અપરાધી/૨૮. ગોઝારે કોઠે
રાતનું અંધારું કેમ જાણે બાથમાં આવતું હોય એટલું બધું ઘાટું હતું. ઢેડગરોળીઓ જીવડાંને ચાટી લેતી હોય તેવી રીતે વાદળીઓ ચાંદરણાંને ચાટીને પેટમાં ઉતારતી હતી. છતાં વીજળીના સબકારે સબકારે અજવાળીએ ગોઝારા કોઠાની દિશા સાંધી. એના ઉઘાડા પગમાં કાંટા ભાંગતા હતા. એણે પાંચેક વાર ગડથોલિયાં ખાધાં. છતાં એની છાતીએ મૂએલ બાળ ચંપાઈ રહ્યું. શબની પણ એવી સાચવણ તો માતાની છાતી પર જ સંભવે. આઘે આઘેના રસ્તાઓ ઉપર એ વખતે બેત્રણ ગાડાંના કિચૂડાટ બોલ્યે આવતા હતા અને ગીતના લલકાર ઊઠતા હતા:
મળજે તરણેતરને મેળે
હો માવલા,
મળજે તરણેતરને મેળે.
તારાં ખેતરને ઢોર ભલે ભેળે
હો માવલા,
મળજે તરણેતરને મેળે.
તારા આડી ભલે ભેરવ્યું કળેળે
હો માવલા,
મળજે તરણેતરને મેળે.
સ્વરો સમજાયા: તરણેતરને મેળે: ઘેરાં અને પાતળાં ગળાંનો સામટો નાદ અંધારાં કાપતો, ગોધલાના પગમાં શૂરાતન પૂરતો, ગાડાંના પછડાટે કરીને સ્ત્રીપુરુષોને એકબીજાના ઉપર ફંગોળતો દૂર દૂર ચાલ્યો જાય છે. તરણેતરને મેળે: શ્રાવણ માસ ચાલે છે: ગોકળ આઠમનાં આ ગાઢાં અંધારાં ઘૂંટાય છે. નવ મહિના પૂર્વેનો મેળો યાદ આવ્યો: આ મેળો તરણેતરનો ન હોય. એક વરસ હજી વીત્યું નથી. કોઈ બીજા જ મેળે ઊપડ્યાં જણાય છે આ જુવાનિયાં. તરણેતરને મેળે! અજવાળીના અંતરમાં કટારો ચાલી. નવ મહિનાનો ઇતિહાસ! કાંઈ ફિકર નહીં. આ પતાવી લેવા દે. હું પણ તરણેતરને મેળે જવા જેવી ‘હહણીને ઘોડો’ થઈ જઈશ. આ વખતે તો હું એકલી પાછી ફરું જ નહીં ને! નવો ઉલ્લાસ પગમાં પુરાયો. પગ જોરથી ઊપડ્યા. ગોઝારે કોઠે પહોંચી ગઈ. તરણેતરને મેળે પહોંચવાની મસ્તી ચડી હતી. બીક હટી ગઈ હતી. બાળકને કોઠાની શિલાઓના પોલાણમાં પધરાવવા અજવાળી પોલાણ શોધતી હતી. એ જ વખતે વીજળીના સળાવા ચાલ્યા. ઉપરાઉપરી સબકારા એકબીજા સાથે સંધાતા ગયા. જ્યોતનો મહાધોધ બંધાઈ ગયો. દિવસ જેવું ઝળાંઝળાં અજવાળું બેથી ત્રણ મિનિટ ટકી રહ્યું. આખા પ્રદેશનું તરણે-તરણું તપાસી લેતી કોઈ વિરાટ આંખ જાણે કે કશુંક ખોવાયેલું શોધતી હતી. ચોરી કરતા ચોરને માથે ઓચિંતી વીજળીની ‘ટૉર્ચ’ ઊઘડી પડી. ચોરી કરતી અજવાળી સ્તબ્ધ બની. વિશ્વના કયા ચોકિયાતે આ ચાંપ દાબી? કોને પકડવા? બાળકને મૂકવાનું પોલાણ હાથ આવી ગયું. મૂકતીકને એ પાછી