રા’ ગંગાજળિયો/૯. નાગબાઈ

From Ekatra Wiki
Revision as of 11:12, 24 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૯. નાગબાઈ

રા’ માંડળિકે વીંજલ વાજાને પાછા વાળ્યા તેને એક વર્ષ વીત્યા પછી એક દિવસ ડુંગરાની તળાટીમાં આવેલી મઢીમાંથી છાનોમાનો એક મ્યાનો નીચે ઊતરે છે. મ્યાનામાં બેઠેલા એક બીમાર આદમીને એક જઈફ દરવેશ વિદાયનો બોલ કહે છે : “જાઓ મેરે પ્યારે, હિંદુ તરીકેની તમારી ફર્જ છે કે પોતાના જ દેવસ્થાન પાસે હાજર થઈ, તમને મળેલી નવા બદનની બક્ષિસ બદલ ઈશ્વરના શુકર ગુજારવા. રક્તપિત્તનો રોગ તમને મેં નથી મિટાવ્યો, તમારા જ સાચા દેવે મિટાવેલ છે. એનાં જ પેદા કરેલાં આબોહવા છે; એણે જ દુનિયાના કલેજામાં આ રોગ મિટાવનાર પાણીના ઝરા મૂકેલ છે. એની દુવા ગાઓ, ને ઇન્સાનિયતનો માર્ગ ફરી વાર કદી ના ચૂકો.” એવી વિદાય દેનાર વૃદ્ધ દરવેશ દાતાર જમિયલશા હતા. મ્યાનામાં બેઠેલ આદમી વીંજો વાજો હતો. ગરવા દેવ ગિરનારની વનૌષધિ અને દાતાર-તળેટીનાં ઝરણ—જળની એની સારવારના બાર મહિના પૂરા થયા હતા. એને લઈને રા’ જાતે સોમનાથ જતા હતા. રાણી કુંતાદેને પણ વહેલમાં જોડે લીધાં હતાં. “ચાલશો ને?” રા’એ કુંતાદેને કહ્યું, “તમારેય ગઢ જૂનાની ગાદીનો વારસ જોશે ને? માગજો માગજો સોમૈયાજીની પાસે.” આ વેણ અણધાર્યું ઉચ્ચારાઈ ગયું. કુંતાદેના પેટમાં રા’ના આ બોલથી ફાળ પેઠી. એને પહેલી જ વાર ભાન થયું કે રા’ની ને પોતાની વચ્ચે શેર માટીની ખોટ જ થોડુંક અંતર રોકી રહી છે. આ વેણનું જાણે અંતરમાં એક ઘારું પડ્યું. રસ્તે જતાં સાંજે એક જર્જરિત, નખશિખ નગ્ન, અને વાળદાઢીનાં વધેલાં ભીંસરાંવાળો બુઢ્ઢો ચીસેચીસ પાડતો રા’ના રસાલાની આડેથી ઊતરીને ઝાડીમાં સંતાઈ ગયો. રા’ને બુઢ્ઢા ચોકીદારોએ ઓળખાણ પાડી : “બાપુ, આ મર્હૂમ મોટા રા’નો દસોંદી ચારણ ભૂંથો રેઢ. ગાંડો થઈને મલક પાર ઊતરી ગયેલો. ઘણાં વર્ષે પાછો દેખાણો છે. હજુય એનાં અંગ ઉપર લૂગડું એકેય રહેતું નથી, ભડકો થઈને સળગી જાય છે.” “કેમ ભલા?” “ઘરની બાયડીને સંતાપી હતી. દેવીનો કોપ થયો.” “એનો કોપ આપણું ગંગાજળ કે આપણા સોમનાથ ન ટાળે? એને ઝાલીને લઈ જઈએ.” “હવે એ ઝલાય નહીં. વાંદરા જેવો છે. ક્યાંનો ક્યાં નીકળી જશે હમણાં.” એ નગ્ન માણસની કિકિયારીઓ રા’ને કાને પડતી હતી. સ્ત્રીને સંતાપવાથી મળેલા એ નતીજા પર રા’નું મન વિચારે ચડી ગયું. “એની સ્ત્રી કોણ?” “નાગબાઈ નામે ઓળખાય છે. આપણા મોણિયા ગામની અંદર રહે છે. બીજું ઘર કર્યું છે, પણ નવો ઘરવાસ નથી ભોગવ્યો. આગલા ઘરનો વેલો હાલે છે. આગલા ઘરના દીકરા ખૂંટકરણ ન્યાતપટેલ છે. દીકરાનો દીકરોય જુવાન થયો છે.” “નામ?” “નાગાજણ. વાતું ભારી રૂડીયું કરે છે. અપ્સરાઉંની વાતું જમાવે છે ત્યારે, બાપુ, આકાશમાં નજરોનજર અપ્સરાઉં ભાળીએ.” “વળતાં મોણિયું જોતા જાશું,” કહી રા’ ચાલી નીકળ્યા.

