અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/લાખ મથીને રાખતો

From Ekatra Wiki
Revision as of 01:47, 4 January 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લાખ મથીને રાખતો

ચિનુ મોદી `ઈર્શાદ'

લાખ મથીને રાખતો દિવસે જેને શાંત
રાતે છાપો મારતું ડંખીલું એકાંત

એક સમે ક્યારેક ને આજે બારે માસ
આંસુ ઝાંઝર પ્હેરતાં નખ નાખે નિશ્વાસ

રાત મળી સરખી છતાં હું કેવો લાચાર
તું પહેરે છે ચાંદની હું ઓઢું અંધાર

આંસુને વરસાવશું નાહક ના મૂંઝાવ
એક નદી નિપજાવશું જેને બન્ને કાંઠે નાવ

સૈયર, કેવી પ્રીત આ ને કેવો આ સંગાથ?
આંખો તો થાકી ગઈ ને આંસુ સારે હાથ



આસ્વાદ: લેખણમાંથી ટપકતો ઝુરાપો – વિનોદ જોશી

વિયોગનો વિષાદ વ્યક્ત થયો હોય તેવા કાવ્યની ગુજરાતી કાવ્યસાહિત્યમાં દીર્ઘ પરંપરા છે. તેનો એક છેડો શોકાંજલિ પ્રકારનાં કાવ્યોમાં ખૂલે છે. અહીં એ પ્રકારમાં લખાયેલા પાંચ દુહા ચિનુ મોદી પાસેથી મળે છે. વિરહની પીડા પાષાણ હૃદયના માણસને પણ મીણ જેવો પોચો બનાવી દે છે. કાલિદાસે ‘રઘુવંશમ્’માં પત્ની ઇન્દુમતીના વિયોગમાં વિલાપ કરતા રાજા અજ માટે લખ્યું છે કે ખૂબ તપાવેલું લોઢું પણ મૃદુ બની જાય તો પછી શરીરધારી મનુષ્યનું તો કહેવું જ શું? પીડા ખુદ ભલે કષ્ટદાયિની હોય, તે કલામાં પ્રવેશે છે ત્યારે સુખદાયી બની જાય છે. નિત્ઝે જેવા તત્ત્વજ્ઞાની તો જિંદગીને પણ દુઃખને કારણે જ અર્થપૂર્ણ માને છે. અહીં શબ્દની કલા કવિના વિષાદને કેવી ભાવવ્યંજનામાં પલટાવી દે છે તે જોવા જેવું છે. પહેલી પીડા એકાંતની છે. એકલવાયા હોવા જેવું પીડાદાયક ભાગ્યે જ કશું હશે. ખુદના પડછાયા કે પ્રતિબિમ્બનો સાથ લઈને જીવ્યા કરવું કોઈને માટે શક્ય નથી. એકાંતથી બચવાનો પ્રયત્ન એટલે અખિલાઈમાં ઓગળવાનો પ્રયત્ન. કવિ કહે છે તેમ લાખ મથામણો કરવા છતાં એકાંતનું આક્રમણ અટકાવી શકાતું નથી. જેનું સાન્નિધ્ય સેવ્યું છે તેની હાજરીનો અભાવ પળે પળે એકાંતનો અનુભવ બનીને ત્રાટકે છે. દિવસભર કોઈ ને કોઈ સંદર્ભમાં જાતને પરોવી શકવાનો માંડ માંડ થતો પ્રયાસ રાત પડે ત્યારે છેવટે લાચાર કરી મૂકે છે અને એકાંતનો ડંખ સહ્યા સિવાય છૂટકો હોતો નથી. કવિ અહીં એકાંત છાપો મારે છે એમ કહી તેની છલનામયી પ્રકૃતિનો હવાલો તો આપે છે પણ એકાંતને ડંખીલું કહી તેના આક્રમણ પર એક વિશેષ આળ ઓઢાડે છે. શાંત એકાંતનો બિલકુલ સામેનો છેડો દિવસ અને રાતના દ્વૈતને ઓગાળી દઈ કવિ અહીં ઉપસાવે છે. ક્યારેકમાંથી કશુંક કાયમી થઈ જાય તેવું લાગણીમાં બને ત્યારે શું કાયમી થયું તે વિચારણીય બની રહે છે. મનુષ્યની વિફળતા ત્યાં છે કે જે ગમે છે તે ક્ષણોને તે લંબાવીને કાયમી કરી શકતો નથી અને જેના પરત્વે અણગમો છે તે કાયમી બાબતોને તે નામશેષ કરી શકતો નથી. કવિ એક અત્યંત કમનીય કલ્પન આપે છેઃ ‘આંસુ ઝાંઝર પ્હેરતાં’ અને તેથી સાથોસાથ જ ઉમેરે છે: ‘નખ નાખે નિઃશ્વાસ’. વિષાદઘેરી આંખોમાંથી ઝૂમઝૂમ કરતાં આંસુ ઊતરી આવે અને તેને વધાવી જ લેવા પડે. આવું હંમેશનું થઈ જાય તે પરિસ્થિતિ કવિને અસહ્ય લાગે છે. પણ તેઓ નિરુપાય છે. પ્રિય પાત્રની