સત્યની શોધમાં/૧૮. ‘તમને ચાહું છું!’

From Ekatra Wiki
Revision as of 09:50, 25 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮. ‘તમને ચાહું છું!’|}} {{Poem2Open}} ‘કોઈ કોઈ વાર આંહીં આવતા રહેજો!...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૮. ‘તમને ચાહું છું!’

‘કોઈ કોઈ વાર આંહીં આવતા રહેજો!’ એ વાક્યના ભણકાર કાને અથડાયા કરે છે. અહર્નિશ એ નિમંત્રણ દેનારની મુખમુદ્રા નેત્રો સામે તરવર્યા કરે છે. કલ્પના એની પછવાડે પછવાડે અનેક અદ્ભુત સાહસો તેમ જ પરાક્રમોમાં ઘૂમાઘૂમ કરે છે. ‘કોઈ કોઈ વાર આવતા રહેજો!’ હજુ તો ત્યાં ગયાને થોડા જ દિવસ થયા છે. સ્નેહનો ગમાર અજાયબ થતો હતો કે શું આટલા જ દિવસ થયા! આખી દુનિયાની ફિકરની ગાંઠડી માથા પર ચડાવીને ભમતો હતો તે છતાં કેમ ‘કોઈક વાર આવતો રહેજે!’ એવું સાદું વાક્ય વીસરાયું નહોતું? દિત્તુ શેઠથી માંડીને ભીમાભાઈ દારૂવાળાના ઉદ્ધાર અર્થે મથ્યા કરતો હતો, ધર્મપાલજીનું મગજ ખાધા કરતો હતો, એક બાજુ લક્ષ્મીના લખલૂટ સંઘરા અને બીજી બાજુ રોટલીના સાંસાની સમસ્યાઓ પર માથા પટક્યા જ કરતો હતો, છતાં એના એ ખીચોખીચ ચિંતાગ્રસ્ત ચિત્તમાં વિરાટ પગલાં ભરતી એ મૂર્તિ શી રીતે પ્રવેશતી હતી? ‘કોઈ કોઈ વાર આવતા રહેજો!’ પણ આટલા જ દિવસમાં કયે નિમિત્તે એ નસીબદારની પાસે જઈ હું ઊભો રહું? કહ્યું હતું કે, “તેજુને મળવા માટે આવતો રહેજે!” પરંતુ તેજુને તો રોજ સાંજે ઘેરે જ મળું છું. તેજુને મળવા જવાનું બહાનું કેટલું હાસ્યજનક! દર્શનની તાલાવેલી એને કોઈ આગની માફક સળગાવી રહી હતી. કારણ, બહાનું, નિમિત્ત, તમામ ફગાવી દઈને એ તો ગયો. સવારના અગિયાર વાગ્યા હતા. તેજુબહેને ભાઈને દીઠો. “આવ્યા, ભાઈ! લ્યો, હું બહેનને ખબર આપું.” એમ કહેતી, જાણે બધું સમજતી હોય તેમ, તેજુ ઉપર દોડી ગઈ. તેજુના અંગે અંગે ત્રણ દિવસમાં તો નવીન સ્ફૂર્તિ રમવા લાગી હતી. “ભાઈ, જાઓ ઉપર.” એમ કહેતી તેજુ નીચે આવી. “તુંય ચાલને, તેજુબહેન!” શામળે કહ્યું. “ના, મને બહેને નીચે જ રહેવા કહ્યું છે. તમે આવ્યા છો એ જાણીને બહેન બહુ રાજી થયાં છે, ભાઈ!” શામળે પોતાની દિવ્ય સુંદરીને દીઠી. ઘેરી ઘેરી, સ્વપ્નઘેરી આંખો, અંબોડામાં ફૂલ, જાણે કોઈ પ્રવાહી પદાર્થમાંથી વણેલી સાડી: એવું