કિકિયારી કરતા ને નગ્ન શરીરે ફરતા એ આદમીનો પૂર્વ ઇતિહાસ આવી રીતે લોકોમાં પ્રચલિત હતો : જૂનાગઢ તાબાના પ્રદેશમાં બીજો એક ઉજ્જડ ટીંબો આજે પણ પડ્યો છે. એને પાટખિલોરીનો ટીંબો કહે છે. પૂર્વે ત્યાં પાટખિલોરી નામે ગામ હતું. એ ગામમાં ભૂંથો રેઢ નામનો એક ચારણ ગામેતી હતો. રા’ માંડળિકના બાપને કસુંબો કરાવવા રોજ આ ચારણ ભૂંથો રેઢ જૂનાગઢ આવતો. રા’ની પ્રીતિ અને તે ઉપરાંત માતાનો વરદાનધારી. એના ઘરમાં જ દેવીનું થાનક હતું. થાનકમાં એ ધૂપદીવો લઈ એકલો જ બેસતો. વાતો ચાલતી હતી કે આપા ભૂંથાને માતાજી મોઢામોઢ હોંકારા આપે છે, ચારણ ને જોગમાયા પરસ્પર વાતો કરે છે. ભક્તરાજ ભૂંથા રેઢની તો માનતાઓ આવતી. માણસોમાં જેમ જેમ આપો ભૂંથો ઓળખાતો ગયો, તેમ તેમ એનાં ધૂપદીપ ને નૈવેદ્ય વધ્યાં, માતા પ્રત્યેની ભક્તિ મજબૂત બનતી ગઈ. ઘરની સ્ત્રીને એનો મેળાપ દુર્લભ બન્યો. આજે આંહીં તો કાલે ક્યાંય બીજે. દેવીનો વરદાનધારી વચનસિદ્ધ ગણાયો. એને બોલે અનેકનાં દુ:ખ ટળતાં ગયાં. એના જોયેલા દાણા સદાય સાચા પડ્યા. એને કહ્યે દેવીએ કંઈક વાંઝિયાંનાં ઘર માથે અમીની છાંટ નાખી. ઘણાને ઘેર ઘોડિયાં બંધાણાં. એની નામના ચાલતી ચાલતી ઉપરકોટમાં ફરી વળી. મોટા રા’એ આપા ભૂંથા રેઢને પોતાના પડખામાં આસન આપ્યું. આખું પાટખિલોરી ગામ એને જિવાઈમાં બક્ષિસ થયું. ને પછી તો એના હાથની અંજલિ વગર મોટા રા’ને કસુંબો ન ચડે. એક વાર રોનક કરતે કરતે આપા ભૂંથાને મોટા રા’એ કહ્યું : “વરદાન ખરું. પણ વરદાન હજી અધૂરું તે તો અધૂરું જ, હો દેવ!” “કાં બાપા?” “મોઢામોઢ હોંકારા કરે, તો પછી સાક્ષાત્ થઈને વાતો કાં ન કરે માતાજી?” ચારણો રાજાઓના દેવ પણ હતા, અને કેટલાક રાજાઓની રોનકનાં રમકડાં પણ હતા. મોટા રા’ સોમનાથના પાકા ભક્ત હતા; એટલે એણે આપા ભૂંથાની દેવીભક્તિની આવી રમૂજ કરી. ગામડિયા ચારણને પોતાને વિશે ‘ઓહોહો!’ તો ક્યારનુંય થઈ પડ્યું હતું. જ્યાં બેઠા હોય ત્યાં એને દેવીનો ઓતાર આવી જતો. એનેય આજ રા’ને કહ્યે પહેલી જ વાર ભાન થયું કે દેવીનું વરદાન અધૂરું છે. એનો ખાવાપીવાનો ને સૂવાનો સ્વાદ ઊડી ગયો. એણે રોજ રોજ માતાના થાનકમાં બેસી રુદન માંડ્યું કે “દેવી! સાક્ષાત્ થા! નજરે થા! લોકો મને મે’ણાં દિયે છે.” “ભગત! ભીંત ભૂલછ. તું મને નહીં ઓળખી શક. તું મારાં ને તારાં પારખાં લેવાં રહેવા દે. ભૂંથા રેઢ, વાત બહુ આગળ પહોંચી ગઈ છે.” આવા આવા જવાબ થાનકમાં