અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચીમનલાલ જોશી/ઝટ જાઓ ચંદનહાર લાવો

From Ekatra Wiki
Revision as of 23:52, 3 January 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઝટ જાઓ ચંદનહાર લાવો

ચીમનલાલ જોશી

સ્ત્રી : ઝટ જાઓ, ચંદનહાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું હું,
મને લાગ્યો એ હારનો નેડલો, તમથી નહીં બોલું હું.
પુરુષ : મોંઘી તારી માગણી અને મોંઘાં તારાં મૂલ,
મોંઘી તારી પ્રીતડી, મેં કરતાં કીધી ભૂલ રે;
ઘૂંઘટ ઝટ ખોલો ને...
સ્ત્રી : મોહન મેં તો માંગિયો, મોંઘો ચંદનહાર,
લાવો હાર પિયુ, પછી તમે લૂંટો જોબનિયાની બહાર રે;
ઘૂંઘટ પછી ખોલું હું...
પુરુષ : રામે મૃગને મારિયો કનકકંચુકી કાજ,
હું મારું કોઈ સોનીને આ નથી નવાબી રાજ રે!
ઘૂંઘટ ઝટ ખોલો ને...
સ્ત્રી : અલગારા અલબેલડા કરગરતા શું કામ?
હાર ન લાવો ત્યાં સુધી તમે લેશો ન મારું નામ રે;
ઘૂંઘટ નહીં ખોલું હું...
પુરુષ : ચંદનહાર ચૌટે મળે જો હોય ખિસ્સામાં દામ,
સોની નાજાભાઈ તો આજે ગયા છે ભાવનગર ગામ રે;
ઘૂંઘટ ઝટ ખોલો ને...
સ્ત્રી : તું મદરાસી મોરલો ને હું સોરઠની ઢેલ,
પરણ્યાં હોય તો પાળજે, નહિ તો પિયર વળાવી મેલ રે;
ઘૂંઘટ નહીં ખોલું હું...
પુરુષ : જૂનાગઢની સુંદરી ને પન્ના મારું નામ,
આ ભાંગવાડી ભેગી થઈ, તને જોવા આવ્યું મુંબઈ ગામ રે;
ઘૂંઘટ ઝટ ખોલો ને...
સ્ત્રી : હાર ન જોઈએ હેમનો, ના જોઈએ રેશમચીર,
ચંદનહાર લાવી દિયો, મારી સગી નણદલનાં વીર રે;
ઘૂંઘટ નહીં ખોલું હું...



