અપરાધી/૨૭. બાળક રડ્યું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૭. બાળક રડ્યું

“મા,” અજવાળીએ કહ્યું ત્યારે એના મોં પર અંધારાં જંગલો છવાયાં, “લે હું જ ચાલી જાઉં. ફોગટનો ઘરમાં કળો (કલહ) ગરશે.” “ના રે માડી, નથી જાવું. ઘર એના બાપનું નથી, મારા બાપનું છે. કાયદાનો ડર દેખાડનાર કોણ છે? પેટની દીકરીને ઘરમાંથી કઢાવી મૂકે એવો વળી કિયો કાયદો છે? સળગાવી મૂકેને એના કાયદા! મા-દીકરીના સંબંધ કરતાં કાયદો વધુ બળૂકો? હાલ બેટા, હાલ ખડની ઓરડીમાં.” અરધા ભાગમાં ઘાસ, અને અરધો ભાગ ખાલી: ખડકીની ડાબી બાજુએ ઓરડો હતો. ત્યાં ખાલી ભાગમાં માએ પુત્રીને ખાટલો પાથરી ઉપર બે ગાભા ગોદડાંના પાથરી દીધા. ગોદડાં નીચે જૂનું લીલવણી ચરાઉ ઘાસ નાખીને બિછાનું પોચું પોલદાર અને ઊંચું બનાવ્યું. બનાવતાં બનાવતાં માના મોંમાંથી કોઈ કોઈ વાર બબડાટ નીકળતો હતો: “કાયદો! માના હૈયાથીયે ઉપરવટ જાનારો કાયદો ક્યાંય થતો હશે? લે બાપ, સૂઈ જા! હું તારી પાસે બેસું?” “ના મા, તું જાતી રે’, મને સૂવા દે. મારે નીંદર કરવી છે.” એટલું કહેતી કહેતી અજવાળી ખાટલાની ઈસને જોર કરીને બાઝી રહી – માએ જોયું ને પૂછ્યું: “દાગતરને બોલાવી લાવું, હેં ગગી?” “ના, મા, મટી જશે. તું જા.” “ઠીક માડી. બારણું અમથું જ દઈ વાળું છું હો! તારો બાપ પાછો ફરશે ને, તયેં મારી જરૂર હોય તો એને કહીને મને બોલાવજે હો, બીશ મા... ઈ બાપડા જીવને પેટમાં કાંઈ પાપ થોડું છે?” “તું – તું ઊઠીને આમ બોલી રહી છો, માડી? – આનું સારું બોલી શકછ તું, મા? આ રાખસનું!” “બોલીશ મા બેટા, આપણી તો અસ્ત્રીની જાત. અસ્ત્રીનું હૈયું જ એવું ઘડ્યું છે ને, બાઈ! અભાગિયો જીવ કઠણ થઈ થઈને તે કેટલોક થાય? મનમાં કાંઈ ન આણવું બાઈ!” આટલું બોલીને મા ગઈ. એના ગયા સુધી મહામહેનતે દબાવી રાખેલી વેણ્ય અજવાળીના કાબૂમાંથી છૂટીને એની કમર પર ચડી બેઠી. એણે ઊઠીને ખાટલાના પાયા પકડી લીધા. કોઈ આત્મસ્ફુરિત સાનથી એણે જોશ કરવા માંડ્યું. એણે જોરથી દાંત પીસી લીધા. એના હોઠ દબાઈ ગયા. અને થોડી વાર પછી એને જ્યારે ભાન થયું ત્યારે એના હાથમાં કશોક સુંવાળો સુંવાળો સ્પર્શ ગલીપચી મચાવતો હતો. એણે અંધારે અંધારે હાથ પસવાર્યો. રાત્રિનો વરસાદ રહી ગયો હતો છતાં, બંધ પડેલા તંબૂરાના બાકી રહેલા ઝણકારા જેવાં નેવલાં ટપાક ટપાક ચૂતાં હતાં. ચૂતાં નેવાંનું હરએક ટીપું પાણીના ખાબોચિયામાં, નાના બાળકના બોલ જેવું, પડતું હતું. ભરવાડોની ઝોકમાં તાજાં વિયાયેલાં