સંભળાતા હતા. “ઓળખીશ. ઓળખીશ. માડી, મને સાક્ષાત્ થા; મારી નજરે થા.” એના જવાબમાં થાનક આખું ખડખડાટ હસી પડતું. ને દેવીના ચાચરના દીવા ચરડ ચરડ અવાજ કરી, ભભૂકેલાં નેત્રો જેવા, વધુ જોરથી સળગી હાલતા. થાનકની બહાર એક સ્ત્રી ઊભી ઊભી આંસુ પાડતી; એ ભૂંથા ભગતની સ્ત્રી હતી. એ કદરૂપી ને કાળી હતી. એના આગલા બે દાંત જન્મથી જ લોઢાના હતા. ધણી બબ્બે રાત સુધી થાનકની બહાર ન નીકળતો, અંદર પડ્યો પડ્યો ‘દેખા દે! દેખા દે!’ કર્યા કરતો, ત્યારે ચારણી પાલવ ઢાળીને બહાર ઊભી ઊભી દેવીને કહેતી : “માતાજી! મ કરજો. એવું મ કરજો. તમારું રૂપ એની નજરે ન પાડજો. મારો ચારણ અણસમજુ છે, કોઈકનો ચડાવ્યો ચડ્યો છે.” “નહીં ઓળખી શક! ભગત, નહીં વરતી શક. ઝેરનાં પારખાં!” થાનકમાંથી દેવી બોલતી હતી? કે આપા ભૂંથાનો આત્મા બોલતો હતો?—ખબર નથી પડી. પણ વળતા દિવસે જ્યારે એણે જૂનાગઢ જવા ઘોડવહેલ હાંકી ત્યારે એને કાને ઘરની ચારણીના બોલ સંભળાયા કે, “ચારણ, ભગત, ગફલતમાં ન રે’જો.” “આ એક વહરા મોઢાવાળીએ જ મારો અવતાર બગાડ્યો છે. એણે જ મારી ભગતિમાં ભંગ પડાવ્યો છે. પડખું નબળું ન હોત, તો મારે ને માતાજીને આટલું છેટું રહેત કદાપિ?” એવા વિચારે વલોવાતો ચારણ, ગઢ જૂનાનો રાજકવિ, દેવીનો વરદાનધારી, ઘોડવહેલ હંકાવી ગયો. અરધોએક પંથ કાપ્યા પછી કેડાને કાંઠે એક ઘરડીખખ, થાકીપાકી ડોશી બેઠેલી જોવામાં આવી. ડોશીના પડખામાં એક ગાંસડી પડી હતી. ડોશીના દાંત પડી ગયેલા હતા, અંગ ઉપર પૂરાં લૂગડાં નહોતાં. “ખસ, એઈ ડોશી, ખસી જા!” હાંકનારે હાકલ કરી. ડોશી મહામહેનતે ખસીને બેઠી. “બાપ,” ડોશીએ કાકલૂદી સંભળાવી, “મને વધુ નહીં, એક સામા ગામના પાદર સુધી પોગાડી દેશો? મેંથી હલાતું નથી, સંસારમાં મારું કોઈ નથી. આંઈ અંતરિયાળ મારું કમોત થશે તો મને કૂતરાં-શિયાળવાં ચૂંથશે. વધુ નહીં, સામે ગામ.” “હાંકો હાંકો, આપણે રા’ને કસુંબો પિવાડવાનું અસૂર થાય છે. મારગમાં તો દુખિયારાં ઘણાંય મળે. સૌને ક્યાં લેવા બેસશું!” —એમ કહીને આપા ભૂંથાએ ઘોડવહેલ હંકારી મુકાવી. ને ગઢ જૂનાના રા’એ તે દિવસના કસુંબા ટાણે પણ એ જ ટોણો માર્યો : “અરે ભગત! ભગત જેવા ભગત થઈને હજી માતાજીને નજરે ન ભાળ્યાં. આ હા-હા-હા! થડંથડા કહેવાય, ભગત! મલક હાંસી કરે છે. કળજુગમાં દેવસ્થાનાં રહ્યાં છે, દેવતા તો ઊઠી ગયા છે, ને કાં પછી ભગતિમાં કાંક કે’વાપણું રહી જાય છે!” “કે’વાપણું કાઢી નાખશું, બાપા! આપ, ખમા, નજરે