અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘ગની' દહીંવાળા/ઉપવને આગમન (તમારાં અહીં આજ પગલાં)
ગની' દહીંવાળા
તમારાં અહીં આજ પગલાં થવાનાં ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે;
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોનીય નીચી નજર થઈ ગઈ છે.
શરમનો કરી ડોળ સઘળું જુએ છે; કળી પાંદડીઓના પડદે રહીને;
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર, તમારાં નયનની અસર થઈ ગઈ છે
.
બધી રાત લોહીનું પાણી કરીને, બિછાવી છે મોતીની સેજો ઉષાએ;
પધારો કે આજે ચમનની જવાની બધાં સાધનોથી સભર થઈ ગઈ છે.
હરીફોય મેદાન છોડી ગયા છે, નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા, ભ્રમર-ડંખથી બેફિકર થઈ ગઈ છે.
પરિમલ સાથે ગળે હાથ નાખી, કરે છે પવન છેડતી કૂંપળોની;
ગજબની ઘડી છે કે પ્રત્યેક વસ્તુ પુરાણા મલાજાથી પર થઈ ગઈ છે.
ઉપસ્થિત તમો છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે;
તમે જો ન હો તો બધા કહી ઊઠે છે, વિધાતાની ક્યાંયે કસર થઈ ગઈ છે.
‘ગની’ કલ્પનાનું જગત પણ છે કેવું, કે આવી રહી છે મને મારી ઈર્ષ્યા!
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને, ઘણી જન્નતોમાં સફર થઈ ગઈ છે.
(મહેક, ૧૯૬૧, પૃ. ૨૯-૩૦)
વસંત ખીલી ઊઠી છે. પ્રભાત હજી તો ફૂટી રહ્યું છે, ને પૂર્વાકાશમાં ઉષાના રંગ હજી રસળી રહ્યા છે. જગતની ચેતના હજી જાગ્રત નથી થઈ, ને ભમરાઓનો ગણગણાટ હજી શરૂ નથી થયો. ઉદ્યાનનાં વૃક્ષો ને વેલીઓ પર્ણો ને પુષ્પોના ભારથી ઝૂકી રહ્યાં છે. ને તેના પર ઝાકળનાં બિન્દુઓ બાઝી રહ્યાં છે. પવનની શીતલ અને મંદ લહરીઓ વાઈ રહી છે, ને પુષ્પોના પરિમલને ચોતરફ પ્રસારી રહી છે.
કાવ્યના નાયકે આખી રાત પોતાની પ્રિયતમાના વિચારોમાં, કદાચ, વિતાવી હશે. અને એ તેના ચિત્તનો એવો તો કબજો લઈને બેસી ગઈ છે કે પ્રભાતને પહોર સોળે કળાએ ખીલી નીકળેલું આ ઉદ્યાનસૌન્દર્ય જોઈને તેનું હૃદય ઝંખી રહે છે પ્રિયતમાને. ‘પ્રિયતમા અહીં હોય તો?’ એને થાય છે. ને એ તલસાટ એવો તો તીવ્ર બને છે કે એને ઘડીભર થઈ જાય છેઃ ‘પ્રિયતમા અહીં જ છે. આ રહી એ!’ અને એ અનુભવવા લાગે છે પોતાની પ્રિયતમાના સાન્નિધ્ય અને સહચારની ધન્યતા.
ઉદ્યાન સુન્દર છે, તો પ્રિયતમા છે સકળ સૃષ્ટિના સૌન્દર્યના સાર જેવી. એ આવી રહી છે એ ખબર ઉદ્યાનમાં સૌને થઈ ગઈ છે. એટલે સમગ્ર વાતાવરણમાં ચમત્કારક પલટો આવી ગયો છે. એની સામે ઊંચી ડોકે ઊભાં રહેવાની મગદુર નથી ડાળીઓની, કે આંખ ઊંચી કરીને, મીટ માંડવાની પુષ્પોની. ને વૃક્ષોની આ કળીઓ? આમ તો છે એક બાળક જેવી; ને બાળકોને શો હોય ક્ષોભ કે સંકોચ? પણ મોટાંઓને—ડાળીઓને અને ફૂલોને શરમાતાં જોઈને એ પણ ડોળ કરે છે શરમાઈ જવાનો ને સંતાઈ જાય છે પાંદડીઓના પડદાની ઓથે. પણ બાલસહજ કુતૂહલ પણ ઓછું નથી એમનું. એટલે છૂપાઈ છૂપાઈને એ જોયાં કરે છે બધુંયે.
