અપરાધી/૪૨. થાણદાર લહાવો લે છે

From Ekatra Wiki
Revision as of 12:40, 27 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨. થાણદાર લહાવો લે છે| }} {{Poem2Open}} “ચાળીસ વર્ષોથી શું અમે ગધાવૈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૨. થાણદાર લહાવો લે છે

“ચાળીસ વર્ષોથી શું અમે ગધાવૈતરું કરીએ છયેં!” એવો ધોખો ધરનાર થાણદારની ઇન્ચાર્જ ફર્સ્ટ કલાસ મૅજિસ્ટ્રેટ તરીકેની અદાલત દસ વાગ્યાથી ઠાંસોઠાંસ હતી અને ત્યાં બેઠેલા વકીલમિત્રોના વાર્તાલાપમાં તો હજુય એ જ વિસ્મય રમી રહ્યું હતું કે આ શિવરાજમાં શું મતા બળી’તી! એનામાં લોકો શું જોઈ ગયા’તા! દરેક વકીલ એમ જ કહેતો હતો કે, મને તો આ દાળમાં પહેલેથી જ કાળું લાગતું હતું. મુકદ્દમાની હાકલ પડી. બે પહેરેગીરોની ચોકી હેઠળ શિવરાજ દાખલ થયો, પીંજરામાં જઈ ઊભો રહ્યો. એના ગાલમાં ખાડા હતા, એની આંખોમાં અણપડ્યાં અશ્રુજળનો જાણે મોટો સંઘરો જમા થયો હતો. એક જ કદમે એણે જાણે કે જોબનમાંથી જઈફીમાં પ્રવેશ કર્યો હતો. પણ દુ:ખ એ તો પરમ શિલ્પીનું ટાંકણું છે. એનું કોતરકામ જ્યાં જ્યાં થાય છે ત્યાં ત્યાં સૌંદર્ય સરજાય છે. વિપત્તિ માનવીને ચોક્કસ પ્રકારનું ગૌરવ પહેરાવે છે. પહેરેગીરો પાછળથી વાતો કરતા હતા કે, “મરદ દેખાતો હતો, હો ભાઈ! માટીને મોંએ ભારી રૂડપ ખીલી ઊઠી’તી, મારી જુવાનીના સમ!” એ તો હતા પોલીસના વિચારો. ત્યારે પ્રેક્ષકોને તો શિવરાજની સમતા ચોખ્ખી નિષ્ઠુરતા, હૃદયહીન નફટાઈ જ ભાસતી હતી. “શી નિર્લજ્જતા છે આ બદમાશની! લાજતો નથી ને ગાજે છે! જેટલો બહાર છે એટલો જ ભોંમાં સમજવો હો, ભાઈ!” “એનો બાપ તો કોક પરદેશી હતો ને?” “કોણ જાણે હતો કોક કિરસ્તાન જેવો: ને પાછી ઘરમાં બેસારી’તી કોક વંઠેલને! હંઅ! થાણદારસાહેબ જ કહેતા’તા ને!” “આરોપી, તારે શું કહેવાનું છે? તું ગુનેગાર છે કે બિનગુનેગાર?” થાણદારસાહેબે મુકદ્દમાનો પ્રારંભ કર્યો. “ભાયડો! ખરો ભાયડો આ થાણદાર, હો ભાઈ! જાટલિમેનનીય રાખે તેવો નથી, જોયુંના, તુંકારે બોલાવ્યો આને.” “ગુનેગાર છું,” શિવરાજનો અવાજ સ્વચ્છ હતો. “તારી સાથે કોઈ બીજું શામિલ હતું?” “ના.” “હં હં! ને આ ગુનો કરવામાં તારો શો ઇરાદો હતો?” લોકોના શ્વાસ ઊંચા થયા. સૌના કાને એકાગ્રતા સાધી. “મેં—” શિવરાજે ધીમા અવાજે, નીચી નજરે જવાબ દીધો, “મેં એ બાઈને ફસાવી હતી, ને તેથી કરીને એના ગુનાનું પ્રથમ કારણ હું બન્યો હતો.” અહહ! લોકોના શ્વાસ ઊંચે ચડી ગયા: ધરતીમાં સમાઈ કેમ નથી જતો પાપિયો! “વા... આ... રુ! તો હું પૂછું છું કે આ એકરાર કરવામાં તારો શો ઇરાદો છે?” “એક નિર્દોષ ઓરત મારા અપરાધનો ભોગ બનતી હતી તે મારાથી ન