કાયમી ગેરહાજરીનો સંકેત બહુ લાક્ષણિક ઢબે કવિ અહીં કરી રહે છે. જે સન્મુખ નથી એ ક્યાંથી છે એની કવિને ભાળ નથી. છતાં એમને એટલી તો ચોક્કસ ખબર છે કે પોતે અંધકારગ્રસ્ત છે. પોતાનું અજવાળું ક્યાંક બીજે છે, છિનવાઈ ગયું છે. રાત્રિ તો બન્ને માટે એકસરખી જ છે છતાં અજવાળું પેટાવનાર એક વ્યક્તિ કવિને અંધારપછેડામાં વીંટાળી દઈ પોતે પ્રકાશપુંજ બની ક્યાંક વિલસી રહી છે. કવિની લાચારી એ છે કે તેઓ રાતનો આ વિપર્યાસ નષ્ટ કરી શકતા નથી. હવે કવિ આછાપાતળા ઉકેલ લેખે એક પ્રસ્તાવ કરે છે. કહે છે: ‘આંસુને વરસાવશું.’ વરસાદ સાથે જ વપરાતું આ ક્રિયારૂપ અહીં ‘આંસુ’ સાથે વપરાયું છે તેનું ઔચિત્ય એ કે અહીં બેચાર ટીપાંથી ભીનાં થઈ સુકાઈ જતાં પોપચાથી ઘણે આગળ વધીને કવિએ વાત કરવી છે. અને એટલે વરસાદી પ્રપાતનો સંદર્ભ લઈ એમણે આંસુ ઉર્ફે પીડાની તીવ્રતાને રાગે ચડાવી છે. ‘નાહક ના મૂંઝાવ’ એવા આશ્વાસન પરથી આપણે પહેલી જ વાર એ જાણી શકીએ છીએ કે સામે પક્ષે પણ મૂંઝારો તો છે જ પણ ત્યાં ઉકેલ નથી. કવિ પાસે ઉકેલ છે. તેઓ વરસતાં આંસુના પરિણામરૂપ નદી નીપજાવવા તત્પર છે. એવી નદી, જેના બન્ને કાંઠે નાવ હોય. બન્ને દિશાએથી સામસામા આવીને મધ્યમાં મળવું અને એ રીતે સાયુજ્યને પામવું અહીં કવિને અભિપ્રેત છે. એમ પણ કહીએ કે આંસુ કેવળ આ કાંઠેથી જ વરસે છે તેવું નથી. સામે કાંઠે પણ એ જ પરિસ્થિતિ છે. કવિને આવા વૈષમ્યથી ભર્યા સંગાથ અંગે ભ્રાન્તિ થાય છે અને આને તે પ્રીત કહેવાય? તેવો પ્રશ્ન ઊભો થાય છે અને તેના પરિણામ રૂપે એક અનવદ્ય સુંદર પંક્તિ સરી પડે છે: ‘આંખો તો થાકી ગઈ ને આંસુ સારે હાથ.’ પ્રતીક્ષા સિવાય આંખોને થાકી જવાનું કોઈ કારણ નથી તે અહીં કોઈને પણ સમજાય તેમ છે. રાહ જોઈ જોઈને થાકી જતી આંખો હવે કોઈ દૃશ્યને સમાવી ન શકે તેવી સ્થિતિ થઈ ગઈ છે ત્યારે એ પ્રિયપાત્ર માટેની જગ્યાનો અભાવ કવિ માટે આકરો થઈ પડ્યો છે. જે દૃશ્યો હવે ઉમેરાય છે તે આંસુ બનીને આંખોમાંથી ઢળી પડે છે. આંખોના થાકની આ પરિસ્થિતિ કવિ વિકલ્પે હાથમાં આરોપે છે અને કહે છે કે ‘આંસુ સારે હાથ.’ આ કાવ્ય પોતે જ આ અર્થમાં કવિના આંસુ સ્વરૂપે છે, જે આંખોથી નહીં પણ હાથેથી ટપક્યું છે. થાકી ગયેલી આંખોનો વિકલ્પ કવિની આંગળીનાં ટેરવાં બન્યાં છે અને એણે લેખણ લઈ કવિની પીડાને અહીં વાચા આપી છે. અહીં આ શબ્દો છે તેમ નહીં પણ કવિનાં આંસુ છે તેમ માનીએ તો વિરહની પીડાનો તારસ્વરે થતો ચિત્કાર પણ સંભળાશે. પિયુના વિરહમાં ઝૂરતી અને પિયુમિલન આડેના દિવસો ગણતી પ્રિયતમા કહે છે કે: ‘ગિણતા ગિણતા ઘિસ ગઈ મોરી આંગળિયારી રેખ!’ આંગળીના વેઢા ઘસાઈ જાય એવી તીવ્રતાથી દિવસોની ગણતરી કરતી એ નાયિકાને તો આપણે ઓળખીએ છીએ, પણ અહીં તો એક કવિ પોતાની પ્રિયતમાની દુર્નિવાર અનુપસ્થિતિને સહેતાં સહેતાં ‘આંસુ સારે હાથ’ એમ કહીને પોતાની શબ્દે શબ્દે ઊતરતી સર્જકતા આંસુડાંમાં પલટાઈ ગઈ છે તેવું વિધાન કરે છે ત્યારે એ વિધાન વ્યવહારના વ્યાકરણમાંથી છટકી જઈને કલાની સુંદરતાને ધારણ કરી રહે છે. ‘કરુણ રસ’ એવો પરસ્પરવિરોધી શબ્દ આપણે ક્યાં નથી જાણતા?