ને આ ઝાકળનાં બિંદુઓ? અહો! એ તો છે મોતીની ચાદર, પ્રિયતમા માટે ઉષાએ બિછાવેલી. એ ચાદર તૈયાર કરવા માટે ઉષાએ આખી રાત પરિશ્રમ કર્યો છે ને પોતાના લોહીનું પાણી કરી નાખ્યું છે! ફાટફાટ થતી જુવાનીવાળી નાયકની પ્રિયતમાનું સ્વાગત કરવા માટે પૂરેપૂરું સજ્જ થઈ ગયું છે ફાટફાટ થતી જુવાનીવાળું ઉદ્યાન!
પ્રિયતમાએ તો માત્ર આવવાનું જ છે; ને આવીને પોતાનો વિજયધ્વજ ફરકાવવાનો છે. એની આંખના મદભર્યા સૌન્દર્યનો મુકાબલો કરી શકે તેવું છે શું આખા ઉદ્યાનમાં? ભમરાઓ હતા ખરા, કાળા ને કામણગારા; પણ શો હિસાબ એમનો પ્રિયતમાની આંખની કાળી ને કામણગારી કીકી પાસે? પ્રિયતમા આવે અને તેની આંખની કીકી પાસે પોતાને લાજવું પડે તેના કરતાં મૂંગે મોઢે તેના માર્ગમાંથી ખસી જવું એ જ વધારે સારું નહિ? આમ, પ્રિયતમા પધારી રહી છે તે જાણતાં વેંત ભમરાઓ કરી ગયા છે પલાયન. ને ખીલેલાં ને મઘમઘતાં ગુલાબોની સુકુમાર પાંખડીઓ થઈ ગઈ છે ભય અને ચિન્તાથી મુક્ત, એમની પાસેથી ઘડીયે આઘા ન ખસનાર ને દંશ દઈને, એમને પજવનાર ભમરાઓ ચાલ્યા જવાથી.
એક તરફથી, પ્રિયતમાના સૌન્દર્યના પ્રતિસ્પર્ધીઓ થઈ ગયા છે પરાસ્તઃ કાં તો એમનાં શિર ઝૂકી ગયાં છે શરમથી ને કાં તો એ છોડી ગયા છે મેદાન. તો બીજી તરફથી, આખા વાતાવરણમાં વ્યાપી ગયો છે પ્રગલ્ભ પ્રેમનો કોઈ દુર્તિવાર ઉન્માદ. રાજમરજાદના પુરાણા ખ્યાલ ઊડી ગયા છે હવામાં, ને પેલો નટખટ પવન પોતાના જિગરજાન દોસ્ત પરિમલની ડોકમાં હાથ નાખીને ફરતાં ફરતાં છેડતી કરી રહ્યો છે શરમના શેરડાથી લાલલાલ બની ગયેલા વદનવાળી પેલી કૂંપળોની!
