રા’ ગંગાજળિયો/૧૬. હાથીલાનો નાશ

From Ekatra Wiki
Revision as of 11:20, 24 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૬. હાથીલાનો નાશ

ઉપરકોટના કાંગરા ઉપર કોડિયાંની દીપમાળા પેટાઈ હતી. મંદિરો- ઠાકુરદ્વારાઓમાં રાજકીર્તિની ઈશ્વરપ્રાર્થના ગવાતી હતી. નગારાં ને ઝાલરો વાગતાં હતાં. બ્રાહ્મણો આશીર્વાદ દેતા હતા. અધરાતે તો પ્રજાજનોના માનસન્માનમાંથી માંડ માંડ પરવારીને રા’ માંડળિક દરબારમાં પહોંચ્યા. માંડળિક પોતાનાં વસ્ત્રો ઉતારી કુંતાદેને વાત કહેતા હતા : “દેવડી, આજ હાથીલાની જીતનું આખો મલક ઉજવણું કરે છે, પણ મને એનો આનંદ નથી. કેમ કે બખ્તરની કડીઓ છોડતી તારી આંગળીઓ અત્યારે ચાલતી નથી. મેં તારા કાકાબાપુ દુદાજીને પણ છેલ્લી વાર એક જ વેણ કહ્યું કે મારા હાથે આ નગરનો નાશ કરાવ મા, આંહીં મારી કુંતા આળોટી હશે, આ તળાવની પાળે એ ફરી હશે, ને આ ચોકમાં એણે રાસડા લીધા હશે. પણ દુદાજીની આંખમાં ઝેરને બદલે અમૃત ન આવ્યું તે ન જ આવ્યું. હું શું કરું, દેવડી?” કુંતાદે રા’ના પગની મોજડીઓ ઉતારતાં ઉતારતાં પગ ઉપર જ ઝળૂંબી રહ્યાં. પગ પર ઊનાં આંસુ ટપક ટપક પડવા લાગ્યાં. “શું કરું, દેવડી! સુલતાનની ભીંસને તો હું વેઠી લેત; એને આડુંઅવળું સમજાવી લેત; પણ તારો આગ્રહ તારા ભીલભાઈને રાજહક હરકોઈ વાતે પણ મેળવી આપવાનો હતો. મને દુદાજી ઉપર દાઝ ચડી ગઈ, કેમ કે એણે એવું વેણ કાઢી નાખ્યું કે, ‘બહાર નીકળ્યા પછી તો ક્ષત્રિય રસ્તામાં સો ઠેકાણે રાત રે’તો જાય. એ બધાં છોકરાંને રાજહક આપવા બેસીએ તો ક્યારે પાર આવે?’ કુંતા, તારા કાકાએ ક્ષત્રિયની તો ઠીક, પણ સગા ભાઈ હમીરજીની મોતજાત્રાની આવી હાંસી કરી! એટલું જ નહીં, એણે તો મને કહ્યું કે આ જ વેણ એણે તારા ભાઈને ખુદને કહીને કાઢેલ છે. આ સાંભળ્યા પછી મારો કાળ ઝાલ્યો ન રહ્યો.” કુંતાદેએ હજુય ઊંચું નહોતું જોયું. રા’ના પગ ઝાલીને એ બેઠી રહી હતી. રા’એ એની ચિબુક (હડપચી) ઝાલીને એનું મોં પોતાના તરફ ઊંચું કર્યું. એ મોં રુદનમાં નહાઈ રહ્યું હતું. “હું તને સાચું કહું છું, દેવડી, મારે તો બેમાંથી એકેય પક્ષની ફોજને નહોતી કપાવવી. મેં તારા કાકાને એકલ-જુદ્ધમાં નોતર્યા.” “અરરર!” એમ કહેતાં કુંતાદેના હાથ રા’ની કાયા ઉપર ફર્યા. “ચિંતા કર મા. મને ઝાઝા જખમ થયા નથી.” “સોમનાથ દાદા! હીમખીમ ઘેર પોગાડ્યા—” કુંતાદે સ્તુતિ બબડવા લાગી. “તમે એકલ-જુદ્ધમાં મારા કાકાને