફોઈ એવા ઓષ્ઠસ્થાની શબ્દો કે આદિ અક્ષરો વાળા નાના શબ્દો તેની માતા અને આસપાસનાં માણસો શરૂઆતમાં બોલતાં શીખવે છે, અને અમુક મનુષ્ય કે પદાર્થને લાગુ પાડી આપે છે. એ રીતે ભાષાની શરૂઆત થાય છે. બાળકને નવું નવું જાણવાની જેમ જેમ જિજ્ઞાસા વધતી જાય છે, તેમ તેમ તેનું શબ્દભંડોળ વધતું જાય છે. સૃષ્ટિ સમયે માણસને થોડી વસ્તુઓનો ખપ હોય અને તેના વિચાર પણ ટૂંકા હોય, તેની ભાષા નાની હોય. ભાષાની ઉત્પત્તિ મનુષ્યની સાથે થઈ, પરંતુ તે ક્યારે ને ક્યાં થઈ તે જાણવાને સાધન નથી. આપણે ભાષાને અનાદિ કહીએ છીએ, પણ જો મનુષ્ય અનાદિ હોય તો ભાષા અનાદિ કહી શકાય. ટેલર કહે છે કે સૃષ્ટિ સમયે માણસની ભાષા એક હતી. જો મનુષ્યની ઉત્પત્તિ એકજ સ્થળે અને એકજ જાતની થઈને આખી પૃથ્વી પર પસરી હોય, તો આ વાત માન્ય કરી શકાય. ભૂસ્તરવિદ્યાની શોધખોળ પ્રમાણે મનુષ્યની ઉત્પત્તિને લાખો વર્ષ થઈ ગયા છે (અને એજ માન્યતા આપણી અને જૈન બંધુઓની છે.) પરંતુ ભૂસ્તરના જુદા જુદા યુગમાં જુદે જુદે સ્થળેથી જે માણસના અવશેષ મળી આવે છે, તે ઉપરથી જુદી જુદી જાતના મનુષ્યો જુદા જુદા યુગમાં થયેલા જણાય છે. એટલે તેમની ભાષા એક હોઈ શકે નહિ. જુજવી જાતોની બોલી એક નહિ પણ જુજવી હોય. ભૂસ્તરવેત્તાઓની શોધથી પાષાણયુગના ‘પેલીઓલીથિક’ સમયમાં વસતાં મનુષ્યોના શેષ ભાગ ફ્રાન્સ અને સ્પેન વચ્ચેના પિરિનિઝ પર્વતની ગુફામાંથી મળી આવ્યા છે. ગુફાની ભીંતોએ પ્રાણીઓનાં સપ્રમાણ ચિત્રો તથા ચિત્રલેખન કાઢેલાં છે, તે ઉપરથી લાખો વર્ષ પૂર્વે મનુષ્ય જાતમાં ભાષા હતી, તે ચિત્રલેખન વડે લખી જાણતી અને અને ચિત્રકળા પણ તે સારી રીતે જાણતી હતી, એમ માલમ પડે છે. વિદ્વાનોએ ભાષા વિષે જે શોધ કરેલી છે, તે બહુ કરીને યુરોપ અને એશિઆની ભાષા સંબંધે છે, તેમાં પણ તેમને ત્રણ કુટુંબથડની ભાષાઓ માલમ પડી છે. પરંતુ એ ત્રણનું પણ એક મૂળ નીકળતું નથી. તો બીજી સેંકડો ભાષાઓ જે આફ્રિકા, અમેરિકા આદિના અસલી વતનીઓમાં સ્વતંત્ર રીતે ચાલે છે, તેમનું મૂળ ક્યાંથી હોય? અર્થાત્ સૃષ્ટિ સમયે એક જ ભાષા હતી એ કલ્પના સાધાર જાણાતી નથી. સામાન્ય માન્યતા એવી છે કે જંગલી લોકોની ભાષાઓ ઘણી નાની એટલે હજાર પાંચસેં શબ્દોની બનેલી હોય છે; પણ સેંકડો વર્ષથી ચાલી આવતા સમાજનો વ્યવહાર એટલા થોડા શબ્દોથી ચાલી જ ન શકે. મી. મેરેટ જણાવે છે કે ટેરા ડેલ ફુઈગોના જંગલી લોકોની ભાષામાં ત્રીસ હજાર કરતાં વધારે શબ્દો છે.

આર્ય ભાષા

ઉપર કહ્યું તેમ યુરોપએશિઆની મુખ્ય ભાષાઓને ત્રણ કુટુંબ – થડમાં વહેંચેલી છે. ૧. આર્ય – ‘આર્યન’ (જેને ‘ઇંડોજર્મેનિક’ કે ઇંડોયુરોપિયન કહે છે.) ૨. ‘તુરેનિયન’ અથવા તુરાની અને ૩ સેમિટિક. એમાંની પહેલી બે ભાષાઓ સાથે હિંદની ભાષાઓને નિસ્બત હોવાથી સેમિટિકને આપણે છોડી દઈશું. યુરોપમાંની ‘આર્યન’ ભાષાઓ ‘સેલ્તિક’, ‘ઇતાલિક’, ‘ટ્યુટોનિક’, ‘હેલેનિક’ અને ‘ઇલાઇરિક’ છે. અને એશિયામાં ઇરાનની ને ભરતખંડની આર્ય ભાષાઓ છે. આર્ય લોકોનું મૂળ સ્થાન કાકેસસ પર્વત તરફ માનવામાં આવે છે. હિંદના ભાષાશાસ્ત્રના કર્તા બીમ્સ કહે છે, કે તેઓ ઉત્તરપશ્ચિમ તરફથી આવ્યા હતા. કોઈ હિંદુકુશ પર્વતને આર્યોનું મૂળ સ્થાન કલ્પે છે, તો કોઈ તે સ્થળ યુરોપની ઉત્તરપશ્ચિમે હતું, એમ કહે છે. છેલ્લી શોધને આધારે ગ્રિઅર્સન જણાવે છે, કે તે યુરોપને એશિયાની સરહદ ઉપર એટલે દક્ષિણ રૂશિઆના મુલકમાં હતું. લોકમાન્ય ટિળક સાબિત કરે છે, કે આર્યોનું નિવાસસ્થાન ઉત્તર ધ્રુવ તરફ હતું, જગદીશ ચેટરજી કહે છે, કે તેમનું મૂળ રહેઠાણ પોન્તસ ને આમિનિઆ હતું. આર્ય લોકોની સાથે બાબિલોનિઅન, ઈજીપ્શિઅન, ઈજીઅન અને હીબ્રુ લોકો હિંદમાં આવ્યા હતા, એટલું જ નહિ પણ દસ્યુ – દાસ, જેમને કેટલાક વિદ્વાનો આ દેશના અસલ વતનીઓ માને છે, તે પણ આર્યો સાથે આવ્યા હતા. આ ઉપરથી જણાશે કે આર્યોની સાથે બીજી ભાષાઓ વાપરનારા લોકો પણ પ્રાચીન સમયે આ દેશમાં આવી વસ્યા હતા. બીમ્સ લખે છે કે ‘તુરેનિઅન’ની પાંચ શાખા પૈકી ચાર શાખા આપણા તરફ ચાલે છે. (૧) હિમાલયી, (૨) લોહિટિ, (૩) કોલ, અને (૪) દ્રાવિડી. હિમાલયીની ૨૩ શાખા, લોહિટિ એટલે બ્રહ્મદેશની ભાષાની ૨૬ શાખા, કોલની ૯ શાખા (હિદુસ્તાનના જંગલી લોકો સન્થાલ, ગોંડ વગેરેની) અને, દ્રાવિડીની ૧૨ શાખા (સિંહલી સાથે) દ્રાવિડ દેશમાં વપરાય છે. દક્ષિણ હિદુસ્તાનમાં ‘તુરેનિઅન’ ભાષાઓએ આ દેશની આર્ય ભાષાઓ ઉપર કેટલીક અસર કરી છે, તેમ તેમની ભાષાઓ ઉપર આર્ય ભાષાઓની પણ ઘણી અસર થયેલી છે. કોઈ એમ પણ માને છે કે આર્યોની પહેલાં ‘તુરેનિઅન’ લોકો હિંદમાં આવીને આખા દેશમાં વસ્યા હતા.