જોશો.” “અમારે સોમનાથને માથે ગજનીનું કટક આવેલું. તયેં દેવપાટણના બ્રાહ્મણો પણ આમ જ કહેતા’તા, હો ભગત! કહેતા’તા કે, ભલે વયો આવતો ગજની, આવવા દ્યો ગજનીને, કોઈએ ઓડા બાંધવાની જરૂર નથી; સોમનાથ સરીખો દેવ છે, એનો કાળભેરવ જ ગજનીના કટકનો કોળિયો કરી જશે. આ એમ કહી બ્રાહ્મણો બેસી રહ્યા. પછી તો ગજની જ આવીને દેવનો કોળિયો કરી ગયો. આ ત્યારથી સોમનાથની રક્ષા કરવાની કોઈને જ હોંશ નથી રહી. દેવસ્થાનમાત્રનું આ ડીંડવાણું સમજવું, હો ભગત!” “આ દેવસ્થાનું ને આ સેવક નોખા સમજવા, મારા રા’! પણ હું શું કરું?” એણે દાઝભેર વેણ ઉચ્ચાર્યા : “મારું અરધું અંગ નબળું છે. હું તો એક-પાંખાળું પંખી છું.” “ઓહો! એવું ડીંડવાણું છે કે, દેવ? તયેં એમ કહોને. તયેં વરદાન અધૂરું રહ્યું છે. ઓ હો! ઘર જબ્બર, પણ આ તો થાંભલી નબળી!” “નબળી થાંભલીની તો શી માંડવી, મારા રા’! ફક્ત એક રોટલા ટીપી જાણે છે. બસ, મે’માનો આવે—પાંચ આવે કે પચાસ આવે—તેનું ખીચડું રાંધી જાણે છે. તાવડીનું ને એનું, બેય એકરૂપ છે મારા બાપ!” “અરે—અરે—અરે રામ! એ તો અમને ખબર જ નહીં. હવે તો મજબૂત થાંભલી—ઘરને શોભે એવી થાંભલી—અમારે જ તમને ગોતી દેવી પડશે. ખરચથી ડરશો મા, દેવ! ઠેકાણું હોય તો અમને જાણ કરજો. ભેળા જાનમાં સોંડશું.” “ખમા ધણીને.” “ના, પણ હવે વાર ન કરવી. અમારું વેણ છે.” ફુલાઈને ઢોલ થયેલો જુવાન ભક્ત ભૂંથો રેઢ સાંજે જ્યારે પાછો ફર્યો ત્યારે, ઝડવઝડ દિવસ રહ્યા ટાણે, રસ્તામાં એક વટેમાર્ગુ ચાલ્યું જતું હતું. ઢૂકડા ગયા ત્યારે ઓળખાયું—બાઈમાણસ, જુવાનજોધ, અને રૂપરૂપનો અવતાર. લેબાસ ચારણનો. “માળું!” ભગતે વિચાર્યું, “અસૂરી વેળાનું નાનડિયું બાઈમાણસ થાકેલા પગનાં ડગલાં ભરી રહ્યું છે. બીજું તો કાંઈ નહીં, પણ આને કોક મળશે તો કનડગત કરશે.” ઘોડવહેલ નજીક આવી એટલે વટેમાર્ગુ બાઈએ તરીને મારગ દઈ દીધો. ભૂંથો રેઢ પાછળ જોઈ રહ્યો, પણ બાઈના મોં ઉપર કશી લાચારી કે ઓશિયાળ ન નિહાળી. બાઈ જરાકે સામું જુએ તોય એને પૂછી શકાય. પણ બાઈનું ધ્યાન તો ધરતી તરફ જ સ્થિર હતું. ઘોડવહેલ થોડે દૂર ગઈ તે પછી ‘ભગત’ને વિચાર થયો : એ બાઈ તો લાજાળું માણસ લાગે છે, કદાચ એ શરમની મારી ન કહી શકે. ને હું કોણ છું, કોણ નહીં એટલું જાણ્યા વગર કોઈ જુવાન સ્ત્રી હિંમત પણ કેમ કરી શકે? પણ આપણી તો ફરજ છે ને, કે આપણે પૂછવા વાટ જોવી નહીં. આપણું કામ અબળાનું રક્ષણ કરવાનું જ છે. આપણે