અપરાધી/૪૧. મારું સ્થાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૧. મારું સ્થાન

પંડિતસાહેબ રાજકોટ પહોંચ્યા ત્યારે અરધી રાત વીતી ગઈ હતી. સરસ્વતી જાગતી હતી. એની ઓરડીમાં આસમાની રંગનો દીવો શીતળ પ્રકાશે બળતો હતો. સરસ્વતી બહાર આવી. મોટરમાંથી પિતાજી સાથે કોઈક નીકળશે એવી એના અંતરમાં મીઠી ધાસ્તી હતી. રાજકોટમાં ફેલાઈ ગયેલા તાર-સમાચારથી એ વાકેફ હતી. પિતાજી શિવરાજને મનાવીને ઘેર તેડી લાવશે એ એને આશા હતી ને ફાળ હતી. બાપુને એકલા ઊતરેલા જોઈને એનું મન રાહત પામ્યું, ડર પણ પામ્યું. બોલ્યાચાલ્યા વિના બાપુ પોતાના ખંડમાં ગયા. સરસ્વતી પાણીનું નિમિત્ત કાઢીને બાપુ પાસે ગઈ. પંડિતસાહેબના મોં પર ગુસ્સાની થેથર હતી. સરસ્વતી સાડીને માથા પર ખેંચીને ઊભી રહી. “બડો હરામી! બડો ભયંકર!” “શું છે, બાપુજી?” “એ કુકર્મીને બચાવવા મેં થોડી મહેનત કરી છે? આખરે એના પાપે જ એને પૂરો કર્યો. ઠીક થયું.” “વાત સાચી, બાપુજી?” “હા બસ, ન જ માન્યો; જવા દે જહન્નમની ખાડમાં.” “પણ થયું શું?” “બસ, સતવાદી હરિશ્ચંદ્ર બની ગયો! તું સાચું કહેતી હતી, બેટા! હું નાહકનો એની પાછળ ખુવાર મળતો હતો. તેં એને ધક્કો મારી દીધો એ જ ઠીક થયું.” બાપે આખી વાત દીકરીને કહી સંભળાવી. સરસ્વતીની આંખોમાં પ્રથમ તો પાણી છલકી ઊઠ્યાં ને પછી એના મોં પર મગરૂબીભર્યું હાસ્ય પ્રકટ થયું. “સૂઓ હવે નિરાંતે, દીકરી! એનાં કર્યાં એ ભોગવશે. આપણે ને એને હવે શું?” “એમ કંઈ હોય, બાપુજી?” “એટલે?” પિતા ચમક્યા. “એટલે કે મારું સ્થાન તો એમની બાજુએ જ હોય.” “શું? – શું કહે છે, સરસ્વતી?” “એણે વીરતા બતાવી છે.” “વીરતા!” “હા, બાપુજી. મને તો એક જ બીક હતી કે આ અપકીર્તિમાંથી છટકી જવા એ જીવ કાઢી નાખશે. પણ હવે તો એણે એનો માર્ગ નક્કી કરી લીધો એટલે મારે પણ મારો માર્ગ પસંદ કરવાનો રહે છે.” “તારો માર્ગ?” “હા, એનાં કૃત્યનાં પરિણામને એણે છાતીએ ઝીલ્યાં, એ વીર બન્યા; હું વીરપુરુષને કેમ ત્યાગું?” “અરે દીવાની! એનો તો કેસ ચાલશે, ને પેલી છોકરી સાથેના ભવાડા ખુલ્લા થશે.” “એ માટે હું તૈયાર છું.” “સરસ્વતી!” ગુસ્સાથી ફાટફાટ સ્વરે એણે કહ્યું, “તું મારી દીકરી છે. જો દીકરો હોત તો હું તને શું કરત, જાણે છે?” “તમે મને ઘરમાંથી રજા આપત, એમ જ ને? એ રજા હું સામે ચાલીને જ માગી લઉં છું, બાપુજી! હું ચાલી જઈશ.” “બસ, ઘણું થયું; જા, સૂઈ જા.” સરસ્વતી શાંત પગલે પોતાના ખંડમાં ગઈ, ને બુઢ્ઢો પોતાનાં કપડાં કાઢી કાઢીને જ્યાં-ત્યાં ફગાવી દઈ, ધૂંઆપૂંઆ થતો સૂતો. સવારના ઊઠીને એ બેબાકળા સરસ્વતીના ખંડમાં ગયા. સરસ્વતી ઘૂંટણભર બેઠી બેઠી એક નાની-શી બેગમાં કપડાં ભરતી હતી. “આ શી નાદાની કરે છે, સરસ્વતી?” “કશું નહીં, બાપુજી! હું રજા લઉં છું.” “બેવકૂફ ન થા.” “હું આપના ચરણોમાં પડું છું, બાપુજી!” “આમ જો, બેટા!” વૃદ્ધનો અવાજ નરમ પડ્યો, “ગુસ્સામાં મારાથી કાંઈ બોલી જવાયું, એમાં દીકરી આવી રીસ કરે?” “હું રીસ નથી કરતી, બાપુજી! પણ મારી ફરજ મને લઈ જાય છે.” “સાંભળ, સરસ્વતી. મારી અપકીર્તિ કરાવીશ? તું મને છોડીને જઈશ? તું મારી એકની એક દીકરી: હું તારો બુઢ્ઢો બાપ: મારે ને તારે બીજો કોઈ આધાર છે? બાપનો ત્યાગ કરીને એક અજાણ્યા કલંકિત પુરુષ પાસે જવાનું તને કેમ સૂઝે છે?” “સાંભળી લ્યો, બાપુજી. પુરુષની ફરજ માબાપનો ત્યાગ કરીને પણ સ્ત્રીને સાથ દેવાની છે. એ જ ધર્મ સ્ત્રીનો છે. એ મારા સ્વામી છે. મેં એને વચન આપેલ છે.” “પણ ગાંડી, એ તો જેલમાં જશે.” “તો એ છૂટશે ત્યાં સુધી રાહ જોઈશ. પાછા આવશે ત્યારે...” “ખબરદાર! હું જોઉં છું કે કયો બામણો તને પરણાવવાની હિંમત કરે છે!” “તો હું એમ ને એમ જ એનું ઘર સંભાળીશ.” “વગર પરણ્યે રાખેલી થઈને?” સરસ્વતીએ સાડી સંકોડી માથું ઢાંક્યું. પિતાથી એ બીજી દિશામાં જોઈ ગઈ. “ઈશ્વરની સાક્ષીએ—” એટલા જ શબ્દો એનાથી બોલી શકાયા. પંડિતસાહેબ પાછા પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. ત્યાંથી એણે ઘોડાના ડાબલા સાંભળ્યા. એક ભાડૂતી ઘોડાગાડી ચોગાનમાં દાખલ થઈ ગઈ. “પાછી લઈ જા, પાછી!” ડેપ્યુટીએ હાક મારી, “કોઈ નથી આવવાનું.” ગાડી પાછી ચાલી ગઈ. પંડિત સરસ્વતીના શાંત પડવાની રાહ જોઈ બેઠા. થોડી વારે એણે સરસ્વતીને બેગ ઊંચકીને બહાર જતી જોઈ. “સરસ્વતી! સરસ્વતી! સરુ! દીકરી! આમ તો જો. વાત કહું.” પિતાના એ અવાજમાં રોષ અને કરુણાના આરોહઅવરોહ સાંભળતી સરસ્વતી પાછળ નજર પણ કર્યા વગર ચાલી નીકળી. હજુ પરોઢ હતું. હાથમાં બે જોડ કપડાંની બેગ લઈને ફૂટપાથ પર ચાલી જતી સરસ્વતીને કોઈ દૂધવાળા ગવલી, કોઈ પાંઉરોટીનો સૂંડલો ખેંચી જતા ભઠિયારા, તો કોઈ ઈંડાં વેચનારા મુરઘીવાળા સામા મળતા હતા. આગગાડીના લેવલ-ક્રૉસિંગ પર છાપરીમાં ઊભેલા સાંધાવાળાઓએ કોઈ મુસાફર માન્યું. પોલીસે કોઈ મહેતીજી માની. બે કલાક એને જુદે જુદે રસ્તે ભટકવું પડ્યું હશે. બાપુજીના સંસારમાં શૂન્યતાના હાહાકારો ભળાવીને પોતે ઘર છોડ્યું છે એ વેદના પોતાની કિંમત પૂરેપૂરી વસૂલ કરતી હતી. શિવરાજનું ઘર માંડવાનો સંભવ એને પોતાની જ ઠેકડી