સંસ્કૃત ભાષા

આર્ય લોકો સામટા એકીવખતે આ દેશમાં આવ્યા નહોતા. જુદાં જુદાં ટોળાં લાંબા અંતરે આવે તો તેમની ભાષામાં ફેરફાર હોય જ. તેમ અનેક ભાષા બોલનારી પ્રજાઓના ભેળસેળ થવાથી પણ ભાષામાં વધારે ઓછું મિશ્રણ થવા પામે. વેદની ભાષા થઈ તેને સંસ્કૃત નામ આપવામાં આવ્યું. જગદીશ ચેટરજી જણાવે છે, કે વેદ બન્યા પછી ઘણે કાળે આર્યો હિંદમાં આવ્યા હતા. તે તો વળી આગળ વધીને એમ પણ જણાવે છે કે ‘મહાભારત’ અને ‘રામાયણ’ના બનાવ પણ હિંદમાં બન્યા નહોતા! નવા નવા શોધોથી કેવી કેવી વાતો પ્રગટ થશે તે કહી શકાતું નથી. પામિર અને ગોબીના રણથી ઢંકાએલ ફળદ્રૂપ દેશમાં પૂર્વે આર્ય પ્રજા વસતી હતી. તેમનાં દેવળો ને પુસ્તકો સુધ્ધાં હાલમાં હાથ લાગ્યાં છે, તે ઉપરથી ભાષાઓની ઉત્પત્તિના સંબંધમાં વખતે નવો પ્રકાશ પડશે. સિંહલીની બીમ્સે ‘તુરેનિઅન’માં ગણના કરી છે, તે કદાચ હિમાલયમાં વસતી સિંહલીઆ જાતની ભાષા ‘તુરેનિઅન’ મૂળની છે, તેઓ પૂર્વે સિંહલ દ્વીપમાં જઈ રહ્યા હોય, એમ ધારીને કિંવા દ્રવિડ લોકોની મોટી સંખ્યા તેમાં જઈ વસી છે, તે ઉપરથી કલ્પના કરી હશે; પરંતુ બુદ્ધ ધર્મના પ્રચાર અર્થે ઈ.સ. પૂ. ૫૪૩માં વિજયે પાલિ ભાષા દાખલ કરી, તે પછી તેનો એટલો પ્રચાર થયો છે કે હાલની સિંહલીને આર્ય ભાષાની શાખા ગણી શકાય, અને તે જાણે ગુજરાતી સાથે બહુ સંબંધ ધરાવતી હો. એવી દેખાય છે. તેમાંના થોડાક શબ્દો જુઓઃ

દવસ દિવસ તુનય ત્રણ મુલ મૂળ અટય આઠ પેટ્ટીય પેટી દહય દસ-દહ સીતલ શીતળ કોઈ કયું કરનવા કરવું દૂર દૂર મરનવા મરવું નમ નામ દેનવા દેવું ગીયા ગયા
સિંઘાલી ગુજરાતી સિંઘાલી ગુજરાતી
માસમ માંસ એકય એક

