પરકમ્મા/સૌથી મોટું પાપ ખુટામણ
મરતા પિતાને મોંયે પણ એ ધરતીનું પાણી પુત્રે ન મૂક્યું. કારણ કે એ પૃથ્વી ગોઝારી હતી. એના માલિકે ખુટામણ કર્યું હતું. ને ખુટામણની તોલે આવે તેવું બીજું એકેય પાપ સોરઠની ધરામાં મનાયું નથી. એક વાર જેને આશરો દેવાઈ ગયો તે ચોર, ખૂની કે ડાકુ હોય તો પણ એના પ્રત્યે ખુટામણ-વિશ્વાસઘાત ન થઈ શકે. ચાંપરાજવાળા બહારટિયાને હાથ કરવા માટે સરકારની જેતપુર વગેરેના કાઠી દરબારો પર ભીંસ થતાં એમાંના આગેવાન દરબાર મૂળુવાળાએ હામી બની ચાંપરાજની તલવાર છોડાવી અને પછી તો સરકારે ચાંપરાજને કાળા પાણીની સજા કરી, એટલે ચારણ પાલરવ ગિયડે ફિટકારવો ઘણો ઉગ્ર દુહો કહ્યો— વન ગઈ પાલવ વિના, જનની કે’તાં જે; દોરીને ચાંપો દેતે માન્યું સાચું મૂળવા. (હે મૂળુવાળા! તમારી કાઠીઓની માતા, લગ્ન વખતે ચૉરીમાં બેસે છે ત્યારે કાપડું નથી પહેરતી, એ મેં આજે સાચું માન્યું. અર્થાત કાઠીલગ્નની આ રૂઢિ પર એવો મર્મ કર્યો કે ‘તમે કાઠીઓ નાગીના છો.’) જોગીદાસ ખુમાણને વિશે પણ એમ જ બન્યું. એમના બહારવટાનો તાપ ન સહેવાયો એટલે સરકારે અને ભાવનગર રાજ્યે— ઠેરઠેર ભેજિયાં થાણાં કાઠી ગળે ઝલાણા કોય; જસદણ અને જેતપર જબદી ડરિયા મૂળુ શેલો દોય. જેતપરના મૂળુવાળાએ અને જસદણના શેલા ખાચરે આ તાપથી અકળાઈ અંગ્રેજ સરકાર પાસે અરજ કરી. સરકારે કહ્યું– ‘જોગીદાસને લઈ આવો તો ઊગરશો—’ પોતાના જાતભાઈઓને ઉગારવા જોગીદાસ શરણે થયા. એ બનાવથી તો આ ચારણી કાવ્યનો કર્તા ભાવનગરનો સ્તુતિકાર હોવા છતાં ય એટલી વેદના પામ્યો કે એણે એજ કાવ્યમાં ગાયું— ખાળા ચાળા મેલ્ય ખુમાણે વાળાનો કીધો વિશવાશ; કૂડે દગો કાઠીએ કીધો દોરી દીધો જોગીદાસ! અરે દગલબાજો! તમે વિશ્વાસઘાતી બન્યા! ખુટામણ કર્યું! જોગીદાસને દોરીને સોંપી દીધો! – લાગે છે કે જ્યાં જયાં ‘ટ્રાઈબલ લાઈફ’ હશે ત્યાં બધે જ આ ‘ખુટલાઈ’ વધુમાં વધુ ગંભીર ગુનો ગણાતી હશે. ખેર, નવું ટાંચણ-પાનું ઊઘડે છે અને રક્તપાતમાંથી સૌદર્યજનિત તત્ત્વજ્ઞાનમાં લઈ જાય છે.