સૌંદર્ય બોલી ઊઠ્યું: “તમે આવો છો ત્યારે મને કેટલું સુખ થાય છે – જાણો છો, શામળજી?” “જી ના, સાચે જ હું નથી જાણતો, નથી સમજતો, કે મારા આવવાથી તમને શું સુખ થાય.” બિન્દુ બિન્દુ પીતી હોય તેવી એકીટશે એ ઊભી ઊભી શામળને જોઈ રહી; પૂછ્યું, “કેમ, તમને નવા જીવનમાં રસ પડે છે ને?” “જી હા.” “નીરસ જીવન તો એક મારે જ નસીબે લખાયું છે.” “નીરસ! આ ઘરમાં તમને જીવન નીરસ લાગે છે?” શામળ તો સાંભળીને આભો જ બની ગયો. “તમને આશ્ચર્ય લાગે છે, નહીં?” “આશ્ચર્યની વાત. પણ શા માટે એમ? તમારે જીવનમાં શી ઊણપ રહી છે? જે જોઈએ તે બધું જ છે, વિનોદબહેન!” “હા; ને એ બધાંથી જ હું કટાળી ગઈ છું, શામળજી!” શામળની સન્મુખ જીવનની એક નવી સમસ્યા ખડી થઈ. એ વિસ્મયથી જોઈ રહ્યો. “હું સાચું જ કહું છું, શામળજી! જેને જેને હું મળું છું તે તમામ મને સૂકાં, નીરસ, કંટાળો આપનારાં દેખાય છે – તેઓ બધાં જ ભોટ જેવી, રસહીન જિંદગી જીવે છે. ને મારે આંહીં શહેરમાં જ પુરાઈ રહેવું પડ્યું છે. ઓ શામળ! હું સોનાને પાંજરે પડેલી પંખિણી જેવી છું.” અનુકંપાનું એક મોજું શામળના અંત:કરણમાં ઊછળી રહ્યું. એને કેટલાક વખતથી લાગેલું જ કે અંદરખાનેથી આ શ્રીમંત કન્યા સુખી નથી. એટલે આજે શામળને સારુ નવું કર્તવ્ય જન્મ પામ્યું: આ સુંદરીને એના સદ્ભાગ્યની સાચી પ્રતીતિ કરાવી એની લક્ષ્યહીન જિંદગીમાં નવો રસ નિપજાવવાનું. એણે કહ્યું: “ઓહો વિનોદબહેન, તમે વિચારી તો જુઓ, તમારે હાથે કેટલું મહાન લોકકલ્યાણ થઈ શકે તેમ છે?” “લોકકલ્યાણ! કેવી રીતે?” “જુઓ – તમે મારી તેજુબહેનને ઉગારી લીધી. તમે એને કેટલી સુખી બનાવી છે!” “હા, બાપડી સુખમાં પડી જણાય છે.” “ને મનેય!” “તમને – તમને મેં સુખી બનાવ્યા?” વિનોદબહેને મોં મલકાવી પૂછ્યું. એણે જવાબ આપ્યો: “સાચે જ, જીવતરમાં આવું સુખ હું કોઈ દિવસ નહોતો પામ્યો – આવો રસ મેં નહોતો અનુભવ્યો. તમે મને—” ઊર્મિના ઊભરાએ વાક્યને પૂરું થવા દીધું નહીં. પણ એના અંતરાત્માની તમામ સુખસમાધિ, તમામ તાજુબી એની આંખોમાં ઝળકી ઊઠી. પોતે સીંચેલ વૃક્ષના નવપલ્લવોને માળી જેમ કોઈ અજાણી પળે નિહાળી રહે, તેમ વિનોદિની શામળની આંખોમાં છલકેલા ભાવોને નીરખી રહી. પછી એ હસતી હસતી નજીક આવી: “જુઓ શામળજી, તમારા કાંડા પર ઘડિયાળ સરખું ક્યાં