વળી હાલના સિંહલીઓમાં સંસ્કૃત શબ્દો વાપરવાની રૂઢિ વધી પડી છે. જ્યાં જ્યાં બુદ્ધ ધર્મ પ્રવર્ત્યો, ત્યાં ત્યાં પાલિ અને સંસ્કૃતની અસર થયેલી છે. જાવા ને બાલિ બેટોમાં ધર્મને લીધે તથા ખાસ કરીને પ્રાચીન આર્યો જથાબંધ જઈ વસેલા હોવાથી ત્યાં સંસ્કૃત શબ્દો ઘણા વપરાય છે. જાવાની જૂની કવિતાની ભાષા જેને કવિ ભાષા કહે છે, તે તો લગભગ આખી આર્ય ભાષા છે. આ દેશની સર્વ આર્ય ભાષાઓ – પ્રાકૃત અને ચાલુ – નું મૂળ સંસ્કૃત છે. તેણે આપણને અખૂટ ભંડાર વારસામાં આપેલો છે. તેની મહત્તા સંબંધે પંડિત હરબિલાસે પોતાના કીમતી ગ્રંથમાં જે વિદ્વાનોના મત ટાંક્યા છે, તે મેં ‘સાહિત્ય’ માસિકમાં છપાવેલા છે. તેથી તેમાંના એક જ વિદ્વાનનું મત અત્રે આપી સંતોષ માનીશ. સર વિલિયમ જોન્સ કહે છે કે સંસ્કૃતનું બંધારણ આશ્ચર્યકારક છે; તે ગ્રીક કરતાં વધારે પૂર્ણ, લાટિન કરતાં વધારે વિશાળ અને બંને કરતાં વધારે સુંદર રીતે સંસ્કારી છે. સંસ્કૃત ભાષાનું સર્વોપરિપણું સાબિત કરવા માટે બીજો એક જ દાખલો બસ થશે. ભગવાન પાણિનિએ શાસ્ત્રીય રીતે લખેલા વ્યાકરણ જેવું વ્યાકરણ કોઈ ભાષામાં નથી. વળી મહામહોપાધ્યાય શ્રી. હરપ્રસાદ શાસ્ત્રીએ જણાવ્યું હતું, કે શ્રીમાન રાજેંદ્રલાલ મીતરે વ્યાકરણશાસ્ત્રના જુદા જુદા ૮૫૦ ગ્રંથનો સંગ્રહ કર્યો હતો. દુનિયામાં છે કોઈ એવી ભાષા કે જેમાં વ્યાકરણશાસ્ત્રના સેંકડો ગ્રંથ હોય? લેખનકળા સંબંધે ટેલર કહે છે કે રોમીય ભાષા બોલનારે ગ્રીક લોકોને પ્રથમ અક્ષરજ્ઞાન ઈ.સ. પૂ. ૧૪૯૩–૧૫૦૦માં આપ્યું: અર્થાત્ લેખનકળા પ્રથમ રોમીય લોકોએ શોધી કાઢી એમ કહેવાનો ભાવાર્થ છે. મેક્સ મ્યુલર કહે છે કે ઈ.સ.પૂ. ૩૫૦ અગાઉનાં લેખી પુસ્તકો નથી. આ બંને મત ખરાં નથી, તેના પ્રમાણમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્માએ પૂર્વદેશીય ભાષાજ્ઞોની લંડનમાં મળેલી પરિષદ (સન ૧૮૮૩)માં જે લેખ વાંચ્યો હતો તેમાં જણાવ્યું છે, કે મેક્સ મ્યુલરને પોતાને કબૂલ કરવું પડ્યું હતું કે સૂત્રોના કર્તાઓ લેખનકળા જાણતા હતા. વળી તે કહે છે કે વેદની સંહિતાઓમાં બ્રાહ્મણ અને સૂત્રોના ગ્રંથોમાં એવાં શબ્દો ને વાક્યો છે, કે તે વડે પ્રાચીન હિંદમાં લેખનકળાનો ઉપયોગ થતો તે વિષે શંકા રહેતી નથી. પાણિનિની પૂર્વે લાંબા વખત પરના જે નિયમિત પ્રબંધો ગદ્યમાં છે તે લેખનની મદદ વગર બને નહિ. પ્રોફેસર વિલ્સન કહે છે કે છેક જૂના વખતથી હિંદમાં અક્ષરજ્ઞાન હતું અને તે શિલાલેખો ને તામ્રલેખોમાં જ નહિ, પણ સામાન્ય જિંદગીના દરેક કામમાં વપરાતું. કાઉન્ટ જોનેસ્ટર્જન જણાવે છે કે હિંદુ કને ઈ.સ. પૂર્વે ૨૮૦૦ અથવા ઈબ્રાહિમની પૂર્વે ૮૦૦ વર્ષ પહેલાંનાં લેખી ધર્મનાં પુસ્તકો હતાં. મહાભારત સંબંધે એવી વાત ચાલે છે કે વ્યાસ ભગવાને તે તૈયાર કર્યું, તેને લખવા માટે શ્રી. ગણપતિએ બીડું ઝડપીને તે લખ્યું હતું. આ વાતને ઓછામાં ઓછાં પાંચ હજાર વર્ષ થઈ ગયાં. ટેલર અક્ષરજ્ઞાન માટે ઈ.સ.પૂ. ૧૫૦૦ પરની વાત કરે છે, પરંતુ બાબિલોનના લોકોને ઈ.સ.પૂ. ૨૦૦૦ની પહેલાં લખવાની કળા માલમ હતી. ‘આસિરિઅન’ અને ‘એક્કેડિઅન’ ભાષાના શબ્દસંગ્રહો, વ્યાકરણો, કોષો અને પાઠ્ય પુસ્તકોનો શોધ લાગ્યો છે (પાટી ઉપરના હજારો લેખોમાંનો ઘણો ભાગ વિલાયતના સંગ્રહસ્થાનમાં રાખેલો છે.) બાબિલોનના લોકો ઝાડની છાલ વગેરે પર અને પાછળથી માટીની નાની પાટીઓ ઉપર વતરણાથી લખતા હતા. મીસરના છેક પ્રાચીન કાળના લોકો ચિત્રલેખન (લિપિ)થી કામ નિભાવતા. ભાષા પેદા થયા પછી થોડે કાળે લેખનની જરૂર પડે, કેમ કે ગામ પરગામ ખબર આપવાના, હિસાબ રાખવાના, પોતાના વિચાર સંગ્રહી રાખવાના પ્રસંગ આવ્યા વિના રહે નહિ. શરૂઆતમાં આ કાર્ય ચિત્રલેખનથી થતું એમ માલમ પડે છે. સંસ્કૃત ભાષા એ સર્વ લોકની બોલી હતી કે કેમ એ વાત શંકા પડતી છે. સુધારેલી સંસ્કૃત એ વિદ્વાનોની કદાપિ ભાષા હશે, પરંતુ બાકીના લોકો તે સમયે પ્રાકૃત ભાષા બોલવામાં વાપરતા હશે એમ લાગે છે. પ્રાકૃત ભાષા ક્યારથી પ્રચારમાં આવી તે કહેવું મુશ્કેલ છે, તથાપિ પાલિ ભાષાને જ્યારે સુમારે અઢી હજાર વર્ષ થયાં છે, ત્યારે પ્રાકૃત ભાષા તે અગાઉ ઘણાં સૈકાથી ચાલુ થએલી હોવી જોઈએ. ગ્રિઅર્સન કહે છે કે વેદની સંસ્કૃત ભાષા ઉપરથી પ્રાકૃત ભાષા થઈ છે. કોઈ પ્રાકૃત સુધારીને નવી સંસ્કૃત ઉપજાવવામાં આવી એમ પણ ધારે છે. એ પછી દ્વિતીય પ્રાકૃત ઉદ્ભવી અને છેવટના વખતમાં તૃતીય પ્રાકૃત થઈ. વ્યાકરણતીર્થ બહેચરદાસ તેમને સંસ્કૃતસમ પ્રાકૃત અને દેશ્ય (દેશી) પ્રાકૃત એવાં નામ આપે છે. એમાંથી પાછલી પ્રાકૃતો થઈ અને એ પ્રાકૃતોમાંથી ચાલુ આર્ય દેશી ભાષાઓ ઉત્પન્ન થઈ. દ્વિતીય પ્રાકૃતથી પાલિ ઉદ્ભવી અને તે બૌદ્ધોના ધર્મની પવિત્ર ભાષા બની. જૈન ધર્મીઓએ કઈ પ્રાકૃત પસંદ કરી તે વિષે મતભેદ ચાલે છે. બીમ્સ કહે છે કે તે ભાષા શૌરસેની હતી. ગ્રિઅર્સન માને છે કે તે વિદર્ભદેશની મહારાષ્ટ્રી (દક્ષિણની મરાઠીની માતા) હતી. કોઈ કહે છે કે તે અર્ધમાગધી હતી, પરંતુ પંડિત બહેચરદાસ આ સર્વ મતને ખોટા ઠરાવે છે અને કહે છે કે “જૈન પ્રાચીન પુસ્તકોમાં પ્રાકૃત1 ભાષા પ્રયોજાઈ છે. શ્રી. હેમચંદ્રનું જ વ્યાકરણ જૈન સૂત્રોની ભાષાને અર્ધમાગધી કહેવાની ના પાડે છે. જૈન ધર્મનાં પુસ્તકોમાં કોઈ કોઈ ઠેકાણે દેશ્ય પ્રાકૃતનો અને શૌરસેની ભાષાનો પણ એકાદ શબ્દ આવી ગયો છે. પણ એટલાથી એમ કેમ નક્કી થાય કે જૈનસૂત્રો અર્ધમાગધીમાં છે?” આ ઠેકાણે જણાવવું જોઈએ કે જે ધર્મના ને અન્ય વિષયોના ગ્રંથો સંસ્કૃતમાં લખવાનો વહીવટ હતો, તે તોડીને લોકભાષાનો ઉપયોગ કરવાનું માન જૈન અને બૌદ્ધ આચાર્યોને ઘટે છે. તેમણે જેમ પ્રાકૃત ભાષામાં ગ્રંથો લખ્યા, તેમ તેઓ વ્યાખ્યાન વગેરે પણ પ્રાકૃત ભાષામાં આપતા હતા. બૌદ્ધ ધર્મની પાલિ ભાષા પછી ઉદ્ભવેલી પ્રાકૃતોમાં તેમના ગ્રંથો પ્રકટ ન થયા; પરંતુ જૈનોએ તો જેમ જેમ ભાષાઓ બદલાતી ગઈ તેમ તેમ નવી થયેલી ભાષાઓમાં ગ્રંથો લખ્યા છે, એ તેમનું કાર્ય ખરેખર પ્રશંસાને પાત્ર છે. અને એ જ પદ્ધતિથી તેમણે ગુજરાતી ભાષાના સાહિત્યની ઉમદા સેવા બજાવી છે.