મેંઢાં દયામણી બૂમો પાડતાં હતાં. તાજા મેઘે ઝબકોળાયેલી ધરતી દેશાવરેથી વળેલા પિયુના દેહસ્પર્શે જાણે કે પ્રથમ વારની દેહ-ફોરમ ફોરાવતી હતી. અંધારાની અંદર એ સ્વરો તેમ જ એ સુગંધ જાણે કે આકાર ધારણ કરીને નજરોનજર દેખાતાં હતાં. એવી સૃષ્ટિ વચ્ચે અંજુના હાથમાં પૂરા બાળકનો સ્પર્શ જડ્યો. અજવાળીના હાથને આંખો ફૂટી. પોતાની ને બાળકની વચ્ચે એણે એક રસી બંધાયેલી દીઠી. એ હતું નાળ. કુદરતી કોઈ સંજ્ઞા થઈ. અજવાળીએ દાંતથી પકડીને નાળ કાપી નાખ્યું. બાળકને એ બચીઓ ભરવા લાગી. બાળકે પહેલી ચીસ પાડી. અજવાળીના કાને અણસુણ્યું સંગીત સુણ્યું. એણે બાળકને પોતાના સ્તને લગાવી લીધું. પછી એ ધાવતા બાળકના માથા પર અને દેહ પર માનો હાથ ફર્યો. ખડકીનું બારણું ખખડ્યું. ઊઘડેલું બારણું પાછું ધબાધબ અવાજે બિડાયું. પરસાળ પર ઓખાઈ જોડાના ને કડિયાળી ડાંગના ધબકારા બોલ્યા. અને એ જ વખતે બાળક રડ્યું. બાળકના રડતા મોં પર અજવાળીનો હાથ આપોઆપ ચંપાયો. થોડી વાર! થોડી જ વાર! મારો બાપ આવે છે. આ બારણા પાસે થઈને નીકળ્યો. આ એના જોડા ચૂપ થયા. મારા બારણા સામે થંભ્યો જણાય છે. કાન માંડીને બાતમી લેતો જણાય છે. થોડી વાર: ઘડીભર ચૂપ-ચૂપ-ચૂપ-ચૂપ: હાથ વધુ ને વધુ ચંપાતો ગયો. બાળકનું મો ચૂપ રહી ગયું. એક ચીંકાર પણ ન નીકળ્યો. બાપનાં રાઠોડી પગરખાં ફરી વાર ઊપડ્યાં. ડાંગના ધબકારા ફરી એક વાર ચાલુ થયા. અજવાળીએ કેટલો આનંદ અનુભવ્યો! થોડી વાર: હવે તો જરીક જ વાર: બાપ અંદરના ઓરડામાં પહોંચી ગયો છે. ડાહ્યુંડમરું બનીને બાળક ચૂપ રહ્યું છે. હવે બોલો! બોલો બાળા! હવે તો એ શત્રુના કાન સાંભળી શકશે નહીં, ફરી વાર વરસાદ ચાલુ થયો છે. બાળકના રુદનમાં ભરેલું સંગીત સાંભળવા મા આતુર બની છે. એણે પોતાનો હાથ બાળકના મોં પરથી ઉઠાવી લીધો. બાળક રડ્યું નહીં. એણે બાળકને હલાવ્યું, હડબડાવ્યું. બાળકના શરીરે જરાય હુંકારો આપ્યો નહીં. એણે પોતાનો હાથ બાળકના શ્વાસોચ્છ્વાસની હવા પરખવા માટે ઊંધો ધર્યો. શ્વાસ ત્યાંથી નીકળ્યો નહીં. બાળકનું નાનું શરીર ટાઢુંબોળ પડી ગયું હતું. એક જ ઘડીના હાહાકાર પછી બાળકની માના મનમાં આનંદનો ઉછાળો આવ્યો. સારું થયું. પ્રભાતે આ કલંક લઈને હું ક્યાં જાત? ઊગરી ગઈ. હવે આને ઠેકાણે પાડી દઉં. એક વાર, બે વાર, ક્ષણવાર અજવાળીએ ખાટલેથી ઊઠવા કોશિશ કરી, પટકાઈ પટકાઈને પાછી પડી. શરીરમાંથી રક્ત ગયું હતું. ઠંડો પવન વાતો હતો. તાકાત હારેલીને પથારીમાં જ પડ્યા રહેવું નિર્માયું. ઘડી વાર પર