રા’ ગંગાજળિયો/૧૦. ખાંભિયુંની ખોજ
માંડળિકનો કાફલો જ્યારે દેવપટ્ટણને માર્ગે હતો ત્યારે સોમનાથના મંદિરમાં એક રમખાણ મચ્યું હતું. રમખાણ મચવાનું કારણ નવીન જ હતું : એ પ્રભાતે એક ઓરત અને એક જુવાન ત્યાં આવીને દરવાજાની અંદર અને દરવાજાની બહાર ઘણા બધા ખોડેલા પથ્થરોમાં ઘૂમી ઘૂમી બે પથ્થરોની ઓળખાણ મેળવવા મથતાં હતાં. “ઈ બે ખાંભિયું ક્યાં ગઈ?” ઓરત વિમાસતી હતી, “પંદર વરસ ઉપર હું આંહીં આવેલી ત્યારે તો બેય હતી. મેં સિંદોર પણ ચડાવેલો ને શ્રીફળ પણ વધેરેલું.” એમ બોલતી બોલતી એ સ્ત્રી પ્રત્યેક પથ્થરને જાણે પૂછતી હતી કે, “તમે તો નહીં ના? તમે અમારાં બે સગાંની ખાંભિયું નહીં? તમમાંથી કોઈક તો કહો!” પણ એકેય પથ્થર એ અગાઉ દીઠેલ ખાંભીઓની આકૃતિ દાખવતો નહોતો. દરવાજામાંથી બ્રાહ્મણોની કતાર અંદર આવ-જા કરતી હતી. પહોળી રેશમ-પટીનાં ધોતિયાં, બહુરંગી હીર-મુગટા, કોઈના હાથમાં સોનારૂપાના લોટા, કોઈની હથેળી ઉપર પુષ્પપાત્રો, કોઈ અરધા માથે ઘારીવાળા, કોઈ આખે શિરે લાંબા ચોટલા ઝુલાવતા, કોઈ સ્વચ્છ મુંડિત મસ્તકવાળા, તો કોઈ બ્રહ્મરંધ્ર સુધી પોણે માથે ટાલ ચમકાવતા, કોઈ પાતળી કટિના, કોઈ ભરાવદાર, કોઈ મેદ-ભારે લચકી પડતા અદોદળા. અંદર ભાતભાતના ઘંટારવ થાય છે તે સાંભળી સાંભળી ‘શંભો! હર હર મહાદેવ! જય સોમ! જય સોમ!’ એવા સિંહનાદ કરતા સૌ દોડ્યા જાય છે. “મા, કોઈક ભઠશે, ઊઠને.” એવું કહેતો પુત્ર ઊભો છે, ને પથ્થરો પાસે નીચે નમેલી માતા, થોડી વાર આ મૃત્યુલોકથી જુદા જ કોઈ જગતનાં હોય તેવાં ફૂટડાં, રૂપાળાં, લાલ લાલ માનવીઓની કતારથી અંજાયા પછી, હિંમત ધરીને કોક કોકને પૂછે છે : “હેં બાપા! આમાં ઓલી બે ખાંભિયું…” પણ એ ડોશી જેવી દેખાતી કાળવી કોઈ શૂદ્ર ઓરતના સવાલનો જવાબ વાળવા કોઈ કરતાં કોઈ ત્યાં થોભતું નથી. ફૂલોના સૂંડલા મઘમઘી રહ્યા છે. ચંદનકાષ્ઠોના ભારા ને ભારા અંદર જતા જતા મહેક મહેક કરે છે. ઘીનાં કુડલાં ને કુડલાં ફોરમ છાંટતાં અંદર દાખલ થાય છે. છોકરો એ સર્વ સુગંધો સામે મોં ને નાકનાં ફોરણાં ફુલાવી—જાણે આ સર્વ ફૂલો, ફળો, ઘી અને ચંદનનાં લાકડાંને પણ એકસામટાં ખાઈ જાઉં એવી લોલુપતા અનુભવતો—ઊભો છે. ને મા હજુ ઊઠી ઊઠીને હરએક જતા-આવતાને પૂછે છે કે, “હેં બાપા! ઓલી બે ખાંભિયું આંહીં હતી ને?” એના સવાલની મૂગી હાંસી કરતી મ્યાનાઓ ને પાલખીઓની કતારો આવી. એમાં બિરાજ્યા હતા તીર્થના અધિપતિઓ, આચાર્યો, વેદપ્રવીણ પંડિતો ને