મૂળ પ્રાકૃતની શાખાઓ

આપણે ત્રણ પાયરીની પ્રાકૃત જોઈ. એ ઉપરથી જે પ્રાકૃતો પેદા થઈ, જેનાં વરરુચિ, હેમાચાર્ય વગેરે વિદ્વાનોએ વ્યાકરણ રચ્યાં છે, તેમાં પાંચ નામ આવે છે. ૧. શૌરસેની ૨. માગધી ૩. પૈશાચી (તેની એક શાખા ચૂલિકાપૈશાચી) ૪. અપભ્રંશ અને ૫. મહારાષ્ટ્રી. આગળ જતાં તેમાં વધારો થતો ગયો છે, તે એટલે સુધી કે રામતર્કવાગીશ ૨૨ પ્રકારની પ્રાકૃત ગણાવે છે. એમાંની હૃષિકેશ વ્યાકરણમાંથી પાંચાલી, ટક્ક અને આભીરી એ ત્રણનાં નામ મળી આવે છે. એટલે કદાચ પ્રાંત પ્રાંતની જુદી પ્રાકૃતો થઈ ગઈ હશે. ભરતખંડનો મધ્ય દેશ તે ઉત્તરમાં હિમાલયથી માંડીને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી અને પશ્ચિમમાં સરહિંદથી માંડીને પૂર્વમાં ગંગાજમનાના સંગમ સુધી પૂર્વે ગણાતો, તથા તે આર્યોની પવિત્ર ભૂમિ મનાતો, અને બાકીના દેશ મ્લેચ્છ – જંગલીમાં ખપતા. ભગવાન પાણિનિએ સંસ્કૃતનું વ્યાકરણ એ સ્થળે ઈ.સ.પૂ. ૩૦૦ વર્ષ ઉપર રચ્યું હતું. આગળ જતાં એ ભાષાએ ધીમે ધીમે પ્રાકૃતનું રૂપ ધારણ કર્યું. મધ્ય દેશની આજુબાજુએ – પશ્ચિમ, દક્ષિણ, ને પૂર્વમાં – જે મુલક તે વૈદિક સમયે પણ આર્ય જાતોથી વસેલો હતો. એ મુલકમાં હાલનું પંજાબ, સિંધ, ગુજરાત, રજપૂતસ્થાન (હાલ મધ્યદેશ) અયોધ્યા અને બિહાર આવે છે. આ બાહ્ય મુલકોમાં જુદી જુદી જાતો આવી હતી અને તે દરેકની બોલી જુદી હતી તથાપિ એ જાણવું અગત્યનું છે કે સાંપ્રત ભાષાઓનો મુકાબલો કરતાં આ બહારની ભાષાઓ મધ્ય દેશની ભાષા કરતાં એકબીજા સાથે વધારે સંબંધ ધરાવતી હતી. વિશેષ તપાસથી એમ માલમ પડે છે કે મધ્ય દેશમાં આવી વસેલા આર્યો સૌથી છેલ્લા હતા. આગળ જતાં મધ્ય દેશની વસ્તી વધતા લાગી અને તેણે હિંદના બાકીના ભાગો ઉપર અગત્યની સત્તા પ્રાપ્ત કરી. દિલ્લી અને કનોજ એ રાજધાનીનાં શહેર હતાં. અને મથુરાનું પવિત્ર નગર એ દેશમાં હતું. ત્યાંના લોકોએ પૂર્વ પંજાબ, રજપૂતસ્થાન, ગુજરાત અને અયોધ્યા જીતી લીધાં. તેમની ફોજ તથા જઈ વસનારાઓ પોતાની ભાષા ત્યાં લઈ ગયા, તેથી એ સર્વ પ્રદેશોમાં આપણે હાલની ભાષાઓનું મિશ્રણ જોઈએ છીએ. તે દરેકનો પાયો બાહ્ય દેશની ભાષાનો હોઈ તેનું શરીર મધ્ય દેશની ભાષાનું બંધાયું. એમ છતાં જેમ આપણે મધ્યબિંદુથી આગળ જતાં જઈએ, તેમ મધ્ય દેશની ભાષાની અસર નબળી પડતી અને બાહ્ય અથવા સ્થાનિક ભાષાની અસર બળવાન થતી જોઈએ છીએ. તે એટલે સુધી કે છેવટ મધ્ય દેશની ભાષાની છાયા પણ રહેલી નથી. દાખલા તરીકે પશ્ચિમ પંજાબની લહંડા ભાષા તે મધ્ય દેશની ભાષા સાથે કંઈ જ સંબંધ ધરાવતી નથી. જેમ આપણે દક્ષિણપશ્ચિમ ભણી જઈએ તેમ બાહ્ય દેશોની મૂળ ભાષા વધારે ને વધારે જોઈએ છીએ અને તે ગુજરાતમાં ખાસ માલમ પડે છે. છેવટ જ્યાં શક્ય હતું, ત્યાં બાહ્ય દેશના લોકો દક્ષિણમાં ને પૂર્વમાં પ્રસર્યા અને એ રીતે આપણે મરાઠીને મધ્યપ્રાંતોમાં, વરાડમાં અને મુંબાઈ તરફ જોઈએ છીએ. એ જ રીતે પૂર્વમાં ઉડિયા, બંગાળી ને આસામી ભાષાઓ મધ્ય દેશની અસર થયા વગરની છે. મધ્ય દેશની પ્રાકૃત ભાષા તે મથુરાની આસપાસના શૂરસેન દેશના નામથી શૌરસેની કહેવાઈ, અને તે સમયની આર્ય સત્તાનું મધ્ય સ્થાન જે કનોજ તેની નજીકની તે હતી. પૂર્વમાં જેને હાલ બિહાર કહે છે તેમાં માગધી (મગધ દેશ ઉપરથી), અયોધ્યા અને ભાગલખંડમાં અર્ધમાગધી (માગધી અને શૌરસેનીના મિશ્રણ વાળી) અને વરાડ (વિદર્ભ) દેશમાં મહારાષ્ટ્રી ચાલતી. મહારાષ્ટ્રી અર્ધમાગધી સાથે નિકટનો સંબંધ ધરાવતી હતી, અને તે અર્ધમાગધી સાથે નિકટનો સંબંધ ધરાવતી હતી, અને તે અર્ધમાગધી સંબંધ કરનારી કડી હતી. વળી મધ્ય દેશના હુમલા થયા અગાઉ મહારાષ્ટ્રી તે સૌરાષ્ટ્રીને નામે ચાલતી ગુજરાતી ભાષા હતી – સંસ્કૃત નાટકોમાં જે પ્રાકૃત ભાષા વપરાઈ છે, તેની કવિતા બહુધા મહારાષ્ટ્રી પછીનું છેલ્લું પગથિયું અપભ્રંશ (ભ્રષ્ટ, વિકાર પામેલ) હતું, અને તેને પ્રાકૃતોમાં સાહિત્ય ઉદ્ભવ્યા પછી ખરી દેશી ને સુધરેલી – સાક્ષરી શાખાઓનો પાયો ગણી તેને વ્યાકરણકારોએ એ નામ આપ્યું હતું. છેવટે આ અપભ્રંશ ભાષામાં સાહિત્ય લખાવા લાગ્યું, અને જે પંડિતો પૂર્વે ધિક્કારતા હતા, તેમના જ વંશજ વૈયાકરણો તેનો અભ્યાસ કરવા લાગ્યા. પ્રાકૃત ઘસાઈને નિર્મળ થતી ગઈ, અને ઘણા જમાના વીત્યા પછી તેને અપભ્રંશને જગા આપવી પડી. સાંપ્રત દેશી ભાષાઓ એ અપભ્રંશોનાં સીધાં – ઔરસ બાળક છે. શૌરસેન અપભ્રંશ એ પશ્ચિમ હિંદીની ને પંજાબીની માતા છે, તેની સાથે નિકટનો સંબંધ રાખનાર ઉજ્જનની અવંતી (રાજસ્થાનીની માતા) હતી. ગુજરાતી અપભ્રંશ એ ગુજરાતીની માતા છે. પૂર્વ હિંદી એ અર્ધમાગધી અપભ્રંશથી પેદા થઈ છે. મરાઠી એ મહારાષ્ટ્રી અપભ્રંશની પુત્રી છે. મહાન માગધી એ બિહારીની, ઉરિયાની, બંગાળીની અને આસામીની માતા છે. જેનું નામ માલમ નથી એવી અપભ્રંશમાંથી લહંડા અને કાશ્મીરી, જેનો પાયો કોઈ પૈશાચી ભાષા છે, તે પેદા થઈ છે. સિંધી એ વ્રાચડ અપભ્રંશથી નીકળી છે. પ્રાકૃત ભાષાઓમાંથી શૌરસેની, માગધી, અને પૈશાચી (ચૂલિકાપૈશાચી) એ નામ અમુક દેશની ભાષા સૂચવે છે. પિશાચ લોકો હિમાલયના પૂર્વ ભાગમાં વસતા હતા એમ કેટલાક ધારે છે, પણ વ્યાકરણતીર્થ બહેચરદાસ આધારપૂર્વક જણાવે છે કે પાંડ્ય, કેકય, બાલ્હિક, સિંહલ, નેપાલ, કુંતલ, સુદેષ્ણ, વોટ, ગાંધાર અને કનોજ એ બધા પિશાચ દેશો છે (એમાં કેટલાક અનાર્ય દેશોનાં નામ છે.). પિશાચ લોકોનું એક વખતે સિંધમાં પણ જોર હતું એમ માલમ પડે છે. ચૂલિકાપૈશાચી એ પહાડી પૈશાચી, જેને બીમ્સ ‘પહારી’ કહે છે તે હશે. અપભ્રંશ ભાષાનો સંબંધ પાંચે પ્રાકૃત ભાષા સાથે છે. પંડિત બેચરદાસ જણાવે છે કે પ્રાકૃત ભાષા મધુર અને કોમળ છે. કેમ કે હેમચંદ્રસૂરિએ પ્રાકૃત એટલે પ્રકૃતિ – સંસ્કૃત – થી આવેલ એવો અર્થ કરેલો છે. આપણી ગુજરાતી (સર્વ પ્રકારની ગુજરાતી) ભાષામાં દેશ્ય – દેશી પ્રાકૃતનું ઘણું મિશ્રણ થએલું છે. એ જ રીતે સંસ્કૃત કે સંસ્કૃતભવ પ્રાકૃતનો પણ આપણી ભાષા સાથે સંબંધ છે. ગુજરાતી ભાષાને સગપણ અથવા સંબંધ જોઈએ તો તે અપભ્રંશની પુત્રી છે, જૂની પ્રાકૃતની પ્રપૌત્રી છે. શૌરસેની વગેરે નવી પ્રાકૃતો તેની માશીઓ થાય છે, અને ચાલુ દેશી ભાષાઓ હિંદી, બંગાળી, પંજાબી, સિંધી, મરાઠી, કાશ્મીરી, ડોઘ્રા, નેપાળી, ઉડિયા અને આસામી એ તેની મશિઆઈ બહેનો થાય છે; મતલબ કે તે હિંદની સર્વ આર્ય ભાષાઓ સાથે સંબંધ ધરાવે છે. ગુજરાતી ભાષા ક્યારથી શરૂ થઈ તે નિશ્ચિતપણે કહેવાતું નથી. તે સુમારે નવસો વર્ષથી ચાલે છે, એમ ગ્રિઅર્સન કહે છે. બીમ્સનું મત એવું છે કે કદાચ હિંદની આર્ય ભાષાઓમાં ગુજરાતીનું અસ્તિત્વ સૌથી જૂનું ને પહેલું છે. સ્વ. હરિલાલ ધ્રુવ કહે છે કે ગુજરાતી ભાષાની હયાતી સિદ્ધરાજના વખતમાં તો શું પણ વનરાજના વખતમાં પણ હતી. પંડિત બહેચરદાસ જણાવે છે કે ગુજરાતી શબ્દ ગૂરૈચિ ધાતુ ઉપરથી થયો છે, અને તેના આધારમાં હેમચંદ્રનું સૂત્ર ટાંકી બતાવે છે, તે ઉપરથી શ્રી. હેમચંદ્રના સમયમાં ગુર્જર શબ્દ જાણીતો હતો એમ ઠરે છે. ગુજરાત શબ્દ ગુર્જરત્રા ઉપરથી થયો છે, અને તેનો અર્થ ગુર્જરોને પાળનાર અથવા ગુર્જરોને આશ્રિત એવો થઈ તે દેશને લાગુ પડે છે. ગુજરાત – ગૂજરાત એવું આ દેશનું નામ પ્રાચીન કાળમાં નહોતું. તેના પશ્ચિમ ભાગનું નામ સૌરાષ્ટ્ર, રાજધાની દ્વારકા અને ભાષા સૌરાષ્ટ્રી હતી; દક્ષિણ ભાગનું નામ લાટદેશ, રાજધાની કોટિવર્ષપુર, અને ભાષા લાટી હતી; અને ઉત્તર ભાગનું નામ આનર્ત દેશ (કોઈ વાર સૌરાષ્ટ્રને અને કોઈ વાર તેના ઉત્તર ભાગને પણ આનર્તદેશ કહ્યો છે) હતું. પૂર્વ ભાગ લાટ અને આર્નત વચ્ચે વહેંચાયલો હશે. જગદીશ ચેટરજી જણાવે છે કે કેટલીક જાતો જેવી કે ગુજર, આભીરનું મૂળસ્થાન કોકેસસના ઉત્તરપશ્ચિમ ભાગમાં અને એશિઆઈ તુર્કસ્તાનમાં હતું, એટલે ગુજરો (ગુર્જરો) પણ બીજી આર્ય વગેરે પ્રજાઓની સાથે ઘણા પ્રાચીન સમયે આવી વસેલા સમજાય છે. આ વાતને ડૉ. ભાઉ દાજીના કથનથી ટેકો મળે છે. તે ધારે છે કે આ લોકો (ગુજર અથવા ચૌર જે ઉપરથી ‘ચાવડા’ શબ્દ થયો ગણાય છે.) ઘણું કરીને રૂશિઅન રાજના સીમાડા ઉપરના જ્યોર્જિઆ પ્રાંત (જેને કોઈ કોઈ વાર ગુર્જરસ્તાન પણ કહે છે ત્યાં)થી2 આવેલા છે. તેઓ પ્રથમ પંજાબમાં આવી વસ્યા, અને ત્યાંથી ધીમે ધીમે આગળ વધીને ગુજરાતમાં આવ્યા. વળી ડૉ. ભાઉ કહે છે કે વલભીરાજનો નાશ કરનાર અને આ દેશને ગુજરાત એવું નામ આપનાર ગુર્જરો હતા. ગુર્જરો આ દેશમાં ખરેખરા ક્યારે આવ્યા તે નક્કી પણે કહી શકાતું નથી. રા. પાહલનજી દેસાઈ લખે છે કે ગૂજર લોકો ઈ.સ.ની પાંચમી સદીને સુમારે હિંદુસ્તાનમાં વાયવ્ય ખૂણા તરફથી દાખલ થયેલા જણાય છે. પંડિત ભગવાનલાલ ઇંદ્રજીએ ગુર્જરોનું ગુજરાતમાં આવાગમન ઈ.સ. ૪૦૦થી ૬૦૦ના સમયમાં થએલું જણાવ્યું છે. ગ્રિઅર્સન ને ભાંડારકરના મત પ્રમાણે ગુર્જર એ પશ્ચિમ હિંદુસ્તાનના પ્રાચીન સપાદલક્ષમાંથી આવીને ઉત્તરપૂર્વ રજપૂતાનામાં ને ત્યાંથી ધીમે ધીમે પશ્ચિમ તરફ ગુજરાતમાં આવી વસ્યા, અને ત્યાંના આખા મુલકમાં પોતાની ભાષા લાગુ કરી (સાલ આપી નથી.). ડૉ. ભાઉ દાજી કહે છે કે સાતમી સદી પહેલાં જૂના ગ્રંથોમાં આ દેશનું ગુજરાત નામ હોય એવું ક્યાંય જણાતું નથી. તેઓ સાતમી સદીમાં આવી વસ્યા, તે ઉપરથી ગુર્જરત્રા એવું દેશનું નામ પડ્યું. લેઉઆ પાટીદારના વહીવંચા કહે છે કે લેઉઆ લોહગઢ (લાહોર)થી સંવત ૭૦૨ની સાલમાં ગુજરાતમાં આવી વસ્યા. ઉપર જણાવ્યું છે કે મહારાષ્ટ્રી પૂર્વે ભાષા તરીકે વપરાતી હતી કે કેમ, અને તે અપભ્રંશ પહેલાં કે પછી ચાલતી હતી તે જાણવાને આધાર નથી; પરંતુ એ ભાષાની છાયા હજી સૌરાષ્ટ્રમાં રહી ગઈ છે. કાઠીઓ વગેરેમાં તેનો કેટલોક વાપર છે. જુઓ કાઠીનું બોલવુંઃ અશે (અહીં; એથે) આવ, તાળી (તારી) માશીનાં ખોરડાં નથી. ધિંગાણું કરતોસ, યાનો કેટલો આંકડો તે મેળુદ્યા, અમે વઢું મરાં. માંગર (ગાંડી) ના કશે (કહીં-કેથે) તોહે જાવાં દ્યાં નહિ. તાળી માહે દ્યાં ગામ ખોદું તે કાઢી નાખાં. નરસિંહ મહેતાએ, ભાલણે, ‘કુસુમશ્રી રાસ’ના કર્તા વગેરેએ છઠ્ઠીનો પ્રત્યય ‘ચો’ વાપર્યો છે, તે ક્યાંથી આવ્યો તે હવે સમજાશે. પૈશાચીમાં ‘લ’ ને બદલે ‘ળ’ વપરાતો તે ગુજરાતી ને મરાઠીમાં ચાલે છે. મને લાગે છે કે તે પૈશાચી નજીકની મહારાષ્ટ્રીમાં થઈને મરાઠી ને ગુજરાતીમાં આવ્યો હશે. એ ‘ળ’ અકબરના વખતમાં લખાયેલો મારા જોવામાં આવ્યો છે, મતલબ કે તેનો વાપર આધુનિક નથી. બીજી એક વાત ડૉ. ભાઉ દાજી કહે છે, તે એ કે ઓરિસાની ઉડિયા ભાષા તે દક્ષિણી કરતાં ગુજરાતીને ઘણી મળતી છે. ક્યાં હિંદના પૂર્વ કાંઠા તરફની મહારાષ્ટ્રી ને ઉડિયા, અને ક્યાં પશ્ચિમ કાંઠાના ગુજરાતની સૌરાષ્ટ્રી ને ગુજરાતી? વચ્ચેના અનેક દેશ છોડીને એ ભાષાઓ શી રીતે મળતી થઈ, તેનું કારણ તપાસવા જેવું છે.