જીતી શક્યા, હેં મારા રા’! સાચું કહો છો?” કુંતાદેને ખાતરી થતી નહોતી. દુદાજી કાકા એટલે કરાળ કાળભૈરવ. રા’ તો એની પાસે અસુરના હાથમાં પુષ્પ સરીખા કહેવાય. રા’ને ક્ષેમકુશળ દીઠા છતાં કુંતાદે ફફડી ઊઠી. “સૌને એ જ નવાઈ લાગેલી, દેવડી! ને મેં જ્યારે તારા કાકાને પડકાર્યો કે, આ ગરીબ પગારદારોની હત્યા શીદ કરવી? આવો, એકલધિંગાણે પતાવીએ; ત્યારે તો એણે પણ હસીને શું કહ્યું હતું, કહું?” “શું કહ્યું?” “તને યાદ કરી.” “સાચોસાચ?” “હા. સીધી નહીં પણ આડકતરી રીતે. એણે પોતાની ગરેડી જેવી ગરદન હલાવીને ભયંકર અવાજે જવાબ દીધો કે છોરુ વગરનો છો, તરપિંડી દેવાય કોઈ વાંસે નહીં રહે, માટે કહું છું કે પાછો વળી જા. મેં કહ્યું કે હવે તો પાછા ફરવાનું ટાણું રહ્યું નથી. સુલતાનને આપેલા વચને પળવાની મારી ફરજ છે. ઊઠો, કાકાજી!” “મને જરીકે ન સંભારી?” “મરતે મરતે કહ્યું કે કુંતાનો ચૂડો અખંડ રહ્યો, એટલી મારા જીવને ગત્ય થાય છે.” “બીજાં બધાં શું કરે છે? હું કાણે જઈ આવું? કારજ ક્યારનું છે?” “ત્યાં કોઈ નથી.” “કેમ? ક્યાં ગયાં?” “મેં હાથીલા ઉજ્જડ કર્યું. એ બધાં લાઠી ગામે ચાલ્યાં ગયાં.” “એકલ-યુદ્ધથી પતાવ્યું કહો છો ને?” “ના, પછી તો મારા હાથ ન રહી શક્યા, મારી ભુજાઓ કાબૂમાં ન રહી. ગોહિલ-ફોજ કબજે થવા તૈયાર નહોતી. ગુણકાતળાવના રાજમહેલમાં તારા ભાઈ અને તારી ભીલાં-કાકીને વારસો આપવાની સૌએ ચોખ્ખી ના પાડી. એટલે મારે નછૂટકે રાજમહેલનો નાશ કરવો પડ્યો, તળાવને તોડાવી નાખવું પડ્યું, ગોહિલ કુળને ને ફોજને મારે ગામના દરવાજા તોડીને જ બહાર કાઢવાં પડ્યાં.” “તમે ભુજાઓ પરથી શું કાબૂ ખોયો, રા’! મારા મહિયરની દશ્ય બંધ થઈ ગઈ,” કુંતાદે બોલતાં બોલતાં ધ્રુસકે ગયાં. “બીજો ઇલાજ નહોતો.” રા’ લાચાર બન્યા. “મેં જાણેલ કે સમજણથી પતાવી લાવશો.” “તારા ભાઈને ખાતર મારે કરવું પડ્યું.” “મારી જન્મભોમ : હું ત્યાં રમી હતી : મારા હાથના છબા ત્યાં ઊછળ્યા હતા. મારું મહિયર…” કુંતાનો વિલાપ ક્રમે ક્રમે વધતો ગયો. હાથીલા નગરનો નાશ રા’ માંડળિકના જબરજસ્ત વિજયનો ખાંભો ગણાય છે, પણ એ નગરના ધ્વંસે રા’ના સંસાર-જીવનની લગાર એક કોર ખાંડી કરી નાંખી. કુંતાદેએ આજ સુધી રા’ના હાથને હાથીલા ઉપર ત્રાટકતા વાર્યા હતા. દુદોજી ગોહિલ ચાહે તેવો ડાકુ છતાં કુંતાદેને બાપ-ઠેકાણે હતો. દુનિયાની દૃષ્ટિએ દેખાતા દિગ્વિજયો કેટલાય યોદ્ધાના આત્મ-જીવનમાં મોટા પરાજયો