વળી અભિમાન કેવાનું? એમ વિચારીને એણે હાંકનારને હાકલ કરી : “ઊભી રાખ.” ઘોડવહેલ ઊભી રહી. “કેમ, હું આ બધું કહું છું તે તને બરાબર લાગે છે ને?” “શું કહ્યું, આપા?” “આ બધું હું ક્યારનોય કહી રહ્યો છું ને! તું તે શું બે’રો છો?” “આપા, મેં તો કાંઈ સાંભળ્યું નથી.” “ગમાર નહીં તો!” ખરી વાત એ હતી કે ભગતે પોતાના જ મનને મનાવવા માટે જે દલીલો કરી હતી તે પોતે જોરશોરથી કરી હતી. પોતાને ભ્રમણા થઈ હતી કે પોતે જગતને પૂછીને, જગતનો મત મેળવીને આ પગલું ભરી રહેલ છે. વિભ્રમની કાળઘડી આવી પહોંચી હતી. “જોને, કોક વાંસે સાદ કરી રહ્યું છે, સાંભળતો નથી?” “ના!” “કેદૂકનો બે’રો થઈ ગયો છો, ભાઈ? બીજું તો કાંઈ નહીં પણ કોઈક વાર ગાડીને ઊંધી નાખી દઈશ, બે’રા! જોને, કોક સાદ પાડતું પાડતું હાલ્યું આવે છે.” સારી એવી વાર થંભ્યા ત્યારે બાઈ ભેળી થઈ. ભૂંથા રેઢે પૂછ્યું : “તમે સાદ કરતાં’તાં?” “ના, ના, મેં સાદ પાડ્યા જ નથી.” “ક્યાં જાવું છે, બાઈ?” “પાટખિલોરીની ઓલી કોર.” “હાલો, પાટખિલોરી સુધી પોગાડી દેશું.” “અમે ચારણ છીએ.” “અમારી જ નાતેનાત. હાલો.” રસ્તો ટૂંકો હતો. વાત લાંબી હતી. કોણ છો? ક્યાંનાં છો? વગેરે વગેરે પ્રશ્નો પુછાયા. જવાબ બધા જ મનભાવતા મળ્યા : “ઘરભંગ છું. માબાપ, ભાઈબહેન, વંશવારસ કોઈ નથી.” “ઘરભંગ શીદ રે’વું પડે?” “અડબૂત ચારણોમાં કોની લોબડી માથે નાખું? મીઠપ આજ નથી શેરડીને સાંઠે રહી, તેમ નથી માનવીમાં રહી. મારેય પાછો એક માતાજીની ભગતિમાં જીવ છે. ક્યાં પોસાઉં?” “પોસાણ થાય એવું હોય તો?” “તો મારે તો અસૂર થયું ને રાત રહ્યા જેવું.” “આપણું ઘર ગમશે?” “તમારા ઘરમાં મારાથી પગ કેમ મુકાય?” “કાં?” ભૂંથો ભગત લટ્ટુ થયો. “એક મ્યાનમાં બે તરવારું.” “એ તો વાસીદાની ને રાંધણાની કરનારી રહેશે. તમે મારી ભક્તિમાં ભાગીદાર થશો.” “એમ ન પોસાય. ભક્તિમાં આઠે પહોર ભંગ પડે.” “તો એને છેડો ફાડી દઈશ.” “તો ભલે, નિરાંતવાં ભક્તિ કરશું.” રાત પડી ગઈ હતી. પૃથ્વીનાં કેટલાંક પાપ ઉપર અંધારપડદો પડી ગયો હતો, તેમ કેટલાંક પાપને પ્રગટ થવા માટે આ અંધારપછેડો સગવડ કરી આપતો હતો. પાટખિલોરીનું પાદર આવ્યું. બાઈએ કહ્યું : “ઊભી રાખો ઘોડવે’લ.” “કાં?” “હું આંહીં બેઠી છું,” “આંહીં શા સારુ?” “તમારા ઘરમાં મારી જગ્યા થાય તે પછી જ આવીશ.” “અરે, પણ… વહ્યાં નહીં જાવ ને?” “વઈ શા માટે જાઉં? પણ હું ચારણ્યને બહાર નીકળેલી ભાળીશ તો