વળી. કોઈની જોઈ જતી નજરને ખાળવા માટે હાથલા થોરની વાડ્યમાં પેસી જવા એનું મન ધસ્યું. ત્યાં તો વીજળીના સળાવા બંધ પડ્યા. અંધકારે એને લપેટી લીધી. ભરવાડોની ઝોકમાં તાજાં જન્મેલાં મેંઢાંના બેંબેંકાર કાને પડ્યા: જાણે પોતાનું બાળક રડ્યું. કૂણી રાતી કૂંપળો જેવા હાથ, પગ ને નાની નાની આંગળીઓ એનાં નેત્રો સામે તરવરી રહી. શા માટે મેં બાળકને ગોઝારે કોઠે સંઘર્યું? શા માટે એને લઈને હું દુનિયા સામે ખડી ન રહી? લોક મને કરી કરીને શું કરી નાખત? હજુ પાછી વળું ને લઈ આવું. મન ગોઝારે કોઠે ધસ્યું, તેમ તેમ પગ ઘર ભણી ધસ્યા. બાપના ખેતરમાં ડાઘા કૂતરા ડાઉ ડાઉ કરતા હતા; શિયાળવાંની લાળી સંભળાતી હતી. એકાએક બીજે કેડે થઈને આવતું એક ફાનસનું અજવાળું એના મોં પર પડ્યું. મોં છુપાવીને એણે પગલાં ઉપાડ્યાં. ફાનસવાળો કોઈક આદમી ભૂતડી ગામને કેડેથી ચાલ્યો આવતો હતો. અજવાળી પોતાની ખડકીમાં પેઠી, તે આ ફાનસવાળાએ જોયું. ફાનસવાળો આદમી બાજુની જ ખડકીમાં દાખલ થયો. એની ને એની સ્ત્રી વચ્ચે વાત થઈ: “તમને કોઈ મળ્યું’તું તરભેટે?” “હા કોક બાઈ હતી.” “ક્યાં ગઈ?” “મને લાગ્યું કે પડખેની જ ખડકીમાં.” “કોણ, ખબર છે?” “કોણ?” “વાલામૂઈ અંજુડી.” “તને કેમ ખબર પડી?” “આપણે મેડે ચડીને હું ભૂતડીને કેડે તમારી વાટ જોતી’તી. આંઈ તો આપણી ગાયને બરોબર અધરાતે પેટપીડ હેઠી બેસી ગઈ’તી.” “બરોબર અધરાતે ને? હા, બસ ત્યારે તે જ ટાણે ત્યાં ભૂતડીમાં આપા કાંથડ ભગત દોરો મંતરતા’તા. મંતરી લીધો એટલે લઈને હું વળી નીકળ્યો.” “સાંભળો તો ખરા! હું તમારી વાટ જોતી મેડે ઊભી’તી, ત્યાં તો અંજવાળાં ઝોકાર થઈ ગયાં ને મારી નજરોનજર, મારી સગી આંખે મેં જોયું કે કોઈક બાઈમાણસ ગોઝારા કોઠા પાસે ઊભું ઊભું કાંઈક સંતાડી રિયું છે.” “શું હશે? ડેણડાકણ?” “હા, હા. જીવતી ડાકણ, જીવતી! આ ડાકણ્યાં પાડોશીઓની જ પનોતી દીકરી. આવી’તી કમાણી કરીને. કાલ્ય કોઈને મોંય નો’તું દેખાડ્યું. હવે બધી વાતની કડી મળી ગઈ. પોગો ઝટ ફુલેસ પાસે. મને પરમની રાતે સો સો વેણ સંભળાવી ગ્યો’તો! હવે મારો વારો આવ્યો.” “સવાર તો પડવા દે.” “ના. અટાણે જ ઊપડો ગોઝારે કોઠે. સવારમાં જ તપાસ કરો. કોને ખબર છે, શિયાળ-બિયાળ ચૂંથી નાખશે બાળકને.” આ હતી પાડોશણ ખેડુબાઈ કડવી.