ધૂર્જટિના અનુગામી દિગમ્બર અવધૂતો. મ્યાનાઓની મોખરે સોનારૂપાની છડી ધારણ કરનારાઓ નામ દઈ દઈને નેકી પોકારતા આવે છે, પાછળ ભેરી-ભૂંગળો વાગતી આવે છે અને સર્વ સૂરોના વિરામના વચગાળામાં સંભળાય છે—દરિયાના ઝાલર-ઝણકાર : સોમનાથના નવા મંદિરની પાછલી દીવાલે જગદંબાનું જાણે કે ઉદધિ-વલોણું ચાલી રહ્યું છે. સાગરની ગોળીમાં જોગમાયા પ્રકૃતિ છાશ ઘુમાવી રહ્યાં છે. માખણની કણીઓ-શાં પારંપાર ફીણ દરિયાનાં વલોવાતાં પાણી ઉપર તરતાં થયાં છે. વિરાટનો રવાયો ફરે છે. “ખાંભિયું તો આંહીંથી ખસી ગઈ લાગે છે, બેટા!” માએ છોકરાને એ ખબર દેવામાં ખૂબ મહેનત અનુભવી. છોકરો તો સોમનાથ મહાદેવના આંગણામાં પથરાતાં આ પુષ્પ, ફળ, ફૂલ ને મનુષ્યોની અવરજવરમાં જ ડઘાઈ ગયો હતો. એણે ખાંભીઓના ખબરમાં બહુ જીવ પરોવ્યો નહીં. એણે આ પછી શસ્ત્રધારી રજપૂતોનાં જૂથ અંદર જતાં જોયાં. પોતે આ જૂથમાં પોતાનું સ્થાન સમજીને સાથે ભળી ગયો. મા પણ પુત્રને સાચવવા પાછળ પાછળ ચાલી. સમુદ્ર-સ્નાન કરી કરીને આવેલા એ ક્ષત્રિયો ઠેકઠેકાણે ઘસાઈ રહેલાં ચંદનની છીપરો પાસે જતા હતા, ઘસેલા ચંદનલેપની સુવર્ણકૂંડીઓમાંથી આંગળીઓ બોળી બોળી એકબીજાના હાથમાંથી આરસીઓ ઝૂંટવતા લલાટ પર ત્રિપુંડ તાણતા હતા, ને ત્રિપુંડ તાણતે તાણતે વાળની લટો અને દાઢીમૂછના મરોડો પણ સમારી લેતા. આ જુવાનની આંખો વધુમાં વધુ આ ત્રિપુંડોનાં લલાટ-ચિહ્નો પર મોહી પડી. એના કપાળે કોઈક દિવસ સિંદૂરનું તિલક ભાળ્યું હશે. ત્રિપુંડને માટે એનું કપાળ તલપી ઊઠ્યું. માણસના લલાટને આખા દેહથી નિરાળું પોતાનું એક રૂપ છે, શોભા છે, શણગાર છે, તેની એને જાણે ખબર જ નહોતી. એ બધાની ભીડાભીડમાં તો ન પેઠો, પણ લેપની કૂંડીઓ કાંઈક નવરી પડી ત્યારે એણે પોતાનાં આંગળાં બોળવા હાથ લંબાવ્યો. ચંદન ઘસતા માણસોમાંથી એકનું ધ્યાન જતાં એણે આ જુવાનને પૂછ્યું : “કેવા છો?” જુવાનનો હાથ લબડી રહ્યો. એનાં આંગળાં પરથી સુખડનાં લેપ-ટીપાં પાછાં કૂંડીમાં ટપકી રહ્યાં. ને એ નીચો વળેલો હોવાથી એના માથા પરનાં મોરપિચ્છનો ગુચ્છો પેલા હાથ પકડનારાના કપાળ પર ઝૂલી રહ્યો. “કેવા છો? પરદેશી છો? ક્યાંથી આવો છો? પૂછ્યાગાછ્યા વગર સુખડની કૂંડીમાં હાથ કેમ બોળો છો?” “પણ ભાઈ, તમારો સવાલ શી બાબતનો છે?” છોભીલા પડ્યા છતાં જુવાને હસતે હસતે કહ્યું, “મારે આ સૌ કરે છે એમ કપાળે કરવું છે.” “શું કરવું છે એ નામ પણ નથી આવડતું ને!” સુખડ ઘસનારે ટોણો માર્યો : “શૂદ્ર