સહેવાયું.” “બસ, એ એક જ સબબ હતો?” થોડી વાર થંભીને શિવરાજે ધીમે સ્વરે જવાબ વાળ્યો: “એ સવાલનો જવાબ હું ઈશ્વરના દરબારમાં આપીશ.” “વા... આ... રુ! ખાસ્સી વાત!” એમ લાંબે લહેકે બોલી મૅજિસ્ટ્રેટસાહેબે શ્રોતાજનોમાં હાસ્યની એક લહરી પાથરી દીધી. પબ્લિક પ્રોસિક્યૂટર ઊભા થયા. ગઈ કાલ સુધીનો એ જમાનાનો ખાધેલ આદમી પ્રત્યેક મુકદ્દમો ચલાવતી વખતે ખોંખારો ખાનારો, થોડી વાર આગળ અદબ તો થોડી વાર પીઠ પર અદબ વાળનારો, ખુરશી પર પગ મૂકીને આરોપીઓની સામે આંખો, નાક, હડપચી, હાથ વગેરેની કંઈક કરડી, કુટિલ અને વક્રચેષ્ટાઓ કરનારો આ પચાસ વર્ષનો પાવરધો પ્રોસિક્યૂટર અત્યારે પીળો પડી ગયો હતો. એની ઊભા રહેવાની આગલી છટા ચાલી ગઈ હતી. એણે અદબ જોડી નહીં. એના હાથ ખભામાંથી લબડી રહ્યા હોય તેવા ચેતનહીન હતા. એણે મુકદ્દમાની હકીકતની ‘સમરી’ આપવાનું શરૂ કર્યું ત્યારથી માંડી સમાપ્તિ સુધી એની નજર એક પણ વખત પીંજરા તરફ ગઈ નહોતી. ને જેમ જેમ એ બોલતો ગયો તેમ તેમ વકીલો એકબીજાની સામે વિસ્મયની ચેષ્ટાઓ કરતા રહ્યા: વાહ! પ્રોસિક્યૂટર છે કે બચાવના વકીલ છે? નવી નવાઈનું પ્રોસિક્યૂશન માંડ્યું આ તો! વાહ! આ તે કાંઈ ચાલી શકે? આમ કેમ ચલાવી લે છે કોર્ટ? આ માણસને કોઈ બેસારી દો બેસારી! કાયદો-બાયદો ઘેર ભૂલીને આવ્યો લાગે છે ડોસો, વગેરે. “નામદાર કોર્ટ,” પબ્લિક પ્રોસિક્યૂટરનો અવાજ કંપાયમાન હતો. “આવી ઊંચી ઇન્સાફની પાયરી પર બેઠેલો આદમી આ પ્રકારનો ગુનો કરે તે તો કલ્પનામાં પણ ન ઊતરી શકે તેવું છે. પરંતુ એની પોતાની ચોખ્ખી કબૂલાત, અને આપણે જે બીના બનેલી જાણીએ છીએ તે બેઉના અંકોડા જોડીએ એટલે ચોખ્ખું લાગે છે કે એણે જૂઠ નથી કહ્યું. એ ગુનેગાર હોઈને એ ઇંડિયન પીનલ કોડની કલમ ૨૨૨ હેઠળ નસિયતને પાત્ર ઠરે છે એ પણ નિ:સંશય છે.” “હા, હા,” થાણદાર પગ ઉપર પગ ચડાવીને ડોકું ધુણાવતા બેઠા છે. ચશ્માં એણે આંખો ઉપરથી કપાળે ચડાવ્યાં છે એથી એમને ચાર આંખો હોવાનો ભાસ થાય છે. કપાળ પરથી ચશ્માંને પાછાં આંખો પર ઉતારી એ શિવરાજ સામે તાકે છે, ત્યારે એના હોઠ લાંબા થાય છે. “પ-રં-તુ,” બુઢ્ઢા પબ્લિક પ્રોસિક્યૂટરે ‘પ’ ‘રં’ અને ‘તુ’ એ ત્રણેય અક્ષરો પર ભાર દેતે દેતે પોતાની આંખોમાં ભેગી થયેલી ભીનાશ લૂછી. “પરંતુ નામદાર ‘ક્રાઉન’ હંમેશાં ઇન્સાફને ચાહે છે, વેરની વસૂલાત સરકાર નથી ચાહતી, કોર્ટનું કામ કિન્નો લેવાનું નથી. નામદાર કોર્ટને યાદ હશે કે આરોપીએ પોતાની જાતે જ એકરાર કરેલ છે; ને ખસૂસ કરીને તો યાદ રાખવું જોઈએ કે જો આ સ્વૈચ્છિક એકરાર આરોપીએ ન કર્યો હોત તો ગુનાની લવલેશ ખબર સરકારને પડવાની નહોતી. અને પોતે કલંકિત કરેલા ઇન્સાફનું નિવારણ કરવાની