ગુજરાતીની શાખાઓ

બીમ્સ ગુજરાતીની ત્રણ શાખાઓ (‘ડાયાલેક્ટ્સ’) ગણાવે છે. ૧. સુરતભરૂચ તરફની, ૨. અમદાવાદની અને ૩. કાઠિયાવાડની. એ ત્રણેમાં એવો તફાવત નથી કે તેમને જુદી શાખાઓ ગણી શકાય. ગ્રિઅર્સન જણાવે છે કે ભીલ અને ખાનદેશના લોકો જ મિશ્ર ભાષા બોલે છે, તે ગુજરાતીની શાખા છે. અહીંઆં ભીલ એટલે ગુજરાત ને ખાનદેશ વચ્ચેના પહાડી મુલકમાં વસનારી કાળીપરજ (જેની અનેક જાતો છે)ના લોકો સમજવાના છે. નાંદોદના રાજમાં આવેલો એક પ્રદેશ જેને મરૂઠ કહે છે, ત્યાંના ભીલ લોકોની ભાષાનું વ્યાકરણ રા. છગનલાલ રાવળે પ્રસિદ્ધ કરેલું છે. સોનગઢ તરફની ને બારિયા તરફની એ પ્રજાના ખાસ શબ્દોનો સંગ્રહ થયેલો છે, તે ઉપરથી તથા ગાયકવાડી રાજમાં વસતા ઘાણકા વગેરેના જાતિ અનુભવ ઉપરથી હું કહી શકું છું કે એ લોકોની ભાષા જો કે સર્વત્ર એકસરખી નથી (તેની ૩૦ બોલીઓ પાહલજી દેશાઈ જણાવે છે), તથાપિ તે ગુજરાતીની શાખા ગણી શકાય. એમાં ગુજરાતી સાથે મરાઠીનું મિશ્રણ છે. ખાનદેશના ઉત્તર તરફના ભાગમાં સેંકડો વર્ષથી જઈ વસેલા મુખ્યત્વે કણબીઓની સંખ્યા ઘણી મોટી છે. પણ તેમનો મરાઠા ને કાળીપરજ સાથે સંબંધ થવાથી તેમની ભાષા મિશ્ર થઈ ગઈ છે, તથાપિ તે ગુજરાતીની શાખા ગણી શકાય.

અસલ સૌરાષ્ટ્રી ભાષા કાઠિયાવાડમાં રહી ગયાનું ઉપર જણાવ્યું છે. તે ઉપરાંત ત્યાં ચાલતી ચરણી ભાષા પણ આપણું ધ્યાન ખેંચે છે. કાઠિયાવાડ દેશની જૂની વાર્તાઓ તેઓ પોતાની ભાષામાં એક તારો વગાડીને કહે છે. અને વચ્ચે વચ્ચે કવિતાઓ ગાય છે તે સાંભળવાની ઘણી મઝા પડે છે. કાઠીયાવાડી રત્નોનો કેટલોક સંગ્રહ પુસ્તકના આકારમાં છપાયો છે, તે જૂની કાઠિયાવાડી ભાષા બતાવે છે. ચારણી કવિતા નમૂના હું નીચે આપું છું



સોરઠો (બાવાવાળા વિષે)

વાલગ હાટે (સાટે) વીહ (વિષ), કંઈક ઝાડેજા ઝબે કર્યા;
રાણા હંધુ (સાથે) રીહ (રીશ), કાંઈ વેંઢારસ (વિંઢાળે છે)

વાઘાઉત (વાઘના સુત – વાઘાના)

દાના ભગત વિષે કવિતા

કોક વરહાં (વરસો) તણાં હડી ગેલ (ગએલ) ક્યારડો,
લાકડે (લાકડા જેવા) પાપીએ વાદ લીધો;
સેવગાં (સેવકો) બાપડાં હેક (એક) સધારવા;
તેકેરડો (કેરો – છઠ્ઠી) વીર ઘેઘુમ કીધો;
કોસકી (કોશની) ગરાડી હેગ નીલી કરી,
વરમંડ (બ્રહ્માંડ) લોકો સરે (શિરે) ડંકા વાગા;
ખીલ ઝાંપા તણો ખણાવ્યો ખાખરો,
લુંબ જુંબાં થકી કેસ (કેસુડાં) લાગા;
જાદવા (દાના ભગતના ગુરુ) તણો ઘર પ્રભુ કરી જાણવો,
વીહવા (દાના ભગતના ચેલા) તણીઉં (તણીનું બહુવચન)
આઘાટ (અઘાટ) વાતું (વાતો);
ઉગનીલો હુઓ હંગોરીઓ દેખજો ખપાળી (દંતાળી) તણો જ દાંતો.