જેવો લાગી ગયો. એક જ લાગણી કબજો લઈ બેઠી: જ્યાં એ ત્યાં હું: વધુ ભલે નહીં, એને ખબર પડી જવી જોઈએ કે હું એની બાજુમાં જ છું; હું એની વાટ જોઉં છું; હું એની જ છુ: એ ખાતરીના આધારે શિવરાજ કેદના દિવસો કાપશે. સેન્ટ્રલ જેલના દરવાજા બહારના પહેરેગીરોને સલામી આપતા સરસ્વતીએ દૂર રહીને દીઠા. લાગ્યું કે સુપરિન્ટેન્ડેન્ટ આવી ગયા છે. બેગ લઈને એ જેલ તરફ ચાલી, ઑફિસની બારીએ આવી. સિપાઈઓ સરસ્વતીને ઓળખતા હતા. હેડ કોન્સ્ટેબલે ઊભા થઈને સલામ કરી. સરસ્વતીએ અવાજ કાઢીને કહ્યું: “સુપરિટનસા’બકો બોલો, એક ઓરત મિલને ચાહતી હૈ.” એ પ્રવાહી સ્વરો ઑફિસની અંદર પહોંચ્યા. સુપરિન્ટેન્ડેન્ટ એક પંજાબી આઈ.એમ.એસ. હતા. એમના કાન ઊંચા થયા. એણે બારીમાંથી નજર કરી: “હેલો! હેલો! આઈયે!” એણે સરસ્વતીને ઓળખીને અંદર લેવરાવી. “પપા કો કહાં છોડ આયે? અકેલે ક્યોં? કિસીકી મુલાકાત કરને કો?” “નહીં જી.” “તો ક્યા જેલ દેખને કે લિયે?” “જી, નહીં.” “તો ફિર? ઈતની સબેરમેં ક્યા બેસબબ આયે?” “નૌકરી ચાહતી હૂં.” “નૌકરી! આપ! હસતે હો જી? ઈતના પઢકર ક્યા જેલકી નોકરી?” “આપકી ઓરત-બરાકમેં લેડી-વૉર્ડર કી જગા કર દેંગે? મૈં નર્સિંગ જાનતી હૂં.” “ક્યા કહેતે હો જી, મિસ સરસ્વતી?” દાઢીવાળો શીખ સુપરિન્ટેન્ડેન્ટ પોતાની રોશનીભરી આંખે સરસ્વતીના વિષાદઘેરા છતાં પૌરુષવંતા વદન પર ટગરટગર જોઈ રહ્યો. “જી, મૈં સચ કહતી હૂં. મૈં સ્વાશ્રયી હોને ચાહતી હૂં. ઈતની મહેરબાની કીજિયે.” “મિસ સરસ્વતીબાઈ, મૈં તો સુશિક્ષિત ઓરતોં કી સહાય ચાહતા હૂં. મૈં વોહિ ખોજ રહા હૂં. આઈએ, આપ થોડે રોજ અજમાયશી તોર પર રહિયે, એકદમ કાયમી બિચાર મત કરના. બડા ‘નાસ્ટી,’ બડા ‘ડર્ટી’ હૈ યે કામ. યહાં તો ખૂની ઓરતોં કે સાથ કામ લેના પડતા હય; પર મૈં આપકો પૂર્ણ સહકાર દૂંગા.” જેલનું અંદરનું વિરાટ દ્વાર ઊઘડ્યું, ને સરસ્વતીને લઈ સુપરિન્ટેન્ડેન્ટ અંદર સમાયા. દરવાજા પર વૉર્ડરો, પહેરેગીરો અને બહાર પાટીમાં કામ કરવા જતા ફાઈલબંધ કેદીઓના મુકાદમો અરસપરસ કૌતુક-દૃષ્ટિઓના તાંતણા વણી રહ્યા. અંદર જઈને સુપરિન્ટેન્ડેન્ટે પહેલું જ કામ પોતાની ખુરશી પાસે ખડા કરવામાં આવેલા ખટલા થનારા દોષિત કેદીઓને ક્ષમા આપવાનું કર્યું. “જેલર, આજ મિસ સરસ્વતી પંડિત કે આનેકી ખુશાલી હૈ. છોડ દો ઉન સબ ખટલેવાલોંકો.” નવી શિક્ષાઓના ડરમાંથી છૂટેલા કેદીઓ પાછા જતા જતા પાછળ નજર કરવા મથતા હતા. વૉર્ડરોના ધોકલાઓએ પણ એ પ્રભાતે પાછળ જોનારા કેદીઓની આંખમાં સરસ્વતીના દર્શનનું અમી અંજાવા દીધું.