બોલતા ને હાથપગ હલાવતા બાળકને એણે લોચાની પેઠે પકડ્યું. પોતાની પથારી હેઠળ ઘાસના પોલમાં ઘાલી દીધું. બાળકના શબ પર એને થોડી વાર ઊંઘ આવી ગઈ. એની આંખો ઊઘડી ત્યારે પરોઢ પડ્યું. શેરીએ શેરીએથી વાવણિયાં ચાલ્યાં જતાં હોવાના અવાજો ઊઠતા હતા. માળે માળેથી પંખીડાં ઊડતાં હતાં. પ્રભાતના એકાદ-બે પૂળા નીરણ માટે ગાય ફરડકારા બોલાવીને ઉઘરાણી કરી રહી હતી. ગાયને નીરણ કરવા ઊઠેલી મા અજવાળીને ઓરડે ગઈ; પૂછ્યું: “કેમ છે, બચા?” “હવે ઠીક થઈ ગયું, મા, હવે જરીકે પીડા થતી નથી. ઈ તો મને પેચુટીનો દુખાવો હશે – બાકી કાંઈ નો’તું.” પોતે પ્રસૂતિની અવસ્થાને છુપાવી રાખવા જોર કરીને ખાટલામાં બેઠી થઈ. માએ એના બરડામાં હાથ મૂક્યો. એ હાથ ફરતો હતો ત્યારે અજવાળીને પણ યાદ આવતું હતું કે હજુ થોડી જ વાર પર પોતેય આવા સ્પર્શનું સુખ લીધું હતું. “લે બેટા,” માએ કહ્યું, “થોડી વાર ઊઠ, ઊભી થા, તો હું તારો ખાટલો ખંખેરી દઉં. લે ખડ સરખું કરી દઉં.” “ના, મા, આમ જ ઠીક છે. મને નીંદર આવે છે. સૂવા દે. તું તારે જા, તારું કામ કર.” ભયભીત અજવાળીએ માને માંડ માંડ કરીને વળાવી દીધી ને પછી પોતે વિચારમાં પડી. આખો દિવસ તો અહીં સૂતે સૂતે જ ખેંચી નાખવો પડશે. વળતી રાત આવવા દે. ત્યાં સુધીમાં વિસામો પણ જડી રહેશે. રાતે હું આને ઠેકાણાસર કરી નાખીશ. ને પછી હું છૂટી! છૂટી! છૂટી! પછી પાછી હું મુંબઈ ચાલી જઈશ... ના, પછી તો હું માની જોડે રહીશ. ના, ના, શિવરાજસા’બ ક્યાંક મને ભાળી જશે તો શરમિંદા બનશે. કોને ખબર, મને ક્યાંક કઢાવી મૂકશે. માટે આંહીં નથી રહેવું. મુંબઈ ચાલી જઈશ ને ત્યાં પરણી લઈશ. પછી મારે માથે કશુંય કલંક નહીં હોય ખરુંને, એટલે મને પરણવાવાળો તો કોઈક સારો જુવાનડો જ મળી જશે. મજા થઈ. બસ, હવે દિવસ પૂરો થાય એટલી જ વાર છે. ઊઠવું જ નથી, ઊંઘવાનો જ ડોળ કરી છાનીમાની પડી રહીશ. આખો દિવસ પડોશમાં ચણભણાટો થતા રહ્યા: ઓલી સાંઢડો પાછી આવી લાગે છે: ક્યાંથી ફાટી નીકળી? કોણ મેલી ગયું? ઘરમાં કેમ ગરી રહી છે? બાપે મારપીટ કરી લાગે છે. બીજું તો કશું નથી ને? સરત રાખજો સૌ! શીરાની સુગંધ લેવા તૈયાર રે’જો સૌ બાઈયું! એનો બાપ જ બૂમબરાડા પાડતો નીકળ્યો’તો ને! કે મારા પેટની છોકરી હોય તો ભોંમાં જ ભંડારી દઉં: કાયદો મારા લાભનો છે. વકીલને પૂછીને ખાતરી કરી લીધી છે. બાયડીનું તમામ ધન, તમામ સ્થાવર-જંગમ મિલકત પરણ્યા પછી ધણીની જ ઠરે છે. મને શેની ડર દેખાડે છે? માને ને છોકરીને બેયને ઢીંઢાંમાં ધોકલા