જ હોવો જોઈએ.” “તમે કેવા છો?” જુવાને પૂછ્યું. “અમે છીએ—દેવની સુખડ ઘસનારા છીએ. છતાંય જોતો નથી? છે અમારે કપાળે ત્રિપુંડ? અમેય કોળી છીએ.” “હું ભીલ છું.” “હાઉં ત્યારે. ત્રિપુંડ તાણવા જોગ તારું તાલકું નહીં, ગગા! તારું નસીબ બહુ બહુ તો આ ચંદન ઘસવાનું.” એમ કહીને એણે આ જુવાનનો હાથ ઝટકાવી બધું ચંદન પાછું લઈ લીધું. રાજપૂતોનું પણ એક ટોળું વળી ગયું. તેમણે પૂછપરછ કરીને વિશેષ ટોણા માર્યા : “ભીલડાંનેય ભગવાન સોમનાથના પહેલા ખોળાના થઈ જવું છે, ભાઈ! સૌ નીચ વર્ણોને પણ ક્ષત્રિયમાં ખપવું છે.” “એ ભૂલી જાય છે કે આ સોમનાથજીને માટે લીલાં માથાં આપનાર વડવા તો અમારા હતા. આજ પણ દેવને ધુપેલિયાનાં ગામ અમારા વડવાઓએ દીધેલ તે હાલ્યાં આવે છે.” “વળી આવતી કાલ પણ મોકો આવશે તે દી અમારાં જ માથાનાં શ્રીફળ આંહીં ચડવાનાં છે.” “હાલી મળ્યા છે જુઓને હવે આ તીરકામઠાંવાળા ને ઘો-તેતર મારી ખાનારા અનાર્યો.” આ મહેણાંટોણાંની સામે જવાબ વાળવા માટે તલપાપડ થતી જીભ જુવાનના મોંમાં સમાતી નહોતી. એ બોલતો બોલતો “મારા બાપુ—” એટલું જ ઉચ્ચરે છે ત્યાં એની માએ આવીને એના મોં ઉપર હાથ મૂકી દીધા. એને બથમાં લઈ ત્યાંથી ખસેડી ગઈ. એની પાછળ શબ્દો સંભળાયા : “તાણવું’તું ગગાને ત્રિપુંડ!” એ શબ્દોનો જવાબ વાળવા પાછો ફરવા મથતો જુવાન માતાના હાથની પકડમાંથી છૂટી ન શક્યો. એ પછવાડે કતરાતો રહ્યો. કાળી રાતે પણ જંગલમાં ઝગારા મારનારાં એ રાતાંચોળ ભીલ-ચક્ષુઓ પોતાનું અપમાન કરનારાઓ તરફ ઘૂમીને પછી સામે ઊભેલા સોમનાથ-મંદિરના પડથારથી જોવું શરૂ કરી છેક ઉપર ટોચે મંડાયાં. પણ ટોચે એણે શું જોયું? એણે જોયું તો મોયલા ભાગના મથાળ પરનું શંકુ આકારનું શિખર તૂટેલું હતું, એ શિખરના પથ્થરો ઢગલાબંધ નીચે પડ્યા હતા. એ જ રીતે એણે દીઠું, ગર્ભદ્વારના સુવિશાળ ઘુમ્મટનું ગગન-અડકતું શંકુ-શિખર પણ જાણે કાળની સમશેરને એક જ ઝાટકે મસ્તક જેવું ઊડી ગયેલું હતું. નીચે એ બધા ટુકડા પડ્યા હતા. ભીલ-પુત્ર તાજો જ વનરાઈમાંથી આવતો હતો. ગીરમાં એણે પહાડો ખૂંદ્યા હતા. પહાડોના રૂપનો એ ચિરસંગી હતો. પહાડનાં શૃંગોને એણે સંધ્યાએ અને સુપ્રભાતે, સળગતા મધ્યાહ્ને ને મધરાતની રૂમઝૂમ ચાંદનીમાં દીઠાં હતાં. સોમૈયાજીના મંદિરનાં છેદાયેલાં શૃંગો પ્રત્યે, એટલે જ, આ પહાડના પુત્રને પ્રેમ ને કરુણા પ્રકટી ઊઠ્યાં. એ પોતાને થયેલા અપમાનની લાગણીને, આ સાગર-ખોળે ઊભેલા છપ્પન થંભાળા મંદિરનો અપમાનિત