આ ઉપવન, પર્ણો અને પુષ્પોથી ઝૂકી પડતાં આ તેનાં તરુવરો ને લતાઓ, વાયુના સ્પર્શથી હાલતાં પર્ણોના પુંજની વચ્ચે ઘડીક કળાતી, તો ઘડીક અદૃશ્ય થઈ જતી કળીઓ; ચોતરફ વરસતી ઝાકળ ને તેને લીધે ઝાંખી પડતી રતાશવાળી દેખાતી ઉષા; ખીલેલાં ગુલાબો અને પવનમાં ડોલતી રતુંબડી કૂંપળોઃ આ આખું ચિત્ર કેવું સર્વાંગસંપૂર્ણ લાગે છે, માત્ર પ્રિયતમાની ઉપસ્થિતિથી! પ્રિયતમાની હાજરી કેવું પરિપૂર્ણ બનાવી રહી છે તેના સૌન્દર્યને! આ બધું છે તેમનું તેમ હોત, પણ માત્ર પ્રિયતમા જ ન હોત તો કેટલું રહી જાત એ અપૂર્ણ, વિધાતાએ જાણે એમાં કંઈક કસર રાખી દીધી હોય તેવું?
— ‘પ્રિયતમા ન હોત તો?’—કદાચ, એ વિચાર આવતાંવેંત નાયકને ભાન થાય છેઃ પ્રિયતમા જ નથી જ. ક્યાંથી હોય એ અહીં? હું જે જોઉં છું તે તો છે કલ્પના જ કેવળ, એવાં ભાગ્ય ક્યાંથી હોય મારાં કે મને મળે મારી પ્રિયતમાનો ચિરવાંછિત સહચાર?
અને એને થાય છેઃ આ કલ્પનાનું જગત પણ કેવું છે? મારા જેવો મુફલિસ ને કમનસીબ માણસ, ભલે કલ્પનામાં પણ પ્રિયતમાનું આવું સાન્નિધ્ય અનુભવી શકે?
મારા નસીબમાં, ભલે કલ્પનાનું તો કલ્પનાનું પણ આટલુંયે સુખ રહ્યું છે હજી, એ જોઈ મને મારી પોતાની ઈર્ષ્યા આવે છે. પણ તરત પાછું થાય છેઃ આ સુખ મેં ક્યાં પહેલી જ વાર ભોગવ્યું છે? ઘણીયે વાર હું સ્વર્ગસુખ અનુભવી આવ્યો છું, આ જર્જરિત જગતમાં રહ્યે રહ્યે. આ જગત આમ તો છે સાવ જર્જરિત, કંગાળ ને ખખડધજ, પણ તેમાં પણ મેં મારી પ્રિયતમાના સાન્નિધ્યની કલ્પના અનેક વાર કરી છેઃ ને જેટલી જેટલી વાર એ કલ્પના કરી છે તેટલી તેટલી વાર મને સ્વર્ગસુખનો અનુભવ થયો છે.
(‘આપણો કવિતા-વૈભવ’)
જેને વિશે તીવ્ર અનુરાગ હોય તેના આગમનનો સંકેત ભાવવિભોર બનાવી દેનારો હોય છે. એવે વખતે બીજું બધું ગૌણ બની જાય છે. વિચારો સમેટાઈ જઈને એકકેન્દ્રી બનવા મથે છે. પ્રિયજન સિવાયની દુનિયા નગણ્ય બની રહે છે. જેના તરફ મમત હોય તે સર્વથી ચડિયાતું ભાસે છે. તેના સંદર્ભમાં બાકીનું બધું ઊતરતું થઈ જાય છે. અહીં કવિ જેને ઊતરતું થઈ જતું દર્શાવે છે તે બધું એટલું મહિમાવંતું છે કે જેની અપેક્ષાએ એ ઊતરતું છે તેનો મહિમા ઑર વધી જાય છે, એ ચડિયાતું જે કોઈ છે તે ‘તમારાં’ એવા સંબોધનથી અહીં પહેલા શબ્દમાં જ સૂચવાઈ જાય છે. એના આગમનની એંધાણી સહુને મળી ગઈ છે અને