અર્થાત્ સૌરાષ્ટ્રી, ચારણી, વગેરે મળીને જે જૂની કાઠિયાવાડી ચાલે છે, તેને ગુજરાતીની શાખા તરીકે ગણી શકાય. કચ્છી ભાષાનું લેખી સાહિત્ય જવલ્લે જોવામાં આવે છે, પણ તે ભાષા તરીકે અદ્યાપિ બોલાય છે, ને તેમાં કેટલીક કવિતા પણ રચાયેલી છે. કચ્છ દેશ પૂર્વે ગુજરાતનો ભાગ હતો એમ માનવાને કેટલાંક કારણો છે. ગ્રીક લોકોએ સૌરાષ્ટ્રની હદ ખંભાતના અખાતથી સિંધુ નદીના મુખ સુધી બતાવી છે, એટલે તેમાં કચ્છ આવી જાય છે. નરહરિકૃત ‘ચૂડામણિ’ નામક વૈદ્યક ગ્રંથમાં જેમ ઓખામંડળમાં થતા ગોપીચંદનને “સુરાષ્ટ્રજા” નામ આપ્યું છે, તેમ કચ્છમાં પેદા થતા કાળા મગ અને ફટકડીને પણ “સુરાષ્ટ્રજા” નામથી ઓળખાવ્યાં છે, એટલે કચ્છ સૌરાષ્ટ્રનો ભાગ હતો એમ સમજાય છે.3 કચ્છી ભાષાની ઉત્પત્તિ સંબંધે અંગ્રેજ ભાષાશાસ્ત્રીઓ કંઈ જણાવતા નથી, પણ ઉપરનાં કારણોથી તથા ગુજરાતી સાથેનો તેનો સંબંધ જોતાં તેને ગુજરાતીની શાખા ગણી શકાય.

ગુજરાતીનું શબ્દ-ભંડોળ

ગુજરાતી ભાષાનું શબ્દ-ભંડોળ ચાર પ્રકારનું છે, એટલે તત્સમ, તદ્ભવ, દેશ્ય અને વિદેશી શબ્દોથી થયેલું છે. તત્સમ એટલે શુદ્ધ સંસ્કૃત શબ્દો, જેની સંખ્યા હજારોની છે અને તે પ્રાચીન કાળથી આજ સુધી વપરાશમાં આવેલા હોવાથી ભાષામાં મળી ગયેલા છે. વળી જરૂર પડે ત્યારે સંસ્કૃતમાંથી શબ્દો લેવાય છે, તથા તેની મહાન ટંકશાળમાંથી નવા શબ્દો પાડી શકાય છે. તદ્ભવ એટલે સંસ્કૃતમાંથી વિકાર પામેલા શબ્દો, દેશ્ય પ્રાકૃતમાંથી, અપભ્રંશમાંથી, અને બીજી આર્ય ભાષાઓમાંથી આવેલા છે. ભંડોળનો આશરે પોણો ભાગ એવા શબ્દોનો બનેલો છે. દેશ્ય શબ્દો ગુજરાતમાં પૂર્વે વસતા તુરાની કે બીજા લોકોથી પ્રાપ્ત થએલા છે. એમની સંખ્યા જાજી4 નથી અને જે છે, તેમાંના કેટલાકનાં મૂળ દેશ્ય પ્રાકૃત વગેરેમાંથી મળી આવે છે. દેશ્ય પ્રાકૃત અને સંસ્કૃતભવ પ્રાકૃતમાંથી આવેલા ઘણા શબ્દો પંડિત બહેચરદાસે બતાવ્યા છે. તેમાંના થોડાક નીચે આપું છું. દેશ્ય પ્રાકૃત ગુજરાતી દેશ્ય પ્રાકૃત ગુજરાતી ઉંડ ઊંડું દેવરાણી દેરાણી ઓજ્જરી હોજરી પડુઆ પાટુ ઉંબી ઊંબી પુપ્ફા ફાઈ-ફોઈ ઉત્થલ્લા ઊથલો રંડુઅ રાંઢવું કિવિડી કમાડ રોજ્જ રોજ ખડ્ડા ખાડો વંઠ વાંઢો ખોલ ખોલકું(ગધેડું) આમોડ અંબોડો ખલ્લા ખાલ હુડ્ડા હોડ ચાસ ચાસ મુબ્ભ મોભ છાણ છાણ ઉત્તરવિડિ ઉત્તરેવડ ઝાખર ઝાંખરું બબ્બરી બાબરી ટક્કર ટેકરો ઠલ્લા ઠાલો ડબ્બ ડાબો સંસ્કૃત સંસ્કૃતભવ પ્રાકૃત ગુજરાતી નીતિશાલા નીઇસાલા નિશાળ ગ્રહિલ ગહિલ ઘેલો વૈવાહિક વૈવાહિઅ વેવાઈ ભગિનીપતિ બહિણીવઇ બનેવી દૌષ્યિક દોસિઅ દોસી અધિકરણી અહિઅરણી એરણ વળી જે શબ્દો હજી ગામડામાં અસલ કે સહજ ફેરફાર સાથે વપરાય છે, તેના મૂળ શબ્દો હૃષિકેશ વ્યાકરણમાંથી આપું છુંઃ સંસ્કૃત પ્રાકૃત સંસ્કૃત પ્રાકૃત આર્ય અજ્જો, અજો ઉત્કર ઉકેરો (કાઠિયાવાડમાં) (છાણનો સડેલ પોદળો) ઋષિ રસી ઔષઘ ઓષઢ-ઓસડ કાલાયસ કાલાસ-કાળાશ ક્ષમા ખમા ચતુદર્શ ચઉદહ-ચઉદ પુરુષ પુરિસ મૂલ્યં મોલ્લં-મોલ રાજકૂળ રાઉલ-રાવળ સ્કંધ ખંદ, કંદ સ્નેહ સણેહ તથા તિમ કુત્ર કેત્થુ-કેથે (સુરત તરફ) થોડાક અપભ્રંશમાંથી આવેલા શબ્દોઃ સંસ્કૃત અપભ્રંશ ગુજરાતી અન્યથા અનુ,અણઇ અને આપત્આ આવઇ આવે ઇદશઃ અઇસો એવું કથમ્ કેમ, કિહ, કિધ કેમ, કિમ, ક્યમ તત્ર તત્થુ, તત્તુ તહીં, ત્યાં સહ સહૂ સહુ, સૌ દિવા દિવે દીએ (દિવસે) નહિ નાંહિ નહિ, નહીં પૃથક્ જુઅં જૂઉ (જૂદું) શીઘ્રં વહિલ્લું વહેલું વિના વિણુ વીણ, વણ યથા જેમ, જિહ, જિઘ જેમ, જિમ, જ્યમ પીલુ (બચ્ચું): છોકરાં અડકોદડકો વગેરે બોલતાં ‘પીલુ પાકે, શરવણ ગાજે’ બોલે છે. આ શબ્દ બીજી પણ આર્ય ભાષાઓમાં ગયેલ છે. વકટ – વકટી, વઘટી (કાનડી), (અર્થ) એક. લેન – રેટ રે’ડું – રોંડુ (તેલુગુ), (અર્થ) બે. મૂઠ – મૂડુ (તેલુગુ), (અર્થ) ત્રણ. નાર – નાળ (નાલુગુ) (તેલુગુ), નાલકુ (તાલિમ ને કાનડી) (અર્થ) ચાર. બાંગો વૈદ, - એમાં વૈદ=આરૂ (તેલુગુ ને કાનડી ઉપરથી) (અર્થ) પાંચ. આંખ આર – એમાં આર=આરૂ (તેલુગુ ને તામિલ ઉપરથી), (અર્થ) છ. ઉપલી સંખ્યા મોઇ (ગિલ્લી) દંડાની રમતમાં વપરાય છે, તે ઉપરથી એ રમત દ્રાવિડમાંથી આવી હશે, એમ લાગે છે.