બંધાયું છે?” એટલું કહી ફરી એક વાર એની આંગળીઓ એ કાંડાને સ્પર્શી. “ને વળી આ તમારા જૂના ઘડિયાળને ગળામાં કાં લટકાવ્યું?” એમ કહેતી એ શામળના ગળામાંથી દોરો કાઢવા લાગી. એના શ્વાસની સુગંધી વરાળ શામળના મોં પર છંટાઈ. શામળ આ વેળાના વાવાઝોડામાં ન ટકી શક્યો, એને આગ લાગી ગઈ. હૈયું દબાતું હતું. માથું ભમવા લાગ્યું. આંખે અંધારા આવ્યાં. કેફમાં ચકચૂર કોઈ માતેલાની માફક પોતે શું કરી રહેલ છે તેના ભાન વગર, એણે પોતાના હાથ પસારીને વિનોદિનીને સ્પર્શ કર્યો, અને એના મુખમાંથી આછો ધીરો ધ્રૂજતો ઉદ્ગાર સંભળાયો: “ઓ શામળ! હું તમને ચાહું છું.” અરર! આ હું શું કરી બેઠો! મને ધકેલી, તિરસ્કાર દઈ આ હમણાં મારું મોં કાળું કરશે. મારું સત્યાનાશ વાળ્યું મેં! એક જ પળનું આ આત્મભાન ને આ ભયાનક ખ્યાલ બીજી ક્ષણે વિરમી ગયા. વિનોદિની એ મીઠો સ્પર્શ માણતી શાંત ઊભી હતી. એકાએક બાજુના ખંડમાં કોઈ પગલાં બોલ્યાં. બંને જણાં છૂટાં પડી ખસી ગયાં. પણ આવેશના મનોભાવ મુખ પરથી શે ઝટ શમી શકે? સુમિત્રાબાઈ એક જ પળ વહેલાં થયાં હોત તો આ ચોરી છૂપી ન રહી શકત. પરંતુ એ એક જ ક્ષણ મળતાં, ચતુર વિનોદિનીએ પોતાની હાજરજવાબી અજમાવી આખું વાતાવરણ પલટાવી નાખ્યું: “નહીં શામળજી, આથી વધુ હું કશું જ નહીં કહી શકું. એક તેજુને મેં રાખી એટલું બસ છે. એ રીતે તો મિલમાં હજારો પીડાતાં હોય, તે તમામને હું ક્યાં સંઘરું?” ભોળિયો શામળ પ્રથમ તો આ ચાતુરી કળી જ ન શક્યો, એ તો ચુપચાપ ઊભો જ રહ્યો. વિનોદિનીએ કહ્યું: “બસ, એ તો પતી ગયું. તમે જઈ શકો છો. પેલાં ફૂલનાં બિયાં જલદી લાવવાનું ન ભૂલતા. તમે જ લઈને આવજો.” એટલું કહીને ભોટ શામળને સચેત કરવા સારુ એણે સુમિત્રાબાઈ તરફ આંખનો મિચકારો ફેંકીને સાનમાં સમજાવ્યું. “સારું, જયજય.” કહીને શામળ નીકળી ગયો. હજુ એને નહોતું સમજાયું કે વિનોદિનીએ શા સારુ પાછલો વેશ ભજવ્યો. વિસ્મય પામતો એ ઊતર્યો, પણ અરધી સીડી આવ્યો ત્યાં બીજું તમામ ભૂલી ગયો. યાદ રહ્યું. ફક્ત એક જ વાક્ય: ‘શામળ, હું તમને ચાહું છું.’ એ શબ્દો કોઈ ભેદી નાદ સમા એના કાનમાં ઘોષ કરી રહ્યા છે. આ સુખને એ હૈયામાં ન સમાવી શક્યો. જાણે હમણાં અંતર ભેદાઈ જશે! આવડી મોટી રહસ્ય-કથા એ શી રીતે ઉપાડી શકે? એના સુખદુ:ખમાં ભાગ લેનાર, એના રહસ્ય-બંધુ જેવી હતી એક માત્ર તેજુબહેન. તેજુ બારણા સુધી વળાવવા ગઈ ત્યારે શામળથી એને કહી બેસાયું: “તેજુબહેન, એ મને ચાહે છે. એને મુખેથી જ એ બોલેલાં છે.” “આહાહા! શામળભાઈ!” તેજુ હેરત પામીને આંખો ફાડતી બોલી, “નક્કી જ એ તમને પરણશે.” “પરણશે! મને પરણશે!” શામળને જાણે વીજળીનો આંચકો લાગ્યો. “સાચે જ શામળભાઈ! પરણવાનું ન હોય તો આવું હેત શીદ બતાવે?” “ના, ના, ક્યાં હું? ક્યાં એ? હું તો એક ગરીબ ગામડિયો છું.” “પણ ભાઈ, એની પોતાની કને તો માયાના ભંડાર ભર્યા છે ને પછી એને મન શું ગામડિયો કે શું શહેરી! એને શી પડી છે શાહુકાર વરની?” “હા...” એ વાત શામળને નહોતી સૂઝી એ ખરું. પણ વળી હૃદય ધડકી ઊઠ્યું: “અરેરે, મારામાં એવું શું બળ્યું છે?” “શામળભાઈ! મારા હૈયા ઉપર હાથ મૂકીને હું કહું છું કે તમે રૂપાળા છો, તમે ગુણિયલ છો. વિનોદબહેનની આંખો એ ભાળી શકે છે, ને એણે નક્કી કર્યું લાગે છે કે તમને કાંડું ઝાલીને પોતાની પાયરીએ ચડાવી લેવા.” શું હું વિનોદિનીની પાયરીએ ચડીશ! ઊંચા કોઈ પહાડના શૃંગ પર ચડવાનો વિચાર આવતાં તમ્મર આવે, તે રીતે શામળની કલ્પના પણ ભય પામવા લાગી. એ ચૂપ બની ગયો. “ઓહોહો! શામળભાઈ! બરાબર આ તો જાણે પેલી પરીઓની વાતોમાં આવે છે તેવું જ બન્યું. ભાઈ, તમે એના સોણાના રાજકુંવર બનવાના.” તેજુએ તો એ રીતે એ શ્રીમંત કન્યા અને ભિખારી પ્રેમી વચ્ચેના આ મામલાને જૂની પરીકથા માંહેલી અનેક ઘટનાઓ સાથે ઘટાવી પોતાની કલ્પનાના કંઈ કંઈ અદ્ભુત ભાવો ઠાલવી દીધા, અને શામળના પ્રાણને અવનવી આકાંક્ષાઓના વાદળવિહારોમાં પાંખો ફફડાવતો કરી મૂક્યો. આખરે એ ત્યાંથી ચાલ્યો. રસ્તા પર અરધી દિગ્મૂઢ દશામાં એ ભાવી કલ્પી રહ્યો હતો: આહા, હું વિનોદિની જોડે પરણીશ: ને એ સાચી જ વાત હોવી જોઈએ, નહીં તો ‘શામળ, હું તમને ચાહું છું,’ એવું બોલવાનો બીજો મર્મ જ શો હોઈ શકે? આહા, પછી તો હું આ બંગલામાં રહેવા આવીશ, હું અઢળક સંપત્તિનો સ્વામી થઈશ. મારે ગામ ભાઈઓ આ વાત જ્યારે સાંભળશે, ને હું જ્યારે અમારાં જૂનાં ખેતરવાડી ખરીદી લેવા ઘેર જઈશ, ત્યારે એ બધા કેટલા તાજુબ બનશે! નહીં, નહીં, આવા બધા સ્વાર્થી વિચારોમાં મારે ન ચડી જવું જોઈએ. મારે તો વિચારી રાખવું જોઈએ કે મારી એ ભવિષ્યની લક્ષ્મીને હું લોકકલ્યાણમાં કઈ કઈ રીતે