આસ્વાદ: ઝટ જાઓ ચંદનહાર લાવો... – વિનોદ જોશી

ફિલ્મોની આટલી બોલબાલા નહોતી તેવા જમાનામાં લોકોને ફિલ્મોની જેમ નાટકનું ઘેલું હતું. જૂની ગુજરાતી રંગભૂમિ વિશે વાંચીએ કે કોઈ વડીલ પાસેથી સાંભળીએ ત્યારે કૌતુકથી આંખ-કાન ચોંકી ઊઠે છે. જીવતાં-જાગતાં પાત્રો સમાજજીવનની કથની અભિનયના માધ્યમથી કહે તેની મોહિની તો હોય જ, પણ એ પાત્રો આજની ફિલ્મોના સુપરસ્ટાર જેવી મહત્તા પણ ભોગવતાં હોય તે આશ્ચર્ય પમાડે તેવી વાત છે. એ જમાનામાં સ્ત્રીઓ નાટકમાં કામ કરવા તૈયાર થતી નહીં. પુરુષો જ સ્ત્રીપાત્રો ભજવતા. જયશંકર તો એવા આબેહૂબ સ્ત્રી બનતા કે એમનું મૂળ નામ ભૂલીને લોકો તેમને ‘સુંદરી’ તરીકે જ ઓળખતાં. અમદાવાદમાં તો સરકારે જયશંકર ‘સુંદરી’ નાટ્યગૃહ બંધાવ્યું છે. ‘સુંદરી’ પહેરે તે શૈલીની સાડી પહેરવાની ફૅશન થઈ પડતી તે વાત પણ અચરજ પમાડે તેવી છે. અહીં લેવામાં આવેલી રચના આમ તો કેટલીક પંક્તિઓના ફેરફાર સાથે ગુજરાતી ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’માં ચિત્રિત કરાઈ હતી તેથી જાણીતી છે પણ અહીં તો તેનો મૂળ પાઠ લીધો છે. આ રચનાના કવિ ચીમનલાલ ભીખાભાઈ જોશી છે તેવું ભાગ્યે જ કોઈ જાણતું હશે. ઈ. સ. 1927ના મે મહિનાની 16મી તારીખે દેશી નાટક સમાજના તખ્તા પર રજૂ થયેલ નાટક ‘વલ્લભીપતિ’માં પ્રહસન રૂપે આ ગીત ગવાતું. ગીતકાર ચીમનલાલ તે વખતે મનસ્વી પ્રાંતીજવાળાના નામે નાટકનાં ગીતો લખતા. ભાવનગર પાસેના લીમડા ગામમાં આયુષ્યના અંતકાળે ઉપેક્ષિત સ્થિતિમાં રહી થોડાં વર્ષો પહેલાં અવસાન પામનાર આણંદજી બી. પંડ્યા ઉર્ફે કાઠિયાવાડી કબૂતર અને કેશવલાલ ‘કપાતર’ પતિ-પત્નીનાં પાત્રમાં આ ગીત તખ્તા પર ભજવતા. હજી પણ લોકપ્રિય એવા આ ગીતમાં ચંદનહાર લાવી આપવા માટે પતિને દુરાગ્રહ કરતી અલંકારપ્રિય નવોઢાની વાત છે. પરણ્યાની પહેલી રાત્રે પોતાનું મોં ઘૂંઘટમાં છુપાવી રાખતી અને ચંદનહાર મળે તો જ ઘૂંઘટ ખોલવાની શરત મૂકતી આ યુવતી પોતાના પતિને પજવે છે. તેમાં તેનો પ્રેમોર્મિનો છાક દેખાય છે, તે સાથે જ સ્ત્રીની અલંકારલિપ્સાનો પણ ભાવ પ્રગટે છે. બરાબર મોકો જોઈને દાણો દાબવાની સ્ત્રીસહજ કળ પુરુષને કેવા લાચાર બનાવી મૂકે છે તેની લાક્ષણિક પરંતુ હાસ્યરસ જન્માવતી રજૂઆત અહીં થઈ છે. પતિ તો આજ્ઞાનો વાહક છે. પત્નીને ‘હારનો નેડલો’ લાગ્યો છે. એ તો સાફ શબ્દોમાં ‘તમથી નહીં બોલું હું’ એમ બોલીને પોતાની નહીં બોલવાની પ્રતિજ્ઞા જાહેર કરે છે. પતિ બિચારો આ મોંઘી માગણીઓ અને તે માગણી કરનારનું મોંઘેરાપણું સહી શકે તેમ નથી. ‘પ્રીતડી’ કરવામાં પોતે કરેલી ભૂલ એને હવે જ સમજાય છે. પણ જ્યાં સુધી ચંદનહાર આપે નહીં ત્યાં