ફારસી અને અરબી

મુસલમાનોનું આ દેશમાં રાજ્ય સ્થાપાયું તે અગાઉ પ્રાચીન સમયથી ઈરાનીઓ ને આરબો સાથે આપણો સંબંધ હતો; ત્યારથી કેટલાક શબ્દો આપણી ભાષામાં દાખલ થયા છે. તેમનું રાજ્ય સ્થપાયા પછી તો સંખ્યાબંધ શબ્દો આપણી ને બીજી આર્ય ભાષાઓમાં ભળી ગયા છે. મારા ધારવા પ્રમાણે આપણા શબ્દભંડોળમાં તે બે આની કે તેની કંઈક વધારે ફાળો આપે છે. કેટલાક વિદ્વાનો એમને યાવની શબ્દો ગણી પોતાનો અણગમો બતાવે છે; જેમ કેઃ

न वदेद्यावनी भाषां । प्राणैः कंठगतैरपि ।।
सकृत्स्पर्शनमात्रेण । उपवीतं वृथा भवेत् ।।

‘ભક્તિવિજય’ ગ્રંથમાં ‘જગન્નાથપંડિતઆખ્યાન’માંના એ શ્લોકને માન આપીને જમતી વખતે કોઈ ‘બસ’ બોલે તો, શું તું મુસલમાન છે કે આવું બોલે છે કહી તેને વડિલો ધમકાવતા; પણ હાલમાં જમતાં ને વાતચિત કરતાં ફારસી અરબી તો શું, પણ અંગ્રેજી શબ્દો ઘણીવાર વપરાય છે, છતાં બોલનારને કોઈ અટકાવતું નથી. યાવની શબ્દોમાંના ઘણાક તો એવા ઘરગથુ ને રૂઢ થઈ ગયા છે, કે તે અજાણતાં પણ વપરાઈ જાય છે. તેમને આપણા આદ્યય ને પ્રત્યય લાગે છે, તેમ તેમના આદ્યય–પ્રત્યય ગુજરાતી તદ્ભવ શબ્દોને પણ લાગે છે. આવા શબ્દો દાખલ કરવાનું માન (કેટલાકને મતે અપમાન) નાગરિક લોકોને ઘટે છે; કેમકે તેઓ નોકરી કે વેપાર અર્થે યવનોના ગાઢા સંબંધમાં આવવાથી તેમણે તે ગ્રહણ કરેલા. ગામડાંમાં એવા શબ્દો થોડા જ વપરાય છે. કેટલાકને તો ગુજરાતી કરતાં એવા શબ્દોનો વાપર વધારે પસંદ પડે છે. દાખલા તરીકે વાળંદ, ગાંયજો, રાત, બાબર (કાઠિયાવાડમાં), દાવળ (ઉ.ગુજરાતમાં)ને બદલે હજામ શબ્દ, અને તુલના, સરખામણી, સરખાવટ, મેળવવું, મીઢવવું, પડતાલોને બદલે મુકાબલો શબ્દો ગમે છે. કોઈ ‘પોરો’ બોલે તો તે ગામડિયા લાગે અને ‘પેરો’ શબ્દ પસંદ પડે; પણ ‘પોરો’ એ સંસ્કૃત ‘પ્રહર’ ઉપરથી ને ‘પેરો’ એ ફારસી ‘પહર’ ઉપરથી થયો છે, તો બેમાંથી કયાને સારો ગણવો? કેટલીક વાર યાવની શબ્દોને સંસ્કૃતનું રૂપ આપવામાં આવે છે; જેમ કે પલંગ શબ્દ ફારસી છે, તે સંસ્કૃત પર્યેક ઉપરથી, મલાજો મર્યાદા ઉપરથી અસ્વાર અશ્વવાર ઉપરથી અને કોતલ કુંતલ (ઘોડો) ઉપરથી થયા છે એમ કહેવામાં આવે છે. અફીણ શબ્દ અરબી અફિયુમ (અફીમ) ઉપરથી થયો છતાં તેને અહિફેન, અહિફેણ એવાં સંસ્કૃતમાં નામ અપાયાં છે. કેટલાક શબ્દ બંનેમાં સામાન્ય કે મળતા આવતા હોય છે, તેથી વ્યુત્પતિ માટે શંકા પડે છે; જેમ ફા. આગ ને સં. અગ્નિ; ફા. અંદર ને સં. અંતર્; ફા. અંગુસ્ત ને સં. અંગુષ્ટ; ફા. માહ ને સં. માસ, રાજકાજના શબ્દો માટે એક તાલુકો લઈએ તો તાલુકો, મહાલ, પરગણું, તેહસિલ, કુમાવિસી, મામલતદાર, વહિવટદાર, મહાલકરી, કુમાવિસદાર, તેહસિલદાર, તજવીજદાર, અવલકારકુન, શિરસ્તેદાર, નાજર, હવાલદાર, સિપાઈ, ફોજદાર, મુનસફ, વકીલ, કચેરી, અદાલત, દફતર, ફેંસલો, તહોમતનામુ, હુકમનામુ એમાંનો કોઈ શબ્દ આપણો નથી! ઘણા યાવની શબ્દો ગુજરાતી જેવા જ બનીને સર્વત્ર ચાલે છે; જેમ કે, અસર, અસલ, અંદર, આબરુ, આરી (કરવત), ઈજત, ઈજા, ઇનામ, ઇરાદો, ઔરત, અંદેશો, અંબાડી, મહેનત, અક્કલ, આરામ, અજબ, અદબ, અરજ, ઇત્યાદિ. પ્રજાઓમાં ભેળસેળ થવાથી, એક બીજાના પ્રસંગમાં આવવાથી, પદાર્થો, વિદ્યા વગેરે ગ્રહણ કરવાથી સઘળી ભાષાઓમાં થોડા ઘણા પરદેશી શબ્દો આવે છે જ (સંસ્કૃત સુદ્ધાં એથી બચી નથી.) અંગ્રેજી જેવી સૌથી મોટી આધુનિક ભાષામાં શું થયું છે? જોન્સને પ્રથમ કોશ રચ્યો, ત્યારે તેમાં પચીશેક હજાર શબ્દો સમાયા હતા. તે પછી તેમની સંખ્યા વધતાં વધતાં લાખ ઉપર ગઈ, અને હાલ અમેરિકામાં તેનો મોટો કોશ બને છે, તેમાં પાંચ લાખ શબ્દોનો સંગ્રહ થશે એમ કહેવાય છે. અંગ્રેજીમાં કોઈપણ ભાષાના શબ્દો દાખલ કરવામાં કોઈ હરકત લેતું નથી. પ્રશ્ન એ થાય છે કે આપણી ભાષામાં જે પરદેશી શબ્દોએ ઘર કરેલું છે, તેમનો બહિષ્કાર કરવો એ વાજબી છે? અથવા તેમને કાઢ્યા કાઢી શકાય એમ છે? કદી સામાન્ય નામોને બદલે આપણા શબ્દો વપરાય, પણ ગુલાબશંકર ને અવલબાઈ, મુનશી ને કાજી એવાં વિશેષ નામ અને ઉપનામનું શું કરીશું?