વિરાટ દેહ દેખી, ભૂલી ગયો. એણે આ મહાકાય મંદિરમાં જીવતોજાગતો ને હાજરાહજૂર એ જ પ્રાણ જોયો, જે પ્રાણને એણે ગીરના ડુંગરાની ટૂકે ટૂકે ઘોરતો દીઠેલો. મા એને મંદિરની પાછલી બાજુ લઈ ગઈ. પાછળની ગઢરાંગ પાસે એ તૂટેલાં બંને શિખરોના ટુકડેટુકડા વેરાયા હતા. અને આ ટુકડાઓ પર માણસની ચામડી પર ત્રોફેલાં છૂંદણાં જેવી શોભીતી કારીગરી હતી. ભીલ બાળકને માટે આ શિલ્પની બીજી ખૂબીઓ તો સમજવી સહેલ નહોતી, પણ પોતાના ને પોતાની માતાના હાથપગનાં છૂંદણાં આ પથ્થરો પરની નકશીની સાચી સમજ પાડતાં હતાં. છૂંદણાંવાળી પોતાની ભુજાઓ સમા, ને છૂંદણાંની વેલડીથી છવાઈ ગયેલી માતાની છાતી સમા આ નીચે પડેલા પાષાણો-શિલાઓ પણ શું એક દિવસ આ દેવળનાં જીવતાં ધબકતાં ને રુધિરવંતાં અંગો હશે! આ દેરું તૂટેલું પડ્યું છે છતાં આ બધા રંગરાગ ને ખાનપાન કેમ? ઘરમાં મડું પડ્યું હોય ત્યાં લગી આપણે ઉત્સવો ક્યાં કરીએ છીએ? ત્યારે આ બધું શું? “આ કોણે તોડ્યાં, હેં મા?” એણે માને પૂછ્યું. “તારા બાપુ જેની સામે ખપી જાવા આંહીં આવેલા તે પાદશાએ.” પહેલી જ વાર આ યુવાન પોતાના બાપના મોતનો મહિમા સમજી શક્યો. આજ સુધી એણે જ્યારે જ્યારે બાપની ‘સોમનાથની સખાત’ની વાતો સાંભળેલી ત્યારે બાપના શૂરાતનને એ સમજેલો, પણ હંમેશાં મનમાં વિમાસણ પામેલો કે, મારા આવા આવા વીર બાપુ, એક જ રાત રહીને, આવી મારી મા જેવી માને છોડી દઈ, મારા જેવા બાળકની કલ્પનાને પણ કચરી નાખી, કોના સાટુ મોતના મોંમાં ઓરાવા ગયા હશે? આજ જ્યારે આ સાગરના સંતાન સમા દેરાના શિરચ્છેદનું એણે દર્શન કર્યું, ત્યારે પિતાનો તલસાટ એણે પોતાની અંદર અનુભવ્યો. મારા બાપુ આવા એક જીવતા દેવની કતલ આડે ઊભા ઊભા મૂઆ હશે. ને આ દેરાનાં છેદાતાં અંગોમાં કેવી કાળી બળતરા હાલી હશે! આ દેરું કેમ હજી તેદુનું માથા વગરના ધડ જેવું ઊભેલું છે? આ દેરાના પાણકે પાણકાને હું ઠેકાણાસર ગોઠવી દઉં, એક વાર એના સમસ્ત દેહના દીદાર કરી લઉં, એક વાર એની સામે લળી લળી નમણ્યું કરું, એવું થાય છે. આ ભીલ મા-દીકરો જેમ હાથીલા જઈને પાછાં વળ્યાં હતાં, તે જ રીતે જૂનાગઢથી પણ જાકાર પામ્યાં હતાં. ઉપરકોટના રાજદુર્ગમાં એને પ્રવેશ જ નહોતો મળ્યો. પણ કુંતાદે અને રા’ માંડળિક પ્રભાસપાટણ જાય છે, એટલે ત્યાં ક્યાંઈક મળી શકશે એ આશાએ મા-દીકરો પ્રભાસ આવ્યાં, તો આંહીં તીર્થમાં પણ તેમની આ દશા બની. છોભીલાં બેઉ જણ બહારભાગમાં જે હતું તે જોતાં ભમતાં હતાં.