પોતાની એકની એક સત્તાનો ઉપયોગ કરનાર આ પુરુષના પ્રતાપી દર્શનથી નામદાર કોર્ટનું હૃદય દ્રવી ઊઠશે, આ મહાન સ્વાર્પણની એ કદર કરશે, એની મને શંકા નથી.” સાંભળીને પ્રેક્ષકોમાં ઉધરસ, છીંકો, ખોંખારા, કચવાટ અને વિરોધના ચેષ્ટાસ્વરો ઊઠ્યા. એક વકીલે બીજાને, પ્રોસિક્યૂટરની પીઠ પછવાડે જ, કહ્યું કે, “શું બાફે છે આ બેવકૂફ!” એ પીઠ પાછળના અવાજની પરવા કર્યા વગર પ્રોસિક્યૂટરે આગળ ચલાવ્યું. એના હાથ હલતા નહોતા. “નામદાર કોર્ટનું બીજું પણ ધ્યાન ગયું હશે કે આરોપીએ પોતાના ગુનાના કારણની પણ કબૂલાત કરી નાખી છે. અગર જો આરોપી બદમાશ હોત તો એટલું તો પોતે છુપાવી શકત. પ-રં-તુ આરોપીએ પોતાની આબરૂ કરતાં, બલકે જિંદગી કરતાં પણ, પોતાના આત્માને વધુ કીમતી ગણ્યો છે.” “ઓહો!” મૅજિસ્ટ્રેટે પાછાં ચશ્માં કપાળેથી આંખો પર ઉતારી શિવરાજ સામે હોઠ લંબાવ્યા. “વળી નામદાર કોર્ટ જોઈ શકશે કે પોતાને બદલે એક નિર્દોષ કુટાઈ જતું હતું તે ન સહેવાયાથી જ આરોપીએ ઇન્સાફના હાથમાં પોતાની જાત સોંપી દીધી... “ને છેવટે નામદાર કોર્ટ ગુનેગારની જુવાન અવસ્થાનો, તેજવાન બુદ્ધિબળનો, આશા આપતી કારકિર્દીનો અને એના પૂજ્ય પિતાની પવિત્ર યાદનો વિચાર કરીને ઈ. પી. કો. કલમ ૨૨૩ હેઠળ નામની જ સજા કરશે તો સરકારને સંતોષ મળશે. ‘ક્રાઉન’ તરફથી હું આટલી જ અરજ કરું છું.” “વાહ ભૈ!” મૅજિસ્ટ્રેટે ધીરે સ્વરે કટાક્ષ કર્યો, પણ પ્રેક્ષકોમાં એ સંભળાયો ને ઝિલાયો. “વાહ ભૈ! વાહ ભૈ!” એવા પડછંદા છેક સામા બારણા સુધી ગુંજી ઊઠ્યા. “પ-રં-તુ—” ફરી પાછા પબ્લિક પ્રોસિક્યૂટર બોલ્યા, “નામદાર કોર્ટ ચાહે તેવી સજા કરેને, આરોપીએ પોતે જ પોતાના માથે જે સજા વહોરી લીધી છે તેની પાસે નામદાર કોર્ટની કોઈ સજા વિસાતમાં નહીં હોય. એજન્સીની આજ સુધીની તવારીખમાં આવી અધોગતિનો કોઈ કિસ્સો નથી. તેમ અંધારી રાતે કાળી શલ્યાનું રૂપ પામીને હજારો વર્ષો સુધી રામાવતારની વાટ જોનાર દેવી અહલ્યાની પછી આવા ઘોર પ્રાયશ્ચિત્તનો પણ કોઈ દાખલો નથી.” ‘સમરી’ ખતમ કરીને પબ્લિક પ્રોસિક્યૂટર હેઠા બેઠા. હસતા પ્રેક્ષકવૃંદ પર એ પ્રૌઢ માણસની કંપાયમાન વાગ્ધારાનો ને છેવટે અહલ્યાના પ્રાયશ્ચિત્તના દૃષ્ટાંતનો ગંભીર પ્રભાવ પડ્યો હતો. પણ ફર્સ્ટ કલાસ મૅજિસ્ટ્રેટની પદવીનો એકબે દિવસનો લહાવો લેતા થાણદારની તેજોદ્વેષી લાલસા ઊલટાની વધુ પ્રજ્વલિત બની હતી. એણે આંખો પર ચશ્માં બેસતાં કરીને કહ્યું: “આ લાંબીચોડી વાતોનો ભાવાર્થ તો એ જ છે ને, કે હરકોઈ શખસ એકીસાથે ને એકીસમયે ગુનેગાર પણ હોય ને બિનગુનેગાર પણ હોય! હ-હ-હ.” એ જરાક હસ્યા. લોક-ટોળાની અંદર પડેલી હિચકારી મનોવૃત્તિને હડકાઈ બનાવવા માટે એવું ક્રૂર