સુધી પત્નીનું મુખ વિલોકી શકાય તેમ નથી. જોબનિયાની બહાર લૂંટવાનો મનસૂબો પાર પડે તેમ નથી. એ તો વિનીતભાવે સ્વીકારી લે છે કે રામે ભલે સીતાની કનકકંચુકી માટે મૃગને માર્યો પણ પોતે કોઈ સોનીને મારીને ચંદનહાર લાવી શકે તેમ નથી. નવાબી રાજ જેવું અંધેર ન હોય ત્યારે તો આ શક્ય જ નથી. આ દલીલને નહીં ગાંઠતી સ્ત્રી અલગારા અને અલબેલડા જેવાં ભાવભર્યા સંબોધનો કરી પતિને વિમુખ થતો અટકાવે છે અને બીજી જ પળે ‘હાર ન લાવો ત્યાં સુધી તમે લેશો ના મારું નામ’ એવો પ્રહાર પણ કરે છે. પેલો પુરુષ પણ મનામણીની રીતો અજમાવી જુએ છે અને સ્ત્રીની પ્રશંસાપ્રિયતાની નબળી રગ દાબે છે. એ તેને જૂગાગઢની સુંદરી તરીકે બિરદાવે છે પણ તેથી કશું વળતું નથી. સ્ત્રી આવાં પ્રશસ્તિ-વચનો સાંભળતાં પહેલાં પુરુષને વખોડી ચૂકી છે. એ તેને મદ્રાસી મોરલો કહે છે અને પોતે સોરઠની ઢેલ જેવી નમણી હોવાની વાતે સરસાઈ પુરવાર કરે છે. એટલું જ નહીં, આ શરત પાળી ન શકે તો પોતાને પિયર મોકલી આપવા સુધીનું આકરાપણું પણ દાખવે છે. હેમનો હાર કે રેશમચીર જેવા વિકલ્પો પણ એને મંજૂર નથી. એ તો માત્ર ચંદનહારની જ રટ લઈને બેઠી છે. એને માટે એનો પતિ હવે પતિનું સીધું સંબોધન મેળવવાને પાત્ર પણ નથી એટલે તો એને સગી નણદલનો વીર કહી એ પોતાનું અંતર વધારી દે છે. રિસામણાં-મનામણાં એ પ્રેમનો જ એક આવિર્ભાવ છે. તેની રહસ્યમય અને રોચક રજૂઆત આ સંવાદગીતમાં થઈ છે. સાંસ્કૃતિક સંદર્ભો કેવા લાક્ષણિક રીતે અહીં ઊપસે છે તે જોવા જેવું છે. મદ્રાસી મોરલો અને સોરઠની ઢેલનાં રૂપક કઢંગા અને રૂપાળાનો ખ્યાલ આપે છે. તેટલો જ ખ્યાલ આંતરજ્ઞાતીય કે આંતરપ્રાંતીય લગ્ન અંગેનો પણ આપે છે. નવાબી રાજ અંગેની સામાન્ય છાપ અહીં વાતવાતમાં વ્યક્ત થઈ છે તો ‘સગી નણદલના વીર’ જેવું સમર્યાદ સંબોધન સ્ત્રીની લજ્જા આવી માગણી કે શરત મૂકવાની પળે પણ સચવાય છે તેનું પ્રમાણ આપે છે. મુંબઈના ભાંગવાડી વિસ્તારમાં ભજવાતા નાટકનું આ યુગલગીત પ્રેક્ષકોને સીધા જ પોતાનો વિષય બનાવી દે છે તો કાંચમનૃગ જેવો રામાયણનો કિસ્સો પણ સહજપણે આવીને ગીતમાં ગોઠવાઈ જાય છે. આ ગીત ગીત રહીને પણ નાટક બને છે તે તેની વિશેષતા છે. પરસ્પર થતી વાતચીત કેવળ સંવાદ બનીને અટકી ન જતાં તેની લયાત્મક અને રોચક પદાવલીને કારણે આકર્ષક બની રહે છે. ‘ઘૂંઘટ ઝટ ખોલો ને’માં વ્યક્ત થતી વિનવણી અને ‘ઘૂંઘટ નહીં ખોલું હું’માં વ્યક્ત થતી હઠની જુગલબંદી અહીં પ્રેમનાં મર્માળાં રહસ્યોને વ્યંજનાની ઊંચાઈએ લઈ જઈને ખોલી આપે છે. સરવાળે હાસ્યરસને પ્રેમની પ્રસન્નતાનો પુટ આપતાં કવિએ એક સર્વસામાન્ય તેવી સાંસારિક ઘટનાને પણ વિરલ કાવ્યરૂપ આપ્યું છે.