જેવા બની જતા હશે. “ના રડ, કુંતા!” રા’એ પંપાળીને આશ્વાસન દીધું, “તું જોજે કે હું એ ગાદી તારા ભીલ-ભાઈને સોંપવા માટે સુલતાનનો રુક્કો મેળવીશ. તું ધીરજ ધરજે, તારા મહિયરનો માર્ગ ફરી વાર ઊઘડી જશે.” પોતે પોતાના શૌર્ય પર કાબૂ ન રાખી શક્યા એ મુદ્દાને રા’ રોળીટોળી નાખતા હતા. “ભાઈ તો બાપડો ડુંગરાનું બાળ છે. એને કાંઈ પરવા છે? એ તો આપના ગયા પછી બે વાર આવી ગયો કે મારે વળી રાજ શાં ને પાટ શાં? મારું એ કામ નહીં, મારે તો ભાઈબંધી પહાડની ને રત્નાકરની. હું ત્યાં હાથીલે તો ભૂલેચૂકેય નહીં જાઉં.” “ઓહો! બે વાર આવી ગયો!” એટલું બોલીને રા’ સહેજ ખમચાયા. પછી એણે પોતાનો કશોક વિચાર દબાવી દઈ કહ્યું : “એટલે જ એને ઠેકાણે લાવવાનો એક જ માર્ગ છે : એક ક્ષત્રિય રાજાની કન્યા પરણાવી દઈએ, એના મનમાં રાજવટનો કોંટો ફૂટશે.” “તજવીજ કરાવો છો?” “નાગાજણ ગઢવીને રજવાડાંમાં વિષ્ટિ કરવા મોકલ્યા છે.” એ સમાચારથી કુંતાદેનો શોક ઊતરવા લાગ્યો હતો, ને રા’ ઊંચી ગોખ-બારી પર દૃષ્ટિ ઠેરવી એકીટશે જોઈ રહ્યા હતા. “શું વિચારો છો?” કુંતાદેએ પૂછ્યું. “સાચું કહું?” “કહો તો સાચું જ કહેજો.” “મારે આજ એક દીકરી હોત—વિવા કરવા જેવડી!” “તો?” “તો હું જ એને જમાઈ કરત.” “પણ અમારું તો ભાઈબહેનનું સગપણ.” “હું તારી વાત નથી કરતો.” રા’ હસ્યા. “ત્યારે! હેં! શું?” “કાંઈ નહીં, ગાંડી! અમસ્તી કલ્પના. મનના ઘોડા માળવે જાય છે.” બેઉ જણાં વાતને તો પી ગયાં, પણ બેઉ પામી ગયાં હતાં, કે એ વાતની ઓથે એક પહેલવહેલો જ નવો વિચાર ઊભો થયો હતો. કુંતાદેનું નારીહૃદય સમજી ગયું : રા’ને પોતે સંતાન નહોતી આપી શકી. પણ સંતાન હોવું જોઈએ એવો આગ્રહ વારંવાર પોતાના તરફનો જ હતો. રા’ જેમ જેમ એવી ઇચ્છાનો ઇન્કાર કરતા હતા તેમ તેમ કુંતાદે જિદ્દે ચડતી હતી : તમારે ફરી વિવા કરવો જોઈએ, મારા વાંકે તમારી રાજગાદી શા માટે ખાલી રહે? રા’ના ઇન્કારના ઊંડાણમાં શું હતું? એ જ સ્વયંઇચ્છાનો કોંટો ફૂટી ચૂક્યો હતો? રા’ સૂવા ગયા. કુંતાદેએ પિયરના નાશના શોકમાં જુદે ઓરડે પથારી કરાવી હતી. એણે દીવો ઓલવી નાખ્યો તે પછી રા’એ જરા ચોંકીને પૂછ્યું : “એ કોણ છે કુટેવવાળી?” “કોણ?” “કોઈ દાસીને આપણી વાતો સાંભળવાની ટેવ લાગે છે.” “કદાપિ ન હોય.” “ત્યારે મને છાયા કોની લાગી?” “મનનો આભાસ હશે.” એ વાત સાચી નહોતી. રા’ના રાજમહેલના રાણીવાસ સુધી પણ જાસૂસો પહોંચી ગયા હતા. એ જાસૂસો કોના હતા?