વાપરીશ. હા, હા, પછી તો હું ને વિનોદ બેઉ જનસેવામાં જીવન સમર્પણ કરશું. એમ થતાં કોઈક દિવસ મને એના પિતાની મિલો વારસામાં મળશે, ત્યારે હું મજૂરોનાં મોટાં છોકરાંને માટે નિશાળો ખોલીશ, નાનાં હશે તેનાં પારણાં બંધાવીશ, તેઓને દૂધ પિવડાવવાનો બંદોબસ્ત કરીશ, મજૂરસ્ત્રીઓ માટે સુવાવડખાનાં ખોલાવીશ. વળી, હું તો એ રીતે લક્ષ્મીનંદન શેઠનો પણ કુટુંબીજન બનીશ. એટલે દિત્તુ શેઠ ઉપર પણ મારી કંઈક અસર વાપરી શકીશ. આહાહા! ધર્મપાલજી અને વીણાબહેન મારું આ સૌભાગ્ય સાંભળી કેટલાં સુખ પામશે! આ બધા વિચાર-સાગરમાં ભમીને એની કલ્પના-નાવડી પાછી પોતાના હરિયાળા નાના ટાપુમાં, એટલે કે વિનોદિનીના સ્મરણમાં વળી. ઓહ! એ મને ચાહે છે! ત્યારે તો એ હવે મારી છે. આજે આ અરધા કલાક પહેલાં એ શું બની ગયું! મેં એને શું કર્યું હતું! પાગલ – એ પાગલ બની ગયો. એવામાં એકાએક એ આ કલ્પનાના ગગનમાંથી પાછો પૃથ્વી પર પટકાયો. એની પડખે થઈને એક બુઢ્ઢો અત્તરિયો વહોરો પસાર થતો હતો. શ્વેત દાઢી હતી. શરીર બેવડ વળેલું હતું. પીઠ પર પેટી હતી. પણ શામળની આંખો ન છેતરાઈ ગઈ. મોં નિહાળીને એણે તુરત જ સાદ કર્યો: “અરે! બબલાભાઈ!” “ચૂપ! ચૂપ!” અત્તરિયા બુઢ્ઢાએ નાક પર આંગળી મૂકીને આંખનો મિચકારો માર્યો. હેબતાઈને ઊભા થઈ રહેલ શામળથી દૂર દૂર એ વેશધારી ભાઈબંધ નીકળી ગયો. નવાં વિચાર-મોજાં શામળના અંતર પર વહેતાં થયાં. થોડા જ દિવસ પહેલાં હું ઉઠાઉગીરનું જીવન જીવ્યો. છતાં આજે જાણે એક આખો યુગ થઈ ગયો. હું તો એક લખપતિની પુત્રીને પરણી કરી સંપત્તિનો સ્વામી બનીશ, ને આ બબલો જ શું એની બૂરાઈભરી જિંદગીમાં ગળકાં ખાતો રહેશે? મારા સમાગમમાં આવેલ બીજા તમામને મેં લાભ કરી દીધો, ને શું એક બબલાને જ હું ન તારી શક્યો! બબલાની સાથે એક ભાણામાં મેં રોટી ખાધી છે. એના ઉદ્ધારની હાકલ મારા હૈયામાં સંભળાય છે. એને જોતાંની વાર જ મને મારું કર્તવ્યભાન પુકારી ઊઠ્યું છે. ભલે એ મને નિષ્ઠુર મે’ણાં મારે, ભલે ધિક્કારભર્યું હાસ્ય કરે, એની સન્મુખ જઈને ઊભો રહીશ. આ તમામ પ્યાર, આનંદ અને આશાની કનક-સૃષ્ટિ વચ્ચેથી મારા કાનમાં કર્તવ્યનો સાદ પડે છે. ભલે બબલાને હું ન પલટાવી શકું; હું પ્રયત્ન તો જરૂર કરીશ. ધોળી દાઢીવાળા બુઢ્ઢા અત્તરિયાની પાછળ પાછળ શામળે પગલાં ભર્યાં.