જ આવીશ.” “અબઘડી.” ઉતાવળે ઘોડવહેલ ઘેર હંકાવીને ઊતરતાં વાર જ ભૂંથો ભગત સીધો ઘરમાં ગયો, રાંધણિયામાં પહોંચ્યો. ચારણ્ય રસોઈ કરતી હતી એના ઉપર ધસી ગયો. ચારણી ઝબકીને પૂરું જુએ ન જુએ ત્યાં તો એણે પોતાની પછેડીનો છેડો ચીરી, ચારણીના ખોળામાં ફગાવ્યો. “કાં? કાં?” “બસ ઊઠ!” “શું છે, ચારણ?” “ઘરની બહાર નીકળી જા!” “પણ મારો કાંઈ વાંક તો ખોળે નાખ, ભૂંડા?” “ભૂંડા ને ભલા, વાત પૂરી થઈ. વાંક લેણાદેણીનો. ચારણ્ય, ઘર ખાલી કર.” “આમ ન હોય, ચારણ. આવો અકેકાર ન હોય. હું તુંને ન ગમતી હોઉં તો તું તારે બીજું ઘર કર—અરે, હું પોતે જઈને તારા માટે બીજો વિવા ગોતી લાવું.” “ના, બસ ઊઠ!” “હું તને ભારી નહીં પડું, ચારણ! હું એક કોર કોઢ્યમાં પડી રહીશ. હું તારા ગોલાપા કરીશ. મારું પેટ પાલીનું હોય તો અધપાલી આપજે.” “ના, ઊઠ, બા’રી નીકળ!” “અટાણે? કાળી રાતે? ચારણ! ભગત! અટાણે હું ક્યાં જઈ ઊભી રહું? હું કેને જઈને કહી શકું કે મને ભગતે કાઢી મૂકી? મારી જીભ કેમ ઊપડે?” એમ બોલતી ચારણી ભાંગી પડી. એનો કંઠ ભેદાઈ ગયો. “ઊઠછ કે ઢસરડીને કાઢું?” ચારણીએ આખરે પોતાના શરીરને, ધણીના હાથે, મૂએલા કૂતરાની માફક ઢસરડાવા દીધું. અંધારે અંધારે એ બહાર નીકળી ગઈ. ચાલી જતી ચારણ્યે પાદરની સૂરાપુરાની દેરીને ઓટે એ અંધારામાં એક દાંત વગરની, પળિયલ વાળવાળી બુઢ્ઢીને બેઠેલી દીઠી. રોતી ચારણી એ બુઢ્ઢીને ફક્ત એટલું જ કહી શકી : “માતાજી, મારા માથે આવી કરવી’તી ને?” “બાપ, નાગબાઈ! નાગબાઈ હરજોગની!” બુઢ્ઢીએ કહ્યું, “માંડ્યા લેખ મિથ્યા કેમ થાય? મેં નથી કર્યું, એના અભિમાને કરાવ્યું છે. એનાં લેખાં એનાં પાપ લેશે. તું તારે અહીંથી સીધી હાલી જા. તારું ઠરવા ઠેકાણું મોણિયું ગામ આંહીંથી છેટું નથી.” “ત્યાં જઈને શું કરું?” “આપો વેદો ચારણ છે. દુ:ખી છે. એનું ખોરડું તુંથી પૂજાશે.” “માતાજી! હું ઊઠીને એક ભવમાં બે ભવ કરું?” “કરવા જોશે, દીકરી! તારે માટે નહીં, કળુ કાળનાં નબળાં સબળાં સૌ નાનડિયાંને જીવવાની કેડી બતાવવા માટે. હળાબોળ કાળીંગો (કળજુગ) હાલ્યો આવે છે. માન સથૂકાં માનવીઓ જીવી શકે તેટલા સારુ તું મોગળ (મોખરે) થા. જા, તને મે’ણું નહીં બેસે. અંધારું ભાળીને બીશ મા. હાલી જજે. હળાબોળ કળજુગમાં કેડો પાડતી હાલી જજે. ને બાપ! એક વાતની ગાંઠ વાળજે. રાજદરબારથી તારી પ્રજાને છેટી રાખજે.” આંસુડાં લૂછતી લૂછતી ભૂંથા રેઢની પત્ની નાગબાઈ ચાલી નીકળી.