પ્રભાતનાં પંખીડાં સોનાવરણા પ્રકાશમાં પાંખો ઝબકોળતાં હતાં ત્યારે અજવાળી હજુ અર્ધ અભાન અવસ્થામાં પડી પડી લવતી હતી. થાકેલું માથું ઊંડા કોઈ પાતાળ-તળિયામાંથી ધીરે ધીરે બહાર આવતું હતું. એને કાને અસ્પષ્ટ શબ્દો અફળાતા હતા. એક પુરુષ પાંગતે ઊભો ઊભો બોલતો હતો: “આના પગમાં લોહીના ટશિયા છે. એ ક્યાં ગઈ હતી? તને ખબર છે, બાઈ?” એ પ્રશ્ન ડૉક્ટરનો હતો. જવાબમાં માનો કંઠ હીબકતો હીબકતો કશીક અસ્પષ્ટ વાણી કાઢતો હતો. અજવાળીના ભેજા પર થઈને જાણે કોઈક ધુમાડાનો ગોટો પસાર થઈ ગયો, અને પછી તેણે સ્પષ્ટપણે એક બીજો સૂર સાંભળ્યો: “કાં ફુઈ, તમારી છોડી કારે ઘરે આવી? મને તો મૂઈને ખબર જ ન’તી.” એ અવાજ પાડોશણનો હતો. એ કંઠમાં ઝેર હતું. “પછી કેમ કરીને ખબર પડી?” અજવાળીની માએ પણ મરડમાં પૂછ્યું. “ઈ તો અબઘડી જ તને કહેનારા અહીં હાજર થશે, ફુઈ મારી! તું ધીરી રે’ને!” એમ કહેતી કહેતી, ડોળા કાઢતી પાડોશણ ચાલી ગઈ. ભાનમાં આવેલી અજવાળીએ આ બોલ પકડ્યા. એના બરડામાં જાણે કોઈએ સોટા ખેંચ્યા. કોઈને ખબર પડી ગઈ હશે? એણે કાન વધુ ઝીણવટથી માંડ્યા: પછવાડે વાડામાંથી એના બાપે એની માને બોલાવી. બાપ માને પૂછતો હતો: “ભાનમાં આવી?” “પૂરી નથી આવી.” “ઠાકર કરે ને ન જ આવે!” “અરે અરે, પટેલ! સમતા રાખ્ય.” “સમતાનાં મીઠાં ફળ મળી ગ્યાં ને?” “શું છે?” “ગોઝારે કોઠેથી એક મુંબીની સાડીનું પોટકું જડ્યું છે ફુલેસને.” “શું?” “બીજું કાંઈ નહીં. એક ગોટો વાળેલી મુંબીની સાડી ને માંઈથી એક નાનકડો હાથ બહાર લબડતો’તો.” “તે શું છે? ગામ કાં ગજવો છો?” “બીજું તો કાંઈ નથી; પણ ઈ નાનકું છોકરું દવાખાને ચિરાઈ રિયું છે, ને ફુલેસનો હવાલદાર ઈ છોકરાની માને મળવા ઘેર ઘેર ગોત કરી રિયો છે.” હોઠ સુધી આવી ગયેલી ચીસને ચગદી નાખવા અજવાળીએ મોં આડે હાથ ચાંપી દીધો. ‘કોઈ નહીં જાણે, કોઈ નહીં જાણે, ચૂપ રહે.’ – એના અંતરની દીવાલ પાછળથી કોઈક કહી રહ્યું હતું. વળતા દિવસે સવારે ખડકી પર કોલાહલ સાંભળીને અજવાળી ઝબકી ઊઠી. કોઈક ઘોઘરો કંઠ બોલતો હતો. ને તેની સામે મા રોષના શબ્દો ચોડતી હતી: “ઈ મને કશી ખબર નથી. મારી છોકરી ત્રણ દીથી આવી છે; આવી ત્યારથી ખાટલામાં પડી છે. ખડકી બા’ર એણે પગ મૂક્યો જ નથી.” “બધા ગુનેગારો એમ જ બોલે.” ઘોઘરો અવાજ ઠંડે કલેજે બોલતો હતો. એ અવાજ પોલીસ-હવાલદાર કાંથડનો હતો. ભીંત બાજુ મોં રાખીને સૂતેલી અજવાળીએ થોડી વાર બાદ ઓરડીમાં ભારે બૂટવાળા ઘણા પગના ધડબડાટ સાંભળ્યા. એક આદમી એના ખાટલા માથે નમ્યો. એની દમલેલ છાતીની હાંફણ અજવાળીને સંભળાતી હતી. એ હતો હવાલદાર કાંથડ. “આ શું છે?” એમ કહીને હવાલદારે એક કપડાનો ટુકડો ઓરડાના એક ખૂણામાંથી ઉપાડ્યો: “આ અમારે લઈ જવો પડશે.”