કુટિલ હાસ્ય બસ થઈ પડ્યું. મૅજિસ્ટ્રેટે મેજ પર પોતાના હાથને આંકડા ભીડીને ગોઠવ્યા, અને પછી સહેજ ઢળીને શિવરાજને કહ્યું: “આરોપી, ઊભો થા!” એને ભાન નહોતું કે શિવરાજ ખડે પગે જ પીંજરામાં રાહ જોતો હતો. એને માટે ખુરશી મુકાવવાની સભ્યતા ન્યાયાધિકારીએ બતાવી નહોતી. એણે છૂટા હાથની અદબ ભીડીને મૅજિસ્ટ્રેટ સામે પ્રશાંત નજર તાકી. “તારા બચાવમાં તારે કાંઈ કહેવાનું છે?” “કશું નહીં.” થોડી પળો એકલા એકલા હસી લેવાની મજા કર્યા પછી મૅજિસ્ટ્રેટે કહ્યું: “આરોપી! એક જુવાન ઓરતને પ્રથમ શિયળભ્રષ્ટ કરીને, પછી એનો ત્યાગ કરીને અને છેવટે એને શિરે ગંભીર તહોમત તોળાતું હતું તે વેળાએ એને તારી સત્તાની રૂએ નસાડવાનો ગુનો તેં કબૂલ કર્યો છે, ખરું?” “હા જી.” “આરોપી!” મૅજિસ્ટ્રેટે આગળ ચલાવ્યું, “આંહીં એવું કહેવામાં આવ્યું છે કે તેં રાજીખુશીથી પોતાની મેળે એકરાર કર્યો છે. અજબ વાત છે કે તહોમતદારણ પરનો આરોપ પુરવાર કરવાની ફરજ જેની હતી તે ખુદ સરકારી નોકરે જ આ તારા બચાવમાં કહેલી વાત છે. બિલકુલ જૂઠ છે એ વાત. તેં એકરાર કર્યો, તે તો તારા પર કાયદાની તલવાર તોળાઈ ચૂકી હતી તે ટાણે; તારું પાપ પ્રગટ થઈ જવાની તૈયારીમાં હતું તે ઘડીએ!” “શાબાશ!” પ્રેક્ષકોમાં ધ્વનિ ઊઠતો હતો. “આંહીં એમ પણ બતાવવામાં આવ્યું છે કે તારા આ ગુપ્ત પાપનો એકરાર તારા આત્માની ઊંચી ગતિ દર્શાવે છે. આ તારા કહેવાતા આત્માને પોતાની આજની કહેવાતી ઉચ્ચ ગતિ તો ત્યારે સૂઝવી જોઈતી હતી, જ્યારે તું તારો પોતાનો જ ભોગ બનેલી સ્ત્રી પર ઇન્સાફ તોળવા બેઠો હતો. તારા એ ઇરાદાપૂર્વકના અપરાધનો તો ઇન્સાફની તવારીખમાં કોઈ જોટો નથી જડતો. “છેવટમાં એવી દલીલ કરવામાં આવી છે કે તારો ઊંચો દરજ્જો અને તારા કુટુંબની ખાનદાની ધ્યાનમાં લઈને તને ઓછી સજા કરવી. એથી ઊલટું, અમે માનીએ છીએ કે, આ બંને કારણો જોતાં, તારી સજા વધવી જોઈએ. તેં તારા કુટુંબને અને દરજ્જાને ભયાનક કલંક ચડાવ્યું છે!” “આહાહા!” પ્રેક્ષકોનાં હૈયાં બોલી રહ્યાં. “તારો ગુનો સ્પષ્ટ છે. એનો અંશ માત્ર બચાવ ન હોઈ શકે. તેં તારા નામને, ધંધાને, આખી એજન્સીને, અને નામદાર બ્રિટિશ સરકારને બટ્ટો બેસાડ્યો છે. “તારો ગુનો એક તહોમતદારણને ઇરાદાપૂર્વક નસાડનાર જાહેર નોકરનો કલમ ૩૨૧ મુજબનો છે. મજકૂર તહોમતદારણનો ગુનો કલમ ૨૧૫ મુજબનો બાળહત્યાનો હતો. એ આરોપસર એને ૧૦ વર્ષની સજા થઈ શકી હોત. એ ન્યાયે તને હું ઇ. પી. કો. ક. ૩૨૧ મુજબ કાયદાએ વધુમાં વધુ ફરમાવેલી ત્રણ વરસની સખત મજૂરીની કેદ ફરમાવું છું.” શિવરાજે શિર નમાવીને સજા માથે ચડાવી લીધી. મૅજિસ્ટ્રેટ પોતાનાં ચશ્માં ઉતારીને ઝડપથી ચૅમ્બરના દ્વારમાં પેસી ગયા.