મારીને કાઢી મૂકી શકું છું. હું પરણ્યો પુરુષ છું, ખબર છે? આવી આવી લોકવાણી આડોશીપાડોશીઓને એકઠા થવાનું બહાનું આપી રહી હતી. છ-છ મહિનાના અબોલા રાખી બેઠેલાં પાડેશીઓ પણ આ અંજુડીની વાત ઉપર પાછા કોઈ ન જાણે તેવી આસાનીથી મનાઈ ગયાં ને પછી તો સાંબેલું, ધોકો અથવા ઢેખાળો લેવાને મસે સૌ પાડોશણો અંજુડીની મા પાસે જઈ આવી. “અંજુડી ઊંઘી ગઈ છે.” એવો જવાબ મેળવીને પ્રત્યેક પાડોશણ પાછી ફરી. આખો દિવસ વરાપ રહ્યો. કૂણી કૂણી કૂંપળો જેવો તડકો નીકળ્યો. સૃષ્ટિના અણુએ અણુએ માર્દવ ભરાયું. પણ અજવાળીએ મૃદુ ભાવોના ધૂપછાંયાને દિલમાં દાખલ થવા ન દીધા. એ ચોરની મનોદશામાં પડી રહી. બાળક એને પોતાને જાણીબૂજીને ન મારવું પડ્યું, ભાગ્યના સંકેતથી જ એ મરી ગયું. બાપ પણ બરોબર ટાણાસર ઘરમાં દાખલ થયો. બાપને કાને બાળકની વાત છતી ન થઈ જાય એ બીકે જ મારાથી મોં માથે હાથ દેવાઈ ગયો! બીજું શું થાય? આવા આવા ટેકા મૂકીને મનને રાત સુધી ખેંચ્યું. અંધારે અંધારે ઘેરઘેર દોવાતી ગાયો-ભેંસોના દૂધની શેડ્યો પીતળની તાંબડીમાં રણકારા કરતી હતી. પડી પડી અજવાળી જાણે એ દોવાતાં પશુઓની પાસે ઊભેલાં નાનાં પાડરુ-વાછરુનાં ભૂખ્યાં મોઢાં નિહાળતી હતી. અને એનું પોતાનું બાળક એની પથારીના બોજા તળે ચેપાઈને પડ્યું હતું. ‘કાંઈ ફિકર નહીં. ઈશ્વરની એ મરજી હશે. હું છૂટી ગઈ.’ – એ અવાજે બીજા સૂરોને દબાવી દીધા. રાત પડી. દીવા થયા. રાતનો પહેલો પ્રહર ગયો. દીવા લાગ્યા બુઝાવા. શેરીઓ સૂનકાર થવા માંડી. બાપ પણ પાછો આવીને સૂતો. માની આંખ પણ મળી ગઈ. તે વખતે અજવાળી ઊઠી. પથારી હેઠળથી મૂએલું બાળક બહાર કાઢ્યું. એને પોતાની સાડીમાં લપેટ્યું. ઓચિંતો એનો હાથ સાડીના એક ખૂણા પર ગયો. કાંઈક બરછટ લાગ્યું. પોતે સમજી ગઈ: એ તો મુંબઈ મહિલાશ્રમવાળી સાડી: છેડે નામ ‘અજવાળી’ ચોડેલું હતું. કોઈક ઓળખી પાડે તો? ખૂણો ફાડીને કટકો ત્યાં નાખી દીધો. ને પછી પોતે જોડા પણ પહેર્યા વિના બહાર નીકળી. તે વખતે રાતનો એક વાગ્યો હશે. બે ખેતરવા દૂર એક ધાર હતી. ધારના પેટાળમાં એક કોઠો હતો. કોઠામાં પાંચેક વરસ પર એક વાઘરણે આપઘાત કર્યો હતો. કોઠાનું નામ ‘ગોઝારો’ પડ્યું હતું. દિવસે પણ કોઈ તે તરફ જતું નહીં. રાતવેળાએ તો ‘ગોઝારે કોઠે’ જઈને એક ખીલી ખોડી આવવાની શરતો મારતા ભલભલા જુવાનોનાં પણ કલેજાં થડકારા કરી ઊઠતાં. અજવાળી ચાલી ‘ગોઝારા કોઠા’ ભણી. પગ તળે ભીની ધરતી હતી. પવનની ટાઢી-બોળ ફૂંકો એના હાડકાંના આખા માળખાને ડખડખાવતી હતી.