તે સાથે જ ડાળીઓએ અને ફૂલોએ પોતાની શરણાગતિ સ્વીકારી ઝૂકી જવાનું પસંદ કરી લીધું છે. ફૂલ અને ડાળીના સૌંદર્યથી પણ અદકું એવું ઐશ્વર્ય લઈને કોઈ આવી રહ્યું છે તેવો સંકેત અહીં હૃદયંગમ રીતે વ્યંજિત થયો છે. ડાળીઓની ગરદન અને ફૂલોની નજર જેવાં મનુષ્યસંબંધી લક્ષણોને પ્રકૃતિમાં સરકાવી દઈ કવિએ અસહજ છતાં અનાયાસ તેવું સાદૃશ્ય નિપજાવી આપ્યું છે. અહીં આ વ્યાપ્તિ એ સહુને લાગુ પાડી શકાય છે જેઓ પોતાની સુંદરતાનો ગર્વ કરે છે. તેને માત કરનાર જે કોઈ છે તેનું આગમન કવિએ આવનાર સમક્ષ બિરદાવી રહ્યા છે. પાંદડીઓના પડદા પાછળથી કળી શરમાતી જઈ બધું જોઈ રહી છે તેવા નિરીક્ષણમાં કવિએ પોતાની કાવ્યાત્મક દૃષ્ટિનો ચમત્કાર દેખાડ્યો છે. આ સુંદર અને નકશીદાર કલ્પન રમણીય એવી એક ચેષ્ટાને પળવારમાં સાકાર કરી દે છે. આવનારની સુંદરતા કેવી હશે કે કળી જેવી કળી પણ પ્રયત્નપૂર્વક શરમાવાની ચેષ્ટા કરીને પોતાનું લાવણ્ય પુરવાર કરવા મથી રહી છે! લજ્જાભાવ થકી પોતાને નિખાર આપવાનો તેનો પ્રયત્ન વૃથા છે તેવું અહીં આપોઆપ જ સમજાઈ જાય છે, કારણ કે કવિ તરત જ ઉમેરે છે કે વાતાવરણ પર જે નયનોની અસર થઈ છે તેને અતિક્રમીનેય તેવો પ્રભાવ પાડી શકે તેવું અહીં કોઈ નથી. આ વ્યતિરેક એટલો તો સ્વાભાવિક રીતે અહીં થયો છે કે આપણે અહીં કવિની આ કાવ્યકળાને જ સૌથી ચડિયાતી કહેવા પ્રેરાઈ જઈએ! વળી એક બીજું સુંદર કલ્પન નીપજાવતાં કવિ પરોઢે પથરાયેલા મોતી સમાં ઝાકળબિંદુઓની પથારીની વાત માંડે છે. વળી આ સેજ બિછાવવાનું સરળ છે તેવું નથી તેમ ઉમેરતાં કવિ કહે છે કે તેને માટે રાતોની રાતો લોહીનું પાણી કર્યું છે. આ સેજ ભલે ઘડીભરની રહી હોય પણ તેને બિછાવવા માટે કરેલું તપ અનન્ય છે અને તેથી તે વૈભવી શય્યા છે, એક બાગ સ્વાગત માટે આનાથી વધુ તૈયારી બીજી શી રીતે કરી શકે? હૃદય સ્વયં બાગ બની ગયું હોય અને તેમાં વસંતની સવારી આવી રહી હોય તે રીતે પ્રિયતમાનું આગમન કવિને સભર સભર બનાવી મૂકે છે. એને મુખે કેવળ ‘પધારો’ એ શબ્દ જ રમી રહ્યો છે પણ અંદર તો કંઈ કેટલીયે કલ્પનાઓ હિલોળી રહી છે. કવિ ન્હાનાલાલે વસંતની સાક્ષીએ હરિનાં વધામણાં કરતાં ગાયેલું: ‘આ વસંત ખીલી શતપાંખડી, હરિ આવો ને! આ સૃષ્ટિએ ધરિયા સોહાગ હવે તો હરિ આવો ને!’ આવી તીવ્ર આરત પછી થતું પ્રિયતમાનું આગમન હૃદયને સર્વોત્કૃષ્ટ પ્રસન્નતા બક્ષનારું હોય તે સમજી શકાય તેમ છે. અહીં કવિ એ રીતે પ્રિયતમાના આગમનને નીરખે છે. જેમ બાગ માટે વસંતઋતુ પ્રિયતમા હોય અને તેની પરમ પ્રતીક્ષાને અંતે તેનું આગમન થયું હોય તેમ અહીં પણ કવિનું બાગ બાગ હૃદય પુલકિત થઈ ઊઠ્યું છે. અત્યાર સુધી ગુલાબોને પરેશાન કરતા ભમરા હવે તમને નિહાળી તમારા તરફ ધસી ગયા છે અને એટલે ગુલાબોની કોમળ કાયાને હવે ભય રહ્યો નથી તેમ કહેતા કવિ વ્યંજનાની ઉત્કૃષ્ટ ભંગિમા પ્રગટાવી પોતાની ઉત્તમ કાવ્યકળાનો અહીં પરિચય કરાવે છે. અહીં ભાગ્યે જ એ સ્પષ્ટ કરવાની જરૂર પડે કે પ્રિયતમાનું સૌંદર્ય ગુલાબો કરતાં પણ અધિક છે. અતિશયતા પણ આપણને સમુચિત લાગવા માંડે છે તેમાં કવિતાનો ચમત્કાર છે. પ્રિયતમાની આંખોની સુંદરતાને પરાસ્ત કરવા માટે પણ તેથી અધિક સુંદર એવું કોઈ નથી તે વાતે કવિ અર્થાત્ કાવ્યનાયક હરખાઈ ઊઠે છે. હવે કવિ જે જુએ છે તે બીજાં કોઈને દેખાય તેવું નથી. તેઓ જુએ છે કે પવન સુગંધ સાથે દોસ્તી કરી તેના ગળે હાથ નાખી કૂંપળોની છેડતી કરી રહ્યો છે. જે કંઈ થઈ રહ્યું છે તે પ્રકૃતિનાં તત્ત્વો વચ્ચે થઈ રહ્યું છે. તેને છેડતી તો માણસો કહે છે પણ માણસ કંઈ પ્રકૃતિથી પર નથી. એ પણ પ્રકૃતિની રીતે જ આ આવિર્ભાવોનો ભાગીદાર છે. જે કંઈ થાય છે તે થયા વગર રહી શકે તેમ નથી તેવી સહજ સ્વીકૃતિ અહીં વ્યંજિત છે. આ શરણાગતિ નથી. આ ઊર્ધ્વીકરણ છે. વસંતના આગમનને વૃક્ષ રોકી શકે નહીં તેવી આ વાત છે અને વસંતનો સ્વીકાર એ વૃક્ષનો પરાજય નથી, વસંતનો વૈભવ એ તો એની શોભા છે. વાસંતી વૃક્ષ એ ઊર્ધ્વીકૃત થયેલું વૃક્ષ છે. કવિ આ સમજથી જ જાણે બધાં નિયંત્રણો કે મલાજાઓની પાર રહેલા આ નૈસર્ગિક સત્યને સર્વોપરી સાબિત કરવા અહીં મથ્યા છે. આવી પ્રાપ્તિ એ જ ‘ગજબની ઘડી’ છે તેવું કહેતા કવિ આ આખી વાત પ્રિયપાત્રને સંબોધીને મુખોમુખ કરે છે તેમાં નિખાલસતા પણ છે અને સૌંદર્યની કદર પણ છે. તેમાં એકરાર પણ છે અને સમર્પણ પણ છે. પ્રેમની એક વિશિષ્ટ અને પરમ સુંદર અનુભૂતિ લેખે આ રચનાને જુઓ કે પ્રકૃતિ સાથે પ્રકૃતિના સંમિલનની રીતે એને જુઓ, છેવટે તો સૌંદર્યનો મહિમા કરવો જ અહીં અભિપ્રેત છે. એવું સૌંદર્ય, જે સર્વથી નિરાળું છે, સર્વોપરી છે. જેના વગર કોઈને ચાલતું નથી, છતાં જે દરેકને સાંપડતું નથી.