પછી તે રાત્રિએ એક આદમી ગામપાદરની ખાંભીઓ વચ્ચે, મસાણમાં, સીમમાં, સીમાડા બહાર, નદીમાં, વોંકળામાં, વાવો ને કૂવાઓને કાંઠે દોટાદોટ કરતો હતો. આસપાસનાં સૂતેલાં ગામડાં નિર્જન વગડામાં ઊઠતી એની ચીસો સાંભળતાં હતાં— “ક્યાં ગયાં? તમે ક્યાં ગયાં? સુંદરી, ક્યાં ગયાં?” વળતા દિવસનું અજવાળું થયું ત્યારે એ આદમી નખશિખ લૂગડાં વગરનો, જાળે ઝાંખરે ને ઝાડનાં થડની ઓથે લપાતો લપાતો, બેબાકળો, વસ્તીથી દૂર ભાગતો હતો. “આ કોણ છે નાગો?” “એલા ભાઈ, આ તો ભૂંથો રેઢ : માતાજીનો વરદાનધારી : અરર, નાગોપૂગો! કોઈએ લૂંટ્યો?” લોકો ચકિત બન્યા. “એને કાંઈ લૂગડાં નાખો. ઝટ એની એબને ઢાંકો.” લૂગડાં ફેંકાયાં—નગ્ન આદમી લૂગડાં ઝીલવા જાય છે : એનો હાથ લૂગડાંને અડકે તે પહેલાં અધ્ધર ને અધ્ધર લૂગડાંનો ભડકો થઈ જાય છે. નગ્ન ભૂંથો ગામોગામ ભમે છે, સીમે સીમે રઝળે છે. લોકો પોતાનાં પછેડી-ફાળિયાં ફેંકે છે. પછેડી ને ફાળિયાં એનાં શરીરને અડે—ન અડે ત્યાં સળગી ભસ્મ બને છે. ભડકા—ભડકા—એ પોતાને પગલે પગલે ભડકા થતા ભાળે છે. નગ્નાવસ્થામાં જ ચીસો નાખતો આંહીંથી ત્યાં દોટ કાઢે છે. એ વસ્તીનો વાસ છોડીને અરણ્યમાં ઊતરી જાય છે. લોકોમાં ખબર થાય છે : ભૂંથા રેઢે માઝા મૂકી હતી. ભક્તિનો એને કેફ ચડ્યો. રાજાનો ને રોનકી લોકોનો ચડાવ્યો એ ચડ્યો. ઘરની રાંક સ્ત્રીને એણે કાળી રાતે નોંધારી કરી કાઢી. એને માણવું હતું પારકી ત્રિયાનું રૂપજોબન. એને સાંપડ્યા ભડકા : એણે લીધાં ઝેરનાં પારખાં. એને માથે દેવી કોપી. અને ભૂંથા રેઢે કાળી રાતે કાઢેલી કુરૂપ ચારણી નાગબાઈએ, દેરીએ બેઠેલી ડોશીના કહ્યા મુજબ, મોણિયા ગામે જઈ ચારણ વેદા ગઢવીનું માત્ર ઘર માંડ્યું; ગૃહસ્થાશ્રમ તો ફરી પાછો ન માંડ્યો.