માણસાઈના દીવા/૪. પગને આંખો હોય છે

Revision as of 07:15, 5 January 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪. પગને આંખો હોય છે

ઊપડ્યા ત્યારથી છેક અમદાવાદ સ્ટેશને જુદા પડી ચાલી નીકળ્યા ત્યાં સુધી એમણે મારા માટેનો જંગમ અધ્યાપનવર્ગ ચાલુ રાખ્યો હતો. પહેલું ગામડું હજુ આવવાનું હતું. પણ વૃક્ષો તો માર્ગે ઊભાં જ હતાં. નવા પ્રદેશની સાચી પિછાન એની વનૌષધિના પરિચય વગર અધૂરી રહે, પૂછતો ગયો :"દાદા, આ શું?" એ ઓળખાવતા ગયા : “આ કાંકર કહેવાય. ખેતરો ને વાડીઓ ફરતાં એ ઝાડ તો ગઢ–કોટ જેવાં ઊગી પડે. એની વાડમાં કોઈ સોંસરું જઈ ન શકે.” “આ?” “એ ચીતળો. એના મૂળ ઘસીને શરીર પર લગાડે તો ફોલ્લા ઊપડે.” “ઓ હો! ત્યારે તો અમુક રોગો પર ‘બ્લિસ્ટર ઉપડાવવાની તબીબી સગવડ કુદરતે જ યોજી રાખી છે ને શું!” “આ ધોળી આકડી. એના મૂળિયાંમાંથી ગણેશાકૃતિની ગાંઠ નિકળે છે.” “આ ઝાડ પર પથરાઈ પડેલી સોનાના તાર જેવા અસંખ્ય ચળકતા તાંતણાવાળી વેલ : તેને લોકો કહે છે ‘અંતર–વેલ.' સંસ્કૃતમાં શબ્દ છે — ‘નિર્મૂલી' ; મૂળિયાં એને હોય નહિ. પૃથ્વીમાં ઊગવાની એને જરૂર નહિ. એકાદ કકડો લઈ અમુક ઝાડ પર નાખી દો એટલે બારોબાર એ ઝાડમાંથી જ પોષણ લઈને નિર્મૂલી આટલી બધી વિસ્તરે છે. માટે જ હું અંગ્રેજ સરકારને લોકો કને ‘નિર્મૂલી' અથવા ‘અંતર-વેલ' કહી ઓળખાવું છું!”